ફક્ત નરેન્દ્ર મોદીને લીધે જ ગુજરાતનો વિકાસ નથી થયો
નો નૉન્સેન્સ – રમેશ ઓઝા
ગુજરાતનો વિકાસ નરેન્દ્ર મોદીના પ્રાગટ્ય પછી થયો છે એમ કહેનારાઓ વીતેલી પેઢીના ગુજરાતીઓનું અને શાસકોનું અપમાન કરે છે. આઝાદી પછી ભારતના લગભગ બધા જ પ્રાંતોને સારા શાસકો મળ્યાં હતા, પરંતુ ગુજરાત એમાં વધારે નસીબદાર છે. વિવેક અને દૂરંદેશી ગુજરાતના શાસકોનું ભૂષણ હતું. તળ ગુજરાત એ સમયે મુંબઈ રાજ્યનો હિસ્સો હતું. મુંબઈ પ્રાંતના મરાઠીઓના ચિત્ત પર ભાષાવાદ અને પ્રાંતવાદનું ભૂત સવાર થયું હતું ત્યારે મુંબઈના અને તળ ગુજરાતના ગુજરાતીઓએ કમાલનો સંયમ બતાવ્યો હતો. ગુજરાત વિશેનો ગુજરાતી પ્રજાનો અને નેતાઓનો દૃષ્ટિકોણ સંર્કીણ નહોતો, વ્યાપક અને વિકાસલક્ષી હતો. સૌરાષ્ટ્ર અને કચ્છ (જે એ સમયે હંગામી ધોરણે અલગ રાજ્ય હતાં) પણ આમાં અગ્રેસર હતાં.
ઉછરંગરાય ઢેબર સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્ય પ્રધાન હતા અને તેમની સરકારે સત્તામાં આવતાંની સાથે જ ૧૯૫૧માં બારખલી ધારો લાગુ કરીને જમીનદારી નાબૂદ કરી હતી. કાયદો ઘડવો એક વાત છે અને કાયદો લાગુ કરવો એ જુદી વાત છે. જમીનદારીને નાબૂદ કરનારા કાયદા તો બીજાં અનેક રાજ્યોએ ઘડ્યા છે, પરંતુ એનો સો ટકા સફળ અમલ માત્ર સૌરાષ્ટ્રમાં થયો છે.
દેશનાં કુલ ૫૫૬ રજવાડાંઓમાંથી એકલા સૌરાષ્ટ્રમાં ૨૨૨ રજવાડાં હતાં. વહીવટી દૃષ્ટિએ ચાળણી જેવો પ્રદેશ હતો અને સમાજ-વ્યવસ્થા મધ્યકાલીન સામંતી (ફ્યુડલ) હતી. કાયદાનું શાસન અને ન્યાય સૌરાષ્ટ્રનાં ઘણાં રજવાડાંઓમાં અજાણી ચીજ હતી. સૌરાષ્ટ્રમાંની અરાજકતા એટલી કુખ્યાત હતી કે સૌરાષ્ટ્રના કોઈ નાગરિકે અંગ્રેજ શાસન હેઠળના ભારત (બ્રિટિશ ઇન્ડિયા)માં પ્રવેશવું હોય તો વિરમગામ સ્ટેશને તેણે સભ્યતાની અગ્નિપરીક્ષા આપવી પડતી. એ અગ્નિપરીક્ષા ‘વિરમગામ લાઇનદોરી’ તરીકે ઓળખાતી હતી. એ અપમાનજનક પ્રથાનો ગાંધીજીના પ્રયત્નોને કારણે અંત આવ્યો હતો. કાઠિયાવાડી એટલે અભણ અને અસંસ્કારી એવી સમજ હતી અને એ જમાનામાં કાઠિયાવાડીને ‘વાયા વિરમગામ’ તરીકે તિરસ્કારપૂર્વક ઓળખવામાં આવતો હતો.
હવે કલ્પના કરો કે આવા પ્રદેશમાં વહીવટી વ્યવસ્થા, સમાજવ્યવસ્થા અને અર્થવ્યવસ્થાને એકસાથે તળે-ઉપર કરનારો કાયદો ઘડવો અને લાગુ કરવો એ કેટલી મોટી હિંમતનું કામ હશે. ઢેબરભાઈને અનેક લોકોએ ત્યારે ચેતવ્યા પણ હતા કે ઉતાવળ કરવામાં જોખમ છે, ગરાસિયાઓ નારાજ થશે અને ઉપદ્રવ કરશે. ભૂપતનું બહારવટું હજી તાજી ઘટના હતી. ઢેબરભાઈની સરકારે મચક નહોતી આપી. બારખલી ધારો ઘડાયો અને લાગુ પણ કરવામાં આવ્યો. જમીન ગુમાવનારા ગરાસિયાઓને લશ્કરમાં જોડાવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આમાં ત્રણ ફાયદા હતા. એક, ખોટી એંટમાં જીવવા ટેવાયેલા ગરાસિયાઓ રોટલો રળતા થાય. બીજું, ગામથી દૂર રહે અને ત્રીજું, લશ્કરમાં કામ કરવાને કારણે થોડી શિસ્તનો પરિચય થાય. એમાં જરાય આશ્ચર્ય ન થવું જોઈએ કે આવો ક્રાન્તિકારી કાયદો ઘડવા અને લાગુ કરવા માટે ઢેબરભાઈ પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાંથી તેઓ જરાકમાં બચી ગયા હતા. કણબી, કારડિયા અને પટેલોનો બનેલો સૌરાષ્ટ્રનો નવમધ્યમવર્ગ ઢેબરભાઈનો ઋણી છે. ઢેબરભાઈ થકી તેમનો વિકાસ થયો છે.
૧૯૫૦નાં વર્ષોમાં સૌરાષ્ટ્ર દેશનું નાનકડું અને બિનમહત્વનું રાજ્ય હતું. ૨૨૨ રજવાડાંઓને ભેગાં કરીને રચાયેલા ઓછા મહત્વના અને હંગામી એવા સૌરાષ્ટ્રે બીજું એક મહત્વનું કામ કર્યું હતું. ઢેબરભાઈની સરકારે સૌરાષ્ટ્રનું વ્યાપક આર્થિક સર્વેક્ષણ હાથ ધર્યું હતું જે ઇકૉનૉમિક સર્વે ઑફ સૌરાષ્ટ્ર તરીકે ઓળખાય છે. આ કામ સી. એન. વકીલ, ડી. ટી. લાકડાવાલા અને એમ. બી. દેસાઈ જેવા મુંબઈ વિશ્વવિદ્યાલયના ખ્યાતનામ અર્થશાસ્ત્રીઓને સોંપવામાં આવ્યું હતું. પ્રદેશના વિકાસનો ઢાંચો આર્થિક સવેક્ષણના આધારે ઘડવામાં આવ્યો હતો. રાજ્યનું સઘન અને સર્વાંગીણ આર્થિક સર્વેક્ષણ કરવામાં આવ્યું હોય અને એના આધારે વિકાસની દિશા નિર્ધારિત કરાઈ હોય એવી ભારતમાં આ પહેલી ઘટના હતી. હજી આજે પણ પ્રાદેશિક વિકાસનું સર્વેક્ષણ હાથ ધરતી વખતે ઇકૉનૉમિક સર્વે ઑફ સૌરાષ્ટ્રનો રેફરન્સ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
રાજકોટનાં ઑઇલ-એન્જિન, મોરબીનો ઘડિયાળ અને ચીનાઈ માટીનો પોટરી ઉદ્યોગ, થાનનો પોટરી ઉદ્યોગ, જામનગરનો બાંધણી અને બ્રાસ પાર્ટ્સનો ઉદ્યોગ, અંજારનો સૂડી-ચાકુ વગેરેનો ઉદ્યોગ, કચ્છનો કઢાઈવાળાં વસ્ત્રોનો ઉદ્યોગ, વઢવાણનો વાસણ ઉદ્યોગ, સાવરકુંડલાના કાંટા-તોલા, જેતપુરની સાડી, મહુવાનો સંઘેડા ઉદ્યોગ, સિહોરની તપકીર અને વાસણ વગેરે ભારતભરમાં વિખ્યાત છે. સૌરાષ્ટ્રમાં ભાગ્યે જ એવો કોઈ તાલુકો હશે જ્યાં સ્થાનિક ઉદ્યોગ ન હોય અને એ ઉદ્યોગ દેશમાં માર્કેટ-લીડર ન હોય. યસ, માર્કેટ-લીડર. મેં નાગાલૅન્ડથી મણિપુર જતાં એક ગામડામાં દુકાનદાર પાસે સાવરકુંડલાના કાંટા-તોલા જોયા છે. આ એ સમયની વાત છે જ્યારે નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક હતા અને ગુજરાતની બહાર તેમને કોઈ ઓળખતું નહોતું.
ઇકૉનૉમિક સર્વે ઑફ સૌરાષ્ટ્રનાં તથ્યોના આધારે સરકારે સ્થાનિક ઉદ્યોગોને વિકસવા માટે પ્રોત્સાહન આપ્યું હતું અને આજે સૌરાષ્ટ્રની પ્રોડક્ટ્સ દેશભરમાં રાજ કરે છે. ખેતીવાડીની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ખેતી દુષ્કર છે. સૌરાષ્ટ્ર ઊંધી રકાબી જેવો પ્રદેશ છે. ૨૫થી ૩૦ ઇંચ જે વરસાદ પડે છે એ અરબી સમુદ્રમાં, કચ્છ અને ખંભાતના અખાતમાં, કચ્છના રણમાં અને સપાટ ભાલપ્રદેશમાં વહી જાય છે. આવી જ સ્થિતિ કચ્છ અને ઉત્તર ગુજરાતની છે. આમ છતાં કૃષિ-ઉત્પાદનમાં ઉતારાની દૃષ્ટિએ ગુજરાતનો ખેડૂત પંજાબ અને હરિયાણાના ખેડૂતની બરાબરી કરે છે. ૧૯૬૦ના દાયકાથી કૃષિ-ઉત્પાદનમાં ગુજરાત ત્રીજા ક્રમે છે.
તળ ગુજરાત ભલે મુંબઈ રાજ્યનો હિસ્સો હતું, પરંતુ ગુજરાત નામની કલ્પના (આઇડિયા ઑફ ગુજરાત) સરદાર પટેલ, કનૈયાલાલ મુનશી, ઉત્તમ પટેલ, ભાઈલાલ પટેલ વગેરેના મનમાં આકાર લેવા માંડી હતી. આમાં ગુજરાતના મહાજનોનો પણ સહકાર હતો અથવા તો એમ કહો કે સરદાર અને મુનશીએ તેમને ગુજરાતના ઘડતરના કામમાં જોતર્યા હતા. આઝાદીના સંકેત મળવા લાગ્યા કે તરત જ ગુજરાતમાં સંસ્થાઓ સ્થપાવા લાગી હતી અને રચનાત્મક આંદોલનો શરૂ થઈ ગયાં હતાં. આણંદની ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઍિગ્રકલ્ચર સરદારે અને મુનશીએ ૧૯૪૦માં સ્થાપી હતી. એની પાછળ-પાછળ ચરૂતર કેળવણી મંડળે શિક્ષણ-પ્રસારનું કામ હાથ ધર્યું હતું અને સરદાર પટેલ યુનિવર્સિટી અસ્તિત્વમાં આવી હતી. આ યુનિવર્સિટી અત્યારે વલ્લભ વિદ્યાનગરના નામે વટવૃક્ષમાં પરિણમી છે. એ જ અરસામાં દૂધ-ઉત્પાદકોની સહકારી મંડળી રચવાનું આંદોલન શરૂ થયું અને ૧૯૪૬માં અમૂલની સ્થાપના થઈ હતી. મુંબઈ યુનિવર્સિટીને ટક્કર મારે એવી એક યુનિવર્સિટીની ગુજરાતને જરૂર છે એમ મુનશીને લાગતાં તેમના પ્રયત્નોના પરિણામે વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી સ્થપાઈ હતી. ૧૯૪૯માં અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી.
સંશોધનપ્રવૃત્તિ ગુજરાતમાં શરૂ કરાવવામાં વિક્રમ સારાભાઈનો મોટો હાથ હતો. પ્રતિષ્ઠિત અટિરા (અહમદાબાદ ટેક્સટાઇલ રિસર્ચ અસોસિએશન, સ્થાપના ૧૯૪૭), ફિઝિકલ રિસર્ચ લૅબોરેટરી (સ્થાપના ૧૯૪૭), એલ. ડી. (લાલભાઈ દલપતભાઈ) કૉલેજ ઑફ એન્જિનિયરિંગ (સ્થાપના ૧૯૪૮), ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ (સ્થાપના ૧૯૬૧), નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન (સ્થાપના ૧૯૬૧), સેન્ટર ફૉર એન્વાયર્નમેન્ટલ પ્લાનિંગ ઍન્ડ ટેક્નૉલૉજી (સ્થાપના ૧૯૬૨) વગેરેનો ગુજરાતના અને દેશના વિકાસમાં અમૂલ્ય ફાળો છે.
ટૂંકમાં, ૧૯૬૦માં દ્વિભાષિક મુંબઈ રાજ્યનું વિભાજન થયું અને ગુજરાતની સ્થાપના થઈ એ પહેલાં ગુજરાતની કલ્પના પરિપક્વ થઈ ચૂકી હતી. સૌરાષ્ટ્રની સરકારને જે આઠ વર્ષ (૧૯૫૬માં સૌરાષ્ટ્ર રાજ્યને મુંબઈ રાજ્યમાં વિલીન કરી દેવામાં આવ્યું હતું) મળ્યાં એનો સૌરાષ્ટ્રના વિકાસ માટે ઉત્તમ લાભ લેવામાં આવ્યો હતો. ગુજરાતના વિકાસ માટે ઉપયોગી સંસ્થાઓ અને રચનાત્મક આંદોલનોએ ગુજરાતના વિકાસ માટે અનુકૂળ ભૂમિ કેળવી આપી હતી.
૧૯૬૦ની પહેલી મેએ ગુજરાતની સ્થાપના થઈ ત્યારે એના સૂચિત નામ ‘મહાગુજરાત’માંથી ‘મહા’ શબ્દ હટાવી દેવામાં આવ્યો હતો, કારણ કે આત્મિïવશ્વાસથી છલકાતા ગુજરાતીઓને મિથ્યાભિમાનની જરૂર નહોતી. મહાગુજરાત શબ્દ મહારાષ્ટ્રના જવાબરૂપે ચલણમાં આવ્યો હતો. મુંબઈ સહિત સંયુક્ત મહારાષ્ટ્રની સામે ગુજરાતમાં અલગ મહાગુજરાત આંદોલન શરૂ થયું હતું. ગુજરાતની સ્થાપના સાબરમતી આશ્રમમાં રવિશંકર મહારાજના હાથે કરવામાં આવી હતી. આ ઘટનામાં ગુજરાતના શાસકોનો વિવેક પ્રગટ થાય છે. ગુજરાતની સ્થાપનાના સમારોહમાં ઉમાશંકર જોશીએ ‘ગાંધીના રસ્તે ચાલીશને ગુજરાત’ એવી સાવધાની વર્તવાની શિખામણ આપનારી કવિતાનું પઠન કર્યું હતું. ગુજરાતનું કલ્યાણ ગાંધીના માર્ગે જ છે અને એ સિવાયના બીજા માર્ગમાં જોખમ છે એમ ઉમાશંકરે કવિતા દ્વારા કહ્યું હતું. ગુજરાતની પ્રજાએ આજે ગાંધીનો મારગ છોડી દીધો છે એ આઘાતજનક ઘટના છે. ઉમાશંકરને આવો અંદેશો ત્યારે જ આવી ગયો હોવો જોઈએ.
મુંબઈ ગુમાવવાનો કોઈ વસવસો ગુજરાતીઓએ અનુભવ્યો નહોતો. ગુજરાતે સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ અને જામનગરનો વિકાસ કરીને મુંબઈનો ઉત્તર શોધી લીધો છે; જ્યારે મહારાષ્ટ્ર મુંબઈમાં અટવાઈ ગયું છે. ગુજરાતે ઠીક-ઠીક પ્રમાણમાં સમથળ વિકાસ સાધ્યો છે તો બીજી બાજુ આપણે જોઈએ છીએ કે મુંબઈ મહારાષ્ટ્રના પગની બેડી બની ગયું છે. મુંબઈના પોર્ટની અવેજીમાં ગુજરાતે કંડલાનું પોર્ટ વિકસાવ્યું છે જે મુંબઈની ગરજ સારે છે. અત્યારે પીપાવાવનું બંદર પણ ઝડપથી વિકસી રહ્યું છે. ઔદ્યોગિક વિકાસ માટે વાપીથી વટવાનો ગોલ્ડન કૉરિડોર ગુજરાતે વિકસાવ્યો છે. ૧૯૬૨માં ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (જીઆઇડીસી)ની સ્થાપના કરવામાં આવી હતી. જીઆઇડીસીનાં સંકુલો સમગ્ર ગુજરાતમાં સ્થાપવામાં આવ્યાં છે. ૧૯૭૦ સુધીમાં ગુજરાત મહારાષ્ટ્ર કરતાં આગળ નીકળી ગયું હતું એ ઉથાપી ન શકાય એવી હકીકત છે.
ગુજરાતનો વિકાસ કેવળ શાસકોને કારણે થયો છે એવું નથી. ગુજરાતના વિકાસમાં પ્રજાનો અને ગુજરાતની મહાજન સંસ્કૃતિનો ઘણો મોટો ફાળો છે. સરકાર કરતાં પણ વધુ ફાળો ગુજરાતની પ્રજાનો છે. જ્યાં ગુજરાતની પ્રજા હોય ત્યાં નરેન્દ્ર મોદીના પ્રાગટ્ય સુધી રાહ જોવી પડે ખરી? ગુજરાતીઓ જો મુંબઈ અને કરાચીને વિકસાવી શકે તો ગુજરાતને ન વિકસાવી શકે? આ એ પ્રજા છે જે સંજોગો બદલાતાં મુંબઈ અને કરાચીને પાછળ મૂકીને આગળ નીકળી ગઈ છે.
ગુજરાતના વિકાસમાં નરેન્દ્ર મોદીનો કોઈ જ ફાળો નથી એમ કહેવાનો આશય નથી. વિકાસશીલ પ્રજાને વધુ વિકસવાની અનુકૂળતા તેમણે પણ કરી આપી છે. શાસક તરીકે તેમનો એ ધર્મ છે. બીજાના યોગદાનની ઉપેક્ષા કરવી કે બીજાના શ્રેયને આંચકી જવું એ ધર્મ નથી. મજબૂત પાયા પર ચણતરકામ નરેન્દ્ર મોદી પણ કરી રહ્યા છે, પરંતુ તેમણે એ ન ભૂલવું જોઈએ કે ફાઉન્ડેશન પૂર્વસૂરિઓએ કર્યું હતું. તેઓ ગુજરાતના વિકાસની વાત એ રીતે કરી રહ્યા છે જાણે નરેન્દ્ર મોદીના અવતરણ પહેલાં ગુજરાત પ્રાગ-આધુનિક કબીલાઓનો પ્રદેશ હોય. નર્લિજ્જતામાં પણ પ્રમાણભાન હોવું જોઈએ નરેન્દ્રભાઈ.
ગુજરાત પર કુદરત ઓછી મહેરબાન
ગુજરાત પર કુદરતની મહેરબાની પ્રમાણમાં ઓછી છે. સિંચાઈ અને પીવા માટે પાણી ગુજરાતની સૌથી મોટી સમસ્યા છે. ગુજરાતે મધ્યમ કદની અને વિશાળ કદની સિંચાઈયોજનાઓ વિકસાવીને જળસ્રોતનો ઉપાય શોધી કાઢ્યો છે. ઉકાઈ અને નર્મદાયોજનાઓ ૧૯૬૦ના દાયકામાં શરૂ થઈ હતી. નર્મદા યોજનાનો શિલાન્યાય જવાહરલાલ નેહરુએ ૧૯૬૨માં કર્યો હતો. પાણીની વહેંચણી અંગે સંબંધિત રાજ્યો વચ્ચેના ઝઘડાને કારણે નર્મદાયોજના અઢી દાયકા સુધી અટવાઈ ગઈ હતી. ગુજરાતના શાસકોએ ધીરજપૂર્વક એનો પણ ઉપાય શોધી કાઢ્યો હતો. નર્મદાયોજનાનું શ્રેય સનત મહેતા, બાબુભાઈ જશભાઈ પટેલ અને ચીમનભાઈ પટેલને જાય છે. બીજી બાજુ ગુજરાતે વિશાળ સમુદ્રકિનારાનો લાભ લઈને મત્સ્યોદ્યોગ વિકસાવ્યો છે.
(સદ્દભાવ :http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaaj161212-24)