જેમનાં ગીતો આઝાદીની લડત દરમ્યાન ચોરે ને ચૌટે ગવાતાં હતાં
જ્ઞાની કવિ અખાની એક જાણીતી પંક્તિ છે: ‘છીંડું ખોળતાં લાધી પોળ, અખા હવે કર ઝાકમઝોળ.’ “બુદ્ધિપ્રકાશ”ના ઓગસ્ટ ૨૦૧૭ના અંકમાં ‘બ્રિટિશ સરકાર દ્વારા પ્રતિબંધિત ગુજરાતી પુસ્તકો’ લેખ પ્રગટ થયો તે પછી કંઈક આવો જ અનુભવ થયો. એ લેખમાં લખ્યું હતું: “૧૯૩૦માં પ્રગટ થયેલી ‘રાષ્ટ્રીય રણગીતો’ નામની ૧૮ પાનાંની પુસ્તિકાના નિવેદનનું પહેલું વાક્ય આ પ્રમાણે છે: ‘અંધ કવિ શ્રી હંસરાજભાઈને તો ગુજરાત બરોબર ઓળખે છે જ.’ પણ આજે ૮૬ વર્ષ પછી પ્રયત્નો કરવા છતાં અંધકવિ હંસરાજભાઈ વિશેની માહિતી મળી શકી નથી.” આ વાંચીને અમરેલીથી શ્રી કિશોરભાઈ મહેતાએ લાંબો પત્ર લખી હંસરાજભાઈ અંગેની કેટલીક વિગતો મોકલી. ૨૦૧૦માં પ્રગટ થયેલ કાલિન્દી પરીખ સંપાદિત પુસ્તક ‘હંસ-માનસ’ની નકલ પણ મોકલી. તેમાંથી બીજી કેટલીક માહિતી મળી. પછી તો ખાંખાખોળાં શરૂ કર્યાં. હંસરાજભાઈનાં ત્રણ પુસ્તકો જોવા મળ્યાં:
૧૯૨૨માં પ્રગટ થયેલ ‘કાવ્ય ત્રિવેણી.’ ૧૩૨ પાનાંના આ પુસ્તકના ટાઇટલ પેજ પર છાપ્યું છે: ‘રચી પ્રસિદ્ધ કરનાર હંસરાજ હરખજી અમરેલીવાળા.’ પુસ્તક છપાયું છે ભાવનગરના જાણીતા સરસ્વતી છાપખાનામાં. એ જમાનામાં તેની એક હજાર નકલ છપાઈ હતી. તેમાંનાં ઘણાંખરાં કાવ્યો હંસરાજભાઈની ઉત્કટ દેશદાઝને પ્રગટ કરે છે. પુસ્તકની શરૂઆતમાં ‘ચી. ભાઈ હંસરાજ હરખજીનું સંક્ષેપ જીવન વૃત્તાંત’ છાપ્યું છે જે લખ્યું છે તેમના પિતા હરખજી કલ્યાણજીએ. તેમાં જણાવ્યું છે કે હંસરાજભાઈનો જન્મ સંવત ૧૯૪૮ના આસો વદી ૪(એટલે ૨૫ સપ્ટેમ્બર, ૧૮૯૨)ના રોજ થયો હતો. જન્મ વખતે તેમની આંખોમાં કશો રોગ નહોતો, પણ છ એક મહિનાની ઉંમરે આંખની તકલીફ શરૂ થઈ. પહેલાં ઘરગથ્થું ઉપાય કર્યા, અને પછી દાક્તરી સારવાર. તે માટે છ મહિના જૂનાગઢ રહીને ડોક્ટર ત્રિભુવનદાસની દવા કરી. પણ છેવટ ત્રણ-ચાર વર્ષની ઉંમરે બંને આંખો ગુમાવી. પરંપરાગત રીતે શિક્ષણ આપવાનું શક્ય નહોતું એટલે મીણના અક્ષરો અને આંકડા બનાવી સ્પર્શ દ્વારા અક્ષરજ્ઞાન આપ્યું. યાદદાસ્ત સારી હોવાથી કવિતા અને ભૂગોળનું શિક્ષણ સાંભળીને મેળવ્યું, અને આઠ વર્ષની ઉંમરે બીજા ધોરણની પરીક્ષામાં પાસ થયા. પછી એ જ રીતે ગુજરાતી છઠ્ઠા ધોરણ સુધીનો અભ્યાસ મોટે ભાગે અમરેલીમાં રહી પૂરો કર્યો. સાથોસાથ ગાયન અને તબલાં તથા હારમોનિયમ વાદનની તાલીમ પણ લીધી. છ એક મહિના મુંબઈની વિક્ટોરિયા બ્લાઈન્ડ સ્કૂલમાં દાખલ થયા અને બ્રેલ લિપિનું જ્ઞાન મેળવ્યું, પછી ફરી અમરેલી જઈ અંગ્રેજી શીખ્યા અને મેટ્રિકની પરીક્ષા આપી, પણ વિજ્ઞાનના વિષયમાં નાપાસ થયા. પછી ત્રણ વર્ષ વડોદરા રહી ત્યાંની મુખ્ય સંગીત શાળામાં તાલીમ લીધી અને ફિડલ, વીણા, દિલરૂબા, સિતાર, જલતરંગ જેવાં વાદ્યો વગાડતાં શીખ્યા. એક જલસામાં ફિડલ વગાડવા માટે ૭૫ રૂપિયાનું ઇનામ મેળવ્યું. પછી અમરેલી જઈ હારમોનિયમ શિક્ષક તરીકેની નોકરી કરી. ૧૯૨૧ના ડિસેમ્બરની ૧૪મી તારીખે લખેલા આ જીવન વૃત્તાંતને અંતે તેમના પિતા લખે છે: “ભાઈ હંસરાજની કવિત્વ, વાદ્ય અને ગાયનની શક્તિ ઘણી સારી અને ઊંચા પ્રકારની છે. તે સાથે તેમની યાદદાસ્ત પણ ઘણી સારી અને ઉત્તમ છે.”
જીવન વૃત્તાંત પછી હંસરાજભાઈનું ચાર પાનાંનું નિવેદન છપાયું છે. તેમાંથી જાણવા મળે છે કે ૧૯૨૧-૧૯૨૨ના અરસામાં અમરેલીના ખાદી ભંડારે કાઠિયાવાડમાં બધે ફરીને પોતાનાં ગાયન-વાદનથી સ્વદેશીનો પ્રચાર કરવાનું કામ હંસરાજભાઈને સોપ્યું હતું. પોતે જે લખે છે તેની ગુણવત્તા અંગે તેઓ પૂરેપૂરા સભાન છે. નિખાલસતથી લખે છે: “મારાં કેટલાંક ગીતો માત્ર જન સમાજ પર અસર કરવા સારૂ માત્ર જોડકણાં છે. એમાં કવિતાનો એક પણ અંશ નથી. એવાં જોડકણાંને કવિતા કહી કાવ્યમાતાનો ઉપહાસ હું હરગિજ ન કરૂં.” આ ‘કાવ્ય ત્રિવેણી’નું પહેલું વહેણ ભક્તિ કે અધ્યાત્મને લગતી ૩૯ રચનાઓનું છે. બીજું વહેણ દેશભક્તિની રચનાઓનું છે. આ વિભાગની શરૂઆતમાં અલગ ‘અર્પણ પત્રિકા’ અને ‘મંગળાચરણ’ની પદ્યકૃતિઓ મૂકી છે. માતૃભૂમિને અર્પણ કરતાં લખે છે:
ઓ હિન્દ! ધર્મ ધાત્રી, સઘળું તને સમર્પું;
તેત્રીસ કોટિ ત્રાત્રી, સઘળું તને સમર્પું.
આ દેહ ને જીવન આ, આત્મા અને હૃદય આ;
આ પ્રેમ, આ સબંધો, સઘળું તને સમર્પું.
આ બીજા વહેણમાં ઉપરની બે કૃતિઓ ઉપરાંત બીજી ૩૭ કૃતિઓ છે. ત્રીજા વહેણમાં ૨૩ કૃતિઓ છે, જેમાંની કેટલીક સ્વદેશીનો પ્રચાર કરતી, વ્યસનોનો વિરોધ કરતી, અને પ્રકીર્ણ પ્રકારની છે. ત્યાર બાદ ક્રમાંક આપ્યા વગર ૧૨ રચનાઓ મૂકી છે, જે સંભવતઃ પુસ્તક છપાઈ રહેવા આવ્યું હશે ત્યારે ઉમેરી હશે. વ્યસનોનો વિરોધ કરતી રચનાઓમાં હોટેલનો વિરોધ કરતી એક રચના પણ છે. હોટેલ સામેના વિરોધનું એક મુખ્ય કારણ એ કે તેમાં વર્ણાશ્રમના ભેદ જળવાતા નથી.
એક જ ડોલ તણી ગંગામાં સર્વે પ્યાલા પાવન થાય,
શૂદ્ર તણો પીધેલો પ્યાલો એમ જ બ્રાહ્મણને દેવાય.
એકબીજાના મુખ વિષે અથડાએ એક બીજાના શ્વાસ,
શસ્ત્ર વિના વર્ણાશ્રમ કેરું હોટલ વાળે સત્યાનાશ.
હંસરાજભાઈનું સૌથી મહત્ત્વનું પુસ્તક નવેમ્બર ૧૯૩૮માં પ્રગટ થયું હતું. ૮૮૦ પાનાંના આ દળદાર કાવ્યસંગ્રહનું નામ છે ‘હંસ માનસ’. અમરેલીના મિનરવા પ્રિન્ટિંગ પ્રેસમાં છપાયેલા અ પુસ્તકની કિંમત ફક્ત ત્રણ રૂપિયા હતી. તેનું એક કારણ એ કે પુસ્તકના પ્રકાશનની બધી જવાબદારી ભાવનગર રાજ્યના દીવાન સર પ્રભાશંકર પટ્ટણીએ ઉપાડી લીધી હતી. પુસ્તકના ટાઇટલ પેજ પર પ્રકાશક તરીકે પણ તેમનું જ નામ છાપ્યું છે. જો કે પુસ્તક પ્રગટ થાય તે પહેલાં ૧૯૩૮ના ફેબ્રુઆરીની ૧૬મી તારીખે પટ્ટણીસાહેબનું અવસાન થયું હતું. કવિએ પુસ્તક તેમને જ અર્પણ કર્યું છે અને છ પાનાંનું અર્પણ કાવ્ય તથા ફોટો પણ મૂક્યાં છે. પુસ્તકમાં હંસરાજભાઈનો પણ ફોટો છે. પુસ્તકની શરૂઆતમાં કાકાસાહેબ કાલેલકરની બે પાનાંની પ્રસ્તાવના છે. જો કે માંદગીને કારણે કાકાસાહેબ બધાં કાવ્યો વાંચી શક્યા નહોતા. છતાં તેઓ લખે છે: “કવિ હંસરાજ ગુજરાતના જાહિર જીવનના એક અત્યંત ઉજ્જવળ યુગના પ્રતિનિધિ થઇ શક્યા છે. ગુજરાતે જે જે પરાક્રમો કર્યાં, જે જે ક્ષેત્રો ખેડ્યાં, તે બધાં સાથે કવિએ સમરસ થઈ તેનું વાતાવરણ ગુજરાતી ભાષામાં શબ્દબદ્ધ કરી આપ્યું છે. કવિની ભાષા સરળ છે, સંસ્કારી છે, અને જોમદાર છે.”
કાકાસાહેબની પ્રસ્તાવના પછી હંસરાજભાઈનું પાંચ પાનાનું નિવેદન છે, જેનો મોટો ભાગ જુદી જુદી વ્યક્તિઓનો અભાર માનવા પાછળ રોકાયો છે. હા, તેમાંથી એ માહિતી મળે છે કે હંસરાજભાઈ આઝાદીની લડત દરમ્યાન ૧૯૨૩, ૧૯૩૦ અને ૧૯૩૨માં જેલમાં ગયા હતા. અને પુસ્તકમાંનાં ઘણાં કાવ્યો કારાવાસ દરમ્યાન લખાયાં હતાં. સંગ્રહમાંની રચનાઓને આઠ વિભાગમાં વહેંચી છે: છંદ વિભાગ (૧૭ રચનાઓ), યુવાન વિભાગ (૭૪), રાસ વિભાગ (૫૫), બાળ વિભાગ (૧૧), હરિજન વિભાગ (૩૨), અધ્યાત્મ વિભાગ (૫૩), ભક્તિ વિભાગ (૮૬), અને શેષ વિભાગ (૬૪). કુલ ૩૯૨ રચનાઓ.
હંસરાજભાઈનું ત્રીજું પ્રકાશન તે માત્ર ૩૦ પાનાંની એક પુસ્તિકા. આ લખનારે તેની જે નકલ જોઈ છે તેનું ટાઇટલ પેજ ગેરવલ્લે ગયું છે. પણ દરેક પાનાની ઉપર ફોલિયો લાઈનમાં ‘હંસ માનસ’ એવું પુસ્તકનું નામ છાપ્યું છે. છેલ્લે પાને છાપેલી માહિતી પ્રમાણે રાણપુરના સ્વાધીન મુદ્રણાલયમાં મનુભાઈ અમૃતલાલ શેઠે આ પુસ્તિકા છાપી હતી અને કવિ હંસે ભાટીઆ શેરી, અમરેલીથી પ્રગટ કરી હતી. ‘હંસ માનસ’ નામથી કવિનો દળદાર સંગ્રહ પ્રગટ થયો તે પહેલાં આ પુસ્તિકા છપાઈ હતી કે તે પછી તે જાણવું મુશ્કેલ છે. પણ મોટું પુસ્તક પ્રગટ થયા પછી તે જ નામ ધરાવતી અ પુસ્તિકા પ્રગટ થઈ હોય તેવો સંભવ વધારે છે. બીજી એક વાત પણ ખાસ ધ્યાન ખેંચે છે: એ જમાનામાં હંસરાજભાઈની સૌથી વધુ ગવાતી રચના તે ‘ટોપીવાળાનાં ટોળાં ઊતર્યા.’ પણ ‘કાવ્ય ત્રિવેણી’ પુસ્તકમાં કે ૧૯૩૮માં પ્રગટ થયેલ ‘હંસ માનસ’માં આ રચના જોવા મળતી નથી. બ્રિટિશ સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો હતો તેને કારણે આમ બન્યું હોય. પણ રાણપુરમાં છપાયેલી પુસ્તિકામાં આ રચના જોવા મળે છે જે પૂરાં સાત પાનાં રોકે છે. ‘માનસનાં મોતી’ નામનો ૪૫ રચનાઓ સમાવતો સંગ્રહ પણ પ્રગટ થયો હતો એવી માહિતી મળે છે, પણ આ લખનારને તે જોવા મળ્યો નથી.
૨૦૧૦માં કાલિન્દી પરીખ સંપાદિત ‘હંસ-માનસ’ સંગ્રહ અમરેલીના સ્વામી વિવેકાનંદ વિદ્યાભારતી ટ્રસ્ટ તરફથી પ્રગટ થયો છે. તેમાં કુલ ૧૨૯ રચનાઓ સમાવી છે. પાછલા પૂંઠા પર ‘ટોપીવાળા’ કાવ્યની ફક્ત ૧૯ પંક્તિ છાપી છે. આખું કાવ્ય પુસ્તકમાં નથી. પુસ્તકની શરૂઆતમાં કિશોરભાઈ મહેતા, કાલિન્દી પરીખ, છેલભાઈ વ્યાસ, જસવંત કાનાબાર (કવિ હંસના પિત્રાઈ મોટા ભાઈ) તથા રાજેન્દ્ર દવેનાં લખાણો મૂકાયાં છે. તેમાંથી જસવંત કાનાબારના લખાણમાંથી કેટલીક મહત્ત્વની માહિતી મળે છે.
૧. કવિ હંસ અપરિણીત હતા. ૨. ૧૯૪૮ સુધી તેઓ અમરેલીની ભાટીઆ શેરીમાં આવેલા નાના મકાનમાં એકમાત્ર બહેન ગોદાવરીબહેન, તેમના પતિ કાનજીભાઈ, તથા ભાણેજ અમૃતલાલ સાથે રહેતા હતા. ત્યાર બાદ સંગીતનાં ખાનગી ટ્યૂશન આપવા તેઓ મુંબઈ ગયા અને ૧૯૪૮થી કાલબદેવી પરના ‘આર્ય નિવાસ’ નામના ગેસ્ટ હાઉસમાં કાયમી ધોરણે રૂમ રાખી રહેવા લાગ્યા. થોડા વખત પછી ભાણેજ અમૃતલાલ અને તેમનાં પત્ની સાવિત્રીબહેનને પણ મુંબઈ બોલાવી ગાયવાડીમાં ભાડાની જગ્યામાં રાખ્યાં. ૩. એ જ અરસામાં જસવંત કાનાબાર પણ મુંબઈવાસી બન્યા હતા અને હંસરાજભાઈને સતત સાથ આપતા હતા. ૪. હંસરાજભાઈ સારા ગાયક પણ હતા તેથી મુંબઈમાં ઘણી વાર ઘર, મંદિર, વગેરેમાં ગાવા જતા. ૧૯૫૭ના માર્ચ મહિનાના એક ગુરુવારે (લેખમાં તારીખ આપી નથી પણ ૧૯૫૭ના માર્ચની ૭, ૧૪, ૨૧ અને ૨૮મી તારીખે ગુરુવાર હતો એટલે અ ચારમાંની કોઈ એક તારીખે) રાતે ભૂલેશ્વરની ફૂલ ગલ્લીમાં કુંવરજીભાઈના ઘરમાં આવેલા જલારામબાપાના મંદિરમાં ભજનો ગાવા ગયા હતા. રાતના સાડા અગિયારના સુમારે પોતાનું ‘આવ્યો તમારે દ્વાર, આવ્યો તમારે દ્વાર, મંદિરિયે લ્યો લ્યો હરિ!’ એ ભજન ગાતાં અત્યંત ભાવવિભોર થઇ ગયા અને અણધાર્યા હૃદયરોગના હુમલાથી એ જ સ્થળે તેમનું અવસાન થયું.
XXX XXX XXX
'બુદ્ધિપ્રકાશ'ના ડિસેમ્બર 2017ના અંકમાં પ્રગટ
e.mail : deepakbmehta@gmail.com