Opinion Magazine
Number of visits: 10,229,521
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ધરમના પ્રકાશ અને પડછાયા !

રમેશ ઓઝા|Opinion - Opinion|8 September 2019

મહાત્મા ગાંધીએ કહ્યું છે કે આ જગતમાં જેટલા ધર્મો છે એ બધા જ સાચા ધર્મો છે અને એ બધા જ ધર્મો ક્ષતિગ્રસ્ત પણ છે. આ કથન ખૂબ અર્થગંભીર છે. દરેક ધર્મના ઝનૂની લોકો એમ માને છે કે તેમનો ધર્મ જ સાચો, શ્રેષ્ઠ અને સંપૂર્ણ ધર્મ છે અને બાકીના બધા ધર્મો અધૂરા છે. જો દરેકે દરેક ધર્મનો અનુયાયી આમ માનવા લાગે તો જગતનું શું થાય? સહઅસ્તિત્વ અશક્ય થઈ જાય. માટે ગાંધીજીએ કહ્યું છે કે બધા ધર્મો સાચા છે.

તેમણે આવું બધાને રાજી રાખીને વિવિધ ધર્માનુયાયીઓ વચ્ચે સહઅસ્તિત્વ આસાન કરવા માટે નથી કહ્યું. ચાલાકી નહોતી. તું પણ સાચો અને તું પણ સાચો એવો ઈરાદો નહોતો. ગાંધીજી એમ માનતા હતા કે દરેક ધર્મના પ્રવક્તા વિલક્ષણ પ્રતિભા ધરાવતા હતા. તેઓ પવિત્ર હતા, સાધક હતા અને સિદ્ધ હતા એ માની લેવામાં પણ વાંધો ન હોવો જોઈએ. એ મહાનુભાવોએ પોતાના યુગને પારખ્યો હતો, પ્રજાની જરૂરિયાત સમજી લીધી હતી અને દીર્ઘકાલ સુધી ઉપયોગી થાય એવાં સૂચનો કર્યા હતાં અને એ રીતે પોતાનું પ્રામાણિક જીવન જીવ્યા હતા. તેઓ તેમના યુગના અને તેમના સમાજના પેગંબર હતા. આ અર્થમાં દરેક ધર્મ સાચા છે.

આ સાથે દરેક ધર્મ ક્ષતિગ્રસ્ત પણ છે. જો ધર્મો ઈશ્વરે રચ્યા હોત તો જગતમાં આટલા બધા ધર્મો ન હોત. આખા જગતની પ્રજા ઈશ્વરની પ્રજા છે એટલે એક સરખો ધર્મ દરેક લોકો માટે હોવો જોઈતો હતો. બીજું ધર્મોમાં વધારો ઘટાડો ન થતો હોત. અત્યારે તો દર સદીમાં એકાદ ધર્મ કે સંપ્રદાય ઉમેરાય છે. કોઈ ચોક્કસ ધર્મ જો સંપૂર્ણ હોત તો તેમાં સંપ્રદાયના અને પેટા સંપ્રદાયના વિભાજનો ન થયાં હોત. જગતમાં ભાગ્યે જ કોઈ ધર્મ હશે જેમાં વિભાજન ન થયાં હોય. ધર્મમાં કે ધર્માચરણ કરાવનારાઓમાં કોઈક ખામી જોઈ અથવા પોતાનો નોખો ચૂલો માંડવામાં કોઈ સ્વાર્થ જોયો એટલે તો વિભાજીત થઈને અલગ પડ્યા ને? દરેક ધર્મના આદેશ સ્થળ અને કાળ દ્વારા મર્યાદિત છે. એ વાત ખરી કે કેટલાંક કથનો સનાતન સત્ય સમાન હોય છે, પણ દરેક નથી હોતાં. જેને આપણે પયગંબર કહીએ કે અવતાર પુરુષ કહીએ તેના યુગમાં જે કથન પ્રાસંગિક હોય એ અન્ય સ્થળે, અન્ય સમાજમાં, અન્ય યુગમાં પ્રાસંગિક ન પણ હોય. જો ચિરંતન પ્રાસંગિકતા સનાતન સત્ય છે તો સ્થળ-કાળની અપ્રાસંગિકતા પણ સનાતન સત્ય છે.

માટે જ ગાંધીજીએ કહ્યું છે કે જગતના બધા જ ધર્મો સાચા છે, પણ કોઈ ધર્મ ખામીરહિત સંપૂર્ણ નથી. જેવી શ્રેષ્ઠ અને સંપૂર્ણ હોવાની વાત આવી કે પ્રતિવાદ શરૂ થાય અને પ્રતિવાદ કરવા માટે બીજા ધર્મોમાંની ખામી વીણીવીણીને બતાવવામાં આવે. અન્ય ધર્મના ધર્માનુયાયીના આચરણની ખામી ધર્મ ઉપર આરોપવામાં આવે અને પોતાનાં ધર્મનાં શ્રેષ્ઠ વચનોનો આશરો લઈને પોતે પાપાચરણ કરતા હોય તો પણ પોતાને દોષમુક્ત કરવામાં આવે. અનુયાયીઓનું આ મિથ્યાભિમાન અને પાખંડ ધર્મને લજવે છે.

જો દરેક વ્યક્તિ એમ સ્વીકારી લે કે દરેક ધર્મમાં કોઈક એવી ચીજ કહેવાઈ છે જે સનાતન સત્ય સમાન છે; જે દરેક યુગમાં, દરેક સ્થળે દરેક સમાજને ઉપયોગી થાય એમ છે. આ સાથે એમ પણ સ્વીકારી લે કે મારા ધર્મ સહિત જગતના દરેક ધર્મમાં એવું કાંઈક જોવા મળે છે જે મૂળભૂત માનવીયતાની વિરુદ્ધ છે એટલે ત્યાજ્ય છે. હું ધર્મની નિંદા નહીં કરું, પણ જે શોભનીય નથી એનો બચાવ પણ નહીં કરું. કેટલી સરળ વાત, પણ કેટલી અઘરી પડે છે નહીં!

ગાંધીજીને ટાંકીને આટલી પૂર્વભૂમિકા એટલા માટે બાંધવી પડી છે કે હિંદુઓને ઈસ્લામ અને મુસલમાનો માટે પૂર્વગ્રહ છે. તેઓ કાંઈ પણ જાણ્યા વિના બધું જ જાણે છે અને શરમાયા વિના નિંદે છે. મુસલમાનો એમ માને છે કે માત્ર તેમનો ધર્મ સાચો છે, સંપૂર્ણ છે અને શ્રેષ્ઠ છે. તેઓ ઈસ્લામમાં સ્થળ-કાળની મર્યાદા સ્વીકારવા તૈયાર નથી. ખિલાફત આંદોલન વખતે ગાંધીજી જે મૌલાના શૌકતઅલીને પોતાના ભાઈ તરીકે ઓળખાવતા હતા અને દેશભરમાં સાથે ફેરવતા હતા એ મૌલાના શૌકતઅલીએ જ્યારે ગાંધીજી સાથે વાંકું પડ્યું ત્યારે કહ્યું હતું કે ગાંધીજી કરતાં બળાત્કારી મુસલમાન શ્રેષ્ઠ છે કારણ કે તે મુસલમાન છે અને ગાંધીજી કાફિર છે. ગાંધીજીએ ભારતીય પ્રજાને ધર્મને મુલવવાની ધર્મની જે એરણ આપી છે એ પ્રાસંગિક છે. ગાંધીજીને એની જરૂરિયાત વર્તાઈ હતી એ આપણને પણ વર્તાવી જોઈએ.

*****

ભારતમાં જ્યાં સુધી ઇસ્લામ ધર્મ નહોતો આવ્યો ત્યાં સુધી હિંદુઓએ આની ખાસ ચિંતા કરવાની જરૂર નહોતી. જે કોઈ વિદેશથી આવતા હતા એ હિંદુ ખરલમા વટાઈને હિંદુ થઈ જતા હતા. આનું કારણ એ હતું કે તેઓ જે કોઈ ઈશ્વરી શ્રદ્ધા લઈને આવતા હતા એ તેમની પોતીકી- સામાજિક – પરંપરાગત શ્રદ્ધા હતી; કોઈ ચોકઠાબંધ ધર્મ નહોતો જેને આપણે અંગ્રેજીમાં ઓર્ગેનાઈઝ્ડ રિલીજિયન કહીએ છીએ. આમ હિંદુ ખરલ સામે હજુ સુધી પડકાર પેદા નહોતો થયો જે ઇસ્લામના આગમન સાથે થયો હતો.

આમ છતાં ય ખરલે કોઈક રસ્તો કાઢ્યો હોત, પરંતુ ભારતનાં દુર્ભાગ્ય કે ભારતમાં જે ઈસ્લામ આવ્યો એ “શુદ્ધ ઈસ્લામ” નહોતો અને ભારતમાં જે મુસલમાન આવ્યા એ “શુદ્ધ મુસલમાન” નહોતા. આ બે વાત સમજી લેવાની જરૂર છે.

ઈસ્લામના પેગંબર મહમ્મદનો જન્મ અરબસ્તાનમાં ઈ.સ. ૫૭૦ની સાલમાં થયો હતો. તેઓ વેપાર કરતા હતા અને ધર્મ કે આધ્યાત્મિકતા સાથે તેમનો દૂર દૂરનો પણ સંબંધ નહોતો. એક દિવસ તેઓ મીનાના પર્વત પર ગયા ત્યારે તેમને ગેબી અવાજ સંભળાયો. મહમ્મદ સાહેબ ડરી ગયા, પરંતુ તેમને કહેવામાં આવ્યું કે ડરવાની જરૂર નથી. આ અલ્લાહનો પ્રજા માટેનો સંદેશ છે જે તારે લોકો સુધી પહોંચાડવાનો છે. એ પછી ૨૩ વરસ સુધી તેમને પયગામ મળતા રહ્યા જેમાંથી ૧૩ વરસ તેઓ મક્કામાં હતા અને ૧૦ વર્ષ મદીનામાં હતા.

મુસલમાનો મહમ્મદ સાહેબને પેગંબર, નબી અને રસૂલ તરીકે ઓળખાવે છે. પેગંબરનો અર્થ થાય છે ઈશ્વરનો સંદેશ (પયગામ) લાવનાર. માનવ-ઉપયોગી પરમ જ્ઞાન સંભળાવનારને નબી કહેવામાં આવે છે. નબી એવો દૂત છે જે ઈશ્વર પાસેથી પરમ જ્ઞાન મેળવીને લોકો સુધી પહોંચાડે છે. રસૂલનો અર્થ પણ દૂત જ થાય છે. આમ લગભગ એક જ અર્થના ત્રણ વિશેષણો મહમ્મદ માટે વપરાય છે.

‘લા ઇલાહ ઈલ્લલ્લાહ મુહમ્મદુર્રસૂલલ્લાહ’ એ ઈસ્લામનો મૂળમંત્ર છે જેનો અર્થ થાય છે ‘અલ્લાહ સિવાય કોઈ પૂજનીય નથી અને મહમ્મદ તેના રસૂલ છે.’ આમ સાચા મુસલમાને અલ્લાહનો અને તેના રસૂલ તરીકે મહમ્મદનો પણ સ્વીકાર કરવાનો. એ પછી મુસલમાનોને પાંચ મૂળભૂત શિક્ષા આપવામાં આવી છે. ૧. કલમો પઢવો અર્થાત્ ‘લા ઇલાહ… વાળા મૂળમંત્રનો પાઠ કરવો. ૨. દિવસમાં પાંચ વાર નમાજ પઢવી એટલે કે પ્રાર્થના કરવી. ૩. વરસમાં એક વાર રમઝાનના મહિનામાં રોજા રાખવા. રમઝાન મહિનો પસંદ કરવાનું કારણ એ હતું કે એ મહિનામાં કુરાનની પહેલી આયાત ઉતરી હતી. ૪. દરેક મુસલમાને પોતાની વાર્ષિક આવકનો ચાલીસમો હિસ્સો (અઢી ટકા) દાન માટે કાઢવો. ૫. બને એટલી વાર મક્કા અને મદીનાની હજ કરવી.

આના પરથી જોઈ શકશો કે જગતનો સરલતમ ધર્મ હોય તો એ ઇસ્લામ ધર્મ છે અને ઇસ્લામના ઝડપી ફેલાવાનું આ રહસ્ય છે. દર્શનની કાથાકૂટ એમાં બહુ ઓછી છે. વ્યવહારધર્મ છે. બીજું ખુદા અને બંદા વચ્ચે કોઈ વચેટિયો નથી. કર્મકાંડના કોઈ આડંબર નથી અને પુરોહિતોની પૈસા વિના ભેદી ન શકાય એવી જમાત નથી. હિંદુ ધર્મમાં જેમ અધિકારભેદની વણઝાર છે એનો ઇસ્લામમાં સદંતર અભાવ છે. મુસલમાન એટલે મુસલમાન, એ સિવાયની બીજી કોઈ ઓળખ નહીં. એટલે ઇસ્સ્લામને જગતનો સૌથી વધુ સમાનતા આધારિત સમાજવાદી ધર્મ તરીકે ઓળખવામાં આવે છે. ઈસ્લામનો જે ઝડપી ફેલાવો થયો એનું કારણ આ સરળતા છે, તલવાર નથી. ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો ઝડપી ફેલાવો થયો એનું કારણ પણ સામાન્ય માણસને આદરપૂર્વકનું સ્થાન આપનારી અને બાથમાં લેનારી સરળતા હતું. 

ઈસ્લામમાં મૂર્તિપૂજા સામે સખત નિષેધ છે. આનું કારણ એ છે કે ઈસ્લામના પ્રાદુર્ભાવ પહેલા આરબો અનેક દેવ-દેવીઓને પૂજતા હતા અને તેના આધારે આપસમાં ઝઘડતા પણ હતા. આરબો હિંસક અને બર્બર હતા અને તેને ઉત્તેજન આપનારું એક કારણ દેવ-દેવીઓ માટેનો પક્ષપાત હતો. ખૂદ મહમ્મદને દેવ-દેવીઓ માટે લોહી રેડનારા આરબોથી જાન બચાવવા મક્કાથી મદીનાની હિજરત કરવી પડી હતી. વળી પૂજામાત્ર અધિકારભેદ પેદા કરે છે. ઉપરાંત આડંબર અને વચેટિયા તો પેદા કરે જ છે. દરેકને એક સરખો દરજ્જો આપનાર, ઈશ્વરપ્રાપ્તિનો દરેકને એક સરખો અધિકારી સમજનાર, જગતનો સૌથી વધુ સમાજવાદી ધર્મ, જગતનો સૌથી સરલતમ ધર્મ; મૂતિપૂજાને કારણે ઝનૂનનો, આડંબરનો તેમ જ વચેટિયોનો શિકાર ન બની જાય એ માટે તેનો નિષેધ કરવામાં આવ્યો છે.

પણ માણસ તો આખરે માણસ છે. તે સરસ કૃતિને બગાડે નહીં તો માણસ નહીં. એટલે ગાંધીજીએ કહ્યું છે કે દરેક ધર્મ સાચા છે અને દરેક ધર્મ ક્ષતિગ્રસ્ત છે. કેટલીક ખામી મૂળમાં જ  છે અને એ પછી તેમાં ખામીઓ ઉમેરાતી ગઈ. એટલી હદે ઉમેરાતી ગઈ કે દરેક ધર્મના મસીહા જો પાછા આવે તો તે તેનો અત્યારનો ધર્મ જોઈને કહે કે આ મારો ધર્મ નથી! ઈસ્લામની બાબતમાં પણ એવું જ બન્યું છે. આમ ભારતમાં જે ઈસ્લામ આવ્યો એ મહમ્મદપ્રેરિત શુદ્ધ ઈસ્લામ નહોતો અને ભારતમાં જે મુસલમાન આવ્યા એ મહમ્મદને અભિપ્રેત એવા સાચા મુસલમાન નહોતા. એમાં ઉમેરાઈ હિંદુઓની ટીપીકલ ઉદાસીનતા અને ઓળખ મેળવવાની તસદી પણ લીધા વિના પૂર્વગ્રહો બાંધવાની મનોવૃત્તિ.

04 સપ્ટેમ્બર 2019

સૌજન્ય :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 08 સપ્ટેમ્બર 2019

Loading

દલિતોને મનુષ્યત્વનું સન્માન અપાવવા ગાંધીજી પ્રચંડ પડકારો વચ્ચે લડ્યા છે

રમેશ ઓઝા|Opinion - Opinion|8 September 2019

બીજા વિશ્વયુદ્ધ પછી સંસ્થાનવાદનો અંત આવ્યો હતો અને ભારત સહિત બીજા સો કરતાં વધુ દેશો આઝાદ થવા લાગ્યા હતા. બીજા વિશ્વયુદ્ધ પછી સંસ્થાનો ટકાવવાં અને તેને ગુલામ બનાવીને શોષણ કરતા રહેવું એ શક્ય રહ્યું નહોતું, એટલે એક પછી એક દેશ આઝાદ થવા લાગ્યા હતા. ભારત છોડીને બીજા કોઈ દેશોમાં ગાંધી નહોતો અને છતાં તેને આઝાદી મળી હતી એટલે એ રીતે ભારતને પણ વગર ગાંધીએ આઝાદી મળી હોત. ઘણા લોકો આવી દલીલ કરે છે. આઝાદી શું એકલા ગાંધીજીને કારણે મળી છે? બીજા લોકોનું શું કોઈ યોગદાન નથી? આપણે તેમને જણાવી દઈએ કે ગાંધીજી ન હોત તો પણ ભારતને આઝાદી મળી હોત.

ગાંધીજીએ પણ ક્યાં આઝાદી અપાવવાનો દાવો કર્યો છે! એક જગ્યાએ એવું તેઓ બોલ્યા નથી. વળી તેમણે તેમની આખી જિંદગીમાં આઝાદી શબ્દ વાપર્યો જ નથી. તેઓ હંમેશાં સ્વ-રાજ શબ્દ જ વાપરતા અને તેનો અર્થ તેમને મન વ્યાપક હતો. રાજકીય આઝાદીને તેઓ સત્તાંતરણ (ટ્રાન્સફર ઑફ પાવર) તરીકે ઓળખાવતા હતા. ખરી આઝાદી અંગ્રેજોથી નહીં પણ અંગ્રેજિયતથી મેળવવાની છે અર્થાત્ – સ્વાર્થ, શરીરસુખ આપનારા ભોગ, શોષણ અને હિંસા આધારિત આધુનિક પાશ્ચાત્ય સભ્યતાથી મેળવવાની છે. આમ ગાંધીજીને રાજકીય આઝાદી સાથે આડકતરો સંબંધ હતો, સીધો નહોતો. રાજકીય આઝાદી મળે તો સ્વ-રાજનો પ્રયોગ કરવા માટે રસ્તો ખૂલે એ અર્થમાં. બીજા શબ્દોમાં એમ પણ કહી શકાય કે આઝાદી એ સાધન હતું, સાધ્ય નહોતું. સાધ્ય તો સ્વરાજ હતું. સ્વ-રાજ. આ રીતે ગાંધીજીને આઝાદી અપાવનારા તરીકે ઓળખાવવા એ છત્રપતિ શિવાજીને હિંદુ રાજ્યની સ્થાપના કરનારા મરાઠા તરીકે ઓળખાવવા જેવું થયું.

આમ ગાંધીજીએ ભારતને આઝાદી અપાવી એ બોજથી જો ગાંધીવિરોધીઓને આઝાદ થવું હોય તો તેઓ આ ક્ષણે જ થઈ શકે એમ છે. પણ એક બીજા સવાલથી તેઓ આઝાદ થઈ શકે એમ નથી. ગઈ સદીમાં જે સો કરતાં વધુ દેશો આઝાદ થયા એમાંથી કેટલા દેશો ખરા અર્થમાં આઝાદી ટકાવી શક્યા છે? શું પાકિસ્તાન ખરા અર્થમાં આઝાદ છે? જો પાકિસ્તાનને તમે ખરા અર્થમાં આઝાદ ન માનતા હો તો તમારે આઝાદીનો ખરો અર્થ પણ કરવો પડશે. આ બધા દેશોમાં આંતરવિગ્રહથી લઈને સ્વીકાર કરવામાં આવેલા બંધારણના આખેઆખા ઢાંચાને બદલીને લોકશાહીનો પ્રાણ હરી લેવા સુધીની ઘટનાઓ બની છે. શ્રીલંકા પણ આમાં અપવાદ નથી. ભારત એક માત્ર એવો દેશ છે જે સ્વીકૃત બંધારણના ઢાંચાને બદલ્યા કે લોકતંત્ર ગુમાવ્યા વિના ટકી રહ્યો છે.

અહીં ગાંધીજી આવે છે અને એ ગાંધીના ‘બોજ’ને ગાંધીવિરોધીઓ ફગાવી શકે તેમ નથી. એવું તે કયું યોગદાન હતું ગાંધીજીનું કે આપણે આપણી આઝાદી (હજુ સ્વરાજ નહીં), મહામૂલી લોકશાહી સાથે અને મૂળ બંધારણીય ઢાંચા સાથે ટકાવી શક્યા? ગાંધીજીના આ યોગદાનને નકારી શકાય એમ નથી. આગળ કહ્યું એમ ગાંધીજીને તો સ્વરાજ જોઈતું હતું, પરંતુ સાધ્ય માટેના સાધન તરીકે તેમણે આધુનિક રાજ્યનો સ્વીકાર કર્યો હતો અને તેની તરફેણમાં દેશભરમાં પ્રજાને તૈયાર કરી હતી અને સર્વસ્વીકૃતિ બનાવી હતી.

બીજા દેશો લોકશાહીયુક્ત આઝાદી ટકાવી ન શક્યા અને ભારત ટકાવી શક્યું એનું કારણ રાષ્ટ્રીય સર્વસંમતિ હતું અને તેનો શ્રેય ગાંધીજીને જાય છે. આ બાબતનો શ્રેય તો એકલા ગાંધીજીને જ જાય છે, એમાં બીજો કોઈ ભાગીદાર થઈ શકે એમ નથી. ગાંધીજીના મહાત્મા હોવાપણાને નકારો, રાષ્ટ્રપિતાપણાને નકારો,  નિર્વૈર અને નિર્ભય હતા એનો અસ્વીકાર કરો, બીજી કળશીએક ગાળો આપવી હોય તો આપો; પણ એ વાતનો ઇન્કાર નહીં કરી શકાય એમ નથી કે તેમણે દેશમાં ભારતીય રાષ્ટ્રની કલ્પનાની તરફેણમાં ઠીકઠીક પ્રમાણમાં સર્વસંમતિ બનાવી હતી. અને આવું કરનારા એકલા ગાંધીજી હતા, માટે રાષ્ટ્રીય સર્વસંમતિનો શ્રેય એકલા ગાંધીને જાય છે.

દેશમાં એ સમયે ગાંધીજીની લોકપ્રિયતા આસમાને હતી. ભક્તોની મોટી ફોજ હતી. તેમનો શબ્દ ઈશ્વરી ગણાતો હતો. તેઓ ધારત તો વિરોધીઓને બોલતા અટકાવી શક્યા હોત. ભક્તોનો વિરોધીઓને બોલતા અટકાવવા માટે ઉપયોગ કરી શકાય એ વાતની જાણ અત્યારના નેતાઓને થઈ છે અને ગાંધીજીને નહોતી એવું થોડું છે! ગાંધીજી ભક્તોનો શ્વાનની જેમ ઉપયોગ કરી શક્યા હોત, પણ તેઓ તો તેમના ભક્તોને પણ વિવેકી માણસ બનાવવા માગતા હતા. એટલે તો ૧૯૨૦માં કલકત્તા કૉન્ગ્રેસમાં ગાંધીજીએ મૂકેલા અસહકારના ઠરાવનો વિરોધ કરનારાં એની બેસન્ટને શ્રોતાઓ બોલવા નહોતા દેતા ત્યારે ગાંધીજીએ તેમને ટપાર્યા હતા. વિરોધીઓને જે ભાષામાં ન નિંદે એવી ભાષામાં તેમણે ભક્તોને નિંદ્યા હતા. ભક્તો પણ સ્વ-રાજના અધિકારી હતા એ ગાંધી જેવો જાગ્રત માણસ કેમ ભૂલે!

ગાંધીજી તેમના નિંદકો અને પ્રતિવાદીઓ સાથે ચર્ચામાં ઉતર્યા હતા. કોઈની પણ ઉપેક્ષા નહોતી કરી. આઝાદ ભારતમાં અમે ક્યાં હશું એવા દલિતોના પોતાના પ્રશ્નો હતા, કેટલીક આશંકા હતી, ભય હતો; જેનું ગાંધીજીએ નિવારણ કર્યું હતું. બને એટલો સધિયારો આપ્યો હતો. તેમણે દલિતોને વચન આપ્યું હતું કે ભારતનું શાસન લોકતાંત્રિક હશે, ભેદભાવ વગર દરેકે દરેક નાગરિક એક જ મતના અધિકારી હશે. શાસન બંધારણીય હશે અને બંધારણ ભારતના દરેક નાગરિકના અધિકારોની રક્ષા કરશે અને દરેક પ્રકારની અમાનવીયતાઓને – તે ધર્મચિંધી હોય તો પણ – તેના પર પ્રતિબંધ મૂકાશે. ન્યાયતંત્ર સ્વતંત્ર હશે વગેરે. છેવટે બંધારણ ઘડવાનું કામ કરનારી મુસદ્દા સમિતિના અધ્યક્ષ ડૉ. આંબેડકરને બનાવ્યા હતા કે જેથી દલિતોનો ભારતીય રાષ્ટ્ર પર ભરોસો બેસે.

ગાંધીજી ધારત તો દલિતોની ઉપેક્ષા કરી શક્યા હોત. આખો દેશ તેમની સાથે હતો અને ગાંધીજીને ઇશારે કોઈને પણ બોલતા બંધ કરી દે એવડી ભક્તોની મોટી ફોજ હતી. આની જગ્યાએ ગાંધીજી દલિતો સાથે ચર્ચામાં ઉતર્યા હતા. કેટલી ચર્ચા. કોઈ માણસ એક જિંદગીમાં એક કોમ સાથે આટલો વિમર્શ કરી શકે એ જોઈને જ આશ્ચર્ય થાય છે. હજારોની સંખ્યામાં ભાષણો, લેખો અને પત્રો એકલા દલિતોના પ્રશ્ને ઉપલબ્ધ છે. આનું પરિણામ એ આવ્યું કે દલિતો દલિત નેતાઓને છોડીને ગાંધીજીની કૉન્ગ્રેસને સમર્થન કરવા લાગ્યા હતા, પછી ભલે દલિત નેતાઓ ગાંધીજીને ગાળો આપતા હોય. ૧૯૩૭માં, ૧૯૪૬માં અને ૧૯૫૨માં ખૂદ ડૉ. આંબેડકરને દલિતો માટેની અનામત બેઠક પર તેમના થયેલા કારમાં પરાજય દ્વારા આનો અનુભવ થઈ ગયો હતો. ત્યારે મહદ્ અંશે દલિતો ગાંધીજી સાથે હતા, દલિત નેતાઓ સાથે નહોતા. 

તો વાતનો સાર એ કે ભક્તોને ભાયાતો બનાવીને ગાંધીજી બાપુઓની જેમ વર્ત્યા હોત તો દલિતો મનોમન ગમે એટલા ધૂંધવાયેલા હોત, પણ બોલી ન શકત. ગાંધીજીએ તેમને બોલતા કર્યા અને નિર્ભય બનાવીને બોલતા કર્યા. સમાન સ્તરે અને સમાન આદર સાથે તેઓ તેમની સાથે ચર્ચામાં ઊતરતા હતા. ગાંધીજીને તેમના જીવનમાં સેંકડો નહીં, કદાચ હજારોની સંખ્યામાં નનામા પત્રો મળ્યા હશે અને નનામા ચોપાનિયા પ્રકાશિત થયા હશે. મોટા ભાગના પત્રો અને ચોપાનિયાઓ સનાતની બ્રાહ્મણો લખતા કે છપાવતા હતા જેમાં કહેવામાં આવતું હતું કે ‘આ માણસ ઢેઢાઓને (દલિતો માફ કરે) ચડાવી મારે છે અને સનાતન ધર્મનો નાશ કરી રહ્યો છે.’ ૧૯૩૪માં દલિતોને ચડાવી મારવાના ગુના માટે પૂનામાં ગાંધીજીની મોટર પર બોમ્બ ફેંકીને તેમની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ગાંધીજી દલિતોની માફક મુસલમાનો સાથે પણ ચર્ચામાં ઊતર્યા હતા. તેમને પણ એ જ કહેવામાં આવ્યું હતું અને એ જ સધિયારો આપવામાં આવ્યો હતો જે દલિતોને આપવામાં આવ્યો હતો. ત્યારે પણ કોમી માનસિકતા ધરાવતા સનાતની હિંદુઓએ ગાંધીજી પર આરોપ મૂક્યો હતો કે તેઓ મુસલમાનોના થાબડભાણા કરી રહ્યા છે અને છેવટે ગાંધીજીની હત્યા કરવામાં આવી હતી. ગાંધીજીએ સીખો સાથે સંવાદ કર્યો હતો, ખ્રિસ્તીઓ સાથે સંવાદ કર્યો હતો, દક્ષિણ ભારતીયો સાથે સંવાદ કર્યો હતો, સ્ત્રીઓ સાથે સંવાદ કર્યો હતો, મિલીજુલી હિન્દુસ્તાની ભાષાની જગ્યાએ સંસ્કૃતનિષ્ઠ હિન્દીનો આગ્રહ રાખનારા હિન્દી સાહિત્યકારો સાથે સંવાદ કર્યો હતો, સનાતની હિંદુઓ સાથે સંવાદ કર્યો હતો અને નાસ્તિકો સાથે પણ સંવાદ કર્યો હતો. વિરાટ કદના નેતા હોવાનો દર્પ તેમનામાં નહોતો. બાપ સંતાન સાથે જે રીતે ચર્ચા કરે એ રીતે તેમણે આઝાદ ભારતના દરેક લાભાર્થી (સ્ટેક હોલ્ડરો) સાથે ચર્ચા કરી હતી.

તેમને મન કોઈ સ્ટેક હોલ્ડર નાનો નહોતો. સંખ્યા સાથે તેમને સરોકાર જ નહોતો, તેમનો સરોકાર માણસ સાથે અને તેના અભિપ્રાય સાથે હતો. જો માનવીનું મૂલ્ય હોય તો તેના અભિપ્રાયનું મૂલ્ય હોવું જોઈએ. ગાંધીજી વિષે એમ કહેવાય છે કે તેઓ તેમના મુલાકાતીને બે મિનિટ આપતા તો એ બે મિનિટ સો ટકા મુલાકાતીની હોય. અત્યંત ધ્યાનપૂર્વક સાંભળે જાણે કે આ જગતમાં મુલાકાતી સિવાય બીજા કોઈનું અસ્તિત્વ જ ન હોય અને તે જે કહી રહ્યો છે તેનાથી વધુ મહત્ત્વની બીજી કોઈ વાત જ ન હોય! ગાંધીજીની આ સાંભળવાની અને અદના માણસને પણ જવાબ આપવાની ખૂબીને કારણે ભારતીય પ્રજામાં ભારતીય રાષ્ટ્ર વિષે એકંદરે સર્વસંમતિ બની હતી.

અલબત્ત ગાંધીજીએ જે ભારતીય રાષ્ટ્રને સર્વસ્વીકૃત કરાવ્યું હતું તેની સામે હિંદુ રાષ્ટ્રવાદીઓને અને સામ્યવાદીઓને વાંધો હતો, પરંતુ તેમને ત્યારે કોઈ પૂછતું નહોતું.

આ જે ભારતીય રાષ્ટ્રની સંકલ્પના વિષે મહદ્ અંશે સર્વસંમતિ હતી તેને કારણે ભારત ઊગરી ગયું. બીજા વિશ્વયુદ્ધ પછી આઝાદ થયેલા બીજા દેશોમાં આનો અભાવ હતો. કોઈક દેશમાં ભદ્રવર્ગ શાસકવર્ગ બની ગયો હતો અને તે શાસનમાં બીજાને ભાગીદારી આપતો નહોતો. બીજા કોઈ દેશમાં બહુમતી કોમ લઘુમતી કોમ સામે ‘દેશ મેં રહેના હો તો ..’ની શરતો મૂકતી હતી અને લઘુમતી કોમને દબાવવાની કોશિશ કરી હતી. કેટલાક દેશોમાં ધર્મ, ધાર્મિકતા અને ધર્મગુરુઓએ રાજ્ય પર કબજો જમાવ્યો હતો. કેટલાક દેશોમાં ભાષાની અસ્મિતાઓએ રાજ્ય પર કબજો જમાવ્યો હતો, જેમ કે બંગલાદેશ. કેટલાક દેશોમાં લશ્કરે અસ્મિતાઓનો સંઘર્ષ પેદા કરાવીને કે એવા સંઘર્ષનો લાભ લઈને રાજ્ય પર કબજો જમાવ્યો હતો, જેમ કે પાકિસ્તાન.

આનો નિષ્કર્ષ કાઢો તો એટલો કે મોટા સ્ટેક હોલ્ડરો નાના સ્ટેક હોલ્ડરોને ગણતરીમાં લેતા નહોતા. તેમને સત્તામાં ભાગીદારી આપતા નહોતા. તેમની ઉપેક્ષા કરતા હતા અને તેમને દબાવીને રાખતા હતા. ગાંધીજીએ આવું નહોતું કર્યું. દરેકને રાષ્ટ્રમાં સન્માન અને દરેકને તેનું સ્થાન. ભારત દેશ અત્યાર સુધી અક્ષુણ ટકી રહ્યો તેનું રહસ્ય આ છે. જેને દૂરનું દેખાતું હોય એવો બાપ હોય એ દરેક સંતાનને લાડ કરે અને વખત આવ્યે થાબડભાણા પણ કરે. તેમને એક સનાતન સત્યની જાણ હોય છે કે જ્યાં કુસંપ હોય એ પરિવારનો નાશ અટલ છે અને દાદાગીરી કરીને કોઈને હંમેશને માટે દબાવીને રાખી શકાતું નથી.

છેલ્લે, આ જગતમાં એવો એક દેશ બતાવો જ્યાં શરતી રાષ્ટ્રવાદ સફળ થયો હોય અને પ્રજા સુખેથી રહેતી હોય. આ સકળ જગતમાંથી માત્ર એક દેશનું ઉદાહરણ આપો. બીજું, ૧૯૪૫ પછી જેટલા દેશો આઝાદ થયા એનો ઇતિહાસ તપાસી જુઓ. તમે પોતે જ જોઈ લો તેમાંથી શું શીખવા મળે છે? ભાયાતોમાં અને ભાઈમાં ફરક છે.

તમે હિંદુ હો તો મોટા ભાઈ બનો અને અન્ય કોઈ હો તો નાનો ભાઈ. લાંબા ગાળાનું આમાં હિત છે.

05 સપ્ટેમ્બર 2019

સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 08 સપ્ટેમ્બર 2019

Loading

ચલ મન મુંબઈ નગરી — 9

દીપક મહેતા|Opinion - Opinion|8 September 2019

મુંબઈમાં ગુજરાતી છાપકામ આવ્યું, છાપેલાં છાપાં ને ચોપડીઓ લાવ્યું

અત્યારે આપ શું વાંચી રહ્યા છો એમ કોઈ પૂછે તો શું જવાબ આપશો? હું વર્તમાનપત્ર વાંચી રહ્યો છું, કે અખબાર વાંચી રહ્યો છું, કે છાપું વાંચી રહ્યો છું? લોકજીભે ચડેલો શબ્દ છાપું છે એટલે મોટે ભાગે અપ કહેશો કે હું છાપું વાંચી રહ્યો છું. આમ તો સાવ સીધો સાદો શબ્દ લાગે છે આ છાપું. જે છપાયેલું છે તે છાપું. પણ હકીકતમાં ‘છાપું’ શબ્દ વર્તમાનપત્ર કે અખબાર માટેની એક અનિવાર્ય જરૂરિયાત પણ બતાવે છે. એ જરૂરિયાત તે છાપકામ, મુદ્રણ, પ્રિન્ટીંગ. સંખ્યાબંધ નકલો, ઓછામાં ઓછા સમયમાં, નિયમિત રીતે તૈયાર કરવી એ મુદ્રણ આવ્યું તે પહેલાં શક્ય જ નહોતું. એટલે છાપકામને પગલે પગલે જ આવ્યું છાપું. અને ગુજરાતી છાપકામની શરૂઆત થઇ તે આજના ગુજરાતના કોઈ શહેરમાં નહિ, પણ આપણા મુંબઈ શહેરમાં.

આરંભકાળનું હાથ વડે છાપવા માટેનું મશીન

હા, પહેલાં આવ્યું અંગ્રેજી છાપકામ અને અંગ્રેજી છાપું. ‘બોમ્બે હેરાલ્ડ’ નામનું પહેલવહેલું છાપું શરૂ થયું ૧૭૮૯માં. બીજે વર્ષે, ૧૭૯૦માં શરૂ થયું તેનું હરીફ ‘બોમ્બે કુરિયર.’ ૧૭૯૧માં ‘બોમ્બે હેરાલ્ડ’નું નામ બદલીને ‘બોમ્બે ગેઝેટ’ રાખવામાં આવ્યું. તે દર અઠવાડિયે બુધવારે પ્રગટ થતું. જ્યારે ‘બોમ્બે કુરિયર’ દર શનિવારે પ્રગટ થતું. તે ૧૮૫૪ સુધી ચાલ્યું અને પછી ‘ધ બોમ્બે ટેલિગ્રાફ’ નામના બીજા એક છાપા સાથે જોડાઈ ગયું. બોમ્બે કુરિયરને સરકારી અને ખાનગી જાહેર ખબરો સારા પ્રમાણમાં મળતી. હવે એ વખતે સરકાર હતી ઇસ્ટ ઇન્ડિયા કંપનીની. અને તેનું મુખ્ય કામ તો વેપારનું હતું. એટલે કંપની સરકારના કેટલાક અધિકારીઓના ધ્યાનમાં એક વાત આવી. આપણે માત્ર અંગ્રેજીમાં જાહેરાતો કે જાહેર ખબરો છપાવીએ છીએ તે તો બહુ ઓછા લોકો સુધી પહોંચે છે. કારણ એ વખતે આ દેશમાં અંગ્રેજી જાણનારા કેટલા? એ વખતે બોમ્બે પ્રેસિડેન્સીમાં નહોતી બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપતી સ્કૂલો કે કોલેજો. તો બીજી બાજુ ગુજરાતી, મરાઠી જેવી ‘દેશી’ ભાષાઓમાં નહોતું એક પણ છાપું. પણ હા, એક કામ થઇ શકે. અંગ્રેજી છાપામાં ગુજરાતી, મરાઠી જેવી ભાષામાં જાહેર ખબર કે જાહેરાત તો છાપી જ શકાય ને! પણ ખાટલે મોટી ખોડ એ હતી કે એ વખતે ગુજરાતી-મરાઠી જેવી ભાષાઓના ટાઈપ જ કોઈએ બનાવ્યા નહોતા અને એટલે એવી ‘દેશી’ ભાષાઓમાં છાપવાનું શક્ય નહોતું.

મુંબઈનું બીજું અંગ્રેજી છાપું ‘બોમ્બે કુરિયર’

પણ આવી બાબતોમાં ‘બોમ્બે કુરિયર’ના માલિક-તંત્રી એશબર્નર હતા ઉત્સાહી. વળી આવી જાહેર ખબરોની વધારાની આવક થાય એનો લોભ પણ ખરો. અને આજની જેમ એ વખતે પણ મુંબઈના વેપારવણજ પર ગુજરાતીઓનું પ્રભુત્વ. એટલે અહીં ‘દેશી’ ભાષાઓમાંથી પહેલું મુદ્રણ થયું ગુજરાતીમાં. અને તે માટે ‘બોમ્બે કુરિયર’ અને એશબર્નારને મોટી મદદ મળી એક એકલવીર પારસી નબીરા તરફથી. એમનું નામ બહેરામજી છાપગર. મૂળ વતની સુરતના. ૧૭૯૦ના અરસામાં મિત્ર નસરવાનજી જમશેદજી દાતારની સાથે મુંબઈ આવ્યા અને લુક એશબર્નરની માલિકીના ‘બોમ્બે કુરિયર’ અખબારના છાપખાનામાં કમ્પોઝીટર (બીબાં ગોઠવનાર) તરીકે જોડાયા. છાપકામનો અનુભવ તો ક્યાંથી હોય, પણ આપબળે કમ્પોઝ કરતાં શીખ્યા એટલું જ નહિ, પ્રેસને જરૂર પડી ત્યારે એકલે હાથે ગુજરાતી બીબાં પણ બનાવી આપ્યાં. આપણી ભાષા છાપવા માટેનાં એ પહેલવહેલાં બીબાં. એ અર્થમાં એમને ગુજરાતી મુદ્રણના જનક કહી શકાય. પણ આવું ખાતરીપૂર્વક કઈ રીતે કહી શકાય? બે કારણે. પહેલું કારણ: પારસીઓ અને તેમના પ્રદાન અંગેના અમૂલ્ય ગ્રંથ ‘પારસી પ્રકાશ’માં બહેરામજી વિષે નોંધ્યું છે કે “મિ. એશબર્નરે એવન પાસે ગુજરાતી બીબાં પણ મુંબઈમાં ઓટાવ્યાં હતાં.” બીજું કારણ: બોમ્બે કુરિયર પ્રેસમાં જ છપાઈને ૧૭૯૭માં એક પુસ્તક પ્રગટ થયું હતું: ‘ગ્રામર ઓફ ધ મલબાર લેન્ગવેજ.’ લેખક હતા ડો. રોબર્ટ ડ્રમંડ. આ ભાષાનાં બીબાં હિન્દુસ્તાનમાં તો મળશે નહિ એટલે પુસ્તક ઇન્ગ્લંડમાં છપાવવું પડશે એમ લેખકના મનમાં હતું. પણ મુંબઈ આવ્યા પછી બહેરામજી છાપગરે બનાવેલાં આ ભાષાનાં બીબાં તેમણે જોયાં. ખૂબ પસંદ પડ્યાં એટલે પુસ્તક બોમ્બે કુરિયર પ્રેસમાં જ છપાવ્યું. પુસ્તકની પ્રસ્તાવનામાં લેખકે આ વાત તો નોંધી જ છે, પણ સાથોસાથ એ વાત પણ નોંધી છે કે આ જ બહેરામજીએ એકલે હાથે ગુજરાતી લિપિનાં બીબાં પણ બનાવ્યાં હતાં. એટલું જ નહિ, જરા ચાતરીને પ્રસ્તાવનામાં જ તેમણે આ ગુજરાતી બીબાંના નમૂના પણ આમેજ કર્યા છે. એટલે ૧૭૯૭ સુધીમાં બહેરામજીએ એકલે હાથે ગુજરાતી બીબાં બનાવ્યાં હતાં એ નક્કી. પણ હકીકતમાં બહેરામજીએ ગુજરાતી બીબાં બનાવ્યાં હતાં ૧૭૯૬મા. એ અંગેની જાહેરાત ખુદ બોમ્બે કુરિયરમાં જ ૧૭૯૬મા છપાઈ છે. તેમાં બહેરામજીની મદદથી અમે ગુજરાતી બીબા તૈયાર કર્યાં છે, અને એટલે હવે અમે ગુજરાતીમાં પણ મજકૂર છાપી શકશું એવી જાહેરાત કરી છે અને હવે પછી ગુજરાતીમાં લખેલ જાહેરાત કે જાહેર ખબર મોકલવા આમંત્રણ આપ્યું છે.

બહેરામજીએ બનાવેલાં ગુજરાતી બીબાં અંગેની જાહેરાત

બહેરામજીને હાથે બીજું પણ એક મોટું કામ થયું – જાણ્યે કે અજાણ્યે, એ કહેવું મુશ્કેલ છે. છાપકામની શરૂઆત થઇ તે પહેલાંની હસ્તપ્રતોમાં ગુજરાતી અક્ષરોને માથે પણ સંસ્કૃત કે મરાઠીની જેમ શિરોરેખા રહેતી. ૧૭૯૭ના જાન્યુઆરીની ૨૯ તારીખે બોમ્બે કુરિયરમાં જે ગુજરાતી જાહેર ખબર છપાઈ તેમાં ગુજરાતી અક્ષરોને માથે પણ શિરોરેખા હતી. પણ એ જ વર્ષના જુલાઈ મહિનામાં બોમ્બે કુરિયરમાં બીજી એક ગુજરાતી જાહેર ખબર છપાઈ. તેમાં શિરોરેખા જોવા મળતી નથી. ત્યારથી ગુજરાતીના મુદ્રણમાંથી શિરોરેખા ગઈ તે ગઈ. ઓગણીસમી સદીની પહેલી પચ્ચીસીમાં પહેલવહેલાં ગુજરાતી પાઠ્ય પુસ્તકો પ્રગટ થયાં તેમાંથી પણ ઘણાંમાં શિરોરેખા વગરની ગુજરાતી લિપિ વપરાઈ હતી. હાથે લખાયેલા લખાણોમાંથી પણ પછી ધીમે ધીમે શિરોરેખા દૂર થઇ. ગુજરાતી લિપિને વધુ સરળ અને સુગમ બનાવવાના આ મોટા કામની પહેલ બહેરામજીએ કરી.  

આ બહેરામજીનો જન્મ ક્યારે થયેલો એ જાણવા મળતું નથી. પણ તેમનું અવસાન થયું ૧૮૦૪ના માર્ચની પાંચમી તારીખે. અને ‘પારસી પ્રકાશ’ નોંધે છે કે તે વખતે તેમની ઉંમર પચાસ વર્ષની હતી. એટલે તેમનો જન્મ ૧૭૫૪ની આસપાસ થયો હોવો જોઈએ. તેવી જ રીતે તેમની ‘છાપગર’ અટક તેઓ ‘બોમ્બે કુરિયર’માં જોડાયા પછી પડી, કે સુરતમાં હતા ત્યારથી જ એ અટક હતી એ પણ કહેવું મુશ્કેલ છે. સુરતમાં હતા ત્યારે તેઓ કયો ધંધો કરતા હતા તેની પણ ખબર નથી. પણ એક શક્યતા એવી છે કે તેઓ કાપડ પરના બ્લોક પ્રિન્ટિંગના કામ સાથે સંકળાયેલા હોય અને તેથી મુંબઈ આવ્યા પહેલાં જ છાપગર તરીકે ઓળખાતા હોય. બહેરામજીના અવસાનનાં દસ વર્ષ પછી તેમના દીકરા જીજીભાઈ પણ ૧૮૧૪માં બોમ્બે કુરિયરમાં જોડાયા હતા અને વખત જતાં તેના હેડ કમ્પોઝીટર બન્યા હતા. આજે હવે હેન્ડ કમ્પોઝનો જમાનો નથી રહ્યો. ડિજિટલ પ્રિન્ટિંગનો જમાનો છે. છાપાં તૈયાર થાય છે કમ્પ્યુટર પર. છપાય છે ખૂબ ઝડપી અત્યાધુનિક મશીનો પર. અને એટલે ધાતુનાં બીબાં પણ વપરાતાં લગભગ બંધ થયાં છે. પણ તેથી કાંઈ બહેરામજીએ એકલે હાથે કરેલા કામનું મહત્ત્વ ઓછું થતું નથી. કારણ આજે કમ્પ્યુટરમાં પણ જે ગુજરાતી ફોન્ટ વપરાય છે તેના પણ વડદાદા તો આ બહેરામજી છાપગર જ.

ડો. ડ્રમન્ડનાં પુસ્તકની પ્રસ્તાવનામાં છાપેલાં ગુજરાતી બીબાંનાં નમૂના

પણ વાત આટલેથી અટકતી નથી. મુંબઇના જે બોમ્બે કુરિયર પ્રેસમાં ૧૭૯૭માં પહેલીવાર ગુજરાતી મજકૂર છપાયો તે જ પ્રેસમાં છપાઇને ૧૮૦૮માં પહેલુંવહેલું ગુજરાતી પુસ્તક બહાર પડયું. એ પુસ્તકનું લાંબુલચક નામ હતું: ‘ઇલસ્ટ્રેશન્સ ઑફ ધ ગ્રામેટિકલ પાર્ટસ ઑફ ધ ગુજરાતી મરહટ્ટ એન્ડ ઇંગ્લિશ લેંગ્વેજિસ.’ નામ જ સૂચવે છે તેમ આ પુસ્તક ત્રિભાષી હતું. ગુજરાતી અને મરાઠી વ્યાકરણનો તેમાં અંગ્રેજી દ્વારા પરિચય આપવામાં આવ્યો હતો. પુસ્તકનો હેતુ, અલબત્ત, હિન્દુસ્તાનમાં, ખાસ કરીને મુંબઈ ઇલાકામાં, કામ કરતા અંગ્રેજ અફસરો અને પાદરીઓને બે સ્થાનિક ભાષા જાણવામાં મદદરૂપ થવાનો હતો. આ પુસ્તકમાં ગુજરાતી મજકૂર છાપવા માટે જે બીબાં વપરાયાં છે તે બહેરામજીએ બનાવેલાં તે જ બીબાં હોય તેમ અક્ષરો સરખાવી જોતાં લાગે છે. અલબત્ત, બહેરામજીનું તો ૧૮૦૪માં અવસાન થયેલું. એટલે આ પુસ્તકનો ગુજરાતી મજકૂર તેમણે કમ્પોઝ કર્યો ન હોય. પણ અ કામ કરી શકે એવો બીજો કોઈ કમ્પોઝીટર એ પ્રેસ પાસે તે વખતે હોવો જોઈએ. પણ તેનું નામ કોઈ જાણતું નથી. આ પુસ્તક તે મુંબઇમાં છપાયેલું પહેલું મરાઠી પુસ્તક પણ છે. તેના લેખક હતા એક અંગ્રેજ ડૉ.રોબર્ટ ડ્રમન્ડ. ‘ગ્રામર ઓફ ધ મલબાર લેન્ગવેજ.’ નામના પોતાના પુસ્તકની પ્રસ્તાવનામાં જેમણે બહેરામજી અને તેમનાં બનાવેલાં ગુજરાતી બીબાંનો ઉલ્લેખ કર્યો છે અને નમૂના પણ છાપ્યા છે તે જ આ ડો. ડ્રમન્ડ. વ્યવસાયે સરકારી સર્જન. આજની એશિયાટિક સોસાયટી ઑફ મુંબઇની પુરોગામી સંસ્થા લિટરરી સોસાયટી ઑફ બોમ્બેની ૧૮૦૪ના નવેમ્બરની ૨૬મીએ સ્થાપના થઇ ત્યારે તેના સ્થાપકોમાંના એક હતા ડૉ. ડ્રમન્ડ. આ પુસ્તક પ્રગટ થયું તે પછીના વર્ષે તેઓ સ્વદેશ જવા રવાના થયા.

પહેલવહેલું ગુજરાતી પુસ્તક

તારીખ-વાર તો જાણવા મળતાં નથી, પણ ઈ.સ. ૧૮૦૮ના કોઈક દિવસે લેડી જેન ડન્ડાસ નામનું શઢવાળું વહાણ કલકત્તાથી લંડન જવા નીકળ્યું. સાથે બીજાં ત્રણ વહાણો હતાં – કલકત્તા, બેન્ગાલ, અને જેન ડચેસ ઓફ ગોર્ડન. આવી મુસાફરીને એ વખતે આઠ-દસ મહિના લાગતા, અને રસ્તામાં જોખમો પણ ઘણાં, એટલે કોઈ વહાણ એકલ-દોકલ ભાગ્યે જ જાય. કાફલામાં જ સફર ખેડે. ૧૮૦૯ના માર્ચની ૧૪મી તારીખ સુધી તો બધું હેમખેમ હતું. એ દિવસે ચારે વહાણો મોરેશિયસથી સુખરૂપ રવાના થયાં. પણ પછી ક્યાં ગયાં તેની કોઈને ખબર પડી નહિ. ભયંકર વાવાઝોડામાં ફસાઈને ચારે વહાણ ડૂબ્યાં. લેડી જેન ડંડાસ પર જે મુસાફરો હતા તેમાંના એક હતા ડોક્ટર રોબર્ટ ડ્રમન્ડ.

લેડી જેન ડન્ડાસ નામનું શઢવાળું વહાણ

ડો. ડ્રમન્ડનો જન્મ ક્યાં અને ક્યારે થયો તેની વિગતો તો મળતી નથી. પણ ૧૭૯૬માં તેઓ મુંબઈ ઈલાકાની સરકારની તબીબી સેવામાં જોડાયા એવી નોંધ મળે છે. વડોદરામાં રેસિડન્ટ સર્જન તરીકે અને ગુજરાતના અપીલ એન્ડ સર્કિટ જજના સર્જન તરીકે કામ કર્યું હતું એટલે તેમને ગુજરાતી ભાષાનો સારો એવો પરિચય. વખત જતાં તેઓ મુંબઈ સરકારના આસિસ્ટન્ટ સર્જન અને પછી સર્જન જનરલ બન્યા.. આ પુસ્તક લખાતું હતું તે દરમ્યાન જ ડો. ડ્રમન્ડે સ્વદેશ પાછા જવાનું નક્કી કર્યું હશે. કારણ પ્રસ્તાવનામાં તેમણે આ પુસ્તકને ‘Parting pledge of veneration’ તરીકે ઓળખાવ્યું છે. ગુજરાતી ભાષાના આ પહેલવહેલા પુસ્તક માટે આગોતરા ગ્રાહકો નોંધવામાં આવ્યા હતા. (જો કે પુસ્તકમાં ક્યાં ય તેની કિંમત છાપી નથી.) કુલ ૪૬૭ નકલ આગોતરી વેચાઈ ગઈ હતી. તેમાંથી સો નકલ મુંબઈના ગવર્નરે ખરીદી હતી.

પુસ્તકની શરૂઆતમાં ગુજરાતી અને મોડી લિપિમાં સ્વર-વ્યંજનનો કોઠો આપ્યો છે. (શરૂઆતમાં મરાઠી પુસ્તકો છાપવા માટે મોડી લિપિ વપરાતી.) તે પછી સંસ્કૃત વ્યાકરણને અનુસરીને ગુજરાતી અને મરાઠી નામની સાત વિભક્તિનાં એક વચન અને બહુ વચનનાં રૂપ આપ્યાં છે. પછી સર્વનામ અને આખ્યાતનાં રૂપો આપ્યાં છે. ત્યાર બાદ સામાન્ય વપરાશના કેટલાક શબ્દો કે શબ્દ-સમૂહો ગુજરાતી અને મરાઠીમાં આપી અંગ્રેજીમાં તેની સમજૂતી આપી છે. એ વખતે ધૂડી નિશાળોમાં કક્કો, બારાખડી, આંક શીખવવા માટે જે ઉપદેશાત્મક વાક્યો ગોખાવાતાં તે પણ અહીં આપ્યાં છે. ગુજરાતી કહેવતોનો પણ સર્વ પ્રથમ સંગ્રહ – ભલે નાનો – પણ આ પુસ્તકમાં થયો છે. કહેવતોનો અંગેજી અનુવાદ પણ આપ્યો છે. પુસ્તકનો છેલ્લો ભાગ છે ‘ગ્લોસરી.’ આમ તો ગ્લોસરી એટલે શબ્દસૂચિ કે શબ્દસંગ્રહ. પણ અહીં ડ્રમન્ડે જે આપ્યું છે તે તેના કરતાં ઘણું વધારે છે. ‘પારસી’ કે સતી’ જેવા શબ્દો સમજાવવા માટે તો તેમણે નાના નિબંધો જ લખ્યા છે. બાયડી અને બૈરી જેવા શબ્દોના પ્રદેશભેદે થતા અર્થભેદ પણ નોંધ્યા છે. વ્યાકરણ ઉપરાંત, ભલે સંપૂર્ણ ન કહી શકાય તો ય આપણી ભાષાનો આ પહેલો સાર્થ શબ્દકોશ છે, પહેલી ગુજરાતી-અંગ્રેજી ડિક્ષનરી છે. ૧૮૦૮માં છપાયેલું આ પહેલવહેલું ગુજરાતી પુસ્તક અત્યંત દુર્લભ છે.

મુદ્રણને પ્રતાપે આપણા સમાજમાં, જીવનમાં, રહેણીકરણીમાં જે પરિવર્તન આવ્યું તેનો આજે આપણને ખ્યાલ ન આવે કારણ કે છાપેલો શબ્દ હવે આપણે માટે સાવ સ્વાભાવિક બની ગયો છે. પણ એ જમાનામાં મુદ્રણને પ્રતાપે જે પરિવર્તન આવ્યું તેનો ખ્યાલ કવિ દલપતરામના આ દોહરા પરથી આવે છે:

લહિયા સો લખતાં છતાં, વર્ષ એક વહી જાય;
એક દિવસમાં એટલું છાપથી જુઓ છપાય.

e.mail deepakbmehta@gmail.com

xxx xxx xxx

(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 07 સપ્ટેમ્બર 2019)

Loading

...102030...2,8662,8672,8682,869...2,8802,8902,900...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved