Opinion Magazine
Number of visits: 10,225,813
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રોટલા બને છે, ફેફસાં બળે છે

ચંદુ મહેરિયા|Opinion - Opinion|16 November 2021

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ઉજ્જવલા યોજનાના બીજા તબક્કાનો આરંભ કરાવ્યો છે. મે-૨૦૧૬માં શરૂ થયેલી આ યોજના ધૂમાડામુક્ત બહેતર ગ્રામીણ ભારતનો ઉદ્દેશ ધરાવે છે. ગરીબી રેખા હેઠળના ગ્રામીણ અને શહેરી પરિવારની મહિલાઓને આ યોજનામાં રાંધણ ગેસનું નિ:શુલ્ક જોડાણ આપવામાં આવે છે. બીજા તબક્કામાં સરકારે વધુ ઉદાર બનીને માત્ર એલ.પી.જી. કનેકશન જ નહીં, પહેલું સિલિન્ડર અને એક સગડી પણ મફત આપવાની જોગવાઈ કરી છે. પેટ્રોલિયમ મિનિસ્ટ્રી એપ્રિલ ૨૦૨૦ સુધીમાં ૮.૨ કરોડ રાંધણ ગેસ કનેકશનો આપ્યાંનું જણાવે છે. હવે સરકારનું લક્ષ્ય ૧૦ કરોડ કનેકશનનું છે.

૨૪ કરોડ પરિવારોના બનેલા ભારત દેશમાં ૧૦ કરોડ કરતાં વધુ પરિવારો પાસે રાંધવા માટેના ગેસનો અભાવ છે. તેઓ રાંધવા માટે લાકડાં, કોલસા, છાણાં અને કેરોસીનનો ઉપયોગ કરે છે. ૨૦૧૧ની ઘરોની વસ્તી ગણતરીના આંકડા પ્રમાણે દેશમાં ૪૯ ટકા લોકો રસોઈ માટે જલાઉ લાકડાનો, ૨૮.૬ ટકા એલ.પી.જી.નો અને ૮.૯ ટકા છાણાંનો વપરાશ કરે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના એક અભ્યાસમાં સમગ્ર દેશના ૬૭.૪ ટકા ઘરોમાં રાંધવા માટે ઘન ઈંધણોનો ઉપયોગ થતો હોવાનું નોંધાયું છે. ગામડાંઓમાં તેનું પ્રમાણ ૮૬.૫ ટકા અને શહેરોમાં ૨૬.૧ ટકા છે.

માટી કે લોખંડના ચૂલા પર લાકડાં, છાણાં, કોલસા અને બીજાં ઘન ઈંધણોથી રાંધવાને કારણે ધૂમાડો ઉત્પન્ન થાય છે. ઘન ઈંધણોથી પેદા થતા ઘરેલુ વાયુ પ્રદૂષણની રસોઈ કરતી સ્ત્રીઓ અને તેમનાં બાળકોનાં આરોગ્ય પર માઠી અસર થાય છે. ધૂમાડો અને મેશ તેમનાં ફેફસાંમાં જાય છે, જે અનેક ગંભીર બીમારીઓ સર્જે છે. ગ્રામીણ ભારત અને શહેરી ઝૂંપડપટ્ટીઓની મહિલાઓ ફેફસાં બાળીને રોટલા બનાવે છે. રસોઈ કરતી સ્ત્રીઓ જ નહીં ઘરના અડધોઅડધ સભ્યો ધૂમાડા અને મેંશની અસરો સહન કરે છે.

દર કલાકે ચારસો સિગારેટ પીવા જેટલો ધૂમાડો લાકડાં અને બીજા ઈંધણાથી રાંધતી મહિલાઓનાં ફેફસાંમાં જાય છે. ઘન બળતણોથી રાંધવાને કારણે પેદા થતા ઘરેલુ વાયુ પ્રદૂષણથી શ્વસન રોગ, ટી.બી., ન્યૂમોનિયા, સ્વરયંત્ર અને ફેફસાંનું કેન્સર, દમ, મોતિયો, અંધાપો અને અન્ય રોગો થાય છે. બાહ્ય કરતાં ગૃહ પ્રદૂષણ દસ ગણી વધારે ખરાબ અસરો જન્માવે છે. પ્રદૂષણકારી બળતણના રાંધવામાં ઉપયોગથી ભારતમાં વરસે ૧૩ લાખ લોકોના મોત થતા હોવાનું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું કહેવું છે. ગરીબી અને જાણકારીના અભાવે લોકોને પ્રદૂષિત બળતણનો વપરાશ કરવાની મજબૂરી છે. પ્રદૂષિત ઈંધણના વપરાશથી પેદા થતા કાર્બન મોનોક્સાઈડની અસર ગર્ભવતી મહિલાઓ અને તેમના ગર્ભના બાળકો પર પણ પડે છે. પ્રદૂષિત ઘન બળતણ વાપરીને રસોઈ કરતી ગર્ભવતી સ્ત્રીઓની પ્રસૂતિ દરમિયાન મોત થવાની અને ઓછા વજનનાં બાળકો જન્મવાની અસરો જોવા મળે છે.

રોટલા નહીં, ફેફસાં શેકતી સ્ત્રીઓને આવાં હાનિકારક બળતણના ઉપયોગમાંથી મુક્તિ અપાવી મોત અને આરોગ્યના જોખમોથી ઊગારવા સાથે પ્રદૂષણ નિયંત્રણ, વનસંરક્ષણ અને બહેતર જીવનના હેતુથી ઉજ્જવલા યોજનાનો આરંભ થયો હતો. તેનાં કેટલાંક સારાં પરિણામો પણ જોવા મળ્યા છે. તો યોજનાની મર્યાદાઓ પણ જણાઈ છે. ઉજ્જવલા યોજનાના પ્રથમ તબક્કામાં મહિલાઓના નામે મફત ગેસ કનેકશન અને ગેસ સિલિન્ડરમાં સબસિડી મળી હતી. પરંતુ ગેસની સગડી લાભાર્થી મહિલાએ સ્વખર્ચે કે લોનના નાણાંથી ખરીદવાની હતી. બી.પી.એલ. કે ગરીબીની રેખા તળેના કુટુંબોને આ લાભ મળવાનો હતો. તેમણે ગરીબી-અભાવ અને મોત-બીમારી વચ્ચે પસંદગી કરવાની હતી. શરૂઆતમાં તેમણે આરોગ્યની પસંદગી કરી પણ તેમના ખાલી ખિસ્સાને આ પસંદગી ભારે પડી. રસોઈ ગેસનો બાટલો ખાલી થાય પછી ભરાવવાનો ભારે પડવાના અનેક બનાવો જોવા મળ્યા છે.

૨૦૧૯માં પ્રકાશિત, ૨૦૧૬થી ૨૦૧૮ના અઢીએક વરસોના ઓડિટનો, ‘કેગ’નો અહેવાલ જણાવે છે કે દેશમાં ૨૦૧૫-૧૬માં  કુલ એલ.પી.જી. કવરેજ  ૬૧.૯ ટકા હતું. તે ૨૦૧૮-૧૯માં વધીને ૯૪.૩ ટકા થયું છે. અર્થાત્‌ એલ.પી.જી.ધારકોનું પ્રમાણ ચાર વરસમાં ૩૨.૪ ટકા વધ્યું છે. કુલ એલ.પી.જી. વપરાશકારકોમાં ઉજ્જવલાના લાભાર્થીઓ અને ઉજ્જવલા સિવાયના  વપરાશકારકોમાં ગેસ સિલિન્ડર રિફિલ કરાવવાના પ્રમાણની સરખામણી કરતાં કેગને જાણવા મળ્યું કે ઉજ્જવલાના લાભાર્થીઓ ગેસનું જોડાણ તો મેળવી લે છે, પરંતુ તેનો નિરંતર વપરાશ કરી શકતા નથી. ઉજ્જવલા લાભાર્થીઓ બિનલાભાર્થીઓની તુલનામાં અડધા જ સિલિન્ડર રિફિલ કરાવે છે. ૨૦૧૮-૧૯માં બિન-ઉજ્જવલા લાભાર્થી વરસે સરેરાશ ૬.૭ ગેસ સિલિન્ડર વાપરતા હતા જ્યારે ઉજ્જવલાના લાભાર્થી ૩.૦ સિલિન્ડર જ વાપરતા હતા.

કન્ટ્રોલર જનરલ એકાઉન્ટના જણાવ્યા મુજબ ૨૦૧૯-૨૦માં કેન્દ્ર સરકારે રાંધણગેસની સબસિડી પેટે રૂ. ૨૮,૩૮૫ કરોડ, ૨૦૨૦-૨૧માં રૂ. ૧૬,૪૬૧ કરોડ અને ૨૦૨૧-૨૨ના શરૂઆતના ચાર મહિનામાં માત્ર રૂ. ૧,૨૩૩ કરોડનો જ ખર્ચ કર્યો છે. રાંધણ ગેસની સબસિડીમાં આટલો મોટો ઘટાડો રાંધણ ગેસના સિલિન્ડરના વપરાશમાં ઘટાડો દર્શાવે છે. એક અભ્યાસ મુજબ માત્ર આર્થિક રીતે ન પરવડતા હોઈ ઉત્તર ભારતમાં જ ૮૫ ટકા લોકોએ ઉજ્જવલા યોજના હેઠળના ગેસ સિલિન્ડર ખરીદવાના બંધ કરી દીધા છે.

નિ:શુલ્ક મળવાને કારણે ગેસ કનેકશનો વધ્યા હતા, પણ એલ,પી,જી,ના ભાવો લાભાર્થી ગરીબોને પરવડતા ન હોઈ,  જોડાણના પ્રમાણમાં ગેસના બાટલાનો ઉપાડ વધ્યો નથી. રસોઈ સગડી અને સિલિન્ડર ઉજ્જવલાના લાભાર્થીએ સ્વખર્ચે કે લોનથી મેળવવાના હતા. ગરીબીને કારણે લોકો જેમ સિલિન્ડર રિફિલ કરાવી શકતા નથી, તેમ લોનના હપ્તા પણ ભરી શકતા નથી. તેને કારણે રૂ. ૧,૨૩૫ કરોડની લોન રિકવરી બાધિત થયાનો અંદાજ છે.

નેશનલ સ્ટેટેસ્ટિકસ ઓફિસનો ૨૦૧૮નો સર્વે જણાવે છે કે ઉજ્જવલા યોજનાના ૪૩ ટકા લાભાર્થીઓ એકવાર ગેસનો ઉપયોગ કર્યા પછી તેમના પરંપરાગત બળતણનો આશરો લે છે. કેમ કે ગામડાંઓમાં લગભગ ૬૦થી ૭૦ ટકા લોકોને બળતણનાં લાકડાં અને છાણાં મફત મળે છે. ઉજ્જવલા યોજનાના ૭૦ ટકા લાભાર્થીઓમાંથી ૪૦ ટકા તો દેશના તળિયાના ગરીબો છે. એન.એસ.ઓ.નો  સર્વે દેશના ૨૦ ટકા ગરીબોનો સરેરાશ માસિક ખર્ચ રૂ. ૧,૦૬૫/- આંકે છે. જ્યારે ગેસનું એક સિલિન્ડર આશરે રૂ.૯૦૦ થી ૧,૦૦૦/-નું છે. જે તેના સરેરાશ માસિક ખર્ચ રૂ.૧,૦૬૫/-નો એટલો મોટો હિસ્સો છે કે તેને ગેસ સિલિન્ડર ખરીદવાનું માંડી વાળવું પડે છે.

જો સ્થિતિ આ હોય તો કરવું શું ? ઉજ્જવલા યોજનાના લાભ તેના ગરીબ લાભાર્થીઓના ગળે ઉતારવા સરકારે યોજનાના કારણે ઘરેલુ વાયુ પ્રદૂષણ ઘટ્યાના અને આરોગ્યમાં સુધારો થયાના માપદંડો  તાકીદે ઊભા કરવા જોઈએ. સરકાર કોરોનાકાળમાં પ્રધાન મંત્રી અન્ન યોજના હેઠળ ગરીબોને થોડું અન્ન મફત આપે છે તેમ ઉજ્જવલાના લાભાર્થીઓને વરસે ત્રણ સિલિન્ડર મફત આપવાની છે. આ યોજનાનો સમયગાળો લંબાવી શકાય. હાલમાં ઉજ્જવલાના લાભાર્થી ગરીબોના ઘરોમાં એલ.પી.જી.ના વપરાશ માટે જરૂરી સલામતી જોવા મળતી નથી. લાભાર્થીઓના ઘરો ઘણાં નાના છે, હવા ઉજાસનો અભાવ છે, અલાયદા રસોડાં જ નથી તો પછી એલ.પી.જી.ના સલામત વપરાશ માટેના સ્ટેન્ડિંગ કિચનની તો વાત ક્યાંથી થઈ શકે. એટલે ગ્રામીણો અને શહેરી ગરીબો જે પરંપરાગત ઈંધણો રસોઈ માટે વાપરે છે તેને બિનજોખમી અને વધુ કુશળતાથી વાપરવાના વિકલ્પો વિચારવા જોઈએ. ઉર્જાના અન્ય વિકલ્પોની શોધ સતત ચાલે છે. તેમાં સૂર્ય ઉર્જાનો વિકલ્પ અજમાવી શકાય. બિનકૃષિ ક્ષેત્રોમાં વૈકલ્પિક ઉર્જાનો વપરાશ વધાર્યા સિવાય પરંપરાગત બળતણનો ઉપયોગ વધશે નહીં તે બાબત ધ્યાનમાં રાખીને આ સમસ્યાનો ઉકેલ શોધવાનો છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

હવે સત્યથી ઓછું તો કોઈ કૈં જાણતું જ નથી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|15 November 2021

આજકાલ એટલું મનોરંજન જાહેર માધ્યમો પૂરું પાડે છે કે હવે ટુચકાઓની જુદી ચોપડીઓ વાંચ્યા વગર પણ લોકો હસી કાઢે છે. એક સમય હતો જ્યારે સત્યવાદી તરીકે માત્ર રાજા હરિશ્ચંદ્રનું નામ લેવાતું. હવે એટલા સત્યવાદીઓ થઈ ગયા છે કે સત્યથી ઓછું તો કોઈ કૈં જાણતું જ નથી. આમ તો ભૂલેચૂકે ય કોઈ કૈં ફેંકતું નથી, અરે, જાહેરખબરો ય જુબાં કેસરી થઈ ગઈ છે ! કોઈ ખોટું બોલતું જ નથી, પણ ધારો કે કોઈ બોલે છે તો તે પણ સત્ય થઈ જાય છે. જન્મે ત્યારે બાળક કૈં બોલતું નથી, પણ હવેનું દરેક બાળક સત્યવાદી છે એમ માનવું જ પડે એટલું સત્ય લોકો રોજ રોજ બોલવા લાગ્યા છે. અફસોસ એટલો જ રહેવાનો કે અસત્ય જેવું તો હવે કદી જણાવાનું જ નહીં ! એક સમય હતો જ્યારે કહેવાતું કે સત્ય એક જ હોય, એ પછી સત્ય સાપેક્ષ હોય એવું આવ્યું, હવે સત્ય અનેક હોય એવી સ્થિતિ છે. દરેકનું સત્ય જુદું એટલે અસત્યે ક્યાંક રહેવું હોય તો પણ તેને જગ્યા ન મળે એ સ્થિતિ છે. કોઈ કૈં પણ બોલે એ સત્ય જ છે ને સત્યથી ઓછું તો કોઈ કૈં …

દાખલા તરીકે કોઈ ગૃહ મંત્રી હિન્દી પખવાડિયાની પૂર્ણાહુતિમાં જાય તો જેની ઘંટીનો લોટ હોય તેને જ વખાણે તે સમજી શકાય એવું છે ! તે ગુજરાતી હોય તો પણ કહી શકે કે મને ગુજરાતી કરતાં હિન્દી વધુ પસંદ છે તો એ એક સત્ય છે. એમ જ, એ જ મંત્રી ગુજરાતમાં માતૃભાષા દિવસે એમ પણ કહી શકે કે દરેકે માતૃભાષામાં જ વાત કરવી જોઈએ તો એ બીજું સત્ય છે. ધારો કે એ વિદેશ જાય તો અંગ્રેજીની આરતી પણ ઉતારે એમ બને. તેનો અર્થ એવો નહીં જ કે એ ખોટું બોલે છે. એ તેનું ત્રીજું સત્ય છે. સત્ય હવે વ્યક્તિએ, વ્યક્તિએ જુદું હોવાનું, એટલું જ નહીં, વ્યક્તિનાં પોતાનાં સત્ય પણ અનેક હોવાનાં, હવે આમાં અસત્યે રહેવું હોય તો પણ જગ્યા ક્યાં છે? આ તો બુલેટ ટ્રેન જેવું છે. ટ્રેન એક, પણ રાજ્યે રાજ્યે જુદી ! બુલેટ ટ્રેન ડ્રીમ પ્રોજેક્ટ છે. એ સૌ પ્રથમ સુરતથી બિલિમોરા શરૂ થવાની છે. સુરતનું કેવું (અદ)ભૂત નસીબ છે કે તે વર્લ્ડ ક્લાસ સ્ટેશન બનવાનું છે, પહેલી બુલેટ ટ્રેનનું નસીબ પણ તેને જ મળ્યું ! સુરતથી બિલિમોરા લોકલ શરૂ થઈ છે કે કેમ તે તો નથી ખબર, પણ સુરતથી બિલિમોરા બુલેટ ટ્રેન શરૂ થશે એ નક્કી છે, કારણ એ ડ્રીમ પ્રોજેક્ટ છે. હવે તો ડ્રીમ પણ સત્ય જ છે ! સ્વપ્ન, સત્ય નથી થતાં, શું? તો, એમ શંકા ના કરો, પ્લીઝ !

ગુજરાતની જ વાત કરીએ તો સુરત શિક્ષણનું હબ બનવા જઈ રહ્યું છે, પણ ગમ્મત એ છે કે રાજ્યની ઢગલો યુનિવર્સિટીઓમાંથી એક પણ દેશની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં નથી, તેથી હબ વાળી વાત કૈં ખોટી ન થઈ જાય ! કહ્યુંને, ખોટું હવે કૈં રહ્યું જ નથી ! ગુજરાતમાં આટલી યુનિવર્સિટીઓ છે એ તો સાચું છે ને ! એ જુદી વાત છે કે ગુજરાતનાં અઢી લાખ વિદ્યાર્થીઓને વાંચતાં – લખતા આવડતું નથી કે ગણિતમાં 3.80 લાખ વિદ્યાર્થીઓ નબળા છે, તો શું થયું? આ વિદ્યાર્થીઓ જ કોલેજોમાં ને યુનિવર્સિટીઓમાં ડિગ્રીઓ લેશે ને પીએચ.ડી. પણ થશે. કોઈ ડિગ્રી હવે ભણતરની મહોતાજ નથી. આટલી બધી યુનિવર્સિટીઓ છે તે કૈં ખાલી થોડી જ રહેવાની છે ! સત્ય એ છે કે ન ભણાવાય તો પણ પરીક્ષાઓ લેવાશે. પરીક્ષા ન લેવાય તો પણ પરિણામો અપાશે. પરિણામોમાં ટોપર્સ પણ હશે ને પ્રમાણપત્રો પણ મઢાવવા માટે અપાશે જ ! શિક્ષકો નહીં હોય ને વિદ્યાર્થીઓ ભણતા હોય, તો વિદ્યાર્થીઓ વગર પણ સ્કૂલો ચાલશે ને કોલેજો, યુનિવર્સિટીઓ પણ નેટ, નેકથી પ્રગતિ કરવાની જ છે. હવે શું છે કે ઓછામાં ઓછું પ્રગતિ ને વિકાસ તો થાય જ છે. ધારો કે અહીં એડમિશન નથી મળતું, તો વિદેશમાં કૈં એજ્યુકેશનનો દુકાળ નથી. આ જ નબળા કહેવાતા વિદ્યાર્થીઓ ભણશે ને ભણાવશે પણ ! હવેનું સત્ય એ છે કે ભણવા કે ભણાવવા માટે જ્ઞાન જરૂરી નથી.

સાચું એ છે કે કોઈ હવે ખોટું નથી. ભણેલો ખોટો નથી, તો અભણ પણ ખોટો નથી. જેમ અસત્ય રહ્યું નથી, એમ જ હવે કોઈ અભણ પણ રહ્યું નથી. બધાં, બધું જ જાણે છે. કોઈ પણ માણસ કૈં પણ બોલે, એ સત્ય જ હોય છે ને ન હોય તો એ સત્ય થઈ જ જાય છે. ઉત્તર પ્રદેશના એક પૂર્વ મંત્રીએ કહ્યું કે મહંમદઅલી જિન્નાહ પણ ગાંધી, નહેરુ, સરદારની જેમ બેરિસ્ટર થયા ને એમણે પણ આઝાદી અપાવી. જિન્નાહને આઝાદીનું શ્રેય આપવાનું ‘અખિલ’ સત્ય કે ખિલખિલ સત્ય સરદાર જયંતી નિમિત્તે પ્રગટ થયું ને આપણે જે ભણેલા કે જિન્નાહની ભાગલાવાદી વિચારધારાને કારણે પાકિસ્તાન પહેલાં આઝાદ થયું ને ભારત એ પછી એક દિવસે, 15 ઓગસ્ટે આઝાદ થયું, એ વાતની તો પથારી જ ફરી ગઈ ને ! જે માણસ ખલનાયક હતો તેને એક પૂર્વ મંત્રીએ નાયક બનાવી દીધો. દ્રોહીઓ હવે દેશની બહાર નથી. તે આ દેશમાં જ રહી શકે એવી પૂરતી સગવડ છે. એમ થાય કે મંત્રીએ આવું સત્ય કેમ ઘડ્યું? એને કદાચ એવું છે કે એમ કરવાથી 2022ની વિધાનસભા ચૂંટણીમાં મુસ્લિમોના મત મળી જશે. આ દેશની પ્રજા એટલી અબૂધ અને મૂરખ છે કે કોઈ પણ નેતા કૈં પણ ભણાવે તો તે માની લે? મત મેળવવા જે સત્ય નેતાઓ પ્રગટ કરતાં હોય છે એ લોકો ભૂલી જાય છે કે પ્રજાને પણ પોતાનું સત્ય છે. પહેલું સત્ય તો એ કે પ્રજા નાપ તોલ કે બોલમાં માને છે. કોઈ કોર્ટ ન આપે એવો ચુકાદો પ્રજા આપે છે ને ત્યારે સૈકાઓનું, દાયકાઓનું શાસન પણ શીર્ષાસન કરવા લાગે છે. કોઈ શાસન ત્યારે પરિણામ નથી આપતું, પરિણામ પ્રજા આપે છે !

શું છે કે સત્ય અનેક થઈ ગયાં છે ને અસત્ય ક્યાં ય રહ્યું જ નથી એટલે જાતભાતનાં સત્યો સામે આવતાં રહે છે. એવું એક તાજું સત્ય સામે આવ્યું છે કે સાચી આઝાદી 2014માં ભારતને મળી. એ અગાઉ જે 1947માં આઝાદી મળી તે તો ભીખમાં મળી હતી. આ સત્ય એક જાણીતી ફિલ્મ અભિનેત્રીએ બહાર પાડ્યું છે. હવે સત્ય છે એટલે માનવું તો પડે જ ! નટીએ પોતાની વાતના સમર્થનમાં કહ્યું કે 1947માં કોઈ યુદ્ધ થયું નથી, તો આઝાદી ભીખમાં મળેલી જ ગણાય. જો કે, અભિનેત્રી મહાન છે એટલે એને પુછાય તો નહીં કે 2014માં સાચી આઝાદી મળી હોય તો ત્યારે કોઈ યુદ્ધ થયેલું કે કેમ? આમ તો એ હિંગનું ઝાડ છે એટલે બહુ વતાવાય તો નહીં, કદાચ એ ચૂંટણી યુદ્ધ હશે. એ 1947માં લડાયું ન હતું, એ ખરું. એટલે એક સત્ય એ લાધ્યું કે યુદ્ધ થયું હોય ને તાજું થયું હોય, ને પ્રજા તાજી આઝાદ થઈ હોય તો જ એ સાચી આઝાદી ગણાય, બાકી એ પહેલાં 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો હોય કે ભગતસિંહ, ખુદીરામ બોઝ, સુભાષચંદ્ર બોઝ કે જલિયાનવાલા હત્યાકાંડ ને બીજા અનેક પ્રયત્નોનો કોઈ ખાસ અર્થ રહેતો નથી, એ ભીખની આઝાદી જ ગણાય ! જો કે, નટીને એ યાદ હતું કે લક્ષ્મીબાઈએ 1857ના સંગ્રામમાં ભાગ લીધેલો. તે એટલે કે એણે લક્ષ્મીબાઈની ફિલ્મ કરેલી ને એનો એવોર્ડ પણ એને તાજો જ મળ્યો છે. વધારામાં પદ્મશ્રીનો ખિતાબ પણ આ વિશિષ્ટ અભિનેત્રીને તાજેતરમાં જ મળ્યો છે. હવે આટલું બધું સત્ય જેને પક્ષે જમા થયું હોય તે 1947ની આઝાદી ગાય કે 2014ની? જરા તો વિચારો !

બને કે અભિનેત્રીશ્રીનું અગાધ જ્ઞાન જોતાં કોઈ એને 2014 પછીનો ભારતનો ઇતિહાસ લખવાનું કહે તો નવાઈ નહીં ! કારણ સત્ય તો એ જ જાણે છે ને એ પહેલાં તો જે કૈં સત્ય હતું તે ભીખની આઝાદી જેટલું જ હતું. એ ક્યાં આઝાદી હતી, એ તો ભીખ હતી, જે અંગ્રેજોએ જતાં જતાં ભારતના ઠોબલાંમાં નાખી હતી. કાલે કોઈ એવું સત્ય લાવે તો નવાઈ નહીં કે ગાંધીજી આ દેશમાં થયા જ ન હતા તો આઘાત ન લાગવો જોઈએ. નહેરુને ઇતિહાસમાં રખાય એમ બને, કારણ એ પહેલા વડા પ્રધાન હતા ને કાઁગ્રેસના હતા ને કાઁગ્રેસે 2014 સુધી ભારત પર રાજ કર્યું હતું. સરદારનો પણ એકડો ભૂંસાય એમ નથી, કારણ 2014 પછી જ તો એમનું વૈશ્વિક કક્ષાનું સ્ટેચ્યૂ કેવડિયામાં સ્થપાયું ને હવે ચલણી નોટો કેસરિયાં કરતી સરદારનું સત્ય પ્રગટ કરે તો નવાઈ નહીં. બાકી, ગાંધી તો હવે રિચાર્ડ એટનબરોની ફિલ્મમાં જ જોવા મળે એમ બને.

મહાત્મા ગાંધીએ ‘સત્યના પ્રયોગો’ લખી, એ પછી સૌથી વધારે સત્યના પ્રયોગો તો ગાંધી પર થયા છે. હવે તો મુગલાઈ કાળના માર્ગોના નામો બદલાઈ રહ્યા છે, એ જો ઝડપ પકડશે તો ગાંધી આશ્રમ કે માર્ગ  બદલાતા બહુ વાર નહીં લાગે ને ચલણી નોટો પરથી ગાંધીને ખસેડવા હોય તો, નોટબંધીની ક્યાં નવાઈ છે? બોલો રે બધાં, (અ)સત્યમેવ જયતે !

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 15 નવેમ્બર 2021

Loading

તમે તમારા બાળકને માથું ટેકવીને રડતો જોવા માંગો છો કે સામે કાંઠે પુરુષાર્થ કરતો?

રમેશ ઓઝા|Opinion - Opinion|14 November 2021

કમાલની સમસ્યા છે. જેમને હિંદુ રાષ્ટ્ર જોઈએ છે એ મેધાવી અને મૌલિક હિંદુ પેદા કરી શકતા નથી અને જે મેધાવી અને મૌલિક હિંદુ છે તેને હિંદુ રાષ્ટ્ર જોઈતું નથી. આવી વિડંબના માત્ર હિંદુ રાષ્ટ્રવાદીઓ સામે જ છે એવું નથી, તમામ પ્રકારના ધાર્મિક રાષ્ટ્રવાદીઓ સામે છે. એટલે તો જગતમાં એવો એકે ય દેશ જોવા નહીં મળે જ્યાં ધાર્મિક બહુમતી રાષ્ટ્રવાદી શાસનનું મોડેલ સફળ થયું હોય. ઈસાઈ, ઇસ્લામ, બૌદ્ધ કે બીજા કોઈ પણ ધર્મ આધારિત રાષ્ટ્રવાદમાં માનનારો દેશ આગળ નીકળીને ખાટી ગયો હોય અને આપણે રહી ગયા હોઈએ એવો એક દાખલો બતાવો. (ઇઝરાયેલનો દાખલો આપવાનો કોઈ અર્થ નથી. ઇઝરાયેલ મુંબઈ શહેર કરતાં પણ નાનો ખોબા જેવડો દેશ છે અને તેને અમેરિકા અને વિદેશોમાં વસતા યહૂદીઓનો ટેકો છે. એ લોકો જ ઇઝરાયેલને ટકાવી રહ્યા છે એમ કહીએ તો પણ ખોટું ન કહેવાય.) એ શક્ય જ નથી. જે શાસકો પ્રજાને ભૂત અને ભવિષ્યમાં જીવાડતા હોય અને વર્તમાનથી દૂર ભાગતા હોય અને પ્રજાને દૂર ભગાડતા હોય ત્યાં પુરુષાર્થ શક્ય નથી અને સુખ અને સમૃદ્ધિ માટે પુરુષાર્થ જરૂરી છે અને પુરુષાર્થનો સીધો સંબંધ વર્તમાન સાથે છે. જે શાસકો પ્રજાને રડાવતા હોય, ડરાવતા હોય અને વર્તમાનને ચાતરીને ભવિષ્યનાં મનોહર સપનાં બતાવતાં હોય ત્યાં સુખ અને સમૃદ્ધિ શક્ય નથી.

ભારતને આઝાદી મળી એ પછી કાઁગ્રેસના કેટલાક ટોચના નેતાઓ વેરાવળમાં સોમનાથનું મંદિર બાંધવાના કામે લાગ્યા હતા. સરદાર વલ્લભભાઇ પટેલ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, કનૈયાલાલ મુનશી અને બીજા દિગ્ગજ નેતાઓએ સોમનાથના મંદિરને બાંધવાના કામને પ્રાથમિકતા આપી હતી. તેઓ હિંદુઓના ઘવાયેલા ગર્વને પુન: સ્થાપિત કરવા માગતા હતા. એ સમયે આપણા જાણીતા કવિ કૃષ્ણલાલ શ્રીધરાણીએ જેરુસલેમની વેઈલીંગ વૉલ સાથે સોમાનાથની સરખામણી કરતો એક લેખ લખ્યો હતો. તેમાં તેમણે જવાહરલાલ નેહરુને પણ ટાંક્યા છે. એમાં તેમણે લખ્યું હતું કે સૈકાઓથી યહૂદીઓ જેરુસલેમમાંના તોડી નાખવામાં આવેલાં યહૂદી મંદિરના અવશેષરૂપ બચેલી પશ્ચિમ દિશાની દીવાલનો ઉપયોગ રોવા અને છાતી પીટવા માટે કરી રહ્યા છે. આમ તો એ દીવાલનું મૂળ નામ વેસ્ટર્ન વૉલ છે પણ સદીઓથી યહૂદીઓ તેનો ઉપયોગ જખમ યાદ કરીને રડવા માટે કરતા હોવાથી તેનું નામ વેઈલીંગ વૉલ પડી ગયું છે. અક્ષરસઃ યહૂદીઓ જેરુસલેમ જઇને એ દીવાલ ઉપર હાથ ફેરવીને ધ્રુસકે ધ્રુસકે રડે છે. વેઈલીંગનો અર્થ થાય છે, રુદન કે રોકકળ. ઈશુની ક્રોસ ઉપર ખીલ્લા ઠોકેલી લોહી નિંગળતી તસ્વીર તમે જોઈ હશે. શિયા મુસલમાનોને મોહરમમાં કરબલાની શહાદતને યાદ કરીને જાહેરમાં રડતા અને છાતી પીટતા જોયા હશે.

જ્યારે તમને રડાવવામાં આવે છે ત્યારે રડવાનું કારણ આપવામાં આવે છે અને એ કારણનો રાજકીય ખપ હોય છે. સદીઓથી યહૂદીઓની એક પેઢી બીજી પેઢીને રડવાનું કારણ આપીને જાય છે. સદીઓથી ખ્રિસ્તીઓની એક પેઢી બીજી પેઢીને રડવાનું કારણ આપીને જાય છે. સદીઓથી શિયા મુસલમાનોની એક પેઢી બીજી પેઢીને રડવાનું કારણ આપીને જાય છે. જુઓ આપણી સાથે દુશ્મનોએ શું કર્યું હતું! એ પછી એ દુશ્મન કે દુશ્મનોનું ચિત્ર તૈયાર કરવામાં આવે છે, એમાં પેઢી – દર પેઢી દુષ્ટતાનાં આવરણો ચડાવવામાં આવે છે, રડવા માટેનાં કારણોની દાસ્તાનો વધારેને વધારે હૃદયસ્પર્શી બનાવવામાં આવે છે, વગેરે. એ પછી? એ પછી તમે જાણો છો કે જ્યાં દ્વેષ હોય ત્યાં વેર હોય અને વેરવૃત્તિનો રાજકીય ખપ હોય છે.

કૃષ્ણલાલ શ્રીધરાણીએ નેહરુને ટાંકીને લખ્યું છે કે ઇતિહાસને માત્ર ભૂલીને ભૂંસી શકાય છે. સોમનાથનું નવું મંદિર પરાજીત હિંદુઓના ઘવાયેલા ઇતિહાસની યાદ ભૂલાવવાનું નથી, પણ કાયમ રાખવાનું છે. તો પછી પ્રતિષ્ઠાની પુન:સ્થાપના ક્યાં થઈ? એનાથી ઊલટું જો વર્તમાનમાં પુરુષાર્થ કરીએ, પ્રજાની અંદર આત્મવિશ્વાસનું આરોપણ કરીને તેને પુરુષાર્થી બનાવીએ તો તેઓ આધુનિક યુગનાં એવાં મંદિરોનું નિર્માણ કરી શકશે કે દુનિયા જોતી રહે. માત્ર વર્તમાન જ ભવિષ્ય રચે છે જે આગળ જતાં પ્રજા ગર્વ લઈ શકે એવો ભવ્ય ભૂતકાળ કે ઇતિહાસ બનવાનો છે. અતીતમાં પરાજીત થયા તો પરાજીત થવા માટેનાં કારણો હતાં અને વર્તમાનમાં વિજયી થઈને ભવિષ્ય બનાવવું હોય તો વિજય માટેનાં કારણો શોધવાં અને અપનાવવાં જોઈએ.

તો વાતનો સાર એ છે કે સફળ લોકો સમયનું મૂલ્ય જાણે છે. તેઓ ભૂતકાળના જખમોને યાદ કરતા રહીને રડીને સમય વેડફતા નથી કે નથી સપનાંઓ જોતાં રહીને ભવિષ્યમાં. તેઓ પુરુષાર્થ કરીને વર્તમાનમાં સમયનું રોકાણ કરે છે. માટે હજારોની સંખ્યામાં એવા ઐશ્વર્યવાન હિંદુઓ મળી આવશે, જેઓ પોતાને હિન્દુત્વવાદી તો કહેતા નથી, પણ હિંદુ કોમી રાષ્ટ્રનો વિરોધ કરે છે. તેઓ સમયનું અને જિંદગીનું મૂલ્ય જાણે છે. બીજી બાજુએ હિન્દુત્વવાદીઓ તેના સો વરસના ઇતિહાસમાં એવા દસ હિંદુ આપી શક્યા નથી, જેનાં જીવન અને કવનને જોઇને આપણે નતમસ્તક થઈ જઈએ. હા, રાજકારણમાં સફળ થઈ શકાય. અલગ અલગ પ્રકારની વેઈલીંગ વૉલ્સ ઉપલબ્ધ છે, જે પ્રજાની અંદર દીવાલો રચી આપે છે, જેનો રાજકીય ખપ છે. રાજકીય અને ધાર્મિક સત્તા સિવાય વેઈલીંગ વૉલ્સનો કોઈ ખપ નથી.

નાઉ, ધ ચોઈસ ઈઝ યોર્સ. તમે તમારા બાળકને આ કાંઠે વેઈલીંગ વોલ પર માથું ટેકવીને રડતો જોવા માગો છો કે સામે કાઠે પુરુષાર્થ કરતો?

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 14 નવેમ્બર 2021

Loading

...102030...1,8701,8711,8721,873...1,8801,8901,900...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved