Opinion Magazine
Number of visits: 10,205,951
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્વતંત્રતા પ્રાપ્તિમાં નારીશક્તિનું યોગદાન

સરોજબહેન અંજારિયા|Opinion - Opinion|12 August 2017

આપણે ગૌરવ પૂર્વક કહી શકીએ કે આપણી સંસ્કૃિતમાં પુરુષ શક્તિની સાથે સાથે જ સ્ત્રી શક્તિનો મહિમા ગવાયો છે. “યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે, રમન્તે તત્ર દેવતાઃ”, “નારી તું નારાયણી” અને “જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે.” તેવી ઉક્તિઓ પુરાણ કાળથી પ્રચલિત થયેલી છે. વૈદિક કાળમાંવિદુષીઓએ વેદની ઋચાઓ રચેલી અને શાસ્ત્રાર્થમાં પણ સમાન યોગદાન આપેલું, તેના પુરાવા ગાર્ગી અને મૈત્રેયી જેવી વિદુષીઓના ઉલ્લેખ પરથી જાણી શકાય.

પરંતુ આજે આપણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં નારીશક્તિના પ્રદાનની વાતો કરીશું.

ભારતમાં સ્વાતંત્ર્ય માટેની લડતના પગરણ ઈ.સ. 1857ના સંગ્રામથી મંડાઈ ચૂક્યાં હતાં. ખાલસા પદ્ધતિથી રાજ્યોને હડપ કરી લેવાની નીતિ અંગ્રેજ સરકારે અપનાવેલી. તે સમયે ઝાંસીના રાજાનું અવસાન થયું અને પુત્ર સગીર વયનો હોવાથી તે રાજ્યનો અંગ્રેજોએ કબજો લેવા પ્રયત્ન કર્યો. રાણી લક્ષ્મીબાઇ હિંમતવાન હતાં. પુત્રને પીઠ પર બાંધીને શસ્ત્રો લઇ મેદાને પડ્યાં. અંત સુધી લડ્યાં અને શહીદ થયાં. આ વીરાંગના સ્વતંત્રતા સંગ્રામના પ્રથમ મહિલા સેનાની તરીકે યાદ રહેશે. રાણી લક્ષ્મીબાઈએ ઇતિહાસમાં સ્ત્રીશક્તિનું સ્થાન અમર કર્યું.

વિશ્વના ઇતિહાસ તરફ નજર નાખીએ તો સમૃદ્ધ અને શક્તિશાળી દેશો વેપાર કરવા અને ધર્મ પ્રચારના નામે અન્ય દેશો પર આધિપત્ય ભોગવવા સંસ્થાનો જમાવી બેઠેલા. ઘણા દેશોએ વિદેશી સત્તાનો સશસ્ત્ર પ્રતિકાર કર્યો. ભૂતકાળમાં અનેક લોહિયાળ ક્રાંતિઓ થઇ. તેમાં ગાંધીજીએ લડતની એક અનોખી પ્રથાની ભેટ દુનિયાને ધરી. દક્ષિણ આફ્રિકામાં ભારતથી એગ્રીમેન્ટ પર ગયેલા મજૂરો, ખેડૂતો અને વ્યાપારીઓ પર અન્યાય ભરેલા કાયદાઓ અને નિયમો લાદીને તેમનો તિરસ્કાર અને અપમાન કરવામાં આવતા. એ રંગભેદની નીતિનો વિરોધ કરવા ગાંધીજીએ જે ચળવળ કરી તેને પરિણામે ‘સત્યાગ્રહ’નો જન્મ થયો. વિદેશી ભૂમિમાં કસ્તૂરબા અને બીજી અનેક મહિલાઓને આ લડતમાં જોડીને ગાંધીજીએ સ્ત્રીશક્તિને ઉજાગર કરી. મજૂર હો કે કિસાન, શિક્ષિત હો કે અશિક્ષિત, તમામ વર્ગમાંથી પુરુષોની હારોહાર બહેનોને પણ પોતાના અધિકારોની રક્ષા કાજે લડત આપવા સાથે લીધી.

1915માં જ્યારે ગાંધીજી સ્વદેશ પરત થયા, ત્યારે તેમના પૂરોગામી નેતાઓ જેવા કે લોકમાન્ય તિલક, ગોપાલકૃષ્ણ ગોખલે, મદન મોહન માલવીયજી, દાદાભાઈ નવરોજી અને ફિરોજશાહ મહેતા સ્વરાજ માટે અનેક પ્રયત્નો કરી ચૂકેલા હતા. આફ્રિકામાં મળેલ સફળતાનો ગાંધીજીએ ભારતની સ્વરાજની લડાઈમાં વિનિયોગ કર્યો. અત્યાર સુધી વિશ્વ આખામાં સશસ્ત્ર યુદ્ધો થતાં આવ્યાં, જેમાં સ્ત્રીઓ આડકતરી રીતે સહાયભૂત થતી. પરંતુ ગાંધીજી પાસે જે શસ્ત્ર હતું તે અહિંસક હતું અને તેથી ભારતની નારી શક્તિ તેમાં અગ્રેસર બનીને ભાગ લેવા લાગી. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં બહેનોમાં હીર જોયું. ભારતની નારીઓમાં પણ માનવ જાત માટે પ્રેમ, કરુણા અને અહિંસક માર્ગ માટેની શ્રદ્ધા પારખી બહેનોની આંતરિક શક્તિ અને સ્વભાવગત કરુણાને નાણીને તેમને સ્વાતંત્ર્ય સંગ્રામમાં સક્રિય થવા પ્રેર્યા.

ભારતમાં ખૂણે ખૂણે સ્વતંત્રતા મેળવવા માટે જાગૃતિ આવી ગઈ હતી. પહેલાંના સમયમાં માતા, બહેન કે પત્ની પુરુષોને ભાલે તિલક કરી રણસંગ્રામમાં મોકલવા વિદાય આપતી. હવે એ દ્રશ્ય બદલાયું. ચંપારણ, ખેડા, બારડોલી અને મીઠાના સત્યાગ્રહમાં બહેનો માત્ર સહભાગી જ નહીં, પણ અગ્રેસર પણ બની. 1930ની દાંડી કૂચમાં ગાંધીજીએ બહેનોને કૂચમાં સહેતુ સામેલ ન કરી, પણ તેઓ તો ધારાસણાના મીઠાના અગર પર પહોંચી ગયાં. બહેનોની ટુકડી ઘાયલોને ઝોળીમાં ઉઠાવવા, પાટાપિંડી કરવી, મલમપટ્ટી કરવી, લોહી વહેતા ઘાવને જંતુ નાશક દવાઓથી સાફ કરવા. વગેરે કાર્યોમાં સતત કાર્યરત રહી.

ગાંધીજીનું ભારતમાં પુનરાગમન 1915માં થયું, ત્યારથી માંડીને 1947માં સ્વતંત્રતા મળી તે દરમ્યાન નાના મોટા દેશ વ્યાપી તેમ જ સ્થાનિક અનેક સત્યાગ્રહો થયા. પહેલો સત્યાગ્રહ ચંપારણનો. ખેડા, બારડોલી, વાઇકોમ, દાંડી અને છેવટે ‘ભારત છોડો’ એ તમામ સત્યાગ્રહોમાં અગ્રીમ ભૂમિકા ભજવનાર મહિલાઓની યાદી લાંબી થાય. નોંધ એ વાતની લેવાની રહે કે ગાંધીજીના અસહકારની ચળવળોમાં રાજ પરિવાર હો કે સામાન્ય પ્રજા, સંપન્ન કે રંક પરિવાર, શિક્ષિકાઓ કે વિદ્યાર્થિનીઓ તમામને એક સરખી રીતે ખેંચી લાવે તેવું એક અસાધારણ પરિબળ હતું. કેટલાંક નામો ગણાવું. કસ્તૂરબા, સરૂપ રાણી, સુશીલાબહેન નય્યર, સરોજિની નાયડુ, કમાલદેવી ચટોપાધ્યાય, કમલા નહેરુ, એની બેસન્ટ અને મિસ સ્લેડ (મીરાંબહેન) જેવાંએ રાષ્ટ્રીય તખતા પર ધર્મ બજાવ્યો.

તો ગુજરાત પણ કઇં ઓછું ઊતરે તેવું નહોતું. કસ્તૂરબાએ તો દક્ષિણ આફ્રિકાથી જ પોતાના હીરના પારખાં કરાવી દીધેલાં. તેઓ સભાઓને સંબોધતાં, આશ્રમમાં ગાંધીજીની ગેરહાજરીમાં સંચાલન સંભાળતાં અને જેલવાસ તો અનેક સહ્યાં. એ જગદંબાનું મૃત્યુ પણ છેલ્લા સત્યાગ્રહ સમયે આગાખાન મહેલમાં થયું. તેમણે ભારતની અને ખાસ કરીને ગુજરાતની અનેક શિક્ષિત તેમ જ અશિક્ષિત બહેનનોને જાણ્યે અજાણ્યે એક આદર્શ પૂરો પાડ્યો. તે ઉપરાંત મણિબહેન પટેલ, ભક્તિબા દેસાઈ, દેવીબહેન પટ્ટણી, વિજયાબહેન પંચોલી, રમાબહેન જોશી, દુર્ગાબહેન દેસાઈ, અનસૂયાબહેન સારાભાઈ, મૃદુલા સારાભાઈ અને વનમાળા પરીખ જેવાં જેવાં અનેક નામી અનામી નારીરત્નોએ ભાગ લીધો.

એ સમયે ભારતની અને ખાસ તો ગુજરાતની મહિલાઓમાં દેશપ્રેમની ભાવના અને સમર્પણનાં ઉદાહરણ પણ ગૌરવ અપાવે તેવાં હતાં. દેશના ખૂણે ખૂણેથી અને ગુજરાતના ગામે ગામથી આવેલી બહેનોએ દારૂના પીઠાંઓ પર પિકેટિંગ કર્યું, સભાઓમાં ભાષણો કર્યાં અને સરઘસો તથા પ્રભાતફેરીમાં ઝંડો લઈને ફર્યાં, તેમ જ પોલીસના વાર છતાં ધ્વજને નીચે ન પડવા દેવા જેવાં કાર્યો હિંમત દાખવીને કર્યાં. આવી નારી સેનાઓમાં પ્રૌઢાઓ અને નવયૌવનાઓ, ગૃહિણીઓ અને મજૂરણો પણ સામેલ થતી. તેમાનાં અનેકોએ જેલવાસ ભોગવ્યો, સંતાનોને એકલાં મૂક્યાં, લાઠીઓના ઘા ખમી લીધા, અનશન કર્યા, પિકેટિંગ અને સરઘસોમાં માઈલો સુધી ચાલ્યાં. સહુથી મોટી વાત જેલના કઠિન જીવનને પચાવીને સત્ય અને અહિંસાને વળગી રહ્યાં. દેશપ્રેમ અને સમર્પણ કે ખુમારીમાં પુરુષોથી જરા ય ઊણા ન ઉતર્યાં એટલું જ નહીં, પણ ક્યાંક તો તેમનાથીયે અદકેરું યોગદાન આપ્યું તેવાં ઉદાહરણો મળી આવે.

70મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જેમણે કરુણા, આત્મવિશ્વાસ અને દેશાભિમાનની ભાવનાઓથી પ્રેરાઈને અનેક બલિદાનો આપીને સ્વાતંત્ર્ય સંગ્રામને સફળ બનાવ્યો તેવા ભારતના અસંખ્ય નારીરત્નોને યાદ કરીએ. સત્ય અને અહિંસાનો માર્ગ ચીંધનાર મહાત્મા ગાંધીને પણ ભારતની સૌ સન્નારીઓ વતી લાખ લાખ વંદન.

જય જગત.

(આરાધનાબહેન ભટ્ટે 07 અૉગસ્ટ 2017ના દિવસે અૉસ્ટૃલિયાના ‘સૂરસંવાદ’ રેડિયો માટે સરોજબહેન અંજારિયાની રેડિયો-મુલાકાત લીધી. એમની અનુમતિથી એ વાર્તાલાપનું લેખિત સ્વરૂપ અહીં સાદર છે.)

Loading

યુનિવર્સિટીમાં લશ્કરની ટેંક ! : ગળચટી રાષ્ટ્રભક્તિનો આફરો

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|12 August 2017

શ્રીમદ્ ભગવદ્‌ ગીતામાં કૃષ્ણ કહે છે કે “નહિ જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઈહ વિદ્યતે” એટલે કે “ઈહલોકમાં જ્ઞાન જેવી પવિત્ર ચીજ એકેય નથી.” જે યુનિવર્સિટીઓ જ્ઞાનના સર્જન અને પ્રચાર-પ્રસાર માટે છે તેમાંની એક એવી દિલ્લીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના કુલપતિ જગદીશકુમારે દેશના વિદેશ રાજ્ય પ્રધાન જનરલ વી. કે. સિંહને વિનંતી કરીને કહ્યું છે કે તેઓ લશ્કરની એક ટેંક યુનિવર્સિટીના પ્રાંગણમાં મૂકવા માંગે છે કે જેથી વિદ્યાર્થીઓને દેશના સૈનિકો જે બલિદાન આપે છે તેની યાદ સતત આવતી રહે.

રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રભક્તિ કઈ હદ સુધી મનુષ્યને પાગલ અને નશાબાજ બનાવે છે તેનું આથી વધારે વરવું ઉદાહરણ આપવું અઘરું થઇ પડે. હજુ હમણાં જ કેન્દ્ર સરકાર દ્વારા ચાલતાં નવોદય વિદ્યાલયો અને કેન્દ્રીય વિદ્યાલયોમાં દેશની સૈનિક શાળાઓ(ગુજરાતમાં બાલાછડીમાં છે તેવી)માં જે પ્રકારે લશ્કરી તાલીમ આપવામાં આવે છે, તે પ્રકારની તાલીમ દાખલ કરવા માટેની તજવીજ કરવા માટે કેન્દ્ર સરકારે જે હિલચાલ આદરી છે, તેને જ આ ઘટના આગળનો ક્રમ આપે છે.

રાજ્ય એક સંસ્થા તરીકે મનુષ્યના હિંસક અને દુષ્ટ સ્વરૂપનું પ્રતીક છે. તેને અનિવાર્ય અનિષ્ટ ગણવાનું છે તે સમજવાને અને સમજાવવાને બદલે સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓને અને અધ્યાપકોને રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રભક્તિને નામે રાજ્યને માટે ગમે તે ભોગે બલિદાન આપવા પ્રેરવા એ હકીકતમાં તો એક નિમ્ન કક્ષાની દેશભક્તિ છે. દેશના સૈનિકો જે બલિદાન આપે છે તેના પ્રત્યે અને તેમના પ્રત્યે માન, સન્માન અને આદરની ભાવના વિકસવી જ જોઈએ. પણ એ તો કોને ના હોય. પણ તેનો અર્થ એ નથી કે જ્ઞાનનાં કેન્દ્રો એવાં વિદ્યાલયો અને વિશ્વવિદ્યાલયો ખાતે લશ્કરી સરંજામ ગોઠવી દેવો. સરહદ પર મરતા અને ઘવાતા સૈનિકો પ્રત્યેના સંપૂર્ણ માન સાથે એમ તો કહી જ શકાય કે દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે દેશના સૈનિકો સિવાય પણ બલિદાન આપનારા ઘણા લોકો છે. એ લોકોમાં દેશના લાખો-કરોડો બાળ મજૂરો, ખેડૂતો, ખેત મજૂરો અને ઔદ્યોગિક મજૂરો છે કે જેઓ એવી વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં જ એમના જીવનની ઇતિશ્રી કરી નાખે છે કે જે વસ્તુઓ અને સેવાઓ તેઓ પોતે મોટે ભાગે વાપરી પણ શકતા નથી. જો કે, એમને ખબર નથી હોતી કે તેઓ દેશને માટે બલિદાન આપી રહ્યા છે અને બાકીના બધાને તો તે બલિદાન દેખાતું પણ નથી.

યુનિવર્સિટીના પ્રાંગણમાં ટેંકનું શું કામ? વિદ્યાલયો અને વિશ્વવિદ્યાલયો તો જ્ઞાનની ઉપાસના કરવા માટેનાં મંદિરો છે કે જ્યાં નવતર વિચારોનું સર્જન થાય અને તે વિચારોને મનુષ્યનાં સુખ, શાંતિ અને સમૃદ્ધિના હિત માટે વાપરવા માટે વિચારાય. ટેંક બળનું અને હિંસાનું પ્રતીક છે અને જાણે-અજાણે તે વિચાર કરવાની મનુષ્યની સ્વતંત્રતા અને મૂળભૂત માનવ અધિકારો સામે જ ખતરો ઊભો કરે છે. મનુષ્યો યુદ્ધો ના કરે તે માટે ‘સંયુક્ત રાષ્ટ્રો’ના ૧૯૪૫ના ખતપત્રમાં તમામ દેશોને સાર્વભૌમ ગણાવાયા અને કોઈએ કોઈના સાર્વભૌમત્વ ઉપર હુમલો ના કરવો એમ ગર્ભિત રીતે કહી દેવાયું. માનવજાતને આટલું શીખતાં હજારો વર્ષો ગયાં છે.

એનો સ્પષ્ટ ઈરાદો તો મનુષ્યના સાર્વભૌમત્વને નિખારવાનો અને સંવારવાનો છે. એટલે યુદ્ધો કોઈ કાળે મહાન હોઈ શકે નહિ અને એ મનુષ્યની મહામૂર્ખતાના અને હલકટ પાશવીપણાના નમૂના જ બની રહે છે. મોટે ભાગે રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રભક્તિનો આફરો યુદ્ધો કરવા માટેનું ઇંધણ પૂરું પડે છે એટલું જ. શું આપણે જ્ઞાનનાં મંદિરોમાં આવો નશો ચડાવવા માંગીએ છીએ? આજકાલ દેશમાં વિચાર કરવાની, વાણીની અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને કચડી-મસળી નાખવાનો જે માહોલ ઊભો થયો છે તેમાં રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રવાદની સાવ સંકુચિત વ્યાખ્યા કરીને યુનિવર્સિટીઓમાં વાદ-વિવાદને સ્થાને અને ‘વાદે વાદે જાય તે તત્ત્વબોધઃ’ એમ મૂળભૂત રીતે સમજવાને સ્થાને, સત્તાની સીનાજોરીને આધારે માનવીના જન્મજાત અધિકારોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે અને તેને સત્તાવાર શૈક્ષણિક મહોર મારવાની જ આ નવતર હિલચાલ છે, કે જ્યાં એક કુલપતિ પોતે યુનિવર્સિટીમાં ટેંક ગોઠવવા માટેની માગણી કરે છે, કે જ્યારે ખરેખર તો આવી કોઈ પણ સરકારી નુક્તેચીની સામે તેમણે જ બાંયો ચડાવવાની હોય અને શિંગડાં ભેરવવાનાં હોય. પણ વર્તમાન સત્તાનશીનો કુલપતિઓની નિમણૂક માટે જે લાયકાત જુએ છે તે સમજ્યા પછી તેમની પાસેથી આવી અપેક્ષા રાખવી એ જ નરી નાદાની છે.

લશ્કરી સાધનો, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીત જેવાં પ્રતીકો દેશ પ્રત્યે બલિદાન આપવા માટે પ્રેરે છે એ એક ધારણા માત્ર છે. જો એમ જ હોય તો, રાષ્ટ્રગીત સૌથી વધુ ગાનારા અને ગવડાવનારા રાજકીય નેતાઓ ભ્રષ્ટતમ ના હોત. એટલે રાષ્ટ્ર પ્રત્યે બલિદાન કોને કહેવાય તેની વ્યાખ્યા બદલવી પણ જરૂરી છે.

વિશ્વ વિદ્યાલયોમાં જ્યારે ઝંડા અને ટેંક જેવાં પ્રતીકો વધી જાય ત્યારે તે રાષ્ટ્ર પ્રત્યે બલિદાન આપવા માટે પ્રેરે છે તેના કરતાં તો નેતાઓ જે કહે છે તે બલિદાન છે અને એ તો આપવું જ જોઈએ એમ માનવા માટે વધારે પ્રેરે છે. નેતાઓ જ રાષ્ટ્ર છે એમ માનવાની અને મનાવવાની ઘેલછા તેમાંથી જન્મે છે. મનુષ્યના મનનું લશ્કરીકરણ અને બીબાંઢાળીકરણ કરવા માટે રાજસત્તા હંમેશાં વલખાં મારે છે કારણ કે તેને ઘેટાંની ખપત હોય છે, વિચાર કરનારા સ્વતંત્ર મનુષ્યોની નહિ.

‘વિજયી વિશ્વ તિરંગા પ્યારા’ એમ જ્યારે વગર સમજે આપણે ગાયા કરીએ છીએ ત્યારે એ વિચારવામાં નથી આવતું કે શા માટે વિશ્વ પર વિજય મેળવવો છે અને શું એ ખરેખર જરૂરી છે ખરો? આપણે રાષ્ટ્ર્‌ભક્તિનો નશો કરવામાં જે વિવેકભાન ગુમાવીએ છીએ તે જ્ઞાનને કુંઠિત કરે છે અને તેનું જ પરિણામ છે કે યુનિવર્સિટીમાં ટેંકને સ્થાન મળે તેવી તજવીજ થાય છે.

વાસ્તવમાં, તે તો વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને રાજ્યની એ હિંસક તાકાતની યાદ આપાવે છે કે જો તમે રાજ્ય-વિરોધી વિચારો કર્યા તો આ ટેંક જેનું પ્રતીક છે એ રાજ્ય તમારા પર તૂટી પડશે, માટે રાજ્યને તાબે થાવ.

કારગિલ વિજય દિવસની ઊજવણી પ્રસંગે જે.એન.યુ.માં બે વક્તાઓએ જે.એન.યુ. કબજે કરી છે અને બીજી બે યુનિવર્સિટીઓ(કોલકાતાની જાદવપુર યુનિવર્સિટી અને હૈદરાબાદની કેન્દ્રીય યુનિવર્સિટી) કબજે કરવાની હજુ બાકી છે એવો સ્વચ્છંદી હુંકાર પણ કર્યો. એ તથાકથિત વિદ્વાનોને કોણ સમજાવે કે યુનિવર્સિટી એ કંઈ દુશ્મનનો પ્રદેશ નથી કે એને કબજે કરવાની કે હડપ કરવાની હોય.

આ ગળચટી લાગતી રાષ્ટ્રભક્તિ આપણને ભારત નામના એક મહાન રાષ્ટ્રના જંતુ કે પશુ માત્ર બનાવી દેવાની પેરવી છે અને આસનીથી ના સમજાય તેવી સાજિશ છે એ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ ગળે ઉતારવાની આવશ્યકતા છે. શસ્ત્રો અને શાસ્ત્રો વચ્ચેની આ લડાઈ દુનિયાભરમાં અવિરત ચાલતી રહી છે અને રહેશે. વિખ્યાત ફ્રેંચ દાર્શનિક જ્યાં પોલ સાર્ત્ર કહે છે તેમ “સ્વતંત્ર થવાનો અભિશાપ” જેના પર  છે એવા વિચાર કરવાની શક્તિ ધરાવતા મનુષ્યો તરીકે વિશ્વવિદ્યાલયોને જ્ઞાનના ઉપાસકો તરીકે જીવંત રાખવા માટે આપણે અથાક રીતે લડીએ એ જ વર્તમાન કાળનું કર્તવ્ય છે. 

સૌજન્ય : “અભિદૃષ્ટિ”, અંક 117, વર્ષ – 11, અૉગસ્ટ 2017; પૃ. 12-13

Loading

વિશ્વવિદ્યાલય પરિસરમાં સેના-વિચક્રી

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|12 August 2017

નૅશનલ ડિફેન્સ ઍકેડેમીની પદવી દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જે.એન.યુ.) આપે છે. આમ કરવાનું જે વ્યક્તિને સૂઝ્યું તેનામાં વિધિની વક્રતાને પહેલેથી જ પામી જવાની દૂરદૃષ્ટિ હોવી જોઈએ. લશ્કર અને જે.એન.યુ. વચ્ચે ચૉક ઍન્ડ ચીઝ જેટલો અર્થાત્‌ જમીન આસમાનનો તફાવત છે. યુનિવર્સિટી મિલિટરી સાયન્સનું શિક્ષણ આપતી નથી કે લશ્કરી તાલીમ પણ આપતી નથી, છતાં તે આ વિષયોમાં સ્નાતકની પદવી આપે છે.

એટલે કોઈ વિષયનું શિક્ષણ આપ્યા વિના તેની પદવી આપવાના આ વિરોધાભાસને દૂર કરવાના હેતુથી જે.એન.યુ.ના વાઇસ-ચાન્સેલર એમ. જગદેશકુમાર એક સરસ પ્રસ્તાવ લાવ્યા છે. યુનિવર્સિટીના પરિસરમાં કોઈક જગ્યાએ એક સેના-દ્વિચક્રી અર્થાત્‌ આર્મી ટૅન્ક ગોઠવવાનું તેમણે સૂચવ્યું છે. તેનાથી વિશ્વવિદ્યાલય અને યુનિવર્સિટી દળો વચ્ચે એક મજબૂત જોડાણ સંધાશે.

આ વિચાર બળવાન છે, પણ માણસે આટલેથી જ અટકી ન જવું જોઈએ. જે.એન.યુ.માં ઉચિત જગ્યાએ ફાઇટર એરક્રાફ્ટ અર્થાત્‌ યુદ્ધ વિમાન પણ ગોઠવવું જોઈએ. આમ કરવાથી વાયુ દળને યથોચિત સ્થાન મળશે. આપણા સંરક્ષણ દળની ત્રીજી પાંખને પણ ઉપેક્ષાભાવ ન લાગવો જોઈએ એટલે નૌકાદળનું એક જહાજ પણ કૅમ્પસમાં ક્યાંક મુકાવું જોઈએ. ખરેખર તો લશ્કરમાં ઉપયોગમાં ન લેવાતું હોય તેવું એક એરક્રાફ્ટ કૅરિયર જો ફાળવી શકાય તો એનો ઉપયોગ રમતના મેદાન તરીકે પણ થઈ શકે. જો કે, આટલાં કામ યુનિવર્સિટીને લશ્કરી શિક્ષણ માટેનાં કેન્દ્ર તરીકેનું સ્થાન અપાવવા માટે પૂરતાં નથી. આ યુનિવર્સિટીમાં ઝાડપાન, વૃક્ષવનસ્પતિનો મોટો વિસ્તાર છે, જે જંગલમાં ખેલાતા યુદ્ધની તાલીમ માટેની ઉત્તમ જગ્યા બની શકે. વર્ગમાં દેશભક્તિનું સિંચન થતું હોય અને પરિસરના ગાઢ હરિત વિસ્તારમાંથી શસ્ત્રનાદનો પ્રતિધ્વનિ થતો હોય તો પ્રેરણાદાયી વાતાવરણ સર્જાય.

રાષ્ટ્રવાદની ચેતનાનું વધુ સિંચન કરવા માટે પ્રોફેસરોને સૈન્યનાં પદ આપી શકાય. તેમણે અધ્યાપનના કર્તવ્ય દરમિયાન સૈન્યનો યુદ્ધ ગણવેશ પહેરવો જોઈએ. તેમની પાસે જાતભાતની પિસ્તોલ હોવી જોઈએ. પણ તેમને એ આપતાં પહેલાં એની કઈ બાજુથી ગોળી ચલાવવી એ અંગે વાકેફ કરવા જોઈએ. અધ્યાપક માટે ‘ઇન્સ્ટ્રક્ટર’ અને વિદ્યાર્થી માટે ‘કૅડેટ’ એવા શબ્દો વાપરવા જોઈએ. કાળી ટોપી, સફેદ ખમીસ અને  બ્રાઉન કહેતાં તપખિરિયા રંગનું પાટલૂન સહુથી યોગ્ય ગણાય. વિદ્યાર્થીઓનો દિવસ સૂર્ય-નમસ્કારથી શરૂ થવો જોઈએ અને તેમણે તેમના વરિષ્ઠોને સલામ કરવાની થાય, પણ પાશ્ચાત્ય ઢબે નહીં. પ્રણામ અથવા દંડવત્‌ જેવું કંઈક કરવામાં આવે તો આપણી પ્રાચીન સંસ્કૃિતના ગૌરવનો ખ્યાલ જળવાય.

આમ આંતર્બાહ્ય નવો વેશ ધારણ કરેલા યુનિવર્સિટી કૅડેટ્‌સે એક સરખું વિચારવાનું હોય. કોઈ પણ પ્રકારની અસંમતિ એ ગેરશિસ્ત ગણાશે. ઉપનિષદની પ્રશ્નપરંપરાને સાંપ્રતમાં અપનાવવામાં આવશે તો આપણે  મુસીબતમાં મુકાઈશું.

વિદ્યાર્થીઓ સ્વતંત્ર અને મૌલિક રીતે વિચાર કરતા થાય તે જોવાનું કામ યુનિવર્સિટીઓનું નથી. વળી, જે.એન.યુ.ના કૅમ્પસમાં જ લશ્કરી ટેન્ક ગોઠવાયેલી હોવાથી દેશને હવે થિન્ક ટૅન્ક્‌સની જરૂર નહીં પડે. એટલે હવે દેશની બધી થિન્ક ટૅન્ક્‌સનો નિકાલ કરી દેવો જોઈએ. એનાથી બિગ બ્રધર બહુ ખુશ થશે. જે.એન.યુ.ના વાઇસ-ચાન્સેલર પાસે એક મહાન વિચારબીજ છે. એ બીજને જો જે.એન.યુ. ઉપરાંત બીજાં વિદ્યાકેન્દ્રોમાં પણ રોપવામાં આવે તો ભારતના શિક્ષણની કાયાપલટ થશે.

સ્પષ્ટતા : આ લેખ તમને મલકાવવા માટે છે. વાસ્તવિક જિંદગીના બનાવો અને પાત્રો સાથેનો એનો સંબંધ માત્ર અકસ્માત ગણવો.

(‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના તંત્રીલેખના પાને ૨૯ જુલાઈ ૨૦૧૭ના રોજ આવેલા લલિત મોહનના લેખનો અનુવાદ)

સૌજન્ય : “અભિદૃષ્ટિ”, અંક 117, વર્ષ – 11, અૉગસ્ટ 2017; પૃ. 13-14 

Loading

...102030...3,4803,4813,4823,483...3,4903,5003,510...

Search by

Opinion

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • દારૂનો વેપાર ધમધોકાર ચાલે એટલે ગુજરાતમાં દારૂબંધી છે…
  • डाकियाની દુનિયામાં ડોકિયું : પોસ્ટલ હેરિટેજ પ્રદર્શન
  • દસ મિનિટનો ફોટોગ્રાફ

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved