આદ્યાક્ષરી સંક્ષેપો વિશે
પરમ સત્ય એ છે કે ભાષાના કાળજીપૂર્વકના નિરન્તરના ભરપૂર વપરાશથી વ્યક્તિનાં ભાષિક સામર્થ્યો તેમ જ એની ભાષિક રજૂઆતો વિકસે છે
આ ઈન્ટરનેટયુગમાં thx – ilu – ddlg – omg – rip જેવા acronyms – આદ્યાક્ષરી સંક્ષેપો – બહુ વપરાય છે. એ સંક્ષેપોને અળવીતરાઇથી ખોલીએ અને જે સૂચવાય તેની મજા જો લઇ શકીએ તો મજા આવે : thx-ને ખોલીએ તો સૂચવાય છે કે બે શબ્દનું 'થૅન્ક યુ' લખવા જેટલો ય એ મનુષ્ય નવરો નથી; પ્રમાદી હોવો જોઇએ. મેં મારા એક હિતૈષીને વિસ્તારથી લખ્યું ને છેલ્લે ઉમેર્યું -આભારી છું. એણે મૂળ વાત ટાળી પણ ટૂંકો વિવેક અંગ્રેજીમાં દાખવવા લખ્યું, thx 4 thx ! 'યુ આર વૅલકમ' લખવાના મારા હોશ ઊડી ગયેલા. હજીલગી મને sorry-નો સંક્ષેપ નથી જોવા મળ્યો. પૂરા 'સૉરિ'-ની જ કોઇને જરૂર નથી પછી ..! આ ilu જો આમ કોકડું વળેલું હોય તો શું પરિણામ આવવાનું? જેને 'આઈ લવ યુ' લખતાં જોર પડે છે, તો, એની જોડે-નાને કે એની જોડે-નીને પ્રેમનો કયો મોદક – લાડવો – ખાવા મળવાનો? મને ddlj જેવું સૂઝ્યું છે, dnldnr. નહીં સમજાય. એ છે, 'ડુ નૉટ લાઇક, ડુ નૉટ રીડ'. એક વાર, લૉ-ગાર્ડનમાં પ્રેમિકા એના પ્રેમી આગળ વાતવાતમાં ‘ઓ.ઍમ.જી.’ બોલતી'તી. જરા આઘે બેઠેલા કાકાએ બૂમ પાડી -મને બોલાવ્યો? કેમ કે બધા એમને omg કહેતા, એટલા માટે, કે એમનું નામ 'ઓ'ધવ 'મ'ગન 'ઘી'-વાળા હતું. પ્રેમિકા ક્હૅ – નો અન્કલ, નો, યુ પ્લીઝ કૅરી ઑન ! કાકા મલકી પડેલા.
કેટલાક તો નામઠામની વીગત વિના જ ફોટો મૂકે છે. એ બહેનના એ જેઠ હોય કે એ ભાઈની એ સાળી, એ વાત તો સારી, પણ આપણે એ પોસ્ટનું શું કરવાનું છે, ખબર નથી પડતી. વ્હૉટ્સઍપ પર એક ચતુર દીકરીએ મને gn લખ્યું. મને થયું, અમેરિકામાં દિવસ છે છતાં 'શુભરાત્રિ' કહીને મને આગળ ન લખવા બલકે ઊંઘી જવા કહે છે. મને રમૂજ સૂઝી કે એને hand લખું તો નહીં સમજે. મેં લખ્યું. તો બોલો, બિલકુલ સમજી ! મને તરત લખી મોકલ્યું -have a nice day ! આમે ય, મને પાઠ ભણાવવાની હંમેશાં એને મજા પડે છે. એથી જો કે એને માટેનું મારું વાત્સલ્ય સુદૃઢ થાય છે. કેટલા ય ફેસબુકવાસીઓ કોઇનું અવસાન થયું હોય ત્યારે પણ like અને કોઇનો જનમદિવસ હોય ત્યારે પણ like દબાવે છે. એનો અર્થ એ કે, આજે તમે મર્યા એ મને 'ગમ્યું' છે. આજે તમે ૮૦-માં પ્રવેશ્યા એથી મને 'સારું લાગ્યું' છે. Rest in Peace લખવાને બદલે ટૂંકું RIP મૂકે ત્યારે એમ પણ સૂચવાય છે કે 'તમે મર્યા, પણ મારે ફ્લાઈટ પકડવાની છે'. એક વાર, એક જણાએ પૂરું લખી નાખેલું -Rest in Piece ! એને થોડી ખબર કે અંગ્રેજીમાં, નજીક નજીકના બે-બે 'પીસ' છે ! લખનાર ભલે લખે પણ એને જો ખબર હોય કે rip એક ક્રિયાપદ પણ છે, જેનો અર્થ છે, જોરથી ચીરી નાખવું, તો કદાચ ન લખે. જો કે, મરનારનો દેહમુક્ત આત્મા તો 'નૈનમ્ છિન્દન્તિ શસ્ત્રાણિ, નૈનમ્ દહતિ પાવક:' થઈ ગયો હોય છે; એટલે વાંધો નહીં.
emojis હ્યુમન emotions સાથે જોડાયેલા છે – યુનિવર્સલ છે – વિશ્વભરની ભાષાઓના ભેદો વચ્ચે યથાશક્ય સેતુ થવા નીકળ્યા છે – શબ્દગુચ્છ કે આખા વાક્યને સ્થાને વપરાય છે. એ ચાર કારણે emojis એટલે કે એ સંક્ષિપ્ત ચિત્રલેખો – abbreviated pictographs – મને ગમે છે. બે-ચાર શબ્દ ને એ પર કરાયેલું emoji-નું ગાર્નિશિન્ગ મોહક હોય છે. એથી એ ઍક્સ્પ્રેશન વાસીતાજું હોય તો પણ ધ્યાનમાં નથી આવતું. અસલિયત પાછળથી કમ્યુનિકેટ થાય છે. હસતાં, કે આંખો કાઢતાં, એ ઝીણકાં આપણને છેતરી પણ જાય. આંસુ ટપકાવતું મોકલ્યું એનો અર્થ એવો થોડો કે મોકલનાર તમારા વિરહમાં રડ્યા જ કરે છે? નમસ્કારક emoji-નો અર્થસંકેત એ પણ છે કે – તમને નમસ્કાર, જાવ હવે, બહુ થયું ! કોઇએ મને ત્રણ ત્રણ મોકલેલાં ! કેવું લાગે? થમ્પ્સ અપ-નું emoji, બધું ઓકે છે એમ સ-સ્મિત દર્શાવવા મોકલાય છે. પણ ત્યારે મોકલનારનું સ્મિત દેખાતું નથી. ક્યારેક તો એ અંગૂઠો સૂકી દૂધીનું ડીચું લાગે છે. ભોળિયાને તો એમ લાગે કે ડિંગો બતાવે છે.
emojis, ગોઠવેલા તટસ્થ અર્થો આપે પણ આમ અવળાસવળા અર્થો પણ આપે. મીંઢા મૌન કરતાં સારા પણ લક્ષ્યાર્થ-વ્યંગાર્થ બાબતે ઠાલા. મેં એઓને લખ્યું – આ સાથે હું તમને નમસ્કારક ૭ emojis પણ મોકલું છું. ખુશ થયા. 'મારા તમને સાત વાર નમસ્કાર', એ અર્થ સમજેલા નહીં. આ સૌમાં અત્યન્ત કામગરા કોઇ હોય તો તે છે forward-ની ચાંપ દબાવનારા. ખાતાંપીતાં કે રામ જાણે, કેવીયે હાલતમાં દબાવી લેતા હોય ! એઓથીયે અત્યન્ત કામગરા તો GIF મોકનારા છે. વાટકીવ્યવહાર સાચવવા તમારે સમુપકારક GIF જ મોકલવું જોઈએ. શોધવામાં ગમે એટલો સમય જાય પણ એને એ લોકો સમયવ્યય નથી ગણતા, 'પાસ-ટાઈમ' કહે છે.
આમાં, internet troll-ની વાત ઉમેરવાલાયક છે. troll એટલે બાહુકડો; જોવો ન ગમે એવો વિકૃત વામન અથવા કોઇ રાક્ષસ. લોકસાહિત્યમાં હોય છે. વિષયનિષ્ણાતો જણાવે છે કે ઈન્ટરનેટ પર નવતર ટ્રોલભાઇઓ પ્રગટ્યા છે. દોડી આવતા હોય છે : એક છે, 'સ્પામ' ટ્રોલભાઈ. એને તમે વાંચો છો કે કેમ એ વાતની પરવા વગર બસ તમને ટૅક્સ્ટ મૅસેજીસ મોકલ્યા જ કરે. બીજા છે, 'ઍક્સ્પર્ટ' ટ્રોલભાઈ. જાતને સર્વજ્ઞ સમજતા હોવાથી કાયમ તમને સલાહો આપે, જાતભાતની ફાલતુ વાતો રેલાવે. ત્રીજા છે, 'હેટર' ટ્રોલભાઈ. એ તમને હેટ કરવા – તિરસ્કારવા – ટાંપીને બેઠા હોય છે. તિરસ્કારવા જેવું ન હોય તો પણ તિરસ્કારે. ન મળે તો ઉપજાવી કાઢે. બે ઉપકારક ટ્રોલભાઈઓ પણ છે : એક છે, 'વ્યાકરણવાદી'. તમને ન ગમે કેમ કે તમારી પોસ્ટમાં રહેલી વ્યાકરણની ભૂલો ભલમનસાઈથી પણ હંમેશાં દર્શાવે. બીજા છે, 'રીપ્લાય' ટ્રોલભાઈ. એઓશ્રી તમારા ખરેખરના પ્રેમી હોય છે. જરા જેટલીયે આનાકાની વગર તમારી પોસ્ટનો ઉત્તર આપે જ આપે. ગુજરાતી સાહિત્યના બ્લૉગ્સ પર આ કે આવા ટ્રોલભાઈઓનો રંજાડ છે ખરો? હોય તો એકમેકને જણાવજો.
હું સમજું છું, સોશ્યલ મીડિયાવાળાંની સોશ્યોલૉજિ આવી જ હોય. આ કંઇ એવાં ગમ્ભીર કમ્યુનિકેશન્સ નથી. હાય-હેલો, કેમ છો-મજામાં, પ્રકારના ટૅ'લટૌકા છે. જે લોકો બીજું પણ ઘણું લખતા હોય એમને આ સોશ્યોલૉજીથી કશો દોષ નથી થવાનો. સમરથ કો ન દોષ કશો. બાકી, ભાષિક અભિવ્યક્તિને વિશેનું આ ઈન્ડિફરન્સ થોડુંક ચિન્તાકારક તો ખરું જ. આના વ્યસનીઓને અશુદ્ધ લખવાની છૂટ મળી જાય છે, ટેવ પડી જાય છે. સાહિત્યકારો ય ભૂલભરેલાં વાક્યો ગબડાવે છે. ગ્રહણક્ષમતા ઘટી જાય છે. જરાક અઘરી વાત આવે એટલે મૉં મચકોડે છે. પરમ સત્ય એ છે કે ભાષાના કાળજીપૂર્વકના નિરન્તરના ભરપૂર વપરાશથી વ્યક્તિનાં ભાષિક સામર્થ્યો તેમ જ એની ભાષિક રજૂઆતો વિકસે છે. ભાષા અક્ષયપાત્ર છે. સજ્યો-સજાવ્યો થાળ છે. એનાં ખાવાનાંને કોઇ બેબીની જેમ ચૂંટીઓ ખણીને ખાઇએ તો શું મળે? બેબીને તો પટાવી-રીઝવીને કૉળિયા ભરાવનારી મા હોય છે. આપણે તો ખાસ્સાં વયસ્ક છીએ !
= = =
[સૌજન્ય : શનિવાર, ૧/૧૨/૨૦૧૮-ના રોજ ‘નવગુજરાત સમય' દૈનિકમાં પ્રકાશિત લેખ અહીં મૂક્યો છે.]