ગુજરાત વિધાનસભા – ૨૦૧૭ની ચૂંટણી રંગેચંગે પૂર્ણ થઈ. ગુજરાતના મતદારોએ પોતાનો નિર્ણય ઇ.વી.એમ. દ્વારા આપી દીધો. ૧૫૦ બેઠકોનો લક્ષ્યાંક રાખનાર અને તે રણટંકાર કરનારા ભા.જ.પ.ને ૯૯ બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે. દેશના વડાપ્રધાનશ્રીની અસંખ્ય ચૂંટણીરેલી-સભાઓ યોજવી પડી. પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રીને ૪૦ દિવસથી પણ વધુ દિવસ ગુજરાતમાં સ્થાયી થવું પડ્યું છતાં પણ કૉંગ્રેસપક્ષ ૮૦ સુધીની બેઠકો મેળવી ગયો.
૨૦૧૪ની લોકસભની ચૂંટણીટાણે ભા.જ.પે. ૬૦ ટકાથી વધુ વોટ મેળવીને તમામેતમામ ૨૬ બેઠકો જીતી હતી, જ્યારે કૉંગ્રેસને ૪૦ ટકા મત મળવા છતાં એક પણ બેઠક મળી ન હતી. આમ તે વખતે ભા.જ.પ. આશરે ૧૬૦ વિધાનસભા વિભાગોમાં બહુમતી ધરાવતો હતો. આના સંદર્ભમાં ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં ભા.જ.પ.ના ૧૧ ટકા મત ઓછા થયા અને કૉંગ્રેસના ૧.૫ ટકા મત વધ્યા છે. કૉંગ્રેસ વિધાનસભામાં બહુમતીના આંકડા સુધી પહોંચાડવામાં સફળ રહી. આ વખતની ચૂંટણીમાં સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે ગ્રામીણ ગુજરાતમાં કૉંગ્રેસ અને શહેરી અને અર્ધશહેરી વિસ્તારોમાં ભા.જ.પે. સારો દેખાવ કર્યો છે.
ગુજરાતમાં ગ્રામીણ બેઠકો પર ભા.જ.પ.ને ૨૦૧૨માં ૫૦ બેઠકો મળી હતી, જે આ વખતની ચૂંટણીમાં ૪૩ થઈ ગઈ, જ્યારે કૉંગ્રેસને ૨૦૧૨માં ૪૩ બેઠકો મળી હતી, તે હાલમાં ૫૫ ટકાનો આંકડો પાર કરી ગઈ છે. એ જ રીતે અર્ધા-શહેરી વિસ્તારોમાં ભા.જ.પ.નો ચાર બેઠકો ઉપર પરાજય થયો. જ્યારે કૉંગ્રેસને વધુ પાંચ બેઠકો મળી છે. એટલે અન્ય મુદ્દાઓને ધ્યાનમાં લઈએ તો પણ ગ્રામીણ ગુજરાતમાં કૉંગ્રેસ કાઠું કાઢ્યું છે. કૉંગ્રેસે મેળવેલી બેઠકોમાં ડાંગ, તાપી, નર્મદા, મોરબી, અરવલ્લી, ગીરસોમનાથ અને અમરેલી જિલ્લામાં ભા.જ.પ.ને નામશેષ કરીને બધી જ બેઠકો જીતી લીધી છે.
આ બધી વાતો આંકડાની કરી છે, પણ ગુજરાતમાં ખેડૂતો અને ખેતીની સ્થિતિ, અત્યંત ખરાબ હોવાથી અને ખેડૂતોના અગણિત પ્રશ્નોના ઉકેલમાં શાસકપક્ષે દાખવેલી ઉદાસીનતાને કારણે ગ્રામીણ પ્રજાએ કૉંગ્રેસને વધુ બેઠકો આપીને ભા.જ.પ.ની શાન ઠેકાણે લાવી છે. ગુજરાતમાં ૫૨ લાખ ખેડૂતો અને ૬૮ લાખ ખેતમજૂરો છે. તદુપરાંત ખેતી માટેનાં ખાતર, દવાઓ, બારદન, ઉપરાંત ખેતપેદાશોની જાળવણી, પરિવહન, બજારમાં વેચાણ સાથે ઘણા લોકો સંકળાયેલા છે. બહેનો, ખેતીને આનુષંગિક એવા દૂધ અને પશુપાલન જેવા વ્યવસાયો સાથે સંકળાયેલી છે. આ બધાંનો સરવાળો કરીએ તો ગુજરાતની કુલ વસતીના ૭૦ ટકાનો સમાવેશ આ વિભાગમાં થાય છે.
છેલ્લાં ઘણાં વર્ષોથી સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે કે ખેડૂતોને ખેતપેદાશોના પોષણક્ષમ ભાવો મળતા નથી. ખાતર, બિયારણ અને જંતુનાશક દવાઓના ભાવ બેફામ વધી રહ્યા છે, તેથી તેમનું ખેત ઉત્પાદનખર્ચ વધતું જાય છે. પોતાની ઉપજના નજીવા ભાવ મળતા હોવાથી ખેડૂતો પાયમાલ થઈ જાય છે અને આત્મહત્યાને રસ્તે વળે છે. ખેતી માટે વીજળીનું જોડાણ મેળવવાની ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. આજે, ૨૦૧૭માં પણ આશરે, ૩,૦૦,૦૦૦ ખેડૂતોને વીજળી-જોડાણો મળવાનાં બાકી છે. ખેડૂતોને સસ્તી લોન પણ મળતી નથી. સિંચાઈ અને જમીન સંપાદનધારાએ હદ કરી દીધી છે. પાકવીમો મેળવવો પણ અભિમન્યુના સાત કોઠાને પાર કરવા જેવું છે. આ બધી વિકટ પરિસ્થિતિમાં ખેડૂત અને તેની સાથે સંકળાયેલા લોકો ખૂબ જ દુઃખી અને અસહાય સ્થિતિમાં હતા. આવામાં ખેડૂતોની આવક ૨૦૨૨ સુધીમાં બમણી કરવાનો વડાપ્રધાનશ્રીનો આશય પાર પડી શકે તેમ નથી. તેવું ગ્રામીણ પ્રજાને લાગતાં તેનું પ્રતિબિંબ મતદાનમાં જણાઈ આવે છે.
ગામડાંઓમાં વીજળી, રસ્તા, સિંચાઈનું અને પીવાનું પાણી મેળવવાની અપાર મુશ્કેલીઓ તો રોજબરોજની છે. સાથોસાથ, આરોગ્ય અને શિક્ષણમાં ચાલતી ઉઘાડી લૂંટના કારણે ગ્રામીણ પ્રજા ત્રસ્ત થઈ ગઈ હતી. ગરીબીરેખાથી પણ નીચે તેમનું જીવનધોરણ ગયું હતું અને શાસકો કુંભકર્ણની નિદ્રામાં હતાં. ગુજરાતમાં શાસકોને પાઠ ભણાવવા સમગ્ર ગ્રામીણ પ્રજાએ તેમની વિરુદ્ધમાં મતદાન કરીને પોતાનો આક્રોશ અને ગુસ્સો વ્યક્ત કર્યો છે.
ભા.જ.પે. પોતાના સંકલ્પપત્રમાં ખેડૂતોની આવકને બમણી કરવા સસ્તું, ખાતર, બિયારણ, સિંચાઈની સુવિધા અને યોગ્ય પોષણક્ષમ ભાવ આપવાનું વચન આપ્યું છે અને તેમની સમસ્યાઓનું ત્વરિત નિદાન કરવાનું અને ઉકેલ લાવવાનું આશ્વાસન આપ્યું છે. ગ્રામીણ પ્રજાને તેમની મૂળભૂત સુવિધાઓ જેવી કે ઘર, શૌચાલય, નળજોડાણ, વાહનવ્યવહારની સુવિધાઓ આપીને ગામડાંઓનો સર્વાંગી વિકાસ કરવાનો સંકલ્પ કર્યો છે. જો આમ નહીં થાય, તો ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ફરી પાછો આવો જ દેખાવ ગ્રામીણ પ્રજા કરશે, તેવું લાગી રહ્યું છે.
E-mail : gthaker1946@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2018; પૃ. 08-09