કૃષ્ણગાન
ટી.એમ.કૃષ્ણા કર્ણાટકી સંગીતમાં મોટું નામ છે. સામાન્ય રીતે શાસ્ત્રીય સંગીત ભદ્રવર્ગ સાથે સંકળાયેલું હોય છે, પણ કૃષ્ણા આ સંગીતને સમગ્ર સમાજ સાથે સાંકળવાના પ્રયત્નો કરે છે. જેમ કે, તેમણે ચેન્નાઈની પાસે માછીમારોનાં ગામોમાં સંગીત જલસાના વાર્ષિક કાર્યક્રમો કર્યા છે. આ સામાજિક નિસબત તેમને સંગીતથી આગળ વધીને સામાજિક મુદ્દાઓ તરફ લઈ ગઈ છે. માટે તાજેતરનાં વર્ષોમાં તેમણે નાતજાત, હિન્દુત્વ વગેરે પ્રશ્નો પર આખાબોલી ટિપ્પણીઓ પણ કરી છે, લખાણો, પુસ્તકો અને ટિ્વટર મારફત. બે વર્ષ પહેલાં તેમને મૅગ્સેસે પુરસ્કાર મળ્યો હતો, તેમાં સંગીત અને રાજકારણથી વધીને પર્યાવરણ માટેનાં તેમનાં કામની પણ નોંધ લેવાઈ હતી. નદીનાળાં, જંગલ વગેરેની માવજત વિષેનું એમનું એક નાનું ગીત વાઇરલ થયેલું અને હજુ લોકપ્રિય છે.
‘સ્પિક-મેકે’ નામની સંસ્થા શાસ્ત્રી યસંગીત-નૃત્યના જાહેર કાર્યક્રમો યોજે છે અને ખાસ કરીને વિદ્યાર્થીઓને આપણી સાંસ્કૃતિક ધરોહરનો પરિચય આપે છે. એ સંસ્થાએ ૧૭મી નવેમ્બરે દિલ્હીમાં કૃષ્ણા અને બીજા ત્રણ કલાકારોનો કાર્યક્રમ જાહેર કર્યો. કેન્દ્ર સરકારનું જાહેર એકમ, ઍરપોટ્ર્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (એ.એ.આઈ.), કાર્યક્રમનું સ્પૉન્સરર હતું. ટિ્વટર પર ભક્તવર્ગે કૃષ્ણા સામે બળાપો વ્યક્ત કર્યો, પછી એ.એ.આઈ.એ અચાનક કાર્યક્રમને મદદ આપવાનો નિર્ણય રદ્દ કર્યો. સત્તાવાર જાહેરાતમાં કોઈ ખુલાસો નહોતો, માત્ર ‘અણધાર્યાં કારણોસર’નો વાંક હતો. પણ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’, ટિ્વટર અને અન્યત્ર છાપ એવી હતી કે કૃષ્ણા આ સરકાર અને એની વિચારધારાના વિરોધી છે, માટે કાર્યક્રમ રદ્દ થયો છે.
બીજે જ દિવસે ‘એક્સપ્રેસ’માં ઇતિહાસકાર રામચન્દ્ર ગુહાએ લખ્યું કે, અમદાવાદ યુનિવર્સિટીમાં મને ભણાવતા અટકાવે, તે તો ‘ઇન્ટોલૅરન્સ’ છે, પણ કૃષ્ણાને ગાતા અટકાવે, તે તો નરી બર્બરતા હશે.
અન્ય ત્રણ કલાકારોમાંનાં એક, સોનલ માનસિંહ, ભા.જ.પ. તરફથી રાજ્યસભાનાં સાંસદ છે, તેમણે ફરજ બજાવીને ખુલાસો કર્યો, ‘એક્સપ્રેસ’માં તેમણે લખ્યું કે, આજકાલ કોઈ પણ લેખક-કલાકાર-પત્રકારને કાંઈ તકલીફ થાય, તો સરકારનો વાંક કાઢવો ના જોઈએ. જો કે, કૃષ્ણાના (તેમ જ આવી તકલીફ ભોગવવા બાકીના કલાકારોના) મત મોદીવિરોધી છે, એવું પણ તેમના લખાણમાં હતું. માટે જ કૃષ્ણાએ બીજા દિવસે તેમનો આભાર મળ્યો કે ચલો, એ.એ.આઈ.એ નહિ, તો કોઈકે તો કહ્યું કે કાર્યક્રમ કેમ રદ્દ થયો. થોડા તીખા તેવર સાથે કૃષ્ણાએ ૧૬મીએ કહ્યું કે આવતી કાલે દિલ્હીમાં મને કોઈ પણ જગ્યા આપો, હું ગાઈશ.
દિલ્હીની સરકાર, કેજરીવાલની આમ આદમી પાર્ટી, મોદી/ભા.જ.પ.ના અગ્રેસરનો એ જ વેવલેન્થ પર જવાબ આપતા આવ્યા છે. તેમણે તક ઝડપી લીધી અને સૈદ-ઉલ-અજાયબ ઉર્ફે ગાર્ડન ઑફ ફાઇવ સેન્સીઝ પર શનિવારે સાંજે જલસો જામ્યો. શરૂમાં કેજરીવાલે માત્ર પાંચેક વાક્યો કહ્યાં, એ મતલબનાં કે ભારત જેવી ભાતીગળ વિવિધતા કોઈ દેશમાં નથી અને એને આપણે સાચવી રાખવી જોઈએ.
કૃષ્ણા આમે ય સામાજિક નિસબતનું સંગીત રજૂ કરે છે અને ઉપરથી વિચારધારાની ગરમાગરમીનો માહોલ હોય, પછી પૂછવું શું ? રજૂઆતોની દરેક પસંદગી ‘રાજકીય’ નીકળી. શરૂઆતમાં સાબરમતી આશ્રમને યાદ કરીને સર્વ ધર્મ પ્રાર્થના પછી તુકારામ (મરાઠી) અને બસવા (કન્નડ). પછી કન્નડ કવિ કનકદાસની રચના રજૂ કરતાં પહેલાં કૃષ્ણાએ યાદ દેવડાવ્યું કે ઉડુપીમાં કૃષ્ણનું જે મંદિર છે, તેમાં કનકદાસની જાતિના લોકોને પ્રવેશ નહોતો. કનકદાસે ભગવાનને વિનંતી કરી અને ભગવાનની મૂર્તિ ઊલટી ફરીને બારી તરફ થઈ, જ્યાંથી કનકદાસ દર્શન કરી શકે. સબરીમાલા વિવાદનો સંદર્ભ સ્પષ્ટ જ હતો. એમ છતાં સ્પષ્ટતાની જરૂર હોય, તો પછી કબીરભજન તો હતું જ.
માટી કહે કુંભાર સે, તૂ ક્યા રોંદે મોહે,
એક દિન ઐસા આએગા, મૈં રોદૂંગી તોહે.
આયે હૈં તો જાયેંગે, રાજારંકફકીર,
એક સિંઘાસન ચડી ચલે, એક બંધે જંજીરઃ
દુર્બલ કો ના મનાઈએ, જાકી મોટી હાય,
બિના જીબ કે શ્વાસ સે લોહ ભસમ હો જાય!
કબીર આપ ઠાગાયિયે, ઔર ના ઠગિયે,
આપ ઠગે સુખ ઊપજે, ઔર ઠગે દુઃખ હોય!
અરબી, સૂફી ભજન, કેરાલી ફિલ્મમાંથી જિસસનું ભજન ઇત્યાદિ અને અંતે ‘રઘુપતિ રાઘવ રાજારામ’. આશરે હજારેક લોકો એકઠા થયા હતાઃ મોટા ભાગના બે કલાકથી વધુ ઊભા રહીને સાંભળતા રહ્યા. એક પોલિટિકલ સ્ટેટમેન્ટ કર્યાનો મિજાજ હતો. હિન્દુત્વની સ્ટ્રીટ -ટૅક્ટિક્સનો જવાબ આપવાનો એક રસ્તો સફળ થયો.
E-mail : ashishupendramehta@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2018; પૃ. 16