કહું, મને કટેવ
આપણા મહામહિમ રાષ્ટ્રપતિશ્રી પ્રત્યે પૂરા આદર સાથે અને તેમના હોદ્દાની ગરિમાના જતન માટેની જરૂરી સભાનતા સાથે, તેમણે તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટીમાં જે દીક્ષાંત પ્રવચન આપ્યું તે વિશે થોડીક પેટછૂટી વાત કરવાનું યોગ્ય જણાતાં આ પ્રતિભાવ આપવાનું આવશ્યક લાગે છે. જો આમ ન કર્યું હોત તો મારી અધ્યાપક તરીકેની ફરજ ચૂકી જવાના અપરાધબોધથી પીડા અનુભવત.
માનનીય રાષ્ટ્રપતિજી નવ્ય પદવીધારીઓને કારકિર્દી અને જીવનઘડતર માટે સંઘર્ષનો મહિમા સમજાવતા પ્રેરણાપુરુષ તરીકે વડાપ્રધાન, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કલામ અને પક્ષપ્રમુખ અમિત શાહને નજર સમક્ષ રાખવા જણાવ્યું. મારી કૉલેજ કક્ષાએ ચાર દાયકાની અધ્યાપક તરીકેની કામગીરી દરમિયાન યોજાયેલા અનેક દીક્ષાંત સમારોહમાં કોઈ વક્તાએ ક્યારે ય જે તે સમયના વડાપ્રધાન, પક્ષ પ્રમુખ કે પૂર્વ રાષ્ટ્રપતિના જીવનમાંથી પ્રેરણા લેવાની સલાહ આપી હોય તે સાંભરણમાં નથી. આ યુવક યુવતીઓને જેમનો બિલકુલ પરિચય નથી કે કદાચ અલ્પ પરિચય છે. છતાં જેમના વિશે વધુ જાણવા પ્રેરાય – જે સ્વયં તો પ્રસિદ્ધિથી વેગળા રહ્યા છે – તે લોકનાયક જયપ્રકાશ નારાયણ, દાદા ધર્માધિકારી, કાકાસાહેબ કાલેલકર, અટલ બિહારી વાજપેયી, રામ મનોહર લોહિયા, આચાર્ય કૃપાલાણી સરખા ‘મુઠ્ઠી ઊંચેરા માનવીઓ’માંથી કોઈનામાંથી ય પ્રેરણા લેવાનું કહ્યું હોત તો ઉચિત થાત (કોઈ અવમૂલ્યનની રીતે બિલકુલ નહીં પણ સમીક્ષાત્મક દૃષ્ટિએ કહીએ તો) ભલે તેમણે ચા ન વેચી હોય કે અખબારોનું વિતરણ ન કર્યું હોય પણ તેમના સંઘર્ષનું મૂલ્ય ઓછું આંકી શકાય તેમ નથી. દેશપ્રેમને કારણે ભેખ ધારણ કરી જીવી જનારા આવા મનેખને, વિશ્વ વિદ્યાલયના કાર્યક્રમમાં ય નજર અંદાજ કરાય તે કઠે જ.
આ લખી રહ્યો છું ત્યારે આપણા મોટા ગજાના સારસ્વત અને જાહેર જીવનના મોભી સદ્ગત ઉમાશંકર જોશીના વિચારો ટાંકવાનું મન થાય છે. તેમના મતે રાજકારણ જાહેરજીવનનો ભાગ છે, તે સર્વસ્વ નથી. આજે તો માનપત્રો, સમારંભો, વિમાની અવરજવરો, પાર્ટીઓ, ઉદ્ઘાટનો, શિલારોપણો – આ બધી વસ્તુઓનો જાણે કે રાસ ખેલાઈ રહ્યો છે. માનાર્હ પદવીઓ આપીને કોઈના ‘અહમ્’ને પંપાળવાનું અર્થહીન છે તે અંગે માર્મિક ટકોર કરતાં કહે છે : વલ્લભભાઈ પટેલને જનતા તરફથી પ્રાપ્ત બિરૂદ ‘સરદાર’ પર્યાપ્ત છે. એમને માટે ડૉ. વલ્લભભાઈ પટેલ બોલવું એ તો ફિલ્ડ માર્શલ રાધાકૃષ્ણન્ બોલવા જેવું કઢંગુ લાગે. આજની આપણી મૂર્તિપૂજા-વીરપૂજાથી તે શ્રેષ્ઠ નેતાઓને તો કોઈ હાનિ નથી પણ નીચેના ઇતરજનો પછી, એમનું જોઈને, સલુકાઈપૂર્વક માન ઉઘરાવવામાંથી ઊંચા ન આવે, એ જરૂર મોટી હાનિ છે.
તેમના પુસ્તક ‘સમયરંગ’માં ‘સાંસ્કૃિતક શિક્ષણ’ હેઠળ લખેલી નોંધમાં, પૂના યુનિવર્સિટીના પદવીદાન સમારંભ પ્રસંગે ઉપકુલપતિ ડૉ. જયકરે વ્યક્ત કરેલા વિચારોને ટાંકતા જણાવે છે કે, ઉદારમતવાદી તરીકે એમણે માનવબુદ્ધિ પર નિયંત્રણો ન મૂકાય, રાજ્ય રાષ્ટ્ર સમગ્ર પર મહેતાજીગીરી કરવા ન લલચાય અને પ્રજામાં બૌદ્ધિક લોકશાહી પ્રવર્તે એની સંભાળ રાખે એ માટે અનુરોધ કર્યો છે.
ઉમાશંકર જોશીએ ભારપૂર્વક અને વારંવાર સત્તાધીશોને છેવાડાના માનવીની ચિંતા સેવવા જણાવ્યું છે અને વિશ્વવિદ્યાલયોને પણ વિદ્યાકીય વાતાવરણ જળવાઈ રહે તે માટે સાબદા રહેવા કહ્યું છે. આપણને આ પ્રકારના વિદ્યાપુરુષો કેમ માફક નહીં આવતા હોય?
એક વાર્તામાં ચોખાના વેપારીને સર્વત્ર ચોખા જ દેખાતા હતા તેના આ વલણ પર વ્યંગ કરતા લેખક (કદાચ આર.કે. નારાયણ) ક્રિયાપદોનો ધોધ વહેવડાવતાં લખે છે. ‘He ate rice, walked rice, talked rice, slept rice, dreamt rice, thought rice, ran rice etc.’ ‘એ ચોખા ખાતો, ચોખા ચાલતો, ચોખા બોલતો, ચોખા સૂતો, ચોખા સપનતો, ચોખા ચિંતવતો, ચોખા દોડતો વ.’ ‘રાઈસ’ની જગાએ, ગમે તે મૂકીને તમે વાંચી શકો.
મારા સદ્ગત અધ્યાપિકા, નારીવાદી કર્મશીલ ડૉ. ઇલાબહેન પાઠક ક્યાંક કશું અજુગતું જણાય તો ‘Just not done’ કહેતાં 9આમ ન થાય તે ન જ થાય.) આજે ઉમાશંકર જોશી, ડૉ. જયકર, આર.કે. નારાયણ, ડૉ. ઇલાબહેન પાઠક, મનુભાઈ પંચોળી વગેરેની કેમ તીવ્રપણે યાદ આવી રહી હશે?
ડીસા / અમદાવાદ
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2018; પૃ. 01-02