ઈશ્વરની કૃપાથી હું સાત વખત મોતના મોંમાંથી બચી ગયો છું.
મેં ક્યારે ય કોઈને ઈજા નથી પહોંચાડી. હું કોઈને પણ મારો દુશ્મન નથી માનતો. તો પછી મને મારી નાખવા આટલા બધા પ્રયાસ શા માટે કરવામાં આવ્યા એ મને સમજાતું નથી. મને મારી નાખવાનો ગઈ કાલનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો. હું એમ મરવાનો નથી. હું ૧૨૫ વરસ જીવવાનો છું.
મહાત્મા ગાંધી, ૩૦ જૂન ૧૯૪૬, પુણે
હિટલરના પ્રચારપ્રધાન (મિનિસ્ટર ફૉર પ્રૉપગૅન્ડા) જોસેફ ગોબેલ્સે કહ્યું હતું કે જો જૂઠાણાંને અનેક વાર દોહરાવવામાં આવે તો લોકો એને સત્ય માની લેતા હોય છે. ગોબેલ્સનું આ કથન અમે પણ અનેક વાર સાંભળ્યું છે, પરંતુ એને ગંભીરતાથી લીધું નહોતું. બે કારણ હતાં – એક તો એ કે ક્યાં ગાંધીજી જેવા વિરાટ પુરુષ અને ક્યાં આઝાદીની લડાઈમાં રતીભાર યોગદાન નહીં આપનારા બિચારા પામર જીવો. તેઓ સૂરજ સામે ધૂળ ફેંકવાની ચેષ્ટા કરે છે તો કરવા દો. આ ઉપરાંત સત્યનો હંમેશાં વિજય થાય છે એવી શ્રદ્ધા પણ ખરી. આ શ્રદ્ધા આજે પણ છે, પરંતુ હવે એટલું સમજાયું છે કે સત્યને જો સત્યના ભરોસે મૂકવામાં આવે તો એનો વિજય તો અવશ્ય થાય, પણ એ પહેલાં પ્રજાએ જૂઠાણાની કિંમત ચૂકવવી પડે અને ઘણી વાર એ કિંમત વસમી હોય છે.
બીજું કારણ એ હતું કે ગાંધીજી વિશે જૂઠાણાં ફેલાવવા આસાન નથી. ગાંધીજી જેટલો વેલ-ડૉક્યુમેન્ટેડ માણસ આ જગતમાં આજ સુધી બીજો થયો નથી. કોઈ બાળકને સવારે બાવળની જગ્યાએ લીમડાના દાતણથી દાંત ઘસવાની સલાહ આપી હોય તો એ પત્ર પણ સચવાયેલો હોય. તેમનાં પ્રવચનો, વક્તવ્યો, નિવેદનો, લેખો, પત્રવ્યવહાર, સરકાર સાથેના પત્રવ્યવહારના મુસદ્દાઓ, ટિપ્પણો, મુલાકાતીઓ સાથે થયેલી વાતચીતની નોંધો, સાથી આશ્રમવાસીઓની નોંધો અને ડાયરીઓ, અખબારોને આપેલી મુલાકાતો, પોતાના અંગત (એટલે કે સાવ અંગત) કહેવાય એવા જીવનની તેમ જ સંબંધોની વિગતો એમ બધું જ સચવાયેલું છે. તેઓ હજી મોટા માણસ નહોતા બન્યા એ સમયગાળાના પત્રવ્યવહાર અને લખાણો પણ તેમણે સાચવ્યાં હતાં. હું એમ કહી શકું કે ગાંધીજીનાં ૯૦ ટકા કથનો અને કાર્યોની પ્રમાણિત વિગતો સચવાયેલી છે. આટલા ચોકસાઈપૂર્વકના ડૉક્યુમેન્ટેડ માણસ વિશે જૂઠાણાં ફેલાવવા એ આસાન નથી. લોકો ચોકસાઈ કરી લેશે અને જૂઠાણું ઉઘાડું પડી જશે એવી શ્રદ્ધા હતી. ત્યારે એ વાત નહોતી સમજાઈ કે લોકોને સત્ય શોધવા કરતાં નિંદાપ્રસારણ કરવામાં વધારે આનંદ આવતો હોય છે.
આશિષ નન્દીનું નામ કદાચ તમે સાંભળ્યું હશે. લોકમાનસનું વિશેષ અધ્યયન ધરાવતા સમાજશાસ્ત્રી છે. તેમણે કહ્યું છે કે ગાંધીજીને ગાંધીવિરોધીઓ જેટલા ઓળખી શક્યા છે એટલા ગાંધીવાદીઓ નથી ઓળખી શક્યા. કારણ બહુ સ્પષ્ટ છે. ગાંધીજીને માનનારાઓની ગાંધીજીની વિરાટતામાં એટલી શ્રદ્ધા હતી કે તેમને ક્યારે ય એવું લાગ્યું જ નહોતું કે દરેક પેઢીને પુન: પુન: ગાંધીવિચારનો અને ગાંધીજીવનનો પરિચય કરાવતા રહેવું જોઈએ. જંગલમાં ઊગતા દરેક છોડને વટવૃક્ષનો પરિચય થોડો કરાવવાનો હોય એવી શ્રદ્ધા હતી. સામા પક્ષે ગાંધીવિરોધીઓને પહેલેથી જ ખાતરી હતી કે જો ઊગવું હશે તો વડલો જડમૂળથી ઉખેડવો પડશે. તેમણે પાકો અભ્યાસ કર્યો હતો કે વડલાનાં મૂળ કેટલાં ઊંડાં છે અને કેટલાં ફેલાયેલાં છે. તેમને એ વાત પણ સમજાઈ ગઈ હતી કે વિચાર અને કૃતિ દ્વારા ગાંધીજીનો મુકાબલો થઈ શકે એમ નથી. તેમણે ત્રણ માર્ગ શોધી કાઢ્યા હતા – શારીરિક હનન, ચારિત્ર્ય હનન અને અપપ્રચાર અર્થાત્ જૂઠાણાં.
ગઈ કાલે કહ્યું એ નથુરામ ગોડસેનું હીરો તરીકે નિરૂપણ કરતું નાટક મરાઠીમાં આવ્યું ત્યારે આપણા સાહિત્યકાર મનુભાઈ પંચોલી દર્શક હયાત હતા. તેમણે જરાક ચિડાઈને વ્યથાપૂર્વક ન્યાયમૂર્તિ ચંદ્રશેખર ધર્માધિકારીને પૂછ્યું હતું કે આપણે ક્યાં સુધી ગાંધીજીની વિરાટતા પર ભરોસો રાખીને બેસી રહીશું અને જૂઠાણાંની ઉપેક્ષા કરીશું? પંચાવન કરોડનું જૂઠાણું અદાલતમાં આરોપીના નિવેદન તરીકે રજૂ કરવામાં આવે અને જજ ચૂપચાપ સાંભળી લે. પાછળથી આરોપીના નિવેદનને રેકૉર્ડમાંથી હટાવવામાં આવ્યું ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. એ જૂઠાણું પુસ્તકરૂપે પ્રકાશિત થાય અને આપણે પ્રતિવાદ કરવાની જગ્યાએ ઉપેક્ષા કરીએ. હવે એ જૂઠાણાનું મંચન થઈ રહ્યું છે અને આપણે ચૂપ છીએ. જૂઠને પડકારવામાં ન આવે તો નહીં પડકારનારાઓ જૂઠની આવરદા વધારી આપતા હોય છે. ટૂંકમાં આ બધાં વરસો દરમ્યાન જૂઠને નહીં પડકારનારા મારા જેવા લોકો જૂઠની આવરદા વધારી આપવાના ગુનેગાર છે. એટલા જ જવાબદાર જેટલા જૂઠાણાં ફેલાવનારા જવાબદાર છે અને કદાચ એનાથી પણ વધુ.
સત્ય અને ગાંધીજીની વિરાટતા પરનો ભરોસો સાવ અસ્થાને નહોતો. જૂઠાણાં તો ગાંધીજીની હયાતી હતી ત્યારથી ફેલાવવામાં આવે છે, પરંતુ પ્રજા તેમના પર ભરોસો મૂકતી નહોતી. દાયકાઓ સુધી તેઓ હાંસિયામાં હતા અને હસી કાઢવામાં આવતા હતા. હવે ખાસ કરીને સોશ્યલ મીડિયાના પ્રાદુર્ભાવ પછી એવું નથી. સોશ્યલ મીડિયાએ ગોબેલ્સનું કામ આસાન કરી આપ્યું છે. માત્ર ગાંધીજી નહીં, અનેક પ્રકારનાં જૂઠાણાંની ડમરી પેદા કરી શકાય છે. વિશાળ લોકશાહી દેશોમાં પ્રમુખો અને વડા પ્રધાનો ચૂંટાઈ શકે એટલી હદે જૂઠની ડમરી પ્રભાવકારી બની ગઈ છે. ડમરીનું એન્જિનિયરિંગ પરાયા દેશમાં થાય એવું પણ અમેરિકન ચૂંટણીમાં જોવા મળ્યું.
ઇનફ ઇઝ ઇનફ. હવે એક-એક કરીને તમામ જૂઠાણાં ઉઘાડાં પાડવાં જરૂરી છે. ગાંધીજી ખાતર નહીં, દેશની એકતા અને અખંડિતતા ખાતર. હું તો હજી પણ માનું છું કે ગાંધીજી આ લખનાર જેવા બચાવકારોના મોહતાજ નથી. તેઓ સૂર્ય છે અને સૂર્ય રહેવાના છે. આપણી ગરજ છે પ્રજાને સત્યપરાયણ બનાવવાની અને અસત્યથી મુક્ત કરવાની. એમાં દેશનું અને સકળ સંસારનું હિત છે. જૂઠાણાં દેશમાં આડી-ઊભી તિરાડો પાડી રહ્યાં છે. આ કૉલમમાં આવો સમયાંતરે પ્રયાસ કરવામાં આવશે. શરૂઆત ગાંધીજીની હત્યા અને પાંચવન કરોડથી કરી છે.
અને હા, અહીં જે કોઈ રજૂઆત કરવામાં આવશે એની સત્યતા તપાસવાનો દરેકને અધિકાર છે. અધિકાર નહીં, તેમનું એ કર્તવ્ય છે. હું ખોટો હોઉં તો પડકારવાનો તેમનો ધર્મ છે. પ્રમાણ સાથે સત્ય હકીકત લઈને આવો અને આ લખનાર જો જૂઠો હોય તો જૂઠો સાબિત કરો. બે હાથ જોડીને આ લખનારનું નમ્ર આહ્વાન છે. બીજી તરફ અહીં રજૂ કરવામાં આવેલાં તથ્યોને પડકારવા માટે જો નક્કર પ્રમાણ ન હોય તો સજ્જને શું કરવું જોઈએ એની સજ્જનને સલાહ આપવાની ન હોય.
તો પંચાવન કરોડનું સત્ય જાણવા માટે એક દિવસ ખમી જાઓ.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 31 જાન્યુઆરી 2018