દૂધ જેવાં સફેદ વસ્ત્રો, ભારે શરીર, ધીમી ચાલ, ચહેરા પર હંમેશાં મુસ્કરાહટ સાથે એક અધ્યાપિકા વર્ગખંડમાં પ્રવેશતાં, ત્યારે તેમની જુદી જ આભા ઊભી થતી. વર્ગખંડમાં બધા જ વિદ્યાર્થીઓ તરફ માયાળુ દૃષ્ટિ નાખી તેઓ આસન ગ્રહણ કરતાં. વિદ્યાર્થીઓની શારીરિક હાજરીનો વિધિવિધાન પત્યા પછી વર્ગખંડમાં થોડીવાર ટહેલીને સામૂહિક ખબર અંતર પૂછતાં. પ્રત્યેક વિદ્યાર્થીનું નામ તો તેઓ સત્ર શરૂ થયાને પખવાડિયામાં જ જાણી ચૂક્યાં હોય. સાથે તેમનું ગામ અને અપ-ડાઉન કરે છે કે હૉસ્ટેલમાં રહે છે તે પણ. આવાં વિદ્યાર્થીપ્રિય પ્રૉફેસરનો મારા માટે પહેલો અનુભવ હતો. આ પ્રોફેસર એટલે ડૉ. ઉષાબહેન ભટ્ટ અપરિણીત ઉષાબહેન પોતાના પરિચયમાં ડૉ. કુ. ઉષા ઘનશ્યામભાઈ ભટ્ટ લખતાં. તારીખ ૨ ઓક્ટોબર, ૨૦૨૦ના રોજ ૮૨ વર્ષની વયે ગાંધીવાદી અને હકારાત્મકતાના પર્યાય સમાં ઉષાબહેનનું અવસાન થયું એ પણ એક નોંધવા જેવો યોગાનુયોગ.
ગુજરાત કૉલેજ અને ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગમાં ૪૦ વર્ષ જેટલો લાંબો સમય તે ઇતિહાસનાં અધ્યાપક અને વિભાગીય વડા રહેલાં. ગુજરાત ઇતિહાસ પરિષદનાં પ્રમુખ પણ રહી ચૂકેલાં. આધુનિક ભારતીય નારી ઇતિહાસ અને ખાસ તો ગુજરાતમાં સ્વતંત્રતા આંદોલન અને તેમાં મહિલાઓનાં યોગદાન બાબતે ઉષાબહેન નિષ્ણાત સંશોધક હતાં ‘અમદાવાદ શહેરની સ્ત્રી નેતૃત્વશક્તિ’ અને ‘ભારતમાં સ્ત્રી નેતૃત્વ: ઉદ્ભવ અને વિકાસ’ ઉષાબહેન ભટ્ટના પ્રકાશિત ગ્રંથો છે. ઉપરાંત પથિક, સામીપ્ય, વિદ્યા અને ઇન્ડિયન હિસ્ટોરિકલ ક્વાર્ટરલી જેવાં અનેક સામયિકોમાં તેમણે આધુનિક ગુજરાત, નારી ઇતિહાસ અને સ્વતંત્રતા આંદોલન વિષે અનેક લેખો લખ્યા.
ભારતના મહિલા ઇતિહાસ વિષે ઉષાબહેનને ખાસ લગાવ હતો. મહિલા ઇતિહાસ ગુજરાતના ઇતિહાસના અભ્યાસક્રમોમાં સ્થાન પામે એ માટે તેમની મથામણ રહી હતી. (મથામણ, સારું, એની વે, એની હાઉ વગેરે તેમના તકિયાકલામ હતા!) જ્યાં પણ તક મળે ત્યાં ઉષાબહેન મહિલા ઇતિહાસની થિયરી અને વિષયવસ્તુ રજૂ કરવાનું ચૂકતાં નહીં. મહિલા ઇતિહાસ ઇતિહાસના અલગ એકમ તરીકે નહીં, પણ સર્વાંગી ઇતિહાસના ભાગરૂપે લખાય અને ભણાવાય એ તેમની હંમેશાં હોંશ રહી હતી. છેલ્લાં વર્ષોમાં ગુજરાતની મોટા ભાગની યુનિવર્સિટીઓમાં નારી ઇતિહાસને સ્થાન મળતાં તેમને ઘણી તૃપ્તિ થઈ હતી. ઇતિહાસ વિભાગના આશ્રયે યોજાતા પરિસંવાદોમાં ઉષાબહેન હોંશભેર આવતાં અને એ વિશે પોતાનો ઉમળકો વ્યક્ત કરતાં.
ઉષાબહેન હકારાત્મકતાનો પર્યાય હતાં. તેઓ ભાગ્યે જ કોઈ વિષે ઘસાતું બોલતાં. વિદ્યાર્થીઓને તો તેમનો આત્મવિશ્વાસ બુલંદીએ પહોંચે તે હદે પોરસાવતાં – તેમના કામની-અભ્યાસની પ્રગતિ બાબતે રૂબરૂ અને ટેલિફોનિક માહિતી પ્રાપ્ત કરતાં રહેતાં. તેમણે અનેક વિદ્યાર્થીઓનું ઘડતર કર્યું છે. આજે ગુજરાતના ભાગ્યે જ એવા કોઈ ઇતિહાસના અધ્યાપકો હશે કે જે તેમનાં નામ અને કામથી પરિચિત ન હોય! છેલ્લાં વર્ષોમાં તબિયતના લીધે તે ઘરેથી નીકળી શકતાં ન હોવા છતાં મિત્રો અને વિદ્યાર્થીઓને મળવા તત્પર રહેતાં. ઉષાબહેન માણસભૂખ્યાં હતાં. ગુજરાતને ઇતિહાસના સંશોધકો તો મળતાં રહેશે, પણ વિદ્યાર્થીઓ પ્રત્યે અને જ્ઞાનજગત પ્રત્યે પ્રતિબદ્ધ અધ્યાપકોની ખોટ વર્તાઈ રહી છે ત્યારે ઉષાબહેન ભટ્ટની ખોટ અવશ્ય વર્તાશે. અલવિદા, ઉષાબહેન.
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 12 ઑક્ટોબર 2020; પૃ. 16