ગેમ માત્ર કોઇ ખેલની મોજમાં જ સમાય છે તેમ નથી, કાલે ઊઠીને શૅર માર્કેટમાં ઇનવેસ્ટ કરી શકાય એવી ગેમ પણ બની શકે છે. ક્રિપ્ટો કરન્સીની વધતી પૉપ્યુલારિટી સાથે હવે આ પ્રકારના ટ્રેડિંગવાળી ગેમ્સ પણ અજુગતી લાગે તેવું નથી
વાઇરસ, વેક્સિન, ત્રીજી લહેર વગેરેના કોલાહલ વચ્ચે દુનિયા વિસ્તરી રહી છે, જિંદગીઓ જીવાઇ રહી છે. ઘરમાં પુરાઇ રહેવું પડ્યું ત્યારે આપણે બધાં જ સ્ક્રીન્સની વધુ નજીક આવ્યા, કામના લાંબા કલાકો અને પછી એન્ટરટેઇનમેન્ટના લાંબા કલાકોમાં એક જ સ્થાઇ પાત્ર હતું અને તે મોબાઇલ સ્ક્રીન્સ અથવા તો ટેલિવિઝન સ્ક્રીન્સ. સ્માર્ટ ટી.વી. જેવા શબ્દો હવે સામાન્ય બની ગયા છે અને વર્ચ્યુઅલ રિયાલિટી આપણી સાહજિક વાસ્તિવકતા બની જાય એ વખત દૂર નથી. ગેમિંગ – એક એવો વિષય છે જેની અસર આપણી જિંદગીઓ પર એક યા બીજી રીતે પડશે. તમે કોઇ ગેઇમ રમો ત્યારે તે હવે માત્ર નાનકડા ડિવાઇસ પર કે સ્ક્રીન પર જ હોય તેવું નથી રહ્યું તે તમે જાણો જ છો. કલ્પના કરો કે તમે કોઇ ગેમ રમો છો, કોઇ કાફેમાં કે બગીચાના બાંકડે બેસીને નહીં જ્યાં તમે આસપાસ બેઠેલા સાથે ચર્ચા કરીને આગળ શું કરવું એ નક્ક કરી શકો પણ એક સ્ક્રીનની સામે એકલા બેઠાં આ ખેલ ચાલી રહ્યો છે. તમારી સાથે ગેમ રમનાર સામે કોઇ વ્યક્તિ જ હોય તે જરૂરી નથી, તે અલગોરિધમ હોઇ શકે છે, તમારા આ ચહેરા-મોહરા વગરના સ્પર્ધકની સાથે કલાકો સુધી ગેમિંગ ચાલ્યા કરે. ઓનલાઇન બીજા પ્લેયર્સ સાથે મળીને રમાતી ગેમ્સ પણ હોય છે અને તેમાં કલાકો પસાર થઇ જાય કારણ કે પ્લેયર્સને કોમ્યુનિટીની ફિલીંગ આવે – ગેમ રમવામાં કલાકો, દિવસો પસાર કરનારા અને તેની ટુર્નામેન્ટ્સમાં ભાગ લેવા થનગનતા લોકોની કોઇ ખોટ નથી. પ્લેયર્સ માટે ગેમ્સ હંમેશાં જીતવા કે હારવાની વાત નથી હોતી પણ તેનો અનુભવ જ અગત્યનો હોય છે.
ગેમિંગની ચર્ચા કરવાનું કારણ એટલું કે આધુનિક દુનિયાના બે બહુ મોટા પાસાં પર ગેમિંગની અસર પડી રહી છે અને તે છે કલ્ચર અને રેગ્યુલેશન – સંસ્કૃતિ અને નિયમન. ગેમિંગના વિશ્વમાં જે રીતે વિસ્તાર થઇ રહ્યો છે તે સમજવું જરૂરી છે. ચોક્કસ નવાઇ લાગે કે ગેમિંગથી વળી આટલી બધી શું અસર થઇ શકે? ગેઇમ્સ એક બંધિયાર તંત્ર છે જે બહુ સમય માગી લે તેવું છે અને જો તેમાં એક્સપર્ટ થવું હોય તો પૂરી એકાગ્રતાથી તેમાં લાગી જવું પડે. ગેમ્સની સંસ્કૃતિ પરના પ્રભાવને સમજવા માટે એક કરતાં વધારે પાસાંઓને ગણતરીમાં લેવા પડે. ગેમ્સમાં વપરાતાં સંગીત અને વિઝ્યુઅલ ઇફેક્ટમાં જે પસંદગી કરાય છે તે પણ કોઇ કલ્ચર-કોઇ સંસ્કૃતિમાંથી પ્રેરિત જ હોય છે અને આ રીતે કલ્ચર અને ગેમિંગનો નાતો બને છે. ગેમિંગના હિસ્સા હોવું કોઇ ઑડિયન્સ તરીકે નહીં પણ એક ભાગીદાર તરીકે જ શક્ય બને તે સ્વાભાવિક છે. ગેમિંગ સેક્ટરનો વિસ્તાર આપણે ધારીએ તેના કરતાં ઘણો વધારે છે. વિશ્વ આખામાં ગેમિંગથી મળતા રેવન્યુનો આંકડો ૧૭૯ બિલિયન ડૉલર્સ જેટલો છે જે વૈશ્વિક ફિલ્મ ઉદ્યોગ કરતાં ય અધધધ મોટો આંકડો છે. રોગચાળાના સકંજામાં લોકો ગેમિંગની વધુ નજીક ગયા છે. આ ચર્ચા કરવી અગત્યની બને છે કે રોગચાળાની પકડમાં આપણે એવી ઘણીબધી બાબતોનો અનુભવ કર્યો છે જેના વગર રોગચાળો નહીં હોય ત્યારે પણ આપણને ચાલશે.
ગેમિંગનું આખું અર્થતંત્ર હોય છે, કારણ કે તેમાં પણ આગવું ટ્રેડિંગ ચાલતું હોય છે. તેમાં કરન્સી, માર્કેટ, પ્રાઇસિઝ અને કોન્ટ્રાક્ટ્સ થતા હોય છે. ઓનલાઇન કસિનોઝ જેવા વર્ચ્યુઅલ એક્સપિરિયન્સ પણ હવે સામાન્ય બનતા ચાલ્યા છે.
વળી ગેમ માત્ર કોઇ ખેલની મોજમાં જ સમાય છે તેમ નથી, કાલે ઊઠીને શૅર માર્કેટમાં ઇનવેસ્ટ કરી શકાય એવી ગેમ પણ બની શકે છે. ક્રિપ્ટો કરન્સીની વધતી પૉપ્યુલારિટી સાથે હવે આ પ્રકારના ટ્રેડિંગ વાળી ગેમ્સ પણ અજુગતી લાગે તેવું નથી રહ્યું. આ તો કલ્ચરની વાત થઇ પણ નિયમનની વાત કરીએ તો જે અમેરિકામાં ગેમિંગ ઇન્ડસ્ટ્રીનું કદ વિસ્તર્યું છે ત્યાં ક્રિપ્ટો કરન્સીનો ઉપયોગ, એનક્રિપ્શન, વર્ચ્યુઅલ રિયાલિટીઝના જોખમો અટકાવી શકાય તેવી નીતિઓ વગેરે પણ કોઇ નિયમન હજી સુધી તો નથી કારણ કે ફર્સ્ટ વર્લ્ડની મહાસત્તા ગણાતા યુ.એસ.એ.ના દરેક પોલીસ અધિકારી કે નીતિ ઘડનારાને ગેમિંગના વિશ્વની બારાખડી આવડતી હોય તે જરૂરી નથી. ચીનમાં યંગસ્ટર્સ ત્રણ કલાકથી વધારે ગેમિંગન નથી કરી શકતા અને નિયમ ચીનની સરકારે બનાવ્યા છે. આ પણ એક દ્રષ્ટિએ જો નિયમન છે તો બીજી દ્રષ્ટિએ વિચારીએ તો આ ચીનના કલ્ચરનો હિસ્સો છે, આ કાબૂ કરવાની માનસિકતા ત્યાં સાહજિક છે.
ગેમિંગની દુનિયાનું માળખું પેચીદું છે, ગેમિંગ ઝોનની બહાર રહેલી ઘણી બાબતો પર ગેમિંગ વિશ્વનો પ્રભાવ પડી રહ્યો છે. આ પરિવર્તન આપણે ધારીએ છીએ તેનાં કરતાં ઘણું મોટું છે અને તે ગેમિંગ અને ક્રિપ્ટો કરન્સીની દુનિયાથી દૂર રહેનારાઓને હજી નથી કળાઇ રહ્યું. વળી માત્ર દુશ્મનોને તાબે કરવાની ગેમ્સ હવે નથી રહી, ક્લાઇમેટ ચેન્જને અટકાવવા માટે શું થઇ શકે પ્રકારની ગેમ્સ પણ બહુ પૉપ્યુલર બની છે. આધુનિક વિશ્વના પ્રશ્નોને ગેમિંગ ઝોનમાં ગંભીરતાથી લેવાઇ રહ્યા છે અને ગેમર્સ આગવી રીતે તેના ઉકેલ પણ આપી રહ્યા છે. જે વર્ચ્યુઅલમાં છે તે આજે વાસ્તવિકતામાં નથી પણ આવતી કાલે પણ નહીં જ હોય તેવું માનવાનું કોઇ કારણ નથી.
બાય ધી વેઃ
ગેમ્સને કારણે કલ્ચર અને નિયમનનાં મિજાગરાં ઢીલાં પડ્યાં છે અને તેમનું એક આગવું વિશ્વ છે. તેનો એક આગવો નશો છે, ગેમ્સથી એડિક્ટ થઇ ગયા પછી થયેલી સમસ્યાઓ વિશે આપણે ઊડતા સમચારો પણ સાંભળીએ છીએ. ગેમિંગના આ અવકાશને મેટાવર્સ કહેવાય છે એટલે કે વર્ચ્યુઅલ રિયાલિટીનું યુનિવર્સ – બ્રહ્માંડ – જેમાં સતત વર્ચ્યુઅલ એન્વાયરમેન્ટ રચાયેલું રહે છે અને તે બીજા ડિજીટલ ઓબજેક્ટ્સ સાથે, પ્રતિનિધિઓ સાથે સંપર્ક સાધતું રહે છે. તમે ગેમના વિશ્વમાં એક્ટિવ હો કે ન હો, તેની દુનિયાની સીમાઓ તમારા સુધી પહોંચશે જ તે ચોક્કસ છે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 12 સપ્ટેમ્બર 2021