Opinion Magazine
Number of visits: 10,226,336
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હાથીભાઈ ડાન્સ કરે ને સસલો પાડે ફોટા! એક વાંદરો, મનમાં-મનમાં, કરતો ગરબડ ગોટા!

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|20 May 2021

હૈયાને દરબાર

ચકીબેન! ચકીબેન!
મારી સાથે રમવા
આવશો કે નહીં?

જેવાં રમતિયાળ બાળગીતોથી આપણા જીવનની શરૂઆત થતી હોય છે. એ પછી મા-બાપ સજાગ હોય તો વળી બીજાં ગીતો પણ સાંભળવા અને શીખવા મળે જેમ કે, પોપટ પાંજરામાં મીઠું મીઠું બોલે, એક બિલાડી જાડી, નાની સરખી ખિસકોલીબાઈ જાત્રા કરવા જાય અને હાથીભાઈ તો જાડા …! ઘરમાં થોડું વધારે સાહિત્યિક વાતાવરણ હોય તો રમેશ પારેખનાં ગીતો, એકડો સાવ સળેખડો, બગડો ડિલે તગડો, બંને બથ્થંબથ્થા બાઝી, કરતાં મોટો ઝઘડો … કે પછી હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠા, લેસન પડતું મૂકી ફિલમ ફિલમ રમવા બેઠા …! જેવાં ગીતો ય જાણવા-માણવા મળે, પરંતુ ર.પા. પછી બાળગીતોને ક્ષેત્રે ખેડાણ પ્રમાણમાં ઘણું ઓછું થઈ ગયું હતું. હકીકતમાં તો, બોધકથા, પ્રાર્થના, કવિતા અને બાળગીતો ગમ્મતપૂર્વક શિખવાડવામાં આવે તો એનાથી બાળકમાં માનસિક ગુણો જેવા કે આત્મવિશ્વાસ, નીડરતા, એકાગ્રતા, સ્વયંશિસ્ત કેળવાય છે.

આજકાલનાં ટાબરિયાં તો મોબાઇલ ફોનની કાર્ટૂન ગેમ્સમાંથી જ મનોરંજન મેળવે છે. પોતાની આ નવી દુનિયામાં બાળકો એવી રીતે મસ્ત હોય છે કે ખાવા-પીવાની કે ભણવાની પણ દરકાર હોતી નથી. ખાસ કરીને ચાર દીવાલોમાં પુરાયેલા આજના શહેરી બાળારાજાઓનો કુદરત સાથેનો સંપર્ક – નાતો છૂટી રહ્યો છે એવા વાતાવરણમાં જામનગરના કવિ-ગઝલકાર કિરીટ ગોસ્વામી બાળગીતો ક્ષેત્રે અદ્ભુત કામ કરી રહ્યા છે. વ્યવસાયે શિક્ષક એવા કિરીટ ગોસ્વામીએ ગુજરાતની શાળાઓમાં આશરે ૧૨૦ જેટલા બાળસાહિત્યના કાર્યક્રમ કર્યા છે. ‘ક્યાં માને છે પપ્પા?’ ગીત સંગ્રહને ૨૦૧૪માં સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક તથા ‘ખિસકોલીને કમ્પ્યુટર છે લેવું!’ને ૨૦૧૬માં અંજુ નરશી પ્રથમ પારિતોષિક મળી ચૂક્યું છે. ગુજરાત કલા પ્રતિષ્ઠાન દ્વારા સાહિત્ય રત્ન એવોર્ડ, રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ એવોર્ડ, અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ (૨૦૨૧) રાજ્યપાલશ્રીના હસ્તે એમણે મેળવ્યો છે. ભારતીય વિદ્યા ભવન દ્વારા એમનું સન્માન થયું છે તથા મોરારિબાપુના અસ્મિતાપર્વમાં પણ એમણે બાળગીતો પ્રસ્તુત કર્યાં છે.

બાળવાર્તા-બાળગીતો વ્યક્તિગત તથા વ્યક્તિત્વ વિકાસમાં ખૂબ અગત્યતા ધરાવે છે. એટલે જ માતા એ બાળકની પ્રથમ શિક્ષક છે અને કિરીટ ગોસ્વામી જેવા સમર્પિત શિક્ષક બાળકને મળે તો એની કલ્પનાશક્તિ અને વિકાસમાં ઘણો ફરક પડી શકે છે.

ગુજરાતી બાળગીતોમાં અનેક કવિઓનું યોગદાન છે. ઊંટ કહે આ સભામાં…ના કવિ દલપતરામથી માંડીને ત્રિભુવન વ્યાસ, રમણલાલ સોની, સુંદરમ્, રમેશ પારેખ અને આધુનિક કવિઓમાં કૃષ્ણ દવેએ પણ બાળસાહિત્યને ન્યાલ કર્યું છે. આ પ્રવાહમાં એક નવું નામ કિરીટ ગોસ્વામીનું છે. સાહિત્યકાર યશવંત મહેતા કહે છે કે, "કિરીટ ગોસ્વામી ગુજરાતી ભાષાના અત્યાર સુધીના પાંચ શ્રેષ્ઠ કવિઓમાં એક છે. પંદરેક વર્ષથી તેઓ બાળકાવ્યો લખે છે અને આજની પેઢીને ગમે એવી અદ્ભુત કલ્પના એમનાં બાળગીતોમાં જોવા મળે છે. તેઓ માત્ર બાળગીતો લખતા જ નથી, ગામેગામની શાળાઓમાં જઈને બાળકો સામે પરફોર્મ પણ કરે છે.

પ્રમાણમાં નાની વયે મા-બાપનું છત્ર ગુમાવનાર કિરીટ ગોસ્વામી કહે છે, "મા-બાપનાં મૃત્યુ પછીના શૂન્યાવકાશે મને બાળગીતો લખવા પ્રેર્યો. પછી તો મને એવી મજા આવવા લાગી કે મારી કવિતામાં બિલ્લી, ખિસકોલી, ઉંદર, વાંદરો, પક્ષીઓ અને ચાંદ-તારા જેવાં પ્રકૃતિ પ્રતીકો તો આવે પણ આધુનિક ઉપકરણો અને શાળાએ જતા બાળકની વર્તમાન મનોસ્થિતિ પણ આવતી હોવાથી બાળકોને ખૂબ મઝા આવવા લાગી. બાળકો વચ્ચે રહેવાથી મન પણ આનંદમય અને પ્રવૃત્તિથી સભર રહેવા લાગ્યું. મારા આઠ બાળગીત સંગ્રહ પ્રકાશિત થયા છે જેમાં ‘એક એક ડાળખી નિશાળ’માં સુંદર પ્રકૃતિ કાવ્યો છે તો, ‘ક્યાં માને છે પપ્પા’માં આધુનિક બાળકોના મનની વાત છે. સર્વાધિક લોકપ્રિય સંગ્રહ ‘ખિસકોલીને કમ્પ્યુટર છે લેવું’માં તો પરંપરાગત વિષયમાંથી કવિતાઓ બહાર લાવી બાળકોને સમજાય અને ગમે એવી ભાષા હોવાને લીધે સૌથી લોકપ્રિય કાવ્યસંગ્રહ થયો અને ઈનામને પાત્ર બન્યો હતો. ‘હાથી ભાઈનું સ્કૂટર’ તથા ‘એક બિલાડી બાંડી’ સંગ્રહો પણ બાળકોએ ખૂબ વધાવ્યા છે.

હંમેશાં ટોપી પહેરતા આ કવિને ‘ટોપીવાળી મા’ અને ‘બાળગીતોના બાદશાહ’ જેવાં બિરુદ પણ અપાયાં છે. કિરીટ ગોસ્વામી વિશે લાભશંકર પુરોહિત કહે છે કે, "કિરીટ ગોસ્વામીએ ટૂંક સમયમાં પ્રસિદ્ધિ મેળવી હોવા છતાં એ મોટાઈનો મુગટ ઉતારીને બાળકો સાથે સહજ રીતે રહી શકે છે એ એમની વિશેષતા છે. તાજેતરનો એમનો સંગ્રહ ‘રીંછ ભાઈ તો રમ પમ પમ’ વિશિષ્ટ એ રીતે છે કે એમાં ક્યુઆર કોડ સ્કેન કરીને ગીતો સાંભળી શકાય છે અને બાળ કલાકારો એ હોંશે હોંશે ગાય છે. મીની માસી શીખે છે કમ્પ્યુટર … જેવાં ગીતો સાંભળી બાળકો ડોલી ઊઠે છે.

હાથીભાઈ તો ડાન્સ કરે ને સસલો પાડે ફોટા … જેવાં કેટલાંક ગીતો અમદાવાદનાં નમ્રતા શોધને સરસ કમ્પોઝ કરીને ગાયાં છે. એ ગીતોમાં જાત જાતની મજેદાર કલ્પનાઓ છે. કોઈના પર રખાય નહીં ખાર … તથા એકલા ખવાય? … જેવાં કેટલાંક ગીતો બાળકોને જીવન ઉપયોગી માર્ગદર્શન આપે છે. કિરીટ ગોસ્વામી ગઝલ પણ સરસ લખે છે તેમ જ ‘માતૃભાષા અભિયાન’ના સહયોગમાં બાળસભાનું આયોજન કરે છે. બાળકો એમાં જોડાઈને પોતાની કૃતિ પણ રજૂ કરી શકે છે. કિરીટભાઈએ કેન્સરગ્રસ્ત તથા અંતરિયાળ ગામડાંઓમાં જઇને બાળસભાઓ યોજી છે. એમની કવિતા ધોરણ ચાર અને પાંચમાં બાલભારતી ગુજરાતીમાં પણ લેવાઈ છે. કિરીટ ગોસ્વામી પહેલાં બાળક છે પછી સર્જક. બાળગીતો લઈને ખૂબ રખડે છે અને ભાષાનું ભણતર અને બાળકોનું ઘડતર કરે છે. એમની કવિતાઓમાં નાની નાની પંક્તિઓ હોવાથી બાળકોને આસાનીથી યાદ રહી જાય છે. વધુ કંઈ ન કહેતાં એમની સરસ મજાની કવિતાઓમાં જ લટાર મારીએ તો વધારે મજા આવશે. તમારા ઘરમાં બાળકો હોય તો જરૂર આ બધાં ગીતો સંભળાવજો, કારણ કે માતૃભાષા દ્વારા જ વિશ્વભાષા અને બાહ્ય જગતની બારી ખૂલે છે. અહીં કેટલાંક મજેદાર બાળગીતો મૂક્યાં છે એની મજા માણો. આમાંનાં અમુક ગીતો નેટ પર કદાચ સાંભળવા મળી શકે. આ બધાં ગીતો કિરીટ ગોસ્વામીએ લખ્યાં છે અને જુદી જુદી રીતે સ્વરબદ્ધ થયાં છે.

રીંછભાઈ તો રમ પમ પમ રમ પમ પમ …!
ચાલે કેવા ધમ ધમ ધમ ધમ ધમ ધમ …!
નાની સરખી પૂંછડી,
એના કાન ટૂંકા-ટૂંકા!
સામે જે કોઇ આવે,
એના બોલાવી દે ભુક્કા!
મધ મળે તો જમ જમ જમ જમ જમ જમ!
રીંછભાઈ તો રમ પમ પમ રમ પમ પમ …
રીંછભાઈને વ્હાલી લાગે
નાની શી ખિસકોલી!
ખિસકોલીનું નામ લાડકું
રાખ્યું એણે ડોલી!
ડોલી નાચે છમ છમ છમ છમ છમ છમ!
રીંછભાઈ તો રમ પમ પમ રમ પમ પમ …

*****

એક … બે ને અઢી!
મમ્મીએ પીરસી છે મનગમતી કઢી!
કઢી પીવાને આવશે કાગડો …
બાબુ બીવડાવશે બની એને બાઘડો …
બાઘડાની ઢીલીઢપ ખેંચીશું ચડ્ડી!
એક … બે ને અઢી …
બિલ્લીની આંખોમાં ટમટમતા તારા!
બધાથી ખૂબ મારા દાદાજી પ્યારા!
દાદીમા વ્હાલ કરે, ખોટું-ખોટું વઢી!
એક … બે ને અઢી …!

*****

આ હાથીભાઈને મોજ …
ના સ્કૂલ જવાની ચિંતા, ના હોમવર્કનો બોજ!
જંગલ-જંગલ ફરવાનું
ને ઘાસ લીલુંછમ ચરવાનું …
ના મમ્મીની રોકટોક
કે ના પપ્પાથી ડરવાનું …
ના સ્પેલિંગ પાક્કા કરવાના,
નહિ લખવાની નોટ …
તો ય કદી ક્યાં કોઇ
કહે છે હાથીભાઈને ઠોઠ?
ને હું મસ્તી સ્હેજ કરું તો ટીચર ખીજે રોજ!
આ હાથીભાઈને મોજ …
હાથીભાઈને સૂંઢ-ફુવારો,
મને બાલદી કાં નાની?
તળાવ આખું ડહોળે
તોયે કોઇ કહે ના તોફાની!
ફાવે ત્યારે રમી શકે
એ ફાવે તેવી ગેમ …
મને ય થોડું જીવવા દોને
હાથીભાઈની જેમ!
પીછો કાં ના છોડે દફતર ને નોટોની ફોજ?
આ હાથીભાઈને મોજ …

*****

આ હોમવર્કનો દરિયો …
માણસખાઉ કોઇ રાક્ષસની
ફાંદ સમો વિસ્તરિયો!
આ હોમવર્કનો દરિયો …
જાડા-પાડા આ દરિયાનાં
મોજાંનો નૈ પાર …
ટીચર કહેતા – ગમે તેમ જાવાનું
સામે પાર …
મથું રાત-દી’ તો ય મળે ના
આ દરિયાનો તાગ!
જરાક ઝોકે ચડું, ત્યાં તરત
મમ્મી કહેતી – ‘જાગ!’
નાના એવા દફતરમાં
છે ભાર ગજબનો ભરિયો!
આ હોમવર્કનો દરિયો …
ચાંદામામા! તમે જ કહોને
આનો ઉપાય શું?
મજા ન આવે એવું ભણતર
કાયમ ભણાય શું?
એવો દરિયો શું ખંખોળે:
જેમાં ના હો મોતી!
મારે આ ગોખણપટ્ટીની
થી હોડકી જોતી!
છે ફરિયાદી મારી જેમ જ:
કાનો, કુલદીપ, હરિયો!
આ હોમવર્કનો દરિયો …

*****

નાની-શી ખિસકોલી
હું નાની-શી ખિસકોલી,
હું જાગું વ્હેલી-વ્હેલી!
હું ચિક ચિક .. ચિક ચિક .. બોલું
કવિતાઓ સાવ સ્હેલી!
હું સ્કૂલે જાઉં દોડી,
લઇ દફતર નાનું-નાનું!
હું લેસન કરતી ઝાઝું,
ને વાત ટીચરની માનું!
આ લીમડાભાઈની ડાળે,
હું કાયમ કરતી સ્કેટિંગ!
હું કમ્પ્યુટર ખોલીને
કરું કાબર સાથે ચેટિંગ!
હું ડાન્સ કરું મનગમતા
ને ડાઇવ મારું મોટી!
કોઇ ‘નટખટ’ કહી બોલાવે,
કોઇ કહે લાડથી ‘ગોટી’!
હું વાત હવાથી કરતી,
હરખે દઇ-દઇને તાલી!
હું સૌને ઘેર જાતી;
હું સૌને વ્હાલી-વ્હાલી!

*****

કીડી માગે કેક …
કાયમ કીડી માગે કેક!
કેક જરા દેખે ને ત્યાં તો કરતી ઠેકમઠેક!
રોજ કેક ખાવાનાં એ તો શોધ્યા કરતી બ્હાનાં,
ઘડીએ-ઘડીએ યાદ કરે છે બર્થ-ડે બધ્ધાનાં,
કેક ભાવતી એવી કે ના મન પર લાગે બ્રેક!
કાયમ કીડી માગે કેક …
પપ્પા લાવે ગુલાબજાંબુ, મમ્મી લાવે લાડુ …
કીડીને તો કેક જ ભાવે; રિસાઇ જુએ આડું …
ગમ્મે ત્યાંથી પકડી પાડે, કેકની મીઠી મ્હેક!
કાયમ કીડી માગે કેક …!

*****

મીની માસી શીખે છે કમ્પ્યુટર …
સાવ ઠોઠડા રહી જવાનાં ઉંદર અને છછુંદર!
ખૂબ ઝડપથી ટાઇપ કરે છે
હરખે મ્યાઉં-મ્યાઉં!
નથી માઉસને કહેતાં
– તન્ને ખાઉં-ખાઉં-ખાઉં!
ખૂબ કરે છે મહેનત, છોડી પહેલાં જેવી નીંદર!
મીની માસી શીખે છે કમ્પ્યુટર …
ફેસબુકમાં ફોટા મૂકે,
રોજ-રોજ મનગમતા!
પપ્પુભાઈની સાથે
કેવા ગેમ હોંશથી રમતાં!
સિંહરાજથી આગળ નીકળી, લાવે પેલો નંબર!
મીની માસી શીખે છે કમ્પ્યુટર …
હાથીભાઈ ડાન્સ કરે
ને સસલો પાડે ફોટા!
એક વાંદરો, મનમાં-મનમાં,
કરતો ગરબડ ગોટા!
ખિસકોલી મોબાઈલ લઇને
પહોંચી રીંછ પાસે …
ગૂગલ ખોલી, ક્યે કે –
"આમાં મધપૂડો દેખાશે …
રીંછ કહે – "મોઢામાં પાણી,
લાવ નહીં, તું ખોટા!
એક વાંદરો, મનમાં-મનમાં,
કરતો ગરબડ ગોટા!
કીડીબાઇના કમ્પ્યુટરમાં,
માઉસ કરે છે લોચા!
બિલ્લી કયે – "એના પર મૂકું
પગ આ મારા પોચા!
આગળ માઉસ, પાછળ બિલ્લી …
થૈ ગ્યા દોટમદોટા!
એક વાંદરો, મનમાં-મનમાં,
કરતો ગરબડ ગોટા!

•   કવિ : કિરીટ ગોસ્વામી    •   સ્વરાંકન-ગાયન : નમ્રતા શોધન

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 20 મે 2021

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=691031

Loading

ખાદી – માત્ર વસ્ત્ર નહીં, એક જીવન પદ્ધતિ

આશા બૂચ|Opinion - Opinion|20 May 2021

ખાદી-ગ્રમોદ્યોગ બોર્ડ અને બીજી રચનાત્મક સંસ્થાઓ અત્યારે બેઘર બેરોજગાર બનેલા લોકો માટે શું કરતી હશે? અત્યારે જ તક છે એ લોકોને કાંતતા-વણતા કરવાની. ખેડૂત સુથાર લુહાર વગેરે અસંખ્ય ઉદ્યોગોમાં સ્થળાંતરિત થયેલાંને કામ મળી રહે તેની જોગવાઈ કરે તો તેમનું અસ્તિત્વ સાબિત થાય કે નહીં?

− આશા બૂચ 

છેલ્લાં દોઢ-બે વર્ષથી બેરોજગારી, સ્થળાંતરિત અર્થવ્યવસ્થાના લાભાલાભ, ભાંગી પડેલી ગ્રામ્ય જીવન પદ્ધતિ, શહેરોની વૃદ્ધિથી થયેલ લાભ-હાનિ, ગામથી માંડીને દેશ આખાની સ્વનિર્ભરતા સવાલો, આર્થિક-સામાજિક અસમાનતા, સ્વાસ્થ્ય સેવાની અપૂરતી જોગવાઈ જેવી એક સો ને એક સમસ્યાઓ આગલી હરોળમાં અડ્ડો જમાવી બેઠી છે. 

આમ જનતા અસહાય બનીને મોં વકાસીને બેઠી છે, તો બીજી બાજુ નાના મોટા સહુ હોદ્દેદારો લાખોની સળગતી ચિતા પર પોતાનો રોટલો શેકવા માંડ્યા છે. તેવે ટાણે ગાંધી નિર્દેશિત રચનાત્મક કાર્યોની સૂચિનું સ્મરણ થાય. તેમાં પણ ખાદી અને ગ્રામોદ્યોગ પ્રત્યે વિશેષ ધ્યાન દોરાય. કહેવાતા આધુનિક વિકાસમાં શ્રદ્ધા ધરાવનાર પડકાર ફેંકી શકે, એક નાનકડો ચરખો આટલા બધા પ્રશ્નોનું નિરાકરણ કરી શકે? હા, એ બે પૈડાના નાના અમથા યંત્ર પાસે અનેક સમસ્યાઓને અટકાવવાની અને નિવારવાની શક્તિ છે. કેમ કે ખાદી એ માત્ર કાપડ નહીં, એક જીવન પદ્ધતિ છે. 

રામચંદ્ર ગુહાના પુસ્તક The years that changed the world 1914-1948માં તેમણે આપેલી વિગતો રસપ્રદ છે. ગાંધીજીએ 1926માં ક્ષેત્ર સન્યાસ લીધો અને એક વર્ષ સાબરમતી આશ્રમમાં રહ્યા. એ દરમ્યાન કાંતણ એ તેમની મુખ્ય પ્રવૃત્તિ હતી. ગુજરાતી સામયિક ‘નવજીવન’માં તેમણે કાંતણ સાથે સંલગ્ન તમામ પ્રક્રિયાઓનું સચોટ વર્ણન કરેલું, જે એમના જ શબ્દોમાં જોઈએ :  

“કાંતવું એટલે આપણે રેંટિયા સાથે રમત રમતા હોઈએ તે રીતે  કોઈ પણ જાતના તાર કાઢવા એટલું જ પૂરતું નથી. કાંતણ કરતાં પહેલાં તે માટેની બધી પ્રાથમિક પ્રક્રિયાઓ શીખવી જોઈએ; જેમ કે જમીન પર યોગ્ય રીતે બેસવું, ચિત્તને તદ્દન શાંત રાખવું, રોજ નિયત સમયે ચોક્કસ સમય માટે સારી જાતના, એક સરખા અને મજબૂત વળ વાળા તાર કાઢવા. તેના પર પાણીનો છંટકાવ કરવો, તેની લંબાઈ માપવી, વજન કરવું, સુઘડ આંટી વાળવી, અને જો બીજી કોઈ જગ્યાએ મોકલવાની હોય તો સાવચેતીથી તેને પેક કરવી, તેના પર લેબલ લગાવવું, જેમાં કપાસનો કેવો પ્રકાર વપરાયો છે, તેના તારની લંબાઈ, આંટીનું વજન અને કાંતનારનું નામ, સરનામું એ તમામ હાથથી લખેલ હોવું જોઈએ. જ્યારે આ સઘળી પ્રક્રિયા પૂરી થાય ત્યારે તે દિવસનો કાંતણ યજ્ઞ પૂરો થયો ગણાય.”

આજની પેઢી તો કહેશે જ, આવી ચિકાશ એક અમથા કાપડ બનાવવા પાછળ શી કામની? પણ એટલે જ તો કહું છું, એ માત્ર કાપડ નથી, એક જીવન પદ્ધતિ છે, જેમાં ઉપર વર્ણવ્યા એ તમામ ગુણો અને કાર્યશક્તિનો વિકાસ કરવાનો હેતુ છે.

સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે આપણે ખાદીને અને કાંતણને લડતનું પ્રતીક માત્ર ગણી લીધું. પરંતુ તેનું આર્થિક, સામાજિક કે પર્યાવરણીય મૂલ્ય ન સમજ્યા. ક્યાંથી સમજીએ, આપણા વિચારોના તાણા-વાણાથી બનેલ પોતનો પનો ટૂંકો પડ્યો. ગાંધીજી માટે સૂતર કાંતવા પાછળ ઘણા ગર્ભિત અર્થો રહેલા. આપણા સમાજમાં રૂઢ થઇ ગયેલા બુદ્ધિશાળી અને મજૂર વર્ગ વચ્ચેના અંતરને તોડવાનું એક સાધન તે ચરખો. વ્યક્તિગત સ્તરે જોઈએ તો સ્વનિર્ભર થવાનો ઉત્તમ ઉપાય. બ્રિટિશ રાજ દરમ્યાન મૃતઃપ્રાય થઇ ગયેલ પ્રજાના કલા કૌશલ્ય ઉજાગર કરવાનો સહેલો માર્ગ તે ખાદી ઉત્પાદન. આમ સામાજિક સુધારણા, વ્યક્તિગત વિકાસ, આર્થિક સ્વનિર્ભરતા અને રાષ્ટ્રપ્રેમ જેવા બહુ આયામી ઉદ્દેશો સિદ્ધ કરવા ખાદી એક અસરકારક પ્રતીક માત્ર નહીં પણ એ સર્વ દિશાઓમાં સફળ બનવા ફાળો આપનાર પણ બની ગયેલ.  

પોરબંદર કીર્તિ મંદિરના પ્રાંગણમાં ગાંધી વિચારો સુંદર રીતે પ્રદર્શિત કરાયેલા છે, જેમાંનો આ એક ઊડીને આંખે વળગે તેવો છે. ચરખાને અહિંસા સાથે જોડી શકે એ ગાંધી. એ સમજવા વર્તમાન પરિસ્થિતિને ખાદી ઉદ્યોગના પરિપેક્ષ્યમાં જોવાનો પ્રયત્ન કરીએ.

બેરોજગારીનું નિવારણ ખાદીમાં મળે? વિચારીએ. તેની સાથે જોડાયેલા ઉત્પાદન અને વ્યાપારી વ્યવસાયોની સૂચિ કરીએ. ખેડૂત, પીંજારો, પૂણી બનાવનારો, કાંતનારો, વણનારો, રંગારો, છાપકામ કરનારો, દરજી, અને છેવટ કાપડ કે તૈયાર કપડાં વેંચનાર વેપારીઓ એ સઘળાં કાપડ ઉત્પાદનમાં સાંકળયેલાં ખરાં ને? એ  તમામ પ્રક્રિયાઓ હાથથી થતી હોવાને કારણે મશીનથી પેદા થતા માલ કરતાં અસંખ્ય લોકોને રોજી રોટી મળે તેમાં શક નથી જ. આથી જ તો શહેરોમાંથી પરત થયેલા રોજમદારી પર નભતા કામદારો માટે તાત્કાલિક ઉપાય તરીકે નહીં, પણ વ્યક્તિથી માંડીને દેશ આખાને સ્વનિર્ભર બનાવવા આ ઉદ્યોગને વિકસાવીને મજબૂત કરવો રહ્યો, એ અહેસાસ જેટલો જલદી થાય તેટલું આપણા સહુનું ભલું થશે.

આજે સ્થળાંતરિત કામદારોનો સવાલ બહુ મૂંઝવનારો બની ગયો છે. ઔદ્યોગિક ક્રાંતિની એ ભેટ. ગામડાંમાં હાથથી પેદા થતો માલ મશીનોમાં જથ્થાબંધ બનવા લાગ્યો, જેને માટે શહેરો નિર્માયાં. કારીગરો ગામ છોડી રોટલાની શોધમાં શહેરો ભણી દોડ્યા. ત્યાં બેકારી, ભૂખમરો, બેઘરની હાલત બધું સહન કર્યું કેમ કે એ એક તરફી રસ્તો હતો. જો ખાદી અને અન્ય ઉદ્યોગોને કાચા માલ અને માનવ શક્તિ પાસે જ રહેવા દઈને વિકસાવ્યા હોત તો આજે લાખો બેરોજગારોની વણઝાર જોવી ન પડત. હજુ પણ બહુ મોડું નથી થયું. આ કસબ લોકોના હાથમાં પહોંચતો કરે તેવા લોકો છે.

કોવીડ-19 વાયરસે કરોડોના જાન લીધા અને એનાથી વધુ લોકોને બિમાર બનાવી બેહાલ કર્યા એટલે એ તો નેસ્તનાબૂદ થવો જ રહ્યો, પરંતુ એની એક આડ અસર માનવજાત માટે મદદરૂપ થઇ ગઈ. આ એક રોગ એવો છે, જેણે રંગ, જ્ઞાતિ, જાતિ કે વર્ગભેદ ન જાણ્યો. પરિણામે નિર્ધન, અભણ, નીચલા વર્ગ અને જ્ઞાતિના સ્ત્રી-પુરુષ તમામ લોકોને પણ રોજી-રોટીનો અને સ્વાસ્થ્ય સેવા મેળવવાનો સરખો અધિકાર છે એવું વગર બોલ્યે કહી તેણે દીધું; જે પહેલાં આપણે જાણતા હતા તે હવે સ્વીકારવું પડ્યું અને તેને વિષે નક્કર પગલાં ભરવા બાધ્ય થવું પડ્યું. આર્થિક અસમાનતા અન્ય અસમાનતાઓના મૂળમાં છે તેનું ભાન થતું જાય છે. કોર્પોરેટ બિઝનેસ તેની જડ છે એ સાબિત થયું. આથી જ તો હવે નાના એકમો અને સ્થાનિક પાયા પર નભતા ઉદ્યોગો અને વ્યવસાયો શરૂ કરવા હામ ભીડવી પડશે. 

કોવીડ-19 ની મહામારી જેટલો જ બહુ ચર્ચિત મુદ્દો પર્યાવરણની રક્ષાનો ઊભો થયો છે. એક પ્રયોગ કરવા જેવો ખરો. એક મધ્યમ કદના શહેરમાં બહારથી લાવેલ કાચા માલમાંથી મોટા કારખાનામાં પેદા થયેલ માલ સેંકડો-હજારો માઈલ દૂરની બજારોમાં વેચવા મોકલવો અને તેના ઉપરની કાર્બન ફૂટપ્રિન્ટની નોંધ કરવી. તેની નજીકના મોટા ગામમાં સ્થાનિક કાચા માલમાંથી તાલીમ પામેલા કારીગરો વિકેન્દ્રિત ઉદ્યોગ સંકુલમાં પાકો માલ પેદા કરે અને તેનો વપરાશ-વેપાર બને તેટલો સ્થાનિક કરે અને વધે તેટલો જ માલ બાજુના ગામ કે શહેરમાં પહોંચતો કરે અને તેની કાર્બન ફૂટપ્રિન્ટની નોંધ થાય, તો પર્યાવરણની સુરક્ષા માટેની શરતમાં કોણ જીતશે?

હા, ખાદીને વસ્ત્ર તરીકે અપનાવનારે સાદાં કપડાંથી સંતોષ માનવો રહેશે, તેને રોજ ધોઈને સ્વચ્છ રાખવા રહેશે. હાથથી બનેલ હોવાને કારણે અને તેની પેદશામાં સંકળાયેલ તમામ કારીગરો અને ઉત્પાદકોને ન્યાયી રોજી મળતી હોવાને લીધે ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ કે સુપર માર્કેટમાં મળતાં મોટી ગારમેન્ટ ફેકટરીઓમાં બનતાં કપડાં કરતાં થોડા મોંઘા હશે એટલે કબાટો ભરીને કપડાં ખરીદી નહીં શકાય. એટલે જ તો કહું છું, ખાદી એ માત્ર વસ્ત્ર નથી, એક જીવન શૈલી, વિચારધારા છે.

જમીનનું સત્વ જાળવીને અને માનવેતર જીવોની રક્ષા કરીને કાપડ તૈયાર કરવાની નેમ ધરાવતા સંગઠન Fiber Shedની સાઈટ પર મુકેલ ગોપાલ ડાયનેનીનું આ કથન વિચાર પ્રેરક છે, જેને આચારમાં મૂકીને જ જંપી શકાય.

સારી ય માનવજાતના સ્વાસ્થ્યની સુરક્ષા, ન્યાયી અર્થવ્યવસ્થા અને ટકાઉ વિકાસ તરફ કૂચ કરવા ખાદી અને હસ્ત તથા ગ્રામોદ્યોગ દ્વારા જીવન પદ્ધતિ બદલાવીએ એ જ એક વિકલ્પ રહ્યો લાગે છે. બેકાબૂ બનેલા વિકાસ, અમર્યાદ ઉત્પાદન, મારકણી બજાર અને ખાળી ન શકાય તેવી બેરોજગારીના રોગ સામે એ જ ખરી રસી છે.

e.mail : 71abuch@gmail.com

Loading

અત્યારે નહિ તો ક્યારે બોલશો?

વર્ષા પાઠક|Opinion - Opinion|20 May 2021

બીજાને મૂંગાં કરીને ખુશ થનારાંને લોકોને ભાન છે કે એમણે પોતાની જીભ ગિરવે મૂકી દીધી છે?

ઉચ્ચ કોટિના સાહિત્યકારો પણ ક્યારેક માત્ર આંચકો આપવા, ચર્ચા જગાવવા માટે અમુક વિધાન કરી નાખતાં હોય છે. જેમ કે ચંદ્રકાંત બક્ષીએ એકવાર કહેલું કે ગાળો તો પુરુષનું મેન્સિસ છે. બક્ષીએ એવું શું જોઈને કહ્યું હશે એ ખબર નથી, પરંતુ ધારો કે એ સાચું માની લઈએ તો આપણે ત્યાં લાખો પુરુષો મહિનાના ત્રીસેય દિવસ રજસ્વલારૂપમાં રહે છે. એમનાં માટે આરાધ્યદેવ, પૃથ્વી પર માનવ તરીકે અવતરેલા સાક્ષાત્‌ ઈશ્વર વડા પ્રધાન મોદીજી વિષે આડકતરી, ભલે સાચી ટીકા પણ થાય તો કલેક્ટિવ મેલ મેન્સ્ટ્રુએશન શરૂ થઇ જાય. ગંદામાં ગંદી ગાળોનો સ્રાવ ફૂટી નીકળે. કમનસીબે ત્યાં ક્યારે ય પૉઝ કે મેનોપોઝ આવતો નથી. વિરોધીઓની સાત પેઢીને અપશબ્દો સંભળાવાય. સોશિયલ મીડિયા પર ગંદકીની રેલમછેલ થઇ જાય. તાજેતરમાં અમરેલીની કવિયત્રી પારુલ ખખ્ખરે ગંગા નદીમાં તરતાં મૃતદેહોની વાતથી વ્યથિત થઈને એક ધારદાર કવિતા લખી, એમાં અનેક લોકોને પોતાના યુગપુરુષ એન્ડ હીઝ ડિવાઇન આસિસ્ટન્ટનું ઘોર અપમાન થતું લાગ્યું અને બક્ષીએ જેને પુરુષનું મેન્સીસ કહેલું એનો ધોધ સોશિયલ મીડિયા પર વહેવા લાગ્યો.

આટલાં વર્ષોમાં એક વાત તમે પણ માર્ક કરી હશે કે સોશિયલ મીડિયા પર સહુથી વધુ અપશબ્દો, ગંદી ભાષાનો ઉપયોગ એ લોકો કરે છે જે પોતાને દેશપ્રેમી, ધાર્મિક અને ભારતીય સંસ્કૃતિના રક્ષક કહે છે. એ લોકોએ દેશની જ નહિ, દેશના વડા પ્રધાનથી માંડીને ભગવાનના રક્ષણની જવાબદારી ઉપાડી લીધી છે. હથિયાર ઉપાડવાની તાકાત જેમના હાથમાં ન હોય એવા લોકો એક સમયે શસ્ત્ર તરીકે જીભનો ઉપયોગ કરતાં હતા, પણ પછી એમના હાથમાં સોશિયલ મીડિયા આવ્યું અને બારે મહિના દિવાળી થઇ ગઈ. જેવો કોઈના પર ગુસ્સો આવે કે ગાળોના ફટાકડાં ફોડવા માંડે. એમાંયે સામે સ્ત્રી હોય તો તો આવા લોકોને જલસો થઇ પડે. વાંધો ભલે ગમે તે મુદ્દે પડ્યો હોય પણ બસ સીધો સ્ત્રીનાં ચારિત્ર્ય પર કાદવ ઉછાળવાનો ધંધો શરૂ કરી દો. એ બહુ સહેલું છે. અત્યારે કવયિત્રીને અપાઈ રહેલી ગાળો સાંભળો તો એવું લાગે કે સમાજના એક વર્ગના શરીરમાં દુઃશાસન પ્રવેશી ગયો છે, અને સોશિયલ મીડિયા પર એમણે સામૂહિક ચીરહરણની એમની ફેવરિટ ગેમ આદરી છે.  એમાંયે  ઘણાંની સાહિત્યિક ટેલન્ટ ખીલી ઊઠી છે. પોતે લોઅર ક્લાસ ન લાગે એટલે જાણીતી હસ્તીઓએ બહુ અલંકારિક ભાષામાં વિરોધીઓને ગાળ અને સરકારની ચમચાગીરી કરી છે. અહીં સરકાર એટલે માત્ર એક, અને બહુબહુ તો દોઢ વ્યક્તિ કહી શકો. અને એમને કંઈ કહેવાય?

આપણે ત્યાં ટાઇમપાસની જે અનેક પ્રવૃત્તિઓ છે, એમાં એક છે લાગણી દુભાયાની ફરિયાદ કરવી. કોઈ ધર્મ વિષે બોલો તો ધાર્મિક લાગણી દુભાય, કોઈ કોમ વિષે બોલો તો કોમી લાગણી દુભાય, ભારત વિષે કંઈ બોલો તો રાષ્ટ્રીય લાગણી દુભાય. પણ  છેલ્લાં થોડાં વર્ષોમાં જે એક ખાસ લાગણી દુભાઈ રહી હોવાનું કહેવાય છે, એને શું નામ આપવું? વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિષે કંઈ પણ બોલો તો એને ગુજરાતની, ગુજરાતીઓની, ભારતની, અરે આખાયે હિન્દુ ધર્મની લાગણી દુભાવવાનો મહા અપરાધ ગણી લેવાય છે. પોલીસ સ્ટેશને ફરિયાદ થાય, અને એ ન થાય તોયે સોશિયલ મીડિયા પર ફટકાર તો પડે જ. કદાચ આનાથી જ ડરીને અમુક લોકો અત્યારના સમયમાં પણ મૌન સાધે છે. અહીં માત્ર પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાનો સંઘર્ષ કરી રહેલા સાવ ગરીબ લોકોની વાત નથી. પરંતુ જેમની પાસે અવાજ ઉઠાવવાનું માધ્યમ છે, એવા લોકો પણ અત્યારની સ્થિતિમાં ચૂપ રહે છે, અરે, જે બોલવાની હિમ્મત કરે છે એમની મજાક ઉડાવતા કહે છે કે કકળાટ કરીને શું મળવાનું? કેમ જાણે આસપાસ બનતી ઘટના સાથે એમને કંઈ લાગતુંવળગતું જ ન હોય. અને આ તબક્કે કદાચ ખરેખર એમને એવું લાગતું હશે કે બીજાં સાથે જે થવાનું હોય એ થાય પણ એમાં આપણાં કેટલા ટકા? પરંતુ આ લોકોને એવો વિચાર સુધ્ધાં નહિ આવતો હોય કે કાલે ઊઠીને એમના પગ તળે રેલો આવશે, ત્યારે શું થશે, એવા વખતે કોણ એમને સાથ આપશે?

જર્મનીમાં હિટલરે પોતાનો લોખંડી પ્રભાવ બતાવવાની શરૂઆત કરી ત્યારે ત્યાં ઘણા બૌદ્ધિક અને ધાર્મિક ગણાતા લોકોએ એને ટેકો આપેલો. હિટલરે પોતાના વિરોધીઓને કચડવાની શરૂઆત કરી ત્યારે આ વર્ગ મૂંગો રહ્યો, અને છેવટે એ પણ ઝપટમાં આવી ગયાં, ત્યારે બહુ મોડું થઇ ગયેલું. એમાંથી એક ધર્મગુરુ, માર્ટિન નિમોલરે કોન્સન્ટ્રેશન કેમ્પમાંથી બહાર આવ્યા બાદ કન્ફેશન કહેવાય એ પ્રકારની જે કબૂલાતો કરી, એને કાવ્યનું રૂપ અપાયું છે. અનેક સ્થળે ક્વોટ થયેલા આ કાવ્યના શબ્દોમાં થોડોથોડો ફરક પડતો રહ્યો છે, પણ ભાવના સરખી છે કે આજે બીજાંને થતાં અન્યાય સામે નહિ બોલો તો આવતીકાલે તમારા માટે બોલવાવાળું કોઈ નહિ રહે. કાવ્યની શરૂઆતમાં કહ્યું છે કે First they came for the communist, and I did not speak out because I was not a communist' પછી તો ટ્રેડ યુનિયનિસ્ટ, યહૂદી, સમાજના શોષિત વર્ગ, બધાની વાત થઇ કે એ લોકોને પકડી જવાયાં ત્યારે હું મૂંગો રહ્યો કારણ કે હું ક્યાં એમાંનો એક હતો, મારે શું લાગે વળગે? પણ છેલ્લે ….. 'Then they came for me and there was no one left to speak out for me.’ મારો વારો આવ્યો ત્યારે મારા માટે બોલનારું કોઈ નહોતું બચ્યું.

કંઈ સમજાય છે? બોલો બોલો. અત્યારે મૂંગાં રહેશો તો ક્યારે બોલશો, કે બોલી શકશો?

‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 19 મે 2021

Loading

...102030...2,0602,0612,0622,063...2,0702,0802,090...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved