છેવટે ડોંગરીનો કિલ્લો થયો જમીનદોસ્ત અને બંધાયો ફોર્ટ જ્યોર્જ
કોઈ એક ગુનેગારને ફાંસીને માચડે ન ચડાવવો એવું અદાલત નક્કી કરે અને પછી બીજે જ વરસે અદાલતને કહેવામાં આવે કે એ ગુનેગારને ફાંસી આપવા માટેને બધી તૈયારી થઈ ચૂકી છે. તમે હુકમ કરો એટલે ફાંસીનો ફંદો એના ગળામાં નાખી દઈએ. માણસની બાબતમાં આવું કદાચ ન બને. પણ આવું જ કૈંક બન્યું બિચારા ડોંગરીના કિલ્લાની બાબતમાં. સર આર્કિબાલ્ડ કેમ્પબેલ જે સલાહ આપશે તે પ્રમાણે અમે નિર્ણય લેશું એવું લંડનમાં બેઠેલા માંધાતાઓએ કહ્યું હતું. અને તેમની સલાહ ડોંગરીનો કિલ્લો તોડી પાડવાને બદલે તેને વધુ મજબૂત બનાવવાની હતી. તે લંડનવાળાઓએ સ્વીકારી હતી. આ બન્યું ૧૭૬૮માં. અને લંડનથી મુંબઈને હુકમ છૂટ્યો : ડોંગરીનાં કિલ્લાને વધુ મજબૂત બનાવો. અને બીજે જ વરસે, ૧૭૬૯ની ૮મી માર્ચે મુંબઈના પ્રિન્સિપલ એન્જિનીયર લંડન સંદેશો મોકલે છે કે ડોંગરીના કિલ્લાને તોડી પાડવાની બધી જ તૈયારી થઈ ગઈ છે. આપ હુકમ કરો એ ભેગો આ કિલ્લો જમીનદોસ્ત થઈ જશે.
આ એક વરસ દરમ્યાન મુંબઈ-લંડન વચ્ચે લખાપટ્ટી થઈ હશે જ. પણ કોણ જાણે કેમ સરકારી દફતરમાં તે વિષે એક હરફ પણ નોંધાયો નથી! હા, એક શક્યતા છે : નવો કિલ્લો બાંધવાનો કુલ ખર્ચ ૧,૧૮,૫૦૦ પાઉન્ડ જેટલો આવશે એમ મુંબઈએ લંડનમાં બેઠેલા સાહેબોને જણાવ્યું હતું. આટલો ખરચ કરવા કરતાં કિલ્લાને અને ડુંગરીને ફૂંકી મારવાં એ વધુ સારું એમ કદાચ બડેખાંઓને લાગ્યું હોય! અલબત્ત, આ કેવળ અનુમાન છે. હા, ડિરેક્ટરોએ એટલું જરૂર કહ્યું કે ડોંગરી પરના જે લોકોનાં ઘરબાર પણ જમીનદોસ્ત થશે તેમને તે ખાલી કરવા માટે દસ દિવસની નોટિસ આપવી. કર્નલ કેમ્પબેલની સલાહ પ્રમાણે આ કામ માટે ડાઈનેમાઈટનો ઉપયોગ કરવો. જો કે આમ કરવાથી ઘણાં વધુ ઘરોને અસર થશે. જેમનાં ઘર જમીનદોસ્ત થશે તેમને કેટલું વળતર આપવું એ નક્કી કરવા માટે ત્રણ જણાની સમિતિની નિમણૂક પણ લંડનના સાહેબોએ કરી : ફોર્ટીફિકેશન પેમાસ્ટર મિસ્ટર જર્વિસ, મુંબઈના કલેકટર મિસ્ટર ફ્લેચર, અને મુંબઈના પ્રિન્સિપલ એન્જિનિયર. છ મહિનામાં રિપોર્ટ મળ્યો કે મકાનો અને ઝાડ માટે આપવાની બદલાની કુલ રકમ ૯,૫૫૬ રૂપિયા જેટલી થશે. આ ઉપરાંત તેમને નવું ઘર બાંધવા જરૂરી જમીન આપવાનું પણ ઠરાવાયું. ડોંગરીના કિલ્લાને તોડી પાડવાનું કામ ૧૭૬૮ના ઓક્ટોબરની ૨૩મી તારીખે શરૂ થયું. ૧૭૬૯ના માર્ચની ૧૮મી તારીખે ડોંગરીના કિલ્લાને ડાઇનેમાઇટ વડે જમીનદોસ્ત કરવામાં આવ્યો. એ કામ પૂરું થયા પછી કુલ ૨,૦૫,૦૦૦ સોલિડ ફૂટ જેટલો કાટમાળ એકઠો થયો.
પણ હવે સવાલ એ ઊભો થયો કે આ કાટમાળને ખસેડવો કઈ રીતે?
એ વખતે મુંબઈના સાહેબોને માથે ફક્ત લંડનના સાહેબો જ નહોતા. બેની વચમાં સુરતની કોઠી(ઓફિસ)ના સાહેબો પણ ખરા. એ વખતે સુરત બાજુથી ઘણા લોકો કામની શોધમાં મુંબઈ આવતા. આવા ૬૫ લોકોને સુરતના સાહેબોએ ડોંગરીનો કાટમાળ ખસેડવા માટે રોકી લીધા, મજૂરી રોજના સાડા સાત રૂપિયા. અને મુકાદમને રૂપિયા દસ. એટલે મુંબઈના ચીફ એન્જિનિયરે લંડન ધા નાખી : સાહેબ, હવે તો હદ થાય છે. અમે મુંબઈમાં કોઈ મજૂરને ક્યારે ય આટલું બધું મહેનતાણું આપ્યું નથી. આટલા ઊંચા દરે મહેનતાણું આપવાથી એક તો ખરચ ઘણો વધી જશે. બીજું, અહીંના સ્થાનિક મજૂરો આના કરતાં ઓછા દરે કામ કરવા તૈયાર નહિ થાય. અને હવે ભવિષ્ય માટે પણ મજૂરીના આ દર જ નક્કી થઈ જશે. એટલે મારી આપને આગ્રહભરી વિનંતી છે કે સુરતથી જે મજૂરો આવ્યા છે તેમને તાત્કાલિક છૂટા કરવાની મને મંજૂરી આપવામાં આવે. અને આ દરે મજૂરો ન જ રોકવાનું સુરતની કોઠીને જણાવવામાં આવે.
પોતે કઈ રીતે અને કયા દરે મજૂરો રોકી શકશે એની વિગતો પણ મુંબઈના ચીફ એન્જિનિયરે લંડનના સાહેબોને મોકલી. એની વિગતોમાં આપણે નહિ જઈએ. પણ પોતે જે મજૂરોને રોકશે તેની સાથે કેવી કેવી શરતો કરશે તે પણ જણાવેલું. તેમાંની કેટલીક શરતો જોઈએ. મજૂરોની ભરતી મુકાદમો દ્વારા કરવામાં આવશે. ઓછામાં ઓછા ૨૫ મજૂરો લાવે તેની નિમણૂક મુકાદમ તરીકે કરવામાં આવશે. મુકાદમને મજૂર દીઠ રોજના ત્રણ આના સાત પાઈ ચૂકવવામાં આવશે. કોઈ પણ મજૂરને કામ દરમ્યાન ઈજા થાય અને તે કામ પર ન આવી શકે તો તેને પૂરો પગાર આપવામાં આવશે. જો મજૂર બહારગામથી મુંબઈ આવ્યો હશે તો તેને બે દિવસનો પગાર મુસાફરીના ખરચ પેટે આપવામાં આવશે. દરેક મજૂરે પોતે ત્રણ વરસ સુધી આ કામ કરશે, અને બીજું કોઈ કામ કરશે નહિ એવી બાંહેધરી આપવી પડશે. આ ત્રણ વરસ દરમ્યાન, અંગ્રેજ ઉપરીની લેખિત મંજૂરી વગર તે મુંબઈ બહાર જઈ શકાશે નહિ. કામ પૂરું કરીને રોજ મજૂર ઘરે જાય ત્યારે તેની તલાશી લેવામાં આવશે.
આ બધી વિગતો લંડન પહોંચી ત્યારે ત્યાંના સાહેબો સુરત અને મુંબઈ, બંને પર ભડક્યા. મુંબઈના ચીફ એન્જિનિયરે આ દરખાસ્ત પહેલાં મોકલી હોત તો અમે મજૂરોની બાબતમાં મદદ કરવા સુરતને કહેત જ નહિ. (એટલે કે સુરતે જે કાંઈ કર્યું તે લંડનનાં કહેવાથી કરેલું.) ચીફ એન્જિનિયરની દરખાસ્તથી ઘણી મોટી બચત થાય તેમ છે એટલે તેમને અમારો આદેશ છે કે સુરતથી લાવવામાં આવેલા મજૂરોને તાબડતોબ કામ પરથી છૂટા કરીને પાછા મોકલી દેવા. સિવાય કે, ચીફ એન્જિનિયરે જે શરતો જણાવી છે તે શરતે સુરતના મજૂરો મુંબઈમાં કામ કરવા તૈયાર થાય. જે મજૂરો પાછા જવાનું નક્કી કરે તેમનો મુસાફરીનો ખરચ મુંબઈ સરકારે ભોગવવાનો રહેશે.
ફોર્ટ જ્યોર્જની બચી ગયેલી દિવાલનો એક ભાગ
ડોંગરીનો કિલ્લો અને ડુંગર તોડતાં જે પથરા નીકળે તેનું કરવું શું? અગાઉ એ વેચવાની વાત હતી તે તો પડતી મૂકાઈ હતી. મુંબઈમાં જ્યાં જ્યાં સરકારી બાંધકામ ચાલતું હોય ત્યાં ત્યાં આ પથરા વાપરવા એવું તો ઠરાવ્યું. પણ એમ કરતાં વપરાઈ વપરાઈને કેટલા પથરા વપરાય? એટલે સરકારે નક્કી કર્યું કે જે કોઈ વહાણ મુંબઈના બંદરે નાંગરે તેણે પાછા જતી વખતે ફરજિયાતપણે ડોંગરીના પથરા બેલસ્ટ કહેતાં નીરમ તરીકે વહાણમાં ભરવા. (મુસાફરી દરમ્યાન વહાણ વધુ પડતું હાલકડોલક ન થાય તે માટે તેના પેટમાં ભારે પથરા, લાકડાં, રેતી કે બીજું જે કંઈ ભરાતું તેને બેલસ્ટ કહેતા.) પણ આ માટે ડોંગરીના પથરાને ગોદી સુધી તો લઈ જવા પડે ને!
સાચવી રખાયેલી ફોર્ટ જ્યોર્જની એક તોપ
આ કામ માટે શરૂઆતમાં બળદ ગાડાંનો ઉપયોગ સરકારે કર્યો. પણ પછી લંડનને જણાવ્યું કે ગાડા દ્વારા આ કામ બહુ ધીમે થાય છે અને બહુ મોંઘુ પડે છે. એટલે અમે તેને બદલે હોડી વાપરવાનું શરૂ કર્યું છે. એ માટેની ખાસ પ્રકારની બે હોડી અમે તૈયાર કરાવી છે. એક હોડી બનાવવાનો ખરચ ૧,૨૦૦ રૂપિયા જેટલો આવે છે. છેલ્લાં સાતેક અઠવાડિયાંથી એક હોડીએ તો કામ પણ શરૂ કરી દીધું છે. આ હોડીઓ સરકારી માલિકીની છે. પણ તે ચલાવવા માટે એક ટંડેલને મહિને સાત રૂપિયા અને ૧૪ ખારવાઓને ખારવા દીઠ મહિને છ રૂપિયા પગાર તરીકે અપાય છે. બીજા પરચૂરણ ખરચ સાથે એક હોડી પાછળ મહિને ૧૨૦ રૂપિયાનો ખરચ થાય છે. દરેક હોડી ૨૪ કલાકમાં બે ખેપ કરે છે. અને દરેક ખેપમાં સો ગાડાંમાં સમાય એટલા પથરાની હેરફેર કરે છે. અગાઉ ગાડાવાળાને એક ફેરી માટે આઠ પાઈ અપાતી હતી. પણ મોટા ભાગના તેમને મળતા પૈસાથી નાખુશ હતા. આ બચતને પરિણામે એક હોડી બાંધવાનો ખરચ ૭૫ દિવસમાં સરભર થઈ જાય છે. તે પછી દરેક હોડી કંપની સરકારને મહિને ૪૮૦ રૂપિયાની બચત કરાવી આપે છે. આ રીતે વાપરવા માટે ચાર હોડી તૈયાર છે. જેથી કરીને કંપની સરકારને વરસે ૨,૮૮૦ પાઉન્ડની બચત થશે.
મુંબઈના કોટને અડીને આવેલો ફોર્ટ જ્યોર્જ
થોડા વખત પછી મુંબઈના ચીફ એન્જિનિયરે લંડનના હાકેમોને જણાવ્યું કે મુંબઈ બહારથી મજૂરો લાવવા માટે મેં મારા કેટલાક અધિકારીઓને બહારગામ મોકલ્યા હતા. પરિણામે ૯૯૨ મજૂરો કામ કરતા થયા છે. અને થોડા વખતમાં આ આંકડો ૨,૦૦૦ પર પહોંચશે એવી અમને ખાતરી છે. અગાઉ અમે જણાવ્યું હતું તેના કરતાં પણ ઓછા દરે આ મજૂરો કામ કરવા તૈયાર થયા છે. આ જોતાં સુરતની ફેક્ટરીની યોજના કરતાં અમારી યોજનાથી કંપની સરકારને વરસે ૩૪,૦૦૦ રૂપિયાની બચત થશે. આ રીતે ગાડાંને બદલે હોડીનો ઉપયોગ કરવા માટે મેં અગાઉથી આપની મંજૂરી લીધી નથી. પણ આપે મારી નિમણૂક કરી છે ત્યારથી મારો સતત એ જ પ્રયત્ન હોય છે કે સરકારનું કામ સારામાં સારી રીતે અને ઓછામાં ઓછા ખર્ચે કરવું. એટલે આપ નામદારને મારી અ યોજનાને મંજૂરી આપવા વિનંતી છે. મંજૂરી મળી. ડોંગરીના પથરા હોડીઓમાં ભરાઈ ભરાઈને બંદર, અને ત્યાંથી દેશ-વિદેશ પહોંચી ગયા. અને મુંબઈમાં રહ્યું ફક્ત એક વિસ્તારનું નામ, ડોંગરી.
સેન્ટ જ્યોર્જ હોસ્પિટલમાં ભોંયરું મળી આવ્યું તે દિવસે
ડોંગરીના કિલ્લાની આવરદા ખાસ્સી લાંબી. ૧૫૯૬માં પોર્ટુગીઝોએ બાંધ્યો. ૧૭૬૯માં અંગ્રેજોએ તેને ધરાશાયી કર્યો. તો બીજી બાજુ ખુદ અંગ્રેજોએ જ બાંધેલા એક કિલ્લાનું આયુષ્ય પૂરાં સો વરસનું પણ નહિ! ડોંગરીનો કિલ્લો જમીનદોસ્ત થયો તેને બીજે વરસે, ૧૭૭૦માં એક નવો કિલ્લો બંધાયો અને ૧૮૬૨માં તો તે નેસ્તનાબૂદ થઈ ગયો! એનું નામ ફોર્ટ જ્યોર્જ. એ બંધાયો કઈ જગ્યાએ એ અંગે થોડી ગૂંચવણ છે. કેટલાક કહે છે કે ડોંગરીનો કિલ્લો અને ટેકરી, બંને તૂટ્યા પછી એ જ જગ્યાએ ફોર્ટ જ્યોર્જ બંધાયો. જ્યારે કેટલાક કહે છે કે મુંબઈનો ફોર્ટ કહેતાં કોટ ઉત્તર દિશામાં જ્યાં પૂરો થતો હતો તે જગ્યાની નજીક આ નવો કિલ્લો બંધાયો હતો. એ હતો મજબૂત, પણ પ્રમાણમાં નાનો. લંબાઈ લગભગ દોઢ કિલો મીટર, પહોળાઈ ફક્ત ૫૦૦ મીટર. તે વખતના એક નકશામાં તો બોમ્બેના ફોર્ટને લગભગ અડીને ફોર્ટ જ્યોર્જ આવ્યો હતો એમ બતાવ્યું છે. ફ્રેરે રોડ પર આવેલા તેના જે અવશેષો બચ્યા છે તે પણ મુંબઈના ફોર્ટની નજીકમાં જ આવેલા છે. મહારાષ્ટ્ર રાજ્યના ડિરેક્ટરેટ ઓફ આર્કિયોલોજી એન્ડ મ્યુઝિયમ્સના તાબા હેઠળ તે છે. કિલ્લાના આ અવશેષો આવેલા છે સેન્ટ જ્યોર્જ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં. ૨૦૧૦માં આ હોસ્પિટલમાં એક ભોંયરું મળી આવ્યું હતું. આ ઉપરાંત જે.જે. હોસ્પિટલ, જી.પી..ઓ.નું મકાન અને ખુદ રાજભવનમાં પણ ભોંયરાં મળી આવ્યાં છે. બીજો કોઈ ઉપાય કારગત નીવડે એમ નથી એવું જણાય ત્યારે ભાગવા માટે આ ભોંયરાં અંગ્રેજોએ બનાવ્યાં હશે તેમ મનાય છે.
પણ પછી જે ઝડપે યુદ્ધવિદ્યાનો ‘વિકાસ’ થયો તે જોતાં કિલ્લા નિરુપયોગી જણાવા લાગ્યા. ડોંગરીનો કિલ્લો દુ:શ્મનના હાથમાં જાય તો તો આખા મુંબઈનું આવી બને એ વિચારે એ કિલ્લાને અને ટેકરીને તો ઉડાવી દીધાં. ડોંગરી પછી હવે ધરાશાયી થવામાં કોનો વારો આવે છે એ જોવાનું રહ્યું. એની વાત હવે પછી.
ઇતિ ડોંગરી દુર્ગ પુરાણે અંતિમ અધ્યાયઃ સમાપ્ત:
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 25 મે 2024)