શારીરિક શ્રમથી કસાયેલું શરીર, બીજાને માટે ઘસાઈ છૂટવાની વૃત્તિવાળું મન અને અટપટા પ્રશ્નનો તોડ કાઢી શકે એવી તીક્ષ્ણ બુદ્ધિ – આ મારી કલ્પનાના સેવકની લાયકાત છે. ગ્રામસેવક આખરે તો પ્રજાનો સેવક છે. પ્રજા એની શેઠ છે. જે સેવકની જરૂરિયાત શેઠ કરતાં વધારે એની સેવા શેઠ કઈ રીતે લઈ શકે? સેવક તો એ કે જે વધારેમાં વધારે આપે અને ઓછામાં ઓછું લે."
રવિશંકર મહારાજે બબલભાઈ મહેતાના પુસ્તક 'મારું ગામડું'ની પ્રસ્તાવનામાં લોકસેવકની આવી વ્યાખ્યા આપી છે, પણ ખરું જોતાં તો આ બબલભાઈના વ્યક્તિત્વનો જ ચિતાર લાગે છે. બબલભાઈ ગુજરાતના એવા ઉચ્ચ કોટિના લોકસેવક હતા, જેમનું વ્યક્તિત્વ અને જીવન લોકસેવા કરવા તત્પર લોકો માટે એક આદર્શ પૂરો પાડે છે. ઉપદેશ નહીં પણ આચરણ થકી પ્રેરણામાં માનતા બબલભાઈનો ગંદકી સામેનો આજીવન સંઘર્ષ આજે સ્વચ્છ ભારત અભિયાનના દિવસોમાં યાદ આવ્યા વિના રહેતો નથી.
'સફાઈમાં જ ખુદાઈ'નો મંત્ર તેમણે માત્ર આપ્યો નહોતો, પરંતુ જીવી બતાવ્યો હતો. બબલભાઈ જેવો સ્વચ્છતા માટે સમર્પિત સેવક ગુજરાતમાં તો ઠીક આખા દેશમાં મળવો મુશ્કેલ છે. સ્વચ્છતા બાબતે લોકોમાં જાગૃતિ લાવવા માટે બબલભાઈએ જીભ કરતાં પોતાના હાથનો ઉપયોગ વધારે કર્યો હતો. કહેવાય છે કે બબલભાઈ પોતાની સાથે કાયમ એક ઝાડું રાખતા અને જ્યાં ક્યાં ય પણ કચરો કે ગંદકી જુએ ત્યાં જાતે જ સફાઈકામ કરવા મચી પડતા. ગાંધીસંસ્કારના આદર્શ લોકસેવક એવા બબલભાઈનાં પગલાં જ્યાં જ્યાં પડયાં ત્યાં ત્યાં સ્વચ્છતાનો ઉજાસ ફેલાયો હતો.
બબલભાઈ મહેતાનું નામ નવી પેઢીના લોકો માટે અજાણ્યું છે, એ આપણા સમાજની નબળાઈ અને નગુણાઈ જ કહેવાય. જીવનના અંતિમ શ્વાસ સુધી લોકસેવામાં વ્યસ્ત રહેનારા બબલભાઈ ન કોઈ સંસ્થાના સભ્ય બન્યા કે ન કદી કોઈ સંસ્થા કે તંત્રનું પદ સંભાળ્યું. આવા અકિંચન લોકનેતાને યાદ રાખવા અને યાદ કરતા રહેવામાં આપણા સમાજનો જ સ્વાર્થ છે. ૧૦મી ઓક્ટોબર, ૧૯૧૦ના રોજ સાયલા ખાતે જન્મેલા બબલભાઈનું બાળપણ તેમના વતન હળવદમાં વીત્યું હતું. માત્ર એક વર્ષની નાની ઉંમરે પિતા પ્રાણજીવનદાસના અવસાન પછી તેમનું લાલનપાલન માતા દિવાળીબાએ જ કરેલું. બબલભાઈના વ્યક્તિત્વ પર દિવાળીબાનો વિશેષ પ્રભાવ હતો, ખાસ કરીને તેમની સ્વચ્છતા અને કરકસરની બાબતમાં. પોતાની આત્મકથા 'મારી જીવનયાત્રા'માં તેમણે નોંધ્યું છે, "અમારું ઘર નાનું હતું, પણ બા રોજ રસોડાની દીવાલને સફેદ ખડીથી પોતું મારી લેતી ને જમીન ઉપર લીંપણ કરી લેતી એટલે ઘર નવું નવું થઈ જતું. મને એ બહુ ગમતું. અમારા ઘરમાં વાસણ થોડાં હતાં પણ બા એ ઊટકીને ચકચકિત રાખતી … મારા ઘડતરમાં મારી બાનો બહુ મોટો ફાળો છે." બાના સુઘડતા-સ્વચ્છતાના ગુણોથી આકર્ષાયેલા-પોષાયેલા બબલભાઈને કદાચ એટલે ગાંધીજીનો ગ્રામસફાઈનો વિચાર વધારે સ્પર્શી ગયેલો. બબલભાઈ માસરા કે થામણામાં રહેતા હોય કે અન્ય ગમે તે ગામ કે શહેરમાં ગયા હોય, સવારના એકાદ-બે કલાક તો તેઓ ગ્રામસફાઈમાં જ ગાળતા હતા.
બબલભાઈએ 'મારું ગામડું' નામના પુસ્તકમાં 'ગ્રામસફાઈ'ના પ્રકરણમાં આપણા દેશનાં ગામડાંઓમાં ગંદકી કેવડી મોટી સમસ્યા છે, એ વિશે લખ્યું છે, "શું ગામડાંના લોકોની ગરીબાઈનો સવાલ નાનોસૂનો છે? એમની દેવાદાર સ્થિતિનો પ્રશ્ન ઓછો વિકટ છે? કે બધા એવી મહત્ત્વની વાતો છોડીને સફાઈ સફાઈ કરી રહ્યા છે! – ગામડાનો અનુભવ ન હોય એવો માણસ સહેજે આવું બોલી ઊઠે. પણ ગામડામાં જે ગયો છે અને ત્યાં જઈને રહ્યો છે એને પાકો અનુભવ થયો છે કે, ગામડાની ગરીબાઈ, દેવાદાર સ્થિતિ અને એ ઉપરાંત હાડમારીઓનો કાંઈ પાર નથી, પણ એ બધાથીયે આગળ વધી જાય એવો – આપણી આંખ ફાડીને અંદર પેસી જાય એવો – પ્રશ્ન ત્યાંની ગંદકીનો છે."
આજીવન ગંદકી સામે જંગ ચલાવનારા બબલભાઈના જીવન-કાર્યમાંથી ત્રણ સ્પષ્ટ સંદેશા મળે છે, જે સ્વચ્છ ભારતના અભિયાનને સફળ જ નહીં સાર્થક કરવું હોય તો ગાંઠે બાંધી રાખવા જેવા છે. એક, લોકોને ઠાલો ઉપદેશ આપી દેવાથી તેમની જીવનશૈલીમાં પરિવર્તન આવી જવાનું નથી, ગંદકીની જાતે સફાઈ કરીને જ તેમને સફાઈ માટે સભાન-સક્રિય બનાવી શકાશે. બીજો, ગંદકી પ્રત્યે લોકોમાં સૂગ ઉત્પન્ન કરવી પડશે અને તો જ માણસ ગંદકી કરતાં શરમાશે, ગંદકી કરતો અટકશે અને જ્યાં ગંદકી હોય ત્યાં સ્વચ્છતા માટે પ્રયાસ કરશે. ત્રીજો, ગંદકી સાફ કરવી એ કોઈ નીચલી ગણાતી જાતિના લોકોનું કામ નથી, એ આપણું સૌનું કામ છે. સફાઈના કામમાં શરમ પણ ન હોવી જોઈએ અને એ કામ કરનાર પ્રત્યે સૂગ કે હીન ભાવ તો ન જ હોવો જોઈએ.
એ પણ યાદ રહે કે બબલભાઈએ માત્ર સડક-મહોલ્લા નહીં લોકોનાં દિલોદિમાગ પણ સ્વચ્છ અને સ્વસ્થ કર્યાં હતાં. બબલભાઈ જેમ દેશનો દરેક નાગરિક સફાઈમાં ખુદાઈ જોતો થશે ત્યારે જ ગંદકીના દૈત્યને નાથી શકાશે.
e.mail : divyeshvyas.amd@gmail.com
સૌજન્ય : ‘સમય સંકેત’ નામે લેખકની સાપ્તાહિકી કટાર, “સંદેશ”, 12 અૉક્ટોબર 2014
http://www.sandesh.com/article.aspx?newsid=2997557