ગાંધીજીને પણ રામ રાજ્ય જોઈતું હતું પણ તેમના રામ રાજકીય નહોતા, તેમને માટે ‘રઘુપતિ રાઘવ રાજા રામ અને વૈષ્ણજન તો તેને રે કહીએ’નું ભજન તેમની રામભક્તિના પુરાવા હતા

ચિરંતના ભટ્ટ
ઈરાન, સાઉદી અરેબિયા, વેટિકન સિટી, પાકિસ્તાન, માલદિવ્ઝ, મોરેતાનિયા, યમન, અફધાનિસ્તાન, ભુતાન, ઇઝરાયલ અને હેલેનિક રિપબ્લિક એટલે કે ગ્રીસ – આ દસ રાષ્ટ્રો વચ્ચે એક સામ્યતા છે. આ તમામ રાષ્ટ્રોમાં એક અધિકૃત ધર્મને અનુસરવામાં આવે છે અથવા તો તેમના બંધારણમાં ધર્મને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે – અથવા તો કોઇ ચોક્કસ ધર્મને રાષ્ટ્રનો મુખ્ય ધર્મ બનાવવામાં આવ્યો છે. ભુતાન અને ગ્રીસને છોડીને બાકીના બધા દેશોમાં ઇસ્લામ ધર્મને અધિકૃત ધર્મ માનવામાં આવે છે. ભુતાનમાં બૌદ્ધ ધર્મને પ્રાધાન્ય મળેલું છે તો ગ્રીસ – હેલેનિક રિપબ્લિકમાં ખ્રિસ્તી ધર્મને મહત્ત્વ અપાયું છે. આ બધા દેશો ધર્મશાસિત દેશો છે, જેને માટે અંગ્રેજીમાં Theocratic શબ્દ વપરાય છે. આ રાષ્ટ્રોમાં તેમનો નેતા કોઇ ઈશ્વર કે તેનો સમૂહ હોય અને તે કોઇ દુન્યવી વ્યક્તિ દ્વારા પ્રજા પર શાસન કરતા હોય. આ દુન્યવી વ્યક્તિ એટલે મોટે ભાગે કોઇ ધર્મગુરુ, પાદરી કે પછી મૌલાનાના સ્તરની વ્યક્તિ હોઇ શકે. અહીંની સરકારો ઇશ્વરને માટે વહીવટ કરે, ઇશ્વરની સેવા કરે પ્રજાની નહીં અને માટે જ આવા દેશોમાં નિયમોનું ઉલ્લંઘન કરવાની સજા બહુ જ આકરી હોય છે. એક સમયે ઇજીપ્ત, જાપાન, તિબેટ, ઇઝરાયલ અને ચીન પણ ધર્મશાસિત દેશો હતા. સુદાનમાં પણ ઇસ્લામિક ધર્મ શાસન હતું જે 2019માં માંડ માંડ ચાલે એવી લોકશાહીમાં ફેરવાયું.
આમ જોવા જઇએ તો ઘણા બધા રાષ્ટ્રો માટે ધર્મ તેમની કરોજરજ્જુ સમાન રહ્યો છે પણ ઘણીવાર અમુક રાષ્ટ્રોની કમરતોડ હાલત કરી દેવા પાછળ પણ ધર્મ જ કારણભૂત રહ્યો છે. અમુક રાષ્ટ્રો એટલા કટ્ટર પણ છે જ્યાં બીજા ધર્મનું અનુસરણ કરવા પર પ્રતિબંધ છે અને તેમ કરવું ગેરકાયદે ગણાય છે. વળી રશિયા જેવા દેશોમાં એક કરતાં વધુ રાષ્ટ્રીય ધર્મો છે, હાલમાં રશિયામાં ત્રણ ધર્મને રાષ્ટ્રીય ધર્મ તરીકેની માન્યતા અપાઈ છે. ચીનની વાત કરીએ તો બંધારણમાં ધાર્મિક માન્યતાની સ્વતંત્રતાની વાત છે અને બૌદ્ધ, કેથલિક, પ્રોટેસ્ટન્ટ, દાઓઇઝમ (તાઓઇઝમ) અને ઇસ્લમામ ધર્મને ત્યાં માન્યતા અપાતી હોવા છતાં પણ ચીનની સરકાર ધર્મને લઇને આકરું નિયમન કરે છે. ચીનમાં જે પણ ધર્મ હોય તેણે ચીની સંસ્કૃતિને સમાંતર રહેવું પડે અને પોતે ચીનને વફાદાર છે તેવી સાબિતી પણ આપવી પડે. ચીનમાં ચર્ચમાંથી ક્રોસ કાઢી લેવાયા છે, મસ્જિદનાં ગુંબજ કે મિનારા તોડી નંખાયા છે જેથી તે ચીનનાં હોય એવા દેખાય. ચીનની સરકારે તો કુરાનની નવી આવૃત્તિ પણ બહાર પાડી છે જેનાથી મુસલમાન ધર્મનું શિક્ષણ નવા સમયના ચીનની સંસ્કૃતિને મેળ ખાતું હોય. ચીને તો વેટિકન સાથે પણ વાટાઘાટો કરી હતી જેની ટીકા કરવામાં આવી હતી. ચીન લોક સંસ્કૃતિને મહત્ત્વ આપે છે તો આ પાંચ મુખ્ય ધર્મ સિવાયના ધર્મને લગતી પ્રવૃત્તિઓને અંધશ્રદ્ધામાં ખપાવે છે. ચીનમાં ધર્મને લઇને ઘણાં બધાં નિયમો છે, જેમ કે 18 વર્ષથી નાની વયનાં બાળકોને બંધારણીય રીતે કોઈપણ ધર્મ તરફના ઝુકાવનો પ્રતિબંધ છે. બાંગ્લાદેશ જેવા રાષ્ટ્રોની સમસ્યા એવી ખડી થાય કે ત્યાં લોકશાહી સરકાર હોવા છતાં વિરોધ પક્ષોમાં ધાર્મિક કટ્ટરવાદનો ઉદય થઇ રહ્યો છે અને તેઓ શરિયાના કાયદાને લાગુ કરવા મક્કમ છે.
આપણે જે પણ દેશોનો ઉપર ઉલ્લેખ કર્યો તે તમામની સ્થિતિ શું છે તેનો વિસ્તાર કરવાની જરૂર નથી. વિહંગાવલોકન પરથી તારણ કાઢીએ તો એ હકીકત છે કે સરકારની નીતિઓમાં જ્યારે ધર્મનો પ્રભાવ હોય, જ્યારે ધર્મ અને સરકાર હાથમાં હાથ નાખીને કામ કરતાં હોય ત્યારે પ્રજાની વલે થતી હોય છે. ભારત જેવો દેશ જ્યાં અને પ્રકારની અસમાનતાઓ છે એવા આપણા દેશમાં ધર્મ જાહેર સ્વાસ્થ્ય સુધ્ધાં પર અસર કરી શકે છે. યુ.એસ.એ. પણ આપણી માફક લોકશાહી દેશ છે છતાં પણ ગર્ભપાતના મુદ્દે જ્યારે ધાર્મિક સ્તરે ફાંટા પડ્યા ત્યારે આકરી મુશ્કેલી ખડી થઇ હતી. મુસલમાન ધર્મને જ્યાં પ્રાધાન્ય અપાય છે, સર્વોપરી મનાય છે ત્યાં ખતના (ફિમેલ જેનિટલ મ્યુટિલેશન), ખોરાક પર ધર્મનાં નિયંત્રણો, બુરખા પ્રથા જેવી સમસ્યાઓ છે. વળી આટલું ઓછું હોય તેમ પાકિસ્તાનમાં પોલિયોની રસી મુકવા ગયેલા પર થયેલા હુમલા કે ભારતમાં જેહોવાહના બ્લડ ટ્રાન્સફ્યુઝનની ના પાડવામાં આવી એ પુરતાં મોટા પુરાવા છે એ સાબિત કરવા કે ધર્મ જ્યારે રાજકારણ સાથે ભળે ત્યારે સમાજમાં કેવી પ્રકારની સમસ્યાઓ થઇ શકે છે – જે સમાજનાં સ્વાસ્થ્ય માટે જ જોખમી બની જાય છે. જો કે એવાં દૃષ્ટાંત પણ છે જ્યાં સાઉદી અરેબિયા જેવા રાષ્ટ્રના જી.ડી.પી.નો સારો એવો હિસ્સો સ્વાસ્થ્ય જેવી બાબતો માટે ખર્ચવામાં આવે છે. પરંતુ મોટાભાગના રાષ્ટ્રો જ્યાં ધર્મને બંધારણનો હિસ્સો બનાવાયો છે ત્યાં સામાજિક, આર્થિક અરાજકતા એક સમાન્ય બાબત બની ચૂકી છે.
યુ.એસ.એ.માં મોટા ભાગના લોકો ખ્રિસ્તી ધર્મને અનુસરે છે અને તે અમુક હદે ઈશ્વર ભીરુ પ્રજા છે એમ કહી શકાય. યુરોપમાં દેખીતી રીતે લોકો કદાચ ધાર્મિક વિધિ વિધાન નથી અનુસરતા પણ વેટિકનનો પ્રભાવ ત્યાં પણ વર્તાય તો છે જ. વળી ટ્રમ્પે એક સમયે ધર્મને લગતા નિવેદનો કરીને વંશવાદના ભડકા કર્યા જ હતા અને આજે પણ ટ્રમ્પનો એ જ અભિગમ છે. રાજકારણીઓ ચૂંટણી ટાણે ધર્મને હુકમનું પાનું ગણે જ છે પછી ભલેને તે વિદેશની વાત હોય કે આપણા ભારત દેશની વાત હોય.
આ આખી કથા કરવાનો સાર એ કે ધર્મને રાજકારણનું કૉકટેલ દેશનો હાલ બેહાલ કરી શકે છે. આપણા દેશનું બંધારણ જ્યારે રચાયું તે પહેલાં આપણે મુઘલો, વલંદાઓ, અંગ્રેજોનાં રાજ જોયાં હતાં. કોઇએ ભારતને પોતાનું ઘર બનાવવાનો પ્રયાસ કર્યો તો કોઇએ સામ્રાજ્યવાદી વલણથી આપણું શોષણ કર્યું. બંધારણ બન્યું ત્યારે આપણે ત્યાં વિવિધ ધર્મ અનુસરનારા લોકો હોવાથી બિનસાંપ્રદાયિકતા અપનાવવામાં આવી. ધર્મને નહીં પણ ધર્મ અપનાવવાની સ્વતંત્રતા આપણા દેશની ઓળખ છે અને તે એમ જ રહેવું જોઇએ. બંધારણની બિનસાંપ્રદાયિકતાને યથાવત્ રાખવી એ એક નાગરિક તરીકે આપણો પહેલો ધર્મ છે નહીં કે ધર્મને નામે વોટની શતરંજના પ્યાદા બની જવું.
બાય ધી વેઃ
આજે કોઈ રાજકીય પક્ષ પોતાને કોઈ ચોક્કસ ભગવાનનો પક્ષ ગણાવે તો બંધારણની બિનસાંપ્રદાયિકતાનું શું થશે તેનો વિચાર આપણે કરવો રહ્યો. ગાંધીજીને પણ રામ રાજ્ય જોઈતું હતું પણ તેમના રામ રાજકીય નહોતા, તેમને માટે રઘુપતિ રાઘવ રાજા રામ અને વૈષ્ણજન તો તેને રે કહીએનું ભજન તેમની રામભક્તિના પુરાવા હતા. દરેક રાજકીય પક્ષના પોતાના સ્વાર્થ હોય છે. કાઁગ્રેસનું અને ભા.જ.પા.નું રામ રાજ્ય ગાંધીજીના રામ રાજ્ય કરતાં અલગ છે. ધર્મ અને રાજનીતિના આ ધસારા પછી આવનારી પેઢીઓ માટે આપણા દેશની ધાર્મિક વિવિધતાની બારીકીઓ સમજવું કદાચ અઘરું થઇ પડે એમ બને. હિંદુ ધર્મ, અને હિંદુ વાદમાં આસમાન જમીનનો તફાવત છે એ યાદ રાખીને આપણી આસ્થાને, આપણા શ્રીરામને વંદન કરીએ પણ તેમને રાજકીય દાવપેચનો ચહેરો ન બનવા દઇએ.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 21 જાન્યુઆરી 2024