ટ્રમ્પ પ્રમુખપદે ચૂંટાયા પછીની મધ્યસત્ર ચૂંટણીનાં પરિણામો હવે આવી ગયાં છે. મોજણીઓની ધારણા મુજબ કૉંગ્રેસના નીચલા ગૃહમાં ડેમોક્રેટિક પાર્ટીને ૪૩૫માંથી ૨૩૨ અને રિપબ્લિકન પાર્ટીને ૧૯૯ બેઠકો મળી છે. આ લખાય છે ત્યારે ચાર મતક્ષેત્રોનાં પરિણામ આવવાનાં બાકી છે.
સેનેટમાં રિપબ્લિકન પાર્ટીની સંખ્યા વધીને પર થઈ. ડેમોક્રેટિક પાર્ટીની ૪૭ થઈ. એક બેઠકની મતગણતરી ચાલુ છે.
રાજ્યોના ગવર્નરશીપની ચૂંટણીઓમાં ડેમોક્રેટિકની સંખ્યા વધી છે. સાત રાજ્યો જ્યાં હાલ રિપબ્લિકન ગવર્નર્સ હતા ત્યાં ડેમોક્રેટિક પાર્ટી જીતી છે. છત્રીસ રાજ્યોની ગવર્નર્સની ચૂંટણીમાંથી ૨૦ પર રિપબ્લિકન અને ૧૬ પર ડેમોક્રેટિક પાર્ટી જીતી.
મતની ટકાવારી પ્રમાણે સેનેટની ચૂંટણીઓમાં ડેમોક્રેટિક પાર્ટીને કુલ મળીને ૫૮.૫ ટકા અને રિપબ્લિકન પાર્ટીને ૪૦ ટકા મત મળ્યા. રિપબ્લિકન પાર્ટીએ છેલ્લા બે દસકામાં કરેલા જેરીમેન્ડરિંગ છતાં પરા વિસ્તારના મતોને કારણે ડેમોક્રેટિક પાર્ટી ગૃહમાં જીતી શકી. નીચલા ગૃહમાં ડેમોક્રેટિક પાર્ટીને પર ટકા અને રિપબ્લિકન પાર્ટીને ૪૬ ટકા મત મળ્યા.
મતની ટકાવારી અને પૅટર્ન મોટા ભાગે ૨૦૧૬ની પ્રમુખીય ચૂંટણી જેવી જ રહી છે. જે-જે રાજ્યોમાં હિલેરી ક્લિન્ટનને બહુમત મળેલાં ત્યાં ડેમોક્રેટિક પાર્ટીએ સરસાઈ જાળવી રાખી. જે રાજ્યોમાં ટ્રમ્પને બહુમત મળેલો ત્યાં રિપબ્લિકન પાર્ટીએ બેઠકો જાળવી રાખી.
ચૂંટણીપૂર્વે રાજકીય પંડિતો જેને ‘બ્લૂવેવ’ કહેતાં’તા તેવું મોજું આ ચૂંટણીમાં ના દેખાયું. ડેમોક્રેટિક પાર્ટીએ ગૃહ જીત્યું પણ સેનેટમાં બેઠકો ગુમાવી.
૫૯ ટકા સ્ત્રીઓએ ડેમોક્રેટિક પાર્ટીને અને ૫૧ ટકા પુરુષોએ રિપબ્લિકન પાર્ટીને મત આપ્યા શ્વેત પ્રજાના ૫૪ ટકાએ રિપબ્લિકન પાર્ટીને મત આપ્યા. અશ્વેત, હિસ્પેનિક અને એશિયન પ્રજાના ૭૦ ટકાથી વધુ મતદારોએ ડેમોક્રેટિક પાર્ટીને મત આપ્યા. ઉંમરની દૃષ્ટિએ ૪૫થી નીચેની વયના મતદારોએ ડેમોક્રેટિક પાર્ટીને અને ૪૫થી ઉપરના મતદારોએ રિપબ્લિકન પાર્ટીને મત આપ્યા. રિપબ્લિકન પાર્ટી શ્વેતપ્રજાની પાર્ટી બની ગઈ છે અને શ્વેતેતર મતદારો ડેમોક્રેટિક પાર્ટીને ટેકો આપે છે.
આ ચૂંટણીની મુખ્ય વિશેષતા એ રહી કે લગભગ બે દસકા પછી મધ્યસત્ર ચૂંટણીમાં ૪૯ ટકા મતદાન થયું. સામાન્ય રીતે મધ્યસત્ર ચૂંટણીમાં ૪૦ ટકા મતદાન થતું હોય છે. ગયા અંકમાં નોંધ્યા પ્રમાણે આ ચૂંટણીમાં ટ્રમ્પના વિરોધ સામે મોટી સંખ્યામાં ડેમોક્રેટિક મતદારો મત આપવા નીકળ્યા, તો સામે ટ્રમ્પને બચાવવા રિપબ્લિકન મતદારો પણ ઉમટ્યા. કુલ મળીને ૧૧૩ મિલિયન મતદારોએ મતદાન કર્યું.
અમેરિકામાં સૌ પ્રથમ વાર વધુ સંખ્યામાં મહિલા ઉમેદવારો વિજયી બન્યાં. બંને પક્ષે મળીને ગૃહમાં ૯૫ અને સેનેટમાં ૧૩ મહિલા ઉમેદવારો વિજયી બન્યાં. સેનેટમાં વિદ્યમાન દશ મહિલાઓમાં ૧૩નો ઉમેરો થયો. આ સંખ્યા આવકાર્ય પણ સંતોષજનક નથી. આ આંકડો કૉંગ્રેસના ૨૫ ટકાથી પણ ઓછાં મહિલા-સભ્યોનો છે. સૌપ્રથમ વાર અમેરિકાની મૂળ પ્રજાતિની બે મહિલાઓ અને બે મુસ્લિમ મહિલાઓ ગૃહમાં ચૂંટાયાં. ૧૧૩ વિજયી મહિલાઓમાંથી ૯૮ ડેમોક્રેટ્સ અને ૧૫ રિપબ્લિકન છે.
તમાચો મારીને મોઢું રાતું રાખવાની કળામાં ટ્રમ્પ નિપુણ છે. સેનેટમાં વધેલી બેઠકોને ‘રિપબ્લિકન પાર્ટીનો ભવ્ય વિજય’ ગણાવી પોતાની લોકપ્રિયતાની બડાશો હાંકવા છતાં એક વાસ્તવિકતા નિશ્ચિત છે કે આગામી બે વર્ષમાં ટ્રમ્પની સ્થિતિ પાછલાં બે વર્ષો કરતાં ભિન્ન રહેશે. નીચલા ગૃહમાં ડેમોક્રેટિક પાર્ટીના વિજયને કારણે તેમના પર અંકુશ રહેશે. ગૃહ સતત તેમની કૅબિનેટની કામગીરીની સમીક્ષા કરશે. તેમને સધિયારો એ વાતનો છે કે નીચલું ગૃહ તેમના પર મહાભિયોગનો આરોપ મૂકે, તો પણ સેનેટમાં રિપબ્લિકન બહુમતને કારણે તે સંભવ નહીં બને.
મધ્યસત્ર ચૂંટણીપૂર્વેના લેખમાં મેં જણાવેલું તેમ હવે કિનારે બેસી પ્રમુખીય ચૂંટણી માટે છબછબિયાં બોલાવતા બંને પક્ષના, વિશેષ તો ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારો હવે ગોઠણસમાણાં પાણીમાં આવ્યા છે. આ લખું છું ત્યારે જ સમાચાર છે કે ડેમોક્રેટિક પાર્ટીને મોટું ભંડોળ આપનારા કૅલિફોર્નિયાના ધનાઢ્ય ટોમ સ્ટેયર ડેમોક્રેટિક પ્રાઇમરી માટે ઉમેદવારી નોંધાવવાની તૈયારીમાં છે. અન્ય ધનાઢ્ય, ન્યુયોર્કના પૂર્વમેયર માઇકલ બ્લૂમબર્ગ અને સ્ટારબક્સના પૂર્વ સી.ઈ.ઓ. હાવર્ડ શૂલ્ઝ પણ તૈયાર છે. ૨૦૧૬ની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીમાં હતું તેમ આવતી ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીમાં પણ સંભવિત ઉમેદવારોની યાદી લાંબી છે. ડેમોક્રેટિક પાર્ટીના પ્રગતિશીલ જૂથમાંથી વર્મોન્ટના સેનેટર બર્ની સેન્ડર્સ અને માસાચ્યૂસેટ્સનાં સેનેટર એલિઝાબેથ વૉરન છે. ન્યૂ જર્સીના અશ્વેત સેનેટર કોરી બૂકર, ઓહાયોના સેનેટ શેરોડ બ્રાઉન, આ રેગોનના સેનેટર જેફ મર્કલી, કૅલિફોર્નિયાનાં સેનેટર કમલા હેરિસ, પૂર્વઍટર્ની જનરલ એરિક હોલ્ડર અને ટેક્સાસમાં ટેક ફ્રૂઝ સામે ચૂંટણી લડનાર અને ‘વ્હાઇટ ઓબામા’ તરીકે ઓળખાતાં બેટો આરુચ્કે છે. જો પૂર્વઉપપ્રમુખ બાઇડન ઉમેદવારી જાહેર કરે તો આ યાદીમાંથી કેટલાંક ખસી જશે.
સૂચક એ છે કે ધનાઢ્યોના પક્ષ તરીકે ઓળખાતી, રિપબ્લિકન પાર્ટીને બદલે આ વખતે ડેમોક્રેટિક પાર્ટીમાં ત્રણ-ચાર ધનાઢ્ય ઉમેદવારોનાં નામ છે. એક બાજુ ડેમોક્રેટિક પાર્ટીમાં નાનું પણ બોલકું પ્રગતિશીલ જૂથ છે, ત્યારે આ ઉમેદવારો કેવા પ્રત્યાઘાત જગવશે તે જોવું રહ્યું.
રિપબ્લિકન બાજુએ ટ્રમ્પ નિર્વિરોધ પ્રાઇમરી જીતશે તેવું નથી. એરિઝોનાના સેનેટર જેફ ફ્લેક, નેબ્રાસ્કના બેન સાસી અને ટેનેસીના લોલ બ્રોકરનાં નામો ચર્ચામાં છે. જો મ્યૂલર ઇન્વેસ્ટિગેશન ટ્રમ્પને રશિયા સાથે ચૂંટણી માટે સાંઠગાંઠ કરવા માટે જવાબદાર ફેરવે, તો ૨૦૨૦નું રિપબ્લિકન ચિત્ર સાવ જુદું હશે.
ઓહાયોના ગવર્નર અને પ્રમુખીય ચૂંટણીના પૂર્વ ઉમેદવાર જ્હૉન કશિકે પોતે ૨૦૨૦ની ચૂંટણીમાં ઉમેદવારી કરશે, તેની શક્યતા નકારી નથી. સંભવ છે કે જો ટ્રમ્પ જ રિપબ્લિક પાર્ટીના ૨૦૨૦માં સત્તાવાર ઉમેદવાર રહે, તો કશીક સ્વતંત્ર ઉમેદવારી નોંધાવે.
થોડાં અઠવાડિયાં પૂર્વે જ યુ.એન.ના અમેરિકન પ્રતિનિધિ તરીકે રાજીનામું આપનાર નિકી તનેજા ૨૦૨૪ માટે તૈયારી કરી રહ્યાં છે, પરંતુ સંભવ છે કે ટ્રમ્પ ઉમેદવાર ના હોય તો તેઓ પણ ઝંપલાવશે. નિકી તનેજા કટ્ટર કન્ઝર્વેટિવ છે. ગવર્નર તરીકેનો અનુભવી છે અને યુનોના પણ અનુભવ છે. વધારેમાં સ્ત્રી-ઉમેદવાર. રિપબ્લિકન પાર્ટીને આનાથી વધુ શું ખપે?
ટ્રમ્પની ઉમેદવારી સામે રાજકીય સાથે સાથે આર્થિક મુશ્કેલીઓ પણ વધે તેવી શક્યતા છે. સબળ અર્થતંત્ર એ ટ્રમ્પનું જમાપાસું રહ્યું છે. આ સબળતામાં હવે તિરાડ પડવી શરૂ થઈ છે. આજે જ ડાઉ જૉન્સ ૫૫૦ પોઇન્ટ્સ પડ્યું છે. એસ ઍન્ડ પી ૫૦૦ અને નાસ્દાક પણ ખાસ્સાં પડ્યાં છે. શૅરબજાર આવનારી આર્થિક કઠણાઈઓનાં એંધાણ આપે છે. પાંચ મોટી ટેકકંપનીઓ ફેઇસબુક, એમેઝોન, આલ્ફાબેટ, એપલ અને નેટફિલક્સે ઑગસ્ટથી અત્યાર સુધીમાં ૮૦૦ બિલિયન ડૉલરનું બજાર મૂલ્ય ગુમાવ્યું છે. ૨૦૧૮માં મોટી કરરાહતને કારણે ઉદ્યોગોમાં જોર હતું. ૨૦૧૯માં આ શક્ય નથી. ટ્રમ્પ બીજી કર રાહતની જાહેરાત કરવા ઉત્સુક છે, પરંતુ તેમના પોતાના જ પક્ષના સેનેટરોમાં તે માટે તૈયાર નથી. વધતી જતી વ્યાજવૃદ્ધિ અને વધતો જતો પગારદર ઉદ્યોગોના નફા પર અસર કરે છે. ચીન અને યુરોપ સાથે વ્યાપારી યુદ્ધ કરવાની અસર હવે અમેરિકી ઉદ્યોગો પર, વિશેષ કરીને કૃષિઉદ્યોગ પર વર્તાઈ રહી છે. જો અર્થતંત્ર નબળું પડશે અને કેટલાક અર્થશાસ્ત્રીઓ ભાખે છે તેમ ૨૦૧૯-૨૦માં ફરી મંદી આવશે તો તેની અસર ચૂંટણી પર જરૂર પડવાની.
ફ્લોરિડા, યુ.એસ.એ.
નવેમ્બર ૨૦, ૨૦૧૮
E-mail : rajendradave@inbox.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2018; પૃ. 15