સરકાર હવા બદલી નથી શકવાની, નાગરિકોના સહકાર વિના કંઇ થવાનું નથી અને જો પ્રદૂષણ વધશે તો નુકસાન તો સત્તાધીશોથી માંડીને સામાન્ય નાગરિકોને – બધાંયને વેઠવું પડશે
એ.ક્યુ.આઇ. – એર ક્વૉલિટી ઇન્ડેક્સ – મેટ્રો સિટીઝ માટે આ શબ્દ હવે નવો નથી રહ્યો. ટૂંકમાં જે-તે શહેરમાં હવાની ગુણવત્તાનો આંકડો ક્યાં પહોંચ્યો એ ચર્ચા સામાન્ય બની છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી આપણે દિલ્હીનાં પ્રદૂષણની ચર્ચા કરતાં રહ્યા છીએ અને આ વર્ષે મુંબઈમાં પણ ‘સ્મોગ’ પહેલાં કરતાં વધુ ચર્ચાયેલો વિષય રહ્યો. આ ચર્ચા અટકવાની નથી કારણ કે ખાંસતા, છીંકતા, ગળાના ઇન્ફેક્શન અને પ્રદૂષણને કારણે આંખેથી વહેતાં પાણી સાથે આપણે પ્રદૂષણનો વાંક કાઢવાના જ છીએ. પરંતુ એ અંગે શું થઇ શકે, શું કરવું જોઈએના મુદ્દા કે સલાહ આપ્યા પછી એને અનુસરવાનું આપણે જ ભૂલી જઇએ છીએ. આ પ્રશ્ન મેટ્રો સિટીઝ પૂરતો સીમિત પણ નથી રહ્યો. સીવોટરે કરેલા એક ખાસ સરવેના તારણ અનુસાર હવા પ્રદૂષણ આપણા દેશ માટે એક બહુ ગંભીર મુદ્દો બની ચૂક્યો છે. માત્ર શહેરોમાં જ નહીં, પણ ગામડાંમાં વસનારાંઓએ પણ હવાની કથળી રહેલી ગુણવત્તા અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી છે, આ જાગૃતિ હવે ગામડાંઓમાં પણ પહોંચી છે અને એ વાત આ સરવેમાં આંકડાઓ સાથે રજૂ કરાઇ છે.
છેલ્લાં કેટલાંક વર્ષોથી હવા પ્રદૂષણના પ્રશ્નનો ફુગ્ગો મોટોને મોટો થતો ગયો છે, લોકોનાં સ્વાસ્થ્ય પર તેની અસરને લઇને પણ ચિંતાનો ભાર વધ્યો છે, ખાસ કરીને ઉત્તર ભારતનું હવા પ્રદૂષણ તો સતત સમાચારમાં ઝળકતું જ રહે છે. આઇ.ક્યુ.એર જે આખા વિશ્વમાં હવા પ્રદૂષણના પ્રમાણની તપાસ કરતું રહે છે તેના મતે વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત 50 શહેરોમાંથી 39 શહેરો ભારતમાં છે અને સુપ્રીમ કોર્ટે પણ હવા પ્રદૂષણને નાથવા માટે નક્કર પગલાં લેવાના પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આપણે નાગરિકો તરીકે હવા પ્રદૂષણ વધ્યુ હોવાનો દેકારો કરી દઇએ છીએ પણ સુપ્રીમ કોર્ટ જ્યારે ફટાકડા ફોડવા અંગે નિયમો લાદે છે ત્યારે એ નિયમોની ઐસી-તૈસી પણ કરી દઈએ છીએ.
કમનસીબે દિવાળીનો તહેવાર પ્રકાશનો તહેવાર હોવા છતાં ય દર વર્ષે હવે આ ઉત્સવ ધુમ્મસ, પ્રદૂષણ અને ધુંધળા આકાશનો તહેવાર બની ગયો છે. ખાસ કરીને દિલ્હી, ગંગા કિનારાના પ્રદેશના મેદાનો અને પશ્ચિમ બંગાળ સુધીના વિસ્તારો હોય કે પૂર્વીય ભારતના વિસ્તારો હોય – અવકાશમાંથી લીધેલી તસવીરોમાં આ પ્રદેશો પ્રદૂષકોમાં વિંટળાયેલા ભૂખરા ધાબાં જેવા લાગે છે. દિવાળી નજીક આવે ત્યારે તેની સાથે આ પ્રદૂષણોમાં લપેટાઇ જવાની મોસમ પણ બેસે છે અને આ એક વાર્ષિક ઘટના બની ચૂકી છે. હવાનું પ્રદૂષણ હવે હળવાશથી લેવાય એવી બાબત નથી રહી, સરકારે નીતિના ધોરણે આ અંગે કડક પગલાં લેવા પડશે. વિકસીત દેશોમાં આ બાબતે નક્કર કામગીરી થતી હોય છે અને આપણે હજી એ રાહે પહોંચ્યા નથી, ત્યારે એ જરૂરી છે કે સફળતાની ચમકારાને પ્રદૂષણ ઢાંકી દે એ પહેલાં એને રોકવાની દિશામાં વિચાર કરીને જરૂરી બાબતો અમલમાં મુકાય.
દિલ્હીની હાલત તો સૂડી વચ્ચે સોપારી જેવી છે કારણ કે કેન્દ્ર સરકાર અને શહેરની સ્થાનિક સરકાર વચ્ચે જે અહમ્ના ટકરાવ ચાલે છે એમાં વહીવટનું સુરસુરિયું થઇ જાય છે. વળી ‘આપ’ હવે પંજાબમાં પણ શાસન કરે છે એટલે ત્યાંથી થતા હવા પ્રદૂષણની જાણે વાત જ નથી થતી. દિલ્હીમાં એક લાદે અને બીજા ઉલ્લંઘન કરે વાળો ઘાટ છે.
તકલીફ એ છે કે હવાના પ્રદૂષણનાં કારણોમાં હવામાન, આબોહવા, પવનની દિશાઓ, પ્રદૂષણના અન્ય સ્રોતમાં વધારો વગેરેની ચર્ચા થાય છે પણ છતાં ય પ્રદૂષણના મુખ્ય સ્રોતોને સ્પષ્ટપણે નથી પારખી શકાયા. ઉત્તર-પશ્ચિમ રાજ્યોના ખેતરોનાં આગ, શિયાળામાં ઠારને કારણે નીચે આવતા પ્રદૂષકો પર એટલો ભાર મૂકાય છે કે પ્રદૂષણનો પ્રશ્ન માત્ર ઉત્તર ભારતમાં જ છે એવું લાગે. પરંતુ મુંબઈ, ચેન્નાઈ અને અમુક હદે કોલકાતા જેવા દરિયાકાંઠે આવેલા શહેરોમાં દરિયાઇ પવનો આ શહેરો પરના હવાના પ્રદૂષકોને ધકેલી દે છે એટલે અહીંની હવા ઉત્તર ભારત કરતાં ચોખ્ખી હોવાનો ભ્રમ ખડો થાય છે. બાકી આ વર્ષે મુંબઈમાં સ્મોગે જે કેર વર્તાવ્યો છે તેને વિષે તો પહેલાં પણ ચર્ચા થઇ ચૂકી છે. દરિયાઇ પવનોને કારણે દરિયા કાંઠાના વિસ્તારોની હવા ચોખ્ખી થતી રહે છે અને માટે આ શહેરોમાં પ્રદૂષણ ઓછું હોવાનો ખ્યાલ મજબૂત બને છે. પરંતુ આ શહેરોમાં પણ વાહનો, પાવર પ્લાન્ટ, ઈંટના ભઠ્ઠા, બાંધકામની ધૂળ, કચરાના મોટામસ ઢગલાનું બળવું, ઉદ્યોગોને કારણે થતું પ્રદૂષણ પણ એટલું જ હોય છે. ભારતના મોટા ભાગના શહેરોમાં બાંધકામની ધૂળ અને વાહનો હવાની ગુણવત્તા બગાડવામાં સૌથી મોટો ફાળો આપે છે.
દિવાળીના અઠવાડિયે હવાની ગુણવત્તાનો આંકડો 400-500 નોંધાયો હતો જે જોખમી સ્તર છે અને વૈશ્વિક સલામતીના માપદંડથી દસ ગણો વધારે છે. લોકોએ દિવાળીમાં ફટાકડા ફોડવામાં ય પાછું વાળીને ન જોયું એટલે એને કારણે પણ પ્રદૂષણામાં જે ઉમેરો થવાનો હતો એ થયો જ. સરકાર હવા બદલી નથી શકવાની, નાગરિકોના સહકાર વિના કંઇ થવાનું નથી અને જો પ્રદૂષણ વધશે તો નુકસાન તો સત્તાધીશોથી માંડીને નાગરિકોને – બધાંયને વેઠવું પડશે. એર ક્વૉલિટી ઇન્ડેક્સ ચેક કરીને નિસાસા નાખવાથી પ્રશ્નો નહીં ઉકલે, એર પ્યુરીફાયર્સના માર્કેટમાં તેજી આવે એના કરતાં તો ગ્રીન એનર્જી, ગ્રીન ટ્રાન્સપોર્ટ અને ગ્રીન-સસ્ટેનેબલ ઇન્ડસ્ટ્રીઝ વધે તેનો ફાયદો વધારે થશે.
બાય ધી વેઃ
હવા પ્રદૂષણને કાબૂમાં કરવું હોય તો તેના મૂળમાં જઈને પ્રદૂષણ ઉત્સર્જિત કરતા તત્ત્વોને કાબૂમાં લેવા માટે લાંબા ગાળાના ઉકેલ માટે વહીવટી તંત્રએ કામ કરવું પડે. મોટાભાગના શહેરોમાં AQIની ઉપલી બેઝલાઈન 200-250ની આસપાસ હોય તે જરૂરી છે. આ સ્તર જાળવવા માટે જડબેસલાક યોજનાઓ જોઇએ, આડેધડ મૂકાતા ‘બ્લેન્કેટ બાન’થી કોઈ ફેર નથી પડવાનો. નેશનલ ક્લિન એર પ્રોગ્રામ પર કામ ચાલે છે પણ મોટા ભાગનું ભંડોળ સેન્સર્સ પર ખર્ચી નખાય છે હજી કોઈ સર્વાંગી ઉકેલો પર કામ નથી થયું અને અધૂરામાં પૂરું આપણે ત્યાં સંકલનનો અભાવ ન હોય એવું તો બને જ નહીં. ઉત્તર ભારતમાં ખેતરોની આગ, એક-બેકી તારીખે વાહનો વાળી વ્યવસ્થાની પાછળ કોઈ મજબૂત તર્ક નથી પરંતુ આંતરરાટ્રીય સ્તરે બેઇજિંગ અને યુરોપમાં જ્યારે રસ્તા પર વાહનો ઘટાડાયા ત્યારે ત્યાંની હવાની ગુણવત્તા સુધરી હતી. આપણે ત્યાં એક જ ઘરમાં બે કાર અને ત્રણ ટુ વ્હિલર હોય છે, વસ્તી વિસ્ફોટ પણ હવાના પ્રદૂષણમાં પોતાનું યોગદાન આપે જ એ ગણતરી કરવાનું ચૂકાય એમ નથી. ભારત અન્ય દેશો – જે હવાના પ્રદૂષણને કાબૂમાં કરવામાં સફળ રહ્યા છે તેમની પાસેથી શીખવું પડશે અને માત્ર શીખીને કામ નહીં ચાલે પણ તેના આયોજન તથા અમલ માટેની રાજકીય ઇચ્છાશક્તિનો દીવો પણ પ્રગટે એની પણ ખાતરી કરવી પડશે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 19 નવેમ્બર 2023