Opinion Magazine
Number of visits: 10,229,409
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પાકિસ્તાનના અસ્તિત્વને ટકાવી રાખવા માટે ભારત વિરોધ જરૂરી હતો

રમેશ ઓઝા|Opinion - Opinion|18 August 2019

આગલા લેખમાં કહ્યું હતું એમ અવિભાજિત ભારતના ઉચ્ચ શિક્ષિત મુસલમાનોને ભય હતો કે વહેલોમોડો દેશ આઝાદ થવાનો છે અને આધુનિક યુગમાં શાસનપદ્ધતિ તો લોકતાંત્રિક જ હોવાની એટલે લઘુમતી ધરાવતા મુસલમાનોએ બહુમતી હિંદુઓ સામે ઓશિયાળા થઈને રહેવું પડશે. કૉન્ગ્રેસના નેતાઓએ તેમને સમજાવવાની કોશિશ કરી હતી કે ભારત લોકતાંત્રિક દેશ જરૂર હશે, પણ તે સાથે સેક્યુલર દેશ પણ હશે, જેમાં ધર્મનું સ્થાન અંગત જીવન પૂરતું જ હશે માટે મુસલમાનોએ ડરવાની જરૂર નથી. મુસલમાનનું અને હિંદુનું અને બીજા કોઈ પણ ધર્માનુયાયીનું સ્થાન ભારતના એક નાગરિક તરીકે સમાનતાનું હશે. દેશમાં એક માત્ર નિર્ણાયક ઓળખ નાગરિક હોવાની રહેશે.

ગાંધીજી, જવાહરલાલ નેહરુ અને બીજા નખશિખ માણસાઈ ધરાવનારા કૉન્ગ્રેસના નેતાઓએ બાંયધરી આપી હોવા છતાં મુસ્લિમ નેતાઓને ભરોસો બેસતો નહોતો, કારણ કે હિન્દુત્વવાદીઓ પડસાળમાં ઊભા રહીને ભારતમેં રહેના હો તો …ની શરતો માંડતા હતા. અત્યાર સુધી મને એમ લાગતું હતું કે અવિભાજિત ભારતના મુસલમાનોએ લોકતાંત્રિક સેક્યુલર ભારતમાં નાગરિક બનીને જીવવાનો એક મોકો અજમાવવો જોઈતો હતો. જો એમ બન્યું હોત તો એ ઇસ્લામના ઇતિહાસમાં મુસલમાનો માટે એવો પહેલો અનુભવ હોત. ૨૫ ટકાની વસ્તી હોય, ભારતના છ પ્રાંતોમાં બહુમતી હોય અને છતાં સેક્યુલર ભારતમાં નાગરિક તરીકે રહેવાનો મુસલમાનોનો એક પ્રયોગ જગતને જોવા મળત. આજે હવે એમ લાગે છે કે મુસલમાનોનો ભય છેક અસ્થાને નહોતો. કોમવાદી હિંદુઓને પણ ક્યાં સેક્યુલર નાગરિક તરીકે જીવવું હતું? તેઓ સતત કહેતા રહેતા હતા કે અમારો વારો આવશે ત્યારે અમે તમને તમારી જગ્યા બતાવી આપીશું. આ અમે અને તમેના ભણકારા આધુનિક અભિગમ ધરાવનારા મુસલમાનોને પણ સતાવતા હતા. એટલે તેઓ ભરોસો કરવા તૈયાર નહોતા.

જો સ્થિતિ આવી હોય તો વિકલ્પ શું? એક વિકલ્પ એવો હતો કે ભારતના સમાન નાગરિક તરીકે નહીં, પણ હિંદુ અને મુસલમાન તરીકે કેન્દ્રમાં અને રાજ્યોમાં સંખ્યાની દૃષ્ટિએ સત્તામાં ભાગીદારી નક્કી કરવામાં આવે. ટૂંકમાં આદર્શ નહીં વ્યવહાર. બીજો વિકલ્પ હતો કે દેશમાં ફેડરેશન રચવામાં આવે જેમાં સંખ્યાના આધારે સત્તામાં સ્વાયત્તતા આપવામાં આવે. ત્રીજો વિકલ્પ વિભાજનનો હતો. વાચકોએ, એક વિનંતી કે, મુસ્લિમ લીગનો ૧૯૪૦ના લાહોરના અધિવેશનનો ઠરાવ જોઈ જવો જોઈએ. એમાં કોઈ જગ્યાએ પાકિસ્તાનનો ઉલ્લેખ નથી. મુસ્લિમ નેતાઓને જાણ હતી કે ભારતનું વિભાજન કરીને સ્વતંત્ર મુસ્લિમ દેશ રચવો એ વ્યવહારુ ઉપાય નથી. તેઓ સત્તામાં વધારે ભાગ મેળવવા વધારે પડતી આકરી ભૂમિકા લેવા માંડ્યા ડાયરેક્ટ એક્શન જેવા માર્ગ અપનાવીને હાર્ડ બાર્ગેનિંગ કરવા ગયા એને કારણે પાકિસ્તાન તેમના ગળામાં આવી ગયું.

આ બાજુ ભારતનું કોમી વિભાજન હિંદુઓના હિતમાં હશે એમ અનેક હિંદુ નેતાઓ ૨૦મી સદીના પહેલા દાયકાથી કહેતા હતા. લાલ લજપતરાય અને ઘનશ્યામદાસ બિરલા આનું ઉદાહરણ છે. ભારતના કોમી વિભાજનનો ઠરાવ વિનાયક દામોદર સાવરકરના અધ્યક્ષપદે હિંદુ મહાસભાએ ૧૯૩૭માં મુસ્લિમ લીગના ઠરાવ કરતાં ત્રણ વરસ પહેલાં તેના અમદાવાદના અધિવેશનમાં કર્યો હતો. ભારતના કોમી વિભાજનમાં સેક્યુલર હિંદુ નેતાઓ કરતાં હિંદુવાદી હિંદુ નેતાઓને વધારે રસ હતો એ એક સત્ય છે અને તેના પ્રમાણ હું આપી શકું એમ છે.

શા માટે મુસ્લિમ નેતાઓને પાકિસ્તાન નહોતું જોઈતું? શા માટે મુસ્લિમ નેતાઓને પાકિસ્તાનનો વિકલ્પ વ્યવહારુ (વાયેબલ) નહોતો લાગતો?

એનાં અનેક કારણો હતાં. એક તો એ કે મુસ્લિમ બહુમતીવાળો દેશ સેક્યુલર રહી શકે એ બાબતે તેમને શંકા હતી. અલગ મુસ્લિમ દેશ અસ્તિત્વમાં આવતાની સાથે જ ઇસ્લામવાદીઓ તેને ઇસ્લામિક દેશ બનાવવા હાવી થઈ જશે. બીજું કારણ એ હતું કે મુસલમાનો હજુ આધુનિક રાષ્ટ્રને સ્વીકારવા જેટલા આધુનિક થયા નથી અને એમાં જે જગ્યાએ પાકિસ્તાન રચાઈ શકે એમ હતું ત્યાંની પ્રજા તો આ બાબતે હજુ વધુ પછાત હતી. ત્રીજું કારણ એ કે ઇસ્લામિક રાષ્ટ્રવાદ તો હાથવગો છે, પરંતુ પાકિસ્તાની રાષ્ટ્રવાદ વિકસાવવો કઈ રીતે? જો પાકિસ્તાની રાષ્ટ્રવાદનું રસાયણ હાથ ન લાગે તો પાકિસ્તાન ઇસ્લામિક રાષ્ટ્રવાદનો શિકાર બની જાય. ચોથું કારણ એ કે આર્થિક, વહીવટી અને લશ્કરી દૃષ્ટિએ પાકિસ્તાનને ટકાવવું એ એક પડકાર બનવાનો છે.

આગલા લેખમાં કહ્યું હતું એમ પાકિસ્તાનની રચના ત્રાસવાદીઓને પેદા કરવા માટે નહોતી કરવામાં આવી. તેમને તો અવિભાજિત ભારતમાં દરેક ક્ષેત્રમાં તેમના હકનો ભાગ જોઈતો હતો અને સર સૈયદ અહમદ ખાને કલ્પના કરી હતી એમ તેઓ મુસલમાનોને આધુનિક વિકાસલક્ષી બનાવવા હતા. જો હિન્દુસ્તાનમાં મુસલમાનોએ હિંદુઓની બરાબરી કરવી હોય તો આધુનિક દૃષ્ટિકોણ અપનાવવો જોઈએ. આમ તેઓ એક બાજુ ધર્મઝનૂની ઇસ્લામવાદીઓથી અને બીજી બાજુ ભવિષ્યમાં સંભવત: દાદાગીરી કરનારા બહુમતી હિંદુઓથી મુસલમાનોને બચાવવા માગતા હતા. તેમને પોતાનું કાર્ડ ઊતરતાં આવડ્યું નહીં અને પાકિસ્તાન ગળામાં આવી ગયું અને હવે નવી સમસ્યા પાકિસ્તાનને કેમ ટકાવવું એની હતી.

ધારણા મુજબ ધર્મઝનૂની ઇસ્લામવાદીઓ પાકિસ્તાનને ઇસ્લામિક રાષ્ટ્ર બનાવવા માટે હાવી થઈ ગયા તે ત્યાં સુધી કે પાકિસ્તાનની બંધારણસભામાં મહમદઅલી ઝીણાનું પાકિસ્તાન કેવું હશે એ વિશેના ઉદ્દેશનો ઠરાવ (ઓબ્જેક્ટીવ રીઝોલ્યુશન) પાસ નહીં થઈ શક્યું. ઝીણાના મંગળ પ્રવચનને ઝીણાના સમગ્ર વાંઙમયમાંથી હટાવી દેવામાં આવ્યું છે. છેવટે પાકિસ્તાનને ઇસ્લામિક રાષ્ટ્ર જાહેર કરવું પડ્યું. પાકિસ્તાનના સ્થાપકો જેનાથી ડરતા હતા તે જ બારણે આવીને ઊભુ રહ્યું. આ બાજુ ઇસ્લામિક રાષ્ટ્રવાદને ખાળવા પાકિસ્તાની રાષ્ટ્રવાદ ઉત્પન્ન (જી હા ઉત્પન્ન) કરવામાં આવ્યો પણ તે થઈ શક્યો નહીં. પાકિસ્તાની રાષ્ટ્રવાદ એક તો પંજાબી રાષ્ટ્રવાદ બની ગયો અને તે ભારતવિરોધી બનતો ગયો. પાકિસ્તાનના અસ્તિત્વને ટકાવી રાખવા માટે ભારતવિરોધ જરૂરી હતો.

આમાંથી ભારતે કાંઈ ધડો લેવા જેવું ખરું? કોઈ લાંબા વિવેચન વિના દરેક વાચક સમજી શકશે કે ધર્મનો અને કૃત્રિમ રાષ્ટ્રવાદનો રાજકીય ઉપયોગ વન વે સ્ટ્રીટ જેવો હોય છે. એમાં પ્રવેશી શકાય છે, બહાર નીકળી શકાતું નથી. પાકિસ્તાનના નિર્માતાઓએ અને એ પછી તેના શાસકોએ આ બન્નેનો ઉપયોગ કર્યો અને આજે ઇમરાન ખાન કહે છે એમ પાકિસ્તાનમાં ૪૦ જેટલા ત્રાસવાદી જૂથો અને પચાસેક હજાર જેટલા ત્રાસવાદીઓ ત્રાસવાદી પ્રવૃત્તિ કરી રહ્યા છે. આપણે હિંદુ છીએ એટલે આવું ન જ બને એમ માનવને કારણ નથી. જે માર્ગ અપનાવો એની મંઝિલ એક જ હોય છે, પછી પ્રવાસી ગમે તે હોય. બીજું, પાકિસ્તાન તો માથે મારવામાં આવ્યું હતું અને એ પછી તેને ટકાવી રાખવાની મજબૂરી હતી. આપણી સામે કઈ મજબૂરી છે? 

15 ઑગસ્ટ 2019

સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 18 ઑગસ્ટ 2019

Loading

જાતિવાદનું ઝેર અને બહુજન સમાજની પાયલ તડવીની હત્યા

હરપાલ રાણા|Opinion - Opinion|18 August 2019

મજબૂત, હિમ્મતવાન પાયલ તડવીની જાતિના મહા-ભોરિંગ સામે હાર થઈ અને જાતિવાદના ઝેરે તેની હત્યા જ કરી નાંખી. આજના ‘New India’માં જાતિવાદ, ઊંચ-નીચ તેની ચરમસીમા પર છે. મુથ્થુકૃષ્ણન્‌, રોહિત વેમુલાને પણ આ જ જાતિવાદી, વર્ચસ્વવાદી સંસ્કૃતિએ જ મોતને ઘાટ ઉતારી દીધા હતા. કૃષ્ણન્‌ JNUનો સ્કૉલર હતો અને કહેવું પડ્યું કે અસમાનતા, અન્યાયે તેના સ્વપ્નોને તોડી નાંખ્યા છે. સમાનતા જેવુ કશું જ નથી તેવું તેણે અનુભવ્યું અને અન્યાયી વ્યવસ્થા સામે મોતને વહાલું કર્યું હતું. હૈદરાબાદ સેંટ્રલ યુનિવર્સિટીના Ph.D. (UGC JRF પાસ) સ્કૉલર રોહિત વેમુલાએ પણ કહ્યું કે વ્યક્તિની કિંમત માત્ર વોટ, વસ્તુ બની ચૂકી છે. સામાજિક ન્યાય અને સમતાના સમર્થક આ દીવડાઓ જાતિવાદ, જાતિભેદ, અન્યાયી વયવસ્થાની લડાઈમાં અકાળે બુઝાઇ ગયા. આપણે કઈ સદીમાં જીવી રહ્યા છીએ ? કેવા પ્રકારની માનસિકતામાં સબડી રહ્યા છીએ ? શું આ દેશ દલિતો, આદિવાસીઓ અને પછાત સમાજનો નથી ? શું આમ જ એકલવ્યો, શંબૂકોના વધ થતાં જ રહેશે ? શું આમ જ મુથ્થુકૃષ્ણન્‌, રોહિત, પાયલ જેવા બહુજનસમાજનાં હોનહાર વિદ્યાર્થીઓનો બલિ લેવાતો જ રહેશે ?

આ દેશને જાતિવાદના મહાદૂષણથી જેટલું નુકસાન થયું છે તેટલું બીજા કશાયથી થયું નથી. જાતિવાદ હિન્દુ ધર્મનું અભિન્ન અંગ છે. જાતિ વિનાનો કોઈ હિન્દુ ન હોઈ શકે અને હિન્દુ હોય એ જાતિ વિનાનો કદાપિ ન હોઈ શકે. હિન્દુ ધર્મ જ જાતિવાદ અને વર્ણ-વ્યવસ્થા પર આધારિત છે. ડૉ. બાબાસાહેબ આંબેડકર કહે છે કે “એક હિન્દુ માટે તેની જાતિ જ તેનો સમાજ છે. તેની જવાબદારી માત્ર તેની જાતિ પ્રત્યે છે. તેની વફાદારી તેની જાતિ સુધી સીમિત છે. સદ્દગુણ જાતિથી બંધાયેલા છે અને નૈતિકતા જાતિ સાથે ઘેરાયેલી છે. સુપાત્રો માટે કોઈ સહાનુભૂતિ નથી.” (ડૉ. આંબેડકર, પૃ. ૭૬) આ જ જાતિવાદના લીધે ૧૭ જાન્યુઆરી ૨૦૧૬માં રોહિત વેમુલા, પીએચ.ડી. સ્કૉલરે આત્મહત્યા કરવી પડી તો હમણાં ૨૨ મે ૨૦૧૯ના રોજ ડૉ. પાયલ તડવીને જાતિય ભેદભાવ અને અસહ્ય માનસિક પરિતાપના લીધે મોતને અકાળે ગળે લગાડવું પડ્યું.

જાતિવાદના બે પ્રકાર છે એક શારીરિક અત્યાચાર અને બીજું માનસિક ત્રાસ. શારીરિક અત્યાચારમાં મેલું ઉપડાવવું, ગંદા કામમાં જોતરી રાખવા, મળ-મૂત્ર ખાવા મજબૂર કરવા, અંગ-છેદન કરવું, નગ્ન ફેરવવા, બળાત્કાર કરવો વગેરે. જ્યારે માનસિક ત્રાસમાં અભદ્ર-અપમાનજનક શબ્દો દ્વારા જાતિય ટિપ્પણી કરવી, દ્વિઅર્થી શબ્દો દ્વારા માનહાનિ કરવી, વાણી-વર્તન-શબ્દ દ્વારા નિમ્ન હોવાનો ભાવ ઊભો કરવો, ‘અનામત’, ‘RESERVATION’ શબ્દ પ્રયોગ કરવો, ‘રીઝર્વ કેટેગરી’ – ‘મેરીટ વગરના’ – ‘અનામતિયાઓ’ જેવા શબ્દો દ્વારા આત્મ-સન્માનને ઠેસ પહોંચાડવી વગેરે વગેરે.

પાયલ તડવી જેવી હોનહાર, કાબેલ ગાનેકોલોજિસ્ટને એટલી હદ સુધી માનસિક ત્રાસ આપ્યો, અત્યાચાર કર્યો કે છેવટે તેણે આત્મહત્યા કરી લેવી પડી. પાયલની સાથે ભણતી સહાધ્યાયી ડોક્ટર મહિલાઓએ તેના ઉપર જાતિવિષયક એટલા બધા તીવ્ર પ્રહારો કર્યા, અને બેહદ અપમાન કર્યું કે એક આદિવાસી ભીલ દીકરીએ પોતાની જાન આપી દીધી. હકીકતે પાયલની આ એક હત્યા જ છે, ખૂન છે. ઉચ્ચ શિક્ષણ મેડિકલ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ ડૉક્ટરી વ્યવસાય સ્વીકારી લોકોની જિંદગી બચાવવા જોડાતા હોય છે. પણ જ્યારે એ જ વ્યવસાય/શિક્ષણ સાથે જોડાયેલ વિદ્યાર્થીઓ દ્વારા પોતાના જ દેશના ભાઈઓ-બહેનો (દલિતો, આદિવાસીઓ) સાથે એટલો બધો ક્રૂર અને ઘાતકી વ્યવહાર કરવામાં આવે છે જેનાથી સદીઓથી શોષિત અને દબાયેલા બહુજનો મૃત્યુની કગાર પર પહોંચી જાય છે.

“મહારાષ્ટ્ર સમતા અને ન્યાયનું સ્વપ્ન જોનારા જોતિબા ફુલે, શાહુજી અને ડો. આંબેડકરની જન્મભૂમિ-કર્મભૂમિ છે, પરંતુ આ વર્ણ-જાતિ વ્યવસ્થા ને તેનાથી પેદા થનાર અન્યાયોના સમર્થક રામદાસ, તિલક, સાવરકર અને ગોડસે જેવા ચિત્તપાવન બ્રાહ્મણોની જન્મભૂમિ-કર્મભૂમિ પણ છે. આ ક્રૂર પેશવા બ્રાહ્મણોની ભૂમિ પણ છે, જેમણે અતિ શૂદ્રોને ગળામાં હડ્ડીઓ અને કમરમાં ઝાડુ બાંધીને ચાલવા માટે ફરજ પાડી હતી. તેઓ મહારો, માંગો અને ચમારોના માથા કાપીને દડો બનાવી રમતા હતા. આ જ ચિત્તપાવન બ્રાહ્મણોની પરંપરાએ એક આદિવાસી દીકરી અને તેનાં ખૂબસૂરત સ્વપ્નાંઓની હત્યા કરી દીધી છે. ફુલે, શાહુજી અને ડો. આંબેડકરની દીકરી અને તેના સ્વપ્નોની કરી નાંખી છે.” (National India News, June ૪, ૨૦૧૯) ૧૯ મી સદીમાં બહુજનસમાજની સામાજિક ક્રાંતિમાં બહુમૂલ્ય પ્રદાન કરનાર જોતિબા ફુલે અને સાવિત્રીબાઈ ફુલેની સ્કૂલમાં ભણતી અસ્પૃશ્ય માંગ સમાજની ૧૪ વર્ષની દીકરી મુક્તા સાલ્વે ૧૮૫૫માં ‘માંગ અને મહારના દુ:ખ’ નામે નિબંધ લખે છે જેમાં તે અસ્પૃશ્યો બહુજનોની દયનીય સ્થિતિનો ચિતાર આપે છે. આજે ૨૧ મી સદીના ‘New India’માં તેની વાત કેટલી યથાર્થ લાગે છે કારણ કે આજે પણ જાતિવાદ, ભેદભાવ એટલો જ પ્રબળ છે તો બીજી તરફ સંકુચિત હિન્દુવાદ એટલો જ ભયાનક છે. મુક્તા કહે છે કે, “હે વિદ્વાન પંડિતો તમારા ખોખલા ડહાપણની સ્વાર્થી વાતોને બંધ કરો અને હું કહું છું તે સાંભળો. બ્રાહ્મણોએ આપણને એટલા બધા પતિત બનાવ્યા છે કે તેઓ અમારા જેવા લોકોને ગાયો અને ભેંસો કરતાં પણ નિમ્ન ગણે છે.”

પાયલ તેના ભીલ (તડવી) આદિવાસી સમાજમાંથી મેડિકલ ક્ષેત્રે પોસ્ટ-ગ્રેજ્યુએશન સુધી પહોંચનાર પ્રથમ વિદ્યાર્થીની હતી. ૩૦ વર્ષ પછી ભીલ-તડવી સમાજમાંથી કોઈ વ્યક્તિ ઉચ્ચ અભ્યાસ સુધી પોંહચી હતી. પણ જાતિવાદ, ઊંચ-નીચમાં માનનાર ભદ્ર સમાજને આ મંજૂર આજે પણ નથી કે દલિતો, આદિવાસીઓ તેની સમકક્ષ બેસે, નોકરી કરે અને સન્માનથી જીવે. ‘લંડન ક્રોસ કલ્ચરમાં શુશ્રુત જાધવ મનોચિકિત્સક છે. તેમનો ઇન્ટરવ્યુ એક મેગેઝિનમાં છપાયો હતો જેમાં ભારતમાં મેન્ટલ થિયરીની સમજ કેવા પ્રકારની છે તેની આકરી ટીકા કરી છે અને કહ્યું છે કે આ વિષય સાંસ્કૃતિક અને બૌદ્ધિકરૂપથી ‘corrupt’ બની ચૂક્યો છે, ખોખલો બની ચૂક્યો છે. ભારતમાં જાતિને લઈને જે માનસિક સંતાપ – ત્રાસ આપવામાં આવે છે જેનાથી પીડિત – શોષિત સમાજ પર કેવી વિપરીત અસર પડે છે તેને નજરઅંદાજ કરવામાં આવે છે. જાતિને લઈને વ્યક્તિના દિલોદિમાગ પર કેવી અસર પડે છે, તેના માનસિક સ્વાસ્થ્ય પર કેવી અસર પડે છે. મનોચિકિત્સકની દુનિયામાં જાતિને લઈને વ્યક્તિના જીવન – માનસિક સ્વાસ્થ્ય પર કેવી અસર પડે છે તેને લઈને કોઈ અભ્યાસ જ થતાં નથી’ (Prime Time with Ravish Kumar, May ૨૯, ૨૦૧૯).

તાજેતરમાં C/ST/OBC સમાજના વિદ્યાર્થીઓને તેમના જખમો અને પીડાઓથી ઉગારવા BLUE DAWN નામની સંસ્થા શરૂ થઈ છે. આ એક સહિયારા પ્રયાસ દ્વારા શરૂ થયેલ સામુદાયિક નેટવર્ક છે જે પછાત જાતિઓ માટે શાનદાર કામ કરી રહ્યું છે. તેમાં દિવ્યા કંદપુરીનો એક વીડિયો છે, જેમાં તે દલિત-પીડિત-આદિવાસી વિદ્યાર્થીઓની વાત કરે છે. દિવ્યાએ Prime Timeમાં રવીશ કુમાર સાથેની ચર્ચામાં કહ્યું કે “આપણે રોજબરોજની વાતમાં કે ચર્ચામાં પીડિત સમુદાયના વિદ્યાર્થીઓ કે વ્યક્તિઓને જાણે-અજાણે અપમાન કરતા હોઈએ છીએ. જેમ કે તું કમિનો છે, તું કમિની છે, તમે ભંગી છો, તમે અનામતવાળા કેટલા ભાગ્યશાળી છો, તમને કેમ જલદી નોકરી મળી જાય છે. ૯૦% લોકો આ પ્રકારના શબ્દો બોલે છે. નાનપણથી તમને ‘લાયકાત વિહોણા’ (Meritless), ‘યોગ્યતા વિનાના ઉમેદવાર’ (Under serving Candidate) કહીને અપમાનિત કરવામાં આવે છે. આ પ્રકારનાં વાણી-વર્તન કુમળી વયના દલિત-આદિવાસી બાળકો પર કેવી અસર થતી હશે.” વધુમાં દિવ્યાએ કહ્યું કે “મેં દેશની નામાંકિત શ્રીરામ લેડી કોલેજ, દિલ્લીમાં નવીન આશાઓ, અરમાનો, કાંઈક નવું શીખવાના આશયથી પ્રવેશ મેળવ્યો. પ્રવેશ સમયે મારે ૯૭% પર્સન્ટેજ હતા. આમ છતાં સહાધ્યાયીઓ કહેતા કે તમને SC/ST/OBC લોકોને તો અનામતના લીધે સરળતાથી પ્રવેશ મળી જાય છે. કોલેજના વિદ્યાર્થીઓએ પ્રિન્સિપાલને ફરિયાદ કરી કે SC/ST‌અધ્યાપકો હિન્દીમાં ભણાવે છે. પ્રિન્સિપાલ ક્લાસમાં તમામ વિદ્યાર્થીઓ સમક્ષ કહે છે કે અમે શું કરીએ અમારે તો એસસી/એસટી રીસર્વેશન પોલિસીને અનુસરવી પડે છે. એક સંસ્થાના આચાર્ય આ પ્રકારે ક્લાસમાં વિદ્યાર્થીઓ સમક્ષ કહે છે ત્યારે ત્યાં બેઠેલા SC/ST/OBC સમાજના વિદ્યાર્થીઓને કેટલો બધો માનસિક આઘાત લાગે છે. મને પણ ખૂબ આઘાત લાગ્યો હતો.” (Prime Time with Ravish Kumar, May ૨૯, ૨૦૧૯)

પાયલ તડવી કે જેણે ડોક્ટર બનવાના અને જલગાંવમાં આદિવાસી ભીલ સમાજની સાથે સમાજના હરેક વ્યક્તિને મદદરૂપ થવા પતિ સલમાનની સાથે હોસ્પિટલ ખોલવાનું શમણું સેવ્યું હતું. પણ શમણું સાકાર થાય એ જાતિવાદી માનસિકતા ધરાવનારાઓને સહેજે મંજૂર નહોતું. પાયલની જ સિનિયર ડોક્ટર – ડો. અંકિતા ખાંડેલવાલ, ડો. હેમા આહુજા, ડો. ભક્તિ મેહરે વગેરેના જાતિવાદી માનસિક ત્રાસ સામે પાયલ હિમ્મત હારી ગઈ અને આ સાથે એક સમાજસેવી ડો. પાયલ ફાની દુનિયા છોડી ચાલી ગઈ. પાયલની માતા આબેદા કહે છે કે “પાયલ ખૂબ આત્મવિશ્વાસુ હતી. મેં તેને ક્યારે ય ગુસ્સે થતી જોઈ નથી. પણ પી.જી. હોસ્ટેલમાં પ્રવેશ બાદ તે બદલાઈ ગઈ હતી.”

પાયલ શરૂઆતમાં હોસ્ટેલમાં ડો. ભક્તિ મેહરે સાથે રહેતી હતી. આબેદા કહે છે “ભક્તિ ખાટલામાં સૂતી જ્યારે પાયલ ભોંયતળીએ સૂતી. ભક્તિ તેના પગ પાયલની ચાદર પર લૂછતી એટલે પાયલે બાજુના રૂમમાં સૂવા લાગી જેથી ભક્તિ સાથે સંઘર્ષ ટાળી શકાય.” (Indian Express, p. 7, June ૨, ૨૦૧૯) ત્રણેય ડોક્ટર મહિલાઓના ત્રાસથી પાયલ કંટાળી ગઈ હતી. પતિ સલમાને કહ્યું કે તે ફરી કામ માટે ત્યાં જવા તૈયાર નથી. આથી સલમાન પાયલના વિભાગીય વડા ડૉ. એસ.ડી. શિરોડકરને મળી ફરિયાદ કરી એટલે પાયલને બાળકોના વિભાગમાં બે મહિના માટે ફેરવવામાં આવી. મેડમે શો-કોઝ નોટિસ આપી હતી અને કહ્યું કે પોતે પાયલના કામથી ખુશ હતા. ફેબ્રુઆરી ૨૦૧૯માં જ પુનઃ પાયલને તેના જૂના ગાયનેક વિભાગમાં પાછી નિમણૂક કરી. અહીં પહેલાંની જેમ ત્રયેય સિનિયર ડોક્ટર્સ ફરી પાછા માનસિક રીતે પરેશાન કરવાનું કામ શરૂ કરી દીધું. તેઓ પાયલને કામને લઈને વારંવાર ઠપકો આપતાં, પ્રસૂતિઓ કરવા દેતાં ન હતાં તથા ધમકી આપી કે અમે તારો અભ્યાસ પૂર્ણ નહીં થવા દઈએ. આમ ગાયનેક વોર્ડમાં પાછા ફર્યા બાદ પાયલ પર ખૂબ માનસિક ત્રાસ વધી ગયો હતો. સલમાન કહે છે કે “ગાયનેકોલોજી યુનિટના હેડ ડો. વાય.આઈ. ચિંગ લિંગને આ અંગે ફરિયાદ કરી હતી. પણ એંટી-રેગિંગ રિપોર્ટ જણાવે છે કે ટી.એન. ટોપીવાલા મેડિકલ કોલેજ કે જે.બી.વાય.એલ. નાયર હોસ્પિટલ સાથે જોડાયેલ છે, ચિંગ લિંગે આ બાબતમાં કોઈ જ પગલાં લીધા ન હતા.” IE, ૨/૬/૧૯)

પાયલની સંસ્થાગત હત્યા દર્શાવે છે કે આજે પણ ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે એસી સી/એસ ટી/ઓ બી સી વિદ્યાર્થીઓ પ્રત્યે જાતિય ભેદભાવ રાખવામાં આવે છે. તેમને નિરુત્સાહ કરવા માટે ચોક્કસ પ્રકારે ષડયંત્ર ચાલે છે. મેડિકલ જેવા નામી ક્ષેત્રમાં પણ પાયલ તડવી, નસીમા તડવી જેવી ડોક્ટર્સને ખૂબ માનસિક ત્રાસ આપવામાં આવે છે કે જેમાં પાયલ જેવી હોનહાર દીકરીને જાન આપી દેવો પડે છે. ૩૭ વર્ષીય નસીમા તડવી પણ પોતે જ્યારે માસ્ટર્સ કરતી અને પ્રેક્ટિસ કરતી ત્યારે સિનિયર દ્વારા માનસિક રીતે પરેશાન કરવામાં આવતી. નસીમા કહે છે કે “કાંઇ પણ ખોટું થતું તો, તે મને જ બ્લેમ કરતા અને નિમ્ન હોવાનો અહેસાસ કરાવતા. ભેદભાવનો આ એક પ્રકાર છે. સદ્દભાગ્યે, મેં જ્યારે મારા સિનિયર સુધી ફરિયાદ કરી તો તેમણે તાત્કાલિક પગલાં લીધા હતા. સંસ્થાનું તંત્ર આ બાબતોને રોકે તેટલું પૂરતું નથી. કોઈ આપણું સાંભળશે નહીં તેવો ભય હોય છે.” નસીમા અત્યારે યવાલ તાલુકામાં આવેલ PHC સેન્ટરમાં જોબ કરે છે અને NGO દ્વારા બાળકોને મોટીવેશન ટોક આપવા જાય છે. તે કહે છે કે “આ વર્ષે હું વિદ્યાર્થીઓને કહેવા માંગું છું કે ચૂપ બેસી ન રહેતાં, તમારો અવાજ ઉઠાવો.”

ભારતમાતાને પૂજનારા દેશમાં પાયલ તડવીને આત્મહત્યા કરવા મજબૂર કરવામાં આવે છે, તો સોની સોરી જેવી માનવ અધિકાર ઝુંબેશકર્તાને પોલીસ કસ્ટડી અસહ્ય ત્રાસ આપવામાં આવે છે જ્યારે ખૈરલાંજી ગામની દલિત મહિલા સુરેખા ભોટમંગેને નગ્ન કરી સામૂહિક બળાત્કાર કરી મારી નાંખવામાં આવે છે. શું ખરેખર આપણે મુક્ત અને સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઈ રહ્યા છીએ ખરા? શું ખરેખર ભારતમાં બંધારણીય શાસન ચાલે છે ખરું? બંધારણને બદલે આજે પણ વર્ચસ્વવાદી, સામંતી, પિતૃપ્રધાન સંકુચિત સંસ્કૃતિ જ રાજ ચલાવે છે.

સંદર્ભઃ

(૧) બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર, જાતિકા વિનાશ

(૨) Prime Time with Ravish Kumar, May 29, 2019

(૩) Indian Express, June 2, 2019  

(૪) National India News, June 4, 2019

ઇતિહાસ વિભાગ, સમાજવિદ્યા ભવન, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ

સૌજન્ય : “અભિદૃષ્ટિ”, ઑગસ્ટ 2019; વર્ષ – 13; અંક – 141; પૃ. 14-17

Loading

ભારતની ખરલમાં બધું વટાતું ગયું અને નવો આકાર પામતું ગયું

રમેશ ઓઝા|Opinion - Opinion|18 August 2019

હિન્દી કવિ રામધારીસિંહ દિનકરે તેમના વિખ્યાત પુસ્તક ‘સંસ્કૃતિ કે ચાર અધ્યાય’માં ‘હિન્દુત્વ કી ખરલ’ એમ કહ્યું છે. દિનકરનું હિન્દુત્વ એ હિંદુ કોમવાદીઓનું હિન્દુત્વ નથી જે પૃથકતાવાદી છે, પણ દિનકરનું હિન્દુત્વ સર્વસમાવેશક છે અને એટલે તો તેને ખરલ તરીકે ઓળખાવ્યું છે. દિનકર જો આજે લખતા હોત તો તેમણે હિન્દુત્વની જગ્યાએ કોઈ બીજો શબ્દ વાપર્યો હોત, પણ એ વાત જવા દઈએ.

કવિ દિનકર એમ કહે છે કે ભારતની સાંસ્કૃતિક ખરલમાંથી હિંદુ પેદા થયો છે. એ જે હિંદુ પેદા થયો છે એ એક-જીનસ નથી. ભારતની એ વિશેષતા રહી છે કે તે અનેક જાતિઓને ખરલમાં વાટીને એક જાતિ બનાવી દે છે અને અનેક ધર્મોને વાટીને એક ધર્મ બનાવી દે છે. નીગ્રો, ઔષ્ટ્રિક, દ્રવિડ અને આર્યના મિલનમાંથી જે મહાજાતિ પેદા થઈ એ હિંદુ (જેમાં જૈન, બૌદ્ધ, સીખ વગેરેનો સમાવેશ થાય છે) અને વેદ તેમ જ ઉપનિષદો પછી જે વિચારધારાઓની સરવાણીઓ ફૂટી એ ભારતીયદર્શન. આમ કવિ દિનકરનો હિન્દુત્વનો અર્થ સાવરકરના હિન્દુત્વ કરતાં જુદો છે એ સુજ્ઞ વાચકને સમજાઈ ગયું હશે. ખરલનો ઉપયોગ જ અનેકમાંથી એક બનાવવા માટે કરવામાં આવે છે અને એ એકને પાછો બીજા સાથે વાટીને અનેક બનાવવા માટે કરવામાં આવે છે. ખરલનો ઉપયોગ કોઈ ચીજ મીટાવવા માટે નથી કરવામાં આવતો, કાંઈક નવું રચવા માટે કરવામાં આવે છે. 

આવું ભારતમાં જ કેમ બન્યું અને જો બન્યું તો એ માટે આપણે શરમાવું જોઈએ કે ગર્વ લેવો જોઈએ? બહુ મહત્ત્વનો સવાલ છે આ. કાંઈક તો આપણા પીંડમાં એવું છે કે આપણે અન્ય પદાર્થને વાટી પણ લઈએ છીએ અને જરૂર પડ્યે વટાઈ પણ જઈએ છીએ. પ્રતિકાર કરતાં સમન્વયને આપણે વધુ મહત્ત્વ આપીએ છીએ. કેમ નમાલા છીએ એટલે? એવું નથી કે આપણી પરંપરામાં પ્રતિકાર અને સંઘર્ષની ઘટનાઓ નથી બની. શોધવા જશો તો ઘણી મળશે અને અમુક વિચારધારાના લોકો ચાહીને એ કામ કરે છે, પણ અત્યારે તેની વાત જવા દઈએ. શ્રમણો-બ્રાહ્મણો, આસ્તિકો-નાસ્તિકો, આર્યો-દ્રવિડો, સવર્ણો-અવર્ણો, સંસ્કૃતનિષ્ઠો અને લોકભાષાઓની તરફેણ કરનારાઓ વચ્ચે ધીંગાણાં થયાં છે. જો પ્રતિકાર અને ધીંગાણાંના પ્રસંગો શોધવા જશો તો તે પ્રચૂર માત્રામાં મળી આવશે, કારણ કે આપણી પરંપરા હજારો વરસ જૂની છે. જેટલો લાંબો ઇતિહાસ એટલાં માફક આવતાં પ્રમાણો વધુ.

સરવાળે શું બન્યું એ વાત મહત્ત્વ ધરાવે છે અને સરવાળે ભારતની ખરલમાં બધું વટાતું ગયું અને નવો આકાર પામતું ગયું. ભારતીય સંસ્કૃતિ દર શતાબ્દીમાં નવો ચહેરો ધારણ કરતી હતી અને છતાં આપણને પરિવર્તનનો અહેસાસ પણ નહોતો થતો, આંચકો તો બહુ દૂરની વાત છે. આનું કારણ હતું સાતત્ય. ચોવીસે કલાક ખરલ ચાલતી રહેતી હતી અને પ્રતિકારો અને સંઘર્ષોની વચ્ચે સંથ ગતિથી સમન્વય થતો રહેતો હતો. કેટલી પ્રજાઓ ભારતમાં આવી અને ભારતમાં ઓગળી ગઈ. કેટલી સંસ્કૃતિઓનો ભારતીય સંસ્કૃતિમાં સમાગમ થયો છે. કેટલી ભાષાઓ સમાંતરે વિકસી અને કેટલીકે મિલનમાંથી નવી ભાષાને જન્મ આપ્યો. હિંદુ અસ્મિતાના ભાગરૂપે કૃત્રિમ રીતે અને પ્રયત્નપૂર્વક વિકસાવવામાં આવેલી આજની હિન્દી કરતાં વ્રજ, અવધી, માગધી કે મૈથિલી તમને ગુજરાતીની વધુ નજીક લાગશે. કારણ એ છે કે ભારતની ભગિની ભાષાઓ સમાંતરે વિકસેલી ભાષાઓ છે. આજે અસ્મિતાના નામે એકબીજાથી દૂર જવું એને સાંસ્કૃતિક પરિપક્વતા કહેવામાં આવે છે, પણ વાસ્તવમાં એ અધોગતિ છે.

દિનકર કહે છે કે આજની પરિભાષામાં આપણને યુગ-વિભાજન કરવાની લાલચ થઈ આવે છે. આ પશ્ચિમના ઈતિહાસલેખનનો પ્રભાવ છે. પ્રાચીન ભારતીય ઇતિહાસનું કાલ-વિભાજન વૈદિક યુગ અને શ્રમણ યુગ તરીકે કરી શકાય છે, પરંતુ વ્યવહારમાં તેનો કોઈ અર્થ નથી. શ્રમણ યુગમાં વૈદિક પ્રભાવ સાવ સમાપ્ત થઈ ગયો હતો એવું નથી અને બુદ્ધ અને મહાવીર પહેલાં જે તે સ્વરૂપમાં શ્રમણ પરંપરા અસ્તિત્વ ધરાવતી હતી. મહાવીર અને બુદ્ધના પ્રભાવે પશુહિંસા કરતા યજ્ઞો બંધ થયાં હતા, પરંતુ અહિંસક અગ્નિહોત્રના સ્વરૂપમાં યજ્ઞ કાયમ રહ્યા હતા. અશોકે તેના શિલાલેખમાં શ્રમણ-બ્રાહ્મણ બન્નેને આદર આપવાની અને દાન આપવાની સલાહ આપી છે. ગયા સપ્તાહે જે જ્ઞાન, સાધના અને ભક્તિ, શક્તિ અને તંત્ર આધારિત સેંકડો સંપ્રદાય અને પેટા સંપ્રદાયની વાત કરી તેનાં સગડ પણ વૈદિક સાહિત્યમાં મળે છે. વ્યાકરણની ઘણી લાંબી પરંપરા છે. બધું સમાંતરે ચાલતું હતું. વિચારધારાઓ અને અભિગમો એકબીજાના સંપર્કમાં આવતાં હતાં, અથડાતાં હતાં અને ખરલમાં વટાઈને સમન્વય થતો હતો. એક રીતે જુઓ તો કોઈ ચીજ નવી નહોતી અને છતાં નવી ભાસતી હતી.

બૌદ્ધ ધર્મ પશ્ચિમે તુર્કી સુધી અને પૂર્વે જપાન સુધી પહોંચ્યો હતો અને તેની પણછે વૈદિક સંસ્કાર પણ ભારત બહાર પહોંચ્યા હતા. કારણ કે બૌદ્ધ ધર્મ વૈદિક ધર્મથી દૂર ગયો જ નહોતો અને વૈદિકોએ તેને બહુ દૂર જવા પણ નહોતો દીધો. ઈસ્લામ ધર્મ યહૂદી સંસ્કારને પણ વિદેશમાં લઈ જાય એવું બને? ભારતમાં એવું બને કારણ કે ખરલનું સર્જન છે.

ખરલ નિરંતર ચાલતી હતી, પરંતુ તેની સામે પહેલો મોટો અવરોધ ભારતમાં ઇસ્લામ ધર્મનો પ્રવેશ થયો ત્યારે થયો હતો. ભારતીય પ્રજાને એ પહેલાં વ્યાખ્યાબદ્ધ વિચારધારા આધારિત ધર્મનો અને ધર્મ આધારિત ચુસ્ત આગ્રહોવાળી જીવનશૈલીનો અનુભવ નહોતો. એ પહેલાં જેટલા લોકો ભારતમાં આવ્યા એ થોડુંક આપીને અને થોડુંક અપનાવીને હિંદુ બની ગયા હતા. ભારતમાં પેદા થયેલા ધર્મોમાં અને સુમેરિયામાં પેદા થયેલા ધર્મોમાં પાયાનો ફરક છે. પશ્ચિમના ધર્મો એક ઈશ્વર, એક ગ્રંથ અને એક મસીહા આધારિત ધર્મો છે. આમ છતાં ખરલે હાર નહોતી માની. અરેબિયામાં આકાર પામેલો ઇસ્લામ ભારતીય ઇસ્લામ બની ગયો હતો. મધ્યકાલીન સંતોએ અને સૂફીઓએ મળીને સમન્વયનો પ્રયત્ન કર્યો હતો.

એમાં કોઈ શંકા નથી કે ખરલની ઝડપ ધીમી પડી ગઈ હતી અને અવરોધોનો સામનો કરવો પડતો હતો, પરંતુ એ અટકી નહોતી. હવે પછી ઈસ્લામ, ઇસ્લામ ધર્મનું સ્વરૂપ, ભારતમાં ઈસ્લામનું આગમન, સૂફીવાદનો પ્રાદુર્ભાવ અને સંતોના પ્રયત્નો વિષે વાત કરવામાં આવશે.  

13 ઑગસ્ટ 2019

સૌજન્ય :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 18 ઑગસ્ટ 2019

Loading

...102030...2,8822,8832,8842,885...2,8902,9002,910...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved