ઓક્ટોબર 19, 1885ના દિવસે ન્યૂજર્સીના સેન્ડી હુક બંદર પર એસ.એસ. ઇડર નામનું પ્રવાસી જહાજ લાંગરે છે, જે બાર દિવસ પહેલાં બ્રેમેન, જર્મનીથી છૂટ્યું હતું. એના તૂતક ઉપર ઊભેલો સોળ વર્ષનો છોકરો ફ્રેડરિક ડ્રમ્ફ [Friedrich Drumpf] દૂર ન્યૂયૉર્ક બંદરગાહને જોઇ રહ્યો છે, જ્યાં સ્ટેચ્યુ ઑફ લિબર્ટીનું બાંધકામ ચાલુ છે. એ દિવસોમાં અમેરિકા પણ ‘બંધાઇ’ જ રહ્યું હતું. ફ્રેડરિક જર્મનીના એના નાનકડા શહેરમાં વાળ કાપવાનું શીખ્યો હતો, પણ એની મહત્ત્વાકાંક્ષાઓ ઘણી મોટી હતી, અને એટલે જ એ મેનહટનની તળેટીમાં આવેલા કાસલ ગાર્ડન(આજના કાસલ ક્લિન્ટન)ના કિલ્લામાં ઊતરી રહ્યો હતો.
1892થી 1954 સુધી સૌથી વ્યસ્ત રહેલું અને અમેરિકામાં 1 કરોડ 20 લાખ પરદેશીઓને પ્રવેશ આપનારું બંદર ઇલીસ આઇલેન્ડ હજુ ખૂલ્યું ન હતું. એ વખતે કાસલ ગાર્ડન જ પ્રવેશ કેન્દ્ર હતું. કાસલ ગાર્ડન મૂળભૂત રીતે 1812માં બ્રિટિશરોના આક્રમણ ખાળવા માટે બંધાયું હતું. જેમ જેમ અહીં લોકો વસતા ગયા, અને બિલ્ડરોને રૂપિયા દેખાવા લાગ્યા તેમ તેમ એની પ્રાથમિકતા બદલાઇ, અને પરદેશીઓને ખાળવાને બદલે આવકાર અપાવવા લાગ્યો. 1855થી 1890 સુધી અહીં 80 લાખ પરદેશીઓ ઉતાર્યા હતા.
ન્યૂયૉર્કમાં ખુશકિસ્મત જિંદગીની શરૂઆત કરવા માટેનું પરદેશી બંદરગાહ ગણાતા આ કાસલ ગાર્ડનમાં ફ્રેડરિક ઊતર્યો ત્યારે સ્થાનિક અધિકારીઓએ ફ્રેડરિકની ઉચિત પૂછતાછ કરીને એની બધી વિગતો ચોપડામાં ટપકાવી. આ કાર્યવાહી પછી ફ્રેડરિક એની બહેન કેથરીનને મળ્યો હતો, જે અગાઉથી જ ન્યૂયૉર્કમાં આવી હતી અને ફ્રેડરિક શુચર નામના ક્લાર્કને પરણી હતી. ફ્રેડરિકના આગમનની એને ખબર હતી જ, કારણ કે સ્થાનીય સમાચારપત્રોમાં એસ.એસ. ઇડર જહાજ આવી રહ્યાના સમાચાર મોટા અક્ષરે છપાયા હતા.
ફ્રેડરિક આવ્યો તે દિવસનાં સમાચારપત્રોમાં ભવિષ્યના અમેરિકાની ઝાંખી હતી. કોઇકમાં સ્થાનિક મ્યુિનસિપાલિટીના ચુનાવમાં બ્લંડરની ખબર હતી, તો કોઇકમાં પોલીસને હાથતાળી આપીને છટકી ગયેલા બિલ્ડરના સમાચાર હતા. ન્યૂયૉર્કમાં ખેતરમાં મિલ બાંધવાની લાલચ આપીને બે ધનિક ખેડૂતને લૂંટી ગયેલા ‘પૈસે ટકે સુખી દેખાતા’ બે એજન્ટની ઘટના બની હતી, તો ‘ટાઇમ્સ’ સમાચારપત્રમાં મુરે હિલ, ફિફ્ટી સેવન્થ સ્ટ્રીટ અને સેવન્થ એવન્યૂ ઉપર લક્ઝુરિયસ પ્રોપર્ટી વેચવાની વિજ્ઞાપનો હતી.
એ દિવસો કઠોર અસમાનતાના હતા. એક તરફ નવા ધનિકો એમની સંપન્નતાનું છડેચોક પ્રદર્શન કરતા હતા, તો બીજી તરફ મેનહટનનું લોઅર ઇસ્ટ સાઇડ દુનિયાભરના ગરીબોથી ઉભરાઇ રહ્યું હતું. ફ્રેડરિકની બહેન 76 ફોર્સીથ સ્ટ્રીટ (હાલના ચાઇનાટાઉન) ઉપર રહેતી હતી, જે કાફી ભીડભાડવાળો વિસ્તાર હતો. સામાજિક બદલાવ માટે થઇ રહેલી સુધારાવાદી કાર્યવાહી અંતર્ગત અહીં ફોર્સીથ સ્ટ્રીટને બીજા ત્રણ વિસ્તારો સાથે સાંકળે તેવું મૉડલ ટાઉન બનાવાયું હતું, જેની અંદર 39 સોસાયટીમાં આવેલાં 605 એપાર્ટમેન્ટ્સમાં 2,700 લોકો રહેતા હતા. 264 બાથરૂમ હતા, અને માત્ર 40 એપાર્ટમેન્ટમાં જ ગરમ પાણીની વ્યવસ્થા હતી.
ફ્રેડરિક ડ્રમ્ફ જે વર્ષે ન્યૂયૉર્કમાં આવ્યો તે 1885માં જ ડેનમાર્કના સ્કૂલ ટીચરનો છોકરો જેકોબ રીસ પણ કાસલ ગાર્ડન થઇને ન્યૂયૉર્ક આવ્યો હતો, અને ફ્રેડરિકની જેમ જ ફોર્સીથ સ્ટ્રીટની ખાક છાનતો હતો. આ જેકોબ પાછળથી અંધારામાં મેગ્નેિશયમની લાઇટ કરીને ફોટોગ્રાફી કરવાની તકનીક શોધવાનો હતો. અંધારી ગલી-કૂંચીઓમાં રહેતા લોકોનું જીવન કેવું હતું તે આજે પણ જેકોબે પાડેલા ફોટામાં સચવાયેલું છે. ફ્રેડરિકને ત્યારે અંદાજ પણ ન હતો, ભૂંડોની જેમ રહેતા લોકોની આ બસ્તી પર ભવિષ્યમાં એનો જ વંશજ ભવ્યાતિભવ્ય ઇમારતો ચણશે.
ફોર્સીથ સ્ટ્રીટ જર્મન લોકોથી ઉભરાતી હતી. પૂરી 19મી સદી દરમિયાન અહીં જર્મન લોકોનાં ધાડાં આવતાં રહ્યાં હતાં, અને એક સમયે લોઅર મેનહટનનો એ છેડો દુનિયાનું ત્રીજા નંબરનું જર્મન શહેર (બર્લીન અને વિએના પછી) ગણાતું હતું. સ્ટાટસ-ઝેઇતુંગ નામનું ન્યૂયૉર્કનું જર્મન સમાચારપત્ર અહીં મફત વહેંચાતું હતું. ફ્રેડરિક આવ્યો તેના એક વર્ષ પછી 1886માં ફોર્સીથ સ્ટ્રીટ પર જ નેબરિંગ ગીલ્ડ નામના રહેવાસી ઇલાકાની શરૂઆત થઇ, જે આજે યુનિવર્સિટી સેટલમેન્ટ હાઉસ તરીકે ઓળખાય છે અને આજે ય ત્યાં નવા પરદેશીઓ આવે છે. રશિયામાં કત્લેઆમ થઇ ત્યારે યહૂદીઓનાં ધાડે ધાડાં આ સેટલમેન્ટમાં આવ્યાં હતાં.
જૂના ચર્ચમાંથી બનેલા નવા સીનેગોગ આજે પણ ત્યાં ઊભા છે. જેકોબે જે ફોટા પાડેલા તેમાં અફીણની દુકાનોમાંથી ડોકાતા ચીની ચહેરાઓ પણ જોવા મળે છે. 18મી સદીના મધ્યમાં યહૂદી પરિવારો સબર્બમાં પથરાતા ગયા તેમ ફોર્સીથ સ્ટ્રીટ ચાઇના ટાઉનમાં સમાતી ગઇ. ફોર્સીથ સ્ટ્રીટ પર જે ઇમારતમાં ફ્રેડરિક રહ્યો હતો, તેના પહેલા ફ્લોર પર આજે જાપાનીસ રેસ્ટોરાં છે અને ઉપર એપાર્ટમેન્ટ છે, તેના ભોંયતળિયે ફુઝીયન અમેરિકન ઇલ્ડ્રીઝ એક્ટિવિટી નામનું એક સેન્ટર છે, જ્યાં આજે ય માહજોંગ નામની ચાઇનીસ રમત રમાય છે.
બાજુમાં ગોલ્ડન બર્ક બાર્બર શોપ છે, જે ફ્રેડરિકનો મૂળ ધંધો હતો. ત્રીજા દરવાજે મ્યુિનસિપાલિટીની નોટિસનો કાગળ હવામાં ફરફરી રહ્યો છે, જેમાં કચરો ફેંક્યાનો દંડ લખ્યો છે. ફ્રેડરિક ફોર્સીથ સ્ટ્રીટ ઉપર છ-આઠ મહિનાથી વધુ ટક્યો ન હતો, અને એ દરમિયાન પણ ઘર બદલતો રહ્યો. એનું નામ સમય સમય પર ડિરેક્ટરીઓમાં એના જેવાં જ નામોની યાદીમાં આવતું રહ્યું. દાખલા તરીકે ફ્રેડરિક ક્યારેક સિગાર બનાવનાર માઇકલ ડ્રમ્ફસેલરની સાથે, ક્યારેક પેઇન્ટર ફ્રેન્ક ડ્રમ્ફસેટા સાથે, તો ક્યારેક કોઇક વિધવા કેથરીન ડ્રમ્ફસર્બર સાથે રહ્યો હતો. સનબોર્ન નામની ન્યૂયૉર્કની વીમા કંપની તે વખતે સનબોર્ન મેપ બતાવતી હતી, અને તેમાં ફ્રેડરિકે જેટલા ઘર બદલ્યાં હતાં તેની માહિતી સચવાયેલી છે.
1891માં ફ્રેડરિક વૉશિંગ્ટન સ્ટેટ જતો રહ્યો, અને ત્યાંથી એ ઉત્તર-પશ્ચિમ કેનેડામાં આવેલા ક્લોન્ડાઇ પ્રદેશ જઇ ચડ્યો. આ ક્લોન્ડાઇ એ જ જગ્યા છે, જે ઇતિહાસમાં સોનાની ખાણ તરીકે દર્જ છે, અને 1896થી 1899 સુધી અહીં એક લાખ લોકો સોનાની તલાશમાં આવ્યા હતા. ‘થ્રી જનરેશન્સ ઑફ બિલ્ડર્સ’ નામની કિતાબ લખનાર ગ્વેન્ડા બ્લેરે પેશ કરેલા દસ્તાવેજો પ્રમાણે ફ્રેડરિકે આ ક્લોન્ડાઇ પ્રદેશના ખાણિયાઓને શરાબ, કબાબ અને શબાબ વેચવાનો ધંધો શરૂ કર્યો હતો.
એક દાયકા પછી એ ન્યૂયૉર્ક પાછો આવ્યો ત્યારે ફ્રેડરિક ‘માલદાર’ શેઠ બની ગયો હતો. પહેલા એ ન્યૂયૉર્કના પાંચ પૈકીના એક સબર્બ બ્રોન્કસમાં સ્થાયી થયો. આ બ્રોન્કસ અમેરિકાનું સૌથી ગીચ સબર્બ છે. એ પછી એ ક્વીન્સ સબર્બના વુડધહેવન સેક્શનમાં રહેવા ગયો. આ એ જ જગ્યા છે જ્યાં ડ્રમ્ફ ખાનદાનનાં ઊંડાં મૂળિયાં નખાયાં. અહીં જ એનાં લગ્ન થયાં અને અહીં જ પરિવાર બન્યો. અહીં જ એણે યુ.એસ. પાસપોર્ટ માટે અરજી કરી અને અહીં જ એણે એની જર્મનીની બેન્કમાં 80 હજાર માર્ક્સ જમા કરાવ્યા.
મે, 1918ના દિવસે ફ્રેડરિક ચાલતાં ચાલતાં પડી ગયો, અને બીજા દિવસે અમેરિકાનો મેમોરિયલ ડે હતો ત્યારે જ એ હોસ્પિટલના બિછાને મરી ગયો. 1918માં વિશ્વભરમાં 50 લાખથી 1 કરોડ સુધીના લોકોનો ભોગ લેનાર ન્યુમોનિયા એના મોતનું કારણ હતો. ફ્રેડરિક ત્યારે 49 વર્ષનો હતો. એની સંપત્તિમાં ક્વીન્સમાં બે માળ અને સાત રૂમનું મકાન, પાંચ ખુલ્લા પ્લોટ, 4 હજાર ડોલરનું સેવિંગ્સ, 3,600 ડૉલરના શેર અને 14 જણને આપેલી લોન હતી.
31,359 ડૉલરની (આજે 499,900 ડૉલરની) આ સંપત્તિ પત્ની એલિઝાબેથ અને દીકરા ફ્રેડના નામે હતી અને બંનેએ ભેગા મળીને ફ્રેડરિકનો રિયલ એસ્ટેટનો ધંધો આગળ વધાર્યો.
આ એ જ ફ્રેન્ડ હતો જેની પત્ની મેરી જૂન 14, 1946ના દિવસે ડ્રમ્ફ ખાનદાનના વધુ એક ચિરાગ ડોનાલ્ડ ટ્રમ્પને જન્મ આપવાની હતી. યસ, અમેરિકામાં દેશાંતર કરીને આવેલા જર્મન નાગરિકોની થતી ઊલટ-તપાસથી બચવા 16 વર્ષના એ છોકરા ફ્રેડરિક ડ્રમ્ફે પહેલું કામ એની અટક ડ્રમ્ફમાંથી ટ્રમ્પ કરવાનું કર્યંુ હતું. એ આવ્યો ત્યારે સ્વતંત્રતાની દેવીનું જ્યાં પૂતળું બંધાતું હતું એ કિલ્લો તો એનાથી ય જૂનો હતો.
જે વિદેશીઓનાં ધાડાં ખાળવા બંધાયેલો હતો. ડ્રમ્ફનો ચિરાગ ડોનાલ્ડ પરદેશીઓ માટે એથી ય મોટી દીવાલો ઊભી કરશે, એવી ફ્રેડરિકને ત્યારે કલ્પના ય નહીં હોય. ડોનાલ્ડ ટ્રમ્પનો પૌત્ર જ્યારે મોટો થશે ત્યારે ઇમિગ્રાન્ટનો આ દેશ અમેરિકા સાવ જ બદલાઈ ગયો હશે.
(નોંધ: ન્યૂયૉર્કર પત્રિકામાં આવેલી કહાનીના આધારે)
સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 19 ફેબ્રુઆરી 2017