Opinion Magazine
Number of visits: 10,225,993
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હિન્દુત્વવાદીઓની એકતાનો અસ્વીકાર કરનારા બધા જ નાસ્તિક છે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|10 October 2021

હિન્દુત્વવાદીઓ બસ આટલું જ ઇચ્છે છે, તમે હિંદુ પરિવારમાં જન્મ્યા છો એટલે હિંદુ છો એટલું સ્વીકારો. જેમ ગુજરાતી પરિવારમાં જન્મેલો માણસ ગુજરાતી હોવાપણાને નકારતો નથી એમ તમારે હિંદુ હોવાપણાને નકારવાનું નથી. તમે આસ્તિક છો કે નાસ્તિક, શૈવ છો કે વૈષ્ણવ, કબીરપંથી છો કે નાનકપંથી, સનાતની હિંદુ છો કે બૌદ્ધ કે જૈન જેવા શ્રમણધર્મી એની સાથે અમને કોઈ લેવાદેવા નથી. તમે ઉપર કહ્યા એવા કોઈ પણ પ્રકારના હિંદુ પરિવારમાં જન્મ્યા છો અને માટે હિંદુ છો અને આ દેશમાં હિંદુઓ બહુમતીમાં છે એટલે હિન્દુસ્તાન હિંદુઓનો દેશ છે. ઉપરથી જો તમે આટલું નિષ્ઠાપૂર્વક સ્વીકારી લેશો તો હિન્દુસ્તાન હજુ વધુ મોટા પ્રમાણમાં હિંદુઓનો દેશ બનશે. દરેક રીતે હિંદુઓનો દેશ બનશે. સંખ્યાથી બનશે, વિધર્મીઓ સામે રાજકીય સરસાઈની દૃષ્ટિથી બનશે, વિધર્મીઓ સામે આર્થિક સરસાઈની દૃષ્ટિથી બનશે, વિધર્મીઓ સામે સાંસ્કૃતિક સરસાઈ મેળવીને હિન્દુસ્તાનને હિંદુઓનો દેશ બનાવી શકાશે. એમ દરેક રીતે ફાયદો જ ફાયદો છે. બસ, તમે હિંદુ હોવાની કોમી ઓળખ સ્વીકારી લો, તમારી અંગત શ્રદ્ધા સાથે બાંધછોડ કર્યા વિના!

હિન્દુત્વવાદીઓને ખરેખર એમ લાગે છે કે તેઓ સાવ સ્વાભાવિક અને હિંદુઓ માટે અત્યંત જરૂરી માગણી કરી રહ્યા છે. આમાં ખોટું શું છે? હિંદુ તેની દરેક પ્રકારની સાંપ્રદાયિક ઓળખ ફગાવીને અને જોઈએ તો રાખીને હિંદુ ઓળખ અપનાવે તો એમાં આટલો ગોકીરો શા માટે? આ તો એકતાની દિશામાં પહેલું કદમ થયું. નિર્બળ અને સબળ વચ્ચે ક્યારે ય સાચી એકતા ન સધાય. માનવીય એકતાની વાત કરનારા ગાંધીજી જેવા આ સનાતન સત્ય સમજતા નથી, એટલો જ તેમની સાથે અમારો મતભેદ છે. સાચી એકતા સ્થાપવી હોય તો નિર્બળે સબળ થવું જોઈએ અને તેને માટે એકતા જરૂરી છે. આખરે ગાંધીજી પણ તો અંગ્રેજો સામે સંગઠિત થવાની વાત કરી રહ્યા છે. તેઓ મોટો ઠેકડો મારવાની વાત કરી રહ્યા છે જે અવ્યવહારુ છે, જ્યારે અમે એક પછી એક પગલું માંડવાની વાત કરી રહ્યા છે. એક વાર બહુમતી પ્રજા પોતાનાં સપનાંનાં ભારતને વાચા અને આકાર આપે એ પછી બીજી પ્રજાને કહી શકાય કે જુઓ, પરિવારના બહુમતી સભ્યોએ જીવનની આ રીતિ અપનાવી છે જેનાં મૂળ આપણી સંસ્કૃતિ અને ઇતિહાસમાં છે અને તમારે થોડી બાંધછોડ કરીને તેને સ્વીકારવી જોઈએ.

આખી વાત બહુ નિર્દોષ લાગે છે, નહીં? દેશની બહુમતી પ્રજા એક ઓળખ અપનાવીને અને એક થઈને તેનાં સપનાંનાં ભારતને વાચા આપે અને આકાર આપવાનો પ્રયત્ન કરે તેમાં ખોટું શું છે? આટલો બધો વિરોધ શા માટે? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્યોને ખરેખર પ્રામાણિકતાપૂર્વક આવું લાગે છે. હું એવા અનેક હિન્દુત્વવાદીઓને ઓળખું છું જે કહે છે કે અમારી અને તમારી વચ્ચે કોઈ મતભેદ જ ન હોવો જોઈએ. પહેલાં હિંદુઓ એક થાય અને પછી દેશની દરેક પ્રજા એક થાય.

સવાલ એ છે કે શા માટે હિન્દુત્વવાદીઓ જેને સાવ સામાન્ય, નિર્દોષ અને અનિવાર્ય સમજે છે તેને ઘણાં હિંદુઓ સ્વીકારવા તૈયાર નથી? શું તેઓ હિન્દુત્વવાદીઓ કરતાં ઓછા બુદ્ધિશાળી છે? શું તેઓ દેશને ઓછો પ્રેમ કરે છે? શું તેઓ બીકણ છે? આઝાદીની લડતમાં તો માત્ર એવા જ હિંદુઓએ ભાગ લીધો હતો જેઓ હિંદુએકતાની જગ્યાએ રાષ્ટ્રીયએકતાને મહત્ત્વ આપતા હતા અને તેમણે દરેક પ્રકારના ત્યાગ કર્યા હતા. કેટલાકે તો જાનનું બલિદાન આપ્યું હતું. બીજી બાજુએ હિન્દુત્વવાદીઓ આઝાદીની લડતથી દૂર રહ્યા હતા. શું તેઓ હિંદુ ધર્મ કરતાં પરાયા ધર્મને વધારે પ્રેમ કરે છે? શું તેઓ હિંદુ વિરોધી છે? હિન્દુત્વવાદીઓની હિંદુ એકતાની વાતનો અસ્વીકાર કરનારા બધા જ નાસ્તિક છે? એવા અનેક હિંદુઓ મળી આવશે જે ધર્મનિષ્ઠ છે અને છતાં ય હિન્દુત્વવાદીઓની આ વાત સ્વીકારવા તૈયાર નથી. શા માટે? એવું શું છે જેને હિન્દુત્વવાદીઓની દૃષ્ટિએ લાપશીની જેમ ગળે ઊતરી જવી જોઈએ એવી વાત પણ સ્વીકારવા તૈયાર નથી. હિન્દુત્વવાદીઓએ અને આજકાલ જે લોકો એકાએક દેશપ્રેમી હિંદુ બની ગયા છે તેમણે આનો ઉત્તર શોધવો જોઈએ.

મારી વાચકોને સલાહ છે કે તમે ઇતિહાસ, દર્શનશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજનીતિશાસ્ત્ર, સમાજવિજ્ઞાનનાં બીજાં ક્ષેત્રો, વિદેશવ્યવહાર, ટોચના સંરક્ષણ, વિજ્ઞાનનાં ક્ષેત્રો, એન્જીનિયરીંગનાં ક્ષેત્રો, આયુર્વિજ્ઞાન, વિવિધ ભારતીય ભાષાઓના સાહિત્યકારો, ભાષાશાસ્ત્રીઓ, સંગીત, ચિત્રકલા, નૃત્ય, નાટક જેવા વિવિધ કલા પ્રકારો, મેનજમેન્ટ, આંદોલનકારીઓ, કાનૂન અને બંધારણવિદો, વગેરે વિષયોની એક યાદી બનાવો. આવા સો વિષયોની યાદી સહેજે બની શકશે. એ પછી એ ક્ષેત્રોમાં કે વિષયોમાં ટોચના દસ-દસ લોકોની યાદી બનાવો. કુલ એક હજાર એવા લોકો મળી આવશે જેમણે જે તે વિષયોમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે અને એ દ્વારા તેમણે સમાજને અને દેશને પ્રતિષ્ઠા અપાવી છે. એમાં એકલા હિંદુઓને પસંદ કરવાની જરૂર નથી. હિંદુઓને પહેલાં પસંદ કરો, પણ એ સાથે બીજા ધર્મીઓને પણ પસંદ કરો. એકલા ભારતીયોને પણ પસંદ કરવાની જરૂર નથી, વિદેશોમાં આ ક્ષેત્રોમાં યોગદાન આપનારાઓને પણ પસંદ કરો. આવા એક હજાર શું તેનાથી ઘણાં વધારે બત્રીસ લક્ષણા મેધાવીઓ દુનિયાભરમાંથી મળી આવશે.

જેમણે તેમના અનોખા યોગદાન દ્વારા સમાજને ઉપર ઉઠાવ્યો છે એવા હજારેક લોકોની યાદી (જે બનાવવી જરા ય મુશ્કેલ નથી) બનાવ્યા પછી તેમના વિશેની માહિતી એકઠી કરો અને તપાસી જુઓ કે તેમાંના કેટલા લોકો ધાર્મિક કોમી ઓળખ અને કોમી એકતાને મહત્ત્વ આપતા હતા કે આપે છે. હું ખાતરીપૂર્વક કહું છું કે ધાર્મિક કોમી ઓળખ અને કોમી એકતાને મહત્ત્વ આપનારા હજારમાંથી દસ માંડ મળશે. તમે પોતે ખાતરી કરી જુઓ. માત્ર હિંદુઓ અને ભારત નહીં, જગતના દરેક ધર્મ અને દરેક દેશમાં આ જ હકીકત નજરે પડશે. જેઓ તેજસ્વી છે, મેધાવી છે, મૌલિકતા ધરાવે છે, પુરુષાર્થી છે, જેમણે દુનિયાને નવી દિશા આપી છે અને નવી રીતે વિચારતા શીખવાડ્યું છે, અલગ કેડી કંડારી આપી છે એવા લોકોએ હિંદુ સહિતની કોઈ કોમી ઓળખ સ્વીકારી નહોતી કે સ્વીકારતા નથી.

શા માટે? વિચારવું જોઈએ!

બીજી બાજુએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને તેનાં અસ્તિત્વનાં સો વરસ થવાં આવ્યાં છે. ૨૦૨૫માં સંઘને સો વરસ થશે. સો વરસ એટલે ત્રણ પેઢી. સંઘના નેતાઓને પૂછવું જોઈએ કે ત્રણ ત્રણ પેઢીને તમે તમારા વિચારોનું સિંચન કરીને તૈયાર કરી છે તો હવે બતાવો કે ઉપરનાં ક્ષેત્રોમાં જેમણે અનોખું યોગદાન આપ્યું છે અને દુનિયા જેમનું ઋણ સ્વીકારતી હોય એવા કેટલા લોકો તમે આપ્યા છે? હું ખાતરીપૂર્વક કહું છું કે દસ નામ પણ નહીં મળે.

જે મૌલિક અને મેધાવી છે એ સંઘની કે એનાં જેવી અન્ય ધર્મીઓની વિચારધારા સ્વીકારતા નથી અને જે સંઘની કે એનાં જેવી અન્ય ધર્મીઓની વિચારધારા સ્વીકારે છે એ મૌલિક અને મેધાવી નીવડતા નથી.

શા માટે? આ પ્રશ્નનો જવાબ શોધવો પડશે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 10 ઑક્ટોબર 2021

Loading

પેન્ડોરા પેપર્સનાં ધાંધિયાઃ ઑફશોર રોકાણ કરવા પાછળનો એક માત્ર તર્ક ‘કાળું ધન’ નથી

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|10 October 2021

સેલેબ્રિટીઝને પોતાની અંગત જિંદગી ખાનગી રહે તેમાં રસ હોય તે સ્વાભાવિક છે અને તેઓ હંમેશાં કરચોરી કરે જ છે તેવું જરૂરી પણ નથી હોતું

પેન્ડોરા પેપર્સની ચર્ચા હવે લાંબી ચાલશે. આ પહેલાં પનામા પેપર્સ વિશે પણ ખાસ્સો હોબાળો થયો અને પછી કાગળિયાનો અવાજ બંધ થઇ ગયો. પેન્ડોરા નામ જે ગ્રીક દંતકથા પરથી આવ્યું છે તેને વિશે મોટા ભાગનાંને જાણ હશે. પેન્ડોરાઝ બૉક્સમાં પેન્ડોરા જ્યારે એપિમેથિયસને પરણી, ત્યારે ઝિયસે લગ્નમાં ભેટ તરીકે એક પેટી આપીને તેને ક્યારે ય ન ખોલવાની શરત મૂકી, ઉત્સુક પેન્ડોરાથી રહેવાયું નહીં. આખરે એક દિવસ તેણે એ પેટી ખોલી નાખી. એ પેટીમાંથી ઇર્ષ્યા, ધિક્કાર, નિરાશા, યુદ્ધ, ગરીબી, ભૂખ, રોગચાળો જેવી વ્યથા અને પીડાઓ જગતમાં ફેલાઇ ગઇ અને ત્યારથી માણસ જાત આ બધાંયનો ભોગ બનીને તે પીડતી રહે છે. અત્યારે જે પેન્ડોરા પેપર્સ ચર્ચામાં છે તેમાં જે રીતે મોટાં માથાંઓનાં પૈસા ખદબદે છે તે જોતાં આ બધી દુન્યવી પીડાઓની ટીસ હ્રદયના કોઇને કોઇ ખૂણે તો આકરી બને જ. માળા, રહી ગયાની લાગણી થાય, કોઇને એમ થાય કે એટલું કમાઇએ કે એક વખત આવા કોઇ કાંડમાં આપણું ય નામ આવે. આ તો સ્વભાવગત સપાટી પર આવી જતી લાગણીઓ છે. શકીરાથી માંડીને જેકી શ્રોફ અને સચિન તેંડુલકરનું જેમાં નામ ઉછળ્યું તે પેન્ડોરા પેપર્સની પાછળનો તર્ક સમજવાનો પ્રયાસ કરીએ.

પનામા પેપર્સને પાંચ વર્ષ થયા અને ઇન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઑફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સ (આઇ.સી.આઇ.જે.) દ્વારા પેન્ડોરા પેપર્સનો ધડાકો કરાયો. રાજકારણીઓ, સેલિબ્રિટીઝ, સ્પોર્ટ સ્ટાર્સ, વર્લ્ડ લીડર્સ, ધર્મગુરુઓ જેવા કેટલાં ય લોકોએ ખરબો ડોલર્સની તેમની મિલકત ઓફશોર એકાઉન્ટ્સમાં સલામત મૂકી હોવાની વાત બહાર આવી. કોઇનાં રોકાણો મોટાં મેન્શન્સમાં છે તો કોઇએ બીચફ્રન્ટવાળી પ્રોપર્ટીઝમાં રોકાણ કર્યું છે, તો વળી યૉટ્સમાં રોકાણ છે. દુનિયા આખીમાં ફેલાયેલી થયેલી હોય તેવી ૧૪ પેઢીઓ પાસેથી ૧૨ મિલિયન ફાઇલ્સ મેળવીને તેનો રિવ્યુ કરાયો, ત્યારે આ ‘ગુપ્ત ધન’ની વિગતો બહાર આવી છે. જોર્ડનના કિંગ અબ્દુલ્લા હોય કે ચેકના વડા પ્રધાન અન્દ્રેજ બેબિસ હોય કે પછી રશિયન પ્રેસિડન્ટ અને પાકિસ્તાની વડા પ્રધાનના એસોસિએટ્સ હોય – આ બધાંના નામ આઇ.સી.આઇ.જે.ના રડારમાં આવી ગયાં છે.

ટેક્સ બચત માટે આ નાણાં ભંડાર છુપાવાયો છે અને કાળું ધન તો આર્થિક અસમાનતાની સૌથી મોટી નિશાની છે. સ્વાભાવિક છે કે આપણા જેવા વિકાસશીલ દેશમાં ટેક્સ રેવન્યુ હેલ્થકેરથી માંડીને શિક્ષણ અને ખેતી જેવા ક્ષેત્રે કામ લાગી શકે પણ ટેક્સ બચાવવા માગતા તવંગરોએ આ બધી પરવા નથી કરી. પેન્ડોરા પેપર્સ તેની જ સાબિતી છે.

આ ખૂંચે તેવી વાત ચોક્કસ છે, પણ જે લોકો મબલખ કમાય છે તેમને પણ ઘેર બેઠાં તો કલદાર મળતા નથી અને માટે જ તેમને આ પૈસા ટેક્સમાં ચાલ્યા ન જાય તેવી તરકીબ પસંદ આવે છે.  તેઓ યેનકેન પ્રકારણે જે પૈસા કમાય છે તેની પર અધધધ ટેક્સ આપવાને બદલે તેઓ પસંદ કરે છે ઑફશોર કંપની અને ટ્રસ્ટ શરૂ કરવાનું જે તેમને માટે એક સસ્તો વિકલ્પ છે. લંડનમાં કે લૉસ એન્જલસમાં રહેતી સેલિબ્રિટી માટે ‘સિક્રસી જ્યુરિસ્ડિક્શન’માં કોઇ કંપની ખડી કરીને રોકાણ કરી આપતી ફાઇન્શિયલ સર્વિસ બહુ કિંમતી સેવા પૂરી પાડે છે. આ રીતે પોતે કરચોરીમાંથી બચીને સામાન્ય નાગરિકોના ખભે ટેક્સનો બોજ નાખી દેવાનો રસ્તો તવંગરોને વર્ષોથી માફક આવેલો છે. ખરેખર આમ કરવાથી આ ધનિકોને શું ફાયદો થાય છે અને શું કરચોરી એક માત્ર કારણ છે કે તેઓ ઑફશોર રોકાણો કરવાનું પસંદ કરે છે? અને શું આ બધું ખરેખર સાવ ગેરકાયદે કહેવાય?

એક અહેવાલ અનુસાર સતત લાઇમ લાઇટમાં રહેનારાઓને બેનામી શેલ કંપનીઝમાં પૈસા રોકવાનું માફક આવે છે. શેલ કંપનીઝ માત્ર પેપર પર હોય છે તેનું કોઇ વાસ્તવિક અસ્તિત્વ નથી હોતું. જેની માલિકીની છાની રાખી શકાય તેવી આ કંપનીઓ ખડી કરવાનું સસ્તું હોય છે અને વિશેષજ્ઞો તેને મની લોન્ડરિંગનો લેયરિંગ ફેઝ કહે છે. સેલેબ્રિટીઝને પોતાની અંગત જિંદગી ખાનગી રહે તેમાં રસ હોય તે સ્વાભાવિક છે અને તેઓ હંમેશાં કરચોરી કરે જ છે તેવું જરૂરી પણ નથી હોતું. ઘણા કિસ્સાઓમાં તેમના ટેક્સ રિટર્ન્સ જોઇને જાણી શકાય કે તેઓ પોતાની જવાબદારીઓમાંથી સાવ નથી છૂટી જતા, પણ મોકો મળે તો મિલકતના તોતિંગ તગડા હિસ્સાને ઑફશોર કંપનીઝમાં રોકી દેવાનું તેમને માફક આવે છે. જેમ કે યુ.એસ.એ.ના નાગરિક ન હોય પણ ત્યાં પ્રોપર્ટી લેવી હોય તો ઑફશોર કંપની થકી તેઓ એ ખરીદી કરી શકે અને તેમને તેનો જ ફાયદો મળે કારણ કે જો તે સીધી ખરીદી કરે તો એસ્ટેટ ટેક્સમાંથી તેઓ છૂટી ન શકે. યુ.એસ.ના રહેવાસી ન હોય અને ત્યાં ઑફશોર કંપનીની મદદથી રિયલ એસ્ટેટમાં રોકાણ કરે તો તે મિલકત યુ.એસ.નું એસેટ ન ગણાય અને તેની પર એસ્ટેટ ટેક્સ ન લાગે. વળી યુ.કે.માં બિઝનેસ કરવા માટે ઑફશોર કંપની શરૂ કરાય તો તેને યુ.કે.નો કોર્પોરેટ ટેક્સ ભરવો તો પડે જ પણ છતાં ય સેલેબ્રિટીઝ આ પ્રિફર કરે કારણ.કે તેમાં ગુપ્તતા જળવાય, તેમનું નામ બહાર ન આવે. જાણીતા ચહેરાઓ તેમની ઇમેજ રાઇટ્સથી મળતા પૈસા ઑફશોર કંપનીમાં રોકવાનું પસંદ કરે છે અને તેમાંથી મળતા પૈસા પોતાની જ આ ભેદી કંપનીઓ સુધી પહોંચે એટલે ઇમેજ રાઇટ્સ પણ આ કંપનીઓને વેચે છે.

શું આ કાયદેસર ગણાય?

ધનિકો પાસે ઑફશોર ફાઇનાન્શિયલ સેન્ટર વાપરવાનાં વાજબી કારણો હોય છે જેમ કે યુ.એસ. હેજ ફંડ અને બીજા મની મેનેજર્સ કેમેન આઇલેન્ડ પર એસેસ્ટમાં રોકાણ કરીને નાણાંકીય અને વહીવટી ખર્ચ ઘટાડે છે. ઑફશોર હેવન્સનો બીજો મોટો ફાયદો એ કે પૈસા રોકનાર જે દેશની વ્યક્તિ હોય ત્યાં રાજકીય ઊથલપાથલ થાય તો તેના પૈસા સુરક્ષિત રહે. જો કે ઑફશોર ઇન્વેસ્ટમેન્ટ માટે જે સ્થળો પસંદ થાય છે તે મામલે પારદર્શિતા ન હોવાને કારણે ડ્રગ ટ્રાફિકિંગ અને મની લૉન્ડરિંગ કરનારાઓને આ સ્થળો પર પોતાના કાળાં કરતૂત કરવાનો મોકો મળી જાય છે. જેમ કે પેન્ડોરા પેપર્સમાં બહાર આવ્યું છે કે એક ઇટાલિયન માફિયાએ સ્પેનમાં જગ્યા ખરીદવા માટે આવી એક ઑફશોર કંપનીનો ઉપયોગ કર્યો.

આ રીતે રોકાણ કરનારાઓ ટેક્સ ભરતાં જ નથી એવું નથી હોતું. તેઓ ટેક્સ તો ભરે જ છે પણ જ્યારે અધધધ કમાણી હોય ત્યારે અમુક હિસ્સા પર ટેક્સ બચાવવા માટે તેઓ આવા રસ્તા અપનાવે છે.

બાય ધી વેઃ

લખીમપુર ખેરીમાં જે થઇ રહ્યું છે તેનાથી મગજ બહેર મારી જાય તેવું છે. આ લખવાનો હેતુ એટલો જ કે ધનિકોને માથે માછલાં ધોવામાં આપણે કૃષિ પ્રધાન દેશ હોવાને નાતે ધરતીનાં નક્કર પ્રશ્નો ભૂલી જઇએ છીએ. એક તરફ ડ્રગ પાર્ટીઝની હોહા છે તો બીજી તરફ કિલોના જથ્થામાં મળેલા ડ્રગ્ઝની ચર્ચા લાંબી છેડાય તેમાં કોઇને રસ નથી. પનામા, પેંડોરા જેવું તો ઘણું ય હશે પણ આ બધા ઊહાપોહ પછી થશે શું? ફેર કોની જિંદગીમાં પડશે? આ સવાલોનો બોજ વેઠવો રહ્યો અને જાતને ઢંઢોળવી રહી.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  10 ઑક્ટોબર 2021

Loading

ચલ મન મુંબઈ નગરી—115

દીપક મહેતા|Opinion - Opinion|9 October 2021

મુંબઈમાં ગરબાનો ‘લેન્ડફોલ’ ક્યાં થયો? ક્યારે થયો?

જ્યારે બ્રિટનના શહેનશાહે મુંબઈમાં જોયો ગરબો

ભગિની સમાજમાં ગરબો ‘નાગર’ બન્યો

‘ગરબે રમવાને ગોરી નીસર્યાં રે લોલ.’ ગામડાંની ગોરી ગરબો ગાતી, ગરબે ઘૂમતી, ગરબા મહાલતી. ગરબો મહોર્યો ગુજરાતનાં ગામડાંની ધરતીમાં. ત્યારે સીધા-સાદા ગ્રામજનો જેવો જ હતો ગરબો. હૈયેથી હોઠે આવતો અને હોઠેથી મોરની કેકાની જેમ આસપાસ પથરાઈ જતો. એ ગરબો મુંબઈ આવ્યો. આજે વાવાઝોડા અંગે વપરાતો શબ્દ વાપરીને પૂછીએ : ‘પણ મુંબઈમાં ગરબાનો ‘લેન્ડફોલ’ ક્યાં થયો? ક્યારે થયો?’ ગરબો ગુજરાતથી મુંબઈ આવ્યો ૧૯મી સદીમાં. અને એનો લેન્ડફોલ થયો મુંબઈની ચાલીઓના ચોકમાં. મુંબઈમાં મિલ-કારખાનાં આવ્યાં, વેપાર-વણજ વધ્યાં. એમાં કામ કરવા માણસો જોઈએ. એ આવ્યા અંતરિયાળ મહારાષ્ટ્રમાંથી, ગુજરાતમાંથી, દેશના બીજા ભાગોમાંથી. આ ‘બહારના’ને રહેવા માટે બંધાઈ ચાલો. ‘દેશ’ છોડીને આવેલા લોકોએ પોતાની ભૂમિ સાથેનો નાતો કોઈને કોઈ રીતે થોડોઘણો પણ જળવાઈ રહે એ માટે જાતભાતના નુસખા કર્યા. રોજિંદા જીવનમાં તો શહેરી રહેણીકરણી અપનાવ્યા સિવાય છૂટકો નહોતો. પણ વારતહેવારે? ‘દેશ’માં જઈ શકાય તો સૌથી સારું. નહિતર ‘દેશ’ને અહીં લઈ આવવાનો!

મુંબઈની ચાલનો ચોક  – જ્યાંથી મુંબઈના ગરબાની ગાથા શરૂ થઈ

ઘણીખરી ચાલમાં વચ્ચે મોટો ચોક હોય. રોજ સાંજે ચાલનાં ‘બૈરાં’ (એ વખતે વપરાતો શબ્દ) ચોકમાં બેસીને સુખદુઃખની વાતો કરે. ગલઢેરાઓ ભૂતકાળ વાગોળે, છોકરાઓ ‘બેટબોલ’ રમે. એ જ ચોકમાં નવરાત્રીમાં ચાલનાં બૈરાં રાત્રે ભેગાં થઈને ગરબા ‘રમે.’ ગામડાંની ગોરીની જેમ જ. એમાં આયોજન ઓછામાં ઓછું. આવડત ઓછી-વધતી, પણ ઉત્સાહ-આનંદ અઢળક. એ વખતે નહોતી ખાસ વેશભૂષા, નહોતાં સાચાં-ખોટાં ઘરેણાં. નહોતી પ્રકાશ-યોજના, નહોતી સાઉન્ડ સિસ્ટમ. બહુ બહુ તો એકાદ ખોખલો ઢોલ. પણ નવ નવ રાત ચાલના ચોકમાં ગરબો છવાઈ જતો.

બ્રિટિશ સામ્રાજ્યના શહેનશાહ પાંચમા જ્યોર્જ સજોડે ૧૯૧૧ના ડિસેમ્બરની બીજી તારીખે મુંબઈ પધાર્યા ત્યારે બોમ્બે જિમખાના પાસેના મોટા મેદાનમાં શાહી મહેમાનોનું સ્વાગત કરતો ગુજરાતી ગરબો મુંબઈની નિશાળોમાં ભણતી ૨૩૦ છોકરીઓએ રજૂ કરેલો તે શાહી મહેમાનોએ રસપૂર્વક માણ્યો હતો. બધી છોકરીઓએ ગુજરાતનો પરંપરાગત પોશાક પહેર્યો હતો, પણ સાથોસાથ પગમાં બૂટ પહેર્યા હતા. કેમ? કારણ બ્રિટનમાં રાજા-રાણી સામે ઉઘાડા પગે હાજર થવું એ અપમાનજનક ગણાય છે.

આનો અર્થ એ થયો કે ૧૯૧૧ સુધીમાં મુંબઈની ગુજરાતી નિશાળોમાં ગરબા શીખવાતા હતા. એટલે કે ચાલીના ચોકમાંથી ગરબો ગયો નિશાળોમાં. છોડીઓની ઈસ્કોલોમાં ગરબો થોડો ડાહ્યોડમરો, વ્યવસ્થિત થયો. સારું ગાનારા ગાય. સાથે હાર્મોનિયમ અને તબલાંનો સાથ મળ્યો. માસ્તર કે માસ્તરાણી નવા નવા ગરબા શોધી લાવે. ક્યારેક પોતે પણ જોડી કાઢે. બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપતી સ્કૂલોમાં યુનિફોર્મની બોલબાલા. એટલે ગરબા વખતે એક સરખા રંગ-ભાત-જાતના પહેરવેશ આવ્યા. સૌ સાથે મળીને ગરબે રમે એમ નહિ, પણ ઘૂમનારા અને જોનારા એવા બે વર્ગ પડી ગયા.

નિશાળ પછી ગરબો ગયો કોલેજમાં. ૧૮૫૭માં યુનિવર્સિટી ઓફ બોમ્બેની સ્થાપના થઈ ત્યારથી જ અંગ્રેજી ઉપરાંત ગુજરાતી, મરાઠી જેવી ‘દેશી’ ભાષાઓ બી.એ. સુધી શીખવવાની વ્યવસ્થા કરી હતી. ઘણાં વરસ સુધી એલ્ફિન્સ્ટન, ઝેવિયર્સ, અને વિલ્સન એ ત્રણ મુખ્ય કોલેજ. પાઠ્ય પુસ્તકોના અભ્યાસ ઉપરાંત વિદ્યાર્થીઓ જે-તે ભાષા સાહિત્યમાં વધુ અને સાચો રસ લે તે માટે આ કોલેજોમાં – અને પછી બીજી કોલેજોમાં પણ – જુદી જુદી ભાષાનાં ‘સાહિત્ય મંડળ’ શરૂ થયાં. જ્યાં ગુજરાતી સાહિત્ય મંડળ ન હોય એવી એ વખતે ભાગ્યે જ કોઈ કોલેજ. આ મંડળો બીજી પ્રવૃત્તિઓ ઉપરાંત એક વાર્ષિક કાર્યક્રમ – રસોત્સવનું આયોજન કરતાં. એ કાર્યક્રમનું એક મુખ્ય અંગ તે રાસ-ગરબા. ચાલનો અને નિશાળનો ગરબો કોલેજમાં વધુ વ્યવસ્થિત, ઠરીઠામ બન્યો. સંગીત, કોરિયોગ્રાફી, વેશભૂષા વગેરે માટે જાણકાર વ્યવસાયીઓની મદદ લેવાવા લાગી. આ લખનારને કોલેજના અભ્યાસ વખતનો એક પ્રસંગ બરાબર યાદ છે. સેન્ટ ઝેવિયર્સ કોલેજના ગુજરાતી વિભાગના વડા પ્રા. મનસુખભાઈ ઝવેરી, પણ ગુજરાતી સાહિત્ય મંડળના પ્રમુખ પ્રા. ગૌરીપ્રસાદ ઝાલાસાહેબ. એક વખત સાહિત્ય મંડળના રસોત્સવમાં રજૂ કરવા માટે ગરબા-રાસ તૈયાર કરાવવા માટે એક ૨૫-૨૬ વરસના યુવાનને રોકવામાં આવ્યો. ઉંમર ઉપરાંત ઊંચાઈ પણ ઓછી. મોઢા પર દેખાય ભોળપણ. પણ ભોળો નહિ. તેણે પાંચ-સાત ગરબા સૂચવ્યા. તેમાંથી ઝાલાસાહેબે એક લોકગીત પસંદ કર્યું: ‘ગામ લીમડીના બજારે વા’લો મારો ઝૂમે છે.’ એની રજૂઆત અંગે થોડી ચર્ચા થઈ. ઝાલાસાહેબ : ‘ગરબામાં ભાગ લેનારી છોકરીઓનો પહેરવેશ લીમડી ગામની બહેનોના પહેરવેશ જેવો જ હોવો જોઈએ હોં.’ હાજરજવાબી યુવાન કહે : ‘સાહેબ, તમે ચિંતા ન કરો. હું ગયે મહિને જ લીમડી ગયેલો એટલે એમનો પહેરવેશ મને બરાબર યાદ છે.’ અલબત્ત, એ ઠંડા પહોરનું ગપ્પું જ હતું. એ યુવાન આજે ગુજરાતી સુગમ સંગીતના ક્ષેત્રે સૂરોત્તમ પુરુષોત્તમ ઉપાધ્યાયના નામે ઓળખાય છે.

કનુ દેસાઈની કલ્પનાનો ગામડાનો ગરબો

કોલેજમાંથી ગરબો પહોંચ્યો જાહેર રંગમંચ પર. વીસમી સદીના પહેલા બે દાયકામાં મુંબઈમાં એક પછી એક સ્ત્રી-સંસ્થાઓ શરૂ થઈ. આવી સંસ્થાઓનો મુખ્ય ઉદ્દેશ જૂદી જૂદી પ્રવૃત્તિઓ માટે સ્ત્રીઓને પ્લેટફોર્મ પૂરું પાડવાનો. ખેતવાડી વિસ્તારમાં ૧૯૧૬માં ભગિની સમાજ સંસ્થાની શરૂઆત થઈ. કોટ વિસ્તારમાં ‘કોટ હિંદુ સ્ત્રી મંડળ’ શરૂ થયું. તો સાંતા ક્રુઝ, જે તે વખતે ‘દૂરનું પરુ’ ગણાતું ત્યાં ૧૯૨૦માં સ્ત્રી મંડળ, સાંતા ક્રુઝની સ્થાપના થઈ. બીજી પણ આવી સંસ્થાઓ અસ્તિત્વમાં આવી. પણ તેમાં ગરબાને જેટલાં લાડ ભગિની સમાજે લડાવ્યાં એટલાં કદાચ બીજી કોઈ સંસ્થાએ નહિ. આનું એક કારણ એ કે એ પ્રવૃત્તિનું સંચાલન કેટલીક સુશિક્ષિત, સુશીલ, સુરુચિપૂર્ણ બહેનોના હાથમાં ઘણાં વરસો સુધી રહ્યું. સાક્ષરવર્ય આનંદશંકર ધ્રુવનાં પુત્રવધૂ પ્રતિમાબહેન અને લલ્લુભાઈ શામળદાસનાં પુત્રવધૂ મધુરિકાબહેન (વસુબહેન) મહેતા ભગિની સમાજની ગરબા-પ્રવૃત્તિના પાયામાં. ૧૯૪૯થી તેની સાથે સંકળાયેલાં કલ્લોલિની હઝરતે ‘મારો ગરબો ઘૂમ્યો’ સંપાદનની વિસ્તૃત પ્રસ્તાવનામાં જણાવ્યું છે તેમ પહેલો આગ્રહ કવિત્વના ગુણોવાળી કૃતિઓની જ ગરબા માટે પસંદગી કરવાનો. જૂનાં-જાણીતાં ગીતો ઉપરાંત દર વરસે લેખક-પત્રકાર અને સંગીતના ધરખમ જાણકાર જિતુભાઈ મહેતા અને અવિનાશ વ્યાસ પાસે ખાસ નવા ગરબા લખાવવાના જ. એનું સંગીત તૈયાર કરે અવિનાશભાઈ અને બીજા જાણીતા સંગીતકારો. બે મુખ્ય ગાયિકાઓ, સુષમા દિવેટિયા અને વીણા મહેતા. સુષમાબહેનનો કંઠ રૂપાની ઘંટડીના રણકાર જેવો, તો વીણાબહેનનો ઘંટારવ જેવો. પછી તેમની સાથે આવી મળ્યાં અંજની મહેતા અને ઉષા ધ્રુવ અને બીજાં બહેનો. ન્યૂ ઈરા સ્કૂલનાં શિક્ષિકા સૂર્યાબહેન દાણી અને ધ્રુમનબહેન ઠાકોર ગરબાની ગૂંથણી (કોરિયોગ્રાફિ) કરે. પ્લે-બેક કે રેકોર્ડિંગનું નામ નહિ. મુખ્ય ગવડાવનાર પણ બીજી બધી બહેનો સાથે ગરબે ઘૂમતી જાય અને ગવડાવતી જાય.

ઉપર : મધુરિકા મહેતા, વીણા મહેતા નીચે : કલ્લોલિની હઝરત, સુષમા દિવેટિયા

૧૯૬૬થી ભગિની સમાજના ગરબાની બધી જવાબદારી ઉષા હઝરત, સુષમા પટેલ (દિવેટિયા) અને કલ્લોલિની હઝરતે ઉપાડી લીધી. ગરબાનાં ગીતો, તેનું સંગીત, ગરબાની રજૂઆત અંગેના કેટલાક આગ્રહો વધુ દૃઢ બન્યા. ગરબાના ભાવ કે વિષયને અનુરૂપ, અને બધા માટે સમાન વેશભૂષાનો આગ્રહ રખાયો. અને કોસ્ચ્યુમ ભાડે લાવવાનાં નહિ. બહેનોનું ગૌરવ પૂરેપૂરું જળવાય એવાં કપડાં ખાસ દરજી પાસે તૈયાર કરાવવાનાં. કનુ દેસાઈ જેવા ખ્યાતનામ ચિત્રકાર પાસે રંગમંચનું સુશોભન કરાવવાનું. દર વરસે કશુંક નવું-નોખું રજૂ કરવાનું. જેમ કે મંજીરાના ગરબાને બદલે ઘંટનો ગરબો! એવી જ રીતે હિંડોળો, વીંઝણો, અરીસો, નગારું, વગેરેના ગરબા પણ રજૂ કરેલા. એકંદરે રજૂઆત એવી રહેતી કે પરંપરાનું માન જળવાઈ રહે અને સાથોસાથ કશુંક નવું કરવાની લાગણી-માગણી પણ સંતોષાય. એક વરસે ભગિની સમાજના ગરબા જોયા પછી ઉમાશંકર જોશીએ કહેલું : ‘ઘણા વખતથી ખોવાયેલો ગરબો મને આજે અહીં જડ્યો છે.’

જિતુભાઈ મહેતા, કનુ દેસાઈ, અવિનાશ વ્યાસ

અને હા, એ વખતે ગરબા, નાટક કે બીજા કોઈ પણ કાર્યક્રમની ટિકિટો ઘરે ઘરે જઈને વેચવી પડતી. આ લખનારને બરાબર યાદ છે કે ટિકિટ વેચવા કોઈ ક્યારે આવે એની ઘરમાં રીતસર રાહ જોવાતી. ગરબાની સાંજે ૬ કે ૭ નંબરની ટ્રામમાં બેસીને ઘરનાં બધાં ઊતરે હરકિસનદાસ હોસ્પિટલના સ્ટોપ પર. ત્યાંથી ભગિની સમાજના હોલ સુધી ચાલવાનું. પછી એ હોલ નાનો પડવા લાગ્યો એટલે ગરબા સુંદરાબાઈ હોલમાં થાય. ત્યાં ટ્રામ તો જાય નહિ એટલે ભાડાની વિક્ટોરિયા. ગરબા જોયા પછી બે-ત્રણ દિવસ ઘરમાં તેની વાત-ચર્ચા ચાલે. ગુજરાતનાં ગામડાંથી આવેલો ગરબો ભગિની સમાજમાં એક કરતાં વધુ અર્થમાં ‘નાગર’ બન્યો.

ભગિની સમાજ અને તેના જેવી બીજી સંસ્થાઓના ગરબા ‘ક્લાસ’ માટે હતા. તેને ‘માસ’ સુધી લઈ જવાનું કામ કર્યું ઇન્ડિયન નેશનલ થિયેટરે. ૧૯૫૦થી ૧૯૬૦ સુધી દર વરસે આ સંસ્થા ગરબા-રાસ સ્પર્ધા યોજતી. એની શરૂઆત થયેલી ખેત વાડી વિસ્તારમાંની વિલ્સન સ્કૂલના કંપાઉંડથી. મુંબઈની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના હરતા-ફરતા એનસાઈકલોપીડિયા જેવા નિરંજન મહેતા કહે છે કે પછી પ્રેક્ષકો એટલા વધી ગયા કે આઝાદ મેદાનમાં વચ્ચોવચ ચોરસ સ્ટેજ બાંધીને ચારે બાજુ પ્રેક્ષકોને બેસવાની વ્યવસ્થા કરવી પડતી. આ હરીફાઈમાં મુંબઈની સ્કૂલ, કોલેજ, જાહેર સંસ્થાઓ તો મોટી સંખ્યામાં ભાગ લેતી જ, પણ ગુજરાત, કાઠિયાવાડ અને કચ્છથી પણ સંસ્થાઓ ભાગ લેવા આવતી. તેમાં પાછા ગરબા, ગરબી, મિશ્ર રાસ વગેરેના અલગ અલગ વિભાગ. નામાંકિત જાણકારો નિર્ણાયકો. કેટલીક સંસ્થાઓની રજૂઆત તદ્દન અલગ, અને લગભગ દર વરસે ઈનામ જીતી જાય. જેમ કે ચંદન વાડીની ‘દરિયા છોરુ,’ તાડ વાડી મિત્ર મંડળ, ભાવનગરનું ઘોઘા સર્કલ મિત્ર મંડળ, વગેરે. મુંબઈના ગરબાની ગાથા અંગેની વધુ વાતો હવે પછી. ત્યાં સુધી ગણગણતાં રહીએ :

ગરબે રમવાને ગોરી નીસર્યાં રે લોલ.’

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 09 ઑક્ટોબર 2021

Loading

...102030...1,9021,9031,9041,905...1,9101,9201,930...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved