ઘણા લોકો એમ કહે છે કે જો ગાંધીજીએ રામનો અને હિંદુ ધર્મિક-આધ્યાત્મિક ભાષાનો ઉપયોગ ન કર્યો હોત તો કદાચ તેઓ મુસલમાનો અને દલિતોનો વિશ્વાસ સંપાદિત કરી શક્યા હોત. હંમેશાં રામના નામનો ઉલ્લેખ કર્યા કરે, સવાર-સાંજ, ભલે સર્વધર્મોની, પણ પ્રાર્થના કરે અને હિંદુ ધાર્મિક-આધ્યાત્મિક પરિભાષામાં બોલે એને કારણે ગાંધીજીને હિંદુ તરીકે ઓળખાવવાની મુસલમાનોને તક મળી હતી અને સનાતની સવર્ણ હિંદુ તરીકે ઓળખાવવાની દલિતોને તક મળી હતી. પહેલી વાત તો એ કે જેઓ ગાંધીજીને હિંદુ અથવા સનાતની સવર્ણ હિંદુ તરીકે ઓળખાવતા હતા તેમને બન્નેને ખબર હતી કે ગાંધીજીનો રામ અને ગાંધીજીનો ધર્મ ક્યાં ય કેટલા ય અર્થમાં વ્યાપક છે. પણ તેમનો ગાંધીજીને કપાળે લેબલ ચોડવામાં રાજકીય સ્વાર્થ હતો એટલે તેઓ જાણતા હોવા છતાં ગાંધીજી પર ધરાર સંકીર્ણ હિંદુ હોવાનું લેબલ ચોંટાડતા હતા. બાકી પંજાબના મુખ્ય પ્રધાન સિકંદર હયાતખાને ગાંધીજીને રસૂલની કક્ષાના પવિત્ર માણસ તરીકે ઓળખાવ્યા હતા, જે પાછળથી મુસ્લિમ લીગમાં જોડાયા હતા અને રાજકીય સ્વાર્થથી પ્રેરાઈને ગાંધીજીની વિરુદ્ધ ગયા હતા.
પણ જે હિંદુ હોવાનો દાવો કરતા હતા એ લોકો ગાંધીજીને હિંદુ માનતા નહોતા એમ તો ન કહેવાય, પણ જેવા હિંદુ હોવા જોઈએ એવા હિંદુ તેમને નહોતા લાગતા. એટલે તો ગાંધીજીના પરમ સ્નેહી મદનમોહન માલવિયા ગોળમેજ પરિષદમાં હિંદુઓનું અલાયદું પ્રતિનિધિત્વ કરવા લંડન ગયા હતા. તમાશો જુઓ : ગોળમેજ પરિષદમાં મહમ્મદ અલી ઝીણા તેમને હિંદુ તરીકે ઓળખાવે, ડૉ. આંબેડકર તેમને સવર્ણ હિંદુ તરીકે ઓળખાવે અને માલવિયજી કહે કે મહાત્માજી હિન્દુસ્તાનનું પ્રતિનિધિત્વ કરે છે, હિંદુઓનું પ્રતિનિધિત્વ તો અમે કરીએ છીએ. શું આ ગૂઢ હતું ગાંધીજીની બાબતમાં?
ગાંધીજીનો હિંદુ અખંડ માનવ હતો. ગાંધીજી કહેતા પણ હતા કે સાચો હિંદુ એ કહેવાય જેમાં માણસાઈ તસુભાર પણ ઓછી ન હોય. તેઓ આ જ વાત મુસલમાનોને અને ખ્રિસ્તીઓને પણ કહેતા. અખંડ માણસાઈ કોઈ પણ સાચા ધાર્મિક મનુષ્યની અંતિમ ઓળખ છે. પણ હિન્દુત્વવાદીઓને માણસાઈથી છલોછલ હિંદુ ખપનો નહોતો. જો માણસાઈ છલોછલ ભરી હોય તો લડવું કેવી રીતે? દ્વેષ કોનો કરવો? કોઈને કેવી રીતે દબાવીને રાખવા? બીજાને ડરેલા જોવાનું જે વિકૃત સુખ છે એ કેવી રીતે મળે? ટૂંકમાં માણસાઈથી છલોછલ હિંદુ તેમને મન ખપનો નહોતો અને ગાંધીજી તો એવા હિન્દુમાં હિંદુ ધર્મની સંપૂર્ણતા જોતા હતા.
ગાંધીજીનો રામ સાથેનો સંબંધ પણ ગૂઢ હતો. બાળપણમાં ગાંધીજી અંધારાથી ડરતા હતા ત્યારે તેમનાં ઘરની સેવિકાએ મોહનને કહ્યું હતું કે રામનું નામ લેવાથી ડર જતો રહે. એ દિવસથી રામ સાથે તેમનો સંબંધ જોડાયો હતો, પણ એ દશરથપુત્ર રામ નહોતા. તેમણે ક્યારે ય રામની આરાધના-પૂજા કરી નહોતી, રામ ભગવાનના કોઈ મંદિરમાં ગયા નહોતા, રામાયણના મિથકોમાં તેમણે રસ લીધો નહોતો અને એ છતાં ય તેઓ દિવસ-રાત રામનું સ્મરણ કરતા હતા. કેટલીક વાર તો કોઈ રસ્તો ન જડે તો આખી રાત રામનામનું સ્મરણ કરે અને યોગ્ય માર્ગ વિષે વિચારે. આમ ગાંધીજીનો રામ અયોધ્યાનો રામ નહોતો, પરંતુ પરમ શક્તિ હતી. રામના નામ દ્વારા તેઓ એ શક્તિની આરાધના કરતા હતા.
ગાંધીજીની બીજી ખોજ નિર્ભયતા અને નિર્વૈરતાની હતી. આધ્યાત્મિકતાનું આ પરમ લક્ષ્ય છે. એટલે તો શરીરથી શક્તિશાળી બનવા તેમણે શેખ મેહતાબની સંગતે માંસાહાર કર્યો હતો. હિંદુઓ શાકાહારી છે એટલે નિર્બળ છે એમ તેમને કહેવામાં આવ્યું હતું. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીને જ્ઞાન થયું કે ખરી તાકાત તો કાળજામાં છે, શરીરમાં નથી. તેમને એ પણ સમજાયું કે કાળજાની તાકાત સામે કોઈ તાકાત ટકી શકે નહીં. તેનો પરાજય અવશ્યંભાવિ છે. અને આ બાજુ નિર્વૈરતા વિના માણસ અધૂરો છે.
તો વાતનો સાર એ કે ગાંધીજીનો ધર્મ સાથેનો સંબંધ અખંડ માણસાઈ તરફ દોરી જનારો હતો. તેમનો રામ સાથેનો સંબંધ પરમ તત્ત્વ સાથે એકાકાર થવાનો હતો. અને દેખીતી રીતે આવો માણસ ધર્મનું રાજકારણ કરનારાઓને પરવડે નહીં અને તેમની હત્યા કરવામાં આવી. હિન્દુત્વવાદીઓનો રામ સાથેનો સંબંધ આધ્યાત્મિક નથી, રાજકીય છે. મુસ્લિમ લીગના નેતાઓનો ઇસ્લામ સાથેનો સંબંધ આધ્યાત્મિક કે ધાર્મિક નહોતો, રાજકીય હતો. આવું જ અન્યત્ર જગત આખામાં જોવા મળશે, જ્યાં ધર્મનું રાજકારણ કરવામાં આવે છે. તેમને ધર્મ સાથે સ્નાનસૂતકનો સંબંધ નથી હોતો. વિનાયક દામોદર સાવરકર નાસ્તિક હતા અને મહમ્મદ અલી ઝીણાને નમાઝ પઢતા પણ નહોતું આવડતું. જરૂર પણ શું છે જ્યારે ધર્મને નામે લોકોને રડાવી શકાય, ડરાવી શકાય અને ધૂણાવી શકાય.
હિન્દુત્વવાદીઓ સત્તા માટે રામનો રાજકીય ઉપયોગ કરી રહ્યા છે. રામનો એટલા માટે કે અયોધ્યામાં ૧૮૫૫થી બાબરી મસ્જીદ-રામજન્મભૂમિનો વિવાદ ચાલી રહ્યો છે. તેમણે એ વિવાદ પકડી લીધો હતો. આ ઉપરાંત અયોધ્યા ઉત્તર ભારતમાં છે એટલે જેને કાઉ બેલ્ટ કહેવામાં આવે છે ત્યાં કોમવાદની ખેતી આસન છે. દક્ષિણ ભારતમાં કોમવાદની ખેતી અઘરી પડે છે. જો વિવાદનો વારસો અને અનુકૂળતા કૃષ્ણમાં કે શિવમાં નજરે પડ્યાં હોત તો તેનો ઉપયોગ કરત. બાકી રામ તો હાથ લાગેલું એક રાજકીય પ્યાદું છે.
ગાંધીજીનો રામ નિર્ભયતા અને નિર્વૈરતાયુક્ત માણસાઈની ઊંચાઈ સર કરવા માટેની સીડીરૂપ હતો જ્યારે હિન્દુત્વવાદીઓનો રામ પ્રજાને ભયભીત કરીને સત્તાની સીડી ચડવા માટેનો છે. પરમાત્માને સત્તાનું રમકડું બનાવી દેવાયો છે.
હે રામ! … ગાંધીજીનાં મૃત્યુ પૂર્વેનાં છેલ્લા શબ્દો હતા.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 21 જાન્યુઆરી 2024