Opinion Magazine
Number of visits: 10,206,521
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગૌરી લંકેશ હત્યા : ભિન્નમત વ્યક્ત કરનારને ગોળીએ દેવા એ લોકશાહી દેશ માટે લાંછન

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|9 September 2017

પત્રકાર તરીકે તેમણે કોમવાદી રાજકારણ, સાંપ્રદાયિક્તા, અસમાનતા, ભ્રષ્ટાચાર, શોષણ જેવાં દૂષણો સામે સતત અવાજ ઊઠાવ્યો

લડાયક પત્રકાર ગૌરી લંકેશની હત્યાથી દેશના સંવેદનશીલ નાગરિકો ખળભળી ઊઠ્યા છે. ગૌરી લંકેશ પ્રગતિશીલ અને ડાબેરી વિચારસરણી ધરાવતા પત્રકાર હતાં. એક મોટાં અંગ્રેજી અખબારથી તેમણે કારકિર્દીની શરૂઆત કરી. ત્યાર બાદ કેટલાંક વર્તમાનપત્રો અને પ્રકાશનોમાં કામ કર્યું હતું. પછી ઊંડી સામાજિક નિસબત ધરાવતા તેમનાં પત્રકાર-સાહિત્યકાર પિતા પી. લંકેશ દ્વારા ચલાવવામાં આવતા કન્નડા સાપ્તાહિક ટૅબ્લૉઈડ ‘લંકેશ પત્રિકે’ માં જોડાયાં. પિતાના અવસાન બાદ તેઓ તેના તંત્રી પણ બન્યાં. પત્રકાર તરીકે તેમણે કોમવાદી રાજકારણ, સાંપ્રદાયિકતા, અસમાનતા, ભ્રષ્ટાચાર, શોષણ જેવાં દૂષણો સામે સતત આવાજ ઊઠાવ્યો. તેમનો આખરી તંત્રીલેખ  ફેક ન્યૂઝ  એ પત્રકારિતા અને દેશને કેવી રીતે તોડી રહ્યા છે તે અંગેનો હતો. ગયાં ત્રણ મહિનામાં  ગૌરીએ  કેન્દ્ર સરકાર અને તેના નેતાઓની તેજાબી ટેકા કરતાં નવ સમાચાર-લેખો આપ્યા હતાં. તેમની આખરી સાપ્તાહિક કટારમાં તેમણે ગોરખપુર હૉસ્પિટલમાં બાળકોનાં મોત અને ડૉ. કાફીલ ખાનની હકાલટ્ટીના વિરોધમાં લખ્યું હતું. ત્રીસમી ઑગસ્ટના અંકમાં એમણે ભા.જ.પ.ના એક અગ્રણીની મુલાકાત વિશે ‘કર્ણાટકમાં ભડકો કરવા માટે આવેલ ભગવા માણસની વાત’ નામનો લેખ લખ્યો હતો. હિન્દુત્વવાદી રાજકારણને નિશાન બનાવતો લેખ પણ આ જ અંકમાં છે. ભા.જ.પ.નું એકંદર રાજકારણ પણ ભડકાવનારું છે એ તેમણે  વરંવાર લખ્યું હતું. ડાબેરી ચળવળોની તે ખાસ દખલ લેતાં. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના કન્હૈયાકુમારને તે પોતાનો દીકરો માનતાં. તેમનાં સ્નેહનાં અનુભવો  ગુજરાતના યુવા દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ પણ ફેઇસ બુક પર લખ્યા છે. નક્ષલવાદીઓને સમાજની મુખ્ય ધારામાં સમાવવા માટેની સરકારની યોજનાઓમાં  પણ  તેઓ સહાયરૂપ થતાં હતાં. સિરિમાને નાગરાજ જેવા અગ્રણી નક્ષલવાદીને સમાજમાં પાછા લાવવામાં તેમણે સફળતા મેળવી હતી. અલબત્ત, એને કારણે તેમણે ઘણા લોકો ઉપરાંત છેડાના નક્ષલવાદીઓની ખફગી પણ વહોરી હતી.  તેમની  હત્યા પાછળ જે કેટલીક થિયરીઓ ચાલી રહી છે એમાં આ એક પણ ગણાવવામાં આવી રહી  છે.

અલબત્ત, સહુથી વ્યાપક થિયરી એ છે કે ગૌરીની હત્યા તેમણે પ્રતિગામી, વિભાજક હિંદુત્વવાદી વિચારધારાના કરેલા સતત વિરોધને કારણે થઈ. તેમની હત્યાની પદ્ધતિ અને સંભવિત કારણો ત્રણ રૅશનાલિસ્ટોની થયેલી હત્યા સાથે સામ્ય ધરાવે છે. કર્ણાટકના જ ધારવાડમાં ભાષા-સંસ્કૃિતના સંશોધક-અધ્યાપક અને હમ્પી યુનિવર્સિટીની પૂર્વ કુલપતિ એમ.એમ. કલબુર્ગી(ઉંમર 76)ની 30 ઑગસ્ટ 2015 ના રોજ તેમના ઘરે હત્યા થઈ. કાલબુર્ગીએ  મૂર્તિપૂજાના  વિરોધી તો  હતા જ, ઉપરાંત પોતાના અભ્યાસો થકી બંધિયાર ધાર્મિક માન્યતાઓને તેમણે ધક્કો આપ્યો હતો. તે પહેલાં કોલ્હાપુરના સામ્યવાદી કાર્યકર્તા ગોવિંદ પાનસરે(82)ની હત્યા 16 ફેબ્રુઆરી 2015ના રોજ થઈ. પાનસરે કુરૂઢિઓનો વિરોધ અને આંતરજ્ઞાતીય લગ્નોનો પ્રચાર કરતા હતા. અલબત્ત તેમનું સહુથી મહત્ત્વનું કામ તો ‘શિવાજી કોણ હોતા?’ વિષય પરનાં વ્યાખ્યાનો અને એ નામનું પુસ્તક હતું. તેમાં તેમણે ભાજપ, શિવસેના અને ઝનૂની સંગઠનોએ ઊભાં કરેલાં કેવળ લડાયક હિંદુત્વવાદી રાજા શિવાજીને  બદલે બધાં ધર્મ અને કોમની સમાનતામાં માનનારા રાજા તરીકેના શિવાજી મહારાજ  ઐતિહાસિક દસ્તાવેજી પુરાવા સાથે લોકો સામે મૂક્યા હતા. પૂનાના નરેન્દ્ર દાભોળકરે  અંધશ્રદ્ધા નાબૂદીના ભેખધારી હતા. તેમની દાયકાઓની ઝુંબેશ થકી તેમણે જાદુ-ટોણો, ચમત્કાર અને ધાર્મિક કર્મકાંડ થકી જનતાને છેતરીને સત્તા અને સંપત્તિ મેળવનારાની સામે મોટો લોકમત ઊભો કર્યો હતો. સ્વાભાવિક રીત જ તેઓ રાજકીય પક્ષો સહિત અનેક પ્રકારનાં સ્થાપિત હિતો માટે નડતર રૂપ હતા. એટલે તેમની 20 ઑગસ્ટ 2013 ના દિવસે હત્યા કરવામાં આવી. આમાંથી પહેલી બે સાથે સનાતન સંસ્થા નામનાં જમણેરી સંગઠનનું નામ હોવાનું તપાસમાં નોંધાયું છે. આ ત્રણેય હત્યાઓ જ્યાં થઈ ત્યાં અને કેન્દ્રમાં કૉન્ગ્રેસની  સરકારો હતી. અત્યારે પણ કર્ણાટકમાં કૉન્ગ્રેસની સરકાર જ છે. તે કાલબુર્ગીની હત્યાની તપાસમાં ભાગ્યે જ કશું કરી શકી છે.

કર્ણાટકમાં ભાષા, જાતિ અને ધર્મના નામે કાયદો અને વ્યવસ્થાનાં પ્રશ્નો છે. બેંગલોરમાં સ્ત્રીઓની અસલામતી વધતી રહી. પાટનગર અને ઉડુપીમાં અસહિષ્ણુ ટોળાંનું મૉરલ પોલીસિંગ વધી રહ્યું છે. આવા સમયે સરકાર સ્ટીલના ફ્લાય-ઓવર બનાવવામાં અને આગામી ચૂંટણીઓ માટે ફંડ ઊભું કરવામાં વ્યસ્ત છે.  કર્ણાટક સરકારે ગૌરીના રાજકીય સન્માન સાથે અંત્યસંસ્કાર કર્યા અને તે પરિવારે સ્વીકાર્યા એ હકીકત પણ ચર્ચાસ્પદ બની છે. સત્તાવાળાની  સદા વિરોધી એવાં ગૌરીના જીવનકાર્ય સાથે સાથે બંધબેસતું ન હતું  એમ કહેવામાં આવી રહ્યું છે.

ગૌરીની હત્યા બાદ સોશ્યલ મીડિયા પર જે ઝેર ઓકવામાં આવ્યું  તેમાં આપણાં  સમાજનો એક હિસ્સો કેવો સંવેદનહીન અને અસંસ્કારી બનતો જાય છે તે જોવા મળી રહ્યું છે. તેમાં  તથાકથિત  રાષ્ટ્રવાદીઓ પાયાની  સભ્યતા  અને આ દેશમાં  પળાતા મુખ્ય ધર્મ એવા હિંદુ ધર્મએ બતાવેલી મૃત્યુ પર પાળવાની મર્યાદા પણ ચૂકી  ગયા. તેમાં સહુથી હીન ભાષામાં ટ્વિટ કરનાર નિખિલ દધિચ પર તો ખૂબ પસ્તાળ પડી જ, પણ તેની સાથે તેને ફૉલો કરનાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ બધે યથાર્થ  રીતે ટીકાનું કેન્દ્ર બન્યા છે.

ગૌરી લંકેશ પણ – તેમના લખાણના ઘણા ચાહકો ટેકેદારો હોવા છતાં – સતત ટીકાનું કેન્દ્ર બનતાં રહ્યાં છે. તે કૉન્ગ્રેસ તરફી હોવાનું પણ કહેવાય છે. ગયા વર્ષે તેમણે એક મૂલ્યાંકન લેખમાં કૉન્ગ્રેસને એંશી ટકા ગુણ આપ્યા હતા. ભા.જ.પ.ના બે આગેવાનોએ તેમના પર કરેલા બદનક્ષીના કેસમાં તેમને અદાલતે છ મહિનાની જેલની સજા પણ કરી હતી, પણ તેમને જામીન મળ્યા હતા. તેમણે મૂકેલી હકીકતો ઘણાંને નડી હતી. તેમણે લીધેલી ભૂમિકાઓ ઘણાને કઠી હતી. તેમના વિચારો કેટલાક લોકોને માફક ન આવે એટલા ભિન્ન રહ્યા હતા.

પણ ભિન્ન મત વ્યક્ત કરનારને ગોળીએ દેવા એ કોઈપણ સંસ્કારી સમાજ અને લોકશાહી દેશ માટે લાંછનરૂપ છે. એ વિચારોને પણ વ્યક્ત થવાનું સ્વાતંત્ર્ય એ લોકશાહીના આધારસ્તંભ એવા પત્રકારત્વના પાયામાં છે. ભારતનો ક્રમ અખબારી સ્વાતંત્ર્યમાં નીચો ગયો છે. વળી ધર્મ,જાતિ, ભાષા, જીવનશૈલીનું અપાર વૈવિધ્ય ધરાવતાં આ દેશ પર કોઈ એક વિચારધારા લાદી શકાય નહીં. ભારતીય પરંપરામાં આસ્તિક અને નાસ્તિક બંને તત્ત્વજ્ઞાન છે બૌદ્ધ વિચાર તો યજ્ઞસંસ્થા અને કર્મકાંડ સામેના બળવામાંથી ઊભો થયો છે.  વિવાદ-વિમર્શ કહેતાં ડિબેટ આ દેશની ઉજ્જ્વળ પરંપરા છે. એમાંથી આ દેશની લોકશાહીનો પ્રવાસ આગળ ચાલ્યો છે. વૈવિધ્યની જાળવણી એ જ આ દેશને ટકાવી રાખનારું પરિબળ બની શકે છે.

રિઝર્વ બૅન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને તાજેતરમાં કહ્યું છે કે નવા ગ્લોબલ ઑર્ડરમાં ઇનૉવેશન, હ્યૂમન કૅપિટલ અને સૉફ્ટ પાવરને માટે ખૂબ જરૂરી એવી બે બહુ મોટી ‘ઇકૉનૉમિક અ‍ૅસેટ્સ’ આ દેશ પાસે છે – અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને સહિષ્ણુતા. આ બંને આપણે ગુમાવી ન દઈએ તે માટેની ચેતવણી ગૌરી લંકેશની હત્યાએ  ફરી એક વાર આપણને આપી છે.

+++++

07 સપ્ટેમ્બર 2017

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 08 સપ્ટેમ્બર 2017

Loading

આયોજનના વાંકે પૂરની તબાહી

ચંદુ મહેરિયા|Opinion - Opinion|9 September 2017

પૂરગ્રસ્ત લોકોને અપાતી સહાય અને રાહતનાં ધોરણોમાં પણ તળિયાઝાટક ફેરફારો કરવાની જરૂર છે

હજુ તો ભાદરવો અધવાર્યો છે ને દેશનાં મોટા ભાગનાં રાજ્યોમાં સો ટકા કરતાં વધુ વરસાદ વરસી ગયો છે. દેશના અડધા ભાગમાં પૂરનું સંકટ ઊભું થયું છે. ભારત ઉપરાંત બાંગ્લાદેશ અને નેપાળમાં પણ જળપ્રલયની સ્થિતિ ઊભી થઈ. દક્ષિણ એશિયામાં 4.2 કરોડ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. સમૃદ્ધ દેશ અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં વાવાઝોડા પછીના ભારે વરસાદથી ભારે ખાનાખરાબી થઈ છે. તો પૂર્વ આફ્રિકાના કેન્યા, સોમાલિયા, ઈથોપિયા, તાન્ઝાનિયા અને યુગાન્ડામાં વરસાદના અભાવે અનાજપાણીનું સંકટ ઊભું થયું છે.

ભારતમાં બિહાર, અસમ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ અને કર્ણાટક ભારે વરસાદ અને પૂરથી સવિશેષ અસરગ્રસ્ત છે. દેશની લગભગ અડધી વસ્તી અલ્પ સમય માટે તો આશરે દસ કરોડ લોકો લાંબા ગાળા માટે પૂરથી ભારે પ્રભાવિત થયા છે. ઓગસ્ટના અંત સુધીમાં બિહારમાં 514, ગુજરાતમાં 247, અસમમાં 157, ઉત્તર પ્રદેશમાં 103, અરુણાચલમાં 48, મણિપુરમાં 22 અને નાગાલેન્ડમાં 19 લોકોનાં મોત થયાનું સત્તાવાર રીતે કહેવાયું છે. લાખો લોકો ઘરબાર વગરના થયાં છે, ખેતીને અબજો રૂપિયાનું નુકસાન થયું છે.

બિહાર માટે પૂર વરસોવરસ સર્જાતી તારાજી અને તબાહીની જાણે કે વાર્ષિક ઘટના છે. એક અંદાજ મુજબ બિહારની 76 ટકા વસ્તી પૂર અસરગ્રસ્ત મનાય છે. આ વરસે પણ સત્તાની સાઠમારીના દિવસોમાં રાજ્યની સામાન્ય પ્રજા પૂરનો માર સહન કરી રહી હતી. કોસી નદી એના કાંઠે વસનારા માટે દેવી અને ડાકણ બંને છે. કોસીનું પૂર એટલું ભયાનક હોય છે અને તે એટલી મોટી તબાહી સર્જે છે કે મૈથિલી ભાષામાં તો ‘ભલે વર કાના જેવો હોય તો પણ મા મને તું કોસી કાંઠે ન પરણાવતી’, એવી કન્યાના મુખે માબાપને થતી વિનવણીની કહેતી પ્રચલિત છે. કોસી કાંઠાના ગરીબો પૂરનો માર સહન કરીને ફરી બેઠા જ થઈ શકતા નથી. 

બિહારમાં આવતા પૂરનાં કારણોમાં, નેપાળમાંથી બિહારમાં વહેતી કોસી નદી તેમ બંગાળનો ગંગા નદી પરનો ફરક્કા બેરેજ મનાય છે. ગત વરસે તો રાજ્યના મુખ્યમંત્રી નીતીશ કુમારે ફરક્કા બંધ તોડી નાખવા અને બિહારને પૂરથી કાયમી ઉગારી લેવા માગણી કરી હતી. તેના લીધે ગંગામાં મોટા પ્રમાણમાં કાંપ જમા થઈ ગયો છે. તેનાથી ગંગાનો પ્રવાહ ધીમો પડી ગયાનું, વહેણ પહોળું અને પાણી છીછરું થઈ ગયાનું કહેવાય છે. મુખ્યપ્રધાને રાષ્ટ્રીય કાંપ નીતિ ઘડવા અને ફરક્કાનો કાંપ દૂર કરવા પણ માગણી કરી હતી.

એકંદરે નપાણિયો મનાતો ગુજરાતનો બનાસકાંઠા અને પાટણ વિસ્તાર આ વખતે જુલાઈના ભારે વરસાદથી પાણીપાણી થઈ ગયો હતો. સામાન્ય કરતાં અતિ ભારે વરસાદે તો મુશ્કેલી સર્જી જ હતી, પણ બનાસકાંઠાના ધાનેરા અને બીજે જે મોટી જાનહાનિ થઈ તેના મૂળમાં રાજસ્થાનનો જૈતપુરા બંધ ઓવરફ્લો થવો અને બંધના દરવાજા ન ખોલ્યાનું કારણ મનાય છે. દાંતીવાડા અને સીપુ બંધમાં ખૂબ પાણી જમા થયાં બાદ અચાનક છોડવું, નર્મદાની નહેરોમાં ગાબડાં અને પાળા તૂટવા, કેટલેક ઠેકાણે પૂરની જાણ થયા બાદ સલામત સ્થળે જવા પૂરતો સમય ન મળ્યાના કારણે પણ લોકોને હાલાકી વેઠવી પડી છે. વડાપ્રધાને રાષ્ટ્રપ્રમુખની સોગંદવિધિ આટોપીને ઉત્તર ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું તેના પરથી સ્થિતિની ગંભીરતા પરખાઈ હતી. પરંતુ ચૂંટણીવરસમાં નબળા વિપક્ષ અને રાજ્યસભા ચૂંટણીની ચડસાચડસીમાં રાજ્ય સરકાર પોતાની ભૂલો ઢાંકવામાં સફળ થઈ.

ભારે વરસાદ અને પૂરથી અસરગ્રસ્તોની થોડી તસવીરો છપાય, થોડી સંવેદનાસભર કહાનીઓ દેખાડાય, ટૂંકા અને લાંબાગાળાના પગલાંની ઠાલી જાહેરાતો થાય ને એટલામાં તો પૂરના પાણી ઓસરે તેના કરતાં વધુ ઝડપે તેની અસર ઓગળી જાય છે. જેમ બિહારના પૂરના મૂળમાં પાડોશી દેશ નેપાળ કે રાજ્ય બંગાળ કારણભૂત છે તેમ ગુજરાતમાં રાજસ્થાનનો બંધ જવાબદાર છે. પણ રાજ્યો કે દેશ વચ્ચે આ બાબતમાં કોઈ સંકલન ઊભું થઈ શકતું નથી. તેથી દર વરસે તબાહીની કથાઓ દોહરાયા કરે છે.

પૂરગ્રસ્ત રાજ્યો અને લોકોને અપાતી સહાય અને રાહતનાં ધોરણો પણ તળિયાઝાટક ફેરફારો માગે છે. હવાઈ નિરીક્ષણો પછી વડાપ્રધાને ગુજરાત અને બિહાર બેઉને એકસરખી 500 કરોડની કેન્દ્રીય સહાયની ઘોષણા કરી હતી. ગુજરાત કરતાં બિહારમાં પૂરની અસરનો વ્યાપ અને મૃત્યુઆંક બમણો હતો તેમ છતાં બેઉને એકસરખી સહાય ‘ટકે શેર ભાજી’ જેવી છે. કેન્દ્ર સરકારે કયા ધોરણે બિહાર અને ગુજરાતને એકસરખી રાહત આપી છે તે સમજવું અઘરું છે. વળી આ સહાય નીતીશ કુમારે બિહારમાં ભાજપનું શરણું સ્વીકાર્યા બાદની છે. એટલે વિપક્ષી રાજ્ય પ્રત્યે ઓરમાયા વર્તન અને અન્યાયનું ગાણું પણ ગાઈ શકાતું નથી.

ગુજરાતમાં મુખ્યમંત્રીએ જાતે આખી સરકાર લઈને પૂરગ્રસ્ત વિસ્તારમાં પાંચ દિવસ ધામા નાખવા પડ્યા હતા. છતાં એક મહિને પણ ઘણાં ગામોમાં પૂરનાં પાણી કે કાદવ કીચડ સાફ ન થયાંની ફરિયાદો છે. ગુજરાત સરકારે પૂર અસરગ્રસ્તોને જે દસ દિવસની કેશડોલ (પુખ્તને રોજના 65 રૂ. સગીરને 45 રૂ.) આપી તે સાવ ઓછી છે. નદીના વહેણમાં આવતાં અને કાયમી અસરગ્રસ્ત ગામોનું સ્થળાંતર બહુ ગમી જાય એવું પગલું લાગે છે. પરંતુ કોઈ વૈજ્ઞાનિક અભ્યાસ વિના આમ કરવું યોગ્ય નથી. આ ક્ષેત્રના નિષ્ણાતોનો મત છે કે માનવીએ પૂરથી ભાગવાનું નથી, પણ તેની સાથે જીવતા શિખવાનું છે.

મુંબઈ, ચેન્નઈ અને બેંગલુરુએ ભારે વરસાદને કારણે જે હાલાકી વેઠવી પડે છે તે તો સાવ જ માનવસર્જિત છે. ચોમાસા પૂર્વે જ ઊભી થનારી સ્થિતિ અંગેનો કોઈ એક્શન પ્લાન કાર્યરત થતો નથી. વળી અનેક નગરો મહાનગરોની નાની નદીઓને પૂરી દઈ તેમાં રહેઠાણો બનાવવામાં આવ્યા છે. તેથી પાણીનો કુદરતી પ્રવાહ વહેતો અટકી જાય છે. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવી કે જ્યાં છે તેની યોગ્ય જાળવણી ન થવી તે પણ મોટું કારણ છે. એકલા મુંબઈમાં જ મીઠી, ઉલ્હાસ, પોઈસર, દહિસર અને ઓશીવાડા જેવી નાની નદીઓ પૂરીને તેના પર તથા કિનારે બાંધકામો થયાં છે. તે તબાહીનું કારણ બને છે.

પૂર, દુકાળ કે અન્ય આફતો કેટલી કુદરતી છે અને કેટલી માનવનિર્મિત એ કહેવું અઘરું નથી. છેલ્લા બે દાયકામાં સ્થપાયેલા પૂરની આગાહી કરતાં 375 ટેલિમેટ્રી સ્ટેશનોમાંથી પોણા ભાગના બંધ હોવાનું ‘કેગ’ના રિપોર્ટમાં કહેવાય કે મુંબઈ હાઈકોર્ટ, સરકાર બાર વરસ પૂર્વેના મુંબઈના વરસાદમાંથી તલભાર શીખી ન હોવાનું કહી આલોચના કરે તે સરકારો ઘોળી પીએ છે. દેશની આર્થિક રાજધાનીની આ હાલત હોય તો કોસી કાંઠાનો ગરીબ તો શી અપેક્ષા રાખે.

સૌજન્ય : ‘ટકે શેર ભાજી …’, “દિવ્ય ભાસ્કર”, 09 સપ્ટેમ્બર 2017

Loading

લોકસંઘર્ષમાં સ્ત્રીઓની ભાગીદારી

નેહા શાહ|Samantar Gujarat - Samantar|8 September 2017

સ્ત્રીઓની ભાગીદારી એટલે માત્ર સંખ્યા નહીં, પણ તેમના દૃષ્ટિબિંદુને પ્રક્રિયામાં વણી લેવાનો અભિગમ 

ભાવનગર જિલ્લાના મીઠી વીરડી ખાતેની સૂચિત અણુવીજળીમથકની યોજના પડતી મૂકી અને આંધ્ર પ્રદેશમાં ખસેડવાની જાહેરાત સરકારે કરી. નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલમાં આ યોજના સામે મીઠી વીરડી અને જસપરા ગામના લોકો તેમ જ પર્યાવરણ સુરક્ષા સમિતિએ અરજી દાખલ કરી હતી. દરિયાઈ કાંઠાના પ્રદેશના નાજુક પર્યાવરણમાં અણુમથકને કઈ રીતે મંજૂરી મળી શકે એ પ્રશ્ન તેમણે ઉઠાવ્યો અને યોજનાને મળેલી કોસ્ટલ રેગ્યુલેટરી ઝોનની મંજૂરીને તેમણે જૂન 2015માં કોર્ટમાં પડકારી.

દસ વર્ષનો લોકસંઘર્ષ અને બે વર્ષની કાયદાકીય લડતનો જૂન 2017માં અંત આવ્યો. સરકારે ટ્રિબ્યૂનલને જણાવ્યું કે જમીન સંપાદનનું કરવાનું કામ સમયસર પૂરું કરવું શક્ય ન હોવાને કારણે સૂચિત અણુઊર્જા યોજના પડતી મુકવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેથી સી.આર.ઝેડ.ની મંજૂરીની વાતનો કોઈ મતલબ રહેતો નથી. 2008માં અમેરિકા–ભારત વચ્ચે થયેલા અણુકરાર અંતર્ગત પહેલું અણુવીજમથક બનાવવા માટે મીઠી વીરડીની પસંદગી થઈ.

આ માટે 2000 એકર જમીન સંપાદન કરવાનો પ્રસ્તાવ હતો. તેમાં મીઠી વીરડી, જસપરા, ખદરપર અને માંડવા ગામોની જમીન જવાની હતી. વર્ષમાં ત્રણ પાક લઈ શકાય એવી અને લીલીછમ વાડીઓથી શોભતી ફળદ્રુપ જમીન પર અણુમથક આવે તો સ્વાભાવિક રીતે એ ઉજ્જડ બનવાની હતી. ત્યારથી સ્થાનિક લોકોના સંઘર્ષની શરૂઆત થઈ. તેને પર્યાવરણ સુરક્ષા સમિતિ અને ‘સહિયર’ સ્ત્રી સંગઠને નેતૃત્વ પૂરું પાડ્યું અને જમીન બચાવવાના હેતુને લઈ લોકઆંદોલનના પાયા નખાયા.

મૂર્ધન્ય ગાંધીવાદી સામાજિક કાર્યકર ચુનીભાઈ વૈદ્યનો તેમને ટેકો મળ્યો. ‘સમર્થન’ મહિલા સંગઠન આ વિસ્તારમાં જળસંચયનું કામ વર્ષોથી કરે છે, તેનો પણ ટેકો મળ્યો. અણુઊર્જાના વિરોધમાં અને જમીન બચાવવાના ઉદ્દેશથી શરૂ થયેલી આ ચળવળમાં પર્યાવરણના નિયમોને નેવે મૂકીને ઊભી થયેલી યોજના સામે કાનૂની જંગ ઉપરાંત લોકોને સંગઠિત કરવાનું અને વિકાસના મોડેલ અંગે  જાગૃતિ લાવવાનું કામ પણ પાયાના સ્તરે થયું.

કોઈ પણ સામાજિક કે રાજકીય ચળવળની સફળતા સ્ત્રીઓની ભાગીદારી વગર શક્ય નથી. ભાગીદારી એટલે માત્ર સ્ત્રીઓની સંખ્યા નહીં, પણ સ્ત્રીઓના દૃષ્ટિબિંદુને પ્રક્રિયામાં વણી લેવાની વાત. પર્યાવરણ સુરક્ષા સમિતિ અને ‘સહિયર’ સ્ત્રી સંગઠને પહેલેથી આગ્રહ રાખ્યો હતો કે દરેક નિર્ણયમાં બહેનોની ભાગીદારી હોવી જોઈએ. શરૂઆતના સમયમાં બહેનો મિટિંગમાં આવતી ન હતી ત્યારે કાર્યકર ભાઈ-બહેનો એમના ઘરે જઈને, એમના કામમાં મદદ કરતાં કરતાં એમની સાથે વાતો કરતાં.

શ્રમજીવી બહેનો માટે ખેતરના કામ અને ઘરની જવાબદારી વચ્ચે મિટિંગમાં આવવું શક્ય બનતું ન હતું, તો તેમની સાથે વાતચીત કરવા ઘરઆંગણે જ ખાટલા ઢાળી ‘ખાટલા મિટિંગ’ થતી, જેથી બહેનોની સગવડ સચવાઈ જાય. અણુઊર્જા અને એની અસરો અંગે સમજ આપવા ભાઈઓ ઉપરાંત બહેનોની પણ અલગ તાલીમ રાખવામાં આવતી. ધીમે ધીમે બહેનો બોલવા લાગી, ઘરની બહાર નીકળવા લાગી, ગામેગામ જઈને બીજી બહેનોને પણ સમજાવવા લાગી.

મિટિંગોમાં આવવા લાગી. લાજનો ઘૂંઘટ ધીમે ધીમે દૂર થતો ગયો અને આત્મવિશ્વાસથી જાહેર સભાઓ પણ સંબોધવા લાગી. નિર્ણય લેવાના હોય ત્યારે બહેનો સાથે અલગ વાત થાય, જેથી બહેનો નિ:સંકોચ પોતાનો મત વ્યક્ત કરી શકે. દરેક જ્ઞાતિ અને વર્ગની બહેનો સંઘર્ષમાં જોડાઈ. અમુક સમાજની બહેનોએ પોતાનાં ખેતરો સુધ્ધાં જોયાં ન હતાં. બજારમાં ય એકલાં ન જાય. આ બહેનોએ પણ હિંમતભેર દરેક કાર્યક્રમમાં ભાગ લીધો અને પોતાના અભિપ્રાય આપ્યા. પુરુષો સાથે ખભેખભા મિલાવીને ટાઢ, તડકો કે વરસાદ જોયા વિના જાહેર મિટિંગ કરી.

ભાવનગર અને ગાંધીનગર સુધી રેલીઓ કાઢી, પીટિશન પર સહી કરી, કોર્ટમાં અરજદાર પણ બની. અણુયોજનાની મંજૂરી વિરુદ્ધ નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલમાં થયેલી અરજીમાં એક અરજદાર જસપરા ગામના જાગૃતિબહેન ગોહિલ છે. અણુયોજના ગઈ અને ખેતરો બચી ગયાં. હવે શું? આ પ્રશ્ન આવતાં જ મીઠી વીરડી અને જસપરાના રહેવાસીઓ પાસે કરવાના કામોની લાંબી યાદી તૈયાર છે. ઓર્ગેનિક ખેતી અને વૈકલ્પિક ઊર્જાનાં સાધનો વિકસાવવાની જરૂરિયાતને સૌ કોઈ પ્રાધાન્ય આપે છે.

બહેનોને સહેજ અલગ કરીને પૂછીએ તો તેઓ ગુણવત્તાસભર શિક્ષણ અને આરોગ્યની વ્યવસ્થા પર ભાર આપે છે. જસપરા ગામમાં અત્યારે દસ ધોરણ સુધીની જ શાળા છે. છોકરાઓ ભાવનગર હોસ્ટેલમાં રહીને ભણે છે, પણ છોકરીઓનો અભ્યાસ અટકી પડે છે. છોકરીઓ ગામમાં રહીને ભણી શકે તે માટે તેઓ બાર ધોરણ સુધીની શાળા ઈચ્છે છે. દીકરીઓને ભણવું છે અને દુનિયા જોઈ આવેલાં મા-બાપને દીકરીઓને ભણાવી ગણાવી પગભર કરવી છે.

ડૉક્ટર સાથેનું દવાખાનું એમની બીજી મુખ્ય જરૂરિયાત છે. માંદગીમાં ભાવનગર સુધીના ધક્કા બચી જાય અને સમયસર સારવાર મળી જાય. સાથે સાથે ગામની નદીને સાફ કરાવી પાછી વહેતી કરવી પણ એમને જરૂરી લાગે છે. વળી, જો નદી પરના ચેક ડેમ પર ઘાટ કર્યો હોય તો બહેનો ઘરેલુ ઉપયોગ માટે પણ પાણીનો ઉપયોગ કરી શકે. સૌ કોઈ જાણે છે કે આ સગવડો સહેલાઈથી મળવાની નથી. એને માટે તેમણે નવો સંઘર્ષ કરવાનો છે.

ગામના પુરુષો તેમની સ્ત્રીઓને કહે છે કે આ માટે તમતમારે લડી લેજો! પુરુષોને પણ એમની સ્ત્રીઓની તાકાતમાં વિશ્વાસ બેસી ગયો છે. 10 વર્ષના સંઘર્ષને મળેલી ભવ્ય જીતનો ઉત્સવ ગામવાસીઓ અને તેમના ટેકેદારોએ ભેગા મળીને ઉજવવાનું નક્કી કર્યું છે. ‘ઇતિહાસથી ઇતિહાસ સુધી’ નામનો કાર્યક્રમ મીઠીવીરડીમાં તારીખ 9-10 સપ્ટેમ્બરે થવાનો છે. ઇતિહાસની એક કડી ત્યાં મળેલાં પથ્થરના સૌથી મોટા પૌરાણિક લંગર છે, જેને ભીમ કોટ કહે છે. મીઠી વીરડીના ઇતિહાસનું તાજું પાનું ગ્રામવાસીઓએ ભેગા મળીને લખ્યું છે.

ઇતિહાસની આ કડી આગળ વધારવા તેઓ હવે પ્રતિબદ્ધ છે. વિજયને અનોખી રીતે ઉજવવા માટે ગ્રામ્યજીવનના પ્રશ્નોને ઉજવણી સાથે સાંકળી લેવામાં આવ્યાં છે. કાર્યક્રમના બંને દિવસ સવારે પ્રભાત ફેરી અને ગામોમાં સફાઈ કામ થશે. ભૂમિપૂજન, પ્રાકૃતિક ગીતો અને વૃક્ષારોપણ કરવામાં આવશે. બાળકો લડત અંગે, સહભાગીતા અંગે અને પ્રાકૃતિક ચિત્રો બનાવશે. સંઘર્ષને લગતી તસવીરોનું પ્રદર્શન પણ થશે.

અણુમથક અહીં નહીં’માંથી ‘અણુમથક ક્યાં ય નહીં’ની સમજણ સુધી પહોંચેલા આ લોકસંઘર્ષના ઇતિહાસમાં બહેનોની સરખી ભાગીદારી અને હિંમતની સાથે તેમના કુટુંબના પુરુષોએ તેમને કરેલા મજબૂત ટેકાને પણ દાદ આપવી રહી.

સૌજન્ય : ‘સરખેસરખાં’, “દિવ્ય ભાસ્કર”, 08 સપ્ટેમ્બર 2017

Loading

...102030...3,4603,4613,4623,463...3,4703,4803,490...

Search by

Opinion

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • દારૂનો વેપાર ધમધોકાર ચાલે એટલે ગુજરાતમાં દારૂબંધી છે…
  • डाकियाની દુનિયામાં ડોકિયું : પોસ્ટલ હેરિટેજ પ્રદર્શન
  • દસ મિનિટનો ફોટોગ્રાફ

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved