Opinion Magazine
Number of visits: 10080375
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મારા પછી

‘બાબુલ’|Poetry|2 May 2026

પાપ સાક્ષી પુણ્યની આપશે મારા પછી
એ કયા માપે મને માપશે મારા પછી

એકદા અંધારશે વાદળો ચોમેરથી
માવઠું ભારે અશ્રુ સારશે મારા પછી

ક્યાં ગયો એ એટલી વારમાં કોને ખબર
વાયરો પાછો ફરી આવશે મારા પછી

ઓસરી પૂછ્યા કરે બંધ દ્વારને કેમ છે
મૌન મૂંગી સાંકળો પાળશે મારા પછી

ચાહવું છે જીવવું, અંત એ મૃત્યુ નથી
જિંદગી પાછી નવી ચાલશે મારા પછી

યાદ તો ભૂલી પડેલી ગુંજ સ્વભાવમાં
નાદ સ્વયંભૂ ઉઠી જાગશે મારા પછી

જે શુષ્ક છે એમની ભીનાશનું શું કહું
આ શબ્દ મારી કથા આંકશે મારા પછી

e.mail : fdghanchi@hotmail.com

Loading

હવામાનથી દવામાન …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|1 May 2026

રવીન્દ્ર પારેખ

છેલ્લા થોડા દિવસોમાં તાપમાન વધવાની આગાહીએ ભીષણ ગરમી વધારી દીધી હોય એવું લાગે છે. હવામાન ખાતું તો ગરમી અસહ્ય વધવાની ચેતવણીઓ આપ્યા જ કરે છે, તે સાથે જ આ વખતનું ચોમાસું પણ ઓછું પડવાનું ય સૂચવાયા કરે છે, પણ વિકાસની દોડમાં આપણું તે તરફ ધ્યાન જ જતું નથી. આવનારા થોડા દિવસોમાં તાપમાન વધવાની દહેશત છેલ્લા થોડા દિવસમાં સાચી પડી છે, એટલે હવે એવી સ્થિતિ નથી કે વરસાદની આગાહી હોય, ત્યારે છત્રી લઈને ન નીકળીએ તો ચાલે. હવે વરસાદની આગાહી થઈ હોય તો વરસાદ નહીં જ આવે એવું નથી, આવે પણ છે.

અત્યારે તો કાળઝાળ ગરમીના વર્તારાઓ બહાર પડે છે ને ગામડાં કે શહેરો ભઠ્ઠી જેવાં તપે છે. લૂ લાગવાના ને આગ લાગવાના બનાવો વધતા જ આવે છે. સુરતમાં જ 30મીના સમાચારમાં 1 વર્ષની બાળકી લૂ લાગવાથી, ઢળી પડવાની ને મૃત્યુ પામવાની વાત છે. 28 એપ્રિલે દેશમાં આગ ઝરતી ગરમી પડી. ઉત્તર પ્રદેશ / આંધ્ર પ્રદેશના બાંદામાં ગરમીનો પારો 47.6 ડિગ્રીએ પહોંચ્યો ને એ સાથે જ 29મી એપ્રિલે ઉત્તર ભારતમાં વરસાદની આગાહીઓ પણ થઈ. દિલ્હીમાં અસહ્ય ગરમી વચ્ચે બે દિવસ વરસાદની આગાહી પણ રહી. આ અસહ્ય ગરમીને કારણે જિંદગી ઘણી અસ્તવ્યસ્ત થઇ ગઈ છે. ગરમીને કારણે અનેક રાજ્યોમાં સ્કૂલોના સમય બદલાયા છે. બાળકોને ડિહાઈડ્રેશન ન થાય એટલે ઓ.આર.એસ.ની તેમ જ ઠંડા પાણીની વ્યવસ્થા કરવાનો આદેશ અપાયો છે. રાજસ્થાનના જેસલમેરનું તાપમાન 46.4 થઇ જતાં અગનભઠ્ઠી જેવી સ્થિતિ સર્જાઈ હતી. સરકારી હોસ્પિટલોમાં હીટસ્ટ્રોકનો ભોગ બનનાર માટે કેન્દ્ર સરકારે રાજ્યોને હીટસ્ટ્રોક મેનેજમેન્ટ યુનિટ બનાવવાનો નિર્દેશ કર્યો છે. કેટલાં ય રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ક્યાંક તો એવી સ્થિતિ થઈ છે કે તાપમાં ખુલ્લાં થઈ જવું કે સ્વેટર પહેરવું કે છત્રી ઓઢવી તે નક્કી જ ન થઈ શકે. એક જ દિવસમાં ત્રણે ઋતુઓનો અનુભવ થાય એવી હાલત છે. સાચું તો એ છે કે દેશમાં ત્રણ ઋતુઓ જ હવે સ્પષ્ટપણે જુદી પડે એવા ભેદ રહ્યા નથી. ઋતુઓ એકબીજામાં સેળભેળ થઈ રહી છે.

ગુજરાતના અમદાવાદમાં 28મીએ તાપમાન 45 ડિગ્રીએ પહોંચી ગયું હતું. પાટણ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર જેવામાં લૂ ફુંકાવાની ચેતવણીઓ અપાતી જ રહે છે, તો કચ્છમાં ઓરેન્જ એલર્ટ પણ અપાયું હતું. આટલું ઓછું હોય તેમ ગુજરાતમાં વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠને (WMO) સોમવારે મોટી આગાહી કરી છે. યુ.એન.ની આ એજન્સીએ કહ્યું છે કે મે-જુલાઈ 2026થી અલ નીનો વિકસિત થવાની સંભાવના 60 ટકાથી વધુ છે, જે વૈશ્વિક તાપમાન વધારશે ને એ વરસાદની પેટર્નને પણ અસર કરશે, જેનાં પરિણામરૂપે કેટલાક પાક પર નુકસાની જોવાશે. આ ગરમી અત્યારે તો સીઝનલ છે, પણ મે-જૂનમાં WMOની આગાહી મુજબ અલ નીનોની વધારાની અસરો પણ જોવા મળશે. અલ નીનો પ્રશાંત મહાસાગરમાં પાણીનું તાપમાન વધારે છે ને એની અસર વૈશ્વિક સ્તરે જોવા મળે છે. ગુજરાતમાં એની અસર વધુ જોવા મળે એમ બને, કારણ, અલ નીનો દક્ષિણ પશ્ચિમમાંથી આવતી મોન્સૂનની હવાઓને નબળી પાડે છે, એટલે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છ જેવામાં વરસાદનું જોર નબળું પડે એ શક્ય છે. ગુજરાતના ખેડૂતો માટે આવનારો સમય પડકારજનક નીવડી શકે. એ જ કારણે કપાસ, મગફળી, જીરુ જેવા પાકો પર એની અસર જોવા મળી શકે છે. ટૂંકમાં, અલ નીનોની અસરો ઉનાળા અને ચોમાસા એમ બન્ને પર પડી શકે છે.

હકીકત એ છે કે ઋતુઓનું ટાઈમ ટેબલ ભારતમાં ખોરવાઈ ગયું છે. એક સાથે એકથી વધુ ઋતુઓની અસરો એનું જ પરિણામ છે. હાલમાં યુદ્ધની સ્થિતિને કારણે બજારની સ્થિતિ ઉપર નીચે થતી રહી છે. મે-જુલાઈમાં અલ નીનોને કારણે સ્થિતિ વધુ વિકટ બને એવી સંભાવનાઓ છે. એક સાથે હવામાન વિભાગે માવઠાં, વરસાદ, ગરમી અને તોફાની પવનની આગાહીઓ કરવી પડે છે. એને લીધે ભુજમાં વાદળિયું અને તોફાની પવનને કારણે વાતાવરણ ધૂળિયું જોવા મળ્યું. 15થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો ને તેની ઝડપને કારણે ધૂળની ડમરી ચડી ને માહોલ ધૂળિયો થઇ ગયો. એક તરફ ધૂળિયું હવામાન થઇ જાય છે, તો દવામાન પણ બદલાય છે.

બેંગ્લુરુ, પાટણ જેવામાં સામાન્ય ચોમાસા કરતાં પણ વધુ વરસાદ જોવા મળ્યો છે. બેન્ગ્લુરુમાં કુદરતે કાળો કેર વર્તાવ્યો છે. બરફનાં કરા સાથેના વરસાદે એવી તબાહી મચાવી કે બૌરિંગ હોસ્પિટલની દીવાલ ધસી પડતાં સાત જણાનાં મૃત્યુ થયાં હતાં. રસ્તાઓ પર બરફના કરા પથરાવાને કારણે ને ભારે વરસાદને કારણે વાતાવરણ ઠંડુ થઇ ગયું હતું ને તાપમાન 18 ડિગ્રી સુધી નીચે ઊતરી ગયું હતું. બને કે લોકોએ સ્વેટર-શાલની જરૂર અનુભવી હોય. ટ્રાફિક જામ થવાની ઘટનાઓ બની. કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટના રૂટ પ્રભાવિત થયા. એની સમાંતરે ઉત્તર પ્રદેશમાં વાવાઝોડું ફૂંકાયું ને એમાં 7 જણાનાં મૃત્યુ થયાં. કમાલ તો એ છે કે તાપમાન એટલું ઊંચું જાય છે કે લૂથી માણસો મરવાં પડે છે ને બીજી તરફ એટલું ઘટી જાય છે કે વરસાદને કારણે મૃત્યુ થાય છે. સીઝન કોઈ પણ હોય, પણ તેના તરફની ઉપેક્ષા મૃત્યુ સુધી વિસ્તરે છે.

આ સ્થિતિ થોડા દાયકાઓ પહેલાં આટલી તીવ્ર ન હતી. વર્ષો પહેલાંથી કહેવાતું રહ્યું છે કે ગ્લોબલ વોર્મિંગ દેશ-દુનિયાની હાલત બગાડી શકે એમ છે. ઓઝોન લેયરના તૂટવાથી સંભવિત જોખમો તરફ પણ વારંવાર ધ્યાન ખેંચવામાં આવી રહ્યું હતું, પણ વિકાસની વિકરાળ હરણફાળ ભરવામાં વ્યસ્ત જગતને એમાં કંઇ ધ્યાન આપવા જેવું લાગ્યું નહીં. વધુ વૃક્ષો વાવોના નારાથી પર્યાવરણ સુધરી જશે એવો ભ્રમ ફેલાયો, કારણ નારાથી વૃક્ષો ઊગી જશે એવું માનીને સૌ કમાવાની, વિકાસની લ્હાયમાં આડેધડ દોડતાં રહ્યાં. વૃક્ષો વાવ્યાં હશે, પણ જેટલો પ્રચાર થયો એના પ્રમાણમાં નહિવત હશે. વૃક્ષો વાવ્યાં તેથી વધુ પ્રમાણમાં તેને ઢાળી દેવામાં આવ્યાં. ગુજરાતના એક પૂર્વ મુખ્ય મંત્રી સાથેની રૂબરૂ મુલાકાતમાં એમણે કહ્યું હતું કે અમુક લાખ વૃક્ષો વવાયાં છે, પણ તે ક્યાં વવાયાં છે તેની વિગતો માંગી તો તે ન હતી. હતો માત્ર આવું પૂછનાર પર ગુસ્સો. સાચું તો એ છે કે પ્રચારમાં માનીએ છીએ એટલું આચારમાં માનતા નથી. વધુ વૃક્ષો વવાય છે તે દેખાતાં નથી, પણ રસ્તા પહોળા કરવા કે અન્ય લાલચો પૂરી કરવા લાખો વૃક્ષો કપાય છે તે તો દેખાય જ છે.

આપણે સમજી લેવું જોઈએ કે આટલી પ્રચંડ ગરમી કુદરતી નથી. તે માનવ સર્જિત છે. એ અકુદરતી વિકાસ મોડેલનું પરિણામ છે. વિશ્વની વાત છોડો, પણ ભારતની સ્થિતિ અનેક રીતે દયનીય છે. દેશમાં વધી રહેલી ગરમી, પાણીની સમસ્યાઓ, પર્યાવરણની ઉપેક્ષા જોતાં કેટલાક સંવેદનશીલ નાગરિકોએ ગંભીર ચિંતા વ્યક્ત કરીને સરકારની હાલની નીતિ રીતિઓ સામે સવાલો ઉઠાવ્યા છે. ગરમીનું 50 ડિગ્રી સુધી પહોંચવું સામાન્ય ગણાવા લાગ્યું છે. આપણો કહેવાતો વિકાસ જંગલોની નાબૂદી વગર શક્ય જ નથી. આપણા આજના હાઈવે એક્સ્પ્રેસ રસ્તાઓ વૃક્ષોનાં નિકંદન વગર શક્ય છે? વૃક્ષો વવાયાં કે કેમ તે તો નથી ખબર, પણ તેને નિમિત્તે ચાલેલો ભ્રષ્ટાચાર શરમજનક શબ્દને શરમાવે એવો છે. પર્યાવરણ પ્રત્યેની તંત્રોની ઉદાસીનતાએ દેશને ભઠ્ઠીમાં ફેરવી નાખ્યો છે. આ ઉદાસીનતા ક્રૂર અને ઘાતક છે. અરવલ્લી સહિતના પર્યાવરણીય વિસ્તારોનાં રક્ષણ માટે ચાલેલાં આંદોલનોને અવગણવા જેવાં નથી, એ સમજી લેવાનું રહે. એ પણ સમજી લેવાનું રહે કે આપણો વિકાસ આનંદ પર નહીં, પણ સુખ પર નિર્ભર છે. વૃક્ષો વાવવાં કરતાં પણ વૃક્ષો બચાવવાં એ અત્યારનું લક્ષ્ય હોવું જોઈએ. કારણ કપાય છે તો વૃક્ષો જ ને તે દુનિયા જુએ છે. વૃક્ષો કેટલાં ઊગે છે તેની ખબર પડતી નથી. (હોય તો ઊગેને) સાદો રસ્તો તો એ જ છે કે પ્રકૃતિ વિરોધી પ્રોજેક્ટો સામે જનઆંદોલન થાય.

એક વાત સ્પષ્ટ છે કે આપણે છેડીશું તો પ્રકૃતિ આપણને છોડશે નહીં. અનીતિ જ નીતિ હોય એવા ભ્રષ્ટ સમયમાં આપણે જીવવાનું આવ્યું છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 01 મે 2026

Loading

મતનો અધિકાર અને મતદાનનું દાયિત્વ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|30 April 2026

ચંદુ મહેરિયા

પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરલમ્‌, અસમ અને પુડુચેરી એ પાંચ રાજ્યોમાં આ મહિને રાજ્ય વિધાનસભાઓની ચૂંટણીઓ યોજાઈ રહી છે. તે પૈકી કેરલમ્‌, અસમ અને પુડુચેરીમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે. આ ત્રણ રાજ્યોમાં આ વખતે લોકોએ વિક્રમી મતદાન કર્યું છે. કેરલમ્‌માં થયેલું ૭૮.૦૩ ટકા મતદાન છેલ્લાં પચાસ વરસો પછી થયું છે. તો અસમ અને પુડુચેરીમાં અનુક્રમે ૮૫.૩૮ ટકા અને ૮૯.૩૩ ટકા મતદાન અત્યાર સુધીનું સર્વાધિક મતદાન છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ૯૮ કરોડ મતદારો હતા, પરંતુ મતદાન ૬૫ કરોડે કર્યું હતું. અગાઉ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ૬૭.૨૧ ટકાની સરખામણીએ ૨૦૨૪માં ઓછું (૬૬ ટકા) મતદાન થયું હતું. ત્યારે અસમ, કેરલમ્‌ અને પુડુચેરીમાં જે છપ્પરફાડ કે જેન-ઝેડની ભાષામાં ‘ભયંકર’ મતદાન થયું છે તે ક્યા રાજકીય પક્ષની તરફેણ કે વિરુદ્ધ માં છે તેની ચર્ચા રાજકીય પંડિતો પર છોડીએ. જોકે એટલું તો ચોક્કસ છે કે મતદાનમાં આ અસાધારણ વધારો ભારતીય લોકતંત્ર માટે નવી આશા જગાડે છે અને મતદારોએ તેમને મળેલા મતના અધિકાર સામે રેકોર્ડ મતદાન કરીને દાયિત્વ નિભાવ્યાનો સંતોષ થાય છે. 

પંચાયતથી પાર્લામેન્ટ સુધીની ચૂંટણીઓમાં સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર બંધારણ નિર્માતાઓએ ભારતીયોને આપેલી અણમોલ ભેટ છે. રાજા હોય કે રંક, અમીર હોય કે ગરીબ, સ્ત્રી હોય કે પુરુષ, વનવાસી હોય કે નગરવાસી સૌને એક મતનો સમાન અધિકાર અને અને સૌના મતનું મૂલ્ય એક સમાન. એક વ્યક્તિ, એક મતનો આ સિદ્ધાંત ભારતીય લોકશાહીને વિરલ બનાવે છે. જ્યારે અમેરિકા જેવા આમેરિકામાં આરંભે માત્ર શ્વેત પુરુષોને જ મતનો અધિકાર હતો અને શ્વેત મહિલાઓ મતવિહોણી હતી, અશ્વેત પણ મતનો અધિકાર ધરાવતા નહોતા કે ભારે અંતરાયો હતા ત્યારે ભારતીય બંધારણના ઘડવૈયાઓએ દીર્ઘ ગુલામીમાંથી ઊભા થયેલા દેશના તમામ નાગરિકોને એક સમાન ગણી મતનો અધિકાર આપ્યો અને આજે આઝાદીની  પોણી સદીએ તે સાર્થક બન્યો છે. તમામને સમાન મતના હક પાછળ સમાવેશી દૃષ્ટિકોણ હતો. દરેક નાગરિક તેના સામાજિક, આર્થિક દરજ્જાની તમા રાખ્યા વિના સમાન ધોરણે મત આપે અને લોકતાંત્રિક પ્રક્રિયાનો હિસ્સો બને તે વ્યક્તિ અને રાષ્ટ્ર બેઉને સશક્ત બનાવે છે. 

બંધારણના અનુચ્છેદ ૩૨૬માં જણાવ્યું છે તે પ્રમાણે ધર્મ, જ્ઞાતિ, લિંગ કે અન્ય કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના ૧૮ વરસથી વધુ ઉંમરનો કોઈ પણ ભારતીય નાગરિક કે જે બંધારણ અને કાયદા હેઠળ અયોગ્ય નથી તે મતદાર તરીકે નોંધણી કરાવવાને હક્કદાર છે અને તે ચૂંટણીમાં મતદાન કરી શકે છે. કેટલીક અયોગ્યતાની શરતોને આધીન લોકપ્રતિનિધિત્વ ધારો ૧૯૫૧ની ધારા ૬૨ મુજબ મતદારયાદીમાં સામેલ વ્યક્તિને મતદાનનો અધિકાર છે. બંધારણના અનુચ્છેદ ૧૯માં પ્રત્યેક નાગરિકને અભિવ્યક્તિ અને વાણીની સ્વતંત્રતાનો  હક છે તે અંતર્ગત પણ મતનો અધિકાર આવે છે.,

ભારતના લોકોને મળેલો મતનો અધિકાર મૂળભૂત અધિકાર છે, બંધારણીય અધિકાર છે કે વૈધાનિક અધિકાર તેની ચર્ચા અને વિવાદ સતત ચાલે છે. સર્વોચ્ચ અદાલતે પણ વખતોવખત આ બાબતે તેના ચુકાદા આપ્યા છે. ૧૯૫૨માં સુપ્રીમ કોર્ટે તેને વૈધાનિક (STATUTORY) અધિકાર ગણાવ્યો હતો. ૧૯૮૨માં ન્યાયાલયે પુન: તેને કાનૂની અધિકાર ગણાવ્યો અને કહ્યું કે તેને કાયદાકીય મર્યાદાઓ લાગુ પડે છે. ૨૦૦૩માં પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીના કેસમાં જસ્ટિસ પી.વી. રેડ્ડીએ મતદાનનો અધિકાર ભલે મૂળભૂત અધિકાર નથી પણ તે બંધારણીય અધિકાર તો છે જ તેમ જણાવ્યું હતું. ૨૦૦૬માં સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠે મતદાનના અધિકારને વૈધાનિક જ ગણાવ્યો હતો. ૨૦૧૫માં ફરી તેને બંધારણીય હક અને ૨૦૨૩માં બહુમતી ચુકાદાએ તેને વૈધાનિક ગણાવ્યો હતો. જો કે જસ્ટિસ અજય રસ્તોગીએ તેમના અલગ ચુકાદામાં મતદાનના અધિકારને અનુચ્છેદ ૧૯(૧)(એ)   અભિવ્યક્તિની આઝાદીનો હિસ્સો અને બંધારણની મૂળ સંરચના સાથે જોડાયેલો માન્યો હતો. તાજેતરના (એપ્રિલ ૨૦૨૬ના) એક ચુકાદામાં જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે મતદાન કરવું અને ચૂંટણી લડવી તે મૂળભૂત અધિકાર નથી પણ કાનૂની અધિકાર છે તેમ જણાવ્યું છે. 

મતનો અધિકાર ભારતના લોકતંત્રનો આધાર છે. હાલમાં તે વૈધાનિક અધિકાર મનાય છે પરંતુ તે બંધારણના વિવિધ અનુચ્છેદો સાથે ગહન રીતે જોડાયેલો હોઈ ભવિષ્યમાં બંધારણીય અધિકાર પણ ગણાવાની શક્યતા છે. લોકતંત્રનો પાયો તેવો મતનો અધિકાર નાગરિકોને સરકાર બનાવવાનો, ચૂંટવાનો હક અને તક આપે છે. મતનો હક કાનૂની કે સંવૈધાનિક હકની સાથે નાગરિકનું દાયિત્વ અને કર્તવ્ય પણ છે. નાગરિકો તેનો વિવેકપૂર્વક ઉપયોગ કરીને સરકાર બદલી શકે છે અને નવી સરકાર બનાવી શકે છે. ૧૯૮૮ના ૬૧મા બંધારણીય સુધારાથી ૧૯૮૯થી ભારતમાં મતદારની ઉમર ૨૧ વરસથી ઘટાડીને ૧૮ કરવામાં આવી છે તેના કારણે યુવાઓને મતદાન કરવાની તક મળી છે. ભારતના ચૂંટણી પંચની સ્થાપનાનો દિવસ ૨૫મી જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાર દિન તરીકે મનાવાય છે અને મતદાન માટેની જાગ્રતિ વધે તથા મતદાનની ટકાવારી વધે તેવા અભિયાનો ચલાવાય છે. ગુજરાતમાં હાલમાં યોજાઈ રહેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી નિમિત્તે દૈનિક ‘સંદેશ’ દ્વારા MY VOTE-MY GUJARAT અભિયાન થકી મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ વધારવા, મોટા પ્રમાણમાં મતદાન થાય, સો ટકા મતદાન થાય તેની જાગૃતિ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. માધ્યમો અને સ્વૈચ્છિક, સામાજિક સંસ્થાઓ આવા પ્રયાસો કરે છે તે આવકાર્ય અને નોંધનીય છે. 

એ સાચું કે જો સો ટકા મતદાન થાય તો લોકશાહીમાં બહેતર પ્રતિનિધિત્વની પસંદગી થઈ શકે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં દર ત્રણે એક મતદારે મતદાન કર્યું નહોતું. એટલે મતદાન માટે કોઈ સખત રીત અપનાવવા, મતદાનને ફરજિયાત કે અનિવાર્ય કરવાની ચર્ચાઓ પણ થાય છે. ઓસ્ટ્રેલિયા અને બીજા લોકશાહી દેશોમાં ફરજિયાત મતદાનનો કાયદો છે અને મતદાન ન કરવું તે દંડનીય અપરાધ મનાય છે. 

જો કે ભારતમાં મતદાનનો અધિકાર છે પણ તે કાનૂની રીતે મતદારનું દાયિત્વ નથી. હા નૈતિક કર્તવ્ય જરૂર છે. જેમ મતનો અધિકાર છે તેમ મત નહીં આપવાનો, મતપત્રકમાં સામેલ તમામ ઉમેદવારોને પસંદ નહીં કરવાનો અર્થાત નકાર કે ‘નોટા'(NOTA)નો અધિકાર પણ છે. એટલે મતદાનને ફરજિયાત કરવાને બદલે મતદાનની ટકાવારી વધે, સ્વૈચ્છિક રીતે વધે, મતદારો તેને પોતાનું દાયિત્વ માનતા થાય, મતદાન આડેના આતરાયો ઘટે, લોકોને મત આપવાનું મન થાય તેવા રાજકીય પક્ષો અને ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હોય તો મતનો અધિકાર અને મતદાનનું દાયિત્વ બંને કોઈ જાગૃતિનો વિષય ન રહેતાં મતદાર માત્રની અનિવાર્ય ફરજ બની રહેશે. કેરલમ, અસમ, પુડુચેરી પછી તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં પણ મતદારોએ વિક્રમી મતદાન કર્યું છે. તેનું એક કારણ એસ.આઈ.આર.(special intensive revision- S I R ) છે. S I R ને કારણે મોટાપાયે મતદારોના નામો રદ થયા છે એટલે પોતાનો મતનો હક રદ ન થાય એવા ડરથી લોકોએ મત આપ્યા છે તે પણ વિક્રમી મતનું કારણ બન્યું છે. એટલે પાંચ રાજ્યોમાં થયેલ ભારે મતદાનમાં મતદારની જાગ્રતિ અને દાયિત્વનું પ્રમાણ કેટલું અને મતદાનનો અધિકાર ઝૂંટવાઈ જવાનો ભય કેટલો તે તો આવનારો સમય જ બતાવશે.

e.mail : maheriyachandu@gmail.com 

Loading

...102030...62636465...708090...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved