Opinion Magazine
Number of visits: 10,225,815
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રવાસના શોખીન ગુજરાતીઓના ગમતા શબ્દો : સ્ટેકેશન, રિવેન્જ ટ્રાવેલ, સોલો ટ્રિપ્સ, ઑફબીટ રૂટ્સ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|14 November 2021

પેરિસ, રોમ, ગ્રીસ કે પ્રાગનું નામ લઇને ‘રોલાં પાડવા’નો પ્રયાસ કરનારા ગુજરાતીઓ હવે ગર્વથી ‘ઓફબીટ એક્સપિરિયન્સ’ની વાતો કરે છે

દિવાળીની રાહ જોતા હતા અને તહેવાર આવીને ગયો પણ ખરો. મુંબઇ જેવાં શહેરોમાં બધી દોડાદોડી એકાદ દિવસ પૂરતી માંડ બંધ રહે અને પછી ઘરેડ જેવી હતી તેવી.

આ વર્ષે માસ્કવાળી બીજી દિવાળી રહી. ફરવાનો ‘પોગ્રામ’ કર્યા વિના આપણને ગુજરાતીઓને મજા ન પડે. નોકરી ધંધા તો આખું વર્ષ ચાલવાના અને એમાં પાછું આ વર્ષે તો ત્રીજા વેવની તલવાર મ્યાનમાં રહેશે કે નિકળશેની ચિંતા પણ ખરી. આવી હાલતમાં મોટે ભાગે ‘ટ્રાવેલ ટૂરિઝમ’ના ધંધામાં તેજી લાવનારા ગુજરાતીઓએ ‘લિઝર’ માટે નવા રસ્તા શોધી કાઢ્યા. આ વખતે વાઇરસને ‘નાખો વખારે’ કરીને ગુજરાતીઓએ એકે ય ટૂરિઝમ સ્પોટને ખાલી નથી રહેવા દીધા. આસાપાસ હોય કે દૂર – ફરવું તો પડશે જ ભાઇસાબના ઝોનમાં આવેલા ગુજરાતીઓએ ટ્રાવેલ અને ટૂરિઝમની મંદીને તેજીમાં ફેરવી નાખી, એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી.  રોમમાં રસ પૂરી અને પેરિસમાં પાતરા ન થાય, તો કંઇ વાંધો નહીં, પણ જલસા તો કરવા જ પડે અને માટે જ ‘સ્ટેકેશન’, ‘ફાર્મ હાઉસ’,  ‘વિલા સ્ટેઝ’, ‘વિનયાર્ડ ટ્રીપ્સ’, ‘આઉટ સ્કર્ટ્સ વિકેન્ડ્ઝ’ જેવા રસ્તા શોધી કાઢ્યા છે.

રોગચાળાને કારણે ૨૦૨૦નું મોટા ભાગનું વર્ષ ચિંતામાં જ પસાર થયું, પણ દિવાળીની આસપાસ અને ખાસ કરીને વર્ષાંતે લોકોની હિંમત જરા ખૂલી. છતાં ય ટ્રાવેલનાં રિસ્ટ્રિક્શન્સ હતાં અને હજી દૂર સુધી પ્રવાસ કરવામાં લોકોમાં ખાસ્સો ખચકાટ હતો. રોગચાળાને પગલે લોકો જે રીતે મુસાફરી કરતા હતા, તેમાં ભારે ફેરફાર આવ્યા અને સૌથી વધુ જો કોઇ ટ્રેન્ ઉપડ્યો હોય તો એ હતો ‘સ્ટેકેશન’નો ટ્રેન્ડ! સ્ટેકેશનનનો સરળ અર્થ થાય સ્ટે અને વેકેશન – જેમાં તમે એવું વેકેશન લો જે તમારા ઘરની નજીક હોય અને તમારા સામાન્ય હૉલીડે કરતાં જરા એક-બે દિવસનો સમય તમે વધારે લો. ન્યુ નોર્મલ તરફ આગળ વધી રહેલી દુનિયામાં સ્ટેકેશન લોકોમાં પૉપ્યુલર બન્યા. જે શહેરમાં રહેતાં હોય ત્યાંની જ કોઇ લક્ઝૂરિયસ હૉટેલમાં અથવા તો શહેરથી સહેજ દૂર આવેલા કોઇ લક્ઝૂરિયસ રિસોર્ટમાં રહેવા જવું અને ત્યાં મળતી બધી જ સવલતો માણવાનો ટ્રેન્ડ ફરવા-ઉત્સુક ગુજરાતીઓને માફક આવી ગયો. લૉકડાઉનમાં પરણેલાં કપલ્સે હનીમૂનના વિકલ્પ તરીકે હાઇ-એન્ડ રિસોર્ટ જે ઘરની નજીક હોય ત્યાં જવાનું પસંદ કર્યું તો બર્થ ડે ઉજવવા માટે પણ યંગસ્ટર્સે થ્રી સ્ટાર હોટલ્સથી માંડીને ફાઇવ સ્ટાર હોટલ્સના રૂમ્સ હાયર કરી ગણતરીના લોકો સાથે સેલિબ્રેશન કરવાનું પસંદ કર્યું. કલાકો સુધી વર્ક ફ્રોમ હોમ કરનારાઓ માટે પણ સ્ટેકેશનનો ડિ-સ્ટ્રેસિંગ અનુભવ અનિવાર્ય બની ગયો. આ સંજોગોમાં હોટેલિયર્સે પણ તગડાં ડિસ્કાઉન્ટ, એક્સ્ટ્રા પર્ક્સ વાળી ડીલ્સ જેવું ઘણું ઑફર કર્યું. 

ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં વપરાતો એક શબ્દ છે રિવેન્જ ટ્રાવેલ – બદલો લેવા માટે ટ્રાવેલ કરનારા એટલે કોઇ ખુન્નસથી ફરવા જનારાઓ નહીં પણ રૂટિન – ઘરેડ તોડવા માગતા લોકો જ્યારે મુસાફરી કરવાનું નક્કી કરે, ત્યારે તેને રિવેન્જ ટ્રાવેલ કહેવાય. લૉકડાઉન ફટિગને તોડવા માટે, એક સરખી ઘટમાળમાંથી બહાર આવવા માટે પહાડોની ટોચ હોય કે દરિયા કાંઠો હોય – જ્યાં ખાસ ભીડ ન હોય તેવી જગ્યાઓ પર મુસાફરી કરનારાઓની સંખ્યા વધી. વળી સોલો ટ્રિપ્સનો ટ્રેન્ડ પણ તેજીમાં આવ્યો. ઘરમાં સતત બધાં સાથે રહ્યા પછી તો ભાઇસા’બ મિત્રો ય ન ખપે એવી માનસિક સ્થિતિ થઇ હોય તેવા લોકોની સંખ્યા ઓછી નથી. આવા લોકોએ સોલો ટ્રિપ લેવાનું પસંદ કર્યું અને તે પણ દૂર જવાને બદલે શહેરની સરહદે આવેલા સ્થળોએ જવું, એડવેન્ચર ટ્રાવેલ જેવું કંઇ જ્યાં ટ્રેકિંગ કરી શકાય તેવી સ્થળે જવાનું પસંદ કર્યું. બીજી તરફ ફેમિલી ઑરિયેન્ટેડ ધનિકોને ફાર્મ હાઉસ પાર્ટી સિવાયના હેતુસર કામે લાગ્યા. વાઇરસને કારણે ખાસ કરીને ફાર્મ હાઉસ કલ્ચર ખાસું એવું વિકસ્યું છે. એક સમયે વિકેન્ડ પાર્ટી માટે જ વપરાતા ફાર્મ હાઉસ પર કમ્ફર્ટ વધારીને ત્યાં શાંતિથી સમય પસાર કરનારાઓની સંખ્યા વધી. લોકલ એક્સપિરિયન્સને મહત્ત્વ આપનારા ગુજરાતીઓને ભજિયાં તળી આપતા મહારાજ અને ચાઇનિઝ લાવી આપનારા ગુરખાઓ સાથે ફાર્મ હાઉસ પર કે લોનાવલાના બંગલાઓ પર સમય પસાર કરવાનું હવે વધારે માફક આવે છે.

આ બધા ઉપરાંત કંઇક નવો અનુભવ મળે તેવો પ્રવાસ કરનારાઓની સંખ્યા પણ વધી.  ઇન્ટરનેટ જનરેશનના પ્રભાવમાં યોલો – એટલે કે યુ ઓનલી લિવ વન્સની મેન્ટાલિટી વાઇરસને કારણે પ્રબળ થઇ. આ સંજોગોમાં ઓછો ખેડાયેલો હોય તેવો વિકલ્પ પસંદ કરવો અને કંઇક અલગ અનુભવવાની ચાહ ગુજરાતીઓમાં વિકસી. સાપુતારા હોય કે દમણ કે પછી ડાંગ કે પછી મુંબઇની આસપાસ આવેલા કામશેત જેવા વિસ્તારોનો અનુભવ લઇ ત્યાંના લોકો સાથે કનેક્ટ થવું વગેરે ૨૦૨૧ના ટ્રાવેલ ટ્રેન્ડ્ઝમાં પૉપ્યુલર બન્યા. વળી વેડફાટમાં એક્સપર્ટ લોકો હવે સસ્ટેનેબલ ટ્રાવેલ કરવાનું પસંદ કરે છે. વળી વિલાઝ કે કોટેજ હાયર કરી કામના બોજ વિના જાતે ખાવા પીવાનું મૅનેજ કરવાનો અનુભવ લેનારાઓની સંખ્યા પણ વધી. વળી પીવાના શોખીન ગુજરાતીઓ નાસિકની આસપાસના વિનયાર્ડ્ઝને એક્સપ્લોર કરીને કેલિફોર્નિયાની નાપા વેલીમાં હમણાં નહીં જઇ શકાયના અફસોસને હાંસિયામાં ધકેલી દે છે.

વળી, ખાવા પીવાના શોખીન ગુજરાતીઓ માટે ચાર ધામ યાત્રાના વિકલ્પો પણ હાલમાં ખોરંભે મુકાયેલા છે. કુદરતી આફત અને કથિત રીતે માનવસર્જીત વાઇરસે ભલભલું બદલી નાખ્યું છે અને ગુજરાતીઓની પ્રવાસના વિકલ્પોમાં આવેલો ફેરફાર આ સંજોગોનું જ પરિણામ છે. મુદ્દો એ છે કે તેઓ (આપણે) હજી ય કશું જતું કરીને કે મન મનાવીને બેસવાને બદલે રસ્તા તો શોધી જ લે છે (લઇએ છીએ).

બાય ધી વેઃ

સોશ્યલ ડિસ્ટન્સિંગ, હાઇજીનની કાળજી, સેનિટેશનની સગવડમાં કોઇ પણ બાંધછોડ કર્યા વિના મુસાફરીની પૂરેપૂરી મોજ કેવી રીતે લઇ શકાય, તેની કુનેહ ગુજરાતીઓએ કેળવી લીધી છે.  પેરિસ, રોમ, ગ્રીસ કે પ્રાગનું નામ લઇને ‘રોલાં પાડવા’નો પ્રયાસ કરનારા ગુજરાતીઓ હવે ગર્વથી ‘ઓફબીટ એક્સપિરિયન્સ’ની વાતો કરે છે.  વાઇરસની વિદાયનો ડંકો વાગે એટલી વાર છે, પછી ફરી એકવાર, રોમમાં રસ પૂરી અને પેરીસમાં પાતરાંની જાહેરાતોથી આકર્ષાઇને વીસ દિવસમાં ૧૨ શહેરો ફરી આવેલા ગુજરાતીઓની વાતો સાંભળા તૈયાર રહેજો.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  14 નવેમ્બર 2021

Loading

બિગ બ્રધર ઈઝ વોચિંગ યુ … વોટ્સએપમાંથી!

રાજ ગોસ્વામી|Opinion - Opinion|14 November 2021

ભારતમાં ઇઝરાયેલી પેગાસસ સ્પાયવેર મારફતે આગળપડતા લોકોની જાસૂસી થઇ છે, તેવા આરોપ સાથે થયેલી અરજીઓ પર, એક્સપર્ટ કમિટીની જાંચનો આદેશ આપતી વખતે, ચીફ જસ્ટિસ એન.વી. રમન્નાએ, ૨૭ ઓક્ટોબરે, તેમના જજમેન્ટની શરૂઆત જ્યોર્જ ઓરવેલના વિધાનથી કરી હતી; ઇફ યુ વોન્ટ ટુ કીપ અ સિક્રેટ, યુ મસ્ટ અલસો હાઈડ ઈટ ફ્રોમ યોરસેલ્ફ – તમે જો કોઈ રહસ્ય છૂપું રાખવા માંગતા હો, એ તમારાથી પણ છૂપું રહેવું જોઈએ.

ઇંગ્લિશ લેખક જ્યોર્જ ઓરવેલે, ૭૫ વર્ષ પહેલાં લખેલી '1984' નામની નવલકથાનો આધાર લઈને, ભારતની સુપ્રીમ કોર્ટ આપણી વર્તમાન સચ્ચાઈને આપણી સામે ધરશે, એવું કોણે વિચાર્યું હશે? જસ્ટિસ રમન્નાએ તેમના જજમેન્ટમાં કહ્યું હતું કે આ અરજીઓમાં ઓરવેલિયન ડર વ્યકત કરવામાં આવ્યો છે કે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમે જે ઇચ્છો તે વાતો સાંભળી શકો, જે જોવું હોય તે જોઈ શકો અને જે કરતા હો તે જાણી શકો.

ઇઝરાયેલી કંપનીનું પેગાસસ સ્પાયવેર દેશના જાણીતા પત્રકારો, વકીલો, બુદ્ધિજીવીઓ, કર્મશીલો, નેતાઓ, લેખકોના મોબાઇલ ફોનમાં 'બેસી'ને આ જ કામ કરતુ હતું; એ તેમના ફોન સાંભળતું હતું, એ તેમના મેસેજ વાંચતું હતું, ફોટા જોતું હતું અને તેઓ ક્યા સમયે ક્યાં હતા તેનું લોકેશન ટ્રેક કરતું હતું.

ઓરવેલે આ નવલકથા ૧૯૪૮માં લખી હતી, પરંતુ તેનું શીર્ષક '1984' રાખ્યું હતું, કારણ કે તેમણે તેમના સમયથી આગળ જઈને એક એવા સમયની કલ્પના કરી હતી, જેમાં રાજ સત્તા તેના નાગરિકોના મગજમાં ઘૂસીને તેમના વિચારો સુદ્ધાંની જાસૂસી કરશે અને તેમની તમામ બુનિયાદી આઝાદી છીનવી લેશે. ઓરવેલે તેવી રાજ સત્તાને બિગ બ્રધરનું નામ આપ્યું હતું. સુપ્રીમ કોર્ટે પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ કરનારા આ બીગ બ્રધર કોણ છે તે જાણવા માટે કમિટી બનાવી છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, “સભ્ય લોકતાંત્રિક સમાજના સભ્યોને પ્રાઇવસીની સુરક્ષાની જાયજ અપેક્ષા હોય છે. પ્રાઈવસી માત્ર પત્રકારો કે સામાજિક કાર્યકરોની જ ચિંતાની વાત નથી. ભારતના દરેક નાગરિકની પ્રાઈવસીનું રક્ષણ થવું જોઈએ. આ અપેક્ષા જ આપણને આપણી પસંદ અને સ્વતંત્રતાનો ઉપયોગ કરવામાં સક્ષમ બનાવે છે.”

જસ્ટિસ રમન્નાએ ઓરવેલનું વિધાન ટાંક્યું હતું તે એ વાતનો સંકેત છે કે સુપ્રીમ કોર્ટ એ હકીકતથી વાકેફ છે કે રાજ સત્તાઓમાં એવી વૃત્તિ હોય છે કે રાષ્ટ્રની સુરક્ષાના બહાને તે તેના વિરોધીઓની જાસૂસી કરીને તેમને કનડી શકે છે. એટલા માટે જ તેમણે કહ્યું કે, પેગાસસના મામલે રાષ્ટ્રની સુરક્ષાનું બહાનું કાઢીને સરકાર છટકી ન શકે.

જસ્ટિસ રમન્નાએ ઓરવેલનું જે વિધાન ટાંક્યું હતું, તે ‘1984’ નવલકથાના નાયક વિન્સ્ટન સ્મિથનો વિચાર છે. સ્મિથ એક એવા સ્ટેટ, ઓશીનિયાનો, નાગરિક છે, જેને બિગ બ્રધર અને તેની એક પાર્ટી ચલાવે છે. ત્યાંના નાગરિકોને ‘ભક્તો’માં બદલી નાખવામાં આવ્યા છે. ત્યાં બિગ બોસનો, તેની વિચારધારાનો અને તેની પાર્ટીનો વિરોધ કે ટીકા દેશદ્રોહ ગણાય છે. ત્યાં નાગરિકોની યાદદાસ્તમાં સંવેદનાઓનું સ્થાન બિગ બ્રધરે બનાવેલા રાજકીય નારાઓએ લઇ લીધું છે. ત્યાં કોઈ નાગરિક જો બિગ બ્રધરની વિરુદ્ધ જાય, તો તેની ‘થોટ પોલિસ’ એ નાગરિકને યાતનાના ચક્કરમાં પીસી નાખે છે.

વિન્સ્ટન સ્મિથને ખબર છે કે તેના મનમાં વિદ્રોહી વિચારો છે. તે સચેત છે કે બિગ બ્રધરની ‘થોટ પોલિસ’ તેના વિચારોને પકડી પાડી શકે તેમ છે અને તેને પછી અત્યાચાર સહન કરવો પડશે. સ્મિથને વિચાર આવ્યો કે તમે જો અમુક વિચારો ધરાવતા હો, તો તમારે જાતને છેતરવી જોઈએ (કે મને મારા વિચારોની પણ ખબર નથી), નહીં તો બિગ બ્રધર યેનકેન પ્રકારેણ એ વિચારોને જાણી લેશે.

સરકાર જાસૂસી કરવામાં એટલી પારંગત છે કે એ તમારા વિચારો પણ વાંચી શકે છે. એટલે તમે કશું જાણતા હો, તો તમારે જાત સાથે જ જૂઠું બોલીને કશું જ જાણતા નથી તેવું માનતા થઇ જવાનું- ઇફ યુ વોન્ટ ટુ કીપ અ સિક્રેટ, યુ મસ્ટ અલસો હાઈડ ઈટ ફ્રોમ યોરસેલ્ફ.

ઓશીનિયાની થોટ પોલિસ બિગ બ્રધરના ‘દુશ્મનો’ને પકડે છે, તેની સામે થનારા ‘ષડયંત્રો’ની ‘તપાસ’ કરે છે. થોટ પોલિસના કામ માત્ર ષડયંત્રો પકડવાનું જ નથી, બિગ બ્રધર વિરુદ્ધના વિચારોને પકડવાનું પણ છે. બિગ બ્રધર પાસે નાગરિકો પર નજર રાખવાના બધા જ સામાજિક – મનોવૈજ્ઞાનિક રસ્તાઓ છે. તેની પાસે લોકોનો બધો ડેટા છે, જેના આધારે તેણે ઓડિયો-વીડિયો જાસૂસીનો પ્રોફાઇલ બનાવ્યો છે.

જસ્ટિસ રમન્નાએ ‘ઓરવેલિયન’ શબ્દનો ઉલ્લેખ કર્યો હતો. અમલદારોથી ચાલતા સત્તા તંત્રમાં સામાન્ય નાગરિકના અસ્તિવનું કોઈ મહત્ત્વ નથી હોતું. ફ્રેંચ અસ્તિત્વવાદી લેખક ફ્રાન્ઝ કાફ્કાએ તેની ‘ધ ટ્રાયલ’ નવલકથામાં આવી સ્થિતિની કલ્પના કરી હતી. તેના પરથી ‘કાફ્કેસ્ક્યુ’ નામનો શબ્દ આવ્યો હતો. ઓરવેલની ‘1984’ નવલકથા પરથી લોકોનાં જીવનમાં ડોળા ઘાલતા રાજ્ય માટે ‘ઓરવેલિયન સ્ટેટ’ શબ્દ આવ્યો હતો.

આજે જ્યારે દુનિયાની મોટા ભાગની સત્તાઓને લોકતાંત્રિક વ્યવસ્થામાં વિશ્વાસ નથી અને તે લોકોની તમામ હિલચાલ પર નજર રાખ્યા વગર રાજ કરી શકતી નથી, ત્યારે ‘ઓરવેલિયન’ શબ્દમાં નિહિત ભાવને સમજવો જરૂરી છે. ઇંગ્લેંડમાં જેલોની રચના એવી રીતે કરવામાં આવતી હતી કે દરેક કેદીને એવું લાગે કે વોચ ટાવર પર ઊભેલો સંત્રી તેને જોઈ રહ્યો છે. ચાહે ત્યાં વાસ્તવમાં સંત્રી હોય કે ન હોય, પણ કેદીઓને એ અહેસાસ જરૂર હોય કે તેની પર કોઈક નજર છે.

તમે જેલનાં વોચ ટાવરની જગ્યાએ હવે વોટ્સએપને મૂકી શકો.

પ્રગટ : ‘બ્રેકીંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “ સંદેશ”, 14 નવેમ્બર 2021

સૌજન્ય : રાજ ગોસ્વામીની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

ચલ મન મુંબઈ નગરી—119

દીપક મહેતા|Opinion - Opinion|13 November 2021

જ્યારે મુંબઈમાં નહોતા મોલ કે નહોતાં શોપિંગ સેન્ટર

કચક્ક્ડાની ચૂડી : કચક્ક્ડું એટલે પ્લાસ્ટિકનું પૂર્વજ

જ્યારે મુંબઈમાં રેડી મેડ કપડાંનું ચલણ નહોતું

અલી ઓ રે,
બજાર વચ્ચે બજાણિયો
જોને બજાવે ઢોલ,
કેમ સહ્યું જાય રે લોલ!

અવિનાશ વ્યાસનો આ ગરબો એક જમનામાં ખૂબ જાણીતો – જ્યારે બજાર જવું એ એક નાનકડા ઉત્સવ જેવું મનાતું. ૭૦-૮૦ વરસ પહેલાંના મુંબઈમાં નહોતા મોલ કે નહોતાં શોપિંગ સેન્ટર. હા, બે ડિપાર્ટમેન્ટલ સ્ટોર હતા – ઇવાન્સ ફ્રેઝર અને વ્હાઈટ-વે લુડલો. પણ બંને આમઆદમીની પહોંચની બહારના. ત્યાં તો જાય કાં અંગ્રેજ સાહેબો, કે પછી માલેતુજાર શેઠિયાઓ. હા, દેશીઓ માટે એક સ્ટોર હતો ખરો, પણ એ ય કોટ વિસ્તારમાં. ‘વોકલ ફોર લોકલ’ની બૂમો જ્યારે પડતી નહોતી ત્યારે, છેક ૧૯૦૫ના ડિસેમ્બરની ૧૧મી તારીખે લોકમાન્ય બાળ ગંગાધર ટિળકે બોમ્બે સ્વદેશી કોઓપરેટીવ સ્ટોરનું ઉદ્ઘાટન કર્યું હતું. તેના નામ પ્રમાણે માત્ર સ્વદેશી વસ્તુઓ જ ત્યાં વેચાતી. આજે ય એ સ્ટોર છે તો ખરો, પણ હવે તે ‘સ્વદેશી’ નથી રહ્યો એટલે તેના નામમાંથી એ શબ્દ પણ કાઢી નખાયો છે.

ભુલેશ્વર સ્ટ્રીટ

આપણી બજાર એટલે ભૂલેશ્વર કે ક્રાફર્ડ માર્કેટ, કે દાદર-ભાયખલાની બજાર. બપોરના ત્રણ સાડા ત્રણ થાય કે પડોશણોની નાની-મોટી ટોળી બજારે જવા નીકળી પડે. હજી પ્લાસ્ટિક દેવ સર્વવ્યાપી બન્યા નહોતા એટલે દરેકના હાથમાં કપડાની બે-ત્રણ થેલી. મોટે ભાગે કોઈ સાબુની કે તુવેર દાળની કે બીજી કોઈ વસ્તુની જાહેર ખબરવાળી. રૂમાલમાં વીંટીને કે કપડાના બટવામાં દસ દસ રૂપિયાની બે-ત્રણ નોટ ને બે આના, ચાર આનાના બે ચાર સિક્કા. ચામડાનું પાકીટ કે પર્સ લગભગ કોઈની પાસે ન હોય. ગુજરાતી ઢબે પહેરેલી સાડી. કોઈ નવી વહુવારુ બહુ હિંમતવાળી હોય તો બંગાળી ઢબે સાડી પહેરી હોય, જે બીજા દિવસની કૂથલીનો વિષય બની શકે. કપાળની વચ્ચોવચ્ચ મોટો લાલ ચાંદલો. કોઈકે માથામાં વેણી કહેતાં ચમરી નાખી હોય. મોગરાના ગજરા આજ જેટલા પોપ્યુલર નહોતા થયા. બલકે તેનો સંબંધ ‘નાચનારીઓ’ સાથે હતો. પીળા ચંપા – સોનચંપાની કે બોરસલ્લીનાં ફૂલની વેણી પણ ફેશનમાં. બંને સૂકાઈ જાય જલદી, પણ એ વખતની ગૃહિણીઓની જેમ સૂકાઈ જાય છતાં સુગંધ ફેલાવતી રહે. બંને હાથમાં રણકાર કરતી કાચની લાલ, લીલી, પીળી, કિરમજી બંગડીઓ. તો વળી કોઈ નવી વહુઆરુએ કવિ વિનોદ જોશીના ગીતની નાયિકાની જેમ કચક્ક્ડાની ચૂડી પહેરી હોય – કાંડું કૂણું માખણ જેવું હોય કે નય હોય. આ કચકડું કે બેકેલાઈટ એ આજના પ્લાસ્ટિકનું પૂર્વજ. પગમાં બે પટ્ટીના ચંપલ, મોટે ભાગે ફૂટ પાથ પરના ફેરિયા પાસેથી ખરીદેલા.

ભુલેશ્વર કબૂતરખાના

તાજું, લીલુંછમ્મ શાક ખરીદવું હોય તો જવું પડે ભુલેશ્વરની શાક ગલ્લી. ત્યાં રોજ બે વખત તાજું શાક આવે. વહેલી સવારે, અને બપોરે બે-ત્રણ વાગે. બપોરનું શાક આવે તે પહેલાં સવારનું વધેલું શાક દુકાનદારો સસ્તા ભાવે વેચી નાખે. એટલે કેટલાક તો બપોરે સાડા બાર-એકે ત્યાં શાક લેવા જાય. કિલો ભાઈ કે ગ્રામ બહેન હજી આવ્યાં નહોતાં. રતલ-શેરનાં માપ. એમાં ય તરાજુ નમતું જોખાવવાનું જ. કવિ રાજેન્દ્ર શુક્લની પંક્તિ યાદ આવે : ‘નમતું દીઠું નેણતરાજુ.’ બે-ત્રણ રૂપિયાનું શાક લીધું હોય તો દુકાનદાર લીલો મસાલો, એટલે કે આદુ, કોથમીર, મરચાં, લીમડો થોડો મફતમાં આપે! લાલ કાંદા ભાગ્યે જ દેખાય, સફેદ કાંદાનું જ ચલણ. લાલ છાલનાં ‘મહાબળેશ્વરનાં’ બટેટાં હવે ભાગ્યે જ જોવા મળે. આજે હવે મોટાં, પીળી છાલનાં રોબસ્ટા કેળાનું રાજ ચાલે છે. એ વખતે લીલી છાલનાં કેળાનું ચાલતું. લાલ છાલનાં કેળાં આજે શોધવા જવું પડે. ત્યારે એવું નહોતું. શિયાળામાં શાક બજાર સુરતી પાપડી, રવૈયાં, કંદથી ઊભરાતી હોય. સાથે લીલું લસણ પણ ખરું. શાક ગલ્લીની બહાર ફૂટપાથ પર બેસીને બાઈઓ સુરતી પોંક વેચતી હોય. કોઈક તાજાં ફાલસાં વેચે. કેરીની સીઝનમાં હાફૂસ અને પાયરી મળે. આજની જેમ દેશ-પરદેશની અનેક જાતની કેરી નહિ.

ભુલેશ્વરની ફૂલ ગલ્લી

શાક-પાંદડું લીધા પછી સવારી ઊપડે દાણાવાળાની દુકાને. આજની જેમ પ્રી-પેક્ડ કશું ન મળે. કાચની બરણીઓ, એલ્યુમીનિયમનાં ઘમેલાં, કે શણની ગુણોમાં અનાજ, કઠોળ, મસાલા, સૂકો મેવો વગેરે ભરેલું પડ્યું હોય. ઘઉં મળે પણ ઘઉંનો લોટ નહિ. એ તો જાતે જ ચક્કી પર ઘઉં લઈ જઈ દળાવવાનો. દુકાનદાર જાણીતો હોય તો ય ભાવતાલ તો કરવાના જ. ગયે વખતે તમે આપેલી ફલાણી વસ્તુ બરાબર નહોતી એવી ફરિયાદ પણ કરવાની જ. માગો તે વસ્તુ છાપાના કાગળમાં કાચી દોરીથી બાંધીને આપે. કેટલીક વસ્તુઓ માટે એ જ કાગળની બનેલી કોથળીઓ વપરાય. છાપાંની શાહી કે કોથળી બનાવવામાં વપરાટી મોરથૂથું(કોપર સલ્ફેટ)વાળી લાહી સ્વાસ્થ્ય માટે હાનીકારક છે એની ત્યારે કોઈને દરકાર નહોતી. ભૂલેશ્વરમાં જ, શાક ગલ્લીથી થોડે દૂર, ફૂલ ગલ્લી. અને તે પણ એક નહિ, બે. એક નાની અને બીજી મોટી. નાની ખૂબ સાંકડી, છતાં બંને બાજુ દુકાનોની હાર. તેમાં હાર, તોરણ, ગુલદસ્તા (આજના બૂકે) વગેરે મળે. મોટી ફૂલ ગલ્લીમાં મોટે ભાગે જાતજાતનાં ફૂલ છુટ્ટાં મળે, જથ્થાબંધ. ત્યારે, અને આજે પણ. ફરક એટલો કે વાંસની ટોપલીની જગ્યા પ્લાસ્ટિકની બાસ્કેટે લીધી છે. એ વેચાય વજન પર નહિ, પણ ‘ધડી’ પર. આ ‘ધડી’ એટલે ચોક્કસ માપનું પાત્ર. એક ધડી ગલગોટા એટલે એવું એક પાત્ર ભરીને ગલગોટા. ઘરમાં પૂજા કે સત્યનારાયણની કથા હોય ત્યારે એ ફૂલ ગલ્લીમાંથી છૂટાં ફૂલ લાવવાનાં.

એવી જ રીતે વારતહેવારે ભૂલેશ્વરની મીઠાઈની દુકાનોમાંથી મીઠાઈ લાવવાની : શીખંડ, બાસુંદી, લાડુ, બરફી, પેંડા, નાળિયેરપાક, વગેરે. દેશને આઝાદી મળી તે પછી થોડાં વરસ ‘ત્રિરંગી બરફી’ ખાસ્સી પોપ્યુલર થયેલી. આ મીઠાઈઓમાં ચારોળી છુટ્ટે હાથે વપરાતી, જે આજે બહુ ઓછી જોવા મળે છે. ખાવાપીવાની બીજી વસ્તુઓની જેમ મીઠાઈમાં પણ વિવિધતા ઓછી. બંગાળી કે પંજાબી મીઠાઈ દુકાનોમાં ભાગ્યે જ જોવા મળે. દૂધીનો હલવો મળે, પણ ગાજરનો નહિ. ગુલાબ જાંબુ મળે, પણ રસગુલ્લાં નહિ. કલકત્તાની એક જાણીતી કંપનીના પતરાના ટીનમાં પેક કરેલા રસગુલ્લાં વેચાવા લાગ્યાં પછી એ પોપ્યુલર થયાં. શિયાળામાં આ જ દુકાનો જુદી જુદી જાતના ‘પાક’ વેચે. પણ ઉનાળામાં કેરીનો તૈયાર રસ વેચી શકાય એવું સપનું ય કોઈ દુકાનદારને ત્યારે આવ્યું નહોતું. અને હા, ઘરે પાછા જતાં પહેલાં દાતણવાળી પાસેથી એક-બે આનાનાં દાતણ લેવાનું ભૂલાઈ જાય તો તો સાસુમાની વઢ જ ખાવી પડે ને!

બજાર આવતાં-જતાં રસ્તામાં વાતોની ધાણી ફૂટે તેમાં સાસુ નામની ભોંય ચકરીની વાતો તો હોય જ. પોતાની નહિ, તો પડોશણ (જે ગેરહાજર હોય) તેની સાસુ. અલાણાની છોકરી ભાગી ગઈ કે ફલાણાનો છોકરો ‘આડી લાઈને’ ચડી ગયો છે એવી નિર્દોષ માહિતીની આપ-લે થતી રહે. બજાર આવતાં-જતાં બહારનું ખાવાનું મન તો થાય, પણ ખવાય નહિ. કારણ એક તો, ‘સારા ઘરનાં બૈરાં’ ફૂટપાથ પર ઊભા રહીને ખાય નહિ. ને બીજું વધારે વ્યવહારુ કારણ એ કે ઘરે જઈને વરને કે ઘરના બીજા કોઈ પુરુષ વડીલને પાઈએ પાઈનો હિસાબ આપવાનો હોય.

તાંબા કાંટાની દુકાનમાં તાંબાનાં વાસણો

આજે તો રોજિંદા વપરાશની જ નહિ, કમ્ફર્ટ અને લક્ઝરીની વસ્તુઓ પણ લગભગ દરેક વિસ્તારમાં મળી રહે છે. અગાઉ એવું નહોતું. સોના-ચાંદી-હીરાના દાગીના (‘ઘરેણાં’ શબ્દ ત્યારે ઓછો વપરાતો) લેવા તો ઝવેરી બજાર જ જવું પડે. રસોડામાં વાપરવા માટે કે કોઈને ભેટ આપવા માટે વાસણો લેવાં છે? ચાલો તાંબા કાટા. તાંબા, પિત્તળ, એલ્યુમિનિયમનાં વાસણોની દુકાનોની લાંબી હાર. કયાં વાસણ ખરીદવાનાં છે એ નક્કી થઈ જાય પછી દરેક વાસણ પર – નાની ચમચી સુધ્ધાં પર – નામ કોતરાવવાનું. એ માટેનું ઇલેક્ટ્રિકથી ચાલતું મશીન તો પછી આવ્યું. પહેલાં તો એ કામ હાથથી ચાલતા ખાસ સાધન વડે થતું. ખરીદવા ભલે બૈરાં ગયાં હોય, નામ તો પતિનું કે સંયુક્ત કુટુંબ હોય તો સસરાનું જ લખાવાય. જે સ્ત્રી રોજેરોજ એ વાસણ વાપરે તેનું નામ લખાવાય નહિ. પતિનું નામ લખાવવાનું હોય તો ઘણી વાર બાઈ બોલતાં અચકાય. એટલે દુકાનદાર કાગળ-પેન્સિલ ધરે. વાંકાચૂકા અક્ષરે નામ લખાય. પછી એ કોતરાય.

રેડી મેડ કપડાંનું ચલણ નહિ જેવું. હા, નાના છોકરા માટે બાબા સૂટ કે બેબી માટે ફરાક મળે. પણ મોટેરાંનાં કપડાં તો દરજી પાસે જ સીવડાવાય. એ માટેનું કાપડ ખરીદવા મૂળજી જેઠા કે મંગળદાસ કે સ્વદેશી માર્કેટ જાવાનું. સંયુક્ત કુટુંબ હોય તો છોકરા-છોકરીનાં કપડાં માટે એક જ કાપડના તાકા ખરીદાય. પરમસુખના ધોતી જોટા અને લક્ષ્મીવિષ્ણુની સાડીઓ ડઝનને હિસાબે ખરીદાય. અને હા, એ વખતે ટેરીલીન કે ટેરી કોટનને આવવાને વાર હતી. એટલે રોજ પહેરવા માટે બધું કોટન કપડું જ વપરાય.

હાર્ડ વેર કે ઇલેક્ટ્રિકનો સામાન ખરીદવો છે? પ્રિન્સેસ સ્ટ્રીટ પાસેની લુહાર ચાલમાં મળે. કાચનાં વાસણની દુકાનો ક્રાફર્ડ માર્કેટની આસપાસ. જૂન મહિનામાં સ્કૂલો ખૂલે તે પહેલાં અબ્દુલ રહેમાન સ્ટ્રીટ પરથી નોટબુક, તેને ચડાવવાના પૂંઠાના બ્રાઉન પેપર, પેન્સિલ, રબર (ઇરેઝર), પેન્સિલ છોલવાના સંચા, કમ્પાસ બોક્સ, વગેરે ઘરનું કોઈ મોટેરું લઈ આવે. જેણે એ રોજ વાપરવાનાં એને સાથે લઈ જવાની જરૂર ભાગ્યે જ કોઈને જણાય. બાળકોને સાથે ન લઈ જવાનું બીજું પણ એક કારણ. એ જ રસ્તા પર જાતજાતનાં દેશી-વિદેશી રમકડાંની દુકાનો. એ જોઇને બાળક લેવાની હઠ કરે અને ના પાડવી પડે એના કરતાં બાળકોને સાથે ન લઈ જવા એ જ બહેતર!

એ જમાનાનાં રમકડાં વિષે વધુ વાત આવતા શનિવારે. 

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx       

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 13 નવેમ્બર 2021

Loading

...102030...1,8711,8721,8731,874...1,8801,8901,900...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved