‘સામાજિક વિજ્ઞાન’નાં પુસ્તકોએ વંચિતોના ઇતિહાસ અને સ્થાનિક ઇતિહાસને ભણાવવાની ખાસ્સી આભડછેટ રાખી છે.
ગુજરાતની હજારો શાળાઓનાં લાખો બાળકોને કેવો અભ્યાસક્રમ ભણાવાય છે એ બાબતમાં વાલીઓની નરી ઉદાસીનતા અને સરકારી તંત્રની ‘આગે સે ચલી આઈ’ની નીતિના પ્રતાપે, ઢંગધડા વગરનો રાજા-મહારાજાઓ-સુલતાનો-બાદશાહોનો ઇતિહાસ ભણાવવામાં આવી રહ્યો છે. ધોરણ ૬થી ૧૦ લગીના ‘સામાજિક વિજ્ઞાન’નાં પાઠ્યપુસ્તકોના અભ્યાસને આધારે આ તારણ મળે છે. ગુજરાત સરકારનાં ર૬ જેટલાં ખાતાંમાં રપમા ક્રમે સત્તાવાર રીતે મૂકવામાં આવેલા શિક્ષણવિભાગમાં ત્રણ-ત્રણ શિક્ષણમંત્રી અગાઉ પ્રાથમિક શાળાના શિક્ષકથી લઈને કૉલેજના અધ્યાપક સુધી અધ્યાપનનો અનુભવ ધરાવે છે. પાઠ્યપુસ્તકો તૈયાર થયા પછી અંતિમ મંજૂરીનો શેરો પણ તેઓ મારે છે, છતાં પાઠ્યપુસ્તકોમાં બ્રિટિશ શાસનકાળના પ્રભાવતળે લખાયેલા ઇતિહાસમાં ભાગ્યે જ ઝાઝો ફેરફાર થયો છે.
ગુજરાતમાં તો છેલ્લા બે દાયકાથી સંઘ પરિવારની ભારતીય જનતા પાર્ટીનું લગભગ અખંડ શાસન રહ્યા છતાં ‘સામાજિક વિજ્ઞાન’નાં પાઠ્યપુસ્તકોમાં કૉંગ્રેસયુગ હજુ અખંડ ચાલી રહ્યો છે. બાળક છઠ્ઠા ધોરણથી દસમા ધોરણ લગી રાજા-રજવાડાં અને બાદશાહ-નવાબો, અંગ્રેજ શાસકો અને ૧૮પ૭ના સ્વાતંત્ર્યસંગ્રામમાં છેવટે થોડા ઘણા ક્રાંતિકારીઓનાં ઉમેરણ અથવા અતિરેક ભણે છે. આઠમા ધોરણમાં ક્રાંતિકારીઓને ભણીને નવમા ધોરણમાં જનાર બાળક ફરી પાછું એ જ ક્રાંતિકારીઓને ભણે છે, એ પણ ઇતિહાસના સમયગાળા મુજબ નહીં, આડેધડ અને આગળ પાછળ.
રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધીને ભણાવાય છે જરૂર, પણ એ ક્રાંતિકારીઓ અને બીજા જહાલવાદી નેતાઓ પછીના ક્રમે આવે છે! ગુજરાત સરકાર અગાઉ ખાનગી પ્રકાશકોનાં પાઠ્યપુસ્તકોને મંજૂરી આપવાની મકતેદારી ધરાવતી હતી. ૧૯૬૯ પછી ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ પાસે એની જવાબદારી સુપરત કરાઈ. રાજ્ય શિક્ષણ ભવન(રાયખડ)ના નવઅવતાર ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (જીસીઈઆરટી) અને માધ્યમિક શિક્ષણ બૉર્ડ જેવી સ્વાયત્ત ગણાતી છતાં સરકારી વિભાગની જેમ જ ચાલતી સંસ્થાઓના માધ્યમથી પાઠ્યપુસ્તકો તૈયાર કરવાની પરંપરા અમલમાં મૂકાઈ. એ પછી પણ અંતિમ મંજૂરી તો રાજ્યની સરકાર આપે છે.
ઇતિહાસમાં વંચિતોના ઇતિહાસ (સબલ્ટર્ન હિસ્ટ્રી) અને સ્થાનિક ઇતિહાસ ભણાવવા પર ભાર મૂકવામાં આવ્યા છતાં ગુજરાતનાં ‘સામાજિક વિજ્ઞાન’નાં પુસ્તકોએ વંચિતોના ઇતિહાસ અને સ્થાનિક ઇતિહાસને ભણાવવાની ખાસ્સી આભડછેટ રાખી છે. પંડિત જવાહરલાલ નેહરુને ‘કટ ટુ સાઇઝ’ કરવાના સંકેત અપાયા હોય એ સમજી શકાય છે, પણ ‘પોતીકા’ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ કે વીર વિઠ્ઠલભાઈ પટેલને પણ ઝાઝું મહત્ત્વ અપાયું નથી. પાઠ્યપુસ્તકોમાં ભારતના વિભાજન અને આઝાદી પછી ઢંગધડા વિનાનાં પાકિસ્તાનની માગણીનાં વિવરણ રજૂ કરાયાનું થોકબંધ લેખકો અને સંપાદકો તથા ઢગલાબંધ સમીક્ષકો જ નહીં, વિષય સલાહકાર અને કન્વીનર – સહકન્વીનર એવા નિષ્ણાતોની પેનલની નજરમાંથી પણ બહાર ગયું છે.
સાતમા ધોરણના પ્રથમ સત્રના ‘સામાજિક વિજ્ઞાન’માં ચૌહાણ વંશના પૃથ્વીરાજ ચૌહાણ અને શાહબુદ્દીન ઘોરી વચ્ચેના જંગની વાત અધકચરી આપી છે. પૃથ્વીરાજની ત્રણ રાણીઓમાંની એક કનોજના રાજા જયચંદની કુંવરી સંયુક્તાના અપહરણની ઘટના અને કનોજના રાજા જયચંદનો ઉલ્લેખ ત્રણમાંથી એકેય પ્રકરણમાં કરાયો નથી. કનોજ પર જયચંદનું રાજ ઇ.સ. ૧૧૭૩થી ૧૧૯૩ વચ્ચે હતું. એમની કુંવરી સંયુક્તાનું પૃથ્વીરાજે હરણ કર્યું એ સહિતની ઘણી બાબતોથી ઉશ્કેરાઈને જયચંદે મહંમદ ઘોરીને તેડાવ્યો અને એનો પક્ષ લીધો હતો. જયચંદ અને મીરઝાફર એ બે નામ ગદ્દારી માટે નામચીન છે. “પૃથ્વીરાજ પૂર્વ તૈયારી વગર હિંમતથી એકલા લડ્યા. સાથી રાજપૂત શાસકોનો સાથ ના મળ્યો. પૃથ્વીરાજ ચૌહાણ હાર્યો. દિલ્લી ઉપરથી રાજપૂત શાસનનો અંત આવ્યો.
શાહબુદ્દીન ઘોરીએ દિલ્લી પર સલ્તનત સ્થાપી.” આવી નોંધ નિશ્ચિત હાસ્યાસ્પદ લાગ્યા વિના રહેતી નથી. એનાથી વધુ હાસ્યાસ્પદ નોંધ તો મહંમદ ગઝની વિશેની છે. એણે “અનેકવાર ચડાઈઓ કરી હતી.” “આંધી સ્વરૂપે સોમનાથ ઉપર ચડી આવ્યો. તે સમયે ગુજરાતમાં ભીમદેવ સોલંકીનું શાસન હતું. સૌરાષ્ટ્ર અને ગુજરાતના ઘણા લોકો સોમનાથને બચાવવા ભીમદેવ સોલંકી સાથે જોડાયા પણ સફળતા ન મળી.” પાઠ્યપુસ્તકમાં આવું નર્યું જૂઠ્ઠાણું ભણાવીને ઇતિહાસને વિકૃત કરાય છે. ગઝની ચડી આવ્યો ત્યારે ગુજરાતનો રાજા ભીમદેવ નાસી છૂટ્યો હતો.
સાતમા ધોરણના ‘સામાજિક વિજ્ઞાન’ના દ્વિતીય સત્રના પાઠ્યપુસ્તકમાં મહારાણા પ્રતાપ હલ્દીઘાટીના યુદ્ધમાં હાર્યાની વાત કહેવાનું ટાળવામાં આવ્યા છતાં “જ્યાં સુધી ચિત્તોડ મળશે નહીં, ત્યાં સુધી પલંગ ઉપર સૂઇશ નહીં” એવી પ્રતિજ્ઞા રાણા પ્રતાપે જીવનના અંત સુધી નિભાવ્યાની વાત અહીં કરાઈ છે. ‘મુઘલ સામ્રાજ્યના સુવર્ણયુગ અને અસ્ત’માં બાદશાહ જહાંગીરની ન્યાયપ્રિયતા, ખેતીને પ્રાધાન્ય આપનાર બાદશાહ શાહજહાંએ બંધાવેલા તાજમહાલ સહિતનાં સ્થાપત્યો અને બાદશાહ ઔરંગઝેબની ગજબની યાદશક્તિ તથા શિવાજી સાથેની લડાઈઓ તેમ જ જાટ અને શીખોના બળવાની વાત સવિશેષ કરાઈ છે. ઈ.સ. ૧૬૭૪માં રાજ્યાભિષેક પછી માંડ છ વર્ષ રાજ કરનાર છત્રપતિ શિવાજીના અષ્ટપ્રધાનમંડળનો ઉલ્લેખ છે, પણ ‘હિંદવી સ્વરાજ’ કે અફઝલ ખાન સાથેના પ્રસંગનો ઉલ્લેખ ક્યાં ય જોવા મળતો નથી.
છઠ્ઠા ધોરણના પ્રથમ સત્રમાં ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીને ‘શાંતિ અને અહિંસાનો સંગમ’ લેખાવવામાં આવે છે, પણ બેઉ વૈદિક ધર્મ કે હિંદુ ધર્મમાં સુધારા માટે પ્રયત્નશીલ હોવાની વાત કહેવાને બદલે ‘એ સમયના ધાર્મિક ક્રિયાકાંડો અને પશુ-બલિથી લોકો દૂર થયા’ એવો બંને ઉપદેશકોએ શાંતિ અને અહિંસાનો માર્ગ અપનાવવા લોકોને અનુરોધ કર્યાનું નોંધવામાં આવ્યું છે. સમ્રાટ અશોકને જૂનાગઢના શિલાલેખના ઉલ્લેખ સાથે ‘ઇતિહાસના મહાન રાજાઓમાંનો એક’ ગણાવવાનો પ્રયાસ કરીને કલિંગ(હવેના ઓડિશા)ના યુદ્ધમાં એણે એકાદ લાખ લોકોને મોતને ઘાટ ઉતાર્યા અને દોઢેક લાખને કેદ કર્યા પછી પશ્ચાતાપ રૂપે તેને બૌદ્ધ ધર્મ અંગિકાર કરતો દર્શાવાયો છે.
અશોક ભણી અહોભાવ દર્શાવનાર ઇતિહાસકાર ચાર્લ્સ ઍલન સહિતનાએ નોંધ્યું છે કે સમ્રાટ અશોકે ઇ.સ. પૂર્વે ર૬રમાં કલિંગ પર આક્રમણ કર્યું એનાં બે વર્ષ કે અગાઉ એણે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો. સમ્રાટ અશોકના અત્યાચારી રાજવી તરીકેના વ્યક્તિત્વના ઇતિહાસનાં નવાં પૃષ્ઠો ખૂલતાં ગયાં હોય ત્યારે ઇતિહાસને નવેસરથી લખવાના આગ્રહી શાસકોના યુગમાં બ્રિટિશ પરંપરાનો જ ઇતિહાસ ભણાવાય ત્યારે અચરજ થવું સ્વાભાવિક છે.
ધોરણ 1 થી 8નાં પાઠ્યપુસ્તકો ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (જીસીઇઆરટી) તૈયાર કરીને પાઠ્યપુસ્તક મંડળને મોકલી આપે છે. એમાં જરૂરી સુધારા કરીને પાઠ્યપુસ્તકમંડળ પુસ્તકો પ્રકાશિત કરે છે. બન્ને સંસ્થાઓના તત્કાલીન નિયામકોએ નોંધ મૂકી છે : ‘એક વર્ષની અજમાયશ પછી સમગ્ર રાજ્ય માટે તૈયાર થયેલાં ધોરણ ૬થી ૮નાં આ પાઠ્યપુસ્તકોને ક્ષતિરહિત બનાવવા પ્રયત્ન કર્યો છે. છતાં ક્ષતિ રહી ગઈ હોય તો ધ્યાન દોરવા વિનંતી છે.’ એમની અપેક્ષા મુજબ જ ‘સામાજિક વિજ્ઞાન’નાં પાઠ્યપુસ્તકોની યથાશક્તિ સમીક્ષાનું કામ હાથ ધરાયું છે.
સૌજન્ય : ‘કાચો પાઠ’, “દિવ્ય ભાસ્કર”, 13 જુલાઈ 2016
http://www.divyabhaskar.co.in/news/ABH-tat-history-teaching-socially-disadvantaged-vignan-history-books-5371354-NOR.html