Opinion Magazine
Number of visits: 10,225,814
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘15, પાર્ક એવન્યુ’: અસંતુલિત મનનું સંતુલિત ચિત્રણ

સોનલ પરીખ|Opinion - Opinion|13 October 2021

દર વર્ષે 10 ઑક્ટોબરે વિશ્વ માનસિક આરોગ્ય દિન ઊજવાય છે. વર્ષ ૧૯૯૨માં વર્લ્ડ ફૅડરેશન ફૉર મેન્ટલ હૅલ્થ દ્વારા આ શરૂઆત કરવામાં આવી હતી. થોડા વખત પહેલાં ‘ધ લિવ લવ લાફ ફાઉન્ડેશને’ એક રિપૉર્ટ ‘હાઉ ઇન્ડિયા પર્સિવ્સ મેન્ટલ હૅલ્થ’ પ્રગટ કર્યો હતો. આ રિપોર્ટ આઠ ભારતીય શહેરોમાં લોકો માનસિક આરોગ્યને કઈ રીતે જુએ છે એ સંદર્ભે થયેલા સર્વે પર આધારિત હતો. તેમાં એવું જાણવા મળ્યું કે 87 ટકા લોકો સ્કિઝૉફ્રેનિયા અને ઑબ્સેસિવ કમ્પલ્ઝિવ ડિસઑર્ડર જેવી માનસિક બીમારીઓ સાથે વત્તાઓછા અંશે જોડાયેલા છે. સર્વેમાં એવું પણ બહાર આવ્યું કે 50 ટકા લોકો માનસિક તકલીફો પ્રત્યે તિરસ્કારથી જુએ છે, 60 ટકા લોકો માને છે કે માનસિક બીમારીવાળા લોકોનો ચેપ તંદુરસ્ત લોકોમાં ન ફેલાય તે માટે તેમનાં પોતાનાં જૂથો હોવા જોઈએ અને 68 ટકા લોકો માને છે કે આવા લોકોને કોઈ જવાબદારી ન સોંપાવી જોઈએ.

ખરેખર તો માનસિક રીતે બીમાર વ્યક્તિ પ્રત્યે જવાબદાર, જાગૃત ને પરિપક્વ દૃષ્ટિકોણથી જોવું જોઈએ અને માનસિક સમસ્યા ધરાવનાર સાથે એને સંભાળનારને પણ અનેક પડકારોનો સામનો કરવો પડે છે તે સમજવું જોઈએ. આપણે એવું કરીએ છીએ, કરી શકીએ છીએ? આ પ્રશ્નનો જવાબ કદાચ ‘15, પાર્ક એવન્યુ’ નામની અપર્ણા સેનની નેશનલ અવૉર્ડ વિનિંગ ફિલ્મમાં મળે. આ ફિલ્મ બન્યાને દોઢ દાયકા જેટલો સમય થયો હશે. પણ એ પહેલા કે એ પછી આજ સુધીમાં આટલી સંવેદનશીલતાથી, આટલી ચોકસાઈથી અને આટલી સુંદર રીતે માનસિક બીમારી પર ભાગ્યે જ કોઈ ભારતીય ફિલ્મ બની હશે.

ફિલ્મની શરૂઆત અનુ (શબાના આઝમી) અને તેની નાની બહેન મીઠી (કોંકણા સેન) કારમાં એક ઘર – 15, પાર્ક એવન્યુ શોધી રહ્યા છે એ દૃશ્યથી થાય છે. દરમિયાન એક ફોન આવે છે. અનુ કહે છે, ‘મીઠી, વી હેવ ટુ ગો બેક. મારે કોલેજ જવાનું છે, વિદ્યાર્થીઓ રાહ જુએ છે.’ મીઠી કહે છે, ‘તો મારાં બાળકો પણ મારી રાહ જુએ છે ને.’ ધીરે ધીરે આપણને સમજાતું જાય છે કે મીઠી જેને શોધે છે એવું કોઈ ઘર છે જ નહીં. રાહ જોતાં પતિ અને બાળકો એના સ્ક્રીઝોફેનિક મનનું અધૂરું સ્વપ્ન માત્ર છે.

નોર્મલ અને એબ્નોર્મલની સીમા આખરે કઈ છે? જેને માટે ભ્રમણાઓનું વિશ્વ જ સાચું છે એનો અનુભવ, એ આપણા કરતાં જુદો છે એટલા માત્રથી એને નકારવાનો આપણને અધિકાર મળી જાય? ભારતીય સિનેમાને માનસિક બીમારીને પણ રોમેન્ટિસાઈઝ કરવાની ટેવ છે, જ્યારે ‘15, પાર્ક એવન્યુ’ એને નોર્મલાઈઝ કરે છે. મીઠીનું વર્તન, તેને અલગ કે એકલી પાડવાને બદલે દર્શકોને એની સાથે જોડે છે ને એના મગજના સ્તરોને સમજવા પ્રેરિત કરે છે. અપર્ણા સેન એ યાદ અપાવવામાં સફળ થાય છે કે સ્વપ્નમાં કે જાગતાં આપણે બધા જ આપણા એક ખોવાયેલા ઘરને શોધવા મથતા હોઈએ જ છીએ

તે રાત્રે અનુને એક લેખ લખવાનો છે અને મીઠી આવીને એના ઘરની, રાહ જોતા પતિ અને પાંચ બાળકોની વાત માંડે છે. અકળાયેલી અનુ કહે છે, ‘એ બધું તારો ભ્રમ છે. એવી કોઈ જગ્યા, એવા કોઈ લોકો ક્યાં ય છે જ નહીં.’ ત્યારે મીઠી તેને વીંધી નાખે તેવો સવાલ કરે છે, ‘આ કેવી વાત? તને કોઈ કહે કે તું પ્રોફેસર છે તે તારો ભ્રમ છે, તો?’ અને એને સ્તબ્ધ મૂકીને ચાલી જાય છે. મોડી રાત્રે તેને તેનાં બાળકો રોતાં હોય એમ લાગે છે, એ ઘરનો દરવાજો ખોલી બહાર જવાની કોશિશ કરે છે, નથી જઈ શકતી ત્યારે પોતાના કાંડા પર બ્લેડ ફેરવી દે છે. અનુ, એની મા (વહીદા રહેમાન) અને આયા તેને લઈને હૉસ્પિટલમાં દોડે છે.

મીઠી અન્ડર ટ્રીટમેન્ટ છે ત્યારે અનુ (શબાના આઝમી) સાઈક્યાટ્રિસ્ટ ડૉ. કુનાલ(ધૃતિમાન ચેટર્જી)ને પૂછે છે, ‘મીઠી તેના કાલ્પનિક વિશ્વમાંથી જે આનંદ મેળવે છે તેને છીનવી લેવાનો આપણને શો અધિકાર છે?’ ત્યારે આપણે વિચારતા થઈ જઈએ છીએ. નોર્મલ અને એબ્નોર્મલની સીમા આખરે કઈ છે? જેને માટે ભ્રમણાઓનું વિશ્વ જ સાચું છે એનો અનુભવ, એ આપણા કરતાં જુદો છે એટલા માત્રથી એને નકારવાનો આપણને અધિકાર મળી જાય?

એક આઘાતજનક ‘સિક્વન્સ’ પણ ફિલ્મમાં છે – અનુ કૉલેજમાં ક્વૉન્ટમ ફિઝિક્સ શીખવતી હોય છે ત્યારે ઘરમાં એક તાંત્રિક મીઠીનો ‘ઈલાજ’ કરતો હોય છે. આપણા દેશમાં સાઈક્યાટ્રિસ્ટ પાસે આવતા પહેલાં દરદીઓ આવા અનુભવમાંથી પસાર થયા જ હોય છે. પણ મીઠીને સ્ક્રીઝોફેનિયા કેવી રીતે થયો? અનુ ડૉક્ટરને જણાવે છે, ‘મીઠી નાની હતી ત્યારથી એકલી ફર્યા કરતી, પોતાનામાં ડૂબેલી રહેતી અને ગભરુ હતી. પછી તો સારું ભણી, જર્નાલિસ્ટ થઈ, સરસ બૉયફ્રેન્ડ હતો. સામૂહિક બળાત્કાર થયા પછી તેને સ્ક્રીઝોફેનિયા થયો.’ ડૉક્ટર કહે છે, ‘એ અર્થઘટન ખોટું છે. સ્ક્રીઝોફેનિયા આ રીતે થતો નથી. એને સ્ક્રીઝોફેનિયા હતો જ, લક્ષણો એ પછી દેખાયાં.’

આ બાજુ ગભરુ, થોડી વિચિત્ર અને માનસિક સારવાર લેતી હોવા છતાં તેને ચાહતો અને પરણવા તૈયાર થયેલો જોયદીપ રૉય (રાહુલ બૉઝ), બળાત્કાર પછીની મીઠીની અને પોતાની સ્થિતિને સંભાળી શકતો નથી અને એક ચિઠ્ઠી લખી ચાલ્યો જાય છે. અનુ સંજીવ(કંવલજિત)ને ચાહે છે, પણ એની જવાબદારીઓ એને સંજીવથી દૂર કરતી રહે છે. માને એની પોતાની અસહાયતા છે.

અગિયાર વર્ષ બાદ અચાનક જોયદીપ દેખા દે છે. એ હવે પરિણીત છે, બે સુંદર બાળકોનો પિતા છે. મીઠી એને ઓળખી શકતી નથી, પણ એને કહે છે કે 15, પાર્ક એવન્યુમાં એનો પતિ અને બાળકો એની રાહ જુએ છે અને એને કોઈ ત્યાં લઈ જતું નથી. જોયદીપને ખ્યાલ આવે છે કે મીઠીનો કાલ્પનિક પતિ એ પોતે જ છે અને બાળકો, જોયદીપે એક વાર મજાકમાં બાળકોની કલ્પના કરીને નામ પાડેલાં એ જ છે.

મીઠીએ પોતાને ઓળખ્યો નથી, પણ વિશ્વાસ તો મૂક્યો છે એ જોઈ જોયદીપ અનુને કહે છે કે એકવાર હું મીઠીને લઈ 15, પાર્ક એવન્યુ શોધવા જાઉં. બન્ને જાય છે, કારમાંથી ઊતરી ઘર શોધે છે. લોકો મજાક ઉડાવવા માંડે છે, જોયદીપ મીઠીને લઈ પાછો જવાની તૈયારી કરે છે ત્યાં મીઠીને 15 નંબરનું ઘર દેખાય છે, આંગણામાં એનાં બાળકો રમતાં દેખાય છે. સૌથી નાના બાળકને લઈને બેઠેલો પતિ દેખાય છે. મીઠી આનંદથી એમને ભેટી પડે છે અને સૌ હસતાંરમતાં અંદર ચાલ્યા જાય છે. ગુમ થઈ ગયેલી મીઠીને શોધતા જોયદીપ, કુનાલ અને અનુનાં દૃશ્યો સાથે ફિલ્મ પૂરી થાય છે.

ભારતીય સિનેમાને માનસિક બીમારીને પણ રોમેન્ટિસાઈઝ કરવાની ટેવ છે. એની સામે 15, પાર્ક એવન્યુ એને નોર્મલાઈઝ કરે છે. મીઠીનું વર્તન, તેને અલગ કે એકલી પાડવાને બદલે દર્શકોને એની સાથે જોડે છે ને એના મગજના સ્તરોને સમજવા પ્રેરિત કરે છે. અપર્ણા સેન એ યાદ અપાવવામાં સફળ થાય છે કે સ્વપ્નમાં કે જાગતાં આપણે બધા જ આપણા એક ખોવાયેલા આશ્રયને શોધવા મથતા હોઈએ જ છીએ.

મે મહિનાને માનસિક આરોગ્ય માસ ગણવામાં આવે છે. યુ.કે.ના પત્રકાર હેટ્ટી ગ્લેડવેલે ગયા વર્ષે ‘મારી માનસિક બીમારી વિશે લોકોએ કહેલી વાતો’ને વર્ણવતા હૅશટેગ સાથે ટ્વિટર થ્રૅડ શરૂ કરેલો. આ થ્રૅડ વાઇરલ બન્યો અને તેનાથી માનસિક બીમારીથી પીડાતા લોકો પાસેથી સાંભળેલી ટીપ્પણીઓનો ઘટસ્ફોટ થયો. એક નરુલ નાસીરે લખ્યું કે ‘મેં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ડૉક્ટરે મને તપાસીને મારી માતાને એવું કહ્યું કે તે પોતાની તરફ ધ્યાન ખેંચવા આવું કરે છે. કાઇલી લૉવીએ લખ્યું કે ‘થેરપિસ્ટને બતાવતા પહેલાં મારી માતાએ મને કહ્યું કે અમે (માતાપિતા) તને મારીએ છીએ તેવું તારે ડૉક્ટરને નહીં કહેવાનું. મારા પિતા હકીકતે ખૂબ જ મારપીટ કરે છે.’ ઇડા વૈસનેને લખ્યું કે ‘કોઈને માનસિક બીમારીવાળી વ્યક્તિ સાથે સંબંધ (એટલે કે લગ્ન)માં રસ નથી. મારું કોઈ નથી.’

આ વર્ષના માનસિક સ્વાસ્થ્ય દિનની થીમ છે ‘મેન્ટલ હેલ્થ ઈન એન અન્‌ઈક્વલ વર્લ્ડ’ 2020ના વર્ષમાં વિશ્વમાં જાતજાતની અસમાનતાઓ જોવા મળી છે જેમાંની એક માનસિક સ્વાસ્થ્ય સંબંધે પણ છે. નિમ્ન અને મધ્યમ સ્થિતિના દેશોના 75થી 95 ટકા માનસિક અસ્વસ્થ લોકો પૂરતી સારવાર મેળવી શકતા નથી અને ભેદભાવ અને ઉપેક્ષાનો ભોગ બને છે. તેમને તાલીમ, સ્નેહ, શિક્ષણ અને આવકની તકો ખૂબ ઓછી મળે છે. ઘણીવાર શારીરિક બીમારીની અસર પણ મન પર પડે છે. કોરોનાનો દાખલો તાજો છે. સરકારો શરીરના આરોગ્યમાં કરે છે એની સરખામણીએ માનસિક સ્વાસ્થ્ય પર ઘણું ઓછું રોકાણ કરે છે. 2021નો વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે લોકોને માનસિક સ્વાસ્થ્યનો અધિકાર મળે તે માટે અસમાનતાઓને દૂર કરવાના સંગઠિત પ્રયાસો કરવાની હાકલ કરે છે. 

e.mail : sonalparikh1000@gmail.com

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 10 ઑક્ટોબર 2021

Loading

માનહાનિના કેસ અભિવ્યક્તિ સ્વાતંત્ર્યને રુંધે છે ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|13 October 2021

ભારતની અદાલતોમાં માનહાનિ કે બદનક્ષીના કેસોમાં સતત વૃદ્ધિ થઈ રહી છે. રાજનેતાઓ, પત્રકારો, ફિલ્મી સિતારાઓ, ઉદ્યોગકારો અને કર્મશીલો પર બદનક્ષીના દાવા મંડાયેલા છે. પૂર્વ વડા પ્રધાન એચ.ડી. દેવગૌડાને તાજેતરમાં કર્ણાટકની એક અદાલતે માનહાનિ કેસમાં બે કરોડ રૂપિયાનો દંડ કર્યો છે. આટલો આકરો દંડ ન્યાયતંત્રના ઇતિહાસમાં અભૂતપૂર્વ છે.

નરેન્દ્ર મોદી મંત્રી મંડળના વિદેશ રાજ્ય મંત્રી અને વરિષ્ઠ પત્રકાર એમ.જે. અકબરને ભૂતકાળનાં સાથી મહિલા પત્રકાર પ્રિયા રમાનીના યૌન શોષણના આરોપોથી મંત્રી પદ છોડવું પડ્યું હતુ. એટલે તેમણે અપરાધિક માનહાનિનો કેસ કર્યો હતો. પણ ત્રણેક મહિના પહેલાં દિલ્હીની અદાલતે પ્રિયા રમાની સામેની અકબરની બદનક્ષીની ફરિયાદ રદ્દ કરી દીધી છે. કાઁગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીના ઉમેદવારી પત્ર સાથેના સોગંદનામામાં તેમની સામેના જે પાંચ પડતર કોર્ટ કેસોની માહિતી આપી હતી તે બધા માનહાનિના જ હતા. અમદાવાદ અને સુરતની અદાલતોમાં પણ રાહુલ ગાંધી સામે માનહાનિના કેસો ચાલે છે. દેશમાં સૌથી વધુ માનહાનિના કેસોનો સામનો દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ કરી રહ્યા છે. આ હકીકતો માનહાનિના કેસોની વ્યાપકતા, અદાલતોનું વલણ અને અસરો દર્શાવે છે

બંધારણના અનુચ્છેદ ૨૧માં ભારતના નાગરિકોનાં જીવન જીવવાના અધિકારમાં માન અને પ્રતિષ્ઠા સાથેના જીવનનો અધિકાર સામેલ છે. વ્યક્તિનાં માન, સન્માન અને ખ્યાતિ પણ અધિકાર મનાય છે. પ્રતિષ્ઠાને ધન-સંપત્તિ બરાબર ગણવામાં આવી છે. એટલે માન, સન્માન, પ્રતિષ્ઠા કે ખ્યાતિને થતી હાનિ, માનહાનિ કે બદનક્ષી છે. વ્યક્તિ, વેપાર, ઉત્પાદન, ધર્મ, સરકાર, સમૂહ કે રાષ્ટ્રની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડતું નિરાધાર અને જુઠ્ઠું, લેખિત કે મૌખિક કથન કે સંકેત માનહાનિ છે. બંધારણમાં અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનો અધિકાર ખરો પણ તેનો અમર્યાદિત ઉપયોગ ન થઈ શકે. કોઈ એલફેલ, આધારહીન કે ખોટા આરોપો અને ટીકાઓ ન થાય તે જરૂરી છે. જાહેરમાં અપમાનજનક શબ્દ કે ભાષણ વાંચી-સાંભળીને તે જેના વિશે કહેવાયા-બોલાયા-લખાયા હોય તે વ્યક્તિ વિશે અપમાન, નફરત અને ઘૃણા જન્મે તો માનહાનિનો ગુનો બને છે.

માનહાનિ માટે દીવાની (સિવિલ) અને ફોજદારી (ક્રિમિનલ) ફરિયાદ થઈ શકે છે. દીવાની ફરિયાદ સામાન્ય કાયદા મુજબ અને ફોજદારી ફરિયાદ ભારતીય ફોજદારી કાયદાની કલમ ૪૯૯ હેઠળ થઈ શકે છે. ઇન્ડિયન પિનલ કોડની ધારા ૫૦૦ અને અન્યમાં બદનક્ષીની અપરાધિક ફરિયાદ માટે સજાની જોગવાઈ છે. તે મુજબ બે વરસની કેદ અને દંડની સજા થઈ શકે છે. માનહાનિની દીવાની અને ફોજદારી એમ બંને કે બે પૈકીની કોઈ એક ફરિયાદ થઈ શકે છે. દીવાની ફરિયાદમાં માનહાનિનું આર્થિક વળતર માંગવામાં આવે છે. પરંતુ ફરિયાદી જેટલી રકમનું વળતર માંગે તેના દસ ટકા કોર્ટ ફી તેણે ચુકવવાની હોય છે. જો કોઈ ૧૦ લાખનો માનહાનિનો દાવો માંડે તો દસ ટકા લેખે એક લાખ અગાઉથી જ કોર્ટ ફી ચુકવવી પડે છે. કોર્ટ ફી પરત ચુકવવાની હોતી નથી તથા તેને ફરિયાદીની હારજીત સાથે કોઈ સંબંધ હોતો નથી.

દસ ટકા કોર્ટ ફી ચુકવીને પણ કરોડોના માનહાનિના દાવા થાય છે. ૨૦૦૮માં ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ તેમના ઉદ્યોગપતિ ભાઈ મુકેશ અંબાણી પર ૧૦ હજાર કરોડનો દાવો કર્યો હતો. રાફેલ વિમાન સોદા અંગેના લેખ બાબતે અનિલ અંબાણીએ અંગ્રેજી અખબાર ‘નેશનલ હેરાલ્ડ’ પર ૫,૦૦૦ કરોડનો દાવો કર્યો હતો. કોરોનાની એલોપથી સારવાર વિરુદ્ધના યોગગુરુ બાબા રામદેવના વિધાનો વિરુદ્ધમાં ‘ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન’ની ઉત્તરાખંડ શાખાએ બાબા રામદેવને રૂ. ૧ હજાર કરોડ માનહાનિ પેટે ચુકવવા કાનૂની નોટિસ આપી છે.

માનહાનિના મોટા ભાગના કેસોમાં કાં તો સમાધાન થાય છે, કેસો પાછા ખેંચાય છે કે આરોપી માફી માંગી લે છે. અનિલ અંબાણીએ મૂકેશ અંબાણી વિરુદ્ધનો દાવો બે વરસ પછી પાછો ખેંચી લીધો હતો. અરવિંદ કેજરીવાલે તેમની સામેના અડધા ઉપરાંતના બદનક્ષીના કેસોમાં માફી માંગી લીધી છે. જો કે અદાલતની પ્રક્રિયા, તેના સમય શક્તિ, કોર્ટ અને વકીલની ફીના પ્રશ્નો રહે છે. કોર્ટોમાં લાખો કેસો પડતર હોય છે ત્યારે માનહાનિના કેસોનો તુરત નિકાલ થતો નથી. દેવગૌડા સામેના કેસનો નીચલી અદાલતનો ચુકાદો દસ વરસે આવ્યો છે. દિલ્હી ક્રિકેટ બોર્ડ અને તેના પ્રમુખ અરુણ જેટલી સામેના આરોપો અંગે કેજરીવાલે માફી માંગી લીધી હતી પણ તેમના વકીલ રામ જેઠમલાણીને બે કરોડની ફી ચુકવી હતી. કૈલાસ સત્યાર્થીએ તેમની બદનક્ષી બદલ તેમની સંસ્થા ‘બચપન બચાવો આંદોલન’ દ્વારા દાવો કર્યો હતો. તેમની માનહાનિની ફરિયાદ પડતર હતી તે દરમિયાન જ તેઓ વિશ્વના સૌથી મોટા શાંતિના નોબેલથી પુરસ્કૃત થયા હતા. જો  નોબેલ સમિતિ માટે તેમની માનહાનિનો કોઈ અર્થ નહોતો તો પછી આવા દાવાઓ કેટલા મહત્ત્વના ગણાય તે સવાલ છે.

ત્રણ ભિન્ન રાજકીય પક્ષોના નેતાઓ રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ અને સુબ્રમણ્યમ સ્વામીએ  સર્વોચ્ચ અદાલતમાં અપરાધિક માનહાનિની જોગવાઈ ધરાવતી આઈ.પી.સી.ની કલમો રદ્દ કરવા કે ગેરબંધારણીય  ઠેરવવા અલગ અલગ પિટિશનો મારફતે દાદ માંગી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે તે બાબત નકારી કાઢી હતી.

માનહાનિની ફોજદારી ફરિયાદો અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય માટે આડખીલી રૂપ છે. માનહાનિના કેસો કરીને કેન્દ્ર અને રાજ્યોના સત્તા પક્ષો પત્રકારો, મીડિયા અને વિરોધ પક્ષોને વિરોધ કરતાં અટકાવે છે. સરકાર વિરોધી લોકહિતના તથ્યાત્મક અહેવાલો પણ પ્રગટતા અટકે છે. પ્રતિષ્ઠાની આડમાં સત્યનું ગળું દબાવવામાં આવે છે. પ્રેસની આઝાદીના આંકમાં આપણે આમે ય પાછળ છીએ ત્યારે માનહાનિનો ડારો દઈને પત્રકારો અને કર્મશીલોને ચૂપ કરાવીને અભિવ્યક્તિની સ્વતંત્રતાને ક્ષીણ કરી દેવાય છે.

મૂળે અંગ્રેજોની દેણ એવી માનહાનિની આ જોગવાઈ ભ્રષ્ટાચારને અટકાવવાના પ્રયાસો પર લગામ લગાવે છે. રીઢા રાજકારણીઓ અને ભ્રષ્ટ સરકારો બદનક્ષીના કાયદાનો ઉપયોગ કરીને ટીકાઓથી મુક્તિ મેળવી લે છે. બંગાળના તૃણમૂલ સાંસદે કેન્દ્રના ગૃહ મંત્રી સામે બદનક્ષીની ફરિયાદ કરી છે એટલે જ્યાં જે પક્ષ સત્તામાં હોય ત્યાં તે આ કાયદાનો ઉપયોગ વિરોધી પક્ષ સામેના હથિયાર તરીકે કરે છે. સરકાર વિરોધી ઘણી ન્યૂઝ વેબસાઈટ્સના પત્રકારો માનહાનિના કેસોનો સામનો કરી રહ્યા છે. અગાઉ સાંસદ તથાગત સત્પતિએ લોકસભામાં માનહાનિને લગતી અપરાધિક જોગવાઈ રદ્દ કરવા બિનસરકારી વિધેયક રજૂ કર્યું હતું. બોમ્બે યુનિયન ઓફ જર્નાલિસ્ટે પણ આ મુદ્દે ઝુંબેશ ચલાવી હતી. માનહાનિના કાયદાનો વિરોધને ડામવાના હથિયાર તરીકેના ઉપયોગને ખાળવા વધુ મક્કમ પ્રયાસોની જરૂર છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

કોરોનાનો ગરબો …

રવીન્દ્ર પારેખ|Poetry|12 October 2021

આવ્યો, આવ્યો કોરોનાનો કાળ જો,
માડી લેજે તું જ હવે સંભાળ જો …

મરવાની લોકોને પડતી ફાળ જો,
અંબે માડી કર તું એનો કાળ જો …

ઘરમાં કેદી થૈને બેઠાં બાળ જો,
એની તો છે તું જ હવે રખવાળ જો …

કોરોના આવ્યો એવો વિકરાળ જો,
તું છે તો ના થાશે વાંકો વાળ જો …

ગરીબને ભડભડ બાળી ગઈ ઝાળ જો,
માડી લોક થયાં છે સૌ કંગાળ જો …

સુખની મળતી ક્યાં ય નથી કૈં ભાળ જો,
કાપે માડી દુઃખની સૌ જંજાળ જો …

કોરોનાએ તોડી સઘળી પાળ જો,
આપજે માડી તું આશિષ હેતાળ જો …

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

...102030...1,8991,9001,9011,902...1,9101,9201,930...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved