ગયા સપ્તાહના મારા લેખમાં મેં લખ્યું હતું કે તાકાત ભલે બેશુમાર હોય, સફળતા ત્યારે જ મળે છે જ્યારે કોઈ વિચાર અને એ વિચાર આધારિત માર્ગ સમાજિક પંક્તિઓમાં છેલ્લી પંક્તિના લોકો સ્વીકારી લે. એવું જો ન બને તો થોડો સમય વાવાઝોડું આવે અને પછી બંધુ શાંત પડી જાય. સ્વીકારનો એ અંતિમ માપદંડ છે. ઉન્માદ અને પરિવર્તનમાં પાયાનો ફરક છે. ઉન્માદ પરિવર્તનો નથી સર્જતાં.
અને આજે આ લખી રહ્યો છું ત્યારે ‘ધ વાયર’ નામના ન્યુઝ પોર્ટલમાં એક પુસ્તકનો રિવ્યુ જોવા મળ્યો. જાણીતી ડોક્યુમેન્ટરી ફિલ્મ મેકર સબા દીવાને ‘તવાયફનામા’ નામનું એક પુસ્તક લખ્યું છે જેમાં બનારસની તવાયફોએ આઝાદીની લડતમાં કેવી રીતે સાથ આપ્યો હતો તેની વિગત છે. ૨૫ અને ૨૬ નવેમ્બર ૧૦૨૦ના રોજ ગાંધીજી બનારસ ગયા હતા. ૨૫મી તારીખે બનારસ હિંદુ યુનિવર્સિટીમાં ગાંધીજીની સભા હતી જેમાં બનારસ હિંદુ યુનિવર્સિટીના સ્થાપક મદનમોહન માલવિયજી હાજર હતા અને તેમની ઉપસ્થિતિમાં ગાંધીજીએ વિદ્યાર્થીઓને સલાહ આપી હતી કે સરકાર સાથે અસહકાર કરવાના ભાગરૂપે તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીનો બહિષ્કાર કરવો જોઈએ, કારણ કે યુનિવર્સિટી સરકારી અનુદાન લે છે. એ પછી તેમણે વિદ્યાર્થીઓને એવી પણ સલાહ આપી હતી કે તેમણે યુનિવર્સિટીનો બહિષ્કાર કરવાનો નિર્ણય મહામના પંડિતજીને સાંભળ્યા પછી જ લેવો જોઈએ, કારણ કે પંડિતજી મારા મત કરતાં જુદો મત ધરાવે છે. તેમણે પંડિત મદનમોહન માલવિયજીને બોલવા કહ્યું હતું, પંડિતજીએ ગાંધીજીના શાળાકોલેજ છોડવાના ગાંધીજીના કાર્યક્રમનો વિરોધ કર્યો હતો અને એ પછી વિદ્યાર્થીઓને નિર્ણય લેવા કહ્યું હતું. લગભગ અડધા કરતાં વધુ વિદ્યાર્થીઓએ મહામનાની ઉપસ્થિતિમાં યુનિવર્સિટીનો બહિષ્કાર કર્યો હતો.
કલ્પના કરો કેવા એ સંબંધ હશે, કેવા સ્તરની પારદર્શકતા હશે અને કેવી ખુદ્દારી હશે! મદનમોહન માલવિયજીની હાજરીમાં ગાંધીજીએ કહ્યું હતું કે હું ઈચ્છું છું કે આ યુનિવર્સિટીને તાળાં લાગે અથવા યુનિવર્સિટી સ્વદેશી મૂલ્યો પર ચાલે. પંડિતજીએ ગાંધીજીનું ટ્રોલીંગ નહોતું કરાવ્યું.
બીજા દિવસે ગાંધીજીની સભા બનારસના ટાઉનહોલનાં પ્રાંગણમાં હતી અને ત્યાં વિદ્યાધરીબાઈ નામની તવાયફ બનારસની તવાયફોને લઈને ગાંધીજીને સાંભળવા ગઈ હતી. તેમના પર ગાંધીજીનો એટલો પ્રભાવ પડ્યો હતો કે તેણે વિદેશી ચીજો વાપરવાનું બંધ કર્યું હતું, બને ત્યાં સુધી હાથ વણાટનાં કપડાં પહેરતી હતી અને તવાયફ સભા નામની સંસ્થાની સ્થાપના કરી હતી. હુસનાબાઈ નામની બનારસ શહેરની બીજી એક તવાયફની અધ્યક્ષતામાં મળેલી સભામાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે દેશ ગુલામ છે એટલે આઝાદી ન મળે ત્યાં સુધી તવાયફો મુજરા કરતી વખતે સોનાનાં કડાં કે કંગન નહીં પહેરે પણ લોખંડનાં કડાં પહેરશે જે હાથકડીની યાદ અપાવશે. હજુ થોભો, વિદ્યાધરીબાઈએ આઝાદી અને સ્વદેશીનો પ્રચાર કરનારા મુજરા રચ્યા હતા. આને કહેવાય વિચારનો અને એ વિચારધારા આધારિત માર્ગનો સ્વીકાર. કોઈ વિવેક અગ્નિહોત્રીઓને પૈસા આપવામાં નહોતા આવ્યા, તવાયફોના કોઠામાં સ્વયંભૂ અવાજો ઉઠ્યા હતા. વિદ્યાધરીબાઈએ એ સમયે દેશને આઝાદ કરવા રચેલી “ચુન ચુન કે ફૂલ લે લો” નામની ઠુમરી વિદ્યાધરીબાઈના મૃત્યુ પછી અને દેશને આઝાદી મળી એ પછી પણ ઘણાં વરસો સુધી ગવાતી હતી. શું દેશપ્રેમ ચોક્કસ વર્ગનો ઠેકો છે? હજુ વધુ શોધખોળ કરતાં ખબર પડી કે જાણીતા હિન્દી સાહિત્યકાર અમૃતલાલ નાગરે ૧૯૫૮માં ‘યે કોઠેવાલિયાં’ નામનું પુસ્તક લખ્યું હતું અને એમાં તેમણે લખ્યું છે કે વિદ્યાધરીબાઈ અને બીજી તવાયફોને ગાંધીજી મળ્યા હતા.
અત્યારે બંગલાદેશમાં આવેલા બરીસાલ નામનાં શહેરની અને વિજયવાડાની દેહજીવીનીઓએ પણ ગાંધીજીના આંદોલનમાં પોતાની અનુકૂળતા મુજબ ભાગ લીધો હતો. બરીસાલની દેહવ્યવસાય કરનારી સ્ત્રીઓ તો ગાંધીજી સાથે વધારે સંપર્કમાં હતી અને એમાંની કેટલીક સ્ત્રીઓએ તો ગાંધીજીની સલાહ અનુસરીને દેહવ્યવસાય છોડીને ચરખો કાંતિને ગુજરાન ચલાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. અને આવા તો છેલ્લી પંક્તિના લોકોએ આઝાદીનું બીડું ઊંચકી લીધું હોય અને અનેક પ્રકારની મુશ્કેલીઓ વચ્ચે યથાસંભવ યોગદાન આપ્યું હોય એવા એક બે નહીં, સેંકડો દાખલા ગાંધીજીના અક્ષરદેહમાં મળે છે.
જાણીતી ગાયિકા શુભા મુદગલનું નામ તમે સાંભળ્યું હશે. તેમણે અને તેમના પતિ અને જાણીતા તબલાવાદક અનિશ પ્રધાને મળીને ૨૦૦૮ની સાલમાં ‘સ્વાતંત્ર્ય સમર ગીત’ નામનું આલ્બમ તૈયાર કર્યું હતું. કોણ હતા એ ગીતોના રચયિતાઓ અને ગાયકો? સાવ અજાણ્યા લોકો, સાવ છેવાડાના લોકો. તેમણે પોતાની જાતે જ મશાલ પોતાના હાથમાં લઈ લીધી હતી. ચંપારણમાં આજે પણ કવ્વાલી ગવાય છે જેમાં અંગ્રેજ પક્ષ અને ગળી ઉગાડનારા સ્વદેશ પક્ષ વચ્ચે કવ્વાલીઓમાં કરવામાં આવે છે એમ સવાલજવાબ કરવામાં આવે છે અને ગળીનું વાવેતર કરનારા ગરીબ ખેડૂતોનો વિજય થાય છે. ઝારખંડના આદિવાસીઓ આજે પણ તાનાભગતના ગાંધીગીતો ગાય છે. એક ટંક માંડ રોટલો મળતો હતો, પણ પેટ ભૂખ્યું હોવા છતાં તેમણે મશાલ બુઝાવા દીધી નહોતી. શુભા મુદગલ-અનિશ પ્રધાનના આલ્બમમાં વિદ્યાધરીબાઈની પણ રચના છે.
આ દેશને બોદા રૂપિયાઓએ આઝાદી નથી અપાવી, સાચુકલી પાઈઓએ આઝાદી અપાવી છે. બોદા રૂપિયા માફી માગતા હતા, અંગ્રેજોને મદદ કરતા હતા અને સાચુકલી પાઈ સમાન વિદ્યાધરીબાઈઓ સોનાનાં કડાંની જગ્યાએ હાથકડીની યાદ અપાવનારાં લોખંડના કડાં પહેરીને પોતાના અવાજનું રાષ્ટ્રીય અવાજમાં ઉમેરણ કરતી હતી. ઉમેરણ. હીઝ માસ્ટર્સ વોઈસ નહીં, ઉમેરણ. આને કહેવાય સ્વીકાર.
—
પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 26 મે 2024