Opinion Magazine
Number of visits: 10,229,524
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રેમળ જ્યોતિનો પરિચય

‘અમલતાશ’|Opinion - Opinion|17 August 2019

પાટલી છોડીને બહાર

 

ઘણા ઘામ અને ઉકળાટ પછી અચાનક એક ઝાપટું શરૂ થયું. કંઈક અંશે ભીંજાવાથી બચવા અને કંઈક અંશે વરસતા વરસાદની મસ્તીને માણવા હું નજીકના બસસ્ટૅન્ડમાં જઈને ઊભો રહ્યો. જીવનનાં એંસી ચોમાસાં જોયાં હતાં; આથી મને ખાતરી હતી કે આ કાંઈ લાંબું વરસવાનું નથી.

 

“અરે, શાહસાહેબ, આપ … અહીં … અચાનક … ડાબા કાને જરા પહેલી નિવૃત્તિ-વી.આર.એસ. લઈ લીધી હતી. છતાં ‘જમણેરી’ સહાયથી મને થોડીઘણી સમજ તો પડી જ! મેં અવાજની દિશા પકડી. બાજુમાં જ ઊભેલા કોઈક ભાઈની આંખોમાં આત્મીયતા છલકાતી હતી. પણ મારો ચહેરો વૈશાખ-જેઠની બપોર જેવો શુષ્ક હતો. સાહેબ, હું દરજી – કાંતિલાલ દરજી – ૧૯૬૧-૭૪નો તમારો વિદ્યાર્થી’. રંગભૂમિ ઉપરથી પડદો હટે અને આતુર પ્રેક્ષકની ઉત્કંઠાનો અંત આવે તેમ મારા મનપટલ ઉપર દૃશ્ય તરી આવ્યું. “અરે, દરજીભાઈ, તમે … આમ મળાશે તેવું કલ્પ્યું પણ નો’તું.” મેં કહ્યું.

 

કાંતિ દરજી મારા જૂના વિદ્યાર્થી. કૉલેજના વર્ગમાં નિયમિત હાજરી, અભ્યાસમાં બરાબર મન લગાવે અને તેથી હંમેશાં સારા માર્ક્સ તો લાવે જ. વળી અધ્યાપકોના પ્રીતિપાત્ર ! અંગ્રેજી વિષય રાખ્યો હોવા છતાં બી.એ. અને એમ.એ.માં ઘણા સારા ટકા લાવીને નજીકની કૉલેજમાં અધ્યાપક બન્યા હતા.

 

સાહેબ, ચાલો ચા-નાસ્તો કરીએ, તેણે કહ્યું અને સામેની ફૂટપાથ તરફ તેણે ઇશારો કર્યો. બે-ત્રણ મિનિટમાં ચાર-પાંચ કપ ચા આવી ગઈ. દરજીભાઈ બોલ્યા : ‘સાહેબ, મારી કૉલેજની નોકરી ચાલુ હતી, ત્યારે પણ હું બપોર અને સાંજે ગામમાં રખડતો. તમે મને વંચાવેલા સમરસેટ મૉમ, એચ.જી. વેલ્સ, ઇબ્સન, ચાર્લ્સ ડિકન્સ વગેરે મનમાં રમ્યા કરે. સાચું કહું, મને એક વિચિત્ર વિચાર આવતો. આવું સરસ અને માનવીય સંવેદનાઓવાળું વિચારનારા પરદેશોમાં જ કેમ હશે ? અલબત્ત, મને પ્રેમચંદ ગમતા પણ ટાગોર કે શરદબાબુની મધ્યમવર્ગીય વિચારણાની કોઈ અસર મને પડતી જ નહીં.’ ‘આનંદયજ્ઞ’માં થોડોક-થોડોક ઉજાસ દેખાતો, પરંતુ મહર્ષિ ગણાતા અરવિંદ ઘોષ અને અન્ય ‘આધ્યાત્મિક’ ગુરુઓ તરફ મને કોઈ ભાવ પ્રગટતો જ નહીં. ગામમાં ફરતો, વિદ્યાર્થીઓને ઘેર જતો, તેમના ખેતરે જતો અને ક્યારેક તેમનાં નાનાં મોટાં કામ કરી આપવા સરકારી કચેરીઓમાં પણ જઈ આવતો. ચાની ચૂસકીઓ લેતાં-લેતાં એ એકધાર્યું બોલે જતો હતો. મેં પણ મારું ધ્યાન ચાના કપ ઉપર જ કેન્દ્રિત કર્યું. વરસાદ તો હજુ ચાલુ જ હતો.

 

‘સાહેબ, બહુ માથાકૂટ પછી મને લાગ્યું કે તમામ સાહિત્ય, સર્જનાત્મક અને સંવેદના પેટના ખાડામાં છુપાયેલાં છે. જે દિવસે આ વિચારે મારામાં જન્મ લીધો તેની આખી રાત મને ઊંઘ ના આવી. પણ બીજા દિવસે સવારથી – કૉલેજ ગયો ત્યારથી – મારું ચિત્ત હળવું થઈ ગયું હતું. મને મારો મારગ મળી ગયો હતો. ચા પીવાનું માંડી વાળી હું તેના ચહેરાને તાકી રહ્યો. તેનો ચહેરો અચાનક તપેલા તાંબા જેવો દેખાતો હતો. તેના બોલવાનો રણકો પણ જુદો હતો. તેણે આગળ ચલાવ્યું : ‘સાહેબ, હું તમારી જેવા પાસે ભણ્યો ન હોત, તો હું પણ મારા બાપદાદાનો દરજીકામનો ધંધો જ કરતો હોત ને ! ભણ્યો તેથી શું થયું ? કૉલેજના અધ્યાપક તરીકે પગાર તો સારો જ હતો. મેં પાંચ મશિનનો ઓર્ડર આપ્યો. ગામની બહેનોને એકઠી કરી. મહમદ યુનૂસે બતાવેલા માર્ગે બચતમંડળી શરૂ કરી. બહેનોને સીલાઈકામ શિખવાડ્યું. પણ કામ આવડે તેથી આવક થોડી જ થાય ? હવે તેમને માટે ઑર્ડર મેળવવા શહેરમાં ભટકવા માંડ્યો, તપ કરતા કરતા ખાદીહાટોમાં વેચાતાં તૈયાર કપડાં સીવવાના ઑર્ડર મળવા લાગ્યા.’

 

‘કામ વધતું ગયું, માણસો જોડાતા ગયા … બસ, બહુ નહીં તો ય પચાસેક પરિવારોમાં ખુશી ફેલાવી શક્યો, તેનો આનંદ રહ્યો. તે પછી તો હું ય નિવૃત્ત થયો અને અહીં રહેવા આવ્યો. ત્યાં આ જુવાન ભટકાયો.’ સંચે બેઠેલા ભાઈ તરફ નિર્દેશ કરી તેણે કહ્યું.

 

‘હું તો રોજ સાંજે આ બગીચામાં ફરવા આવતો. પણ જીવ દરજીનો તેથી આની તરફ ધ્યાન ગયું. લોકો અહીં પરચૂરણ દરજીકામ માટે આવતા. પણ આને સફાઈબંધ અને સરખું કામ ફાવે નહીં. હું તેની સાથે બેસતો થયો અને હવે સાહેબ તેની પાસે પણ સ્કૂટર છે.’ તેણે કહ્યું.

 

થોડોક સમય ચૂપકીદી પ્રસરી રહી. પછી અચાનક જાગીને કહેતો હોય તેમ તે બોલ્યો ‘સાહેબ, તમે એક વખત વર્ગમાં કહેલુંને – Lead Kindly Light  – પેલા જ્હૉન હેન્રી ન્યૂમેનની ૧૮૩૩ની રચના – તમે  એને પ્રભુપદ કહેતા. ન્યૂમેન નામના યુવા પાદરીની જગતની સેવા દ્વારા ઈશ્વરની સેવા કરવાની વાત તમે કરેલી. પછી ઉમેરેલું. ‘પ્રેમળજ્યોતિ તારો દાખવી મુજ જીવનપંથ ઉજાળ’માં નરસિંહરાવ દિવેટિયાએ કેવી અવિસ્મરણીય પ્રાર્થના કરી છે. તે દર્શાવેલું, સાહેબ, મારું બાકીનું બધું ભણવાનું તો ઠીક, આ માણસની સેવા દ્વારા ઈશ્વરની સેવાનો જે વિચાર તમે મારામાં મૂક્યો, તેનાથી હું તો ધન્ય બની ગયો છું.’ તે મારા પગે પડ્યો, મેં તેને માથે હાથ ફેરવ્યો.

 

વરસાદ રહી ગયો હતો. વધુ કાંઈ જ બોલ્યા વગર હું ‘આવજે ભાઈ, કહીને નીકળી ગયો.’

 

સૌજન્ય : “અભિદૃષ્ટિ”, ઑગસ્ટ 2019; વર્ષ – 13; અંક – 141; પૃ. 23 તેમ જ 05

Loading

પાટલીની પેલે પાર

રિમ્મી વાઘેલા|Opinion - Opinion|17 August 2019

ઑનલાઈન ઍડમિશનના પ્રશ્નો તો અનેક વાર આપણે જોઈ ચૂક્યા છીએ. આજે એક રમૂજી કિસ્સો વર્ણવું છું. તે ઑનલાઈન ઍડમિશન કેટલું ‘પારદર્શક’ છે, તેની પોલ ખોલી આપશે.

મહેશ અમારો જૂનો મિત્ર છે. ટી.વાય.બી.એ. શહેરમાં આવેલી જાણીતી પરંતુ હાલ બંધ થવાના આરે ઊભેલી કૉલેજમાંથી પૂરું કર્યું છે. હાલમાં તેણે એમ.એ. અર્થશાસ્ત્ર વિષયમાં પ્રવેશ લીધો છે. ઑનલાઈન પ્રવેશ પ્રક્રિયાથી પ્રવેશ કેટલી જટિલ પ્રક્રિયા છે, એ તો આપણે જાણીએ જ છીએ. મહેશે પહેલાં તો એલએલ.બી.માં પ્રવેશ લેવાનું નક્કી કર્યું હતું. પરંતુ એલએલ.બી.માં પ્રવેશ મળ્યો નહીં.

એમ.એ.માં પણ પ્રવેશ માટેના નિયમિત રાઉન્ડ પૂરા થઈ ગયા હતા. પણ ‘ઑનલાઈન રજિસ્ટ્રેશન, ઓફલાઈન ઍડમિશન’નો તબક્કો શરૂ થયો એટલે તેણે એમ.એ.માં પ્રવેશ પ્રક્રિયા અનુસરવાનું શરૂ કર્યું. ઓનલાઈન રજિસ્ટ્રેશન – ઑફલાઈન ઍડમિશન એટલે પિન નંબર લઈ, ફોર્મ ઓનલાઇન ભરવાનું અને ઍડમિશન જે કૉલેજમાં જગ્યા ખાલી હોય ત્યાં સીધા જઈને પ્રવેશ મેળવી લેવાનો.

મહેશે જાતે ઑનલાઈન ફોર્મ ભરવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ કોઈ પણ સંજોગોમાં એની ટી.વાય.બી.એ.ની માર્કશીટ અપલૉડ જ નહોતી થઈ રહી. અંતે સાયબર કાફેમાં જઈને તેણે માર્કશીટ અપલૉડ કરવાનો પ્રયત્ન કર્યો. પૈસા લઈને ફોર્મ ભરી આપતી સાયબર કાફેમાં ૨૦૦ રૂપિયા ગયા અને બે દિવસ પણ ગયા. અંતે મહેશે માત્ર પ્રયત્ન ખાતર તેના બીજા મિત્રની માર્કશીટ અપલોડ કરી અને થઈ પણ ગઈ. એ પછી મહેશે વિચાર્યું કે ભલે બીજાની માર્કશીટ અપલૉડ થઈ, કૉલેજમાં ડૉક્યુમેન્ટ વેરીફિકેશન માટે જઈશ, ત્યારે કૉલેજવાળા મારી ભૂલ સુધારી આપશે !

મહેશે પોતાના તમામ દસ્તાવેજ પ્રમાણિત પણ કરાવ્યા, ફી પણ ભરી દીધી, એમ.એ.માં પ્રવેશ પણ લઈ લીધો, તેના વર્ગો પણ ચાલુ થઈ ગયા છે. ના, તો કૉલેજના એ અધ્યાપકને તપાસમાં ખબર પડી કે માર્કશીટ બીજા કોઈની છે, ના તો ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટ – સિસ્ટમમાં ખબર પડી કે ફોર્મ ભરનાર વ્યક્તિનું નામ, માર્કશીટમાં દર્શાવેલ નામથી અલગ છે.

મહેશે જ્યારે પહેલાં આ વાત કરી, ત્યારે અમે બધા ખૂબ હસ્યા પણ પછી દુઃખ પણ ઘણું થયું. આ તો મહેશે, પ્રામાણિકતાથી કહ્યું એટલે અમે જાણ્યું. આવા તો કેટલા ધાંધિયા થતા હશે, એની કોને ખબર ! પણ મહેશના કિસ્સાએ ગુજરાત યુનિવર્સિટીના પ્રવેશ પ્રક્રિયામાં પારદર્શિતાના દાવાને સાવ ખોટો સાબિત કરી દીધો !!

ઑલ ઇન્ડિયા ડી.એસ.ઓ.

e.mail : vaghelarimmi@gmail.com

સૌજન્ય : “અભિદૃષ્ટિ”, ઑગસ્ટ 2019; વર્ષ – 13; અંક – 141; પૃ. 24

Loading

લૈંગિક સમાનતાઃ આદર્શ અને હકીકત

દિશા ગોસ્વામી, દિશા ગોસ્વામી|Opinion - Opinion|17 August 2019

ભારત દેશમાં બહુવિધ ક્ષેત્રે દ્વિમુખીપણું જોવા મળે છે. આ દેશમાં ભૂવાડાકલામાં માનવાવાળા અને ડિજિટલ બંને સ્તરના મતદારો છે. એઇમ્સની અદ્યતન સારવારની અપેક્ષા ધરાવતો વર્ગ પણ છે, તો બીજી બાજુ ડામથી દર્દ દૂર કરાવવાળો વર્ગ પણ છે. આ એવો દેશ છે, જેમાં યાતના વેઠી સંઘર્ષ કરનાર મહિલાઓ પણ અન્ય મહિલાઓ કે અન્ય વર્ગનું શોષણ પણ કરે છે. શ્રેષ્ઠતમ અને કનિષ્ઠતમ બંને એકસાથે એક જ સ્થળે જોવા મળે એવો આ ભારતદેશ છે.

આપણા દેશમાં વિકાસનો વાયરો ફૂંકાતો થયો છે, ત્યારથી એક એવી આશા બંધાઈ છે કે હવે આપણા દેશમાં ‘ટકાઉ વિકાસ – માનવ વિકાસ – સર્વસમાવિષ્ટ વિકાસ’ ઝડપથી આકાર પામશે. આમ, સામાન્ય સંજોગોમાં આપણે એવું માની લઈએ છીએ કે વિકાસનો મહત્તમ લાભ આપણા દેશમાં બહેનોને પણ પ્રાપ્ત થાય છે, તેઓ કારણ કે પર્યાવરણની મર્યાદાઓનો મહત્તમ ભોગ તેઓ બને છે. માનવ વિકાસની શિથિલતામાં મહિલા કારણભૂત બને છે, તો સર્વ સમાવેશનના બધા જ પ્રયાસોમાં મહિલાઓ વિશેષ ધ્યાન ખેંચે છે.

તાજેતરમાં ૪થી જૂને વાનકુંવર ખાતે યોજાયેલ વિમેન્સ ડિલિવર કૉન્ફરન્સમાં વિશ્વના ૧૨૯ દેશોના અભ્યાસના આધારે તૈયાર કરાયેલ ‘લૈંગિક સમાનતા’ – અહેવાલ પ્રસિદ્ધ કરાયો છે. આ અહેવાલમાં ટકાઉ વિકાસના સંદર્ભમાં મહિલાઓને સ્પર્શતાં જે વિવિધ ચલ-પરિમાણો છે, તેનો અભ્યાસ કરવામાં આવે છે. તેના આધારે જે તે દેશમાં પુરુષની સરખામણીમાં મહિલાઓનું ચિત્ર તપાસવામાં આવે છે. આ માટે કુલ ૧૦૦માંથી ગુણ આપવામાં આવે છે. ધારો કે શિક્ષણમાં ૫૦ મહિલા અને ૫૦ પુરુષોનું સપ્રમાણ હોય, તો શિક્ષણનો આંક બરાબર ગણાય છે. તેવી જ રીતે બીજાં ચલ પરિમાણોનું માપન કરવામાં આવે છે. હમણાં જ ભારતમાં મહિલા અને બાળકલ્યાણમાં મંત્રી તરીકે સ્મૃતિ ઈરાની બિરાજમાન થયાં છે, ત્યારે તેઓને માટે આ અહેવાલ મોટો પડકાર બને છે કેમ કે આ અહેવાલ મુજબ ભારતને ૧૦૦માંથી એકંદરે ૫૬.૨૦ ગુણ મળે છે. આ ગુણ પ્રમાણે વિશ્વના ૧૨૯ દેશમાં ભારત ૯૫મા ક્રમે આવે છે. ખાસ નોંધનીય બાબત તે છે કે ચીન, રવાન્ડા અને ભુતાન જેવા દેશો પણ ભારત કરતાં સારો દેખાવ ધરાવે છે. આપણે એ પણ ભૂલવું જોઈએ કે માનવ વિકાસમાં ૧૭૮ દેશોમાં ભારત ૧૨૪મા ક્રમે છે. વિશ્વના મહત્તમ આર્થિક વૃદ્ધિ ધરાવતા પ્રથમ ત્રણ દેશોમાં ભારત આવે છે પણ લૈંગિક સમાનતા કે માનવ વિકાસમાં ભારત ઘણું પાછળ છે.

લૈંગિક સમાનતાને ચકાસવા માટે મુખ્ય આરોગ્ય, ઘરેલુ હિંસા, હવામાન-પરિવર્તન, ડિસન્ટ વર્ક, વગેરેની ચકાસણી કરવામાં આવે છે. એકંદરે ૧૦૦ સ્કોરમાં સમગ્ર વિશ્વમાં સરેરાશ સ્કોર ૫૫.૭ નોંધાયો છે. આ અહેવાલનાં મુકરર ધોરણો મુજબ જો સ્કોર ૬૦થી નીચો હોય, તો લૈંગિક સમાનતામાં એવા દેશો ખૂબ નબળા ગણાય છે અને ૭૦થી નીચે સ્કોર હોય તો નબળા દેશો ગણાય છે.આ સંદર્ભમાં અહેવાલ નોંધને ધ્યાનમાં લઈએ, તો પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના સંદર્ભમાં ભૂતકાળ કરતાં વર્તમાનમાં ભારતમાં ખાસ્સો સુધારો જોવા મળ્યો છે, પરંતુ આમ હોવા છતાં શિક્ષણના સંદર્ભમાં ભારતની સરખામણીમાં અન્ય દેશો વધુ સુધારો કરી શક્યા હોવાનું સૂચવે છે. શિક્ષણના સંદર્ભમાં ભારતનો ક્રમ પ્રમાણમાં પાછળ ગયો છે. આ સંદર્ભમાં છેલ્લા અહેવાલ મુજબ ભારતની સરખામણીમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પણ વધુ સારો સુધારો થયો છે. અલબત્ત પાકિસ્તાન અને બાંગ્લાદેશ લૈંગિક સમાનતામાં ભારત કરતાં પાછળ જોવા મળે છે. આજના સંદર્ભમાં અહેવાલમાં દર્શાવ્યા મુજબ શિક્ષણ અને એકંદર લૈંગિક સમાનતામાં દક્ષિણ એશિયાના દેશો વિશેષ પાછળ છે અને તેમાં પણ ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ આ ત્રણ દેશોમાં ૧૮.૬૨ કરોડ કન્યાઓ પ્રાથમિક-માધ્યમિકમાં જતી હતી. જે એશિયાઈ દેશોના કુલ દેશોમાં ૫૨% હિસ્સો ગણાય છે.

સમગ્ર વિશ્વમાં લગભગ ૯૦ના સ્કોર સાથે ડેન્માર્કે સર્વોત્તમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ત્યાર બાદ ફિનલૅન્ડ સ્વિડન નૉર્વે અને નેધરલૅન્ડનો સમાવેશ થાય છે. આ સમગ્ર અભ્યાસ મુખ્યત્વે equal measures ૨૦૩૦ અને એશિયા પેસિફિક રિસોર્સ-રિસર્ચ સહિતની સંસ્થાઓ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવે છે. નોંધનીય હકીકત એ પણ છે કે છેલ્લા ૧૧ વર્ષથી પ્રસિદ્ધ થતા આ અહેવાલમાં દુનિયાના એક પણ દેશમાં કાયદો જાહેર નીતિ કે અંદાજપત્રીય સમાવેશનમાં મહિલાઓ પુરુષના સપ્રમાણ ક્યારે ય જોવા મળેલ નથી.

વડા પ્રધાન પાડોશી રાષ્ટ્રોના સાથેના સંબંધો બાબતમાં વધુ ચિંતિત જોવા મળે છે. ત્યારે એ ઉલ્લેખનીય છે કે લૈંગિક સમાનતાનો આંક ચીનમાં ૬૪.૭, શ્રીલંકામાં ૬૨.૧ અને ભુતાનમાં ૫૮.૨ નોંધાયો છે. જે સ્કોર ભારતમાં ૫૬.૨૦ નોંધાયો છે, તેની સરખામણીમાં બાંગ્લાદેશ ૪૯.૨ અને પાકિસ્તાન ૪૮.૯નો સ્કોર ધરાવે છે.

અહેવાલમાં નિર્ધારિત ધોરણો મુજબ ભારત સહિતની લગભગ ૨.૮ અબજ બહેનો લૈંગિક સમાનતાના સંદર્ભમાં ખૂબ નબળાની શ્રેણીમાં આવે છે.

ભારતમાં લૈંગિક સમાનતાના સંદર્ભમાં વિવિધ નિર્દેશકોનું ચિત્ર તપાસીએ, તો સૌથી વધુ સારો સ્કોર આરોગ્યમાં ૭૯.૯ નોંધાયો છે. ભૂખમરો તથા કુપોષણમાં ૭૬.૨ અને ઊર્જામાં ૭૧.૮નો સ્કોર નોંધાયેલ છે. જ્યારે વિકાસમાં એકંદર સહભાગીદારીમાં સ્કોર સૌથી ઓછો ફક્ત ૧૮.૨નો જોવા મળ્યો છે. આ સિવાય ઔદ્યોગિક ક્ષેત્રમાં ૩૮.૩ તથા હવામાન-પરિવર્તનમાં ૪૩.૪નો સ્કોર નોંધાયો છે.

ભારતમાં ૧૮-૨૫ વર્ષની પરણિત કે અપરિણીત મહિલાઓમાં સર્વેક્ષણકૃત મહિલાઓની ૪૭% બહેનો ઘરેલુ હિંસા માટે સંભવતઃ એમની પોતાની જ જાતને જવાબદાર ગણાવે છે. આ સંદર્ભમાં સર્વેક્ષણકૃત ૧૫ વર્ષની દીકરીઓ પૈકી ૬૯% દીકરીઓને મુક્ત રીતે હરવાફરવા માટે એકંદરે સલામતીનો સંતોષ અનુભવ્યો છે.

પ્રશ્ન આંકડા અંગે સંતોષ કે અસંતોષનો નથી. આ પ્રકારનાં સર્વેક્ષણોમાં પણ હજી તળિયા સુધીનું વાસ્તવિક ચિત્ર ઓછું આવે છે. દા.ત. ભારતમાં ૧૭મી લોકસભામાં કુલ ૫૪૨ સભ્યો પૈકી ૭૮ મહિલા સભ્યો છે. તે આંક અગાઉની લોકસભાઓ કરતાં ચોક્કસ વધુ છે, પણ ટકાવારી પ્રમાણ ઘણું ઓછું છે. ભારતના નવા મંત્રીમંડળમાં મહિલાઓનું પ્રમાણ અગાઉના મંત્રીમંડળમાં જે હતું, તેના કરતાં સૌથી ઓછું છે. ૨૫-૪૦ વર્ષના કુલ ૬૪ સંસદસભ્યો છે. પણ તેમાં મહિલા સંસદસભ્યો ૨૦ છે. શ્રમ ભાગીદારીના આંકડાઓ પણ મહિલાઓ પાછળ હોવાનો સ્પષ્ટ નિર્દેશ કરે છે. તેથી આ અહેવાલ કરતાં પણ લૈંગિક સમાનતાના સંદર્ભમાં આપણું ચિત્ર થોડું વધારે નબળું હોવાની સંભાવના છે. આપણા દેશમાં મહિલાઓના સ્થાન સંદર્ભે પણ આપણે સગવડિયા કર્મકાંડમાં સંતોષ માનીએ છીએ. વિકાસદરની પ્રાપ્તિમાં આપણા દેશમાં મહિલાઓનો સાધન તરીકે જેટલો ઉપયોગ થાય છે, તેની સરખામણીમાં વિકાસનો લાભ મહિલાઓમાં રૂપાંતરિત ખૂબ ઓછો થાય છે, એટલે કે નારીસમાનતાની મંઝિલ ભારત માટે હજી ઘણી દૂર છે.

અધ્યાપક સહાયક (અર્થશાસ્ત્ર), તોલાણી કૉલેજ ઑફ આટ્‌ર્સ એન્ડ સાયન્સ, આદિપુર, કચ્છ

સૌજન્ય : “અભિદૃષ્ટિ”, ઑગસ્ટ 2019; વર્ષ – 13; અંક – 141; પૃ. 18-19

Loading

...102030...2,8842,8852,8862,887...2,8902,9002,910...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved