તાજેતરમાં દિલ્હીમાં અરુણાચલી યુવાન નિડો તાનિયાનના મોતે ફરી એક વાર વંશીય ભેદભાવની ચર્ચા ઊભી કરી છે. નોખી શારીરિક ભાત અને સંસ્કૃિત ધરાવતા ઉત્તર-પૂર્વના પ્રદેશના નાગરિકો એમના પોતાના દેશમાં જ આઉટસાઈડર ગણાય એ વાત થકી ભારતની એક દેશ તરીકેની કલ્પનાનો જ છેદ ઊડી જાય છે. વર્ણ, જાતિઓ, પેટા જાતિઓ, ગોળ, પરગણાંઓથી ખદબદતા આપણા દેશની સૌથી મોટી તકલીફ એ છે કે સમસ્યાનો સ્વીકાર જ નથી કરાતો. 2001માં ડરબન ખાતે મળેલા વંશીય ભેદભાવો વિરુદ્ધના વૈશ્વિક સંમેલનમાં 'જાતિપ્રથા એ દેશનો આંતરિક મુદ્દો છે અને રેસિઝમ એ વેસ્ટર્ન કોન્સેપ્ટ છે' તેમ સરકારે જણાવેલું. આજે 2014માં જો નવી દિલ્હી પોતે જ વંશીય ભેદભાવોની રાજધાની હોય તો પછી બાકીના દેશની તો કલ્પના જ કરવી રહી.
"શું તમે સમાનતામાં માનો છો?" આ સવાલનો જવાબ મોટાભાગના લોકો 'હા' આપશે. પણ હા જવાબ મળ્યા પછી જો તમે સહેજ ખણખોદ કરો તો તરત જ ખ્યાલ આવે કે સમાનતામાં આપણે માનતા નથી. સમાનતામાં માનતો માણસ એટલે એવો માણસ કે જે બીજી કોઈ વ્યક્તિને તેના રંગ, વેશ, પદ, વર્ણ, જાતિ, પેટા જાતિ, ધર્મથી અલગ રહીને એક વ્યક્તિ તરીકે જ જુએ. હવે આ જ લાઈન પર આગળ જઈએ અને આપણા રોજિંદાં વર્તન-વ્યવહારોની જો એક સૂચિ બનાવીએ તો આપણને ખ્યાલ આવશે કે બોસ, સમાનતામાં તો આપણે માનતા જ નથી. હાલતાંચાલતાં આપણી વાણી, આપણું વર્તન તથા વહેવાર અસમાન છે. એટલે કે આપણે ભેદભાવમાં માનીએ છીએ અને ભેદભાવ આચરીએ પણ છીએ. ઓફિસમાં સહકર્મચારી સાથે થતી વાતચીતનો ટોન પટાવાળા સાથેની વાતચીતમાં બદલાઈ જાય છે. આકર્ષક કપડાં પહેરેલી અને જીભેથી અંગ્રેજીમાં સરસ્વતી વહાવતી છોકરી સાથેની વાતચીતનો ટોન અલગ અને દેખાવે ગામઠી લાગતી લારીમાં શાકભાજી વેચીને પેટિયું રળતી બાઈ સાથેની વાતચીતનો ટોન અલગ. કાળી વ્યક્તિ સામેની નજર નોખી અને ગોરીચટ્ટ ચામડી સામેની નજર નોખી. આપણો ધર્મ, વર્ણ, અટક મેચ થતી હોય તેની સાથેની દોસ્તી અલગ અને ન મેચ થતી હોય તેની સાથેની દોસ્તી અલગ. 'આ તો આપણા' એ માનસિકતા શરૂ થાય એટલે તરત જ સમાનતાનો છેદ ઊડી જાય. ક્યાંક તેમાં તરફેણ ભળે તો ક્યાંક વેર. નવી દિલ્હીમાં તાજેતરમાં અરુણાચલ પ્રદેશના યુવાન નિડો તાનિયાનની કરપીણ હત્યાને લીધે ફરી એક વાર વંશીય ભેદભાવોની ચર્ચા નીકળી છે. અદાલતે સુઓમોટો દાખલ કરી છે એટલે કાયદો કાયદાનું કામ કરશે તેવી ધરપત બંધાય છે પણ મૂળ મુદ્દો જ વિસરી જવાય છે.
વર્ણ-નાતજાત-કોમ-ધરમ કે રંગભેદની વાત આવે એટલે 'હવે પહેલાં જેવું ક્યાં કંઈ રહ્યું જ છે!' કે પછી 'અમે તો આવું કશું માનતા જ નથી' કહીને હાથ સહિત બધું ખંખેરી લેવામાં આવે છે. મૂળ વાત, સમસ્યાના સ્વીકારની છે. જ્યાં સુધી સમસ્યાનો સ્વીકાર ન થાય ત્યાં સુધી સમસ્યા કદી ઉકેલી શકાય નહીં. જે દેશમાં જોક્સ પણ બાપુ અને સરદારના જ હીટ જતા હોય તે દેશમાં વંશીય ભેદભાવો નથી તેમ કહેવું તે નરી મુર્ખામી છે. નોખી શારીરિક ભાત અને સંસ્કૃિત ધરાવતા ઉત્તર-પૂર્વના પ્રદેશના નાગરિકો એમના પોતાના દેશમાં જ આઉટસાઈડર ગણાય એ વાત થકી ભારતની એક દેશ તરીકેની કલ્પનાનો જ છેદ ઊડી જાય છે. નિડો તાનિયાનની ઘટના ભલે હમણાં બની પણ આવી ઘટનાઓ વિવિધ સ્તરે આખા દેશમાં સતત બનતી જ રહે છે. એ દલિતો પરના અત્યાચારો સ્વરૂપે હોય, આદિવાસી પરના અત્યાચારો સ્વરૂપે હોય કે પછી ધર્મને આધારે થતાં રમખાણો હોય. ઘટના બને ત્યારે હઈશો હઈશો કરીને બૂમો પડે છે પણ પછી ફરીથી સમસ્યાને વિસારે પાડી દેવાય છે.
2001માં ડરબન ખાતે વંશીય ભેદભાવો વિરુદ્ધનું વૈશ્વિક સંમેલન મળ્યું હતું. આ સંમેલનમાં ભારતમાં કાસ્ટ સિસ્ટમને લીધે થતા ભેદભાવોની પણ ચર્ચા થવી જોઈએ એવી માગણી 'નેશનલ કેમ્પેઈન ઓન દલિત હ્યુમન રાઈટ્સ' સહિતનાં અનેક જૂથોએ કરી હતી. જો કે, આ માગણી સંતોષાય તો આંતરરાષ્ટ્રીય ફોરમમાં ભારતની બદનામી થાય એવો મત સરકારે રજૂ કર્યો. ટૂંકમાં, એક સામાન્ય માણસ ગામમાં આબરૂ જવાની બીકે પોતાની જ કેડ ભાંગી જાય તે હદે સમાધાનો કરતો હોય છે, તેમ જ તે વખતે ભારત સરકારે કર્યું. સરકારનો મત એ હતો કે 'જાતિપ્રથા એ દેશનો આંતરિક મુદ્દો છે અને રેસિઝમ એ વેસ્ટર્ન કોન્સેપ્ટ છે.' અનેક લોકોએ ડરબન કોન્ફરન્સની બહાર દેખાવો કરેલા. હવે, આ જ ભૂતકાળની ઘટનાને 2001 પછી દેશમાં થયેલા દલિત અત્યાચારો કે એ પછી ભારતમાં જ કાસ્ટ ઉપરાંત ધર્મ-રંગ-પ્રદેશને લઈને થયેલા અત્યાચારોના સંદર્ભમાં જોવામાં આવે તો સમજાય કે કુલડીમાં ગોળ ભાંગવાની વાતને લીધે જ સમસ્યાઓ ઉકેલાવાને બદલે વકરતી જાય છે. આજે 2014માં જો નવી દિલ્હીમાંથી જ વંશીય ભેદભાવો અને તેને લીધે હત્યાની ઘટના બહાર આવતી હોય તો બાકીના દેશની તો કલ્પના પણ શી કરવી? રેસિઝમ મિટાવવાની રેસમાં આપણે ઊણા ઊતર્યા હોત તો તો ઠીક પણ ખરેખર તો આપણે રેસમાં ઊતર્યા જ નથી!
આપણને રંજ પણ નથી
આપણે ફક્ત આપણા દેશના લોકો સાથે જ ભેદભાવ રાખીએ છીએ એવું નથી. પરદેશથી આવતા લોકોના અનુભવો પણ આપણને કોઈ રીતે સારા કહેવડાવે તેવા નથી. 2009ની સાલમાં “આઉટલુક” મેગેઝિનના જૂન મહિનાના અંકમાં 'ઈન્ડિયા ઈઝ રેસિસ્ટ એન્ડ હેપ્પી અબાઉટ ઈટ' મથાળા સાથે એક લેખ પ્રગટ થયો હતો. આ લેખમાં એક બ્લેક અમેરિકનના ભારતની સડકો પર થયેલા સીધા અનુભવોની વાત હતી. એ ભાઈએ લખ્યું હતું કે "પ્રેમ ને દોસ્તી તો ઠીક પણ અહીં તો લોકો ઘૂરકિયાં કરે છે સામે. એ લોકો ટોણાં મારે છે, ચીડવે છે. એક વાર હું લખનઉના પ્રાણી સંગ્રહાલયમાં જિરાફને જોઈ રહ્યો હતો અને મેં પાછા ફરીને જોયું તો લગભગ 50 માણસોનું એક ટોળું જાણે કે હું આ ઝૂનું જ કોઈ પ્રાણી હોઉં એમ મને ઘૂરકી રહ્યું હતું." આખા લેખનો સાર એટલો જ છે કે આપણે આપણી વાહિયાત ભેદભાવભરી માનસિકતા પર લાજવાને બદલે ગાજતા હોઈએ છીએ. આ ફરક એક પ્રજા તરીકે આપણામાં અને બીજામાં છે. વંશીય ભેદભાવ જો ભૂલથી પણ થઈ ગયો હોય તો છેક સાતમી પેઢી સુધી માફી માગનારી પ્રજાની સામે આપણે તો દરરોજ એટલો બધો ભેદભાવ સાહજિક રીતે આચરીએ છીએ અને તેમાંથી ખુશ પણ થઈએ છીએ. પરદેશમાં ભારતીય લોકો પરના વંશીય હુમલાના બનાવો વખતે કૂદી પડનારો, અમેરિકા-ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડને ગાળો દેનારો ભારતીય નાગરિક એના પોતાના દેશમાં જ થતા ભેદભાવોને સહજ અને સાંસ્કૃિતક ગણાવે છે. અખબારોમાં આવતી લગ્નની જાહેરાતોમાં ગોરા રંગ સાથે ઉચ્ચ કુળની કે પછી પોતાની નાતની માગણી પણ જોડાયેલી હોય છે. ખાપ પંચાયતોના વાહિયાત ફતવાઓ અને કબરો બની ગયેલી અનેક પ્રેમકથાઓ બાબતે આપણે શરમાતા નથી. આપણી અટકની આગળ 'ધ' લગાવવાની માનસિકતા છૂટતી નથી. આપણે દેશ પહેલાં એમ માનીએ તો છીએ પણ 'આંતરજ્ઞાતીય લગ્નો દેશના હિતમાં છે' એવું દેશની સર્વોચ્ચ અદાલતે કહેવા છતાં પોતાનાં સંતાનો તો જ્ઞાતિમાં જ પરણે એવો આગ્રહ રાખીએ છીએ.
સાચે જ, આપણે નખથી ચોટી સુધી એક રેસિસ્ટ પ્રજા છીએ. આપણને આ બાબતની જાણ શરમ બેઉ હોવું ઘટે.
e.mail : mmehul.sandesh@gmail.com
સૌજન્ય : લેખકની ‘વિગતવાર’ નામે કટાર : http://www.sandesh.com/article.aspx?newsid=2909331