Opinion Magazine
Number of visits: 10,229,522
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગરલના ગૃહપતિ નીલકંઠી પ્રભુ

પંચમ શુક્લ|Poetry|9 September 2019

ડોકમાં ઝૂલતી તુલસીકંઠી પ્રભુ,
સ્વપ્નમાં આવતી કંબુકંઠી પ્રભુ.


મન ઉપાસી રહ્યું કવ્વાઠેંઠી પ્રભુ,
હૃદયમાં ફડફડે ઝલ્લકંઠી પ્રભુ.


મૌન રહી બેસું વાળી પલોઠીં પ્રભુ,
હર વિચારે બજે મૃદુલકંઠી પ્રભુ.


તપ તપી ક્ષીણ થઈ ગાત્રગંઠી પ્રભુ,
મનમાં મ્હોરી ઊઠી ઊર્ધ્વકંઠી પ્રભુ.


ગરલના ગૃહપતિ નીલકંઠી પ્રભુ,
વમન થઈ વિલસતી કંઠાકંઠી પ્રભુ.

9/9/2019

કંબુકંઠી – શંખ જેવું જેનું ગળું હોય તેવી સ્ત્રી; કંબુગ્રીવા; શંખની માફક કંઠ ઉપર ચામડીની ત્રણ સુંદર આવલીવાળી સ્ત્રી

કવ્વાઠેંઠીઃ અપરાજિતા, દુર્ગા, છપ્પન દિક્કુમારિકા માંહેની એ નામની એ

ઝલ્લકંઠીઃ પારેવી,કબૂતરી

મૃદુલકંઠીઃ કોમળ કંઠવાળી, મધુર અવાજવાળી.

ગાત્રગંઠીઃ અવયવોના સાંધા

ઊર્ધ્વકંઠીઃ મહાશતાવરીનો વેલો, ઊંચું મોઢું રાખનારી, શતાવરી શરીરને તથા મગજને પુષ્ટિ આપનાર છે

ગરલઃ વિષ, ઝેર, રહસ્ય

ગૃહપતિઃ શિવનું એક નામ, યજ્ઞ કરનાર યજમાન, કુટુંબનો મુખી, છાત્રાલયની દેખરેખ રાખનાર અધિકારી

કંઠાકંઠીઃ સામસામાનું ગળું પકડી ઝઘડવાની ક્રિયા

Loading

ઉદ્ધવ ચરણ ધરું ગોતરડું

પંચમ શુક્લ|Poetry|9 September 2019

હું માનવ મરકટ મગતરડું,
પવનસુત ઢાંકો ઉખરડું.

ચંદ્રમૌલિ દ્યોને ચાંદરડું,
ચલાઈ ગ્યું છે ટાંપાટરડું.

રામનામનું વાવાઝરડું,
બાહરભીતર ખાંડાબરડું.

ચિત્રકૂટને ઘાટ જવું'તું,
વચમાં આવી ગ્યું કોતરડું.

તેલ નીકળે કે ના નીકળે,
તલની જેમ જ ગાજર ભરડું.

પોત પડ્યું મારું લપતરડું,
શ્યામ ધરો કાળું ચીંધરડું.

ગણપતિદાદા વિઘન હરી લ્યો,
ઉદ્ધવ ચરણ ધરું ગોતરડું.

8/9/2019

મરકટ:એક જાતનો વાંદરો, ઊંધમતિયું, અટકચાળું

મગતરડુંઃ ક્ષુલ્લક, મચ્છર

ઉખરડુંઃ ઉઘાડું, બીજાની વાત બહાર પાડવાપણું.

ચંદ્રમૌલિઃ જેમના મુગટમાં ચંદ્ર હોવાની પૌરાણિક માન્યતા છે તેવા મહાદેવ

ટાંપાટરડુંઃ રાંટું, રાંટી ચાલ ચાલનારું

ખાંડાબરડુંઃ જુદા જુદા સ્થળે થોડો ઝાઝો વરસાદ પડયો હોય તેવું, ખંડિત

કોતરડુંઃ નાનું કોતર; નદીના કાંઠા ઉપરનો ઉંડો ખાડો કે બખોલ

લપતરડુંઃ પાતળું થઈ ગયેલું

ચીંધરડુંઃ નાનું ચીંથરું

ગોતરડુંઃ ગોતરજની પૂજા માટે આણેલી માટી અથવા વસ્તુ કે તે લાવવાનો સમારંભ (લગ્નમાં મંગળ તરીકે કરાય છે.

Loading

સાંપ્રત સમાજજીવનમાં વેદનાં સૂત્રાત્મક વાક્યોની પ્રસ્તુતતા

અરવિંદ વાઘેલા|Opinion - Opinion|9 September 2019

"अधीत्य वेदं, यो न विजानाति अर्थम्, स भारहर :"i

(‘જે વેદનું અધ્યયન અર્થના જ્ઞાન વિના કરે, તે કેવળ બોજો ઉપાડનાર જ છે.') 

ભારતીય સાહિત્યિક શાસ્ત્ર પરંપરામાં ' वेदमूलानि शास्त्राणि ' (બધા જ શાસ્ત્રો વેદમૂલક છે.) એમ દર્શાવાયું છે. પ્રસ્તુત વિધાન વેદને સમગ્ર શાસ્ત્રના મૂળ આધાર તરીકે વર્ણવે છે. મૂર્તિમંત જ્ઞાનગ્રંથ વેદમાંથી મળતાં ચિંતનને સમજવાનો, તેના અર્થઘટનનો, અર્થો તારવવાનો, તેને સહજ રીતે સમજવાનો અને સમજાવવાનો યત્ન સમયે સમયે ભારતીય અને વિદેશી વિદ્વાનોએ કર્યો છે. તેમાં રહેલ માનવીય સ્પર્શ અને સંદર્ભોને કારણે ઋષિને અમુક જ અર્થ અભિપ્રેત છે, એમ કહેવું શક્ય નથી. આ ઉપરાંત વેદની ભાષાશૈલી અને રચનારીતિ વિશેષ હોવાને કારણે પણ અર્થઘટનમાં ચોકસાઈ રાખવી જરૂરી બની જાય છે. મુખ્યત્વે વેદની ઋચાઓમાં રહેલ લાઘવના તત્ત્વને કારણે એ સૂત્રાત્મક અભિવ્યક્તિ પામતી સુભાષિત કે ચિંતનકણિકાઓની ગરજ સારે છે. કહેવત કે રુઢિપ્રયોગની જેમ લાઘવયુક્ત સૂત્રો એ 'અનુભવના અર્ક રૂપે' (વિચાર ભારતી – કહેવત) પ્રાપ્ત થાય છે. જાપાનીસ કાવ્ય હાઇકુ મને ખૂબ ગમે, કારણ કે તે થોડામાં ઘણું કહી જાય. પરમાણુમાં જેમ પ્રચંડ શક્તિ સમાયેલી હોય છે તેમ લઘુકાવ્ય સમાન સૂત્રાત્મક વાક્યોમાં અર્થની અપાર શક્યતાઓ અને જ્ઞાનનો અગાધ સાગર પડેલો હોય છે.

'विद्' જ્ઞાને. એ ક્રિયાપદ પરથી બનેલા વેદ શબ્દનો અર્થ જ્ઞાન એવો થાય છે. (ભા.દ) વિશ્વના પ્રાચીન ગ્રંથોનું જ્ઞાન મહદ્દ અંશે સૂત્રાત્મક રીતે વ્યક્ત થયું છે. એટલે એને સમજવું કઠિન હોય છે. ભારતીય સંસ્કૃતિની ધરોહર સમા ચારેય વેદનું જ્ઞાન ગહન, ગૂઢ અને રૂપકાત્મક, સૂચનાત્મક કે વ્યંજનાત્મકરૂપે અભિવ્યક્ત થયું છે. જેને સમજવું સરળ નથી. આ લેખમાં સાંપ્રત સમયના આધુનિક માનવજીવનને સ્પર્શતા વેદના કેટલાક સૂત્રો અંગે ચર્ચાનો ઉપક્રમ રાખ્યો છે.

૧. 'अनुव्रत: पितुः पुत्रो, माता भवतु संमना:i'  – अथर्व वेद : ३ -३० – २

(પુત્ર પોતાના પિતાને અનુસરે અને માતાની સાથે સરખું મન ધરાવે)  (પૃ.૫ વેદ સૂક્તિ)

સાંપ્રત સમયની સૌથી મોટી સમસ્યા કૌટુંબિક સંઘર્ષની છે. માતા – પિતા અને સંતાનો વચ્ચેનો વિચારભેદ મતભેદ સર્જે છે અને મતભેદથી મનભેદ સર્જાય છે પરિણામ સ્વરૂપે કુટુંબો તુટવા લાગ્યાં અને આપણી સંયુક્ત કુટુંબવ્યવસ્થા પડી ભાંગી. જનરેશન ગેપને નામે કુટુંબમાં ઊભી થતી તિરાડો સંતાનોને સ્વચ્છંદી અને હઠાગ્રહી બનાવે છે. ઘરમાં વૃદ્ધ મા-બાપોની દશા દયનીય બનતી જાય છે. સમાજમાં વૃદ્ધાશ્રમોની સંખ્યા વધવા માંડી છે. મૂલ્યહ્રાસના આ સમયમાં આપણે જો આપણા સાહિત્યિકવારસાને અનુસરીએ અને બાળપણથી જ મૂલ્યો અને સંસ્કારોનું બીજારોપણ બાળકમાં કરીએ તો આ સમસ્યાનું સમાધાન મળી શકે એમ છે. કદાચ અથર્વવેદના એક ઋષિએ આથી જ કહ્યું હશે કે – 'पुत्राः सुमनसो भवन्तु 'i (પુત્રો (સંતતિ) સારા મન વાળા બનો.).

જે માતા પિતા સંતાનોમાં સારા સંસ્કારોનું સિંચન કરે છે, તેમની ઉત્તરાવસ્થા સુખદાયી નીવડે છે. માતાપિતા પોતાના આત્મજ કે તનુજ, પોતાના શરીરથી પેદા થયેલ સંતાન માટે શુભની કામના કરે છે. તેના દીર્ઘાયુની પ્રાર્થના કરે છે. -'आत्मा वै पुत्र नामासि स जीव शरद: शतम् i' (પુત્ર ! તું મારો આત્મા છે, તું સો વર્ષ જીવ.) સંતાન પ્રત્યે આવો વત્સલ ભાવ ધરાવનારમાં બાપનું ઋણ ક્યારે ય ન ચૂકવી શકાય.

૨ 'अन्यो अन्यं अभिहर्यत'  i अथर्ववेद -३-३०-१

(પરસ્પર પ્રેમ રાખો)  (પૃ.૭  વેદ સૂક્તિ)

સાંપ્રત વિશ્વની સમસ્યાઓનું સમાધાન સાધતો મહામંત્ર છે. "પરસ્પર પ્રેમ રાખો" પરસ્પરને સમજવાનો પ્રયત્ન કરીએ (Let us try to understand each other) સામાની સ્થિતિમાં આપણી જાતને મૂકીને વિચારીએ તો ચોક્કસ હમદર્દી જાગે. સહ્રદયતા કે હમદર્દીનો ભાવ, પણ પરસ્પર નિકટતા માટેનું નિમિત્ત બની શકે. ઇસુ ખ્રિસ્ત પણ કહે છે કે love thi  Neighbour આવી ભાવના બીજાના ગુણ જોવાથી જ આવે. બીજાના દોષ જોવાથી તો તેના પ્રત્યે દુર્ભાવ જાગે, તેને હીનતાથી જોવાનું વલણ જન્મે અને તેના તરફ નફરત પેદા થાય છે. આ પ્રકારની લાગણીથી સંબંધોમાં તણાવ સર્જાય અને સંઘર્ષ જન્મે છે. એક સાર્વત્રિક મનોવૈજ્ઞાનિક સત્યનો આધાર લઇ ઋષિ સદ્દભાવ – સંબંધ ઉપદેશે છે. અન્યના દોષ જોવાને બદલે ગુણજ્ઞ દ્રષ્ટિ કેળવાય તો તેનામાં રહેલ સારા શુભ તત્ત્વો દેખાય, તેનું આકર્ષણ થાય, પુનઃ પુનઃ તેને મળવાનું મન થાય. આવા હકારાત્મક અભિગમથી વ્યક્તિનો પોતાનો ઉત્કર્ષ સધાય અને શાંતિ, સમૃદ્ધિ અને પ્રેમનું સામ્રાજ્ય સ્થપાય.

૩  'अपास्मत सर्व दुर्भूतम' – अथर्ववेद – ३-७-७ 

(અમારા બધા જ દુર્ભાવો દૂર થાઓ.) (પૃ.૯ વેદ સૂક્તિ)

પ્રસ્તુત સૂત્રમાં અથર્વવેદના ઋષિએ આગળના સૂત્રોમાં જે શુભકામના કરી છે તે શ્રેણીમાં વ્યક્તિના શ્રેયની પ્રાર્થના છે. 'सहृदय साम्मनस्यम्'i સૌની સૌની સાથે સહૃદયતા સાધવાની વૃત્તિ ધરાવતા ઋષિ, ક્યાં ય કોઈની પણ સાથે શત્રુતાનો નિષેધ કરે છે. જો બીજા સાથે શત્રુતાનો ભાવ જન્મે તો તે પોતાના અંતરનો દુર્ભાવ છે એવું ઋષિ સમજે છે. પોતાના મનની નીપજ સમા નફરત, ઈર્ષા અને દુર્ભાવને તેઓ શત્રુ માને છે. બહારના શત્રુઓ કરતાં પોતાના ષડરિપુઓ, આંતરશત્રુઓ વધુ ખતરનાક છે. ઋષિ અંદરના આ શત્રુઓને દૂર કરવા ઈચ્છે છે.

સાંપ્રત સમયમાં માણસની વંચનાને Dual Personalityને ઉજાગર કરતું આ સૂત્ર દર્શાવે છે કે વ્યક્તિનું મિથ્યાભિમાન એનો આડંબર એના આ દુર્ભાવને છુપાવે છે. જેથી વ્યક્તિ સમાજને અને પોતાની જાતને છેતરે છે. 'विषकुम्भ पयो मुखम्' (ઝેર ભરેલા ઘડાના મુખ પર, ઉપર ઉપરથી દૂધ ભરેલું હોય) એવું વ્યક્તિત્વ છેતરામણું અને ભ્રામક હોય છે. અથર્વવેદના ઋષિ આ પરિસ્થિતિથી બચવા, પોતાના આંતરશત્રુઓને, પોતાના ષડરિપુઓને બરાબર જાણી લઇ તેને દૂર કરવા ઈશને પ્રાર્થના કરે છે.

૪  'ईर्ष्यामुइनाग्निमिव शमय' i अथर्ववेद ७-४७-१

 (જે રીતે પાણી અગ્નિને શાંત કરે, તેમ ઈર્ષાને શાંત કરો.)  (પૃ.૧૧  વેદ સૂક્તિ)

માણસ માત્રમાં રહેલા તેના આંતરિક દુ:શ્મનો, ષડરિપુઓ પૈકીનો એક ઈર્ષા – અદેખાઈ છે. ઈર્ષા એવી આગ છે જેમાં બીજો તો બળતાં બળે પણ સૌથી પહેલાં ઈર્ષાળુ જ બળીને ખાખ થઇ જાય છે. શેખ સાદી તો ઈર્ષા કરનારની દયા ખાતાં કહે છે – ''इर्षालु मनुष्य स्वयं ही इर्षाग्नि में जला करता है i उसे और जलाना व्यर्थ है i" ઈર્ષા કરનારની માનસિક સ્થિતિ તેના વિકાસને અટકાવે છે.

અન્યની સફળતા કે સુખ સહન ન કરી શકનાર ઈર્ષ્યાનો ભોગ બને છે. ઈર્ષ્યાનો અગ્નિ તેને સતત બાળે છે. તુલસીદાસ પણ આ સંદર્ભે કહે છે –

                    "पर सुख संपति देखि सुनि, जरहिं जे जन बिनु आगि i
                     तुलसी  तिन के  भाग तें  चले चलाई  भागि ii "

૫  मा क्रुध: i  अथर्व वेद ११- २- २०

(ક્રોધ ન કરો) (પૃ.૩૯  વેદ સૂક્તિ)

માણસની સઘળી આપત્તિ અને અવનતિનું મૂળ ક્રોધ છે. અથર્વવેદના ઋષિ આ સમજી ચુક્યા છે એટલે ક્રોધ ન કરવાની શીખ આપે છે. ગીતામાં પણ ક્રોધજન્ય અનર્થની પરંપરા બતાવી છે.

                     "क्रोधाद् भवति संमोह: संमोहात् स्मृति विभ्रम: i
                     स्मृतिभ्रंशाद् बुध्धिनाशो, बुध्धिनाशात प्रणश्यति II

ઉપરોક્ત ઉપરોક્ત શ્લોક પ્રમાણે વિનાશપર્યંતની પરંપરાના મૂળમાં ક્રોધ છે. ક્રોધ વેર વધારે, મૈત્રી મિટાવે, કુરુપતા લાવે મતિ ભ્રષ્ટ કરે, દુર્ભાગ્ય લાવે, કીર્તિને નષ્ટ કરે. સાચે જ ક્રોધ સમાન કોઈ શત્રુ નથી, ક્રોધ માનવને દાનવ બનાવી દે છે.

૬  "मा त्वया समरामहि i" अथर्ववेद -११-२-२०

(આપની સાથે અમારો વિરોધ ન રહો .) (પૃ.૩૫ વેદ સૂક્તિ) 

વર્તમાન વિશ્વ વિરોધોનું વિશ્વ છે. એક બીજાનો વિરોધ કરવો એ દિન પ્રતિદિન સામાન્ય બનતું જાય છે. વિરોધ વેરને જન્મ આપે છે. ઉપનિષદના ઋષિ એટલા માટે જ म 'मा विद्विषावहै' (અમે પરસ્પરનો વિદ્વેષ કે વિરોધ ન કરીએ) એવી પ્રાર્થના કરે છે. ઋષિ સામાના અભિગમની ચિંતા કર્યા વિના, પોતે વિરોધ ન કરે એવી ભાવના વ્યક્ત કરે છે. વિરોધની ભાવના ઝઘડો નોતરે છે, ઝઘડાથી ભેદભાવ સર્જાય અને વિઘટનની પ્રક્રિયા આરંભાય છે. પરંતુ જેને સમત્વ લાધ્યું હોય, રાગદ્વેષ શમી ગયા હોય, સ્થિતપ્રજ્ઞતા પ્રગટી હોય તેને વિરોધ કરવાનો પ્રસંગ જ આવતો નથી. જે દ્વેષ ન કરે તે સર્વ સામાન્ય બને. આ સહજ ફલશ્રુતિ છે. જેવું કરીએ તેવું પામીએ .

                           "Love and you will be loved,
                            Hate and you will be hated."

૭  "मित्रस्याह्ं चक्षुषा सर्वाणि भूतानि समीक्षे i" यजुर्वेद ३६-१८

(પ્રાણી માત્રને હું મિત્રની દ્રષ્ટિથી જોઉં) (પૃ.૩૯ વેદ સૂક્તિ)

પૃથ્વીનું પર્યાવરણ આજના વિશ્વની વિકટ સમસ્યા છે. પશુ પક્ષી અને પ્રકૃતિની એવી ઘણી પ્રજાતિઓ આજે લુપ્ત થવાને આરે છે ત્યારે યજુર્વેદના ઋષિ જાણે પર્યાવરણના જતન -સંવર્ધનનો મંત્ર આપતા હોય એમ  કહે છે કે, પ્રાણી માત્રને હું મિત્રની દ્રષ્ટિથી જોઉં. ઋષિ સાચા અર્થમાં મિત્ર બનવા ચાહે છે અને સૌને મિત્ર બનાવવા કહે છે. સૂર્ય જેમ સૌના હિતમાં જાતે બળીને સમગ્ર વિશ્વને પ્રકાશ અને ઊર્જા આપે છે. તેવી જ રીતે ઋષિ પણ સર્વના શ્રેયની અપેક્ષા રાખે છે. પ્રાણી માત્ર પ્રત્યે સમભાવ અને સદ્દભાવ કેળવવો જરૂરી છે. બધા જ પોતાના પ્રિય થાય અને પોતે યોગ્યતા કેળવી સૌના પ્રિય બને આવી પરસ્પર પ્રેમના આદાનપ્રદાનની ભાવનાથી પ્રાણી, પ્રકૃતિ અને પર્યાવરણ પ્રત્યે પ્રેમ જાગે.

૮  'कृषिम् इत कृषस्व i' – ऋग्वेद -१०-३४-१३

(ખેતી જ કર.)  (પૃ.૧૮ વેદ સૂક્તિ)

ભારત જેવા ખેતીપ્રધાન દેશ માટે ઋગ્વેદના ઋષિની આ વાત આજે પણ એટલી જ પ્રસ્તુત અને માર્મિક છે. કૃષિ ઉત્તમ વ્યવસાય છે. ખેતીમાં પ્રકૃતિના પ્રત્યક્ષ આશીર્વાદ મળે છે. અહીં ઋષિ કૃષિ અને કૃષિકારનું મહત્ત્વ સમાજ સામે ધરે છે. પોતાના પરિશ્રમનું ફળ સમગ્ર સમાજની સેવામાં ધરી દેનાર અને સૌને અન્ન બ્રહ્મનો આસ્વાદ કરાવનાર કૃષિકાર (ખેડૂત) તેથી જ તો 'જગતનો તાત' કહેવાય છે. અન્ય વ્યવસાય કરતાં ખેતીમાં એક વિશિષ્ટ ગુણ છે . અન્ય વ્યવસાયમાં ક્યાંકને ક્યાંક શોષણ પ્રવેશતું હોય છે, જયારે ખેતીમાં એવું નથી. એનાથી અનેકને આનંદની પ્રાપ્તિ થાય છે. પૂજ્ય રવિશંકર મહારાજે ખેતીનું મહત્ત્વ અને ખેડૂતનો આદર કરતાં કહ્યું કે – अर् એટલે એટલે ખેતી કરવી અને ખેતી કરનાર તે આર્ય – પૂજ્ય કે સન્માન્ય.

રૂપકાત્મક રીતે ઋષિ અહીં મનની ખેતી કરવાનું સૂચવી માર્મિક અને મનોવૈજ્ઞાનિક અભિગમ દાખવે છે. વણખેડાયેલું કે ઉજ્જડ, અસંસ્કૃત મન, વણખેડી જમીનની જેમ જ, જંગલો પેદા કરે છે. જંગલ પાસે આવનારને ભટકાવે, અટવાવે માટે ઋષિ મનની ખેતી કરવા કહે છે, તેને શાસ્ત્રવચનોરૂપી હળથી ખેડવાની અને વિદ્વાનોના માર્ગદર્શક આશીર્વાદે સીંચવાની શીખ આપે છે. આમ કરવાથી 'મન'માં વાવેલા સંસ્કારબીજ, ખૂબ ફળે, સુખપ્રદ બને જે સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે.

૯  बध्धान्मुञचासि बध्दकम् i अथर्ववेद : ६-१२१-४

(બંધનમાં પડેલાને મુક્ત કરો)

ઉપરોક્ત સૂત્રમાં ઋષિ સર્વને માટે સ્વતંત્રતા, બંધન મુક્તિ ઈચ્છે છે. વસ્તુત: તો, સ્વતંત્રતા એ સ્વભાવ છે. વ્યક્તિ સ્વભાવ વિસરે ત્યારે પરતંત્ર બને અને દુ:ખ અનુભવે. આ દુઃખ અજ્ઞાનજન્ય છે. ઉદાહરણ તરીકે – સાંકડા મુખવાળા ઘડામાંથી ચણા કાઢવા, તેમાં હાથ નાંખીને મુઠ્ઠી વાળતા વાંદરાનો હાથ ઘડામાંથી નીકળતો નથી. વાંદરો માને છે કે પોતાને ઘડાએ પકડી લીધો છે, પોતે બંધાઈ ગયો છે. ચણાની આસક્તિ છોડીને મુઠ્ઠી ખોલી નાંખે તો તેનો હાથ બહાર નીકળે અને તે મુક્તિ અનુભવે.

છૂટવાનું તો વ્યક્તિએ જાતે જ છે: પણ વ્યક્તિને મનમાં ઘર કરી ગયેલી અજ્ઞાનની ગ્રંથિમાંથી કેવી રીતે છુટાય તે ગુરુ બતાવે. બંધનમુક્ત થવાની ચાવી ગુરુ પાસે છે.

૧૦ 'तेन त्यक्तेन भुञ्जीथा:i’ यजुर्वेद -४०-१

(ઈશ્વરે આપેલું ભોગવ.) (પૃ.૨૦ વેદ સૂક્તિ)

વર્તમાન સમયના સ્વાર્થી, સંકુચિત અને અહં કેન્દ્રી વિશ્વને ઋષિ જીવન જીવવાનો ગુરુમંત્ર આપે છે. પ્રામાણિક જીવન માટેનો સાધનામાર્ગ આ સૂત્ર બતાવે છે.

જગત ઈશ્વર સ્વરૂપ છે. (ईशावास्यमिद्ं सर्वम् – यजुर्वेद ४०-१) માટે ઈશ્વરદત્ત સઘળી વસ્તુનો આનંદથી સ્વીકાર કરવાનો છે. આ સ્વીકાર અધિકારીભેદે ત્રણ રીતે થાય છે. (૧) જ્ઞાની માટે त्यक्तेन त्यक्तेन – એટલે ત્યજેલાથી એવો અર્થ છે. વૃક્ષ પરથી સ્વયં ખરી પડેલું ફળ, પાક લીધા પછી પડી રહેલા દાણા એ બધું त्यक्त કહેવાય, જ્ઞાની તેને માણે છે. (૨) ભક્ત માટે त्यक्तेन त्यक्तेन એટલે न्यस्तेन न्यस्तेन – મુકાયેલ પોતાના ઇષ્ટની પાસે સમર્પિત ભાવે મુકેલી વસ્તુ તે त्यक्त છે. તેને પ્રસાદરૂપે માણવાની છે. (૩) કર્મયોગી માટે त्यक्तेन એટલે दत्तेन दत्तेन અપાયેલ અપાયેલ, એવો અર્થ છે. પોતાના કર્મોનાં ફળ સ્વરૂપે જે કંઈ મળેલું હોય (સુખ ,દુઃખ) તેને માણવાનું હોય છે. કર્મયોગી તેને ભોગવે છે. ગુરુની દીક્ષા – આદેશ અનુસાર જગતને માણવાનું છે, તેનો ત્યાગ કરવાનો જ નથી. જગતની વસ્તુ કે વ્યક્તિનો ત્યાગ નહિ, પણ તેમાં પેદા થતી (તે સ્વરૂપમાં થતી) આસક્તિનો ત્યાગ કરવાનો છે. પ્રાપ્ત થયેલ સર્વ પદાર્થોમાંથી કર્તા કે ભોક્તાપણાનો ભાવ છોડી તેનો ઉપભોગ (ભોગવનાર પણ હરિ અને ભોગ કરાવનાર પણ હરિ) એ ભાવે કરવાનો આદેશ ઋષિ આપે છે.

૧૧  यदन्तरं तद् बाह्यं i यद् बाह्यं तदन्तरम i  – अथर्ववेद  २-३०-४

(જે અંદર, તે જ બહાર, અને જે બહાર, તે જ અંદર.) (પૃ.૫૦  વેદ સૂક્તિ)

ભૌતિકતાવાદી આ જગતમાં માણસ હવે વિશ્વાસપાત્ર રહ્યો નથી. એનું વ્યક્તિત્વ હાથીના દાંત જેવું, ચાવવાના જુદા અને દેખાડવાના જુદા જેવું છે. માણસ dual Personalityવાળો બની ગયો છે. આ સૂત્રમાં ઋષિ મન, વચન અને કર્મની એકરૂપતાનો સંદેશ આપે છે. વિચારે તેવું જ બોલે અને બોલે તેવું જ વર્તનમાં લાવે એ વ્યક્તિ જ મહાન છે.

                  'मनस्येकं वचस्येकं कर्मण्येकं महात्मनाम i
                  मनस्यन्द् वचस्यन्यत् कर्मण्यन्यद  दुरात्मनाम् ii'

મહાત્માનાં મન – વાણી અને કર્મ સમાન હોય, દુરાત્મા કે દુષ્ટનાં આ ત્રણેમાં ભિન્નતા હોય. પારદર્શક વ્યક્તિત્વ ધરાવતા, નિષ્કપટ અને શુદ્ધ ચારિત્ર્ય ધરાવતા લોકો જ વંચનાથી વિમુખ રહી શકે.

ધ્યાનનો આડંબર કરતા અને હિંસા આચરતા બગલા કરતાં સ્પષ્ટ રીતે હિંસક દેખાતો અને એ જ રીતે વર્તતો કાગડો વધારે સારો. મ્હોરાં પહેરીને ફરતા, બનાવટી કે ઢોંગી લોકો સમાજ માટે ખતરનાક હોય છે. આથી ઋષિ આદર્શ જીવન માટે મન, વચન અને કર્મની એકરૂપતા ઈચ્છે છે.

૧૨ 'सत्यं वक्ष्यामि, नानृतम i अथर्ववेद -१०-८-१९

(હું સત્ય બોલીશ, અસત્ય નહિ.) (પૃ.૬૪ વેદ સૂક્તિ) 

'सत्यान नास्ति परो धर्मः i' (સત્યથી મોટો કોઈ જ ધર્મ નથી) સત્ય જ પરમેશ્વર છે. सत्यं वक्ष्यामि (સાચું બોલીશ) એ જીવનનો હકારાત્મક અભિગમ છે. અને अनृतं अनृतं न वक्ष्यामि (ખોટું નહિ બોલું) એમાં નકાર છે. પરંતુ ઋષિ બંને દ્વારા સત્યના પક્ષે જ ઢળે છે.

જૂઠ કે અસત્યમાં ભારે આકર્ષણ હોય છે, પણ તે ક્ષણજીવી અને નાશવંત હોય છે. સ્થિરતા તો સત્યમાં જ હોય છે. તે જ ટકે અને વિજયી નીવડે. મુંડકોપનિષદના ઋષિએ એટલે જ તો ભારપૂર્વક કહ્યું હશે કે – 'सत्यमेव जयते' મહાત્મા ગાંધીનું તો જીવન જ સત્યની પ્રયોગશાળા બની રહ્યું. તેમને કહ્યું કે – 'મારા જેવા હજારોનો ક્ષય થાઓ પણ સત્યનો જાય થાઓ, અલ્પાત્માને માપવા સત્યનો ગજ કદી ટૂંકો ન થાઓ. ટોલ્સટોય પણ પોતાના હીરો તરીકે સત્યને જ સ્થાપે છે. દિલમાં સફાઈ અને હોઠો પર સચ્ચાઈ એ જ આત્મકલ્યાણનો વિકાસમાર્ગ છે.

૧૩ 'मय्येवास्तु मयि श्रुतम् i -अथर्ववेद -१-१-२

(પ્રાપ્ત થયેલું જ્ઞાન મારામાં સ્થિર થાઓ.) 

                 'पुस्तकस्था तु या विध्या, परहस्तगतं धनम् i
                  कार्यकाले समुत्पन्ने न सा विध्या न तद्धनम् ii'

પુસ્તકમાં રહેલી વિદ્યા અને બીજાના હાથમાં રહેલું ધન, જ્યારે ઉપયોગ માટે અપેક્ષિત હોય ત્યારે કામમાં આવતું નથી, તેથી આવું ધન કે આવી વિદ્યા નકામા છે. આથી જ ઋષિ જ્ઞાનને પોતાનામાં સ્થિર કરવા ઈચ્છે છે જે અણીના સમયે ઉપયોગી બને , ઉપરાંત આ જ્ઞાનને સતત સ્વાધ્યાય દ્વારા તાજું રાખવા પણ ઋષિ ઈચ્છે છે તેમ જ પોતે સજ્જ રહેવા ચાહે છે. આવું જ્ઞાન તેની શક્તિ બની રહે છે.

બેકન નામના વિચારક પણ Knowledge is  Power એમ કહે છે, તે આવા અણીના સમયે કામમાં આવતા જ્ઞાન માટે જ કહ્યું હશે. તો વળી સર ડબલ્યુ ટેમ્પિલ જ્ઞાનને જ ઉત્તમ મિત્ર ગણતાં Wisdom is Best Friend કહે છે.

A friend in need is a friend in deed જરૂર વખતે ઊભો રહે તેજ સાચો મિત્ર. કસોટીમાં, કપરી સ્થિતિમાં કે કારકિર્દીના ઉન્નત સમયે પણ ન ત્યજે તે મિત્ર અને આ મિત્ર તે જ્ઞાન. માટે ઋષિ જ્ઞાનને સતત પોતાની સાથે રાખવાની કામના કરે છે.

૧૪  'सूत्रस्य सूत्रं यो विध्यात्  स विध्यात् परमं महत्'  – अथर्ववेद – १०-८-३७

(સૂત્રના પણ સૂત્રને જાણે છે, તે પરબ્રહ્મને જાણે છે.)  (પૃ.૬૮ વેદ સૂક્તિ)

આજે LHC (Large Hadron Collider) દ્વારા બ્રહ્માંડની ઉત્પત્તિના રહસ્યને પામવા મથતા માણસને અથર્વવેદના ઋષિ જાણે કોઈ રહસ્ય બતાવતા હોય એમ આ સૂત્ર આપે છે. सूत्र શબ્દને સમજાવતાં તેઓ કહે છે કે 'यो विध्यात् सूत्रं विततम् यस्मिन ओता:प्रजा:इमा:i' (જે આ વિસ્તૃત – વ્યાપક સૂત્રને જાણે છે કે જેમાં આ પ્રજાઓ ઓતપ્રોત છે.) આ વ્યાપક સૂત્ર જ સમગ્ર જીવસૃષ્ટિનો મૂલાધાર પ્રકૃતિ છે. તે સર્વનું કારણ છે. જગતનું તે મૂળ કારણ છે. આ પ્રકૃતિને જાણવી અને તેની મદદથી તેના ય મૂળ કારણ એવા બ્રહ્મને જાણવાનું. આ બ્રહ્મ કારણનું ય કારણ ( कारणं कारणानाम् ) છે. સૃષ્ટિનું કારણ પ્રકૃતિ અને પ્રકૃતિનું કારણ તે આ બ્રહ્મ. एकेन विज्ञातेन सर्वमिदं विज्ञातं भवति i (એકને જાણવાથી બધાનું જ્ઞાન થઇ જાય.)

વેદના આ સૂત્રાત્મક વિધાનોમાં સત્યપૂત વાણીનું સામર્થ્ય રહેલું છે. આપણી આંખ બહાર જોવા ટેવાયેલી છે, અંદર જે મૂલ્યવાન ખજાનો છે તે તરફ તેની નજર જતી જ નથી. આ શબ્દો વિરલ છે, શબ્દ વિરલ થાય છે એમાં રહેલ સત્યને કારણે સત્ય વિનાનો શબ્દ એ હાડપિંજર છે. સત્ય વાણીને પવિત્ર કરે છે. સત્ય તત્કાલીન કે સમકાલીન નથી હોતું સત્યનો સંબંધ શાશ્વતી છે.(ઝલક)

'દરેક જમાનાને એના આગવા વિચારો હોય છે તે સમયે એને આધુનિક કે પછાત ગણવાની સમજ દરેકમાં હોતી નથી. સમય વીતતાં ઇતિહાસ નક્કી કરે છે કે શું આધુનિક હતું, શું પછાત હતું.’ (એકત્રીસ સોનામહોરો પૃ. ૭૬). નવા યુગમાં શ્રદ્ધા સાથે ચેનથી જીવવું હશે તો મનની બારી ખુલ્લી રાખવી પડે એને તાજી હવાનો અનુભવ કરાવવો પડે. જે ધર્મ, જે સંસ્કાર અને જે પરંપરા આધુનિકતાની કસોટીમાંથી પાર ન ઊતરી શકે તો તેને ત્યજી દેવી પડે. (એકત્રીસ સોનામહોરો પૃ.૨૭૨) વેદના આ સૂત્રો આજે પણ સાંપ્રત સમાજજીવન માટે  પ્રસ્તુત છે કારણ કે, એનો વિચાર, એનું ચિંતન એની દાર્શનિકતા, એનું આર્ષદર્શન, અને એની વૈશ્વિકતા આજે પણ આધુનિક અને પ્રસ્તુત છે.

સી.યુ. શાહ આર્ટસ કોલેજ ,અમદાવાદ − 380 001 

સંદર્ભ ગ્રંથ

૧. વેદ સૂક્તિ સુધા

૨. ઝલક

૩. એકત્રીસ સોનામહોર

૪. ભારત દર્શન

Loading

...102030...2,8652,8662,8672,868...2,8802,8902,900...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved