Opinion Magazine
Number of visits: 10,206,504
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આ બાંયધરી હતી તો કોને આપવામાં હતી? આ ચેતવણી હતી તો કોને માટે હતી? આ સંકલ્પ હતો તો કોનો હતો?

રમેશ ઓઝા|Opinion - Opinion|8 September 2017

નરેન્દ્ર મોદીના સમર્થકોએ આ ત્રણ પ્રશ્નોના જવાબ શોધવા જોઈએ. જવાબ શોધવા જરા ય અઘરા નથી, બલ્કે દેખીતા છે

મન ખિન્ન થઈ જાય છે ત્યારે કંઈ લખવાનું મન નથી થતું, પરંતુ એની વચ્ચે ભારતના નાગરિકનો અંતરાત્મા જાગે છે અને અવાજ ઊઘડે છે ત્યારે ખૂબ રાહતનો અનુભવ થાય છે. બુધવારે સવારે મને મુંબઈના એક પ્રતિષ્ઠિત ચાર્ટર્ડ અકાઉન્ટન્ટનો ફોન આવ્યો કે મારે તમને મળવું છે. હું જ્યારે તેમને મળવા ગયો ત્યારે તેમણે કહ્યું કે ‘હું આખી જિંદગી કૉન્ગ્રેસનો વિરોધી રહ્યો છું કારણ કે કૉન્ગ્રેસે અવ્યવહારુ અને ઢોંગી સમાજવાદનો માર્ગ અપનાવ્યો હતો. હું આખી જિંદગી મુસલમાનોનો વિરોધી રહ્યો છું કારણ કે મુસલમાનો ધર્મની આગળ કંઈ જોઈ શકતા નથી, જોવા માગતા નથી અને આધુનિકતાનો સ્વીકાર કરતા નથી. એને કારણે હું મોદીભક્ત બન્યો હતો; પરંતુ ડોકલામ, ડીમૉનેટાઈઝેશન, ગૌરક્ષકો દ્વારા કરાતી હત્યા તેમ જ સતામણીઓ, વડા પ્રધાનનાં જુઠ્ઠાણાંઓ, સાઇબર સેલ દ્વારા કરવામાં આવતા કુપ્રચાર અને ચારિત્ર્યહનન અને હવે ગૌરી લંકેશ જેવા સ્વતંત્ર અવાજોની કરવામાં આવતી હત્યાઓ જોઈને મને ખાતરી થઈ ગઈ છે કે નરેન્દ્ર મોદીનો એજન્ડા દેશનો વિકાસ નથી પરંતુ દેશના આત્માને વિદીર્ણ કરવાનો છે.’

જવાહરલાલ નેહરુ સામેનો અણગમો એની જગ્યાએ છે, પરંતુ નેહરુએ લોકશાહી અને આધુનિક રાજ્યનું જતન કર્યું હતું. તમારા પર કોઈ નજર નહોતું રાખતું અને કોઈ ચારિત્ર્યહનન નહોતું કરતું. નેહરુએ પ્રજાકીય વિભાજનો પેદા નહોતાં કર્યાં અને એવાં વિભાજનો પેદા ન થાય એ માટે સર્વસમાવેશક મધ્યમમાર્ગ અપનાવ્યો હતો. એને કારણે દેશની અખંડતા જળવાઈ રહી છે.

તેમણે મને કહ્યું હતું કે હું આ લખું અને તેમનું નામ આપીને લખું. મેં તેમને કહ્યું હતું કે જાહેરમાં પ્રગટ થઈને બોલવાની જવાબદારી તમારી છે એટલે હું તમે કહેલી વિગતો લખીશ, નામ નહીં. વિગતો એટલા માટે કે એમાં અત્યાર સુધી ઢબૂરાયેલો અંતરાત્મા જાગૃત થતો જોવા મળે છે. આવા બીજા કરોડો નાગરિકો હશે જેઓ ગૂંગળામણ કે અકળામણ અનુભવતા હશે અને છેતરાયા હોવાનો ભાવ અનુભવતા હશે. તમે ગમે તેના રાજકીય સમર્થક હો, અસત્યના અને હિંસાના સમર્થક કઈ રીતે હોઈ શકો? હજારો વર્ષની તપશ્ચર્યા પછી સામાજિક પોત રચાયું છે, રચાઈ રહ્યું છે અને સભ્ય સમાજની રચના થઈ છે એને નજર સામે ઉતરડાતાં કઈ રીતે જોઈ શકાય? સભ્યતાનું આ જે પોત રચાયું છે એ હજી તો નાજુક છે એટલે એનું જતન કરવાનું હોય, ચીરવાનું ન હોય.

ગૌરી લંકેશની હત્યાના ખબર મળ્યા પછી મનમાં જે ખિન્નતા હતી એમાં મુંબઈના પ્રતિષ્ઠિત ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ મિત્રના જાગેલા અંતરાત્માને જોઈને રાહત મળી. ચાલો દેશ ઊગરી તો જશે, કારણ કે ભારતની સામાન્ય પ્રજા એકંદરે વિવેકી છે. એક હદ કરતાં વધારે અસત્ય અને હિંસા ભારતની પ્રજા સ્વીકારી શકતી નથી, પરંતુ એની વચ્ચે સોશ્યલ મીડિયા પર ગૌરી લંકેશની હત્યાને ઉચિત ઠરાવનારા અને રાજીપો વ્યક્ત કરનારા મેસેજિસ ઠલવાવાના શરૂ થયા. હત્યાનો બચાવ અને બચાવ તો ઠીક, રાજીપો? આ કઈ પ્રકારની માનસિક વિકૃતિ? આનો શું અર્થ કરવો? શું ભારતીય લોકમાનસ ભયંકર પ્રમાણમાં ઝેરીલું બની ગયું છે કે પછી કુપ્રચાર દ્વારા એને ઝેરીલું બનાવવામાં આવી રહ્યું છે?

આવા અનેક સવાલો મનમાં ઘોળાઈ રહ્યા છે, પરંતુ એ પહેલાં ખરેખર મનમાં ઝેર લઈને જીવનારા લોકોને તેમ જ હત્યામાં રાજીપો અનુભવનારા લોકોને એક સનાતન સત્ય જણાવી દેવું જોઈએ. શારીરિક હત્યા કરવાથી વિચાર મરતો નથી એ સનાતન સત્ય છે. સૉક્રેટિસથી લઈને ગૌરી લંકેશ સહિત અનેક લોકોને બોલતા રોકવા માટે હત્યા કરવામાં આવી છે, પરંતુ આપણી સામેનું સત્ય એ છે કે જેમની હત્યાઓ કરવામાં આવી એ બધા જ વિચાર દ્વારા હયાત છે અને જેમણે હત્યા કરી તેમને કાં તો કોઈ ઓળખતું નથી અથવા ઇતિહાસમાં વિલન તરીકે કુખ્યાત છે. વિચાર ક્યારે ય મરતો નથી એ ગાંઠે બાંધી રાખવા જેવું સત્ય છે. જો વિચારમાં દમ હશે તો કોઈના બાપની તાકાત નથી કે તેને કોઈ મારી શકે, પછી તમે ગમે એટલી શારીરિક હત્યાઓ કરો. બીજું સનાતન સત્ય એ છે કે જે કોઈ અમર વિચાર છે એના તમે વારસદાર પણ છો અને લાભાર્થી પણ છો. જેમ કે જંગલમાં વસતા માનવીએ નાગરિક સમાજ રચ્યો અને કાયદાનું રાજ સ્થાપ્યું એ પહેલાં એ માત્ર વિચાર હતો. એ વિચારે ધીરે-ધીરે સાકાર સ્વરૂપ ધારણ કર્યું જેના તમે લાભાર્થી છો. વિચાર જ જૂની ઇમારતને તોડે છે અને નવી ઇમારત બાંધે છે અને વિચારવિરોધીઓ કાટમાળ નીચે દફનાઈ જાય છે. અસત્ય અને હત્યાઓનો લૂલો બચાવ કરનારાઓ માટે અને રાજીપો વ્યક્ત કરનારાઓ માટે આટલું સત્ય પૂરતું છે.

હવે ભારતની સભ્યતા અને સંસ્કૃિતને જાળવી રાખવાની જેમના પર જવાબદારી છે એ વડા પ્રધાનની વાત. ૧૫ ઑગસ્ટે આઝાદીના પવિત્ર દિવસે વડા પ્રધાને લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે આસ્થાના નામે કરવામાં આવતી હિંસા ચલાવી લેવામાં નહીં આવે. આ બાંયધરી હતી હતી તો કોને આપવામાં હતી? આ ચેતવણી હતી તો કોને માટે હતી? આ સંકલ્પ હતો તો કોનો હતો? નરેન્દ્ર મોદીના સમર્થકોએ આ ત્રણ પ્રશ્નોના જવાબ શોધવા જોઈએ. જવાબ શોધવા જરા ય અઘરા નથી, બલકે દેખીતા છે. વડા પ્રધાને દેશની સમગ્ર જનતાને બાંયધરી આપી હતી કે આસ્થાના નામે કરવામાં આવતી હિંસાને ચલાવી લેવામાં નહીં આવે. તેમણે હિન્દુ કોમવાદીઓને તેમ જ અસામાજિક તત્ત્વોને ચતવણી આપી હતી કે તેઓ સખણા રહે, કાયદાનું રાજ સર્વોચ્ચ છે. તેમણે સંકલ્પ પોતાની જાત સાથે કર્યો હતો કે તેઓ દેશના વડા પ્રધાન છે અને કોઈ ધર્મવિશેષના અનુયાયીઓના વડા પ્રધાન નથી. તેમણે બંધારણને અનુસરીને રાજ કરવાનું છે, કોઈ સંઘની વિચારધારાને અનુસરીને રાજ કરવાનું નથી.

પવિત્ર દિવસે અને ઐતિહાસિક સ્થાને આપવામાં આવેલાં વચન, ચેતવણી અને સંકલ્પ ત્રણેય ખોટાં? જેમને ચેતવણી આપવામાં આવી હતી એ તો તેમના જ પરિવારના માણસો છે. કાં તો તેઓ ૫૬ ઇંચની છાતી ધરાવતા તેમના પોતાના વડા પ્રધાનને ગાંઠતા નથી અથવા ચેતવણી દેખાવ પૂરતી ખોટી હતી. જો એમ હોય તો એનો અર્થ એટલો જ થાય કે વચન પણ ખોટું હતું અને જાત સાથેનો સંકલ્પ પણ ખોટો હતો. જો કે આમાં આશ્ચર્ય પામવા જેવું નથી. આપણને એવા વડા પ્રધાન મળ્યા છે જે ટ્રોલ્સ(જૂઠો પ્રચાર કરનારાઓ અને ચારિત્ર્યહનન કરનારા ભાડૂતી મારાઓ)ને ફૉલો કરે છે. ‘આઇ ઍમ અ ટ્રોલ’ નામના પુસ્તકમાં સ્વાતિ ચતુર્વેદીએ પુરાવાઓ અને પિક્ચર્સ સાથે સાબિત કરી આપ્યું છે કે ભારતના વડા પ્રધાન જુઠ્ઠાણાંઓની ફૅક્ટરી ચલાવનારાઓનાં ટ્વિટર અકાઉન્ટ ફૉલો કરે છે.

આવી સ્થિતિમાં ગૌરી લંકેશ સુરક્ષિત નથી. આવી સ્થિતિમાં દેશનું બંધારણ સુરક્ષિત નથી. આવી સ્થિતિમાં સેક્યુલર ઇન્ડિયા સુરક્ષિત નથી. વિચારો તમારો માનવધર્મ તમને શું કહે છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 08 સપ્ટેમ્બર 2017

Loading

મનફાવે તેને ઈનામ-અકરામ આપી શકાશે નહીં

નગીનદાસ સંઘવી|Opinion - Opinion|7 September 2017

આઝાદી પછી ભારતે લોકશાહી અપનાવી છે, પણ અંગ્રેજોના જમાનાની પરંપરાઓ છોડી નથી. જૂની રાજાશાહી પ્રણાલીમાં રાજા-મહારાજાઓ મનફાવે તેને મરજીમાં આવે તેટલી રકમ આપતા, જમીન-જાગીરોની વહેંચણી કરતા. જેના પર મહેરબાન થાય તેને માટે રાજના ખજાનામાંથી લહાણી કરવામાં પાછું વળીને જોતા નહીં. આ બધું લોકશાહીના પ્રતાપે હોદ્દા સંભાળનાર આગેવાનોએ પણ ચાલુ જ રાખ્યું. પોતાના સાથીઓને સરકારી અમલદારોને, ન્યાયાધીશોને, સામાન્ય પ્રજાજનોને મુખ્યમંત્રીઓ અને વડાપ્રધાનો નજીવી કિંમતે જમીનના પ્લોટ અથવા મકાનો-ફ્લેટો ફાળવે છે. આફતગ્રસ્તોને આગવા ફંડમાંથી નાણાં આપે છે. પત્રકારોને, રમતવીરોને, બીમાર કલાકારોને નાણાંકીય મદદ આપે છે અને પોતાનાં ગુણગાન ગવડાવે છે.

પરંપરાથી ચાલતી આવેલી રૂઢી-રસમોના કારણે આપણને આ ખેરાતોમાં કશું ખોટું કે ખરાબ નજરે ચડતું નથી, પણ આ લહાણી અને ખેરાતો હવે હદ વટાવી ગઈ છે. સર્વોચ્ચ અદાલતે નેતાઓ, સરકારી નોકરો અને ન્યાયાધીશો તથા રાજકીય પક્ષોને મફતના ભાવે આપવામાં આવતી સ્થાવર મિલકતો સામે આંખ કરડી કરી છે. જનતાની જમીનો લાગવગિયા લોકો ચાંઉ કરી જતા હોવાથી લોકો માટે ઘર મેળવવાનું વધારે મુશ્કેલ અને વધારે મોઘું બનતું જાય છે. આવી ફાળવણી માટેની યોગ્ય નિયમાવલી ઘડી કાઢવામાં આવશે તેવું સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યું છે અને ત્યાં સુધી આવી ફાળવણી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.

સર્વોચ્ચ અદાલતે અપનાવેલો અભિગમ આવકાર્ય છે, પણ અધૂરો છે. દુનિયાની કોઈ લોકશાહીમાં આવી ખેરાતો કરવાની કશી સત્તા પ્રધાનો કે વડાપ્રધાનોને આપવામાં આવી નથી. જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાની ઇચ્છા થાય તો વડાપ્રધાનો કે હોદ્દા ધરાવનાર લોકો પોતાની અંગત મિલકત વાપરી શકે છે, પણ બજેટમાં ઠરાવવામાં આવેલા કારણસર ફાળવવામાં આવેલી રકમ કરતાં બીજી કોઈ ફાળવણી કે વહેંચણી પ્રધાનો કરી શકે નહીં. કોઈને ઇનામ-અકરામ આપી શકે નહીં. કોઈની બીમારી કે અવસાન પ્રસંગે મદદ પણ કરી શકે નહીં. સરકારી નાણાં પાર્લામેન્ટના આદેશ અનુસાર જ વાપરી શકાય છે. પ્રધાનો પોતાની ઇચ્છા અનુસાર સરકારી ખજાનામાંથી એક રૂપિયો પણ વાપરી શકે નહીં.

આવી ખેરાતોમાં અન્યાય થવાનો સંભવ છે. કોને કેટલી જરૂર છે અને કેટલી રકમ આપવી તે બધું વડાપ્રધાન કે મુખ્યમંત્રીની મુનસફી પર છોડવામાં આવે તો તે વ્યક્તિગત જાણકારી અનુસાર આપી શકાય. કોઈ પણ વ્યક્તિ ગમે તેટલી સમર્થ હોય અને ગમે તેટલી સજાગ હોય તો પણ આખા સમાજની તમામ વ્યક્તિઓની સ્થિતિ કે જરૂરિયાતનો ખ્યાલ રાખી શકે નહીં, તેથી આવી વહેંચણી હંમેશાં પક્ષપાતી જ બની જાય છે. જે પક્ષ સત્તામાં હોય તે પોતાના ટેકેદારો કે અનુયાયીઓને લાભ આપે અને તેમાં કશી તટસ્થતા જાળવવાનું શક્ય નથી.

સર્વોચ્ચ અદાલતે આવી ફાળવણી માટે માર્ગદર્શિકા ઘડી કાઢવાનું ઠરાવ્યું છે, પણ માર્ગદર્શિકાનું અર્થઘટન તો સત્તાધારી પક્ષ કે હોદ્દેદાર કરવાનો છે અને કોઈ પણ કાયદાનું, કોઈ પણ આદેશનું અને કોઈ પણ નિયમનું અર્થઘટન અલગ અલગ રીતે કરી શકાય છે. પહેલા વિશ્વયુદ્ધમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સના સંયુક્ત લશ્કરીદળના સેનાપતિ માર્શલ ફોંશે તો પોતાના હાથ નીચેના અફસરો માટે પરિપત્ર બહાર પાડેલો. ‘તમે જે કંઈ હુકમ આપશો તેનો વિપરીત અર્થ કાઢી શકાશે અને કાઢવામાં આવશે જ તેમ સમજી-વિચારીને હુકમો આપજો.’

આ વાત સરકારી તંત્રને પણ લાગુ પડે છે. જેને અપાય છે તેને લાભ મળે, પણ જેને અપાયું નથી તે નારાજ થાય, પણ બીજી વાત વધારે મહત્ત્વની છે. કોઈ પણ સરકારને આવી સત્તા આપવામાં આવે તો તેના કારણે ભ્રષ્ટાચાર થવાની સંભાવના વધી જાય છે.

લોકશાહીમાં સરકારી તંત્ર અને સત્તાધારી પક્ષની ભૂલ, બેદરકારી કાર્યક્ષમતાની ઊણપ અને કામચોરી પર નજર રાખનાર, આ બધું ઉઘાડું પાડનાર અને તેને અટકાવનાર બે મુખ્ય સંસ્થાઓ કામગીરી બજાવે છે. પત્રકારો અને ન્યાયાધીશો પર આમજનતા આવો વિશ્વાસ ધરાવે છે કે જે કંઈ ખોટું કે ખરાબ હશે તે પત્રકારો ઉઘાડું પાડશે અને અદાલતો તેને અટકાવશે. સરકારને અટકાવવાની સત્તા કે સગવડ પત્રકારો પાસે નથી, પણ મોટા ચમરબંદીની શેહમાં દબાયા સિવાય આ બધું ખુલ્લું પાડવામાં આવે તેના કારણે ઘણી ગંદકી અટકે છે અને પોતે ઉઘાડા પડી જશે તેવા ડરથી પણ રાજકારણીઓ ખોટું કરતા અટકે છે અથવા ખચકાય છે. સરકાર અને પત્રકારો વચ્ચેના ધંધાદારી સંબંધો હંમેશાં શાપ-નોળિયાના સંબંધો હોવા જોઈએ. રાજીવ ગાંધીના જમાનામાં મદ્રાસના હિન્દુ અખબાર અને ઇન્ડિયન એક્સપ્રેસે બોફોર્સ રુશવતની વિગતો જાહેર કરીને રાજીવ ગાંધીને બેબાકળા બનાવી દીધેલા. ભારતમાં આવું અનેક વખત બન્યું છે તેની બધી વિગતો ટૂંકાણમાં આપવાનું શક્ય નથી.

ન્યાયાધીશો પણ સમાજમાં બનતી ઘટનાઓ પોતાની પાસે રજૂ થાય ત્યારે કોઈની શરમ કે ભય રાખ્યા વગર પોતાની ફરજ બજાવે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. ભારતમાં ન્યાયતંત્ર વધારે સક્રિય છે અને પોતાની નિગેહબાનીનો પણ પૂરો ઉપયોગ કરે છે.

સરકાર પત્રકારો અથવા ન્યાયાધીશોને કોઈ પણ જાતના લાભ કરી આપે તો પત્રકારની કલમ અને ન્યાયાધીશનો ફેંસલો, બંનેની ધાર બુઠ્ઠી થઈ જાય છે. લાભ મેળવનાર કદી તટસ્થ રહી શકે જ નહીં, કારણ કે તટસ્થતાનો નાશ હંમેશાં લાલચ-લોભથી કરી શકાય છે. ગુજરાતીમાં કહેવત છે કે માણસને માથામાં લાકડી મારો તો ઊંચું જોવાનો છે, પણ મોઢામાં કોળિયો ખવડાવો તો નીચું જોવું પડે છે.

પણ વાત આટલેથી અટકતી નથી. લાભ મેળવનાર તો ભ્રષ્ટ બને જ છે, પણ આવા લાભ મળશે, મળવાનો સંભવ છે. સરકાર કદાચ પોતાને લાભ આપશે તેવી ગણતરીથી પણ પત્રકાર અને ન્યાયાધીશની તટસ્થતામાં ઊણપ આવે છે. જરૂર હોવા છતાં સરકારી લાભ કદાચ મળી જશે તેવી લાલચના કારણે પણ પત્રકારો અને ન્યાયાધીશો, આગેવાનો, લેખકો અને કલાકારો સરકાર અને સરકારી સત્તાધારીઓની હજૂરિયાગીરી કરતા હોય તેવા દાખલા પણ ઘણી મોટી સંખ્યામાં જોવા મળે છે.

તેથી સરકાર કે સત્તા-હોદ્દા ભોગવનાર લોકો કોઈને કશો લાભ આપી શકે જ નહીં તેવી જડબેસલાખ વ્યવસ્થા ગોઠવવી તે લોકશાહીની સુરક્ષા માટે જરૂરી છે. પત્રકારો અને ન્યાયાધીશોનો ખાસ ઉલ્લેખ વારંવાર કર્યો છે, પણ આ મુદ્દો સહુ કોઈને સરખા પ્રમાણમાં જ લાગુ પડે છે. આપણા સમાજમાં આજે ચોમેર ભ્રષ્ટાચાર દેખાય છે તેની સરવાણીઓ તો અનેક ક્ષેત્રોમાંથી આવે છે, પણ ભ્રષ્ટાચારની ગંગોત્રીનું મુખ્ય ઉદ્્ગમસ્થાન ભારત સરકાર અને પ્રાદેશિક સરકારો છે.

ચીની તત્ત્વશાસ્ત્રીઓ કહે છે તેમ માણસ પોતાની જાતે જ બગડે છે અને પોતાની જાતે જ સુધરે છે. માણસને સુધારવાનું કામ સરકાર કે સમાજ કરી શકે નહીં, પણ વ્યક્તિની ખરાબીથી સમાજ કે સરકારને નુકસાન ન થાય તેવી વ્યવસ્થા અને તેવું તંત્ર ગોઠવવું જોઈએ. આ માટેની નિયમાવલી દરેક સમાજમાં અને દરેક રાજ્યમાં અલગ અલગ હોઈ શકે છે, પણ એક યા બીજી પદ્ધતિનો અમલ તો થવો જોઈએ.

e.mail : nagingujarat@gmail.com

સૌજન્ય : 'તડ અને ફડ' નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 06 સપ્ટેમ્બર 2017

Loading

અંધશ્રદ્ધા સમજણશક્તિનો નાશ કરે

નગીનદાસ સંઘવી|Opinion - Opinion|7 September 2017

પંજાબમાં બની બેઠેલા ભગવાન ગુરુ ગુરમીત સિંઘ રામરહીમનાં પરાક્રમો 2001માં જાહેર થયાં અને સોળ વરસે સજા થઇ.

સચ્ચા ડેરા સૌદાના ધર્મગુરુ રામરહીમને યૌન શોષણના ગુનામાં પંચકુલાની સી.બી.આઈ.ની ખાસ કોર્ટે તેને દોષી જાહેર કરીને સજા સંભળાવી છે.

ભક્તો પાસે બડાઇ મારનાર બાબો સજા સાંભળીને ઢળી પડ્યો, રડ્યો અને હાથ જોડીને ન્યાયાધીશ પાસે માફી માગી. તે બધું જોયાજાણ્યા પછી તેમના ભક્તોની આંખ ઊઘડી હોવાનો સંભવ નથી. અંધાપો માત્ર નજરશક્તિ કે જોવાની શક્તિ ખલાસ કરે છે પણ અંધશ્રદ્ધા તો માણસની સમજશક્તિનો નાશ કરતી હોવાથી કશું જોવા જાણવા કે તેનું અર્થઘટન કરવાની તેની શક્તિ ખલાસ થઇ જાય છે.

આપણા દેશમાં પ્રાચીન સમયમાં ગુરુ ઉપર આંધળો વિશ્વાસ મૂકવાની પ્રથા હતી એ હકીકત છે, પણ એ સમયે ગુરુઓ પણ ભક્તોએ પોતાના ઉપર મૂકેલા વિશ્વાસને યથાર્થ ઠેરવતા. આજની વાત કરીએ તો આ તદ્દન આંધળી ગુરુભક્તિ બહુ મોટી સમસ્યાનું સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. આપણા દેશમાં આવા અનેક સંપ્રદાયો અને ગુરુઓ છે, જેમના લાખો એવા અનુયાયીઓ પણ છે. આ પ્રકારના અનુયાયીઓમાં જ આવી આંધળી ગુરુભક્તિ જોવા મળતી હોય છે.

અંધશ્રદ્ધાળુ માણસ જીવતું મડદું છે અને તેનામાં માત્ર વિકૃતિ સિવાય બીજા કોઇ ફેરફાર થવાની શક્યતા નથી. ગુનેગાર હોવાની જાહેરાત થયા અગાઉ બાબાનો જન્મદિવસ ઊજવાયો અને બાબાએ 50 કિલો વજનની છ ફૂટ ઊંચી કેક તલવારથી કાપી. તે સમારંભમાં હાજર રહેલા હરિયાણાના ભાજપી પ્રધાને તેમને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ પણ કરેલા. આવા બીજા કેટલા પ્રધાનો હશે તે આપણને જાણવા મળે તો મુખ્યમંત્રી ખટ્ટરે બાબાના અનુયાયીઓને આપેલી છૂટછાટો વધારે સારી રીતે સમજી શકાય.

આપણી મોટી કમનસીબી એ છે કે આવા બાબાઓ ઠેરઠેર જોવા મળે છે. તેમનો પ્રભાવ, તેમના અનુયાયીઓની સંખ્યા, તેમના વૈભવ વિલાસની માત્રા ઓછી વધતી હોય છે પણ તદ્દન બુડથલ જેવા લોકો ભગવાન શી રીતે બની જાય છે તે સમજવાનું કામ સહેલું નથી. આવો ભારતીય સમાજ એકવીસમી નહીં પણ બાવીસમી સદીમાં પણ આવો જ રહેશે કે શું તેવી ચિંતા દરેક સમજદાર નાગરિકને થવી જોઇએ. પરદેશની વિદ્યાપીઠમાં અણુશાસ્ત્રનો અભ્યાસ કરવા જતો વિદ્યાર્થી શુકન જોઇને, ચાંદલો કરીને અથવા શ્રીફળ લઇને એરપોર્ટ સુધી જાય તેવાં દૃશ્યો જોવાનું સહેલું છે. ભારતની પ્રજા ધાર્મિક છે તેવું કહેવાય છે પણ આ તો નર્યો અધર્મ છે. તેથી પરદેશીઓ આપણા સમાજ માટે કડવાં વિશેષણ વાપરે તો તેમને દોષ આપી શકાય નહીં. આવા ગુરુઓ-બાબાઓ, સંતો, મહંતો, આચાર્યો-ભગવંતોની પાપલીલા પ્રકાશમાં આવે ત્યાં સુધી રાહ જોવાના બદલે આવા બાબાઓની યાદી બનાવવાનું અને તેમના પર ચાંપતી દેખરેખ રાખવાનું કામ બજાવવા માટે ખાસ પોલીસ ટુકડી દરેક રાજ્યમાં ઊભી કરવી જરૂરી છે. મુશ્કેલી એ છે કે પોલીસો પણ ગુરુલીલાથી મુક્ત હોતા નથી. ગુરમીત સિંઘ રામરહીમને ભગાડવાનો પ્રયાસ કરનાર પાંચ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સામે હરિયાણામાં કારવાઇ શરૂ થઇ છે.

જૂનો જમાનો હોત તો એકવીસ વખત પૃથ્વીને નક્ષત્રી બનાવનાર પરશુરામને નવો અવતાર લઇને બાબાઓના ઉચ્છેદનું કામ સોંપી શકાય પણ તે જમાનો હવે રહ્યો નથી તેથી તેમનો બૌદ્ધિક ઉચ્છેદ કરવો પડશે.

આ ચુકાદા અંગે સર્વોચ્ચ અદાલતે કરેલી ટીકા ગુજરાતીઓએ એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખી છે. આ બાબાની નાનકડી આવૃત્તિ જેવા આસારામ બાપુ સામેનો ખટલો શરૂ થવાના કોઇ ચિહ્્ન દેખાતાં નથી તે બાબતે સર્વોચ્ચ અદાલતે ચિંતા દર્શાવી છે. ગુજરાતના મુખ્યમંત્રીએ બધો દોષ અદાલત પર ઠાલવી દીધો છે. આ ખટલો ક્યારે ચલાવવો તે અદાલત નક્કી કરશે તેવી તેમની રજૂઆત અડધી સાચી, અડધી ખોટી છે. ખટલો અદાલતે ચલવવાનો છે અને તેની તારીખો અને કાર્યપદ્ધતિ અદાલત ઠરાવશે. પણ પોલીસ તપાસ પૂરી થાય, આરોપો ઘડાય, અદાલતમાં આરોપનામું રજૂ થાય પછી કેસ ચાલી શકે. પોલીસ તપાસ હજુ પૂરી થઇ નથી. થોડા સાક્ષીઓ મરી ગયા છે કે મારી નાખવામાં આવ્યા છે છતાં પોલીસ ખાતાના પેટનું પાણી હલતું નથી. વધારે ચોંકાવનારી વાત તો એ છે કે પોલીસે હજુ ફરિયાદ નોંધાવનાર બહેનની કેફિયત પણ લીધી નથી તેવું સર્વોચ્ચ અદાલતે કહ્યું છે. મુખ્ય ફરિયાદીની રજૂઆત પોલીસ નોંધે તેના આધારે તપાસ આગળ ચાલે પણ ગુજરાતનું વહીવટી તંત્ર અથવા પોલીસ ખાતું તો પહેલું પગલું ભરવા પણ તૈયાર નથી. પોલીસ તપાસ પૂરી થયા પછી જ અદાલત આગળ ચાલી શકે. દોષ અદાલતનો, પોલીસ તંત્રનો અને અન્વયે પ્રધાન મંડળનો છે કારણ કે પોલીસની કામગીરી ખાતાનો હવાલો સંભાળતા મંત્રીશ્રીના આદેશ પ્રમાણે ઓછી-વધતી ઝડપે ચાલે છે. રૂપાણીએ લોકોની આંખમાં ધૂળ નાખીને પોતાની જવાબદારીમાંથી છટકી જવાનો પ્રયાસ કર્યો છે અને તે સફળ થવાનો છે. આસારામ બાપુના ચુસ્ત ભક્તો અને કટ્ટર દુશ્મનો સિવાય મોટાભાગના લોકો તો આ બાબત ભૂલી પણ ગયા છે. કેસ જોડે સંકળાયેલી ઘટના બને ત્યારે લોકો થોડો વખત રસ દાખવે છે.

ગુરમીત સિંઘ કે આસારામ બાપુ તો છીંડીએ ચડેલા ચોર છે. તેમને સજા થવી જોઇએ. બાકીના બાબાઓ અંગે પોલીસ, અદાલત કે સરકાર કશું કરી શકે તેમ નથી પણ સામાજિક સુરક્ષા અને મૂલ્યોનું જતન કરનાર લોકોએ તો આ ગુરુવાદને જ જડમૂળથી નાબૂદ કરવાના રસ્તા શોધવા જરૂરી છે. આવી સુધારણા લોકોએ જાતે જ કરવી જોઇએ અને સમાજે જાતે જ સુધરવું જોઇએ તેવું કહેવાનો કશો અર્થ નથી. બાબાઓનું ચલણ તેમની શક્તિ કે આવડત પર ચાલતું નથી, લોકોની શ્રદ્ધા અને માન્યતાના આધારે ચાલે છે.

લોકોને છેતરાવું છે તેથી આવા ધુતારા લોકોનો ધંધો પુરજોશમાં ચાલતો રહે છે. લોકો પોતાની જાતે કશું કરી શકવાના નથી. જાળમાં ફસાયેલાં પંખીઓ કે પીંજરે પુરાયેલો વાઘ પોતાની જાતે મુક્ત થઇ શકવાનો નથી. તેથી આ સમસ્યા એક વિષચક્ર બની ગઇ છે.

e.mail : nagingujarat@gmail.com

સૌજન્ય : ‘પરિક્રમા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 04 સપ્ટેમ્બર 2017

Loading

...102030...3,4613,4623,4633,464...3,4703,4803,490...

Search by

Opinion

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • દારૂનો વેપાર ધમધોકાર ચાલે એટલે ગુજરાતમાં દારૂબંધી છે…
  • डाकियाની દુનિયામાં ડોકિયું : પોસ્ટલ હેરિટેજ પ્રદર્શન
  • દસ મિનિટનો ફોટોગ્રાફ

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved