ડો. બાબાસાહેબ આંબેડકર દલિતો-પીડિતોના અધિકારો માટે જીવનભર સંઘર્ષ કરનાર સંઘર્ષવીર, સામાજિક ન્યાય અને સમાનતાના લડવૈયા, પ્રકાંડ પંડિત, કુશળ રાજનીતિજ્ઞ અને આર્ષદ્રષ્ટા મહામાનવ તરીકે તો જાણીતા છે જ પણ ભારતીય બંધારણના એક અને અનન્ય ઘડવૈયા તરીકેની એમની ઓળખ કદી ન ભૂંસી શકાય તેવી છે.
આઝાદી પૂર્વે ઈ.સ. ૧૯૪૬માં કેબિનેટ મિશન યોજના મુજબ યોજાયેલી ચૂંટણી પછી પંડિત જવાહરલાલ નહેરુના નેતૃત્વમાં કામચલાઉ સરકાર રચાઈ હતી. આ સમય દરમિયાન બંધારણના ઘડતરનું કામ પણ ચાલતું હતું. બંધારણ સમિતિના સભ્યો ચૂંટવાનું કામ પ્રાંતિક ધારાસભાઓ દ્વારા થતું હતું. ડો. બાબાસાહેબ આંબેડકર માટે દલિતોના હકો માટે લડવાનું આ એકમાત્ર અંતિમ ક્ષેત્ર હતું. તેથી બંધારણ સભામાં એમનો પ્રવેશ અનિવાર્ય હતો. તો કોંગ્રેસ તેમના પ્રવેશમાં મુખ્ય અવરોધક હતી. મુંબઈ વિધાનસભામાં એમની ઉમેદવારીને ટેકો આપનાર કોઈ નહોતું એટલે તેઓ બંગાળમાંથી બંધારણ સભાના સભ્ય બન્યા.
૧૩મી ડિસેમ્બર ૧૯૪૬ના રોજ બંધારણ સભાની બેઠક મળી. તેમાં મુસ્લિમ લીગ અને દેશી રાજ્યોના પ્રતિનિધિઓ ગેરહાજર હતા. તેથી બંધારણસભાના એક સભ્ય ડો. એમ.એમ જયકરે બંધારણસભાનું કામ થોડો સમય મુલત્વી રાખવા પ્રસ્તાવ મૂક્યો. જેની તરફેણ અને વિરોધમાં દલીલો થઈ. પ્રમુખની વિનંતીથી ડો. આંબેડકરે બંધારણસભામાં તેમનું પ્રથમ પ્રવચન આપ્યું. ડો. આંબેડકરના જીવનીકાર ધનંજય કીરે લખ્યું છે, “એક વિશાળ મસ્તક, મક્કમતાથી ભીડાયેલા હોઠ, લંબગોળ તેજસ્વી ચહેરો ધરાવતું એક પ્રચંડ વ્યક્તિત્વ ઊભું થયું. અત્યંત ગંભીરતાથી ભાષા પરના અમર્યાદિત પ્રભુત્વ અને અડગ હિંમત સાથે ડો. આંબેડકરે પોતાનું પ્રવચન શરૂ કર્યું. “બૌદ્ધિક તટસ્થતા અને વાસ્તવિકતાના રણકાર સાથેના એ પ્રથમ પ્રવચનથી જ ડો. બાબાસાહેબ આંબેડકરે બંધારણ સભાના સભ્યો પર અમીટ છાપ મૂકી હતી. તેમણે કહ્યું હતું, “આપણે સૌ રાજકીય, સામાજિક અને આર્થિક બધી રીતે વિભાજિત છીએ. આપણે જુદી જુદી છાવણીઓમાં વહેંચાયેલા છીએ અને હું પણ આવી જ એક છાવણીનો નેતા છું. છતાં હું દ્રઢતાપૂર્વક માનું છું કે આવા સંજોગોમાં પણ દુનિયાની કોઈ તાકાત આ દેશને એક થતો રોકી શકશે નહીં. આપણે એક પ્રજા તરીકે ચોક્કસ બહાર આવીશું.”
૧૫મી જુલાઈ ૧૯૪૭ના રોજ બ્રિટનની સંસદમાં હિંદ સ્વાતંત્ર્ય ધારો પસાર થતાં ભારતની બંધારણ સભા સાર્વભોમ બની. ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ ભારત પાકિસ્તાનના ભાગલા સાથે દેશ આઝાદ થયો. બંગાળના ભાગલાને કારણે બંગાળના સભ્યોની સંખ્યા ઘટી. જેમાં ડો. આંબેડકરનો સમાવેશ થતો હતો. આઝાદ ભારતના બંધારણના ઘડતર માટે જ્યારે દેશ નેતાઓ બ્રિટિશ બંધારણવિદ આયવરી જેનિંગ્સન પર નજર માંડી બેઠા હતા ત્યારે ગાંધીજીએ ‘ઘર આંગણે આંબેડકર છે ને’, એવો આદેશ કરેલો. ડો. આંબેડકરને બંધારણ સભાના સભ્ય તરીકે ચૂંટી લાવવાની જવાબદારી સરદાર પટેલના શિરે મૂકાઈ હતી. મુંબઈમાં જયકરના રાજીનામાથી ખાલી પડેલી બેઠક પર ડો. આંબેડકરને ચૂંટી લાવવા સરદારે તે સમયના મુખ્યમંત્રી બી.જી. ખેરને પત્ર લખી જણાવ્યું હતું કે, “તમારે ૧૪મી ઓગસ્ટ ૧૯૪૭ પહેલાં ડો. આંબેડકરને જીતાડવાની વ્યવસ્થા કરવાની છે.” (સરદાર પટેલ પત્રવ્યવહાર, ખંડ-૫, પ્રષ્ઠ-૧૩૯) મુંબઈ વિધાનસભામાંથી, કોંગ્રેસના સમર્થનથી બાબાસાહેબ બંધારણ સભાના સભ્ય બન્યા હતા. આજીવન કોંગ્રેસ વિરોધી હોવા છતાં વિશાળ રાષ્ટ્ર હિતમાં તેઓ આઝાદ ભારતના પ્રથમ પ્રધાન મંડળમાં કાયદા મંત્રી બન્યા હતા.
ભારતીય બંધારણની સાત સભ્યોની મુસદા સમિતિના અધ્યક્ષ તરીકે ડો. આંબેડકરની વરણી થઈ અને તેને કારણે સંવિધાનના નિર્માણનું મુખ્ય કાર્ય તેમના શિરે આવ્યું. “માત્ર દલિતોના હિતોની હિફાજત માટે જ હું સંવિધાન સભામાં આવ્યો હતો. આ સિવાય મારા મનમાં બીજો કોઈ વિચાર નહોતો.” એમ કહેનાર ડો. આંબેડકરે ભાંગતી તબિયતે અપાર મહેનત અને લગનથી બંધારણના ઘડતરનું કામ કર્યું હતું. બંધારણ સભાની વિવિધ ૧૩ સમિતિઓમાં અને સમગ્ર બંધારણ સભામાં ભિન્નભિન્ન રાજકીય વિચારધારાના સભ્યોની સામેલગીરી અને ખુદ બંધારણનો મુસદ્દો ઘડનાર સમિતિના સભ્યોના અન્યત્રા રોકાણો છતાં ભારે ધીરજ અને કુનેહથી ડો. આંબેડકરે કામ કર્યું. મુસદ્દાની એકએક કંડિકાઓ પર વિચારવિમર્શ કરી સર્વસંમતિ સાધી ૨ વરસ, ૧૧ માસ અને ૧૭ દિવસોમાં કુલ ૧૬૫ દિવસની ૧૧ બેઠકોમાં આ કપરું કામ બજાવ્યું હતું.
બંધારણ સભાની અંતિમ બેઠકમાં બાબાસાહેબ આંબેડકરના આ અદ્દભુત કાર્યની સરાહના કરતાં બંધારણ સભાના અધ્યક્ષ ડો. રાજેન્દ્ર પ્રસાદે કહ્યું હતું,: “બંધારણ સભાની મુસદા સમિતિના કાર્યનું હું પ્રત્યેક દિવસે નિરીક્ષણ કરતો આવ્યો છું. મુસદા સમિતિના સભ્યોએ જે ઉત્સાહ, ચીવટ અને નિષ્ઠાથી આ કાર્ય પૂર્ણ કર્યું છે તેની ખાતરી બીજી કોઈ પણ વ્યક્તિ કરતાં મને સવિશેષ છે. મુસદ્દા સમિતિના અધ્યક્ષ ડો. આંબેડકરે પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા વિના આ મહત્ત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કર્યું છે. આપણે સાત સભ્યોની મુસદા સમિતિમાં નિમણૂક કરી હતી. એક સભ્યએ રાજીનામુ આપી દીધું અને તે બેઠક કદી ભરવામાં ન આવી. એક સભ્યનું મૃત્યુ થયું અને તે બેઠક પણ ખાલી રહી. એક સભ્ય અમેરિકા ચાલ્યા ગયા અને તેમની બેઠક પણ ખાલી રહી. એક સભ્ય દેશી રજવાડાંઓના પ્રશ્નમાં ગૂંચવાયેલા રહ્યા. એટલે વાસ્તવિક રીતે તો તે બેઠક પણ ખાલી જ હતી. એક બે સભ્યો આરોગ્ય અને બીજા કારણસર હાજર રહેતા નહોતા. એટલે બંધારણ ઘડવાની સમગ્ર જવાબદારી ડો. આંબેડકરના માથે જ આવી પડી હતી. અને તેમણે આવી પરિસ્થિતિ છતાં ખૂબ જ પ્રશંસનીય કામ કર્યું છે .. આ બંધારણ સભા તે માટે તેમની ઋણી છે.”
બંધારણ સભાના અનેક સભ્યોએ પણ ડો. આંબેડકરના યોગદાનને મુક્ત રીતે બિરદાવ્યું હતું. બાબાસાહેબે બંધારણના ઘડવૈયા તરીકે દલિતોના હક્કોની હિફાજત કરી છે. બંધારણમાં દલિતોના અનામત સહિતના અધિકારો અને આભડછેટની નાબૂદી કરાવી છે. ગાંધીજીના ગ્રામ સ્વરાજના આદર્શની સદંતર અવહેલના કરી તેમણે બંધારણના કેન્દ્રમાં ગામડાંને નહીં વ્યક્તિને મૂકી છે. પંચાયતી રાજને માર્ગદર્શક સિદ્ધાંતોમાં સમાવી દલિતોને રંજાડનાર પંચાયતી રાજને બહુ મહત્ત્વ આપ્યું નહોતું. ભારતના બંધારણમાં કોઈ પણ પ્રકારના ભેદભાવ સિવાય પુખ્તવયના તમામ નાગરિકોને મતાધિકાર અને મૂળભૂત અધિકારો અપાવ્યા છે.
ભારતનું બંધારણ ભીમ સ્મૃિત તરીકે પણ ઓળખાય છે. એચ.જે. ખાંડેકરે લખ્યું હતું, હું બંધારણને મહાર કાનૂન કહીશ. કેમ કે ડો.આંબેડકર મહાર હતા. હવે ભારતામાં મનુના કાયદાનું સ્થાન મહારનો કાયદો લેશે. જવાહરલાલ નહેરુના જીવનચરિત્રકાર માઈકલ બ્રેચરે બાબાસાહેબને બંધારણના મુખ્ય નિર્માતા ગણાવ્યા હતા.
e.mail : maheriyachandu@gmail.com
સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 29 જાન્યુઆરી 2018