એક સમયે ‘હોટ’ ગણાતા રાષ્ટ્રોમાં આર્થિક અસમાનતા, બેરોજગારી, મોંઘવારી સાથે રંગભેદ જેવી સમસ્યાઓનો સામનો કરનારા ભારતીયોએ ઘર ભણી નજર કરવાની જરૂર છે
“અમારો બાબો તો ફોરેન જ સેટલ થવાનો, એવી જ રીતે તૈયારી કરે છે બધી”, “અમારી બેબી માટે ત્યાંનો જ છોકરો શોધીએ છીએ, આ તો શું કે અહીં આમે ય કશું રાખ્યું નથી, ત્યાં જાય તો સારું ને!” આવા સંવાદો ગુજરાતી ઘરો માટે બહુ સામાન્ય છે. એકદમ સાધારણ પરિસ્થિતિમાં રહેનારા લોકો પણ વિદેશ જવાના, ત્યાં કાળી મજૂરી કરવાનાં, ત્યાંથી પોતાને વતન પૈસા મોકલવાના અને ભારત પાછા આવે ત્યારે ડોલર્સ ખર્ચીને સામે વાળાને પ્રભાવિત કરી દેવાના સપનાં સેવે છે. આ એંશી-નેવુંના દાયકામાં એક જુવાળ સમાન ચાલતું અને પછી ધીરે ધીરે વિદેશ ભણવા જનારાઓની સંખ્યા વધી. ‘બ્રેન ડ્રેઇન’ શબ્દથી આપણે કોઇ અજાણ્યા નથી. સુંદર પિછાઇ જેવા ભારતીયોના ઉદાહરણ અપાય કે જો એ ત્યાં જઇને આટલું મેળવી શકે તો એ તો દરેક માટે પ્રેરણારૂપ કહેવાય, વગેરે – જો કે આવા વિધાનો કરવામાં કોઇ બહુ લાંબું વિચારતું નથી કે ન તો સામી વ્યક્તિના બેકગ્રાઉન્ડને ગણતરીમાં લેવાની તસ્દી લે છે. ટૂંકમાં ઉચ્ચ સ્તરીય શિક્ષણ અને જીવનનું બહેતર સ્તર માત્ર ગુજરાતીઓને જ નહીં પણ ભારતીયોને વિદેશ તરફ આકર્ષતું રહ્યું છે. જો કે હવે આ સપનાં ઝાંખાં પડતાં જાય છે.
યુ.એસ.એ, યુ.કે., કેનેડા, ઑસ્ટ્રેલિયા, યુરોપ – આ બધા એક સમયે એવા રાષ્ટ્રો ગણાતા જ્યાં જતાં જ ભલભલાની કિસ્મત ચમકી જશે એમ માનવામાં આવતું પણ કમનસીબે હવે આ રાષ્ટ્રોની રાજકીય, આર્થિક સ્થિતિ અને ભારતીયો પ્રત્યેનો તેમનો ભેદભાવ ભર્યો અભિગમ એ રીતે સપાટી પર આવી રહ્યાં છે કે વિદેશ જવાની લ્હાયમાં આંધળુકિયા કરવાનું લોકો ટાળે છે.
વિદેશની યુનિવર્સિટીમાંથી ભણી પરવારેલા વિદ્યાર્થીઓને સારી નોકરી મળવાનું મુશ્કેલ બની રહ્યું છે. અમુક દેશોમાં તો રહેવાની વ્યવસ્થા જ નથી કારણ કે માણસો વધારે અને ઘરો ઓછાં વાળી સ્થિતિ છે એટલે ભાડાં તગડાં છે જેને કારણે વિદેશ ગયેલાં કેટલા ય લોકોને માથે છત ન હોવાની હાલત ખડી થઇ છે. વર્ક વિઝા અને પી.આર. – પરમેનન્ટ રેસિડન્સી – કાયમી રહેવાસને લગતા નિયમો કડક બન્યા હોવાથી વિદેશમાં વસવાનું સપનું લઇને ત્યાં પહોંચેલા ભારતીયો પણ ગુંચવાયા છે. ત્યાં ભણવા જવું અને પછી ત્યાં ગોઠવાઇ જવાનું સપનું જોનારા હવે સાવચેતી ભર્યા પગલાં લે છે. કેટલા બધા ભારતીયો જે અત્યારે વિદેશમાં છે એ લોકોની હાલત પણ કફોડી છે. કોવિડ રોગચાળાની અસરો ત્યાંના જોબ-માર્કેટ પર હજી પણ વર્તાય છે. જાપાન અને યુ.કે.માં ટેક્નિકલ મંદીનું મોજું ફરી વળ્યું હતું તો જર્મની, કેનેડા અને ઑસ્ટ્રેલિયા પણ એ જ રસ્તે છે. જે.પી. મોર્ગનના એક રિપોર્ટ અનુસાર મંદી તાત્કાલિક નહીં તો 2025 સુધીમાં તો અમેરિકામાં પણ વર્તાશે. દુનિયા આખીમાં બિઝનેસિઝ સંકોચાઇ રહ્યા છે, ઓછા લોકોમાં કામ થઇ શકતું હોય એવા રસ્તા શોધવામાં આવે છે અને માટે જ નોકરીની તકો પાંખી બની છે. ટેક જાયન્ટ્સ ગણાતી કંપનીઓમાં ઢગલો નોકરીઓ રહેતી એ પણ હવે ગાયબ થઇ રહી છે. ટેક કંપનીઝમાં થતી છટણીના સમાચારો ગયા વર્ષે તો બહુ ઝળક્યા – મેટા પ્લેટફોર્મ્સ હોય કે ગૂગલ કે પછી એમેઝોન – ઘણાં ભારતીયો અહીં થયેલી છટણીનો ભોગ બન્યા. આ કારણે કાં તો તેમણે વર્ક વિઝા પર જેટલો સમય બચ્યો હોય તે ગણતરીમાં લઇને કાં તો ત્યાં બીજી નોકરી શોધી લેવી પડી અથવા તો ઘર ભેગા થવું પડ્યું. જે રાષ્ટ્રોમાં છટણી થાય અથવા તો નોકરીની થોડી ઘણી તકોની શક્યતા પણ હોય એ રાષ્ટ્રો પોતાના નાગરિકોને નોકરી આપવાને અગ્રિમતા આપે તે સ્વાભાવિક છે. વર્ક વિઝા પર કામ કરવા ગયેલા ભારતીયો તેમની પહેલી પસંદ નથી હોતા. યુ.એસ.એની જ વાત કરીએ તો એવા ભારતીયો જે ભણીને ત્યાં ગોઠવાયા છે, હોમ મોર્ટેગેજ લીધા છે, બાળકોને ત્યાંની સ્કૂલમાં ભણવા મુક્યાં છે તેમની પાસે કોઇ વિકલ્પો નથી બચ્યાં. તે ન તો ભારતના રહ્યાં છે ન તો વિદેશનાં! કેટલા ય લોકો ઘર ભેગાં થઇને ઓછા પગારમાં નોકરી સ્વીકારીને ભારતમાં જ ગોઠવાઇ ગયા છે તો કેટલાક, જે યેનકેન પ્રકારેણ વિદેશમાં જ રહેવા માગે છે એમણે ત્યાં ઓછામાં ઓછા પગારની નોકરી મળી હોય તો એ સ્વીકારી લીધી છે. ઑસ્ટ્રેલિયા જેવા દેશોમાં પણ હાલત કંઇ અલગ નથી. જે લોકો ત્યાં ભણવા ગયા હોય છે તેવા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાંથી માંડ અડધા લોકોને ફૂલ ટાઇમ નોકરી મળે છે. બીજાઓ આટલું ભણ્યા પછી પણ ઓછા પગારની લો-સ્કીલ્ડ નોકરીઓ કરે છે. વળી વિદેશમાં રહેવાની સમસ્યા પણ મોટી છે. મોટાભાગના યુરોપિયન દેશોમાં ભાડા બહુ વધારે છે. નાના ઓરડામાં ક્ષમતા કરતાં વધારે લોકો રહેતા હોય એવું મુંબઈમાં જ થાય છે એમ નથી પણ યુરોપ, ઑસ્ટ્રેલિયા અને કેનેડામાં પણ આવી સ્થિતિ છે. ઘણા વિદ્યાર્થીઓએ એકાદ સેમિસ્ટર જતું કર્યું છે, ગૅપ લેવી પડી છે કારણ કે તેમને ભાડું પોસાય એવું ઘર ન મળ્યું. પાર્ટ ટાઇમ કામ કરનારા વિદ્યાર્થીઓને જરૂર પડ્યે માતા-પિતા પાસેથી પૈસા મંગાવવા પડે છે, ક્યારેક એકથી વધુ નોકરીઓ મેનેજ કરે છે અને બચત કરવા માટે એક જ ટંક ખાતા હોય એવું પણ બનતું હોય છે.
વળી ઇમિગ્રેશનને લગતી નીતિઓ બદલાતી રહે છે અને માટે વર્ક પરમિટ કે રેસિડન્સી વિઝાની કોઇ ગેરંટી ન હોવાથી તેઓ ત્યાં લાંબો સમય રહી શકશે કે કેમ, તેની કોઇ સ્પષ્ટતા નથી હોતી. યુ.એસ. સરકારે H-1B વર્ક વિઝા પર વાર્ષિક મર્યાદા મુકી છે અને જ્યારે આ માંગ વધે ત્યારે લોટરી સિસ્ટમને આધારે વર્ક વિઝા અપાય છે. વળી રેસિડન્સી પરમિટ મેળવવા તો ઓર અઘરા હોય છે. સોશ્યલ મીડિયા પર વર્ક વિઝા પર ત્યાં રહેનારા ઘણા લોકોએ પોતાની વ્યથા લખી છે જેમાં એવી વાત કરાઇ છે કે જ્યાં સુધી H-1B વિઝા નહીં મળે ત્યાં સુધી બધું અધ્ધર છે અને જો આટલી અસ્પષ્ટતામાં રહેવાનું હોય તો ઘરે પાછા ફરવામાં જ સાર છે. કેનેડા તો ભારતીયોમાં બહુ લોકપ્રિય દેશ છે પણ ત્યાં પણ વિદેશી વિદ્યાર્થીઓને પરમિટ આપવામાં બે વર્ષની મર્યાદા મુકાઇ છે અને સ્નાતક થયા બાદ મળનારા વર્ક વિઝા પર અટકાવાયા છે. વળી કેનેડામાં ભણવા જવું હોય તો પહેલાં જેટલા પૈસા ખાતામાં બતાવવા પડતા હતા તે રકમ હવે બમણી કરી છે, તો જે ત્યાં પરમિનેન્ટ રેસિડન્સી ચાહતા હોય તેમણે વધારે ફીઝ ભરવી પડે છે. યુ.કે.ની વાત કરીએ તો ફેમિલી વિઝા કેટેગરી જેમાં લાંબા સમયથી યુ.કે.માં રહેનારા પોતાના સાથીને બોલાવી શકે એ માટે તેમની કમાણી વર્ષે 18,600 પાઉન્ડને બદલે હવે 38,700 પાઉન્ડ કરી દેવાઇ છે. નોકરીને મામલે આમે ય ધાંધિયા છે અને ગમે કે ન ગમે હજી પણ એશિયન્સને માટે ઉચ્ચ પદવી પર નોકરી મેળવવી સહેલી તો નથી જ અને આવામાં કમાણી વધવાની શક્યતાઓ પણ પાંખી છે.
ફોરેન જવાની લ્હાયને કારણે શું થાય છે એ અંગે બહુ લાંબી ચર્ચા કરવાનો અર્થ નથી કારણ કે ડિંગુચા જેવા કેટલા ય કેસિઝ આપણને હવે ખબર છે. એ તો ગેરકાયદે માર્ગ લેવાની વાત છે જેમાં હ્યુમન સ્લેવરીના કેસિઝ જ થાય છે. પણ બાળકને વિદેશમાં ભણાવવા માટે મા-બાપ તગડી લોન લેતા હોય છે પણ હવે એ ભૂલ કરવા જેવી નથી. પહેલાં જે આર્થિક સદ્ધરતાની આશા હતી તેમાં હવે પહેલાં જેટલી સલામતી નથી રહી.
સૌથી અગત્યની વાત એ કે નોકરીની અસલામતી અને મોંઘી રહેણી-કરણી માત્ર સમસ્યાઓ છે તેમ નથી. અહીં પરિવાર અને મિત્રો વચ્ચે રહેનારા કેટલાં ય છોકરાંઓ વિદેશની ધરતી પરની એકલતા નથી સાંખી શકતા. ત્યાંની એકલતાની સીધી અસર માનસિક સ્વાસ્થ્ય પર પડે છે. વળી ભારતીયોને વિદેશમાં રંગભેદનો સામનો તો કરવો જ પડે છે અને તેમને માટે ત્યાં ભળવાનું દબાણ નવી જ ચિંતા બની જાય છે. વળી મોંઘી કૉલેજમાંથી કોઇ નાનકડો કોર્સ કરવાને બદલે નાની કૉલેજમાંથી વ્યવસ્થિત ફૂલ ટાઇમ કોર્સ કરેલો હોય તો વધારે ફાયદો થાય છે.
વિદેશ જવાના અભરખા એક સ્થિર સ્થાઇ જિંદગીને ભરખી ન જાય એની કાળજી લેવી જરૂરી છે. આટલી બધી સમસ્યાઓનો સામનો કરવાને બદલે પોતાના દેશમાં રહીને માનસિક અને સામાજિક સ્થિરતા જાળવીને કામ કરવું વધારે ફાયદાકારક છે એ ચોક્કસ.
બાય ધી વેઃ
આપણી સરકારે ખાનગી અને સરકારી, એમ બન્ને સ્તરે શિક્ષણની સ્થિતિ સુધારીને વિદ્યાર્થીઓને વિદેશ જતાં અટકાવવા જોઇએ. સરકારે માત્ર નીતિના સ્તરે કામ કરવું જોઇએ અને શિક્ષણ સંસ્થાનોને રાજકારણના અખાડા ન બનાવવા જોઇએ. રશિયા જઇને મેડિકલનો અભ્યાસ કરેલા કેટલા ડૉક્ટરો પોતે માનસિક રીતે સ્વસ્થ છે? ત્યાં પણ વિદ્યાર્થીઓ હેરાન થયા છે. આજે ક્યાંક યુદ્ધ ચાલે છે તો ક્યાંક જે-તે રાષ્ટ્રના અર્થતંત્રનાં ઠેકાણાં નથી તો કેટલાક માત્ર પોતાના લોકોને આગળ ધપાવવા માગે છે. વિદેશમાં ભણવું, ત્યાં નોકરી કરવી અને ખૂબ પૈસા કમાવા વાળી વાત હવે ‘ડુંગરા દૂરથી રળિયામણા’ જેવી થઇ ગઇ છે. વિદેશમાં જઇને ડિશ વોશિંગ અને ડિલિવરી વર્ક ન કરીને એજ્યુકેશન લોન ભરવાને બદલે પોતાના દેશની સલામતીમાં પ્રગતિનાં પગથિયાં ઘડવામાં ડહાપણ છે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 26 મે 2024