'મારા જ્ઞાનની ક્ષિતિજો વિસ્તારવામાં, એમની પાસેથી મળેલાં પુસ્તકોનો ખૂબ મોટો ફાળો છે… કશુંક જાણ્યું તેની સંતૃપ્તિમાં એમનું પ્રદાન અનન્ય છે…' – એલ. ડી. સ્કૂલ ઑફ ઇન્ડોલૉજીમાં તત્ત્વજ્ઞાનના માનદ અધ્યાપક પ્રશાંત દવે
'હું એમનો એક યુવાન મિત્ર. મારો એમના માટેનો આદર શાળા કે કૉલેજના આપણા પ્રિય શિક્ષક માટે હોય તેવો. આપણને એ ગમતા હોય તેમાં કોઈ પણ દબાણ વિના તેમની સાથે વાત કરવાની મુક્તિનો આનંદ પણ ભળેલો હોય છે.' – 'આઉટલૂક' સામયિકના સિનિયર. આસિસ્ટન્ટ એડિટર એસ. બી. ઈશ્વરન્
'એ મને માત્ર પુસ્તકો જ નહીં પણ ગુજરાતના લોકો, તેમની ખાણીપીણી અને મારા સંશોધન-વિષય એવા ગુજરાતના ઇતિહાસ અંગે પણ મૂલ્યવાન માહિતી આપે. મને એમને ત્યાં ઘર જેવું લાગે.' – જાપાનની ટોકિયો યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટ ઑફ એરિયા સ્ટડીઝના અધ્યક્ષ રિહો ઇસાકા
'એંશીના દાયકામાં એ એમને તત્ત્વજ્ઞાનના આધુનિક પ્રવાહો પરનાં એવાં દુર્લભ પુસ્તકો મેળવી આપતા કે એ ચમત્કાર જ લાગે'. – 'યુનાઈટેડ ન્યૂઝ ઑફ ઇન્ડિયા' સમાચાર સંસ્થાના વરિષ્ઠ પત્રકાર હર્ષવદન ત્રિવેદી
'ગ્રંથાલય વિજ્ઞાનમાં કહ્યું છે તે પ્રમાણે એ પણ માને છે કે દરેક વાચકને એનું પુસ્તક મળવું જોઈએ' – દિલ્હી યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના પૂર્વ અધ્યક્ષ ભારતી ઝવેરી.
ઉપર્યુક્ત મંતવ્યો કોઈ અધ્યાપક કે ગ્રંથપાલ, બૌદ્ધિક કે સામાજિક વિશેનાં નથી. તે ચોપડીઓની એક જૂની અને જાણીતી દુકાનવાળાને લગતાં છે. આ પુસ્તકભંડાર એટલે અમદાવાદનો 'ગ્રંથાગાર', તેના વ્યાસંગી અને વિરાગી, પ્રેમાળ અને પ્રબુદ્ધ ગ્રંથવિક્રેતા તે નાનક મેઘાણી. તેમના પિતા ઝવેરચંદ મેઘાણીએ 'કલમ અને કિતાબ'માં પુસ્તકભંડારની મહત્તા બતાવતી એક નોંધમાં લખ્યું છે : 'બુકસેલર તો પોતાના શહેરનો જ્ઞાનમાળી બની શકે.' નાનકભાઈ અમદાવાદના જ્ઞાનમાળી છે.
'ગ્રંથાગાર' ગયાં અઢી વર્ષથી આશ્રમ રોડ પર આવેલ ગુજરાતી સાહિત્ય પરિષદના સંકુલમાં ભોંયતળિયે છે. આ તેની ચોથી જગ્યા છે. સહુ પુસ્તકપ્રેમીઓના મનમાં જે 'ગ્રંથાગાર' છે તે અત્યારના સી. જી. રોડ પર નવરંગપુરા માર્કેટની સામેની બાજુ ચાર રસ્તે આવેલા એક બંગલામાં ૧૯૭૭થી દોઢ દાયકા સુધી સવારે ૮થી રાત્રે ૮ સુધી ચાલુ રહેતો પુસ્તકભંડાર 'ગ્રંથાગાર'. તેના પહેલાં, દોઢ દાયકો નાનકભાઈએ રાજકોટમાં 'સાહિત્યમિલાપ' નામે દુકાન ચલાવી. વર્ષો ગયાં, સ્થળો બદલાયાં, શહેરનો મિજાજ બદલાયો, પણ 'ગ્રંથાગાર'નું સત્ત્વ અક્ષુણ્ણ રહ્યું. 'ગ્રંથાગાર'નો વિચાર કરતાં મહાન ચિતારા વિન્સેન્ટ વાન ગૉગના શબ્દો યાદ આવે છે. : "I think that I still have in my heart someday to paint a bookshop with the front yellow and pink in the evening… like a light in the midst of darkness."
'ગ્રંથાગાર' પ્રચલિત, લલિત કે લોકપ્રિય પુસ્તકો ઓછાં પસંદ કરે છે. તે સમાજવિદ્યા, અર્થશાસ્ત્ર, તત્ત્વજ્ઞાન, ભાષાવિજ્ઞાન, સાહિત્યશાસ્ત્ર જેવા વિષયો પરનાં સંશોધનપુસ્તકો, આકરગ્રંથો તેમજ વિવિધ વિષયોના સંદર્ભગ્રંથો સંસ્થાઓને પૂરા પાડે છે અને પુસ્તકપ્રેમીઓ સામે મૂકે છે. સી.જી. રોડ પરના તેના સુવર્ણકાળમાં 'ગ્રંથાગાર' અમદાવાદમાં સમૃદ્ધ ગ્રંથાલયો ધરાવતી સેન્ટ ઝેવિયર્સ અને શ્રી એચ. કે. આર્ટ્સ કૉલેજ સહિત સંખ્યાબંધ કૉલેજો તેમજ ગુજરાત યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી તેમ જ મ.સ. યુનિવર્સિટીનાં 'ગ્રંથાલયો'ને નીવડેલાં પુસ્તકો પહોંચાડતો. અટીરા, આઈઆઈએમ, ઇસરો, એનઆઈડી, પીઆરએલ જેવી સંસ્થાઓ સાથે તેનો ગ્રંથવ્યવહાર હતો.
'ગ્રંથાગાર'માં વાચકને ઠીક આરામથી બેસવાની વ્યવસ્થા હોય છે. અહીં આવનાર ગ્રાહક ઓછો અને વાચક વધુ હોય છે. તે ગમે તેટલા કલાક બેસીને ગમે તેટલાં પુસ્તકો જોઈ શકે છે, ઉથલાવી શકે છે. વાંચી શકે છે, તેમાંથી નોંધો કરી શકે છે. ગ્રાહક પુસ્તક ખરીદવાને બદલે તેનો આ રીતે ઉપયોગ કરે તેમાં નાનકભાઈને વધુ ઉપલબ્ધિ જણાય છે. નાનકભાઈ અને (દીકરી કે નાની બહેન જેવાં) એમના સાથી હંસાબહેન પટેલ વાચકને લગભગ થનગનાટથી પુસ્તકો બતાવે છે. પહેલી વખત જનારા વ્યક્તિને પણ ઘણી વાર કાઠિયાવાડી મહેમાનીની ઝલક મળે છે, અને હંમેશના મુલાકાતીને તે હંમેશાં મળે છે. આ મહેમાનીમાં ચા, ચવાણુ, ઉનાળામાં સરબત કે આઈસક્રીમ (લાંબા સમય માટે બેસનાર માટે બંને) હોય.
વાચકો અહીં ગ્રંથાલયમાં આવતા હોય એમ આવે છે. આટલાં બધાં સમય સગવડ-સરભરા 'ગ્રંથાગાર'એ પૂરા પાડ્યાં પછી વાચક પુસ્તક ખરીદવાને બદલે ત્યાં જ વાંચીને પૂરું કરવાનું પસંદ કરે! એમ ન થાય તોય, ઘણું કરીને ખરીદે નહીં. તે વાંચવા માટે ઘેર લઈ જાય (નાનકભાઈ કોઈ નોંધ કે ચિઠ્ઠી-ચબરખી વિના તે આપે), વાંચીને પાછું આપી જાય. ખરીદે તો ઉધાર ખરીદે, પૈસા હપતાવાર ચૂકવે. નાનકભાઈ પુસ્તકો બતાવવા, વાંચવા આપવામાં અને દુર્લભ પુસ્તકો મંગાવી આપવામાં જેટલા અધીરા હોય એના કરતા પૈસા લેવામાં વધુ ઉદાસીન હોય. પોતાના નહીં પણ સંસ્થાના ખરચે પુસ્તક-શોખ પૂરા કરનારા કેટલાક માણસો ફટાફટ પચાસ-સાઠ પુસ્તકોનો ઢગલો નાનકભાઈના ટેબલ પર ખડકીને સંસ્થામાં મોકલી દેવાનું કહીને ચાલ્યા જાય. પછી અપ્રૂવલ મેમો, ડિલીવરી, ચેક, ઉઘરાણી બધું 'ગ્રંથાગાર'ના બે આધારસ્તંભ સમા હંસાબહેન અને સુરેશભાઈ ગાયકવાડ કરે. આખોય વ્યવહાર એ રીતે ચાલે કે જાણે નાનકભાઈએ ધંધો નહીં ધર્માદું કરવા દુકાન કરી હોય. 'ગ્રંથાગાર'ના પુણ્યના વેપારના, માનવામાં ન આવે તેવા કિસ્સા તેના ગ્રાહકો (ખરું કહીએ તો વાચકો) પાસેથી જાણવા મળે.
નાનકભાઈના ટિફીનમાંથીય જમી ચૂકેલા હર્ષવદન ત્રિવેદી અને મ.સ. યુનિવર્સિટીના બાબુ સુથાર આધુનિક એક તત્ત્વજ્ઞાનનાં દુર્લભ પુસ્તકો, ક્રેડિટ સોસાયટીમાંથી લોન લઈને ય ખરીદે. એક વખત તેમણે એક સાથે ઘણી મોટી રકમનાં પુસ્તકો ખરીદીને પૈસા નાનકભાઈ સામે ધર્યા. હર્ષવદન કહે છે : 'નાનકભાઈ લગભગ ગળગળા થઈ ગયા. એ કહે કે આટલા બધા પૈસા તો તમારી પાસેથી એક સાથે મારાથી લેવાય જ નહીં. તમે કટકે કટકે આપો.'
ખૂબ વંચાતા કૉલમિસ્ટ જય વસાવડા રાજકોટથી ફોન પર માંડીને વાત કરતા કહે છે : 'નાનકભાઈ અને કુસુમબહેન મારી સામે દુકાન છૂટી મૂકી દેતાં. નાસ્તાનો કોન પણ મંગાવતાં. આપણા ઘરમાં બેઠાંબેઠાં વાંચતા હોઈએ તેવું લાગે. આ ઉપરાંત જોઈએ એટલાં પુસ્તકો ઘેર લઈ જવા માટેય આપતાં.'
ઈશ્વરન્ દિલ્હીથી ઇમેઈલમાં લખે છે : 'ગ્રંથાગાર'માંથી મેં ખરીદેલું પુસ્તક એટલે 'નોર્ટન એન્થોલોજી ઑફ પોએટ્રી'. મારે એ પુસ્તક જોઈતું હોવાની વાત મેં હર્ષવદનને કરેલી. એણે મને એ 'ગ્રંથાગાર'માં હોવાનું કહ્યું. મેં એ સત્વરે ખરીદવાની તીવ્ર ઇચ્છા બતાવી. એટલે હર્ષે નાનકભાઈ સાથે ફોન પર ટૂંકી વાત કરી. કલાકમાં તો 'ઇન્ડિયન એક્સપ્રેસ'ની મારી ઑફિસમાં પુસ્તક આવી ગયું. એ પુસ્તકના પૈસા આપવા હું 'ગ્રંથાગાર'માં ગયો તે પહેલી મુલાકાત હતી. તે પછી તો હંમેશા જવાનો ક્રમ થઈ ગયો.
નાનકભાઈનાં દીકરી અને અમેરિકાના ઓહાયોમાં આવેલી એક હૉસ્પિટલમાં જિરેન્ટોલૉજી વિભાગના વડા તબીબ શેણીબહેન લખે છે : પુસ્તકો તેમજ વાચન માટેનો મારો પ્રેમ, અને પુસ્તકોનો મહિમા એ મારા બાપુ પાસેથી મળેલી સૌથી મોટી દેણ અને સૌથી મોટો વારસો છે. બાપુની દુકાન એ મારું બીજું ઘર હતું અને ત્યાં પુસ્તકો વાંચતાં કે પુસ્તકો વિશેની વાતો સાંભળતા વીતેલા કલાકોના કલાકો એ મારા બાળપણનાં સૌથી સુખદ સંભારણાં છે.'
'ગ્રંથાગાર'માં વિદેશી પ્રકાશકોના કૅટલોગ અને કસાટા આઇસ્ક્રીમનો આનંદ માણી ચૂકેલા, 'ઇન્ડિયા અબ્રોડ ન્યૂઝ' સર્વિસના આસિસ્ટન્ટ એડિટર આશિષ મહેતા દિલ્હીથી ઇમેઈલમાં લખે છે : એકવાર મેં એક રસપ્રદ પુસ્તક જોયું, પણ તે મને પોષાય તેવું ન હતું. મારી દુવિધા પામી જઈને નાનકભાઈએ તરત કહ્યું, 'તમે એકાદ અઠવાડિયા માટે લઈ જાઓ. વાંચીને પાછું આપજો'. આમ, તો બુકસેલર આવું કહે એવું હું ધારુંય નહીં. પણ નાનકભાઈની વાત કરતાં આ ઘટના અચૂક યાદ આવે છે'. નાનકભાઈ એ વખતે મારી સામે મલકાયા અને ખુલાસો આપતા કહ્યું : 'અમે અમારી રોજી રોટીનું ધ્યાન તો રાખ્યું જ છે.' એમનો મતલબ એ હતો કે આ માત્ર ધંધો નથી. હું દિલ્હી અને અમદાવાદમાં પુસ્તકોની ઘણી દુકાનોમાં દઉં છું. પણ ગ્રંથાગાર મને ક્યારે પુસ્તકની દુકાન લાગતી નથી અને નાનકભાઈ દુકાનવાળા લાગતા નથી. તેની પાછળનું કારણ એ કે નાનકભાઈ નોખા છે. તે પુસ્તકોને ચાહે છે. તેમના માટે એમના અને તમારા પુસ્તકપ્રેમ કરતાં નફો વધારે મહત્ત્વનો નથી. શેણીબહેન લખે છે : 'બાપુ કહે છે કે એ પુસ્તકપ્રેમી અને પુસ્તકપ્રસારક છે. મને લાગે છે કે એ ગ્રંથવિક્રેતા કરતા વિદ્યાવ્યાસંગી (ઍકેડિમિશિયન) વધુ છે, અને એમણે પૈસો તો ક્યારે બનાવ્યો જ નથી.'
'ગ્રંથાગાર'ના અનેક લાભાર્થીઓ શબ્દફેરે આ વાત મૂકે છે. અર્થશાસ્ત્રના અધ્યાપક રમેશ બી. શાહ કહે છે કે નાનકભાઈ પણ તેમના મોટાભાઈ મહેન્દ્રભાઈની જેમ સારાં પુસ્તકોનો ફેલાવો કરવાનો ભેખ લઈને બેઠા છે. જોકે, આ બે પુસ્તકપ્રસારકો વચ્ચેનો ભેદ પુસ્તકપ્રેમી અને ગુજરાત સરકારના કૃષિ તેમ જ સહકાર વિભાગના નાયબ સચિવ લાલુભા ચૌહાણ બતાવે છે : 'મહેન્દ્રભાઈ આદર્શવાદી અને વ્યવહારુ બંને છે. નાનકભાઈ નર્યા આદર્શવાદી છે. તેમનામાં પૈસા ભેગા નહીં કરવાની વૈરાગ્યવૃત્તિ છે. તે સમાજ પાસેથી થોડું લઈને સમાજને ઘણું આપનારા માણસોમાંના છે.'
ગુજરાત યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્રના પૂર્વ અધ્યાપક યોગેન્દ્ર માંકડના શબ્દો છે : 'પુસ્તકો એમ ને એમ વાંચવા આપવા, પૈસા ન માગવા, યાદ ન કરાવવું, આવું બધું પુસ્તક વિક્રેતાઓમાં ભાગ્યે જ હોય!' નાનકભાઈના શાળા-કોલેજના મિત્ર અને બી.જે. મેડિકલ કૉલેજના શરીરશાસ્ત્રના પૂર્વ અધ્યાપક બચુભાઈ કુલકર્ણી કહે છે કે નાનક પુસ્તકભંડાર ધંધા તરીકે નહીં હોબી તરીકે ચલાવે છે. જામનગરથી વાત કરતાં ભારતીબહેન ઝવેરીના શબ્દો છે : 'નાનકભાઈને સેલ્સમેન થતાં, આર્થિક લાભ જોતાં ન આવડ્યું. તે દુર્લભ અને મૂલ્યવાન પુસ્તકો પાછળ એ વેચાય કે ન વેચાય તો ય ઇન્વેસ્ટ કરે છે.' પ્રશાન્તભાઈ કહે છે : 'નાનકભાઈ સારાં પુસ્તકો વેચવા કરતાં વંચાવવા માટે દુકાન ચલાવે છે. એમનું ગાડું કેવી રીતે ચાલે છે એ એક કોયડો છે.' ભાવનગરમાં સુંદર પુસ્તકભંડાર 'પ્રસાર' ચલાવનારા બુરમેન જયંત મેઘાણીને પૂછીએ કે, નાનકભાઈને કમાણી થતી હશે? તો તે પોતાના મોટાભાઈમાં પૂરી શ્રદ્ધા સાથે આત્મવિશ્વાસથી કહે : 'કમાણી થાય એવું નાનકભાઈ કરે જ નહીં ને!'
કમાણી ગુમાવવાનું એક મુખ્ય કારણ કદાચ નાનકભાઈનો દસ ટકા વળતરનો સિદ્ધાંત. આ સિદ્ધાંત સ્વચ્છ પુસ્તક વ્યવસાયના ધોરણ તરીકે દેશ-દુનિયામાં સર્વસ્વીકૃત છે. એને નાનકભાઈ જિંદગીભર વળગી રહ્યા છે. દસ રૂપિયાનું પુસ્તક ખરીદો કે દસ હજારનું, વ્યક્તિગત ખરીદો કે સંસ્થા માટે ખરીદો, વળતર દસ ટકા જ. આ સદાચાર, ગ્રંથવ્યવહારમાં ફેલાયેલા દુરાચારમાં ક્યાંથી ટકે? મોભાદાર સંસ્થાઓના વડા કે ગ્રંથપાલોની (કે બંનેની)મથરાવટી બીજા બધા વ્યવહારોની જેમ ગ્રંથવ્યવહારમાંય મેલી થવા લાગી. વિદ્યાર્થી વિદ્યાર્થીએ પૈસા બનાવનારા કેટલાક પ્રિન્સીપાલો, અને પુસ્તકે પુસ્તકે પૈસો બનાવનારા થોડાક ગ્રંથપાલો નાનકભાઈ સાથે વધુ વળતર માટે નિર્લજ્જ સોદાબાજી કરવા લાગ્યા. નાનકભાઈએ લાખોનો ધંધો ગુમાવ્યો. નફો તો દૂર રહ્યો, ટકી રહેવાના પ્રશ્નો ઊભા થવા લાગ્યા. ગ્રંથાગારની જગ્યા કંઈ અમસ્તી નથી બદલાતી રહી.
'ગ્રંથાગાર'માંથી વર્ષોથી પુસ્તકો વસાવનારા જાણીતા બૌદ્ધિક અચ્યુત યાજ્ઞિકને મતે નાનકભાઈની મુશ્કેલીનું કારણ માત્ર ભ્રષ્ટાચાર જ નથી. આપણે ત્યાં સાંસ્કૃતિક, સાહિત્યિક, વિદ્યાકીય ક્ષેત્રે નાદારી આવી છે, યુનિવર્સિટીઓની પડતી થઈ છે, વાચન નામની ઘટના લુપ્ત થઈ રહી છે – આ બધી બાબતોની અસર નાનકભાઈ જેવા પુસ્તકવિક્રેતા પર પડે છે, એમ અચ્યુતભાઈનું માનવું છે.
સિત્તોતેર વર્ષના નાનકભાઈની કમાણી રૂપિયા નથી. તેમની કમાણી છે લોકોનો સ્નેહ અને સદ્ભાવ. નાનકભાઈ અને તેમના જોડિયા મસ્તાનભાઈને સોળમું વર્ષ બેઠું તે ૧૮ ડિસેમ્બર, ૧૯૪૬ના દિવસે પિતાએ તેમને લખ્યું 'તમારી રીતભાત, સદાચાર અને બુદ્ધિની સુગંધ પ્રસરાવજો'. પિતાની ઇચ્છા તેમનો 'જિકો' સારી રીતે પૂરી કરી રહ્યો છે.
નાનકભાઈ વિશે લખવા જેમના સંપર્ક કર્યા તે બધાએ ભારે ઉમળકાથી તેમના વિશે માંડીને વાત કરી. તેમાંથી કોઈએ માત્ર ચોપડીઓની દુકાનવાળા નાનકભાઈ વિશે વાત કરી નથી, એક લાગણીભીના માણસની વાત કરી. યોગેન્દ્રભાઈ માંકડ સાચું જ કહે છે : 'નાનકભાઈને વ્યાવસાયિક સંબંધો કરતાં વ્યક્તિગત સંબંધો વધુ મૂલ્યવાન લાગે છે.' ભારતીબહેન મેઘાણીની જેમ સામા માણસને આદરથી સાંભળનારા, આપણી પ્રગતિથી રાજી થનારા, ખૂબ સારા મિત્ર એવા નાનકભાઈને યાદ કરે છે. ભાવનગર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને તત્ત્વજ્ઞાનના અધ્યાપક રસેન્દ્ર પંડ્યા, મુંબઈની વિલ્સન કૉલેજના છાત્રાલયના તેમના મિત્ર નાનકભાઈને યાદ કરે છે : 'નૉન અર્બન, સાદા, ભોળા, ભલા, મક્કમ, સ્મૉલ ટાઉન મૅન વિથ ફાઈન ટેસ્ટ્સ.' નાનકભાઈ ગણિત અને ભૌતિક શાસ્ત્ર સાથે સ્નાતક થયેલા છે. બીજાની તકલીફ સમજવાની વૃત્તિ સહિતની નાનકભાઈની સંસ્કારિતાને લાલુભા વર્ણવે છે. પ્રશાન્તભાઈ નાનકભાઈની ઔપચારિકતા વિનાની લાગણીશીલતાની વાત કરે છે. તેમની જેમ બચુભાઈ પણ, નાનકભાઈ બિમારની ખબર કાઢવા માટે દિવસો સુધી અચૂક આવીને બેસે છે તે વાતને સંભારે છે. વળી કહે છે : 'નાનકમાં દોસ્તી કેળવવાની ઈશ્વરદત્ત દેણ છે. એ એટલું હેત રાખે કે આપણને એમ થાય કે આપણે જ તેની સાથેના સંબંધોમાં કાચા પડીએ છીએ. આપણા ગમા-અણગમાને એ ટૂકાં ગાળમાં એ રીતે પામી જાય કે જાણે વર્ષોથી આપણને ઓળખતા હોય. કોઈનું દુ:ખ જોઈને એમની આંખમાં પાણી આવી જાય.'
આવી લાગણીશીલતા મેઘાણી બંધુઓની ખાસિયત છે. બીજી ખાસિયત તે પુસ્તકપ્રેમ. નાનકભાઈ સંભારે છે : 'અમને બધાંને પુસ્તકો ખૂબ ગમતાં. પણ ઘણાંબધાં પુસ્તકો વસાવવાનું તો ક્યાંથી પોષાય? એટલે પુસ્તકો વચ્ચે રહેવા માટે મહેન્દ્રભાઈએ ભાવનગરમાં લોકમિલાપ શરૂ કર્યું. 'શબ્દનો સોદાગર' નામના મેઘાણી પરના અધ્યયન ગ્રંથમાં નાનકભાઈ અને તેમનાં મોટાં બહેન ઇન્દુબહેનની કનુભાઈ જાનીએ લીધેલી મુલાકાત વાંચવા મળે છે. તેમાં નાનકભાઈ કહે છે : પુસ્તકો લખવા માટેની શક્તિ વારસામાં નથી મળી મને. મહેન્દ્રભાઈ અને વિનોદભાઈ લખે. પણ પુસ્તકો માટેનો પ્રેમ મને વારસામાં મળ્યો હશે એટલે જ એ અંતરમાં છૂપો પડ્યો હશે એટલે અંતે બહાર આવ્યો. ભણતો હતો ત્યારથી જ 'મિલાપ'માં કામ કરતો હતો. પછી પુસ્તકોનું શરૂ કર્યું એટલે ધીરે ધીરે લત લાગી ગઈ એવી કે પછી છોડી ન શક્યો, મહેન્દ્રભાઈ સાથે પાંચ-છ વર્ષ કામ કર્યું. ૧૯૬૧થી સ્વતંત્ર કામ કરું છું. ૧૯૬૧થી ૧૯૭૭ રાજકોટમાં 'સાહિત્યમિલાપ'ની નાનકડી દુકાન ચલાવી. ૧૯૭૭થી અમદાવાદમાં જ છું.
'રિડર્સ ડાઈજેસ્ટ'ના નમૂના પર મહેન્દ્રભાઈએ ગુજરાતમાં ચલાવેલા 'મિલાપ' માસિકમાં નાનકભાઈએ છ વર્ષ મુખ્યત્વે અનુવાદક અને સંક્ષેપકાર તરીકે સહયોગ આપ્યો. રાજકોટની દુકાન થકી અમરેલી, ઉપલેટા, જૂનાગઢ જેવા અનેક કસબાનાં ગ્રંથાલયો સમૃદ્ધ થયાં. નાનકભાઈનાં પત્ની અને સમાજશાસ્ત્રનાં પૂર્વ અધ્યાપક, કુસુમબહેન દુકાનમાં ઘણો સમય યાદ આપતાં. તે યાદ કરે છે કે દુકાન સવારથી મોડી રાત સુધી ચાલુ હોય, જાણે કોઈ સમય જ નહીં. રાત્રે જમીને ચાલવા નીકળનારાય આંટો મારી જાય. એમ.એ.ના વર્ગો એ વખતે બહારગામના વિદ્યાર્થીઓ માટે ખાસ શનિવાર-રવિવારે ચાલતા એટલે એ વિદ્યાર્થીઓ અને અધ્યાપકો માટે રવિવારેય દુકાન ચાલુ હોય. કેટલાક વિદ્યાર્થીઓ પુસ્તકોમાંથી નોંધો કરી લે, કેટલાક લાંબા સમય સુધી વાંચતા હોય. સાતમી-આઠમી સદીમાં ઇસ્લામિક સંસ્કૃતિના સુવર્ણકાળમાં અરબસ્તાનમાં આવું હતું. ત્યાંનાં પુસ્તકભંડારો બુકશોપ સ્કૂલ્સ કહેવાતા.
નાનકભાઈ સૌરાષ્ટ્રની કૉલેજોમાં થેલાં ભરીને પુસ્તકો કે જેકેટો લઈને જાય. અમદાવાદ આવ્યા પછી પણ કેટલાંક વર્ષો આમ ચાલુ રાખ્યું. આણંદ, નડિયાદ, વિદ્યાનગર પણ જાય. દિલાવરસિંહ જાડેજા સરદાર પટેલ યુનિવર્સિટીમાં કુલપતિ હતા ત્યારે નાનકભાઈના રોકાણની સરસ વ્યવસ્થા કરતા. જોકે કેટલાંક વર્ષો પછી એમ લાગ્યું કે સાઈકલ પર કે એસ.ટી.માં ફરી ફરીને કૉલેજોમાં સારાં પુસ્તકો બતાવવાનો, તેના વિશે વાત કરવાનો તેમનો હેતુ સરતો નથી અને ગેરસમજ વધુ થાય છે. એટલે પુસ્તકના અને વ્યવસાયના ગૌરવ માટે સંસ્થાઓમાં જવાની પદ્ધતિ તેમણે બંધ કરી.
અલબત્ત, બાકીની મહેનત તો ચાલુ જ રહી. દર મહિને એક અઠવાડિયું દિલ્હીમાં વીતે. ત્યાંના ડીલર્સની દુકાનોના ઘોડા પર ચઢી ચઢીને નાનકભાઈ એકેક પુસ્તક જુએ. કેટલોગ્સ, અવલોકનો અને ઘણું કરીને પુસ્તકો જ વાંચે. શેણીબહેન લખે છે : બાપુ જ્યારે પુસ્તકોની વચ્ચે પુસ્તકો વિશે વાત કરતા બેઠા હોય ત્યારે તે સહુથી ખુશ હોય. મને બરાબર યાદ છે કે 'ગ્રંથાગાર'માંના એકેક પુસ્તક વિશે બાપુને ખબર હોય. તેમાંથી દરેક તેણે વાંચ્યું હોય. પુસ્તકના માત્ર લખાણની નહીં પણ તેના નિર્માણની પણ ચકાસણી કરીને તેને 'ગ્રંથાગાર'માં સ્થાન આપ્યું હોય.
પુસ્તકની મહેનતપૂર્વક પરખ એ નાનકભાઈની ખાસિયત. રસેન્દ્રભાઈ કહે છે કે પુસ્તકનું નામ જોઈને તે કહી શકે કે પુસ્તક કેવું છે, તે પુસ્તક વિશે ગહન ચર્ચા કરી શકે. એક વિષય પરનાં જુદાં જુદાં પુસ્તકો પરનો તફાવત બતાવી શકે. તેમના મગજમાં હંમેશા પુસ્તકો જ ચાલતાં હોય.
બજારમાં ક્યાંય ન ચાલતાં હોય એવાં પુસ્તકો પણ નાનકભાઈ રાખે. કેટલાંક પુસ્તકો ડીલરને ત્યાં જોયા પછી રહેવાય જ નહીં એટલે મંગાવી લે ને પછી ગ્રાહક શોધે. વળી પાછા સમજાવે : 'આપણે અહીં પુસ્તકો વેચવા ઓછા બેઠા છીએ? આપણો પાકો હેતુ તો લોકને સારાં પુસ્તકો બતાવવાનો, તેમને અહીં જોવા માટે આવતા કરવાનો છે.' નાના ગામના બુકસેલર પુસ્તક ખરીદવા આવ્યા હોય તો પોતાને મળતા પચીસ ટકામાંથી વીસ ટકા આપી દે જેથી કરીને સારું પુસ્તક એ જગ્યાએ પહોંચે. ઘણી વખત એ પુસ્તકો પહોંચાડવાનો ટપાલખર્ચ પણ ગ્રંથાગાર ભોગવે. કેટલાક ગ્રાહકો અમદાવાદની જુદી જુદી દુકાનોમાંથી ખરીદેલાં ઘણાં પુસ્તકો સાથે 'ગ્રંથાગાર'માંથી ખરીદેલાં થોડાંક પુસ્તકો એક સાથે બંધાવીને હંસાબહેન પાસે જ પાર્સલ કરાવે. પાર્સલના તો શું પુસ્તકના ય પૈસા નહીં આપનારાની સંખ્યાય ઠીક હશે. કદાચ એટલે જ નાનકભાઈના એક વખતના ખાસ મિત્ર સાંઈ મકરન્દ દવેએ લખ્યું છે : 'નાનક ઈસ સંસારમેં કભી ન કરીએ ઢીલ / પુસ્તક પિછે ભેજીએ, પહલે ધરીએ બિલ.' મકરન્દ દવેને ગોંડલથી બહાર લઈ જવાનું શ્રેય નાનકભાઈને અપાય છે.
નાનક-મકરન્દ વચ્ચે મૈત્રી જેટલી જ ઓછી જાણીતી વાત એટલે સ્વામી આનંદનો નાનકભાઈ માટેનો સ્નેહ. નાનકભાઈ પર સ્વામી આફરીન હતા ને એમને કૉસાની લઈ જવા માગતા હતા. એટલું જ નહીં પણ પોતાનાં લખાણોનાં પુસ્તકો કરવા ન ઇચ્છતા સ્વામી, નાનકભાઈ પ્રકાશન કરવાના હોય તો પુસ્તકો માટે રાજી હતા. નાનકભાઈએ પ્રકાશન પર પણ હાથ અજમાવી જોયો. પરિમાણ પ્રકાશનના નામે બંગાળીમાંથી અનુવાદનાં ત્રણ પુસ્તકો બહાર પાડ્યાં. તેમાંથી ક્ષિતિમોહન સેનનાં લખાણોનાં ૭૦૦ પાનાંના પુસ્તક 'સાધનત્રયી'ના નિર્માણમાં નાનકભાઈની પ્રકાશક તરીકેની સૂઝ જોવા મળે છે. નાનકભાઈએ કેટલાક નિબંધો પણ લખ્યા છે. તેના વિષયો છે – મા, આતિથ્ય, બારી, કસ્તૂરીમૃગ, વાત, વિસામો, માનવતા વગેરે. કેટલીક જગ્યાએ દિગીશ મહેતાના નિબંધોનું સ્મરણ કરાવતા આ નિબંધો આકાશવાણી પર અમૃતવાણી કાર્યક્રમમાં વંચાયા હતા. નાનકભાઈએ તેમના નકશીદાર કેલિગ્રાફિક્સ હસ્તાક્ષરોમાં લખેલાં મુક્તકો પણ વાંચવા મળે છે. દીકરીની પરીક્ષા, કોઈકની વર્ષગાંઠ, સ્નેહીજને બનાવેલી સરસ વાનગી જેવા નિમિત્તે તે લખાયાં છે. આના કરતાં સહેજ જુદા પ્રકારનું મુક્તક ટાંકવા જેવું છે : ખ્વાઈશ તો લખવાની બેસુમાર હતી એને (શો ગમાર) / લીટી હજી ના પા લખી, આવી પહોંચી પાલખી. પોતાના લખાણ વિશેનો નીચો અભિપ્રાય અને લેખનક્રિયા અંગે એકંદર ખૂબ ઊંચી અપેક્ષાને કારણે નાનકભાઈએ સર્જનાત્મક લખાણ નહીં કર્યું હોય એમ જણાય છે.
ઓગણીસમી સદીમાં ઇંગ્લેન્ડમાં વડા પ્રધાન વિલિયમ ગ્લૅડસ્ટને કહ્યું છે : ધ ગ્રેટેસ્ટ પબ્લિક બેનિફેક્ટર ઇઝ ધ મેન ડિસ્ટ્રીબ્યૂટિંગ ગુડ બુક્સ આ વાતની સાર્થકતા નાનકભાઈના કામમાં જોવા મળે છે. વ્યક્તિઓ સંસ્થાઓ અને સરવાળે સમાજ માટે એક પુસ્તક વિક્રેતા કેવો ફાળો આપી શકે તેનો ખ્યાલ આવે છે. અચ્યુત યાજ્ઞિક કહે છે : ગુજરાત વિશે ગુજરાતી 'અ' અંગ્રેજી એવા બે વાણીજગત (ડિસ્કોર્સ) છે. તેમની વચ્ચેનો સેતુ, એ સંબંધસૂત્ર નાનક અને જયંત મેઘાણી દ્વારા સધાય છે. પુસ્તક થકી જ્ઞાનનાં, કેળવણીના સિંચનની જે મેઘાણીપ્રણીત પરંપરા છે, તેમના મનમાં જે બુકસેલર છે તે અહીં મળે છે. ઑક્સફર્ડની બેલિયલ કૉલેજમાં સ્કોલર તરીકે ભણેલા રસેન્દ્ર પંડ્યા કહે છે : ઑક્સફર્ડના બ્લૅકવેલ બુકસ્ટોર જેવી સેવાઓ અહીં મળે છે'. નાનકભાઈ ઈઝ ધ બેસ્ટમેન ઇન ટ્રેડિશન ઑફ ધ બુકસેલર. મુંબઈના સ્ટ્રેન્ડ, પોપ્યુલર, તે આઇડિયલના પુસ્તકભંડારોની હેડીની પુસ્તક સંસ્કૃતિ જોવી હોય તો તે 'ગ્રંથાગાર'માં મળે.
વ્યવસાય નિમિત્તે ઇંગ્લેન્ડમાં અને ફ્રાન્સમાં રહેલા હર્ષવદન કહે છે. તમે પુસ્તકનું નામ આપો તો નાનકભાઈ ખુશ થાય. તમારા માટે બધું કરી છૂટે. એ બાબતે પેરિસના બુકસેલર્સ નાનકભાઈની યાદ અપાવતા. પુસ્તકવેચાણના આંતરરાષ્ટ્રીય માપદંડો તે પોતાની રીતે અનુસરે છે. હર્ષવદન બીજી જે એક બાબતમાં પણ ગ્રંથાગારને યુરોપના કેટલાક પુસ્તકભંડારોની હરોળના ગણાવે છે. પુસ્તકભંડાર એટલે મળવાનું સ્થાન. આશિષ મહેતા લખે છે : પછીના વર્ષોમાં તો હું કેવળ નાનકભાઈને મળવા માટે ગ્રંથાગારમાં જતો. ત્યાં મારા જેવા બીજાય હોય. એટલે હું જેને ઘણા દિવસે મળ્યો ન હોંઉ તેના સમાચાર મને ગ્રંથાગારમાંથી મળે, અને કેટલીક વાર તો એ માણસ પોતે જ ત્યાં મળી આવે. દિલ્હી યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને કાયદાના આંતરરાષ્ટ્રીય સ્તરના અધ્યાપક ઉપેન્દ્ર બક્ષી વિદેશમાંથી જ્યારે જ્યારે અમદાવાદ આવે ત્યારે પહેલા પૂછે 'ગ્રંથાગાર'નો સમય શો છે. આ વાત તેમના મોટા ભાઈ અને તત્ત્વજ્ઞાનના જાણીતા અધ્યાપક મધુસૂદન બક્ષી પાસેથી જાણવા મળે છે. અનેક ક્ષેત્રના પુસ્તકપ્રેમીઓ પોતાની દુકાને આવે, બેઠકો કરે તે નાનકભાઈને ગમે, એટલું જ નહીં, જરૂરી ય લાગે.' 'ગ્રંથાગાર'માં જેમની વર્ષોથી અવરજવર હોય તેવા સાહિત્યકારો, ચિત્રકારો, સ્થપતિઓ, અર્થશાસ્ત્રીઓ, વૈજ્ઞાનિકો, રાજદ્વારી માણસો, ચિંતકો વગેરેની યાદી બહુ લાંબી થાય છે.
યોગેન્દ્ર માંકડ કહે છે : અહીં આવો, ચર્ચા કરો, નાસ્તો કરાવીશ, ચર્ચામાં ભાગ લઈશ, મારી દુકાનમાં એક એકેડેમિક કોર્નર હો એવું તો આપણે ત્યાં ક્યાંથી મળે? આવું પહેલેથી જ છે. શેક્સપિયર એન્ડ કંપની નામના પેરિસના જગવિખ્યાત પુસ્તકભંડરમાં નિરંજન ભગતે સ્વાધ્યાયલોકના ત્રીજા ભાગમાં પેરિસના આ કિતાબઘર વિશે લેખ કર્યો છે. તેમાં તેના માલિક વિશે લખ્યું છે તે નાનકભાઈને પણ ઠીક લાગુ પડે છે. જ્યોર્જ વ્હીટમૅન તો છેવટે અને ન છૂટકે જ વિક્રેતા. એ વ્યવસાયે ભલે વિક્રેતા પણ સ્વભાવે તો એ પુસ્તકપ્રેમી ગ્રંથાલયી જ. ઉદરનિર્વાહ અર્થે જેટલો ગ્રંથવિક્રય અનિવાર્ય હોય તેટલો ગ્રંથવિક્રય પણ ક્યારેક તો ન થાય. કોઈ ગ્રાહક ઝટપટ પુસ્તક ખરીદે ને પટપટ એમની દુકાનમાંથી ચાલ્યું જાય એ એમને અસહ્ય. પણ કોઈ પુસ્તકપ્રેમી એમની દુકાનમાં પુસ્તકો જોયાં જ કરે, જોયા જ કરે એ એમને અતિપ્રિય. એમને જેટલું પુસ્તક વેચવું પ્રિય નહીં, તેટલું ધીરવું પ્રિય… એમણે આન્દ્રે માલરોને એક પત્રમાં લખ્યું હતું : હું પુસ્તકોને મૈત્રી માટેનું સાધન માનું છું. વિક્રય માટેની વસ્તુ નહીં. અમરત્વ જેમને વર્યું હોય એવી ચીજવસ્તુઓ વેચવાને હું રાજી નથી.
શેક્સપિયર એન્ડ કંપની પુસ્તકભંડાર પુસ્તકો, સિનેમા અને દસ્તાવેજી ફિલ્મોમાં સ્થાન પામ્યો છે. ત્રણ ચાર વર્ષ પર જેરેમી મર્સર નામના કેનેડિયન લેખકે આ પુસ્તકભંડારનાં સ્મરણો 'ટાઈમ વોઝ સોદૃટ ધેઅર' નામના પુસ્તકમાં લખ્યાં છે. તેમાં વ્હીટમેનના જીવનને પણ વણી લીધું છે. નાનકભાઈ અને ગ્રંથાગાર પણ પુસ્તકનો વિષય છે. થૉમસ કાર્લાઇલે એ મતલબનું લખ્યું છે કે દસ રાજાઓના ઇતિહાસ કરતા એક બુકસેલરનો ઇતિહાસ મૂલ્યવાન છે. ઓગણીસમી સદીના આ ચિંતક નિબંધકાર જે કહે તે ભલે પણ અત્યારે તો વાચક-પત્રકાર ઈશ્વરન્ ની વાત સાચી લાગે છે. તેમણે લખ્યું છે : કાચથી મઢેલી અને રંગબેરંગી બુકશોપ્સનો ધંધો ગ્રંથાગાર જેવા પુસ્તકભંડાર અને નાનકભાઈ જેવા માણસોને બરાબર ભીંસી રહ્યો છે. એ શોકાંતિકાથી નાનકભાઈ બેખબર ન હોય એવી મને ખાતરી છે'.