Opinion Magazine
Number of visits: 10,225,889
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પાકિસ્તાન છે ત્યાં સુધી આતંકવાદ ખતમ નહીં થાય …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|11 October 2021

પાકિસ્તાનમાં જેટલા પણ વડા પ્રધાન આવ્યા એ સૌમાં સૌથી નબળા વડા પ્રધાન ઇમરાનખાન છે. તે ભારત માટે તો ઝેર ઓકે જ છે, પણ પાકિસ્તાનનું પણ તેમણે ભલું કર્યું હોય તેવું જણાતું નથી. એક નાના છોકરાએ તેની કવિતામાં પાક. વડા પ્રધાનની એમ કહીને ધોલાઈ કરી છે કે પાકિસ્તાન સંભાળવાના ઠેકાણાં નથી ને તાલિબાનમાં માથું મારે છે. તાલિબાનને માન્યતા અપાવવા યુ.એન.માં પણ ઇમરાનખાને તાલિબાનની દલાલી કરતાં કહ્યું છે કે તેનાં વચનો પર ભરોસો કરો. તેઓ સુધરવા ને સુધારવા માંગે છે. દુનિયા જોઈ રહી છે કે તાલિબાનો જરા પણ સુધર્યા નથી, બલકે, વધારે ઝનૂનથી અનાચારનો પુરસ્કાર કરી રહ્યા છે. અફઘાન સ્ત્રીઓ મોતની પરવા કર્યા વગર શિક્ષણ અને મુક્તિની માંગ કરી રહી છે તેના પરથી સમજી શકાશે કે તાલિબાન કેવી રીતે પ્રજા સાથે વર્તે છે !

કોઈ વડા પ્રધાન આટલો જુઠ્ઠો જાહેરમાં જણાયો નથી. 9/11ના અમેરિકા પર થયેલ આતંકી હુમલા પછી પાકિસ્તાન આતંકવાદને પુરસ્કારતા રાષ્ટ્ર તરીકે ઉઘાડું પડી ગયું, પણ તેની આતંકવાદના ઉછેરની પ્રવૃત્તિમાં જરા પણ ઓટ આવી નથી. લાદેનને તે શહીદ ગણાવે છે ને તેને અમેરિકાએ તેના જ ઘરમાં ઘૂસીને ખતમ કર્યો તેનો સંકોચ નથી. તેને આશરો પાકિસ્તાને આપ્યો હતો તે જગજાહેર છે. માણસને પાકના હિન્દુઓની તો ચિંતા નથી જ, પણ મુસ્લિમોની હાલત, ભારતના મુસ્લિમો કરતાં બદતર છે તો ય તેમને ચિંતા ભારતના મુસ્લિમોની છે. આર.એસ.એસ. અને ભા.જ.પ. મુસ્લિમો પર જુલમ ગુજારે છે એવી વાહિયાત વાત કરીને મુસ્લિમોની સહાનુભૂતિ ઉઘરાવવાનો તેઓ સસ્તો પ્રયત્ન કરે છે, પણ મુસ્લિમો બરાબર જાણે છે કે પાકિસ્તાનમાં હિન્દુઓની છે તેવી બદતર હાલત ભારતમાં મુસ્લિમોની તો નથી જ નથી.

પાકિસ્તાન એ પણ જાણે છે કે સીધું યુદ્ધ તે કોઈ પણ દેશની સામે લડી શકે એમ નથી. એટલે તે આતંકવાદને ઉછેરે છે ને ચીનની ચમચાગીરી કરી ભારત સાથે છમકલું કર્યાં કરે છે. અમેરિકા પાક સાથે વાત કરવા પણ તૈયાર નથી. અમેરિકી પ્રમુખ નાના દેશોના વડાઓને મળે છે ને વાતો કરે છે, પણ પાક વડા પ્રધાન સાથે વાત કરવાનું તેમણે સ્વીકાર્યું નથી એ પરથી પણ પાકિસ્તાનની વિશ્વમાં કેવી શાખ છે તે સમજી શકાય તેવું છે. પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી સંગઠનોએ ભારત પર અનેક હુમલાઓ કર્યા છે અને કોઈ વાત નથી હોતી ત્યારે પાકિસ્તાન, કાશ્મીરનો રાગ આલાપે છે. યુ.એન.માં પણ છેલ્લાં પ્રવચનમાં ઇમરાનખાને ભારત સાથે વાત કરવા પોતે તૈયાર છે એવું કહ્યું છે, પણ ભા..જપ. મુસ્લિમો પર જુલમ ગુજારે છે એવી વાહિયાત વાત પણ તેમણે સાથે જ દોહરાવી છે. એમને પૂછી શકાય કે ભારતના કેટલા મુસ્લિમોએ ફરિયાદ કરી કે તમારે દખલ કરવાની ફરજ પડે છે? ભારતે કેમ દેશ ચલાવવો તે પાકિસ્તાન શીખવશે જ્યાં પોતાનાં શીખવાનાં કોઈ ઠેકાણાં નથી? તેઓ ફરમાન છોડે છે કે કાશ્મીરમાં જે પગલાં લેવાયાં છે તે ભારતે પાછાં લેવાં પડશે. કેમ ભાઈ, ભારતનું પૂરું પાકિસ્તાન કરે છે? મોદી સરકારે બીજું કૈં ન કર્યું હોત ને 370 ને 35 એ નાબૂદ કરી હોત તો ય ઘણું હતું. ઇમરાનખાન સાહેબ, 370 હતી એટલે વર્ષો સુધી કાશ્મીરી પ્રજાનું હિત જોતાં હોય તેમ થોડાક મુઠ્ઠીભર લોકો સાથે રાખીને કાશ્મીરી પંડિતો અને શીખો પર જુલમ ગુજાર્યો ને તેમને ઘરથી બેઘર કરવાનો વેપલો કર્યો, પણ હવે કોઈનો ઇજારો ત્યાં ચાલવાનો નથી ને એટલું સમજી લો, સાહેબ, કે કાશ્મીર ભારતનું છે ને તમારા પૂર્વજો ને તમે પણ જાણો છો કે તે ભારતનું છે ને આતંકી છમકલાંઓથી તે તમારું થવાનું નથી. આમ પણ પી.ઓ.કે.ને નામે તમે હરામનું પચાવીને બેઠા છો, પણ તે પચવાનું નથી તે નક્કી છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની પ્રથમ સચિવ સ્નેહા દુબેએ ભરી સભામાં તમને જુઠ્ઠા કહીને કાશ્મીર અને લદાખ પરનો ભારતનો એકાધિકાર સ્થાપિત કરતો જવાબ આપ્યો, ત્યારે વસ્ત્રો તો ઠીક, શરીર પર ચામડી પણ શોધવી પડે તેવી સ્થિતિ તમારી હતી તે કહેવાની જરૂર છે?

કદાચ યુ.એન.માં થયેલી ધોલાઈ પછી, પાકિસ્તાને જાત બતાવવા માંડી હોય તેમ શ્રીનગર અને ખીણમાં આતંકી છમકલાં ફરી શરૂ કર્યાં છે ને છેલ્લાં થોડા દિવસોમાં સાતેક હત્યાઓ કરી છે. 1990માં પણ જે પંડિતો કાશ્મીર છોડવા રાજી ન હતા તેઓ પણ ઉચાળા ભરવા માંડ્યા છે. ભારત માટે આ ગંભીર ચિંતાનો વિષય છે. પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ થોડાક યુવાનોને તૈયાર કરે છે ને આ લોકો હુમલો કરીને પોતાને કામે લાગી જાય છે જેથી કોઈ સંગઠન તરફ શંકા ન જાય. 9મી તારીખે શ્રીનગરના નાટીપોરા વિસ્તારમાં પોલીસો પર હુમલો થયો, એના જવાબમાં એક આતંકી ઠાર મરાયો ને તેનું કનેક્શન પ્રતિબંધિત લશ્કરે તોયબા સાથે નીકળ્યું. એક મહિલા આચાર્ય અને એક શિક્ષકને અન્ય મુસ્લિમ શિક્ષકોથી અલગ તારવીને બહાર લાવવામાં આવ્યા અને તેમને ગોળીએ દેવાયા. આ જ રીતે એક કેમિસ્ટ અને એક વેપારીની પણ હત્યા કરવામાં આવી. આ વખતે ટાર્ગેટ પંડિતો અને બિન મુસ્લિમો છે. આ રીતે ખોફ ફેલાવીને બિન મુસ્લિમોને કાશ્મીરથી ભગાડવાનો પાકનો ઇરાદો નાપાક છે. 370 ને 35 એ નાબૂદ કરવાનો હેતુ તો એ હતો કે કાશ્મીર બહારના લોકો પણ ત્યાં વસવાટ કરે અને રોજી રોટી કમાય, પણ કરુણતા એ છે કે બહારનાનો વસવાટ તો બાજુએ રહ્યો, જે ત્યાંના છે તેમની હકાલપટ્ટીનો કારસો રચાયો હોય એવું લાગે છે. આ વર્ષે કાશ્મીરમાં પચીસેક લોકોએ આતંકી હુમલાઓમાં જીવ ખોયો છે. આ અત્યંત નિંદનીય અને ઘૃણાસ્પદ છે.

હાલની સ્થિતિ એવી છે કે પંડિતો અને શીખો દહેશતમાં જીવે છે, કેટલાક તો હિજરત કરી રહ્યા છે ને તેમણે ઓફિસો, સ્કૂલોમાં 10 દિવસની રજા મૂકીને નીકળી જવું પડ્યું છે. આતંકી હુમલાઓને કારણે સ્થાનિકો વચ્ચે શંકાનું વાતાવરણ ઊભું થયું છે. એમ લાગે છે કે આ હુમલાઓ અટકવાના નથી. થોડે થોડે વખતે આવા હુમલાઓ ચાલુ રહેવાના છે. એનો હેતુ કાશ્મીરમાં શાંતિ ન સ્થપાય તે જોવાનો છે. કાશ્મીર જરા કૈં થાળે પડે છે કે શાંતિ તોડવાના પ્રયત્નો શરૂ થઈ જાય છે. આ આજકાલનું નથી. એક તરફ ચીન છે, જે જેનું જે કૈં પણ છીનવી લેવાય, તે પૂરી નાલાયકીથી છીનવે છે. અત્યારે તાઇવાન પર કબજો જમાવવાની ફિકરમાં તે છે. તેને મહાસત્તા બનવાની લ્હાય લાગી છે ને તેણે તો વિશ્વયુદ્ધ થવાની આગાહીઓ પણ કરવા માંડી છે. એ કમનસીબી છે કે બબ્બે વિશ્વયુદ્ધો જોયાં પછી પણ કોઈ કૈં શીખ્યું નથી. મહામારીથી આટલાં લોકો મર્યાં તે ઓછાં લાગે છે કે હવે યુદ્ધથી મારવાં છે? આખું વિશ્વ આટલું બધું બેશરમ કઈ રીતે થઈ શકે તે નથી સમજાતું.

વળી ચીનનું સૈન્ય ઘૂસણખોરીમાં તો ગાંઠતું જ નથી. તાજેતરમાં જ ભારતે 200 ચીની સૈનિકોને મારી ભગાડ્યા છે. બીજી તરફ પાકિસ્તાન છે જે બે રીતે ભારતને હેરાન કરે છે. તે સરહદ પર લશ્કરી તાકાતનો પરચો આપે છે તો બીજી તરફ, કાશ્મીરમાં આતંકવાદીઓને ઘૂસાડીને નિર્દોષ લોકોનું લોહી રેડે છે ને દેખાવ એવો કરે છે કે તેનું લોહી ભારત પીએ છે. ચીન અને પાકિસ્તાને એ સમજી લેવાનું રહે કે તે હવે 1962નું ભારત નથી. તે સામેથી કોઈને છેડવામાં માનતું નથી, પણ કોઈ છેડે તો તેને છોડવામાં પણ માનતું નથી. કેન્દ્ર સરકારે તાત્કાલિક પગલાં લેવાં માંડ્યાં છે. કાશ્મીર ખીણમાંથી 500 શકમંદોની ને શ્રીનગરમાંથી 70 યુવકોની અટકાયત કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરમાં બારામુલ્લા, શ્રીનગર, અનંતનાગ … જેવાં 16 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે ને ત્યાંના રહેવાસીઓ માટે કડક સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે, પણ દહેશત વધુ હુમલાઓની રહે જ છે.

એક વાત નક્કી છે કે પાકિસ્તાન તેની આતંકી ગતિવિધિથી કદી શરમાવાનું નથી. તે જાતે સમજી જાય અને આતંકી પ્રવૃત્તિઓને અટકાવે એવું તો સપનું પણ પડે એમ નથી. કોઈ યુદ્ધમાં ન મરે એટલા લોકો ભારતમાં આતંકી પ્રવૃત્તિઓનો ભોગ બન્યા છે. એ પણ કમાલ છે કે કાશ્મીર કે અન્યત્ર, આતંકવાદીઓ ભારતમાં ઘૂસી જવામાં ને ત્રાસ વર્તાવવામાં સફળ થાય છે, એવી સફળતા ભારતને મળી નથી. તે એટલે કે ભારત આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલું નથી. એવું હોત તો ભારતે પણ પાકિસ્તાનની દશા બગાડી હોત, પણ ભારત એવું નહીં કરે. નહીં જ કરે. બહુ થાય તો તે સર્જિકલ સ્ટ્રાઈક કરશે, પણ નિર્દોષોનાં જીવ નહીં લે. તો, તેણે શું લખી આપ્યું છે કે પાકિસ્તાન ગમે ત્યારે આતંકીઓ દ્વારા જીવ લે તો તે ખૂણે પડીને જોયાં કરશે? ના. તે જોઈ નહીં રહે, પણ આ સંજોગોમાં ભારતે સીધું લડી લેવું જોઈએ એમ કહેવાનું થાય છે. એ ખરું કે એમાં તેણે ય ખુવારી વહોરવાનું થાય ને એ ઇચ્છવા જેવું નથી, પણ તે ચૂપ રહેશે તો પણ વેઠવામાંથી તેની મુક્તિ નથી ને એટલું નક્કી છે કે આનો અંતિમ ઉપાય તો યુદ્ધ જ જણાય છે. આજે નહીં ને વરસે, બે વરસે તેણે પાકિસ્તાનને નકશામાંથી ભૂંસ્યે જ છૂટકો છે. તે જેટલું મોડું કરશે એટલું તેનું નુકસાન વધશે. પાકિસ્તાન સર્જિકલ સ્ટ્રાઈકથી પણ નહીં શરમાય તે ય ખરું, કારણ તે ટાંકણીથી નહીં, તલવારથી જ શરમાય એમ છે …

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 11 ઑક્ટોબર 2021

Loading

ભીતર

રવીન્દ્ર પારેખ|Poetry|11 October 2021

અટકી ગયો દેહ
હવા બહાર તો હતી
પણ હવે શ્વાસ બનતી …
રક્ત બનેલું એટલું જ રહ્યું
નવું બનતું અટકી ગયું
આંસુ 
હૈયેથી આંખ સુધી આવતાં
વચ્ચે જ થંભી ગયું હતું
એમાં ખારાશ ભળતાં ભળતાં રહી ગઈ હતી
જળ ગળામાં જ અટકી પડ્યું હતું
અન્ન રહી ગયું હતું ઉદરમાં
એનું રક્ત બનવા લાગ્યું હતું
પણ પછી ન અન્ન કહેવાય કે ન રક્ત એવું કૈંક …
પછી હું પોતે ફરી વળ્યો મારામાં
ખૂણે ખૂણો જોઈ વળ્યો
આંસુ 
આંખ તરફ ઊંચે ચડતું હતું
એમાં ખારાશ ભળતી હતી 
પણ ક્યાંથી તે …
બહુ કોશિશ કરી પણ
હર્ષ બનાવનારું બિંદુ ક્યાંયથીય હાથ ના લાગ્યું
અન્ન 
રક્ત બનતું હતું
પણ ક્યાંથી અન્ન રહેતું ન હતું 
ને ક્યાંથી રક્ત બનતું હતું એ …
જીવંત રાખનારું કૈક તો હતું
પણ એ શું હતું?
રક્ત?
તે તો મૃતમાં પણ હતું
હવા?
તે પણ મૃતની બહાર તો હતી જ !
પ્રશ્ન એ હતો કે
એને શ્વાસ કોણ બનાવતું હતું તે …

000

e.mail : ravindra21111946@gmail.com

‘એતદ્દ -231‘માં પ્રગટ કાવ્ય; જુલાઈ – સપ્ટેમ્બર 2021; પૃ. 18

Loading

વિવેચન વિશે મારાં મન્તવ્યો (2)

સુમન શાહ|Opinion - Literature|11 October 2021

ચાર વિવેચનાત્મક વિધાનો : ક્રિટિકલ સ્ટેટમૅન્ટ્સ :

પહેલાં એ જણાવું કે વિવેચન ‘પ્રત્યક્ષ’ અને ‘સિદ્ધાન્ત’ એવી બે પાંખો ધરાવે છે. વિવેચનનો દેહ એવો દ્વિદળ છે. બક્ષીની ‘આકાર’ નવલ વિશેનો વિવેચનલેખ પ્રત્યક્ષ વિવેચન કહેવાય – ઍપ્લાઈડ ક્રિટિસિઝમ. પરન્તુ ‘નવલકથામાં પાત્રાલેખન’ કે ‘ટૂંકીવાર્તામાં અન્ત’ કે ‘કાવ્યનાં પ્રયોજન’ કે ‘કલ્પન અને પ્રતીક’ કે ‘નાટકમાં કાર્યવેગ’ કે ‘નાટકમાં સ્થળ-કાળની એકતા’ વગેરે લેખો સિદ્ધાન્ત વિવેચન કહેવાય – થિયરેટિકલ ક્રિટિસિઝમ.

દાંતનો કોઈ ડૉક્ટર દવાખાનું ખોલીને બેઠો હોય, ડિગ્રી-સર્ટિફિકેટો લટકાવ્યાં હોય, પણ માંખો મારતો હોય, તો એ ડૉક્ટર ખરો પણ નામનો જ ! કૉલેજમાં થિયરી બહુ ભણ્યો હોય, પણ દર્દીઓની ખરેખરી સારવાર શરૂ કરે ત્યારે જ એને ડૉક્ટર કહેવાય છે. ત્યારે એ પોતાના ભણતરની પ્રૅક્ટિસ કરતો હોય છે. દર્દી સાજો થઈ જાય કે ન થાય પણ ત્યારે એના ડૉક્ટરી સિદ્ધાન્તોના જ્ઞાનની કસોટી થતી હોય છે. એવા જ કોઈ કારણે ઘણા વિવેચકો સિદ્ધાન્તમાં જ સ્થિર થવાનું અને ત્યાં જ રહેવાનું પસંદ કરતા હોય છે.

પ્રત્યક્ષ વિવેચનને ‘પ્રૅક્ટિકલ ક્રિટિસિઝમ’ કહેવાય છે. એ શબ્દપ્રયોગ આપ્યો હતો આઇ.એ. રીચાર્ડ્ઝે, એ જ નામના પુસ્તકમાં, છેક ૧૯૨૯માં. 

મહિમા બન્નેનો છે, જરૂરત બેયની છે. બન્ને એકબીજાંનાં પૂરક છે.

પણ આપણને કૃતિઓ અને કર્તાઓ વિશે, કહો કે, સમગ્ર સર્જન-લેખન વિશે, તોલમોલ કરીને સાહિત્યપદાર્થનું અને સરવાળે ભાષા-સાહિત્ય અને સંસ્કૃતિનું મૂલ્ય આંકી આપનારા પ્રૅક્ટિસિન્ગ ક્રિટિક્સની જરૂર વધારે હોય છે. આપણે ઇચ્છતા હોઇએ છીએ કે તેઓ સદા આપણને પ્રત્યક્ષ થાય.

એટલે, હમણાં તો હું પ્રત્યક્ષ વિવેચનની વાત જ ચાલુ રાખીશ.

આ અગાઉના લેખમાં કહ્યું હતું કે વિવેચન-લેખનમાં ચાર વાનાં વરતાવાં જોઈશે : વર્ણન, અર્થઘટન, સમજૂતી અને મૂલ્યાંકન. એ ચાર વાનાં હકીકતે વિવેચનાત્મક વિધાનો છે – ક્રિટિકલ સ્ટેટમૅન્ટ્સ : વર્ણનપરક, અર્થઘટનપરક, સમજૂતીપરક અને મૂલ્યાંકનપરક.

વિવેચનની પ્રત્યક્ષ-પાંખે, નાના અવલોકનલેખથી માંડીને મોટા સમીક્ષાલેખ સુધીનાં કોઇપણ વિવેચનલેખનમાં આ ચારેય વિધાનો આછાપાતળા કે એકદમના સ્પષ્ટ સ્વરૂપમાં જોવા મળશે.

વાત એમ છે કે આ ચારેય વિધાનો વિવેચનનાં અનિવાર્ય તત્ત્વો કે પરિમાણ કે પાસાં છે.

એ વિધાનોથી થાય છે શું? એથી લખાણ વિવેચન બને છે. એથી વિવેચનનું ’કૉન્ફિગરેશન’ થાય છે એમ કહેવું વધારે યોગ્ય ગણાશે. એટલે કે, એક એવું સમાયોજન રચાય છે, એક એવું સંયોજન, કે જેમાં કૃતિનું વર્ણન, અર્થઘટન, સમજૂતી અને મૂલ્યાંકન યથાસ્થાને ગોઠવાઈ ગયાં જાય છે. અટકું, શાસ્ત્રીયતામાં ન ધપી જઉં. એક વ્યવહારુ દૃષ્ટાન્ત રજૂ કરું :

ધારો કે, આપણે પિત્તળનું એક ફ્લાવરવાઝ લાવ્યા છીએ. બે વર્ષ પર મારા મિત્રને મેં એવું જ એક ભેટ આપેલું. ધારો કે, એ ફ્લાવરવાઝ વિશે હું આવું બધું કહું છું : એકાદ ફૂટ ઊંચું છે. હલકું નથી, વજનદાર છે. એમાં પાણી રેડી શકાય છે પણ એનું પિત્તળ ઊંચી ક્વૉલિટીનું છે, પ્રોસેસ્ડ્ છે, કદી કટાશે નહીં. એનું ગળું એવું માપસરનું છે કે ઘણાં બધાં ફૂલોની ડાળખીઓને એ બરાબર પકડી રાખશે.

વાઝ : Ebay

Pic courtesy : Faire

નમણું અને રૂપાળું દેખાય છે. માત્ર વાઝ નથી લાગતું, આકર્ષક કલાકૃતિ લાગે છે. મનને ગમે છે, પ્રસન્ન થવાય છે. એમાં મશીન અને માણસની સર્જકતાનો સુમેળ સધાયો છે. મૉંઘું છે પણ ભેટ તરીકે આપીએ તો વ્યક્તિ ખુશ થઈ જાય. આકર્ષક ટિપોઇ પર સજાવી રાખે. એની પૉલિશ એટલી સરસ છે કે સોનાનું લાગે છે. ઉત્પાદકોએ લખ્યું જ છે : ગોલ્ડ ફિનિશ. એમ પણ લખ્યું છે : સાથે અમે ફૂલો નથી આપતા, તેની નૉંધ લેવી. એ નૉંધ રમૂજ પમાડે છે, પણ જરાક ધંધા-બાજુની લાગે છે, ન મૂકી હોત સારું થાત.

આ મેં વાઝ વિશે કહ્યું લગભગ તેવું જ પ્રત્યક્ષ વિવેચનમાં સાહિત્યકૃતિ વિશે કહેવાતું હોય છે. ને ત્યારે એમાં ચારેય વિવેચનાત્મક વિધાનો સંભવ્યાં હોય છે. સ્વયંભૂ લાગે. વિવેચકથી જાણ્યે-અજાણ્યે પણ થઈ ગયાં હોય. જો કે સારો વિવેચક એ વિશે હમેશાં સભાન અને સતર્ક રહેતો હોય છે.

એ દરેક વિધાન વિશે, હવે પછી …

સૂચના :

1. આ લેખમાં રજૂ થયેલા વિચારો અને મુદ્દાઓ વિશેના જ પ્રતિભાવો સ્વીકારાશે, તેની મિત્રોએ નૉંધ લેવી.

2. આ FB પેજ પર રજૂ થતાં મારાં કાવ્યો, અનુવાદો કે લેખો કૉપિરાઇટથી રક્ષિત છે, તેની સૌએ નૉંધ લેવી. પોતાનું નામ જાહેર કર્યા વિના આમાંનું કશું પણ Share કરનાર સામે યોગ્ય કારવાઈ કરાશે. 

= = =

(October 11, 2021: USA)

Loading

...102030...1,9011,9021,9031,904...1,9101,9201,930...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved