'નીરુદ્દેશે સંસારે મુજ મુગ્ધ ભ્રમણ પાંશુમલિન વેશે, નીરુદ્દેશે.' − ગુજરાતી ભાષાની એક ઉત્તમ કવિતાનાં આ શબ્દો છે અને એનાં કવિ છે રાજેન્દ્ર શાહ. રાજેન્દ્ર શાહનો જન્મ તા. 28-1-1913ના રોજ ખેડા જિલ્લાનાં કપડવંજ ગામે થયો હતો. રાજેન્દ્રભાઈએ અમદાવાદમાં શાળામાં શિક્ષક તરીકે, પછી જ્યોતિસંઘમાં, અને ત્યારબાદ મોદીખાનાની નોકરી પણ કરી છે. મુંબઈમાં તેમણે 1955માં લિપિની પ્રિન્ટરી નામે પ્રેસ ચાલુ કર્યું હતું. તેમાંથી તેમણે ગુજરાતી કવિતાનાં પ્રથમ દ્વિમાસિક "કવિલોક"ની શરૂઆત કરી, અને વર્ષો સુધી તેનું સંપાદન પણ કર્યું હતું.
1951માં એમનો 'ધ્વનિ' નામે પ્રથમ કાવ્યસંગ્રહ પ્રગટ થયો, અને ત્યારપછી તો અનેક માતબર કાવ્યો લખનારા આ કવિના 19 જેટલા કાવ્યસંગ્રહો પ્રગટ થયા છે. કાવ્યો ઉપરાંત તેમણે જયદેવનાં 'ગીત-ગોવિંદ' તથા ડેન્ટીની 'ડિવાઈન કૉમેડી'નાં અનુવાદ પણ કર્યાં છે. એમનાં કાવ્યોને વાંચતા લાગે કે શબ્દ રાજેન્દ્ર શાહને વશ વર્તે છે. તેઓ શબ્દ પાસેથી ધારેલું કામ કઢાવી શકે છે. આપણી ગુજરાતી ભાષાના લગભગ બધા જ પુરસ્કાર ઉપરાંત, ભારતદેશના સર્વોચ્ચ જ્ઞાનપીઠ પુરસ્કારથી પણ, રાજેન્દ્ર શાહને નવાજવામાં આવ્યા છે.
કવિનો મુખ્ય ઉદ્દેશ એ કાવ્ય છે. અને રાજેન્દ્ર શાહનાં કાવ્યોમાં એ ઉદ્દેશ સંપૂર્ણપણે સાર્થક થતો લાગે છે. કુદરતની સુંદરતા, ગ્રામ્યજીવન અને આધ્યાત્મિક ચિંતન એ એમનાં પ્રિય વિષયો છે. મેં જે કાવ્યો અહીં પસંદ કર્યાં છે, એમાં તેમની આ ભાવસૃષ્ટિને આવરી લેવાની કોશિશ કરી છે.
સુરેશ દલાલે એમનાં વિષે કહ્યું છે કે ‘એમનાં ગીતોમાં જયદેવનું લય લાવણ્ય છે, તો સાથે છે બંગાળી ભાષાનો છાક અને છટા, વ્રજભાષાનું માધુર્ય પણ છે તો સાથે છે તળપદા લય અને લહેકાઓ.’ પ્રસ્તુત કાવ્યમાં કુદરતની મસ્તિનો ઊર્મિ હિલ્લોળ કવિએ વ્યકત કર્યો છે. તળપદી વાણીમાં તેમણે લોકબોલીનાં સાહજિક ઉદ્દગારોને સુંદર રીતે વણી લીધાં છે.
પીળી છે પાંદડી ને કાળવો છ બાજરો
સોહ્ય છે રે ઝાઝો સવારથીય સાંજરો
ઝાકળિયે બેસું હું તોય રે બપોર લાગે
આસો તે માસના અકારા,
આવડા અધિકડા ન વીત્યા વૈશાખના
આંબાની ડાળ ઝૂલનારા;
હું તો
અંજવાળી રાતનો માણું ઉજાગરો
પીળી છે પાંદડી ને કાળવો છ બાજરો.
કોસના તે પાણીના ઢાળિયાનું વ્હેણ મને
લાગે કાલિંદરી જેવું,
આંબલીની છાંય તે કદંબની જણાય મારા
મનનું તોફાન કોને કે’વું ?
મેં તો
દીઠો રાધાની સંગ ખેલતો સાંવરો :
પીળી છે પાંદડી ને કાળવો છ બાજરો.
રાજેન્દ્ર શાહ સૌંદર્યલક્ષી કવિતાના કવિ છે. એમનાં કાવ્યોમાં પ્રકૃતિવર્ણનની પ્રસન્નતા અને મધુરતા જોવા મળે છે. એમાં પ્રકૃતિની ભવ્ય જાહોજલાલી છે. તેઓ કુદરતી સૌંદર્યની આબેહૂબ અભિવ્યક્તિ કરી શકે છે. જાણે એક સુંદર ચિત્ર નજર સામે ખડું થતું અનુભવી શકાય છે. હવેનાં કાવ્યમાં કવિ પ્રકૃતિને માણવામાં એટલાં તલ્લીન થઈ જાય છે કે બીજું બધું જ ભૂલી જાય છે.
— સઘળું જાય ભુલાઈ —
આમ તો ગમે ગલગોટો ને ગમતાં કરેણ જાઈ,
નીલ સરોવર કમલ જોતાં સઘળું જાય ભુલાઈ
કોઈની મીઠી મ્હેક ને
ગમે કોઈનું મધુર ગાન,
કોઈનો વળી ઝલમલ કંઈ
ગમતો રૂડો વાન;
ભમતો ભ્રમર સઘળે સતત નિજનું ગાણું ગાઈ
તેજની છોળે ખેલવા મળે
અહીં, ને નયન અંધ,
મુગતિ કેરી મોજ મળે કોઈ
દલને કોમલ બંધ;
મધને અમલ ઘૂંટડે પીધી જાય રે અખિલાઈ
આધ્યાત્મિક ચિંતન એમની કવિતાનું પ્રાણતત્ત્વ છે. પોતાની કવિતા વિષે વાત કરતાં કવિ કહે છે કે ‘મને કવિતાનું સ્ફુરણ એકાંતમાં થાય છે. કવિતાને હું જોઈ શકતો આખે-આખી, સાંભળી શકતો અને મારું ઉતારી લેવાનું કામ રહેતું. ગમે તે સ્થિતિની અંદર હું એકાંતમાં જઉં એટલે કવિતા સ્ફુરે. તો ગીતામાં જે સમત્વ યોગ કહ્યો છે, તે સમત્વયોગની સાધનાની અંદર મારી કવિતાએ પૂર્તિ કરી છે.’ આવી જ રીતે સ્ફુરી હોય તેવી આ એક કવિતા :
— કાયાને કોટાડે બંધાણો —
કાયાને કોટાડે બંધાણો
અલખ મારો લાખેણા રંગમાં રંગાણો.
કોઈ રે જ્યાં ન્હોતું ત્યારે નિજ તે આનંદ કાજે
ઝાઝાની ઝંખના કીધી.
ઘેરાં અંધારેથી મૂંગી તે શૂન્યતાને
માયાને લોક ભરી લીધી.
અનાદિ અંકાશકેરી અણદીઠ લ્હેરુંમાંયે
રણૂકી રહ્યો રે ગીત-છંદે,
અંગડે અડાય એને, નયને લહાય એવો
પરગટ હુઓ રે ધૂળ-ગંધે.
નજરુંનો ખેલ એણે રચ્યો ને જોનારથી જ્યાં
અળગો સંતાણો અણજાણ્યો,
જાણ રે ભેદુએ જોયો નિજમાં બીજામાં, જેણે
પોતે પોતાનો સંગ માણ્યો.
અલખ મારો લાખેણા રંગમાં રંગાણો.
રાજેન્દ્ર શાહ આવાં અનેક સત્ત્વશાળી કાવ્યોનાં સર્જક છે. તેમણે ઉત્તમ ગીતો અને કાવ્યો ઉપરાંત 'આયુષ્યનાં અવશેષે' નામે સોનેટ સંગ્રહ પણ આપ્યો છે. આ સોનેટમાળા એ માત્ર એમની જ નહીં, પણ સમગ્ર ગુજરાતી ભાષાની સિદ્ધિ પ્રસિદ્ધિ છે. એમાંથી એક સોનેટ, નામ છે ઘર ભણી.
ખખડ થતી ને ખોડંગાતી જતી ડમણી જૂની,
વિજન પથને ચીલે ચીલે તમિસ્ત્ર મહીં ઘન;
સ્વપન મધુરી નિદ્રાનું તે દગોમહીં અંજન
ભરતી ઘૂઘરી ઘોરી કેરી મીઠા રણકારથી.
ચરમ પ્રહરે ઠંડી ધીમા સમીરમહીં ભળી,
સ્મૃિતદુખ મને વ્યાપે તેવી બધે પ્રસરી રહી.
લઘુક દીવડે સૂતી સીમા બધી બનતી લહી
સજગ, તમ-ને ઓઢી પાછું જતી પડખું ફરી.
પથ-તરુ તણા નીડે પંખી ક્યહીં ફરકે અને
કદીક અથવા તારો કોઈ ખરે, બસ એટલું
કળિત બનતું, ત્યાંયે ઊંડા મને કરણો સહુ
કણકણની આ માટી કેરી કથા નીરખી રહે.
જનમ-સ્થલની ઝાંખી આયુષ્યની અવધે કરું,
ભર્યું જવ હતું તેની યાદે સૂને ઘર સંચરું.
કવિ જેટલાં કાવ્યોમાં ખીલે છે, એટલાં જ ગીતોમાં ખીલે છે. જેટલી સરળતાથી એ છંદને લહેતો મૂકી શકે છે, એટલી જ સરળતાથી એ ગાનને પણ વહેતું મૂકી શકે છે. તેમનાં ગીતોમાં એક જુદાં જ પ્રકારની લયસૃષ્ટિનો અનુભવ થાય છે. શબ્દનાં લય હિલ્લોળ માટેની ચિવટ દાદ માંગી લે એવી છે. સાહજિક લય-લહેકાંઓમાં તેમનાં ગીતો વધુ સરળ લાગે છે. કવિએ પ્રણય, મિલન અને જુદાઈને સુંદર રીતે ગાઈ છે. એવાં બે સુંદર ગીતો.
1. કેવડિયાનો કાંટો
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે;
મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે !
બાવળિયાની શૂળ હોય તો
ખણી કાઢીએ મૂળ,
કેર-થોરના કાંટા અમને
કાંકરિયાળી ધૂળ;
આ તો અણદીઠાનો અંગે ખટકો જાલિમ જાગ્યો રે,
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે !
તાવ હોય જો કડો ટાઢિયો
ક્વાથ કુલડી ભરીએ,
વાંતરિયો વળગાડ હોય તો
ભૂવો કરી વેતરીએ;
રૂંવેરૂંવે પીડ જેની એ તો જડે નહિ કહીં ભાંગ્યો રે,
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે !
2. નીંદરું આવશે મોડી
શિયાળુ સાંજની વેળ છે થોડી;
હાલ્યને વાલમ ! આંચને આધાર ખેલીએ આપણ
નીંદરુ આવશે મોડી.
ચીતરી મેલી ચોસર મ્હોરાં, સોહ્ય છે રૂડે રંગ,
ધોળિયો પાસો ઢાળિયે, જો'યે કોણ રે જીતે જંગ,
આબરૂ જેવી આણજે થાપણ,
ગઠરીની મેં'ય ગાંઠને છોડી,
હાલ્યને વાલમ ! ખેલીએ આપણ
નીંદરુ આવશે મોડી.
નેણથી તો નેણ રીઝતાં ને કાન, વેણની એને ટેવ,
વાત કીજે એલા કેમ રે ભેટ્યાં, ભીલડીને મા'દેવ.
કોણ ભોળું, કોણ ભોળવાયું,
જે કાળજાં રહ્યાં વ્હાલથી જોડી,
હાલ્યને વાલમ ! ખેલીએ આપણ
નીંદરુ આવશે મોડી.
આપણી કને હોય તે બધું, હોડમાં મૂકી દઈ,
હાર કે જીત વધાવીએ આપણ, એકબીજાનાં થઈ,
અરધી રાતનું ઘેન ઘેરાતાં,
ઓઢશું ભેળાં એક પિછોડી;
હાલ્યને વાલમ ! ખેલીએ આપણ
નીંદરુ આવશે મોડી.
કવિનો છેક 1951માં પ્રથમ કાવ્યસંગ્રહ 'ધ્વનિ' આવ્યો, ત્યારથી એમની કાવ્યસાધના અવિરત અને ઉત્તમ રીતે ચાલતી રહી છે. આટ-આટલું વિપુલ કાવ્યસર્જન કર્યું હોવા છતાં ય તેમનું દરેક કાવ્ય એક નવું પોતીકું વાતવરણ લઈને આવે છે. તેમનાં માટે મનુષ્યનાં જીવનનાં સુખ દુ:ખને આલેખવું સાવ સહજ છે. આ કાવ્યમાં કવિ મનુષ્ય જે રીતે ભૂતકાળની ઘટનાઓનાં પોટલાંઓ લઈને ફરે છે, એનું આબેહૂબ વર્ણન કરે છે. કવિ કહે છે કે એ બોજ આપણી યાત્રાનો આનંદ ઓછો કરી નાખે છે, અને પછી જ્યારે આપણા અંતરનાં બારણા ખૂલે છે, ત્યારે પગને જાણે પાંખ ફૂટે છે અને કોઈ જ અંતર રહેતું નથી તો પછી પ્રયાણ શેનું? એ તો ખાલી સ્વપ્ન.
— ફગાવીને બોજ —
શિર પર ઉપાડીને આટલો આ ભાર જાઉં કહીં ?
કહીં મારું ચિરંતન ધામ ?
પથ શેષ નહિ, યાત્રાનો નહિ વિરામ,
કેડીએ કેડીએ તરુછાયા, વનફલ.
ઝરણ-વિમલ જલ,
ટહુકંત સીમ ભરી ભરી રહું લહી.
જોયું તે ન જોયું કંઈ, સુણ્યું તે ન સુણ્યું કર્યું, એમ
આજ લગી ખોવાયેલું હતું કહીં મન ?
નિરંતર અભાવનું આકુલ આક્રંદ !
નીજી કોલાહલ કંઈ ધીમો
થતા, દૂરનો ય સુણાય રે સૂર ઝીણો,
અમાસને અંધકાર અરુંધતીનું લાવણ્યે સોહાયને તેમ.
રહી રહી મારા પર હું જ હવે હસું.
જતને ધરેલ બોજ
ફગાવીને ખાલીપાની માણી રહું મોજ;
પગને શું ફૂટી જાણે પાંખ !
આકાશની નીલિમાની યે નડે ન ઝાંખ !
અનંત ને અગોચર જાણે નહિ દૂર એક તસુ.
ક્યાંય કશું રહે ન અંતર,
પ્રયાણ આ કેવળ સ્વપન
મનોમન !?
જે હો તે હો.
અવકાશમય બની રહેલને નાદ સંગ નેડો,
આપમેળે બાજી રહે ઝીણેરું જંતર.
છેલ્લે, એમની એક પ્રેમભરી, પણ જાજરમાન રચના માણવી છે. ભારતની સુંદર ઓળખ આપતું આ ગીત છે. આ ગીતમાં કવિ દેશભક્તિનો અતિરેક કર્યા વગર, માત્ર આનંદમાં આવી, એનું ગાન કરે છે. વારંવાર ગાવું, સાંભળવું ગમે એવું આ ગીત છે.
— પુણ્ય ભારતભૂમિ —
જયતુ જય જય પુણ્ય ભારતભૂમિ, સાગર, અંબર,
જયતુ જય જય ઋતુ-અધીશ્વર, જય વિધાતૃ, શિવંકર.
જય ઉદયગિરિ પર ભર્ગ સુંદર
ઉદિત સ્વર્ણિમ સૂર્ય હે,
જય શાન્ત કૌમુદી-ધવલ-યામિની
વિધુ સુધારસ પૂર્ણ હે;
જયતુ જય જય દિવ્યગણ, મુનિવર, દ્યુતિર્ધર, કિન્નર,
જયતુ જય જય પુણ્ય ભારતભૂમિ, સાગર, અંબર.
જહીં સત્ય, નિર્મલ ચિત્ત, ધર્મ
નિ:શંક, નિરલસ કર્મ હે,
જહીં હૃદય-મનનો મેળ, સંગ
નિ:સંગ, પ્રેમલ મર્મ હે;
જયતુ જય જય સભર જીવન સ્થિતિ ગતિમય મંથર,
જયતુ જય જય પુણ્ય ભારતભૂમિ, સાગર, અંબર.
જય નિમ્ર ઉન્નત, ક્ષુદ્ર ઊર્જિત,
એક સંહતિ, સર્વ હે,
જય નિખિલ વ્યાપ્ત પ્રસન્નતામય
નિત્યનૂતન પર્વ હે;
જયતુ જય જય ગત અનાગત, ક્ષણ વિવર્ત નિરંતર,
જયતુ જય જય પુણ્ય ભારતભૂમિ, સાગર, અંબર.
Audio Link: https://soundcloud.com/shahnirajs/jayatu-jay-jay-rajendra-shah
આવા આપણી ભાષાના એક ઉત્તમ કવિને, એમનાં કંઠે સાંભળવા એ પણ એક લાહવો છે. કાવ્યપઠનનાં જાહેર કાર્યક્રમમાં વાંચેલા એમનાં કાવ્યોનું આ જે ધવ્નિમુદ્રણ છે, એ પ્રમાણમાં થોડું નબળું છે. પણ મહત્ત્વ છે એમનાં અવાજનું, એમનાં કાવ્યોનું.
Audio Link: https://soundcloud.com/shahnirajs/rajendra-shah-poems
— ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ? —
ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ?
નાની એવી જાતક વાતનો મચવીએ નહિ શોર !
ભારનુ વાહન કોણ બની રહે? નહી અલૂણનું કામ,
આપણ તો બડભાગી, ખમીરનું આજ ગવાય રે ગાન;
સજલ મેઘની શાલપે સોહે રંગધનુષની કોર.
જલભરી દગ સાગર પેખે, હસતી કમળફૂલ,
કોકડું છે પણ રેશમનું, એનું ઝીણું વણાય દુકૂલ;
નિબિડ રાતના કાજળ પાછળ પ્રગટે અરુણ ભોર.
આપણે ના કંઈ રંક, ભર્યોભર્યો માંહ્યલો કોશ અપાર;
આવવા દો જેને આવવું, આપણે મૂલવશું નિરધાર;
આભ ઝરે ભલે આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમ્હોર.
— આપણા ઘડવૈયા બાંધવ ! આપણે. —
આપણે આવળ બાવળ બોરડી,
કેસરઘોળ્યા ગલના ગોટા જી;
હલકાં તો પારેવાંની પાંખથી
મ્હાદેવથીયે પણ મોટાજી,
આપણા ઘડવૈયા બાંધવ ! આપણે.
કોઈ તો રચે છે વેળુ છીપથી,
કોઈ તો જળને હિલ્લોળ જી;
મરજીવો ઊતરે મ્હેરામણે,
માથા સાટે મોતી-મોલ જી.
નજરું ખૂંપી છે જેની ભોંયમાં,
સામે પૂર એ શું ધાય જી !
અધીરા ઘટડાનો ઘોડો થનગને,
અણદીઠ ઓરું એને પાય જી.
બેઠેલાનું બેઠું રહે વિમાસણે,
વેળા જુએ નહિ વાટ જી;
ઝાઝેરો ઝૂક્યો છે આંબો સાખથી,
વેડે તેને આવે હાથ જી.
પંડની પેટીમાં પારસ છે પડ્યો,
ફૂટલાં ફૂટે છે કરંમ જી.
વાવરી જાણે તે બડભાગિયો,
ઝળહળ એના રે ભવંન જી.
— બોલીએ ના કંઈ —
બોલીએ ના કંઈ,
આપણું હૃદય ખોલીએ ના કંઈ, વેણને રહેવું ચૂપ;
નેણ ભરીને જોઈ લે, વીરા!
વ્હેણનાં પાણી ઝીલનારું તે સાગર છે વા કૂપ!
વનવેરાને મારગ વિજન,
સીમ જ્યાં સૂની ગુંજતી કેવળ આપણું ગાયું ગાન;
ગામને આરે હોય બહુજન,
લખનો મેળો મળીઓ રે ત્યાં કોણને કોની તાન?
માનમાં જવું એકલ વીરા!
તારલિયો અંધાર કે ઓઢી રણનો દારુણ ધૂપ!
આપણી વ્યથા,
અવરને મન રસની કથા, ઈતર ના કંઈ તથા.
જીરવી અને જાણીએ, વીરા!
પ્રાણમાં જલન હોય ને તો યે ધારીએ શીતલ રૂપ!
•
('ગુજરાતી સાહિત્ય અકાદમી'ના માસિકી કાર્યક્રમ 'કાવ્યચર્યા'માં, રાજેન્દ્ર શાહના શતવર્ષી અવસરે, શનિવાર, 06 અૅપ્રિલ 2013ના દિવસે, લંડનમાં કરાયેલી રજૂઅાત)
e.mail : shahnirajb@gmail.com