પ્રકાશમય વ્યાખ્યાનો,સુબોધ વિવેચન,મર્મગ્રાહી ઇતિહાસદર્શન અને લોકશાહીમાં વિશ્વાસ એમની વિશેષતાઓ
'ગઈ કાલે મોડી સાંજે બાણું વર્ષની વયે અવસાન પામેલા ….' મૂર્ધન્ય સાહિત્યકાર નિરંજન ભગત (18.05.1926 − 01.02.2018) નગરસંસ્કૃિતના કવિ હોવા ઉપરાંત ‘વિદ્યાવંત અનંત’ અધ્યાપક, વક્તા, સુબોધ વિવેચક, જાગૃત નાગરિક અને શાલીન વ્યક્તિ હતા. ભગત સાહેબે સાહિત્ય પર અરધી સદી સુધી વ્યાખ્યાનો આપ્યા. તેમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે અમદાવાદની કૉલેજોમાં પાંત્રીસેક વર્ષ આપેલાં વર્ગ-વ્યાખ્યાનો ઉપરાંત ગુજરાતી સાહિત્ય પરિષદ અને સફાયર હાઉસના ઉપક્રમે યોજાતાં તેમનાં પ્રવચનોનો સમાવેશ થાય છે. કોઈ પ્રકારના દાવા-દેખાડા વિના ઘણી તૈયારી સાથે અપાતાં આ જાહેર વ્યાખ્યાનોનો સીધો હેતુ સાહિત્ય-વાચનનો આનંદ રસિકોમાં વહેંચવાનો હતો, અને તેની સાથે એક વર્ગની સાહિત્યરુચિય ઘડાતી ગઈ. વ્યાખ્યાનોમાં ભગતસાહેબ વિશ્વસાહિત્યની અનેકાનેક કાવ્ય, નાટ્ય અને કથા કૃતિઓને આવરી લેતા. તેમણે એક વાર છંદશાસ્ત્ર પર સવારે નવથી બપોરે અઢી સુધી સળંગ વ્યાખ્યાન આપ્યું હતું. ક્લાસિસિઝમ અને રોમૅન્ટિસિઝમ વિશે તે એક કલાકના ભોજનવિરામને બાદ કરતાં સવારે દસથી સાંજે પાંચ સુધી બોલ્યા હતા. એટલો જ સમય બીજે દિવસે સાહિત્યિક વિચારધારાઓ માટે લીધો હતો.
સાહેબનાં ઝળાંઝળાં કરનારાં વ્યાખ્યાનો એટલે ઉમાશંકરનો ‘પ્રકાશનો ધોધ અમોઘ’ યાદ કરાવતો શબ્દોનો ધોધ. ચૂંટેલા, ચોટદાર, પ્રશિષ્ટતાની મુદ્રા ધરાવતા, આજીવન જ્ઞાનપ્રીતિની પ્રતીતિ કરાવતા, ભાર અને ટંકારથી ઉચ્ચારાયેલા શબ્દો. તેમનું સમગ્ર વ્યક્તિત્વ તેમના શબ્દો અને અવાજમાં પ્રકટ થતું. ભગતસાહેબે તેમના પિતૃતુલ્ય અધ્યાપક સંતપ્રસાદ ર. ભટ્ટનું જે શબ્દચિત્ર કર્યું છે તેને યાદ કરીએ તો, ‘અશમ્ય અને અદમ્ય, અસ્ખલિત અને અવિરત અવાજ. અરધી સદીનો જીવતો જાગતો અવાજ’. એસ.આર. ભટ્ટની જેમ ભગતસાહેબ મોટા પાયે જાહેર જીવનમાં પડેલા ઍક્ટિવિસ્ટ-ટીચર ન થયા. પણ તે કેટલી ય પેઢીઓના શિક્ષકોના શિક્ષક રહ્યા. તેમના વિદ્યાજીવનમાં પ્રોફેસર શબ્દની ચરિતાર્થતા જોવા મળે છે. આ વિદ્યાવારિધીએ રસિકોને સાહિત્યની સાથે સિવિલાઇઝેશન શબ્દનાં મર્મ અને મહત્તા સમજાવ્યાં. સાહિત્ય, વિજ્ઞાન, ટેક્નોલૉજિ, ઇતિહાસ, ધર્મ, રાજકારણ, શિક્ષણ એ બધું એકબીજા સાથે સંકળાયેલું સંગઠિત સમગ્ર છે એવા અખંડ દર્શનની ઝાંખી કરાવી. સિવિલાઇઝેશન શબ્દને તેમણે જે સંખ્યાબંધ સંદર્ભોમાં સમજાવ્યો તેમાંના કેટલાંક છે : ઉત્ક્રાન્તિ, મધ્યકાળ, રેનેસાં એટલે કે નવજાગરણ, ધર્મસુધારણા, જ્ઞાનપ્રકાશ એટલે કે એનલાઇટનમેન્ટ, વિશ્વની રાજકીય ક્રાન્તિઓ, ઔદ્યોગિક ક્રાન્તિ, અમેરિકા, વિશ્વયુદ્ધ, સેક્યુલારિઝમ, વૈજ્ઞાનિક અભિગમ, રંગભેદ. આવી વિભાવનાઓ ઉપરાંત તેમણે ચર્ચેલી વિશ્વવ્યક્તિઓની યાદી ઘણી લાંબી થઈ શકે. આ બધામાંથી ઉપસતો કેન્દ્રવર્તી વિચાર તે ‘ન માનુષાત્ શ્રેષ્ઠતરમ્ હિ કિંચિત’. સિવિલાઇઝેશન અને ડેમૉક્રસી દુ:સાધ્ય અને સાચવવા જેવી સિદ્ધિઓ છે. આ લોકશાહીને બચાવવા માટે તે પંચ્યાશી વટાવ્યા પછી ય ગુજરાતી સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા માટેની ચળવળમાં જોડાયા. આવા પ્રગતિશીલ અને પ્રભાવક પ્રાજ્ઞજનની, અસિંદગ્ધ અભિગમ સાથેની અચૂક ઉપસ્થિતિથી આંદોલનને બળ મળ્યું. તેમાં ભગતસાહેબના મનમાં ‘ઉમાશંકરનું કર્યું ધૂળ ન થવા દેવાય’ એવો પણ ખ્યાલ હતો. બાય ધ વે, નિરંજનને – તે બર્ટ્રાન્ડ રસેલના જન્મદિને, અઢારમી મેએ જન્મેલા છે એવો ઉલ્લેખ કરીને – વર્ષગાંઠની શુભેચ્છા આપતું એક મુક્તક પણ ઉમાશંકરે રચ્યું છે : ‘જ્ઞાન, પ્રેમ, બંધુતા / એ સિવાયની જિંદગી નરી પંગુતા ….’.
ઉમાશંકર, રા.વિ.પાઠક અને બળવંતરાય એ ત્રણ ભગતસાહેબના વિવેચન-આદર્શ. અત્યારના વિવેચકો સાહેબને પણ એ હરોળમાં મૂકવા પ્રેરાય એવી ‘સ્વાધ્યાયલોક’(1997) નામની વિવેચનગ્રંથશ્રેણી તેમણે આપી છે. તેના ત્રેવીસસો જેટલાં પાનાંના આઠ ભાગનાં નામ લેખકના વ્યાસંગ અને વ્યાપ નિર્દેશે છે: ‘કવિ અને કવિતા’,‘અંગ્રેજી સાહિત્ય’, ‘યુરોપીય સાહિત્ય’, ‘અમેરિકન તથા અન્ય સાહિત્ય’, ‘ગુજરાતી સાહિત્ય : પૂર્વાર્ધ’, ‘ગુજરાતી સાહિત્ય : ઉત્તરાર્ધ’, ‘બળવંતરાય – ન્હાનાલાલ – સુંદરમ – ઉમાશંકર’ અને ‘અંગત’. આ મૅગ્નમ ઑપસ પછી ‘સહિત્યચર્યા’ (2004) સંગ્રહ આવ્યો. અઘરી અને અણઘડ સમીક્ષાના ખડકલા કરનાર આપણા વિવેચકોને ‘સ્વાધ્યાયલોક’ સ્ફટિક સમાં સ્વચ્છ અને સ્પષ્ટ વિવેચનનો પદાર્થપાઠ પૂરો પાડી શકે.
આ આકર ગ્રંથમાળાથી ય ઓછું પોંખાયેલું અજોડ પુસ્તક એટલે ‘યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા’. તેમાં નિરંજનભાઈએ 1969માં રણજિતરામ સુવર્ણચન્દ્રક સન્માનના પ્રતિભાવ તરીકે કરેલાં સાત વ્યાખ્યાનો છે. તેમાં વક્તા યંત્રવિજ્ઞાન(ટેક્નોલૉજિ)ની અકલ્પ્ય ગતિથી આવેલાં અસંખ્ય પરિવર્તનો સામે કવિતા કહેતાં સાહિત્યની મનુષ્યને સહાયરૂપ થવાની સંભાવના તપાસે છે. પહેલાં ત્રણ તલ:સ્પર્શી ખંડોમાં યંત્રવિજ્ઞાનના તાત્ત્વિક પ્રશ્નો, ઔદ્યોગિક ક્રાન્તિનો ઇતિહાસ અને ઔદ્યોગિક ક્રાન્તિથી ભારતની થયેલી દુર્દશાનું વિવરણ છે. ચોથામાં ભગતસાહેબ ગુજરાતી ભાષાની ચાર કૃતિઓના દર્શનનું ઔદ્યોગિક ક્રાન્તિના પરિપ્રેક્ષ્યમાં ‘મિતાક્ષરી વિવેચન અને વિશ્લેષણ’ આપે છે. આ ચાર કૃતિઓ છે : દલપતરામનું આખ્યાનકાવ્ય ‘હુંનરખાનની ચઢાઈ’, ગાંધીજીનું વિચારપુસ્તક ‘હિન્દ સ્વરાજ’, રણજિતરામની ટૂંકી વારતા ‘માસ્તર નંદનપ્રસાદ’ અને ઉમાશંકરની સૉનેટમાળા ‘આત્માનાં ખંડેર’.
આ કૃતિઓની વાતમાં, ઔદ્યોગિક ક્રાન્તિની ચર્ચામાં કે ભગતસાહેબના લગભગ દરેક લખાણમાં અનેક પુસ્તકોના સંદર્ભો આવે છે. પુસ્તકો અને ભગતસાહેબ અભિન્ન હતાં. દસ વર્ષની વયથી, દાયકાઓ લગી અમદાવાદના માણેકલાલ જેઠાલાલ પુસ્તકાલયમાં તેઓ દરરોજ જતા, કલાકોના કલાકો ત્યાં વીતાવતા અને ક્યારેક રોજનું એક પુસ્તક પણ વાંચતા. ‘વાંચવું વાંચવું ને બસ વાંચવું … લાઇબ્રેરીમાં એકાંત અને એકલતામાં વસવું’ એમ તેમણે 1984માં નોંધ્યું છે. તે એમ પણ લખે છે : ‘ઘરમાં એક નાનકડી ઓરડીમાં મારી અંગત લાઈબ્રેરી હતી. એમાં ખાસ્સો બસો ત્રણસો પુસ્તકોનો સંગ્રહ હતો. એથી જ હવે તેમાં બેત્રણ હજાર જેટલાં પુસ્તકોનો સંગ્રહ છે.’ પુસ્તકોનો સમૃદ્ધ સંગ્રહ તેમણે પરિષદને ભેટ આપ્યો છે. તેમાંનાં ઘણાં દુર્લભ અસલના જમાનાના પુસ્તકો છે. કેટલાંક પુસ્તકો કેવી રીતે લખાયાં તેની, તો કેટલાંક પોતે કેવી રીતે અંકે કર્યાં તેની કથાઓ ભગત સાહેબ પાસે સાંભળેલી છે. તેમના ક્યારેક શીઘ્રકોપી, ક્યારેક અપ્તરંગી સ્વભાવ અને અણધાર્યા વર્તનની આખ્યાયિકાઓ એક જમાનામાં લોકમુખે હતી.
લોકરંજની ક્યારે ય ન બનેલા, લોકસાહિત્યની જવલ્લે જ વાત કરનાર ભગતસાહેબને લોકશાહીમાં ભારે આસ્થા હતી. ‘જ્યાં સુધી આના કરતાં ઉત્તમ વ્યવસ્થા ન મળે ત્યાં સુધી માનવજાત માટે લોકશાહી સર્વોત્તમ છે’ એમ તેઓ માનતા. ભગતસાહેબ પાસે મર્મગ્રાહી ઇતિહાસદર્શન હતું, જે કેટલેક અંશે બ.ક. ઠાકોર અને ત્યારબાદ સ્વાધ્યાય થકી લાધ્યું હતું. સાહેબ અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા, જેવા દેશોની લોકશાહી પ્રક્રિયાની ઉથલપાથલોના દાખલા આપીને કહેતા, ‘લગીર ઇતિહાસ તો જુઓ … આપણી લોકશાહી હજુ તો ભાખોડિયાં ભરે છે, હજુ તો એ આથડશે, પડશે … માંડ અરધી સાઠ જ વર્ષ થયાં છે, એને પાકટ થવા માટે હજુ થોડાં વર્ષો તો આપો …’ તે એમ પણ કહેતા કે આગામી વર્ષોમાં એવા સમૂહો રાજ કરશે કે જેને આપણી વ્યવસ્થાએ સદીઓથી કચડ્યા છે. એટલે એ અનામતના અને ઍફર્મેટીવ ઍક્શનના એ તરફદાર હોય એમાં કોઈ નવાઈ નથી. જો કે એમના આવાં પ્રગતિશીલ, રૅશનલ, ક્યારેક રૅડિકલ મંતવ્યો એમણે જાહેરમાં ઑન રેકૉર્ડ ભાગ્યે જ પ્રગટ કર્યાં. એવું લાગે કે જ્યાં ભૌતિક જરૂરિયાતો સંતોષાઈ ચૂકી હોય તેવાં કેવળ અને કેવળ જ્ઞાનના વિશ્વમાં એમનો વિહાર હતો.
સો વર્ષ જીવવાની ઝંખના ઘણી વાર વ્યક્ત કરનાર સાહેબે ગયાં પાંચેક વર્ષમાં લખેલી બારેક કવિતાઓમાંથી કેટલીકમાં મુત્યુને સ્વસ્થપણે આવકારવાનો ભાવ હતો. જો કે ભગત સાહેબનું આપણી વચ્ચે હોવું અગત્યનું હતું. ભગતસાહેબ એક વાતાવરણ હતા. તેમને ગમતા આઇરિશ કવિ ડબ્લ્યુ.બી. યેટસના શબ્દો લઈએ તો, જ્ઞાનના પ્રદેશમાં તેમના ઋણી હોય તેવા લોકો માટે, ભગતસાહેબ એટલે – મૉન્યુમેન્ટ ઑફ અનએજનિન્ગ ઇન્ટેલેક્ટ, કાલજયી બુદ્ધિપ્રતિભાનું પ્રતીક.
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 02 ફેબ્રુઆરી 2018
રેખાંકન સૌજન્ય : નિર્મીશભાઈ ઠાકર