Opinion Magazine
Number of visits: 9968474
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તપશ્ચર્યા સાધન છે, સાધ્ય નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|7 July 2019

આપણે જોયું કે મહાવીર અને બીજા શ્રમણ દાર્શનિકોનો ભરોસો ઈશ્વર પર નહોતો. ઈશ્વરની કે બીજા કોઈની પણ કૃપા પર નહોતો. તેમનો ભરોસો તો પોતાના પર હતો. પોતે જ નહીં, પણ પ્રત્યેક માનવીમાં ઉપર ઊઠવાની સંભાવના પર હતો. એને માટે બે ચીજ સમજી લેવાની જરૂર હતી. એક તો એ કે સત્ય એકાંગી નથી, અનેકાંગી છે. આપણને જે સમજાયું એ જ સત્ય છે એમ કહેવું એ દુરાગ્રહ કહેવાય અને માનવીનો પરાજય આવા વલણ દ્વારા એ જ ઘડીએ થાય છે. બીજી ચીજ એ કે જો માનવીએ દુરાગ્રહીની જગ્યાએ સદાગ્રહી બનવું હોય તો તે અવશ્ય બની શકે છે. એને માટે જરૂર છે; વૃત્તિઓને સાફ કરવાની અને એ પ્રત્યેક માનવી કરી શકે છે.

જૈન ધર્મમાં તપશ્ચર્યા પર ભાર મૂકવામાં આવ્યો છે એનું કારણ આ છે. સુજ્ઞ વાચકને એટલું તો આ ક્ષણે જ સમજાઈ જવું જોઈએ કે તપશ્ચર્યા એ સાધન છે, સાધ્ય નથી. સાધ્ય છે, પૂર્વગ્રહમુક્ત માખણ જેવા ઋજુ બનવાની. સાધના તો એમાં માત્ર સાધનરૂપ છે. દુર્ભાગ્યે આજે જૈનો તપશ્ચર્યાને જ સાધ્ય માની બેઠા છે અને દુરાગ્રહો એમને એમ કાયમ છે. તેઓ અનેકાંતનો અને સ્યાદવાદનો અર્થ જ નથી સમજતા. જૈન ધર્મ તપશ્ચર્યાના કર્મકાંડોનો શિકાર બની ગયો છે. સનાતનધર્મીઓનાં કર્મકાંડ કાંઈક પામવા માટેના છે, તો જૈનોના તપશ્ચર્યારૂપી કર્મકાંડ પણ લગભગ એવા જ છે. આજનો જૈન સમાજ મહાવીરથી ઘણો વિમુખ થઈ ગયો છે.

અહીં ‘સમણસુત્તં’માંથી કેટલાક વચનો ટાંકવા છે જે આગમગ્રંથોમાંથી જ લઈને વિનોબા ભાવેએ એક જગ્યાએ સંગ્રહિત કરાવ્યાં છે. ૧૯૭૪માં ભગવાન મહાવીરનાં ૨૫૦૦માં નિર્વાણ વર્ષમાં વિનોબાની પહેલથી જૈનોના તમામ ફિરકાના વિદ્વાન આચાર્યોને એક સ્થળે એકઠા કરીને તેમ જ એક સંગીતી યોજીને દરેકને સંમત હોય એવા વચનોનો સંગ્રહ કરાવ્યો હતો જેનું પરિણામ ‘સમણસુત્તં’ ગ્રંથ છે. એનો ગુજરાતીમાં સુગમ અનુવાદ મુનિશ્રી ભુવનચન્દ્રજીએ કર્યો છે અને ‘યજ્ઞ પ્રકાશ’ને તેનું પ્રકાશન કર્યું છે. ફિરકાના આગ્રહો છોડીને દરેક જૈને તેનું પારાયણ કરવું જોઈએ. અહીં મારી ભૂલ થાય છે. ‘સમણસુત્તં’નું પારાયણ દરેક ભારતીયે કરવું જોઈએ. ભારતીયોમાં હિંદુઓ ઉપરાંત; મુસલમાનો, ખ્રિસ્તીઓ અને અન્ય ધર્મીઓનો પણ સમાવેશ થાય છે અને એ દરેક માટે પાથેય છે.

તો શું કહેવામાં આવ્યું છે આગમ ગ્રંથોમાં? ‘સમણસુત્તં’માં કુલ ૭૫૬ વચનો છે અને એ દરેક વચન માણસને ખરા અર્થમાં માનવ બનાવામાં ઉપયોગી થાય એવાં છે. એટલે જ આ ગ્રંથ નિત્ય પારાયણ કરવા માટેનો ગ્રંથ છે. અહીં એમાંથી આચમનરૂપે થોડાં વચનો ટાંકવામાં આવ્યાં છે:

તું તારા પોતા માટે જે ઇચ્છે તેવું બીજા માટે પણ ઇચ્છ, તું તારા પોતા માટે જે નથી ઇચ્છતો તે  બીજા માટે પણ ન ઇચ્છ – જિનનો ઉપદેશ આટલો જ છે. (જિનશાસનસૂત્ર : ૮)

માટે, બધા જ નય જો પોતાના પક્ષના આગ્રહી બને (એકાંગી બને) તો તે મિથ્યા બની જાય છે અને જો પરસ્પર સાપેક્ષ બને (અન્ય નયોનો પણ સ્વીકાર કરે) તો તેઓ સમ્યક્ રહે છે. (નિરૂપણસૂત્ર : ૧૨)

(નય એટલે ભિન્ન ભિન્ન આશય અથવા દૃષ્ટિકોણ)

નિરંકુશ એવા રાગ અને દ્વેષ આપણું જેટલું બુરું કરે છે એટલું ગમે તેટલો છંછેડાયેલો અને બળવાન શત્રુ પણ નથી કરી શકતો. (રાગપરિહારસૂત્ર : ૨)

પરમ ક્ષમા, પરમ મૃદુતા (માર્દવ), પરમ ઋજુતા (આર્જવ), પરમ સત્ય, પરમ શૌચ, પરમ સંયમ, પરમ તપ, પરમ ત્યાગ, પરમ આકિંચન્ય, પરમ બ્રહ્મચર્ય – દશ ઉત્તમ ગુણો એ જ ધર્મ છે. (ધર્મસૂત્ર : ૩)

જે શ્રમણ કુળ, રૂપ, જાતિ, બુદ્ધિ, તપ, શ્રુત શીલ વગેરેનો ગર્વ નથી કરતો તે ઉત્તમ માર્દવ (નમ્રતા) ધર્મને પામેલો છે એમ સમજવું. (ધર્મસૂત્ર : ૭)

આ આત્મા અનેકવાર ઉચ્ચગોત્રમાં અનેક અનેકવાર નીચ ગોત્રમાં જન્મ લઈ ચૂક્યો છે; પરંતુ એટલાથી નથી તે હીન બની જતો કે નથી ઉચ્ચ થઈ જતો. માટે કોઈની અભિલાષા ન કરવી. આ સાંભળ્યા પછી કોણ ગોત્રવાદી બને? કોણ માનવાદી બને? (ધર્મસૂત્ર : ૯)

સત્યમાં તપ છે, સત્યમાં સંયમ છે, અને બીજા બધા ગુણો પણ સત્યમાં છે. માછલાંઓને માટે સાગર આધાર છે તેમ સત્ય સર્વ ગુણોનો આધાર છે. (ધર્મસૂત્ર : ૧૫)

કોઈ પણ વ્યક્તિ યુદ્ધમાં મહાન યોદ્ધાઓને એકલો જીતી લે તેના કરતાં પણ કોઈ વ્યક્તિ પોતાની જાતને જીતી લે એ વિજય મોટો છે. (સંયમસૂત્ર : ૪)

રાગ અને દ્વેષ નામના બે પાપ જ અન્ય પાપકાર્યમાં આપણને દોરી જાય છે. જે મુનિ આ બંનેનો સદાને માટે ક્ષય કરે છે તે સંસારચક્રમાં રહેતો નથી. (સંયમસૂત્ર : ૯)

ક્રોધ પ્રેમનો, અભિમાન વિનયનો, માયા મૈત્રીનો અને લોભ સર્વનો નાશ કરે છે. (સંયમસૂત્ર : ૧૪)

જે મમત્વને તજી શકે છે તે જ પરિગ્રહને તજી શકે છે. તે મુનિએ આ માર્ગ જોયો છે, જેણે પરિગ્રહ તજ્યો છે. (અપરિગ્રહસૂત્ર : ૩)

રાગાદિ ઉત્પન્ન ન થાય એ જ અહિંસા છે. રાગાદિ ઉત્પન્ન થાય એ જ હિંસા છે – એમ જિનેશ્વરોએ કહ્યું છે. (અહિંસાસૂત્ર : ૭)

આળસ હોય ત્યાં સુખ નથી. નિંદ્રા અને વિદ્યા સાથે રહેતાં નથી. જ્યાં મમતા ત્યાં વૈરાગ્ય નહીં અને આરંભ (મોટા પાયે કરાતાં સાંસારિક કાર્યો) ત્યાં અહિંસા નહીં. (અપ્રમાદસૂત્ર : ૮)

જિનદર્શનમાં માર્ગ અને માર્ગફળ એવા બે પદાર્થ કહ્યા છે. માર્ગ એટલે સમયગ્ દર્શન માર્ગફળ એટલે નિર્વાણ (મોક્ષમાર્ગસૂત્ર : ૧)

સમયગ્ દર્શન વિનાની વ્યક્તિમાં જ્ઞાન ન હોય; સમયગ્ જ્ઞાન વિના શુદ્ધ ચારિત્ર ન હોય; ચારિત્ર વિના મોક્ષ નથી અને મોક્ષ વિના શાંતિ નથી. (રત્નત્રયસૂત્ર : ૪)

હે યોગી, જો તું તારા પરલોકનું કલ્યાણ કરવા ઈચ્છે છે તો ખ્યાતિ, સન્માન, સંપત્તી કે સત્કારની કામના શા માટે રાખે છે? એ વસ્તુથી પરલોકમાં તને શો લાભ થશે? (સમયગ્દર્શનસૂત્ર: ૧૭)

માથું મુંડવાથી શ્રમણ થવાતું નથી, ઓમનો પાઠ કરવાથી બ્રાહ્મણ થવાતું નથી, જંગલમાં વસવાથી કોઈ મુનિ બની જતો નથી અને દર્ભના વસ્ત્ર પહેરવાથી કોઈ તાપસ થઈ જતો નથી. (શ્રમણધર્મસૂત્ર : ૫)

સમતાથી શ્રમણ બનાય અને બ્રહ્મચર્યથી બ્રાહ્મણ થવાય. જ્ઞાન વડે મુનિ થઈ શકાય અને તપથી તાપસ થવાય. (શ્રમણધર્મસૂત્ર : ૬)

કોઇપણ કથનમાં એકાંત અથવા એક જ દૃષ્ટિકોણ ન આવી જાય તે માટે ‘સ્યાત્’ શબ્દસહિત કથન કરવું તે સ્યાદ્વાદ છે. (સ્યાદ્વાદ તથા સપ્તભંગીસૂત્ર : ૨)

(સ્યાત્ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે; હોઈ શકે. આનાથી વસ્તુના અન્ય પાસાંના અસ્તિત્વનો બોધ થાય છે. અન્ય અપેક્ષાએ વસ્તુ અન્ય સ્વરૂપે પણ હોઈ શકે છે એવા આશય સાથે કથન કરવું એ સ્યાદ્વાદ છે.)

૧.અસ્તિ, ૨. નાસ્તિ, ૩. અસ્તિ-નાસ્તિ, ૪. અવક્તવ્ય, ૫. અસ્તિ અવક્તવ્ય, ૬. નાસ્તિ અવક્તવ્ય, ૭. અસ્તિ-નાસ્તિ અવક્તવ્ય. કોઈ પણ વસ્તુ વિષે આવી સાત સંભાવનાઓ રહેલી છે, એટલે સાત રીતે કથન થઈ શકે છે. દરેકની સાથે સ્યાત્ શબ્દ જોડીએ તો તે પૂર્ણ અને શુદ્ધ પ્રમાણવાક્ય બને. એને સપ્તભંગી કહે છે. (સ્યાદ્વાદ તથા સપ્તભંગીસૂત્ર : ૪)

(અસ્તિ એટલે હોવું. હવે આ વચનનો અર્થ સ્પષ્ટ થઈ જશે.)

આવાં કથનો જો મનમાં અન્ય દૃષ્ટિકોણોની અપેક્ષા રાખીને કરાતાં હોય તો તે સુ-નય છે અને જો અન્ય નયોની ઉપેક્ષા સાથે કરાતાં હોય તો તે દુ-ર્નય છે. જગતનો સમગ્ર વ્યવહાર નિશ્ચિતરૂપે સુનય દ્વારા જ સિદ્ધ થાય છે. (સમન્વયસૂત્ર : ૪)

અન્ય દૃષ્ટિકોણોની ઉપેક્ષા કરનારા નયો કદી પરસ્પર સુમેળ સાધી શકતા નથી. તે બધા ભેગાં મળે તો પણ સમ્યક્ બનતા નથી. તેઓ વસ્તુનો સમ્યક્ બોધ પણ કરાવતા નથી. પરસ્પર વિરોધી એવા એકાંગી નયો, દુશ્મનની જેમ વર્તે છે અને વસ્તુસ્વરૂપના બોધમાં બાધક બને છે. (સમન્વયસૂત્ર : ૮)

પોતપોતાના મતની પ્રશંસા અને અન્યના મતની નિંદા કરનારા જે લોકો વાદ-વિવાદમાં રાચે છે તેમને સંસારમાં ફસાયેલા સમજી લેવા. (સમન્વયસૂત્ર : ૧૩)

અને છેલ્લે :

એ પરમ મુનિએ – સર્વદર્શી જ્ઞાતપુત્ર મહાવીરે – સામાયિક ધર્મનો ઉપદેશ આપ્યો હતો, પણ આ જીવે કાં તો તેનું સમ્યક્ આચરણ કર્યું નથી. (સમાપનસૂત્ર : ૨)

અહીં સમાપન કરતાં પહેલાં વાચકોને સિદ્ધસેન દિવાકર કૃત ત્રિશિંકાઓ વાંચવાની ભલામણ છે. પંડિત સુખલાલજીએ દિવાકરજીના સંપાદિત કરેલા ગ્રંથ ‘સન્મતિતર્ક’ની ભૂમિકામાં કેટલીકનો અનુવાદ આપ્યો છે. આ ઉપરાંત ‘સમણસુત્તં’નો અનુવાદ કરનારા મુનિશ્રી ભુવનચન્દ્ર્જીએ પણ તેમાંથી પસંદ કરીને સો શ્લોકોનો અનુવાદ કર્યો છે. જો ટકોરાબંધ માણસ બનવા માગતા હો તો આ ગ્રંથ પણ ઉપયોગી થઈ શકે એમ છે. એ ગ્રંથ જૈન સાહિત્ય અકાદમી ગાંધીધામ, કચ્છથી પ્રકાશિત થયો છે.

02 જુલાઈ 2019

સૌજન્ય :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 07 જુલાઈ 2019

Loading

ઝોલ

અનિલ વ્યાસ|Opinion - Short Stories|7 July 2019

બે વર્ષ પછી એકાએક બારણે ઉપરા છાપરી બે ટકોરા સાંભળી હૈયું થડકારો ચૂકી ગયું હતું.  એ જ અવાજ … એમ ગણગણતું મન ઠેકડો મારી બેઠું. જો કે, પોતાને ઊભી થતાં રોકવા એ ખુરશીમાં પાછી બેસવા મથી. સાવચેત થવાનું સૂઝ્યું એ વાતે પોરસાય એ પળે જ  વિચાર આવ્યો : કદાચ એ ના હોય ને કોઇ બીજું  હોય તો? પણ, પગ ઉપડી ચૂક્યા હતા.

એ જ હતો. ખુલ્લા બારણા વચ્ચે ઊભેલા ઇથનને જોતાં એનાથી આપોઆપ એક ડગલું પાછળ ખસી જવાયું. આંખનું પોપચું ફફડી ઊઠ્યું. ઝીણા અક્ષરે લખાયેલી દવાનું નામ ઉકેલતી હોય એમ એ ઈથનને જોઈ રહી.

‘અંદર આવવા દઈશ?’

‘કંઈ કામ હતું?’ શાર્લટે વિસ્મય સાથે પૂછ્યું.

સીધું તાકતાં ઈથનની નજરનો આધાર ખસી ગયો હોય એમ એ નીચું જોઈ ગયો. છોભીલા પડવા જેવું જોતાં એ ડગલું પાછળ ખસ્યો. શાર્લેટને ખ્યાલ આવ્યો કે એ સભ્યતા ચૂકી રહી છે. આંગણે આવેલા કોઈનો ય અનાદર કરવાનું એ શીખી નથી. ત્યારે આ તો …. કોણ છે ? ઈથન. છૂટા–છેડાનાકાગળો પર સહી કર્યા પછી આ જ સવાલ થયો હતો. એવડો મોટો નિર્ણય સાવ સહજ લેવાઇ ગયો હતો. એ વખતે સૌથી વધુ આઘાત કોઈને લાગ્યો હોય તો સામેના ફલેટમાં રહેતી સુનંદાને. એ કહેતી હતી એમ લગ્ન એ બે માણસોનો નહિ કુટુંબનો સંબંધ હોય છે. આ રીતે આમ ચારપાંચ વરસમાં ….. પછી આગળ બોલતા એ અટકી ગયેલી. ખુલાસો કરતી હોય એમ કહે,  ‘મારું અંગ્રેજી બહુ સારું નથી, શાર્લેટ, એટલે હવે શું બોલવું એ સમજાતું નથી.’ એ વખતે એમની માનો ચહેરો સામે આવી ગયો હતો. એમને જો કેન્સરે છીનવી ન લીધાં હોત તો અધિકારપૂર્વક એમણે છૂટાછેડા અટકાવ્યાં હોત. પણ વળતી ક્ષણે  સમજાયું : ના. વયસ્ક પુત્રની અંગત જિંદગીમાં માથું મારે એવું એમનું વ્યક્તિત્વ જ નહોતું.  ઉપરાંત, એમનું ચાલ્યું હોત તો ઈથન આવા ખોટા રસ્તે ચડ્યો હોત ખરો?

છૂટાછેડાના દસ્તાવેજમાં સહી કર્યા પછી નામ નીચે લીટી કરતાં શાર્લેટનો હાથ હલી ગયો હતો.  લીટી લંબાઈને નબળી પડી હોય એવી લાગતી હતી. ત્યારે થયું હતું : હવે કોણ છે ઈથન એનો? વકીલોની નક્કર દલીલો અને ધારદાર રજૂઆતોએ સહજીવનની શક્યતાઓ બહુ સરળતાથી અશક્ય કરી આપી. સંબંધ સ્વતંત્રતાના ખાનામાં મૂકાયો ત્યારે થતું હતું, હવે કોણ છે આ? પતિ રહ્યો નથી. મૈત્રી હોત તો આ ક્ષણ સુધી કેમ પહોંચાત?

શું કરું અને કેમ કરું?-ની વિમાસણમાં એણે બારણે મૂકેલો હાથ હટાવી ઈથનને અંદર આવવા દીધો ત્યારે એ નાનકડી અવઢવ ઉવેખતાં આમ હચમચી જવાશે એવું ક્યાં વિચાર્યું હતું?

શુભેચ્છા મુલાકાતની પળથી શરૂ થયેલો સહવાસ ફરીથી પતિ-પત્નીની જેમ વર્તવા સુધી પહોંચી જશે એવું ક્યાં વિચાર્યું હતું? અકથ્ય આનંદની ઘડી યાદ આવતાં જ વિચલિત થઈ જવાય છે.

‘છૂટાછેડા પછી પણ સારા મિત્રોની જેમ રહી જ શકાય ને?’ સાંભળી રોજરે ખભા ઊંચકી આશ્ચર્ય કે ઉપહાસના ભાવથી શાર્લેટ સામે જોયું હતું કે એને એવું અનુભવાયું હતું? રોજરનું આ ત્રીજું અને એનું બીજું લગ્ન હતું. જો કે એ વાતની એને નવાઈ નહોતી. શાર્લેટની માએ ચાર લગ્ન કરેલાં એટલે રોજર અગાઉ બે વાર પરણેલો એની એને નવાઇ નહોતી. એકથી વધુ લગ્નો એને મન પરંપરાનો એક હિસ્સો હતાં.

‘કેમ આવો પ્રતિભાવ આપે છે?’ શાર્લેટે પૂછ્યું.

‘જરા ય નહિ. હું તો તારી વાતને સ્વાભાવિકતાથી લઉં છું. હા વચ્ચે એકવાર તું બોલી ગયેલી કે ઈથન તને ઇમોશનલી ડિસ્ટર્બ કરે છે, એટલે.’

‘હા, સાવ એમ નહિ પણ ક્યારેક એવું લાગે છે કે એ કશાક સ્વાર્થવશ મને મળવા આવે છે.’

‘તો તું એને ના પાડી દે.’

‘ના પાડી શકતી હોત તો શું જોઇતું’તું.’

‘હું વાત કરું એની સાથે?’ રોજરે એના ખભે હાથ મૂકતાં પૂછ્યું હતું.

સમસ્યા ઊભી નહીં કરવાની કે સ્વાભાવિક સંકોચવૃતિ વશ એણે રોજરને ‘‘પોતે બધું સંભાળી લેશે.’’ એવું સાંત્વન આપતાં,  ‘છતાં જરૂર પડશે તો તું છે જ.’-નો સધિયારો આપ્યો હતો. એ વખતે રોજરના ચહેરા પર છવાયેલા સંતોષને શાર્લેટે ચૂમી લીધેલો. આલિંગનની ક્ષણો લંબાતી ગઈ, એટલી કે વિકસીને ઢળી પડી. પછી સંતોષભર્યું હાંફતાં એણે આંખો મીંચી ત્યારે અંદર થતી બળતરા અનુભવાઈ. રોજર થકવી નાંખે છે. પરાકાષ્ટાની ક્ષણોએ ઈથન કેવા માર્દવથી વર્તતો? ઊઠેલો પ્રશ્ન તરત અનુભૂતિમાં ફેરવાયો. હોય, શરીરનાં ભરતી-ઓટમાંથી થાક અને સંતોષ તારવવાની મથામણ શું કામ?

ઈથનને લાંબા સમય પછી જોયો ત્યારે અનુભવાયેલું સાનંદાશ્ચર્ય એની હાલત જોઈ પહેલાં આઘાત અને પછી દયામાં ફેરવાઈ ગયું હતું. એ કોઈ ઓલિવિયા નામની સ્ત્રી સાથે રહે છે.  ‘એ સારી છે. શાર્લેટ કરતાં પણ વધુ પડતી સ્વમાની ને બોલકી છે. પણ  સારી છે, ચાલે છે.’

‘તો મને મળવા શું કામ આવે છે?’

‘એટલે? તને બળતરા થાય છે ને.’

‘મારી બલારાત, હું શું કામ બળું? તારા કરતાં રોજર દસ ઘણો સારો છે. બીજી વાત એનાથી વધારે મીઠડી તો એની દીકરી છે. પહેલી વાર કેથૅરિને મને મા કહીને બોલાવી ત્યારે જવાબ આપતાં મને એવું લાગ્યું હતું કે રડી પડાશે.’

ઈથન એની નજીક ખસ્યો હતો. 

“આપણું સંતાન ખોવાનું મને ય ….’ બાકીના શબ્દો હથેળીના સ્પર્શમાં બેઠા હોય એમ એનો હાથ હાથમાં લઇ ક્યાં ય સુધી થપથપાવ્યા કર્યો હતો.

શાર્લેટને ખાતરી હતી હવે ઈથન એકાદ શબ્દ પણ બોલશે તો એ ભાંગી પડશે.

હમણાં જ બન્યું હોય એમ બધું યાદ છે … પાંચમાં મહિને એને અચાનક દુખાવો શરૂ થયો હતો. ઈથન એ વખતે ફ્રાન્સ ગયો હતો. સુનંદા એમ્બયુલન્સ બોલાવી એને દવાખાને લઈ ગઈ હતી.  સોનોગ્રાફીનો રિપોર્ટ જોઈ ડૉક્ટરે કહ્યું હતું કે બાળક ગર્ભમાં જ મૃત્યુ પામ્યું છે. ત્યારે આખો રૂમ ઠંડોગાર, કશોક માંદગીનો અમળાટ અને શરીર પરસેવે રેબઝેબ! એણે  પેટ અંદર ખેંચી ખેંચી ગર્ભને રોકી રાખવાના લાખ પ્રયત્નો છતાં ઢાળમાં પાણી સરકે એમ એ સરકી આવી હતી.

‘તને ખબર છે આજે ય હું નાના બાળકનાં કપડાંને હાથ લગાડું છું ત્યારે એક સંતોષ અનુભવાય પણ વળતી જ ક્ષણે એ સંતોષ કારમી પીડા માં ફેરવાઈ જાય છે.’

‘હું સમજુ છું શાર્લેટ, આ બહુ જ વસમું છે.’

’હા પારાવાર વસમું. તને નહિ સમજાય. કેથૅરિન પહેલી વાર ‘મા‘ બોલી એ જ ક્ષણે મને બાસ્કેટમાં ઢબૂરાયેલી શ્યામ કિરમજી છોકરી યાદ આવી હતી. મારી દીકરી ….’ શાર્લેટ ઈથનને વળગી પડી.

આંસુ અટકતાં નહોતાં, ડૂસકાંથી એની પીઠ ઊંચીનીચી થતી હતી. ક્યારે એ પીડા આશ્વાસનમાં બદલાઈ ને આશ્વાસન દેહવશ વર્તીને ગરમાટો આણી બેઠું એનો અંદાજ રહ્યો નહોતો. માનીતા અનુભવથી લથપથ આંખો મીંચી એ સુખ માણતી હતી ત્યારે રોજરની નજર ધીમે ધીમે પાણીમાં ડૂબેલા શબ જેવી પીડા સપાટી પર આવી હતી. પછી સંતોષનું સ્વરૂપ ભયાનક સ્પષ્ટ અને ઝગમગાટ ઉપસી આવ્યું. તોડેલા સંબંધનું આ નવું નક્કોર સ્વરૂપ એવું ધારદાર હતું કે એ શાર્લેટને રૂંવેરૂંવે ફરકતું લાગ્યું. ત્યાં રોજર સાથેની બેવફાઈ સમજાતાં શરમ અને ઉદ્વેગ અનેક ગણાં વધી બેઠાં.

હવે સાથે આ સંસાર કેમ ટકાવવો? વાત છાની રાખીને પીડા વેઠવી કે રોજર સાથે ઈથન સાથે માણેલા સહવાસની કબૂલાત કરી ચચરાટ વહેંચી લેવો એ સમજાતું નહોતું. પરસ્પર આધાર અને હૂંફથી  ઘરના વાતાવરણમાં જે પ્રસન્નતા છે એને કેવી રીતે કાપવી?

એ મનોમન વલોવાતી રહી આ વલોપાત વહેંચી ન શકાતાં ઊંડી પીડામાં ફેરવાતો ગયો.  જુઠ્ઠાણું અને બેવફાઈની ગુનાહિત લાગણી ત્રાસદાયક લાગે એ રીતે પજવવા લાગી. ઉદ્વેગ અને અકળામણની શરૂઆત થઇ ગઈ. આજ સુધી જે નહોતું પમાયું એ સઘળું સાવ સ્પષ્ટ નજર સામે તરવર્યું.

આ પ્રેમ નહીં પણ સ્વાર્થ છે. એ અને ઈથન સાથે જીવતા હતાં ત્યારે સંબંધોની આંટીઘૂંટી અનુભવવાની, ઉકેલવાની હતી પણ કદી એ ચકાસ્યુ જ નહોતું. અનુભવ્યું હતું તો માત્ર મનોમન ધૂંધવાતી ગૂંગળામણ અને ચૂપકીદીથી ખોતર્યા કરતી પીડા!

એ કલેશ અને અકળામણ સહન કરવા કરતાં છૂટા પડી જવું સારું એમ વિચારી છૂટાં પડ્યાં હતાં પણ રહી રહીને થયા કરતું હતું કે એકબીજાંને સમજવાનો થોડોક પ્રયત્ન કદાચ મૈત્રી ટકાવવામાં સહાયભૂત બનશે એમ ધારી એને આવકાર્યો.

બસ, લાગણીવશ એક વાર એ ભાન ભૂલી ગઈ એને ઈથન હવે અધિકાર માને છે.

ભલે, ઈથનનો સહવાસ ગમે એટલો મનગમતો હોય તો ય, હવે હદ બહારના શ્રમની શરીર પર અસર થાય ને કાયા કંતાતી લાગે એવું અનુભવાતું હતું. રોજર નજર સામે હોય ત્યારે લાગણીઓ સંતાડવાની પીડા અને એ ન હોય ત્યારે છેતરપિંડીની ગુનાહિતતા. ન બોલાય ન સહી શકાય.

સંબંધોનું મૂલ્ય આમ ચૂકવવું પડશે એની પોતાને ભાળ સુદ્ધાં નહોતી ?

ઈથન હવે ઈચ્છે ત્યારે આવી ચડે છે. એને સ્પર્શતાં કે બાહુપાશમાં જકડી લેતાં સંકોચ પામતો નથી. એને તો ઓલિવિયાને છેતરતો હોવાની કોઈ પીડા ય નથી. સાંજ પડે પબમાં જઈ નિરાંતે સિગરેટ ફૂંકતો ઠંડા બિયરના ઘૂંટ ભરતો હોય આવીને એમ એને સંવેદે છે.

એ ય કદાચ સહી લેવાય પણ શરીર સુખની આહ્લાદક પળે રોજર યાદ આવી જાય ને રોજર સાથે હોય એ વેળાએ ઈથન મનમાં રમે એ બિભિષીકા કેમ નિવારવી?

તો, ઓલિવિયાની  જડતા, એનું આજ્ઞાર્થ બોલવું, રૂક્ષતાથી વર્તવું સહન થતું નથી. હવે એની સાથે જીવવું બહુ જ અઘરું છે. મને આકરું લાગે છે, શાર્લેટ. આ બધું વારંવાર સાંભળતા શાર્લેટને હવે ત્રાસ છૂટે છે.

એનાથી એ નક્કી થઇ શકતું નથી કે ઈથનને  ના કઇ રીતે પાડવી? વચ્ચે એણે એક બે વખત કહ્યું હતું કે: ‘આપણે આ સારું નથી કરતાં. રોજરને છેતરવાની પીડા મને શારે છે, ઈથન. મહેરબાની કરીને તું આવતો નહિ હવે.’

‘તને ખબર છે, શાર્લેટ, તારાથી છૂટા પડ્યા પછી મને તારું મહત્ત્વ સમજાયું. તું ઘર છોડીને જતી રહી ત્યારે ત્રાહિત પેઠે જોઈ રહેવાને બદલે મારે  તને  રોકી લેવી જોઈતી હતી. આપણે ફરીથી પરણી જાત. પણ એ વખતે અધિકારથી તને રોકી લેવાનું ….. હું ના રોકી શક્યો … હું … હું ..’  બોલતો શાર્લેટને વીંટળાવા મથતો. બબડતો, ‘આઈ એમ સૉરી, માફ કરી દે મને.’ શાર્લેટ દીવાલમાં ભરાતી એને અટકાવતાં હળવેથી ફરીને દૂર ખસી જતી.

એ કશું બોલી નહોતી. હોસ્પિટલમાં દાખલ થયેલા સગાંનો હાથ હાથમાં લે એમ એણે ઈથનનો હાથ સાહી રાખ્યો હતો. એને યાદ આવ્યું પ્રેમાગ્રહ જેવું કશું ઈથન સમજતો હશે ખરો? મારી દીકરીનું ગર્ભાવરણે ય તૂટ્યું ન હતું. મારો એ અકબંધ અંશ ખોવાની પળે ઈથન ક્યાં સાથે હતો?  સુનંદાએ કેટલા ફોન કર્યા … ખબર નહી ક્યાં રખડતો હશે.

લગ્ન પછી ત્રણેક વર્ષ બધું સમુંસૂતરું ચાલ્યું. પછી એ અને એની દારૂની લત. ડ્રગ્સ … લથડિયાં ખાઈને બેડરૂમમાં જતા ઈથનને સંભાળતાં થતી તકલીફ યાદ આવી. પણ, શું હતું કે ગમતો હતો? એનામાં શું જોઈને એ આટલી ઓવારી ગઈ હતી એ યાદ નહોતું આવતું. અલૌકિક શરીર-સુખના લોભ સાટે જિંદગી જીવી શકાય ખરી?

એ જતો રહે પછી મગજ ચકરાવે ચડી જતું. રોજર જેવા સાલસ વ્યક્તિત્વને છેતરવાનો અફસોસ એ રીતે પજવતો કે દર્પણમાં પોતાને જોતાં જ થતું, આ દોંગાપણું મારા ઉપર પર ક્યાંથી ખાબકયું?

લગ્નજીવન માટે પતિ-પત્નીમાં જે સમજણ અને સ્વીકૃતિ અનિવાર્ય હોય એની પૂર્તિ રોજરે કરી. નિખાલસતા અને નરી નિસબતથી જીવતા જણના દ્રોહનો ખ્યાલ આવતાં જ તીવ્ર સણકો ઉપડે છે. રોજરની હાજરીથી એક પ્રકારનો ગભરાટ અનુભવાય છે. સંબંધોના તાણાવાણા ગૂંચવાઈ જવાનો  ઓથાર ડરાવતો રહે છે.

રોજરે અગાઉના લગ્ન વિશે વિગતે કબૂલાત કરતાં કહેલું, ‘મેં ક્યારે ય કોઈને દુભવ્યાં નથી. મારી પહેલી પત્ની મારિને મારા કરતાં એની કારકિર્દી વધારે અગત્યની હતી. પછી એમિલીને પરણ્યો. કમભાગ્યે એ કેથૉરિનને જન્મ આપતી વખતે મૃત્યુ પામી. અમે ગર્ભપાત કરાવ્યો હોત તો એમીલી બચી જાત પણ એ એક સમર્પિત કેથલિક હતી. જિંદગી એને મન એટલી કિંમતી હતી કે એને બચાવવા એણે જાણી જોઈને મૃત્યુ પસંદ કર્યું.’

રોજર ની આંખમાં આંસુ હતાં. એ ડુમાયેલા અવાજે બોલતો હતો, ‘એમિલી સોફ્ટવેર એન્જિનિયર હતી. એકદમ દેખાવડી, સ્વમાની અને ઓછાબોલી. એ મને ને સૌને વહાલી હતી. કેથૅરિનનો ખ્યાલ ન હોત તો મેં ક્યારે ય…’  એ આગળ બોલી શક્યો ન હતો. શાર્લેટને સમજાયું  હતું કે રોજર હું લગ્ન ન કરત એમ બોલી એને દુઃખી કરવા નથી માંગતો.

આવા પ્રેમાળ અને ભલા માણસને આમ છેતરવાનો? બહુ થયું હવે. ઈથનનો સંગ સેવશે તો સાવ હીન કક્ષાએ ઊતરી ગયાનું લાગશે. પ્રાકૃત અને નૈસર્ગિક વૃત્તિઓને વશ વર્તવાને બદલે એ જીવનને સાચી દિશાથી જોશે, જીવશે.

એ સાંજે રોજર આવ્યો ત્યારે એ એની નજીક બેઠી. રોજર એ વખતે કેથૅરિને સ્કોટલેન્ડથી મોકલેલો ફોટો જોતો હતો. થોડીવાર જોતાં એણે મલકાયા કર્યું.

પછી, ફોન પછી શાર્લેટને બતાવતા કહે, ‘જો, કેટલી નમણી લાગે છે. હેં ને?

‘હા.’ કહી શાર્લેટ ફોટો જોઈ રહી. થોડીવાર કોઈ કંઈ બોલ્યું નહીં. સૂર્ય આથમવામાં હતો. એના નારંગી-પીળાચટ અજવાળામાં રોજરનો ચહેરો ચમકતો હતો. એ એની તરફ ફર્યો. એની એકદમ સ્વચ્છ આંખોમાં જોતાં  એટલી હૂંફ અનુભવાઈ કે એ કહી બેઠી, 

‘ઈથન મને બહુ પરેશાન કરે છે, રોજર.’

‘મેં તો તને પહેલાં ય કહેલું. શું કરે છે?  એ રોજ આવે છે? અડકે છે તને? ’

‘એવું નહીં પણ ..’ એ થોડીવાર ચૂપ રહી. પછી રોજરનો હાથ હાથમાં લેતાં બોલી, ‘બસ. તું એને ના પાડી દેજે. કહી દેજે,  આપણા ઘરે ના આવે.’

‘ક્યારે આવવાનો છે એ?’

શાર્લેટ એક ક્ષણ જવાબ ન આપી શકી.

‘જ્યારે આવે ત્યારે, તું ચિંતા ન કરીશ, હું છું ને.’

રોજરે ઈથન આવે એટલે મિસ કોલ કરવા સૂચવ્યું હતું એટલે એ થોડી વાર બેઠો ત્યાં રોજર આવ્યો. રોજરે શાલીન ઢબે પણ ભારપૂર્વક કહી દીધું કે એ આ રીતે એની ગેરહાજરીમાં આવે એવું એ ઇચ્છતો નથી. વળી કડક અવાજમાં ઉમેર્યું, ‘આજ પછી જો તું મારી ગેરહાજરીમાં અહીં આવીશ તો ન છૂટકે પોલીસને જાણ કરવી પડશે. એવું ન કરવું પડે એ તું જોજે.’

ઈથન ભોંઠો પડી, શાર્લેટ સામે જોઈ રહ્યો. શાર્લેટ રોજરની નજીક સરકી. એ જોઈ ઈથન નિમાણું તાકી રહ્યો. જાતને સંકોચી ક્યાંક સંતાઇ જવા મથતો હોય એમ પાછાં પગલે ખસતો અવળો ફરી દરવાજો ખોલી ઉંબરો ઓળંગી ગયો.

રોજરે એણે ખુલ્લો મૂકેલો દરવાજો બંધ કર્યો ને શાર્લેટનો ખભો દબાવી આશ્વસ્ત કરતા  બોલ્યો.

‘તું બેફિકર થઈ જા. હવે એ નહિ આવે.’

એ રાત્રે શાર્લેટ પડખાં બદલ્યા કરતી હતી પણ ઊંઘ આવતી ન હતી. કોઈના અનાદર પર ક્યારે ય એનું મન આટલું રોળાયું નહોતું.

એને ખબર હતી, ઈથન હવે જઈને પાર વગરનો દારૂ પીશે, કાં કોણીએ સોય ઘોંચી નશાનું ઇન્જેક્શન લઈ પડ્યો રહેશે.

એ ઈથનને પહેલી વાર મળી ત્યારે એને ખબર નહોતી કે એક મહિના પહેલાં જ એ રિહેબીલિટેશન સેન્ટરમાંથી છૂટયો હતો. બસ એનું આકર્ષક સ્મિત, ઘૂંટાયેલો અવાજ અને પૌરુષી અભિજાતથી એ એના પ્રેમમાં પડી ગઈ હતી. ઈથન મકાનો ભાડે આપવાનો ધંધો કરતો હતો. વળી, એમની પોતાની મિલકતો એટલી હતી કે એને કમાવવાની કોઈ ચિંતા હતી નહીં. કદાચ એ જ એના બગડવાનું મોટું કારણ હતું.

ચાર દિવસ પછી ફરી બારણે ટકોરા સંભળાયાં. એક સરખા બે ટકોરા! એ દોડતાં પગલે બેઠકખંડ વટાવી પરસાળમાં આવી ત્યારે પગ આપોઆપ ધીમા પડી ગયા. ના એ હવે રોજર ને  અન્યાય નહીં કરે.

છતાં બારણું ઉઘાડ્યા વગર ન રહેવાયું.

સામે લાલઘૂમ આંખે તાકતો ઈથન ઊભો હતો. એણે અંદર આવવા પગ ઉપાડ્યો પણ એને અટકાવતાં એ બોલી,“જા, જતો રહે, પ્લીઝ.’ ઈથન ભારપૂર્વક એનો બારસાખે ટેકવાયેલો હાથ હડસેલવા મથ્યો. 

‘પ્લીઝ તને ના પાડી ને.’

‘ના મારે અંદર આવવું છે. તું જ જોઈએ છે મને. આઇ લવ યૂ.’

સાંભળી શાર્લેટને ગુસ્સો આવ્યો. શરીરમાં હતું એટલું બળ ઠાલવતાં ઈથનને અંદર આવતો અટકાવવા મથતાં બોલી. ’જા, અહીંથી.’ ફરી આવીશ નહિ મહેરબાની કરીને.’-ને એને આમ રોકવો હાથ બહારની વાત હોય એમ ધડાકાભેર બારણું બંધ કરી એ અંદર આવી.

સંઘર્ષ, લાચારી પીડા અને અજંપો એક સામટાં હથોડો ઝીંકાય એમ માથે ઝીંકાયાં. એની હથેળીઓમાં એનો ચહેરો ભરી એક ટક જોઈ રહેતો ઈથન યાદ આવી ગયો. ના પાડવાની સફળતાના આનંદ બદલે એનાથી કશું અજુગતું થઈ ગયાનો વસવસો અનુભવાયો.

એની આંખોમાં આંસુ ક્યાં તબક્યાં.

અવસાદની એ પળે નિષ્ઠુર બન્યાની અકળામણથી વહી આવેલાં રૂદનને માંડ માંડ દબાવી બાથરૂમમાં ગઈ. એના ધબકારા બદલાયા.

ઋણાનુબંધનો અંત  વેઠાતો ન હોય એમ શ્વાસ લેવા મોં ખુલ્યું એવી જ મોટા અવાજે ચોધાર આંસુએ રડી પડી. એનો હાથ અડકતાં સીન્કનો નળ સ્હેજ ભૂલી ગયેલો.

પાણી એકધારું વહી જતું હતું.

*       *      *

e.mail : anilvyas34@gmail.com

પ્રગટ : “તથાપિ”, વર્ષ – 14, અંક – 54-55, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી  2019; માર્ચ, એપ્રલ, મે  2019; પૃ. 05-11

Loading

રામકિંકરદા બૈજ

પુ.લ. દેશપાંડે : અનુવાદ - અરુણા જાડેજા|Profile|6 July 2019

(પુ.લ. દેશપાંડેની જન્મશતાબ્દી નિમિત્તે : 1919 – 2019)

તે દિવસના છાપાને એક ખૂણે ચાર લીટીના નાનકડા સમાચાર હતા : “૧લી ઑગસ્ટે બંગાળના જાણીતા શિલ્પકાર રામકિંકરદા બૈજનું ચુમોતેર વર્ષની ઉંમરે કલકત્તાના રુગ્ણાલયમાં દુઃખદ નિધન થયું છે.” સાથે ‘તેઓ શાંતિનિકેતનના કલાભવનમાં અધ્યાપક હતા.’ વગેરે માહિતી પણ હતી.

મારી આંખ સામે કાળા ગ્રેનાઈટ પથ્થરમાં કંડારાયેલી આદિમ પુરુષ જેવી રામકિંકરદાની મૂર્તિ ઊભી રહી ગઈ. માથા પર તાડપત્ર જેવું જ વાળનું જંગલ. તડકામાં સરખો શેકાઈને નીકળેલો કૃષ્ણવર્ણ. માંડ ઘૂંટણે પહોંચનારી કેડે બાંધેલી સાંથાલી લૂંગી. ભૂલેચૂકે ય તેમની નજર સાથે નજર મળી ગઈ તો જોનારાના ધબકારા વધવા જ જોઈએ એવી એ નજરની ભેદકતા. બંગાળી હોવાં છતાંયે શરીર પર જરા જેટલીયે અનાવશ્યક ચરબી નહીં અને અવાજમાં પેલી નજરને ટક્કર મારનારી ધાર. કોક યુવતીના વર્ણનમાં આપણે કહીએ કે એની યુવાની છલકાઈ રહી હતી, રામકિંકરદાના વ્યક્તિત્વમાંથી નિર્ભયતા છલકાતી હતી. વિનોબાજીએ લોકમાન્ય ટિળક સાથેની પહેલી મુલાકાતના સંદર્ભે એક સ્મરણ કહ્યું છે : “આપે ભયને જિત્યો કે?” – એવો પ્રશ્ન મનમાં લઈને યુવા વિનોબા ટિળકને મળવા ગયા. સામે જઈને ઊભા રહી ગયા. લોકમાન્ય ટેબલ પાસે બેઠા હતા. એમણે માથું ઊંચું કરીને એ યુવાન સામે જોયું. યુવા વિનોબાએ લોકમાન્યનું એ ‘જોવું’ જોયું અને પોતાનો પ્રશ્ન પૂછવાની એમને હવે જરૂર રહી નહોતી. ટિળકની એ આંખોએ જ, “આપે ભયને જિત્યો કે?” પ્રશ્નનો પૂછતા પહેલાં જ જવાબ આપી દીધો હતો.

કિંકરદાનાં દર્શન પહેલાં જ મને એમની એક શિલ્પકૃતિનાં દર્શન થયાં હતાં. શાંતિનિકેતનના કલાભવન પાસે ‘એક સાંથાલી કુટુંબ ખાસ સાંથાલી ઉતાવળે ચાલતું હોય એવું સિમેન્ટ-કૉંક્રિટનું શિલ્પ’ ચાલતાંચાલતાં તમને ઊભા રાખી દે એવું છે. મારા ઊતારાથી શાંતિદેવ ઘોષના ઘરે જતાંઆવતાં આ શિલ્પ મને ત્યાં ઊભો રાખી દેતું. આ ફક્ત સાંથાલ કુટુંબનું જ ચિત્ર છે એવું કહી શકાય નહીં. માણસના કૌટુંબિક  જીવનની ગતિનું જ આ એક દર્શન છે. કોણાર્કમાં એ ઘોડો જેમ એક અશ્વગતિનું જ પ્રતીક બનીને રહી ગયો છે તેમ આ ‘વહેલાં ઘરે પહોંચવાની ઘઈમાં હડપ કરતાંક નીકળેલા શ્રમિક પરિવાર’ની જીવનગતિનું જ જીવનદર્શન કરાવનારું આ શિલ્પ છે.

જેમાં ખેડૂતપુરુષો કરતાં ખેડૂતસ્ત્રીઓનાં ઘર તરફનાં પગલાં વધુ ઝડપી દેખાય છે. ભાંખોડિયાં ભરતાં કે ઘોડિયામાં સૂતેલાં બાળકોને કોક થાકેલીપાકેલી ડોશીને ભરોસે મૂકીને કામે ગયેલી એ બાઈઓ. કમનસીબે ઘણીવાર શિલ્પકલામાં સ્થિરતા સાથે નાતો જોડવામાં આવે છે. કેટલી ય મોટી કર્તૃત્વવાન વ્યક્તિઓનાં નિર્જીવ પૂતળાં લાચાર થઈને શહેરના ચોકમાં ઊભા રહેલા જોવાની આપણી આંખને જોવાની ટેવ પડી ગઈ છે. પેલા ‘સાંથાલ પરિવારને સિમેન્ટકૉંક્રિટ વડે ગતિ આપનારા’ શિલ્પકાર તરીકે કિંકરદાને હું જાણતો હતો. એમનું વ્યક્તિગત જીવન પણ મુક્ત આકાશની નીચે મ્હાલનારી એમની શિલ્પકૃતિ જેવું જ છે એવું પણ મેં થોડુંઘણું સાંભળ્યું હતું. તેથી તેમને પ્રત્યક્ષે મળવામાં હું ગભરાતો હતો. વળી, આ કલાકાર એટલે હાથમાં હથોડો-છીણી લીધેલો શિલ્પકાર. આપણે કંઈ ગાંડુંઘેલું બોલી ગયા તો આખી જિંદગી એક મહાન શિલ્પકારના હાથની નિશાની કપાળે લઈને મ્હાલતા રહેવું પડશે – આ વિચાર કંઈ એવો સુખદ નહોતો.

અને એમના એક નિરાળા જ સ્વરૂપે મને દર્શન થયાં. રાતના આશરે અગિયાર થયા હશે. શાંતિનિકેતનના મારા ઊતારામાંના બંગાળી મચ્છર અને બફારાને મનમાં ને મનમાં ચોપડાવતો હું એકાદું પુસ્તક વાંચવાનો પ્રયત્ન કરતો હતો. દૂરના સાંથાલપાડા(શેરી)માંથી ઢોલનો ધ્રિબાંગ-ધ્રિબાંગ અવાજ આવતો હતો. વચ્ચેવચ્ચે વાંસળીના સાથવાળા સમૂહગીતના સૂર પણ વહેતા હતા. અને એકાએક જ ક્યાંકથી ગાન અને ગર્જનની સીમારેખા પર જઈ રહેલા રવીન્દ્રસંગીતના સૂર મારે કાને પડ્યા. ગીતના શબ્દો સમજાતા નહોતા પણ ઢાળ જાણીતો હતો. શાંતિનિકેતનમાં મધરાતે રસ્તેથી જતા રાહદારીઓને આવો કંઠ ફૂટતો હોય છે. આમ અકસ્માત હવાની લહેરખી જેવું કાને ગીત પડવું એ મારા માટે નવું નહોતું. પણ એ તો મોટેભાગે છાત્રછાત્રાઓનો યુવા અવાજ હોય, ચાલવાની સાથે એ ગીત દૂરદૂર જતું. પણ અહીં તો કોઈ પોતાની જાતને પૂરેપૂરી ભૂલીને એ ગીતના સ્રોતને વાતાવરણમાં ઝંપલાવતું હતું. એ ગીત કોઈને માટે ગવાતું નહોતું કારણ કે વચ્ચે જ એ ગીતગર્જન બંધ થઈ જતું અને બીજી જ પળે વેદના અસહ્ય થતી હોય તેમ પ્રગટ ઊઠતું. એ અંધકારે કે આકાશમાં ચમકનારાં નક્ષત્રલોકે કોકને પાગલ કરી મૂક્યું હતું. મીઠાશનો જે એક સર્વસામાન્ય અર્થ છે તે અર્થે ગાન મીઠું નહોતું. ગાનનો બંધ ફૂટ્યો હતો. હું ઊઠીને બહાર આંગણામાં આવ્યો. કોક અપાર આનંદમાં કે અપાર દુઃખમાં ગાતું હતું. આ સાંથાલી ગાન નહોતું. સાંથાલી જેવું એકસૂરી નહોતું. ગાનારો એ શબ્દો અને સૂરોને માણતો ગાતો હતો. એટલામાં ઝાંપા પાસેથી કલાભવન તરફ જનારા ચારપાંચ જણના ટોળાએ મારી સામે જોયું, મેં પૂછ્યું, “કોણ ગાય છે?” મારો પ્રશ્ન સાંભળીને એ લોકો મોટેથી હસી પડ્યા અને એક યુવાને કહ્યું, “ઓડ …! આપનિ કિ ગાન શુનેછેન? કિંકરદા રંગમાં આવ્યા છે.”

“કોણ ? કિંકરદા ગાય છે?”

“રાત વધે એટલે સૂર છેડે.” આટલું કહીને પેલાને શું થયું તો એ બોલી ઊઠ્યો, “એ ગાય છે સારું હં કે.”

રામકિંકરદાનું પહેલું દર્શન એમના પેલા ખુલ્લા શિલ્પમાંથી થયેલું પણ રાતે આ શિલ્પકાર એના અમૂર્ત સૂરમાંથી ગચગચાવીને મને બાથ ભરતો હતો. એમના આ મુક્ત ગાનનું સ્મરણ થાય કે રવીન્દ્રનાથની કવિતા સાંભરી આવે :

“સમગ્ર ભુવન પર છવાયો સૂરોનો પ્રકાશ. આકાશમાંથી વહે છે સૂરોની હવા

વ્યાકુળ વેગે ખડક ફોડીને દોડે છે સૂર અને વહી રહી છે સૂરોની સૂરગંગા …”

તે રાતે રામકિંકરદાએ કવિની આ પંક્તિઓનો સાક્ષાત્કાર કરાવ્યો. આવા જ કોઈ અજ્ઞાત ગાયકના સૂર રવીન્દ્રનાથના કાને પડ્યા હશે અને એમાંથી કવિતા ઝરવા લાગી હશે :

“… દૈવજોગે કઈ ક્ષણે તને આ નશો મળ્યો, પોતાનામાં જ મસ્ત થઈને એકલો જ ગાતો જાય છે.” 

રામકિંકરદા આ જગતમાં આવો જ કોક નશો લઈને આવ્યા હતા, એક અગોચરપણું તેમનો સ્થાયીભાવ હતો. સાલ ૧૯૦૬માં બાંકુરા નામના ગામે તેમનો જન્મ થયો. એ ગામની માટી જ મૂર્તિકલાને આમંત્રણ દેનારી હશે. બાંકુરાની એ માટીએ દેશવિદેશના દિવાનખાનાની શોભામાં અભિવૃદ્ધિ કરી છે. આ બાંકુરા ગામે જ યામિનિ રાય જેવા ચિત્રકાર પણ આપ્યા. એક સમય હતો કે વાટ ભૂલેલા સાહિત્ય અને કલાક્ષેત્રના ફકીરો શાંતિનિકેતનમાં જતા. ત્યાં એમના સ્વાગત માટે રવીન્દ્રનાથના રૂપમાં ફકીરોનો એક બાદશાહ બિરાજમાન હોય. નંદલાલબાબુ, બિનોદદા અને રામકિંકરદા આ ત્રણેય વિશ્વભારતીના કલાભવનની કીર્તિ પશ્ચિમમાં યુરોપ-અમેરિકા સુધી અને પૂર્વમાં ચીન-જાપાન સુધી લઈ ગયા. ઉત્તમ શિષ્યપરંપરા ઊભી કરનારી આ એક પ્રતિભાસંપન્ન ત્રયી.

તેમાંના એક રામકિંકરદાને મળવાનો યોગ હવે આવ્યો હતો. શાંતિનિકેતનનો મારા શિલ્પકાર મિત્ર શર્વરીરૉય ચૌધરીના ઘરે એક ઊંચી ટિપૉય પર એણે કંડારેલું રામકિંકરદાનું ‘બસ્ટ’ (અર્ધ-પૂતળું) હતું. શર્વરી ‘કિંકરદા’ નામ પણ બે હાથ જોડ્યા સિવાય લેતો નહીં. કિંકરદાને બસ્ટ માટે મૉડેલ તરીકે બેસાડવા એટલે વાઘની મૂછો આમળવા જેટલું જ સહેલું કામ. પેલી રાતે એમના સૂરો થકી હું એમને મળેલોે એવો આજે ય અવાક્‌ થઈને ઊભો રહી ગયો. બસ્ટમાં શર્વરીએ કિંકરદાના વ્યક્તિત્વની સમગ્ર આદિમતા ઊતારી છે. હવે મારાથી રહેવાયું નહીં, મેં શર્વરીને કહ્યું કે મારે કિંકરદાને મળવું છે.

“રામકિંકરદા …!” શર્વરીએ સાદ દીધો અને અંદરથી આવકારમાં ગર્જના સંભળાઈ, “એશો અશો શર્બરી …” ગર્જનાને છાજે એવી ઊધરસ પણ સંભળાઈ. અમે ખુલ્લી ઓસરીમાં ઊભા હતા, તેટલામાં બાજુની અંધારી ઓરડીમાંથી કેડે સાંથાલી લૂંગી વીંટાળેલા રામકિંકરદા બહાર આવ્યા. શર્વરીએ નમીને એમને પ્રણામ કર્યાં. “થોભો, હું ચટાઈ લાવું હં.” કહેતાક એ અંદર ગયા અને એક ચટાઈ લઈ આવ્યા. એમણે અમને પૂછ્યું, “ચા ખાબેન?” બંગાળી સ્વાગતનો પહેલો સવાલ. શર્વરી ચાકૉફી કંઈ લેતો નહોતો, એણે કહ્યું, “ઍકટુ ઍકટુ ખાબા” અને કિંકરદા જોરથી હસી પડ્યા. એમનું હસવું પણ એમની કલા જેટલું જ જાણીતું હતું. ખડખડાટ હસતા. ‘ધીમો’ શબ્દ એમના શબ્દકોશમાં નહોતો. મારું માનવું છે કે ‘ધીમે બોલવું’, ‘ધીમે હસવું’, ‘ધીમે રડવું’ – આ બધું મનુષ્યપ્રાણીએ પોતાની ટોળીનું શિષ્ટસમાજમાં રૂપાન્તર કર્યું ત્યારથી શરૂ થયું હશે.

ચોમાસેઉનાળે ભીંજાતા-ભૂંજાતા ઊછરેલા બાવળ જેવું કિંકરદાના શરીરનું ઘડતર. ‘બ્લૅક ઇઝ બ્યુટિફુલ’ કહેવાય એવા એમના કાળા ચહેરા પર કાંટા જેવી ફૂટેલી, બેત્રણ દિવસથી અસ્તરો ન પામતા વધેલી દાઢી. તેલનો સ્પર્શ ન થયેલા કાળાધોળા ઘનઘોર વાંકડિયા વાળ અને અતિ નટખટ આંખો – આ બધાંને બીજું કોઈ જાતનું હસવું કે બીજો કોઈ અવાજ શોભ્યાં ન હોત. તેઓ નરમ અવાજમાં બોલત તો વાઘે ‘મિયાઉં’ કર્યાં જેવું લાગત. હાથમાં તીરકામઠું લઈને જંગલમાં ઘૂમે તો એકેય આદિવાસીને એવી શંકા ન જાય કે ‘આ બહારનો કોક આવી ચડ્યો છે.’ ચિત્રકાર વાન ગૉગે કહ્યું છે કે “ચિત્રકાર મનથી આદિમાનવ હોવો જોઈએ.” 

શર્વરીએ એમને હું ગાઉં છું એવી કંઈ વાત કરી હશે તે કિંકરદા મને ગાવાનો આગ્રહ કરવા લાગ્યા.

એમણે લગ્નબગ્ન કર્યાં નહોતા. એ બાબતે એ કહેતા, લગ્નથી શું વળે? તમારા બધાંની જેમ ઘાણીના બળદ મારે નથી થવું. સાચે જ આ માણસ ઘાણીનો બળદ ન થઈ શકે. ખુલ્લા વગડામાં ફરનારો બલિવર્દ હતો એ. યુવાન વયમાં એમની કલા અને એમના મસ્તપણા પર વારી જનારી અનેક યુવતી એમની જિંદગીમાં આવી હતી. પણ આ માણસ આદિમ પ્રકૃતિનો, કંગાળ કલાકાર સાથે લગ્નગાંઠ બાંધીને આખો જન્મારો કાઢવાની તાકાતવાળી એકેય પાર્વતી એમાં નહોતી. કેટલીયે રાજકુમારી અને ગરાસદારકન્યાઓ પણ તેમને પ્રેમ કરતી હતી. આ બાબતનો કોઈ પડદો રાખ્યા સિવાય રામકિંકરદાએ ખુદ કહ્યું, “મારા જીવનમાં ઘણી બધી સ્ત્રીઓ આવી હતી.” પણ એ તો કલંદર હતા. એમનું કલંદરપણું બનાવટી નહોતું, એ સ્વંયભૂ હતું.

કિંકરદા અને શર્વરી બન્ને ઊંચા દરજ્જાના શિલ્પકારો, બન્ને ય સૂરના ગાંડા. કિંકરદાના મનનો ખળભળાટ પણ સૂરમાંથી પ્રગટે, “મધરાતે નભઘુમટ નીચે …” આ એકલો માણસ પોતે જ રવીન્દ્રની કવિતા બની જતો. થયું કે કંઠમાંથી ગાન ફૂટતું હશે ત્યારે એ ભાવનાનાં કેટલાં ય ચિત્રો અને શિલ્પો નિર્માણ થતાં હશે આ ચિત્રકારના મનમાં! કિંકરદા કહેતા કે, “સંગીત અને ચિત્રકલા એકબીજાની ઘણા નજીક આવે છે.” શોપેનહૉવરે કહ્યું છે, “બધી જ કલાઓ સંગીતને અભિપ્રેત એવી બાબતો પૂરી કરવા મથતી હોય છે.” આદિવાસી સાંથાલપાડાએ કિંકરદાના જીવનમાં અને કલાજીવનમાં ખાતરપાણી પૂરાં પાડ્યાં હતાં.

એમણે કોઈ પણ આટ્‌ર્સ સ્કૂલમાં શિક્ષણ લીધું નહોતું, આદિવાસી છોકરાં જેમ જેમ ભીંત પર ચિત્રો દોરવા લાગે તેમ કિંકરદાએ પણ ધૂળાક્ષરો ઘૂંટતા પહેલાં જ ચિત્રો સાથે દોસ્તી કરી હતી. મારીમચડીને નિશાળમાં બેસાડેલા કિંકરદાનો શાળાકીય પ્રવાસ રખડતો રહ્યો. બાળપણમાં જ વહેતી રેખા અને રંગથી તેઓ મુગ્ધ થયા હતા, રેખા અને રંગ જેટલું જ આકર્ષણ સૂરોનું. સૂરમાંથી જડી આવનારાં ગતિ અને કૈવલ્યસ્વરૂપનો પ્રત્યય રેખા અને રંગમાંથી દર્શાવ્યા સિવાય તેમને ચેન પડતું નહીં. મૅટ્રિક સુધી માંડ પહોંચ્યા અને ૧૯૨૧ની ગાંધીજીની ચળવળમાં ઝંપલાવી દીધું. પછી કોઈ મિત્રે કહ્યું કે ચરખોબરખો તારું કામ નહીં; એટલે પછી ‘જાત્રા’(નાટકમંડળી)માં ઘૂસ્યા. અભિનયનું અંગ ઉત્તમ. વિનોદવૃત્તિ તીક્ષ્ણ.

૧૯૨૫માં ‘પ્રવાસી’ માસિકના સંપાદક રામાનંદ ચેટર્જી બાંકુરા ગયા, ત્યારે એમણે આ અણઘડ યુવાનના હાથની કલાકૃતિઓ જોઈ અને તેને રવીન્દ્રનાથ પાસે લઈ ગયા. દરેક વાત માટે મથી પડનારું આ વ્યક્તિત્વ શાંતિનિકેતનમાં નિખરવા લાગ્યું. એ સમયગાળો પણ શાંતિનિકેતનના ઇતિહાસના પૂરબહારનો. ત્યાં કિંકરદા ક્યારેક નાટકના મંચ પર તો ક્યારેક ગાનવૃંદમાં પોતાનો જોરદાર અવાજ છેડતા, નંદલાલ બાબુની દેખરેખ હેઠળ રંગરેખાને રમાડતા, માટીને આકાર આપીને કલામાંથી પ્રાપ્ત થનારો મુક્તતાનો આનંદ લેતા અને દેતા તેઓ ઊછરવા લાગ્યા. એ મુક્તતાને – કલાને આવશ્યક એવી શિસ્ત અને સાધનાની પણ – ઉત્તમ જાણ હતી. નંદલાલ બોઝ જેવા ઋષિતુલ્ય કલાકાર ગુરુનો કિંકરદાને લાભ મળ્યો હતો.

કલાભવનમાં ઉત્તમ વિદ્યાર્થી તરીકે કિંકરદા ગાજી ઊઠ્યા અને પછી કલાભવનમાં અધ્યાપક પણ થયા. ત્યારે શિક્ષણ આજના જેવું પરીક્ષાર્થી નહોતું થયું. કિંકરદાનાં ચિત્રો અને શિલ્પોનું નિર્માણ આખી જિંદગી થયા કર્યું પણ એને પ્રદર્શનમાં મૂકવા કે વેચવાનો વિચાર તો એમને સ્વપ્ને ય આવ્યો નહોતો. એટલું જ નહીં પોતાનાં ચિત્રો-શિલ્પો જાળવીએ એ વાત પણ નહીં. તૈલચિત્રના રંગ માટે લાગનારું તેલ હાથવગું ન હોય તો એમણે કેરોસીન ભેળવીને ચિત્રો કર્યાં તેથી કેટલાંયે સુંદર ચિત્રોનાં પોપડાં ખરી ગયાં. એમનાં ચિત્રોમાંથી એમની પ્રયોગશીલતાનો પ્રત્યય મળે છે. એમના પ્રયોગો અનેક પ્રકારના છે : ઇંપ્રેશનિટ, ક્યૂબિસ્ટ, ઍબસ્ટ્રૅક્ટ પ્રકારના છે પણ દરેકમાં એક તત્ત્વ સતત જોવા મળે તે ચર્મચક્ષુને દેખાયેલા રૂપ કરતાંયે અંતઃચક્ષુને દેખાયેલા અરૂપને રૂપ આપવાનું અને એ રૂપને સતત પ્રવાહિત રાખવાનું.

સાંથાલ કુટુંબના શિલ્પની જેમ સુજાતા નામનું તેમનું શિલ્પ કલાભવનના ઉપવનમાં છે. મત્સ્યમાંથી જલપરી પ્રગટ થાય તેમ વૃક્ષમાંથી વૃક્ષપરી પ્રગટી છે. એમણે બસ્ટ પણ કર્યાં છે, રવીન્દ્રનાથે તેમની પાસેથી સરોદવાદક અલ્લાઉદ્દિનખાંસાહેબનું બસ્ટ કરાવડાવ્યું હતું. પણ આબેહૂબ બસ્ટ કરવું તેમને ગમતું નહીં, તેમની અંતર્દૃષ્ટિને જે ગમે તેવી મૂર્તિ તે કંડારતા.

એમણે વર્ષો પહેલાં બનાવેલા રવીન્દ્રનાથના એક બસ્ટ માટે ઉહાપોહ થયેલો, જે એક તો દિલ્હીના રવીન્દ્રભવનમાં છે અને બીજું હંગેરીના બૅલેટોન સરોવર કાંઠે છે. મને એ જરાયે ગમ્યું નહોતું. આનંદયાત્રી રવીન્દ્રનાથની મારી મૂર્તિ સાથે એ અધોવદન ચહેરાનો જરાયે મેળ ખાતો નહોતો. પશ્ચિમ બંગાળના એક મંત્રીએ તો એને ત્યાંથી હટાવી લેવાનું પણ કહેલું. સત્યજિત રૉયે ત્યારે એ મંત્રીને કહેલું, “ચૂપ રહેવાનું તમે શું લેશો?”

રામકિંકર જેવા શિલ્પકારને દુઃખભારથી નમી પડેલા રવીન્દ્રનાથને શિલ્પમાંથી પ્રગટ કરવાનું કેમ સૂઝ્‌યું હશે? વાવાઝોડાં સામે રવીન્દ્રનાથ કંઈ ઓછું ઝઝૂમ્યા નથી. મુક્ત અવાજે તેમણે ગાયું છે, મિત્રોની મંડળીમાં હસ્યા પણ છે. તો પછી રામકિંકર જેવા પ્રતિભાવાનને આ બસ્ટમાં દેખાયા તે રવીન્દ્રનાથ કયા? સામે મૉડેલ રાખીને પૂતળાં કંડારવાનું તેમને ક્યારે ય ગમ્યું નથી. રવીન્દ્રનાથના આ બસ્ટ માટે કિંકરદાએ જ પોતાના આત્મકથનાત્મક એક લેખમાં કહ્યું છે :

“… મેં ક્યારે ય સામે મૉડેલ બેસાડીને કામ કર્યું નથી. રોદાંનું પણ એવું જ હતું. રોદાં કહેતા, “મૂવ, મૂવ” મૂવમેન્ટ ન હોય તો કૅરેક્ટર જીવંત થાય જ નહીં. હરતાફરતા માણસો, એમનું હલનચલન, હસવું-બોલવું, કુદરતી વાતાવરણમાં તેમનું ભળી જવું એ મારી સ્મૃતિમાંથી આંખો સામે વહેતું આવે. એ પછી જ હું મૂર્તિ કંડારી શકું.

રવીન્દ્રનાથને મેં નજીકથી જોયા છે, દૂરથીયે જોયા છે. તેેઓ કદાવર હતા. ક્યારેક સવારના પ્હોરમાં ઈઝીચેરમાં બેઠેલા, ક્યારેક દૂર ક્ષિતિજ પરથી તડકો ઊતરતો હોય ત્યારે ‘ઉત્તરાયણ’ની અગાસીએ પાછળ હાથમાં હાથ રાખીને એકલા જ ચાલતા હોય, ક્યારેક ઇષ્ટમિત્રોના અડ્ડામાં બેસીને વાતચીત કરતા હોય – હું ધીમેકથી, ગભરાતોગભરાતો તેમના ચહેરા તરફ પણ જોતો રહેતો. ચહેરા પરની રેખાઓ, આંખો, કપાળ પરની કરચલીઓનું સંકોચાવું – આ બધું હું જોતો આવ્યો છું. તે લેખે લાગ્યું છે. એક વાર મેં તેમને ‘ઉત્તરાયણ’ની બારીમાં જોયા; શોકમગ્ન અવસ્થામાં. માથું નીચે ઝુકાવીને ટેબલ પાસે નમીને બેઠા હતા. દીનબંધુ ઍંડ્ર્‌યુઝ ગુજરી ગયા હતા. હું દૂરના વગડેે હતોે. સાંજના ઊતરતા તડકામાં ગુરુદેવનું આ શોકમગ્ન રૂપ મારા મગજમાં ગજબનો ખળભળાટ મચાવી ગયું. ઘરે પાછા આવીને મેં એક સ્કેચ દોરી રાખ્યો, પછી બ્રૉન્ઝમાં એ પૂતળું (બસ્ટ) કંડાર્યું.”

કલાસર્જનની બાબતમાં કિંકરદાએ ક્યારે ય સમાધાન કર્યું નથી. કોક કલાપારખુને પોતાનું ચિત્ર કે શિલ્પ ગમે તો ‘લઈ જા’ કહીને એને આપી દેનારા આ કલાપારખુને પોતાનું ચિત્ર કે શિલ્પ ગમે તો ‘લઈ જા’ કહીને એને આપી દેનારા આ કલાકારને દુકાનદારીમાંથી પૈસાદાર બનવાનું તે કેમ કરીને ફાવે! તેઓ કહેતા : “મને ક્યારે ય એવું લાગ્યું નથી કે કલા એ વેચાણની વસ્તુ છે. તેથી કોઈને મારા કરતાં વધુ પ્રસિદ્ધિ કે લોકપ્રિયતા મળે તો મને ક્યારે ય ચિંતા થવાનો સવાલ જ રહેતો નથી. મારા ચિત્રો સાચવવાની પળોજણમાં હું પડતો નથી. કોઈ કહેતું કે કલાભવનના પરિસરમાં એક મોટું સંગ્રહાલય ઊભું કરીએ, શાને? એક મૃત મ્યુઝિયમ કરતાં આજે એ મોકળી જગ્યાએ જીવનનો પ્રવાહ વહે છે તે જ સારું છે.”

પોતાનાં શિલ્પો તડકામાં ઊભા રહીને કંડાર્યા અને આકાશની છત નીચે મૂક્યાં. જોનારાએ તે ચઢતાઊતરતા તડકામાં જોવાં. અષાઢશ્રાવણની જલધારામાં સ્નાન કરતી વખતે જોવાં. રાતે વીજળીનો ગડગડાટ થતો હોય ત્યારે થનારા પળના પ્રકાશના ચમત્કારમાં જોવાં. આકાશ જોવામાં કોઈની પરવાનગી કે ટિકિટેય લાગતી નથી તેમ આ શિલ્પો બધા માટે શાંતિનિકેતનમાં ખુલ્લામાં મોજ કરતા બેઠાં છે.

કલાભવનના પરિસરમાં મહાત્મા ગાંધીજીનું એક ભવ્ય પૂતળું છે. સિમેન્ટકૉંક્રીટનું. ગાંધીજી દાંડીમાર્ચમાં ચાલતા જવા નીકળ્યા હોય એવા પૉઝમાંનો. પણ આ ગાંધી દાંડીમાર્ચમાં જવા નીકળ્યા નથી. બંગાળના ભયાનક હુલ્લડો પછી એ ખેદાનમેદાન વિસ્તારમાંથી તેઓ જઈ રહ્યા છે, તેમના પગ પાસે માણસની એક ખોપરી પડી છે; એ ખોપરી જ એમની યાત્રાનું પ્રયોજન અન માણસાઈની સઘળી સુંદર ભાવનાઓના વિધ્વંસની કથા કહી જાય છે. પાછળ ઊંચું વૃક્ષ અને આકાશ. એમ કહોને એ વૃક્ષ અને આકાશ. એમ કહોને એ વૃક્ષ અને આકાશ બાદ કરીને આ શિલ્પ જોઈ શકાય નહીં.

કિંકરદા કહે છે, “મને સૌથી વહાલો ઉનાળો.” પણ તોયે દરેક ઋતુનું સ્વતંત્ર વ્યક્તિત્વ જેતે ઋતુનો ચરિત્રગ્રંથ વાંચ્યો હોય તેમ તેમ તેઓ જાણતા હતા. પોતાના નિસર્ગચિત્રો વિશે તેઓ કહે છે, “પ્રત્યેક ઋતુના પોતાનાં રંગ અને અંતરંગ પકડવાનો મેં પ્રયત્ન કર્યો છે. ખુલ્લો વગડો, વહેળા, ઝરણાં, માટી ધોવાઈને બનેલી ખાઈ, નિઃસંગ તાડવૃક્ષ, ચાંદની, વિવિધ ઋતુના વિવિધ મૂડ્‌સ – આ મારા ગમતા વિષયો. મારી કૃતિઓમાં એ બધું જ છે.” આવું આ ઝોડ વળગેલું ઝાડ છેલ્લાં પચાસ વર્ષોથી પોતાનું વળગણ ચિત્રો અને શિલ્પોમાંથી વ્યક્ત કરીને શાંતિનિકેતનમાં મોજ કરી રહ્યું હતું. એમના જીવનપટનું પોત જ મૂળે જંગલના વૃક્ષે બહાલ કરેલા વલ્કલ જેવું હતું. એમણે મને ચા પીવડાવેલી તે પણ ખાસ્સી કડક. ચાપત્તી સાથે ચૂલાના લાકડાનો વઘાર કરેલી. ‘સ્મૉકડ્‌ ફીશ’ જેવી ‘સ્મૉકડ્‌ ચા’. જગતમાં કશું સૌમ્ય પેય પણ હોય છે એનો એમને પત્તો ય નહોતો.

ચિત્ર અને શિલ્પકલાના ક્ષેત્રમાં કિંકરદાનું સ્થાન કયું છે તે હું જાણતો નથી, તેઓ ભારતના સર્વશ્રેષ્ઠ ચિત્રકાર કે શિલ્પકાર કદાચ નહીં પણ હોય; એમનું કશું ગયું-બગડ્યું પણ નથી. પણ નિસર્ગ, માણસ, પશુપક્ષીના રૂપે આટલું પ્રચંડ ઐશ્વર્ય અને આનંદ પોતાને મળ્યો છે તો એ ઋણ કલા થકી ચૂકવવાની ધગશથી વ્યાવહારિક યશ અને સંપત્તિ સામે જરાયે ન જોતાં જીવતો એવો બીજો કોઈ કલાકાર મારા જોયામાં તો આવ્યો નથી. પંચમહાભૂતોનું ઋણ વૃક્ષો ફળફૂલ મારફતે ચૂકવીને આનંદસર્જન કરે છે તે ભાવનાથી કિંકરદાનું કલાનિર્માણ થતું રહ્યું. માનમરતબા સાથે આ માણસ ક્યારેય ઝૂક્યો નથી. રોદાં, ગોગ જેવા કલાકારો અને મહાત્મા ગાંધી, રવીન્દ્રનાથ જેવા મહાપુરુષો માટે તેમને અનન્ય શ્રદ્ધા હતી. તોયે અંત સુધી શાંતિનિકેતનને ન છોડનારા કિંકરદાએ રવીન્દ્રનાથનું પોતાને પ્રાપ્ત થયેલી નિકટતાને ક્યારે ય મૂડી ગણી નહીં. એ અંતેવાસીપણું લઈને અમથા એ મ્હાલ્યા નહીં. એ સદા કિંકરદા જ રહ્યા.

એમણેે મને ફરમાઈશ કરેલી કે હવે મસ્ત મોકળા અવાજે કંઈક ગાઓ ! કિંકરદાને મન મસ્ત મોકળો અવાજ એટલે શું તે હું જાણતો હતો. ત્યાં જ શર્વરીએ કહ્યું, “સૈંયા નિકસ ગયે, મૈં ના લડી થી” – ગાઓ.

મનમુરાદે વધેલા ઘાસવાળું એમનું આંગણું, ખુલ્લી ઓસરી, એને વળગેલું એમનું ચંદ્રમૌલિ ઘર, સામે ભૂતગણોનાં નૃત્યગાયનમાં રંગાયેલા શિવશંકર જેવો કિંકરદાનો અવતાર! મને ય કોણ જાણે શું થઈ ગયું તે હવે તો જીવીએ કે મરીએ એ ચડસથી મેં અવાજ છેડ્યો. કબીરજીની બેટી કમાલીનું આ ગીત આમે ય મને બહુ ગમતું ઃ સૈંયા નીકળી ગયા પણ સાચું કહું હું એની સાથે લડી નહોતી.

“ના કછુ ચાલી ।
ના કછુ બોલી ।
સિર કો ઝુકાયે મૈં તો ચુપ કે ખડી થી ।
રંગમહલ કે દસ દરવાજે ।
ન જાને કૌન સી ખિડકી ખૂલી થી ।”

અને પછી “ઐસી બિહાયી સે તો કંવારી ભલી થી।” — એ પંક્તિ પર તો “કી ચમત્કાર કથા” – કહીને કિંકરદાએ એટલી જાેરથી દાદ આપી પણ ખૈર કે પાડોશી બંગલાના રહેવાસીઓ કિંકરદાની ગુફામાંની આ ગર્જનાથી ટેવાયા હશે તે કોઈ દોડીબોડી આવ્યું નહીં. એમણે ફરીફરીને એ જ ગીત મારી પાસે કેટલીયે વાર ગવડાવ્યું. “ભૈરવી અપૂર્વ રાગિણી; અપૂર્વ, અપૂર્વ !” – કહેતા રહ્યા.

મેં એમને કહ્યું, “ગાવાનો મારો રિયાઝ રહ્યો નથી. કિંકરદા, આ ગીતમાંના સૈંયાની જેમ ગાન મને પણ અચાનક છોડીને જતું રહ્યું છે.”

“છટ્‌, એમ કંઈ ગાન કોઈને છોડીને જતું રહેતું નથી, એ શર્વરી તારા યંત્ર પર આનું ગાન ટૅપ કરી લે. બહુ સરસ છે.”

“શોભા ગુર્ટુ બહુ સરસ ગાય છે, હું તમને રેકાર્ડ મોકલીશ.”

રેકાર્ડ મોકલવાનું રહી ગયું. રામકિંકરદાના પ્રાણસૈયાં પણ નીકળી ગયા. એમને કઈ ખિડકી ખુલ્લી છે એ શોધવામાં મુશ્કેલી નહીં પડી હોય. બધાં જ બારણાં ઉઘાડા મૂકીને જ એ જીવ્યા હતા.

છેલ્લે તેઓ રુગ્ણશૈયા પર હતા ત્યારે સાર્વજનિક દવાખાનામાં તેમણે માતા દુર્ગાની મૂર્તિ ઘડી હતી. તેમણે કહેલું, “મારી પહેલી મોડેલ મારી મા, મેં પહેલવહેલું એનું ચિત્ર દોરેલું.”

જીવનના પ્રારંભે માતાની ચિત્રથી શરૂ થયેલી એમની સાધના જગન્માતાની મૃત્તિકામૂર્તિ ઘડીને સમાપ્ત થઈ.

(૧૯૮૦)

***

[A-1, Sargam Flats, Iswar Bhuvan Road, Navrangpura, AHMEDABAD – 380 014, India

(પ્રગટ : “નવનીત સમર્પણ”, ઍપ્રિલ 2019; પૃ. 77-86)

Loading

...102030...2,8682,8692,8702,871...2,8802,8902,900...

Search by

Opinion

  • ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’: આધુનિક કવિતાનો એક સજાગ સ્વર
  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved