Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9330604
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જયાબહેન દેસાઇનું લંડનમાં રંગભેદની નીતિ સામે અહિંસક આંદોલન

શિરીન મહેતા|Diaspora - History|18 February 2017

નડિયાદની 'દેહણ' – યુ.કે.ની ગાંધીવાદી વીરાંગના

બ્રિટનની ફેકટરીમાં ગોરાઓ દ્વારા પૂર્વ આફ્રિકાથી આવેલા લોકો અને ઇન્ડિયન પર આચરવામાં આવતી રંગભેદનીતિ વિરુદ્ધ જયાબહેન અને પુત્ર શિવકુમારે સત્યાગ્રહની માફક અસહકારના કાર્યક્રમ શરૂ કર્યા, આમ બ્રિટિશ સરકારને એશિયન સ્ત્રીઓની તાકાતનો પરિચય થયો

બ્રિટનમાં ગુજરાતી સ્ત્રીઓના ડાયસ્પોરનો ઇતિહાસ જયાબહેન દેસાઈની ઐતિહાસિક ગાથા વગર અધૂરો છે.

ચરોતરના પાટીદારનું ખમીર જયાબહેનમાં ઠંડી તાકાત રૂપે જન્મતાં જ પ્રાપ્ત થયેલું. મા-બાપે આ તાકાત દીકરીમાં પાળી અને પોષી. ૧૯૩૩માં ધર્મજ ગામે, પેટલાદ તાલુકામાં જન્મ થયો. પિતા ગોરધનભાઈ ગોવિંદભાઈ પટેલ ગાંધીવાદી વિચારસરણીથી પ્રભાવિત થયેલા. ગાંધીજીએ ૧૯૧૮થી ખેડા જિલ્લો ચરોતરને પોતાની કર્મભૂમિ બનાવી હતી.

અહીંના પટેલો, અનાવિલો ગાંધીજીના જમણાં હાથ સમા હતા. જ્યારે જયાબહેનનો શૈશવકાળ હતો ત્યારે દેશ આઝાદીના જંગમાં ઓતપ્રોત હતો. ૧૯૪૦-૪૨ 'હિંદ છોડો' આંદોલન એ ગાંધીજીના જીવનનું આખરી આંદોલન હતું. સભાઓ, સરઘસો, પ્રભાતફેરીઓ, ધરપકડ, લાઠીચાર્જ એ રોજબરોજના બનાવો ગુજરાતને ગામડે ગામડે ફેલાયેલા હતા.

પિતા ગોરધનભાઈ ગાંધી કાર્યકર જુગતરામ દવેના ગાઢ સંપર્કમાં હતા. જુગતરામ દવેએ દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓના ઉદ્ધાર માટે ધૂણી ધખાવી હતી અને ખાદી પ્રવૃત્તિ ગળાડૂબ હાથ ધરી હતી. ગોરધનભાઈ ખેડા જિલ્લાના ખાદીભંડારની પ્રવૃત્તિમાં મુખ્ય કાર્યકર બન્યા. ૧૯૨૧થી ગાંધી સત્યાગ્રહમાં ગોરધનભાઈ જોડાયા. ૧૯૨૧-૨૨ના અસહકાર આંદોલનના પાયાના કાર્યકર હતા. તેમની પત્ની કમળાબહેન બહેનોને સુંદર કંઠે આઝાદીનાં, સ્વાતંત્ર્યનાં ગીતો ગવડાવતાં. આ વાતાવરણમાં નાની જયા જન્મી.

ધર્મજની ભાગેળે પિતાનું ઘર અને બધાં સરઘસો ત્યાંથી નીકળે. ૮, ૧૦ વર્ષની જયાની આંખ ઊઘડે ત્યારે ગીતો ગવાતાં હોય 'શિર જાયે તો જાયે, આઝાદી ઘર આવે' 'ઈન્કલાબ ઝિન્દાબાદ' 'ક્વિટ ઈંડિયા' 'ગાંસડાં પોટલાં બાંધો બ્રિટનિયા' 'કરેંગે યા મરેંગે'. જયા સફાળી ઊભી થાય અને વાવટો પકડવાનો એવો શોખ લાગેલો કે વાવટો પકડવા સીધી ભાગોળે દોડે. ગાંધીવાદી કાર્યકરોનું તે પ્રિય લાડકું પાત્ર હતું. બધા તેમને કહેતા ''ચકલી નાની ને ફફડાટ ઘણો.'' ખરેખર મોટી વયે પણ તેમની નાજુક પાતળી દેહલતા, ૪-૧૦''ની ઊંચાઈ, પણ ઘણી તાકાત ધરાવતું ખમીરવંતુ વ્યક્તિત્વ હતું. જયાબહેન વટથી કહેતાં કે ''૧૯૪૨માં સરઘસ નીકળ્યું ત્યારે મારી પાસે આગળ પડતા આગેવાનો અને કાર્યકરોને કુમકુમ અને તિલક કરાવ્યાં હતાં. તેમાં જશભાઈ બેરિસ્ટર હતા, રવિશંકર મહારાજ હતા.

મેં કરેલા તિલકવાળા એક પણ કાર્યકર ગોળીનો ભોગ બન્યા ના હતા. ૧૯૪૨માં નાની જયા જીદ કરી પિતા સાથે ધર્મજમાં સરઘસમાં જોડાઈ. જનરલ લાયરે બેસુમાર લાઠીચાર્જનો દોર ચલાવ્યો. જયા ઠંડી તાકાતથી ઊભી રહી, ''શું કરી લેશે?'' અંગ્રેજ આ બાળકીનો વાળ પણ વાંકો કરી શક્યો નહિ. પિતા જયાને ઐતિહાસિક વાતો કહેતા. તેઓ કહેતા, ''હિરા ગયા, હેમ ગયા, કથીર રહ્યાં પરદેશીઓ ભારતને પાયમાલ કરતા ગયા.''

જયાનો અભ્યાસ ૧૦ ધોરણ સુધી થયો. ૧૯૫૫માં સૂર્યકાન્ત દેસાઈ સાથે લગ્ન થયાં. તેઓ મૂળ નડિયાદના. પેશ્વાઓ ''દેસાઈગીરી''નો ભોગવટો બાપદાદાને વારસામાં આપતા ગયા હતા. કુટુંબ ખૂબ ઘનાઢ્ય હતું. સૂર્યકાન્તભાઈએ કેમ્બ્રિજની પરીક્ષા પસાર કરી કૌટુંબિક જવાબદારી નિભાવવા દારેસલામ (ટાંઝાનિયા) આવ્યા. પુત્ર શિવનો જન્મ ધર્મજમાં થયો હતો. જયાબહેને પણ ટાંઝાનિયાની વાટ પકડી. બીજા પુત્ર રાજીવનો જન્મ દારેસલામમાં થયો.

૧૯૬૧માં ટાંઝાનિયામાં સ્વતંત્રતા આંદોલન ચાલ્યું. રાજકીય સમીકરણો બદલાવવા માંડયા. બે બાળકો ઘણાં તેજસ્વી હતા. દેસાઈ દંપતીને બાળકોનાં શિક્ષણની સમસ્યા સતાવતી હતી. ૧૯૬૪માં ભારત આવ્યાં. મહત્ત્વાકાંક્ષી સૂર્યકાન્તભાઈ ૧૯૬૮માં લંડન આવ્યા, વેમ્બલીમાં રહ્યા, રેન્ક ઈન્ડસ્ટ્રીઝમાં નોકરી સ્વીકારી. પણ સખત મહેનત કરવી પડતી, શારીરિક શ્રમ કરવો પડતો. જયાબહેન સિલાઈકામમાં પહેલેથી નિષ્ણાંત હતાં. ''જ્યુડી'' નામની ફેક્ટરીમાં ડ્રેસ બનાવવાનું કામ મેળવ્યું. મશીન ચલાવતાં શીખ્યાં.

લંડનમાં બી.બી.સી.ના 'ફૉર વિમેન અવર શૉ'ની ૭૦મી એનિવર્સરીની ઉજવણીના ઉપક્રમે પાવર વિમેન્ટ લીસ્ટ જાહેર કર્યું. જેમાં માર્ગરેટ થેચર, બારબરા કાસલ, ઓસ્ટ્રેલિયન લેખિકા જરમેઇન ગ્રીરની સાથે નડિયાદની દેહણ નામથી જાણીતાં થયેલાં જયાબહેન દેસાઇને સ્થાન મળ્યું છે

બ્રેન્ટ કાઉન્સિલે જયાબહેનને 'સિટીઝનશિપ' એવોર્ડ એનાયત કર્યો.

જયાબહેને વળી પાછું સિલાઈકામ 'બ્રેન્ટ ઈંડિયન એસોસિયેશન'માં મેળવી લીધું. હેરો કોલેજમાં સીવણકામ શરૂ કરવા માટેનો અભ્યાસક્રમ ઘડયો. બ્રેન્ટ ઈંડિયન એસોસિયેશનની બહેનો કોમ્યુિનટી ડેવલપમેન્ટના પ્રોગ્રામ કરતી તેમાં જયાબહેન જોડાયાં. વૃદ્ધજનો માટે શરૂ કરાયેલી સંસ્થા પેન્શનર્સ ક્લબમાં તે ઘણાં સક્રિય બન્યાં. ડેનિસ જેક્સન સેન્ટરમાં ચાલતી મહિલા મંડળની પ્રવૃત્તિમાં પાયાના કાર્યકર તરીકે જોડાયાં. વિલાસબહેન ધનાણીના રિફ્લેક્સોલોજી અને યોગના વર્ગોમાં જયાબહેન ખૂબ મદદ કરતાં. આ ઉપરાંત નવી પેઢીના ગુજરાતી બાળકો ગુજરાતી ભૂલતા જતાં હતાં. તેમને ગુજરાતી શિખવાડવા તેમણે અથાગ પરિશ્રમ કર્યો. રસપ્રદ રીતે, આનંદ પ્રમોદ સાથે શીખવતાં.

બ્રેન્ટ કાઉન્સિલે તેમને 'સિટીઝનશિપ' એવોર્ડ એનાયત કર્યો. બેટરસી હાઈસ્ટ્રીટ ખાતે આવેલા બ્રિટિશ ઈન્ડસ્ટ્રિયલ મ્યુિઝયમમાં કાંસાની પ્રતિમા મૂકવામાં આવી છે. જયાબહેન કેવળ ગુજરાતી તરીકે જ નહીં પણ જગતની નારીચેતનાના ઇતિહાસમાં તેઓ ગૌરવવંતુ પાત્ર છે. જયાબહેનના શબ્દોમાં કહીએ તો ''પોતાના અધિકારો માટે લડત આપવી, પોતાનું સ્વમાન, આત્મગૌરવ જાળવવું, તેના માટે ફના થવું – એ મૂલ્યો મને સ્વાતંત્ર્યની ચળવળે અને માતાએ તેમ જ પિતાએ તેમનાં વર્તનથી મારામાં ઘૂંટયાં.'' બ્રિટિશ સરકારને એશિયન સ્ત્રીઓની તાકાતનો પરિચય કરાવ્યો.

જયાબહેનનો ૫ુત્ર શિવકુમાર અંગ્રેજ છોકરાઓના રેગિંગનો હિંમતપૂર્વક સામનો કરતો

બ્રિટનમાં રંગભેદની નીતિ પરાકાષ્ઠાએ પહોંચી હતી. ઈનોક પોવેલ અને નેશનલ ફન્ટનું જોર વધતું હતું. જયાબહેનનાં બાળકોને ગીબોન-સ્લે બ્રુક પ્રાયમરી સ્કૂલમાં દાખલ કર્યાં. અંગ્રેજ છોકરા ચીડવતા, મશ્કરી કરતા, થૂંકતા અને મૂતરતા પણ. શિવકુમાર અંગ્રેજ છોકરાઓના રેગિંગનો હિંમતથી સામનો કરતો. નેશનલ ફ્રન્ટના માણસો ગુજરાતીઓનાં ઘરોના કાચ ફોડતા. ગુજરાતીઓની દુકાનો લૂંટતા, સ્થળાંતર કરી આવેલાં બાળકોને 'સી' વર્ગમાં દાખલ કરતા. અંગ્રેજી બાળકો 'એ' 'બી' વર્ગમાં ભણતા. ગુજરાતી છોકરાઓ ખૂબ હોંશિયાર તેથી અંગ્રેજી છોકરાં ઉશ્કેરાતા, મારતાં, ઝૂડતાં અને કાંટામાં ફેંકી દેતા. અંગ્રેજ શિક્ષકો વિદેશી બાળકોને સતત સંદેશો આપતાં ''તમે અંગ્રેજ બાળકોની સમકક્ષ નહિ થઈ શકો.'' જયાબહેનનાં બાળકોમાં પણ સ્વતંત્રતાની ખુમારી ઊતરી હતી. જયાબહેન કહેતાં ''ગાંધીજીનું વાક્ય મને હંમેશાં યાદ રહેતું  :  ''અન્યાય સહન કરવો ગુનો છે. અન્યાય સામે ઝઝૂમવું જોઈએ.''

જયાબહેન કહે છે  કરેંગે યા મરેંગે – શિર જાય તો જાયે …

૧૯૭૬-૭૮માં રંગભેદની નીતિ વિરુદ્ધ લંડનમાં ફેકટરી વર્કરમાં ચાલેલી હડતાલની નેતૃત્વ જયાબહેન દેસાઈએ કરેલું

જયાબહેન ખૂબ જવાબદાર પત્ની અને પ્રેમાળ માતા હતાં. સિલાઈ અને ઘરકામમાંથી ફાજલ સમય મળતાં નોકરી કરવાનું મન થયું. ૧૯૭૪માં વિલ્સડનમાં 'ગ્રીનવીક ફોટો પ્રોસેસિંગ લેબોરેટીઝ'માં હિસાબકિતાબ રાખવાનું કામ મળ્યું. ફિલ્મ ધોવાય તેના પૈસા પહેલાં આવે પછી આવે તે નોંધવા, લેવા. સ્ટેમ્પ લાવવા, પત્રવ્યવહાર, ડ્રાફ્ટ મોકલાવવા વગેરે સંભાળતાં. તેમને જુદાં બેસાડવામાં આવતાં. આ કંપની ૧૯૬૫માં ત્રણ અંગ્રેજોએ સ્થાપી હતી – એન્ટની ગ્રન્ડી, જ્યોર્જ વૉર્ડ અને જોન હિકી. પોતાના નામોના પહેલા – બીજા અક્ષરો જોડી નામ ગ્રીનવીક કંપની આપ્યું. કંપનીનો મેનેજર મેલ્કમ ઓલ્ડન હંમેશાં ઓવરટાઈમ કરાવવાનો આગ્રહ રાખે.

ખૂબ કડક, મિજાજી. બીજી બાજુ પૂર્વ આફ્રિકાથી સ્થળાંતર કરી આવેલાઓને નોકરીની ખૂબ જરૂર હતી, નિ : સહાયતા હતી, લાચારી હતી. અંગ્રેજો આ તકનો લાભ લઈ રંગભેદ અને શોષણ નીતિ તાકાતથી અપનાવતા. દરેક કર્મચારીને ભયભીત દશામાં રાખતા. ઓલ્ડન બોલતો રહેતો ''કાઢી મૂકીશ’'. વધારે સમય કામ કરે તેમનાં નામો પાટિયામાં ઉપર લખાતાં. નિર્ધારિત સમય કરતાં વધારે કામ ના કરનારનાં નામો નીચે રહેતાં. નીચે નામવાળાને હંમેશાં લટકતી તલવાર રહેતી.

જયાબહેન પોતાનાં કામમાં ખૂબ પાવરધાં, પૂરી ચકાસણીથી કરતાં, ઓવરટાઈમ તેમને ખટકતો. તેમના પતિ તેમને, 'ઓવરટાઈમ ના કરવો, કામ પરવારી નિર્ધારીત સમય પૂરો થતાં ઘેર જવાની તૈયારી કરતા હતાં ત્યાં સુપરવાઈઝર પીટર ડફીએ તેમને પડકાર્યાં ''તમને ઘેર જવાની પરવાનગી કોણે આપી?'' વધારાનું કામ તે લઈને આવ્યા. સાથે મેનેજર ઓલ્ડન આવ્યો. તેઓ ઘાંટા પાડતા હતા. ઘેર ના જવાનું ફરમાવાતા. જયાબહેને તેમને ઘાંટા પાડતા રોક્યા.

ડફીએ જયાબહેનને કાઢી મૂકવાની ધમકી આપી. બધા કર્મચારીઓ એકત્રિત થયા. જયાબહેને કહ્યું, ''મારું રોજગારી કાર્ડ આપો મારે તમારી સાથે કામ નથી કરવું.'' તેમનો મોટો દીકરો શિવકુમાર વેકેશનમાં ગ્રનવીક ફેક્ટરીમાં જોડાયો હતો. તેણે ઓલ્ડન અને ડફીને કહ્યું, ''તમે અહીં ફેક્ટરી નથી ચલાવતા. પણ આ ઝૂ છે. જ્યાં વાનર જેવાં પ્રાણીઓ તમારે ઈશારે નાચે છે. પણ અમે તમારાં મોઢાં ફાડી નાંખનારા સિંહો છે. સમજ્યા?''

વાત આગળ વધી. મોટાભાગના કર્મચારીઓમાં અસંતોષ હતો. પણ બોલવાની હિંમત ના હતી. જયાબહેન ફેક્ટરી બહાર નીકળ્યાં ત્યાં તરતનો રૂખસદ મળેલો યુવાન તેના બે મિત્રો સાથે મળ્યો. તેઓ માલિકની કારને નુકસાન પહોંચાડવાની વાત કરતા હતા. જયાબહેનનો અહિંસક, સત્યાગ્રહી આત્મા પોકારી ઊઠયો. આ યુવાનોને જણાવ્યું, ''જો જો આવું કશું કરતા, આથી તમને નુકસાન થશે. આપણે લડત શરૂ કરીએ. યુનિયન બનાવીએ. આપણો અવાજ જગવીએ.'' જયાબહેનમાં કરેંગે યા મરેંગે – શિર જાય તો જાયે … એ નાદ રણકી ઉઠયા.

જયાબહેન અને તેમના પુત્ર શિવકુમારે હવે મોટા પાયા ઉપર પગલાં લેવાં શરૂ કર્યાં. તીર છૂટી ગયું હતું. યુનિયન રચવા પ્રયાસ શરૂ કર્યા. નાગરિક સલાહકાર મંડળે તેમ જ બ્રેન્ટ પરગણાંની કાઉન્સિલે તરત માર્ગદર્શન આપ્યું, તે પ્રમાણે 'એપેક્સ'(એસોસિએશન ઑફ પ્રોફેશનલ્સ, એક્ઝિક્યુટિવ, ક્લેરિકલ અને કોમ્પ્યુટર સ્ટાફ)ના સભ્ય થવાનું શરૂ કર્યું. ફેક્ટરીના મેનેજમેન્ટ સાથે વાટાઘાટો શરૂ કરી પણ પરિણામ ના આવ્યું. ગાંધીજીના સત્યાગ્રહની માફક અસહકારના કાર્યક્રમો શરૂ થયા.

પિકેટિંગ લાઈન બનાવાઈ તે ઓળંગી કોઈ નોકરીએ ના જાય. ૪૮૦ કર્મચારીમાંથી ૧૩૭ જોડાયા. ધીમે ધીમે બીજી ફેક્ટરીમાંથી ૫૦૦૦ મજૂરો હડતાલને ટેકો આપવા જોડાયા. મજૂર પક્ષના પાર્લામેન્ટના સભ્ય એમ.પી. ઓડ્રીવાયઝની ધરપકડ થઈ. તપાસ સમિતિની રચના થઈ. હાઉસ ઑફ કોમન્સ-સામાન્ય સભાના ૫૦૦ સભ્યોને હાજર રહેવાની ફરજ પડી. ટી.વી. છાપાઓએ આ બનાવને ખૂબ પ્રાધાન્ય આપ્યું. જયાબહેનનું નેતૃત્વ આખા બ્રિટનમાં પંકાયું. આ હડતાળ ૧૯૭૬-૭૮ બે વર્ષ ચાલી. લોકોની આંખ ઊઘડી. અન્યાય સામે ઝઝૂમવાની તાકાત લોકો કેળવતા ગયા પણ જયાબહેનની તબિયત લથડી.

સંદર્ભ : http://gujaratsamachar.com/index.php/articles/display_article/shatdal/shatdal-magazine-jayabahen-desai-london-s-non-violent-movement-against-apartheid-21-december

સૌજન્ય : ‘શતદલ’ પૂર્તિ, “ગુજરાત સમાચાર”, 21 ડિસેમ્બર 2016 

Loading

18 February 2017 શિરીન મહેતા
← Sufi shrine attack in Pakistan
ફ્રેડરિક ડ્રમ્ફનું ઇમિગ્રેશન: ગરીબ જર્મનની અમીર અમેરિકન જિંદગી →

Search by

Opinion

  • પ્રેમને મારી નાખતી સંસ્કૃતિને જ મારી નાખો
  • ધૂલ કા ફૂલ : હિંદુ-મુસ્લિમ એકતામાં યશ ચોપરાનો નહેરુવાદી રોમાન્સ
  • મોંઘા ગુલાબના ઉપવનો
  • ક્યારે ય ‘આઉટ ઓફ પ્રિન્ટ’ ન થયેલી નવલકથા 
  • ઝૂફાર્માકોગ્નોસી : પ્રાણીઓ કેવી રીતે પ્લાન્ટ્સને દવાખાનું બનાવે છે!

Diaspora

  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા
  • દ્વીપોના દેશ ફિજીમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દી

Gandhiana

  • ગાંધીનો હિટલરને પત્ર 
  • ઈશુનું ગિરિ-પ્રવચન અને ગાંધીજી
  • ગાંધી : ભારતની પ્રતિમા અને પ્રતીક
  • પૂજ્ય બાપુની કચ્છ યાત્રાની શતાબ્દી 
  • ગાંધીશતાબ્દી કેવી રીતે ઊજવીશું?

Poetry

  • તારવણ
  • હે કૃષ્ણ ! કોણ છે તું?
  • આ યુદ્ધ છે !
  • હાલો…
  • એક ટીપું

Samantar Gujarat

  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 
  • સરકારને આની ખબર ખરી કે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ
  • અરુણભાઈનું ઘડતર – ચણતર અને સહજીવન

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved