Opinion Magazine
Number of visits: 10,225,898
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જાગીને જોઉં તો ….

આશા વીરેન્દ્ર|Opinion - Short Stories|13 November 2021

ઘણીવાર એવું બનતું હોય છે કે આપણને લાગે કે, આજનો દિવસ આપણે માટે સુખદ આશ્ચર્યો લઈને આવ્યો છે. જુઓને, આજની જ વાત કરું તો ઘરેથી નીકળીને હું ચાર રસ્તે પહોંચ્યો ત્યારે મેં જોયું કે બાઈક પર સવાર એક યુવાન સિગ્નલ તોડીને આગળ વધી ગયો. ડ્યુટી પર ઊભેલા પોલિસે જોરથી સિટી મારી કે તરત પેલો યુવાન થોભી ગયો. હાથના ઈશારાથી પોલિસે એને પોતાની પાસે બોલાવ્યો.

‘કેમ ભાઈ, એટલી બધી ઉતાવળ આવી ગઈ છે કે સિગ્નલ પણ દેખાતો નથી? આટલી ઝડપ કેટલી જોખમી છે એ ખબર છે?’

મને થયું કે યુવાન પાસેથી લીલી નોટ પડાવવાની આ તરકીબ છે; પણ જોઉં તો ખરો, આગળ શું થાય છે તે!

અત્યંત નમ્રતાપૂર્વક પેલા યુવાને કહ્યું, ‘આઈ એમ રિયલી વેરી સૉરી. ઑફિસના કામના વિચારોમાં એવો તો ખોવાઈ ગયો હતો કે લાલ લાઈટ પર મારું ધ્યાન જ ન ગયું.’

કોઈ મોટોભાઈ પોતાના નાનાભાઈને પ્રેમથી સમજાવતો હોય એમ એના ખભા પર હાથ મૂકીને પોલિસે કહ્યું, ‘જો, આજની તારી ભૂલ માફ કરું છું; પણ ફરીથી આવું ન બનવું જોઈએ. ને એ પણ સમજ કે ઑફિસનાં કામ કરતાં તારા જીવની કિમત વધુ છે, ભાઈ! આ રીતે સિગ્નલ તોડવો બહુ ખતરનાક છે. હવેથી ધ્યાન રાખજે, હં! હવે જા, તારે ઑફિસનું મોડું થતું હશે.’

‘થેન્ક યુ વેરી મચ. હવેથી હું ટ્રાફિકના નિયમોનું બરાબર પાલન કરીશ, આય પ્રોમીસ.’

બન્નેએ હસીને હાથ મિલાવ્યા. હું તો જોતો જ રહી ગયો! શું આપણા દેશમાં આવી ઘટના શક્ય છે? પણ આ તો માત્ર શરૂઆત જ હતી.

●

થોડું આગળ ચાલ્યો ત્યાં જોયું કે લાઈનબંધ ઊભેલી ટ્રકોનું ચેકીંગ ચાલતું હતું. એક ટ્રક ડ્રાઈવરને એનું લાયસન્સ રિન્યુ ન કરાવવા બદલ પોલિસે પકડ્યો. આદતસે મજબૂર એવા ટ્રક ડ્રાઈવરે લુચ્ચું હસતાં સો રૂપિયાની નોટ પોલિસના હાથમાં મુકવાની કોશિશ કરી.

‘તારા મનમાં તું સમજે છે શું? તું લાંચ આપીશ ને હું પીગળી જઈશ, એમ? મારે માટે મારી ડ્યુટી જ મારો ધર્મ છે. મને લાલચમાં ફસાવવાનો પ્રયત્ન કર્યો તો મારો જેવો ભૂંડો કોઈ નથી સમજ્યો?’

‘માફ કરો સાહેબ, ભૂલ થઈ,’ ડ્રાઈવરે કરગરતાં કહ્યું.

‘લાંચ લેનાર અને લાંચ આપનાર બંને સરખા ગુનેગાર છે એ તને નથી ખબર? હું સમજું છું કે તારે પત્ની અને બાળકો હશે; કદાચ વૃદ્ધ મા–બાપ પણ હોય. આ બધાની જવાબદારી તારા પર છે માટે જ તને જવા દઉં છું.’

મને મારા કાન પર ભરોસો નહોતો બેસતો. શું આ એ જ પોલિસદાદા છે જે આળસુ, લાંચિયા, ભ્રષ્ટ અને બેજવાબદાર તરીકે પંકાયેલા છે?

●

એકાએક મારી નજર 60-65 વરસની વૃદ્ધા પર ગઈ, જેને ઘૂંટણની તકલીફ હોવાને કારણે રસ્તો ઓળંગતાં બહુ મુશ્કેલી પડતી હતી અને ચારેબાજુથી આવતાં ધસમસતાં વાહનોને કારણે એ ગભરાઈ પણ ગઈ હતી. હજી હું એની મદદે જવાનો વિચાર કરું, ત્યાં એક પોલિસ દોડતો આવ્યો અને કહેવા લાગ્યો :

‘મા, ગભરાવ નહીં. મારો હાથ પકડી લો. હું રસ્તો ક્રોસ કરાવી દઉં.’ માજીએ ‘ઈશ્વર તારું ભલું કરે, ભાઈ!’ એમ કહેતાં એનો હાથ પકડી લીધો. સામી બાજુએ એક બાંકડો હતો તેના પર માજીને બેસાડતાં એણે કહ્યું, ‘મા, તમે થાકી પણ ગયાં છો અને ગરમી પણ બહુ છે. તમે અહીં ઘડીક બેસો ત્યાં હું તમારે માટે પાણી લઈ આવું.’

●

આ હૃદયદ્રાવક દૃશ્ય જોઈને મારી આંખમાં પાણી આવી ગયાં. મને થયું, ક્યારે ઘરે જાઉં ને ક્યારે પત્નીને આ પ્રેરક પ્રસંગોની હારમાળાની વાત કરું. સાંજે ઘરે પહોંચીને સૌથી પહેલાં પત્નીને આજની અજાયબ ઘટનાઓ વિશે કહ્યું. પણ એ તો નવાઈ પામવાને બદલે નવાઈ પમાડવાનું નક્કી કર્યું હોય એમ બોલી,

●

‘તમારા અનુભવોથી ય ચડિયાતો અનુભવ આજે મને ઘરે બેઠાં થયો. તમે ઘરેથી નીકળ્યા પછી થોડીવારમાં અહીં પોલિસની વાન આવી. પોલિસો ત્રણ ટુકડીમાં વહેંચાઈ ગયા. શું ચાલી રહ્યું છે એ મહોલ્લાવાસીઓ સમજે એ પહેલાં તો તેઓ સલિમ સ્મગ્લર, બીરજુ બુટલેગર અને ગોપીનાથ ગેમ્બલરને બાવડેથી ઝાલીને ચોકની વચ્ચોવચ લઈ આવ્યા.’

‘શું વાત કરે છે? મારા તો માનવામાં નથી આવતું!’

‘અરે, આટલું જ નહીં, એમના વડાએ સૌને કહ્યું – જરા પણ ગભરાયા વિના આવાં ગૂંડાંતત્ત્વોની અમને જાણ કરો. અમે ચોવીસ કલાક તમારી સેવામાં હાજર છીએ.’

●

‘બસ, બસ. હવે આગળ વધુ સાંભળીશ તો હું ગાંડો થઈ જઈશ.’

‘ગાંડા થવાની કંઈ જરૂર નથી. હવે પોલિસખાતામાં ધરમૂળથી ફેરફાર થઈ જવાના છે. ક્રાંતિ થશે ક્રાંતિ!’

સાચે જ આને ક્રાંતિ કહેવાય. જે સલિમ સ્મગ્લર, બીરજુ બુટલેગર અને ગોપીનાથ ગેમ્બલર આખા મહોલ્લાનાં માથાંનો દુ:ખાવો થઈ ગયા હતા, જેમના રંજાડની બીકે સૌ થરથર કાંપતા હતા એ જોતજોતાંમાં જેલના સળિયા પાછળ! આજના બનાવોથી મારું મગજ એવું તો ચકરાવે ચઢ્યું હતું કે, હવે મને ચા પીવાની સખત તલપ લાગી હતી. જાણે મારા વિચારનો પડઘો પાડતી હોય એમ પત્નીએ કહ્યું,

‘ચાલો, ગરમાગરમ ચા પીવડાવીને તમને ખાતરી કરાવું કે આજે બનેલી બધી વાત સાચી છે અને હવે આપણે ગર્વથી ‘મેરા ભારત મહાન’ના નારા લગાવી શકીશું.’

પત્ની ટ્રેમાં ચા લઈને આવી. મને ચા પીવાની એટલી તો ઉતાવળ આવી ગઈ હતી કે તરાપ મારીને ટ્રેમાંથી કપ લેવા ગયો, ત્યાં કપ છટક્યો ને ધગધગતી ચા મારા પર પડી. પણ આશ્ચર્ય! મને જરા ય ગરમ કેમ ન લાગ્યું?

ફટાક કરતી મારી આંખ ખૂલી ગઈ. ઘડિયાળમાં જોયું, રાતના બે વાગ્યા હતા. સુંદર મજાનું સ્વપ્ન ભંગ થવાના અફસોસ સાથે હું ગાઈ ઊઠ્યો, ‘જાગીને જોઉં તો, જગત દીસે નહીં …’

(‘એ.સી. તુલી’ની ‘અંગ્રેજી’ વાર્તાને આધારે)

ભૂમિપુત્ર’ પાક્ષિકના છેલ્લે પાનેથી સાભાર … (હાશ! નવા વરસમાં ઉપરનું સપનું સાચું પડે તો!)

સર્જક–સમ્પર્ક : B–401, દેવદર્શન, હાલર, વલસાડ– 396 001

eMail : avs_50@yahoo.com

@@@

સૌજન્ય : ’સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ નવમું – અંકઃ 285 –December 15, 2013

Loading

રોમાન્ટિક વડોદરા પર ઊભેલું મારું લિટરરી વડોદરા

સુમન શાહ|Opinion - Opinion|12 November 2021

થોડાક દિવસો પહેલાં, એક મિત્રે વડોદરાના સ્વાનુભવો લખેલા. મને મિત્રનું નામ યાદ નથી આવતું, દિલગીર છું. ત્યારે વિપુલ વ્યાસે પણ વડોદરા વિશે લખેલું. એ બન્ને મિત્રોના એક વાચકે મને કહેલું – તમે પણ વડોદરા વિશે લખો ને, અમને ગમશે.

વડોદરા વિશે ઘણું લખી શકું પણ ત્યારે ન્હૉતું લખવું. આજે પણ નથી લખવું. પરન્તુ મને 'પ્રેમાનંદ સુવર્ણચન્દ્રક' અપાયો ત્યારે વડોદરામાં મેં આપેલું વ્યાખ્યાન આજે મળી આવ્યું. એમાં વડોદરા વિશે જે થોડી વાતો કરેલી તે અહીં મૂકું છું :

"આ ચન્દ્રક સ્વીકારતાં મને એકદમનું સારું તો એટલા માટે લાગે છે કે પ્રેમાનંદ વડોદરાના, અમે પણ મોટે ભાગે વડોદરાનાં. વતન ડભોઇ — ૩૦ કિલોમીટરના અન્તરે. અમારે ડભોઇના લોકોને વડોદરા પહેલેથી સ્વપ્નનગરી.

છેલ્લા બે (હવે ત્રણ) દાયકા દરમ્યાન હું યુરપ અને અમેરિકાનાં ઘણાં શ્હૅરોમાં ઘૂમ્યો છું, પણ શ્હૅર વિશેનો પ્હૅલવ્હૅલ્લો ખયાલ વડોદરાથી બંધાયેલો.

વડોદરામાં મારી ઊગતી જુવાનીનાં અને કારકિર્દી-ઘડતરનાં કીમતી વરસો વપરાયાં છે.

ડભોઇના અમારા કેટલાક મિત્રો માટે તો વડોદરા હોમ-ટાઉન. ડભોઇથી માત્ર ફિલ્મો જોવા આવે. ત્રણે ત્રણ શો-માં જુદાં જુદાં પિક્ચર જોઇને રાતે પાછા ફરે. “પ્રતાપ” “મોહન” “શારદા” “કૃષ્ણ” — નિર્દોષ પવિત્ર નામોવાળી ટોકિઝો. એમાં જોયેલી અનેક ફિલ્મોનાં સ્મરણો છે. દિલીપકુમાર, રાજકપૂર અને દેવાનંદનો જમાનો.

ત્યારે મારે, સિતાંશુભાઇ (યશશ્ચન્દ્ર મહેતા) ! નાગરમિત્રોની દોસ્તી હતી. ડભોઇમાં પણ સાઠોદરા નાગરમિત્રોથી મૈત્રી શરૂ થયેલી. આજે પણ કોઇ કહે, નાગર છું, તો દિલમાં એક મીઠો ઉદ્રેક જાગે, થોડી બીક પણ લાગે …

કમાટીબાગમાં બૅન્ડ-સ્ટૅન્ડ હતું — રવિવારનું. એ વર્ષોની વાત છે.

“ફીઆટ” કાર ત્યારે નવી નવી નીકળેલી.

હંસા મહેતા વાઇસ-ચાન્સેલર હતાં. “ઍજ્યુકેશન”ને તેઓ “ઍડ્યુકેશન” કહેતાં. ચં.ચી. મહેતા હતા. એમના “હોહોલિકા” નાટકમાં મને નાનો રોલ મળેલો.

નાગરવાડામાં દશા લાડ છાત્રાલયમાં રહેવાનું.

‘કૅનેરા કાફે’માં રાઇસ-પ્લેટ ખાવી, ‘જવાહર’માં બટાકાપૌંઆ, ‘ઇરાની હોટેલ’માં આમ્લેટ ખાવી, ‘ક્ષુધા-શાન્તિ’માં  — નામ જ કેવું લલચાવનારું — કચોરી ખાવી, વગેરે લાઇફસ્ટાઇલ હતી.

જો કે ચાંદની રાતે સૂરસાગરની પાળે બેસી અકળ ભાવિના વિચારો પણ કરેલા.

ન્યાયમન્દિરે બૂટપૉલિશ કરાવવાની મજા આવે — જોતાં જોતાં શીખવાનું કે બૂટપૉલિશ આમ કરાય.

પાનના ગલ્લે ‘બિનાકા’ સાંભળતા.

ઉનાળામાં, ‘ઇન્દીરા ઍવન્યુ’ — ‘વીથીકા’ શબ્દનું અંગ્રેજી ‘ઍવન્યુ’ છે એમ પહેલી વાર જાણેલું. ‘કાલાઘોડા’થી ડાઉનટાઉન રાઇટમાં હૉસ્પિટલ બાજુ લઇ જતો આખો રસ્તો વીથીકા હતો. બન્ને તરફ ઠંડી મીઠી છાયા પાથરતા વિરાટ વડ હતા. વડોદરા ‘વટપ્રદ’ હતું એ વાતની જાણે રસપ્રદ વ્યાખ્યા !

ફત્તેપુરાનું શુક્રવારી બજાર બ.ક.ઠા.ના પ્રસંગથી ખાસ યાદ રહી ગયેલું.

લાંબા ગાળે ખબર પડેલી કે ફત્તેપુરા અને ફત્તેગંજમાં કેટલો મોટો ફર્ક છે !

જ્યુબિલી બાગ, મ્યુઝિક કૉલેજ, જેનાં પગથિયે બેસી ક્લાસમાંથી ગુલ્લીઓ મારેલી એ, યુનિવર્સિટીનો સૅન્ટ્રલ હૉલ …

શું શું યાદ કરું …

વડોદરા ભલે સંસ્કારનગરી મનાય છે, અમારે માટે એ રોમાન્ટિક સિટી હતું. તમારામાં પ્રેમ કરવાની જિગર હોય તો થઇ શકે એવું સિટી. યૌવનને જ્યાં જાણી શકાય, માણી શકાય, નાણી શકાય. એવા વડોદરામાં કૉમર્સમાં બે વર્ષ બગડ્યાં તે ત્યારે ન્હૉતું ગમ્યું પણ આજે મારા સાહિત્યકારજીવને ગમતું થઇ ગયું છે.

પછી એ જ વડોદરામાં, એમ.એ. થયો, મારી કારકિર્દીમાં મોટો વળાંક આવ્યો — જાણે ‘યુ’ ટર્ન. મોટી વાત એ કે સુરેશ જોષી ગુરુ રૂપે મળ્યા. ગુજરાતી સાહિત્યને વિશ્વ-સાહિત્યની ક્ષિતિજો દર્શાવનારા એ મનીષીએ મને પણ એ ક્ષિતિજો દેખાડી.

હું કોઇ પણ હિસાબે માત્ર ગુજરાતી સાહિત્યનો માણસ ન રહ્યો. સાહિત્યની કોઇ પણ વાતને વિશ્વ-સાહિત્યના નક્શામાં મૂકીને જોવાની આદત બની ગઇ. આપણી કોઇ પણ સાહિત્યિક બાબતને સુધારીને વિકસાવવાની ટેવ પડી ગઈ — જે આજે તો મારો સ્વભાવ બની ચૂકી છે.

એમના ‘ક્ષિતિજ’ સામયિકે ગુજરાતી સાહિત્યના આધુનિકતાવાદી નવપ્રસ્થાનનાં તમામ ઝરણને ઝીલ્યાં, આગળ ધપાવ્યાં. મારે માટે પણ જાણે એ જ કર્તવ્ય બની ગયું.

દર શુક્રવારે સુરેશભાઇ સલાટવાડામાં ‘થીયોસૉફિકલ સોસાયટી’માં વાર્તાલાપ આપતા. અઠવાડિયા દરમ્યાન વાંચ્યું હોય તેની વાતો કરતા. સાર્ત્ર, કાફ્કા, કામૂ વિશેના મનોભાવ ત્યારથી જાગેલા.

ભોગીલાલ ગાંધી અને એમનું ‘વિશ્વમાનવ’ સામયિક; રામજી મન્દિરની પોળમાંની એમને ત્યાંની બુધવારીય સભાઓ — સુરેશભાઇ રિલ્કે વાંચે, પ્રબોધ ચોક્સી જેવા પીઢ વિચારકો ચર્ચા કરે. ત્યારથી ગુલામ મોહમ્મદ શેખ અને ભૂપેન ખખ્ખરનો પરિચય થયેલો.

સાહિત્ય ભલે સાંસ્કૃતિક પ્રવૃત્તિ મનાતી હોય, એ કલાસર્જન છે અને એને ચિત્ર, સંગીત, શિલ્પ કે સ્થાપત્યનો, એ લલિત કલાઓનો, પણ એટલો જ ખપ છે — એ ભાવના દૃઢ થયેલી. એમાં ફાઇન આર્ટ્સ ફૅકલ્ટીના કલાસ્વામીઓ શેખથી માંડીને જેરામભાઇ (પટેલ), જ્યોતિભાઇ (ભટ્ટ) વગેરેના સુરશભાઇ જોડેના સહયોગે મોટો ભાગ ભજવેલો.

ટૂંકમાં, વડોદરા એટલે મારે મન પેલા રોમાન્ટિક વડોદરા પર ઊભેલું મારું લિટરરી વડોદરા. કહેવાનું તાત્પર્ય કે આ બન્ને વડોદરાને હું આજે પણ જીવી રહ્યો છું, અને તેમાં, તમે મને પૉંખો છો એથી મારા મનોજગતમાં કેવાંક સ્પન્દનો જાગે એ તમે કલ્પી શકો છો.

= = =

(re-published : a part : November 12, 2021 : Amsterdam)

Loading

નિષ્ક્રિય વિધાનગૃહો અને અનુદાર રાજનીતિ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|12 November 2021

ભારતીય લોકતંત્રની હમણાંના વરસોની તાસીર સંસદ અને રાજ્યોના વિધાનગૃહોના કામના કલાકોમાં ઘટાડા છતાં વધતી સંસદીય કાર્યવાહીની છે. તૃણમૂલ સાંસદ ડેરેક ઓ બ્રાયનની ટ્વીટ ટિપ્પણી, ‘પાસિંગ લેજિસ્લેશન ઓર મેકિંગ પાપડી-ચાટ ?’, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પક્ષને બહુ ચચરી હતી. પણ હકીકત છે કે પેગાસસ જાસૂસી મુદ્દે હંગામેદાર રહેલા સંસદના વર્ષા સત્રમાં નિર્ધારિત કામના કલાકોમાંથી લોકસભામાં ૧૯ ટકા અને રાજ્યસભામાં ૨૬ ટકા જ કામ થઈ શક્યું હતું. છતાં આ જ સત્રમાં ૧૨૭મા બંધારણ સુધારા ખરડા સાથે વીસ વિધેયકો મંજૂર થઈ થયાં મોટા ભાગના વગર ચર્ચાએ, પાંચ-પંદર મિનિટની ચર્ચાથી અને રજૂ થયા એ જ દિવસે પસાર થયાં હતાં. ટ્વેન્ટી- ટ્વેન્ટી ક્રિકેટથી ય વધુ ત્વરા દૂરોગામી અસરો જન્માવતા કાયદાના ઘડતરમાં જોવા મળે તે સ્થિતિ ચિંતાજનક છે વિપક્ષની પાણી-પુરી બનાવો છો કે કાયદા ? એવી ટીકા પણ લાજમી ઠરે છે.

તેરમી મે ૧૯૫૨ના રોજ લોકસભાની પ્રથમ બેઠક મળી હતી. એ ઘટનાને છ દાયકા થશે. સંસદ અને રાજ્યોના ધારાગૃહોનું કામ કાયદા ઘડવાનું, નાણાકીય અને વહીવટી નીતિ-નિયમો ઘડવાનું છે. દેશ સમક્ષના પ્રશ્નોની તેમાં ચર્ચા વિચારણા થાય છે. બજેટ સત્ર, વર્ષા સત્ર અને શિયાળુ સત્ર એવા વરસે ત્રણ સત્રો, બે સત્રો વચ્ચે છ મહિનાથી અધિકનો સમય ન થાય તે રીતે, મળવા જરૂરી હોવાની જોગવાઈ છે. તે માટે નિયમિત રીતે વિધાનગૃહોની બેઠકો મળવી જોઈએ.

૧૯૫૨માં લોકસભાની ૧૦૩ બેઠકો મળી હતી. ૧૯૫૬માં મળેલી ૧૫૧ બેઠકોનો વિક્રમ તો કદી ન તૂટ્યો પણ બેઠકોની સંખ્યા વરસોવરસ ઘટતી રહી છે. ૧૯૭૪ સુધી લોકસભાની વરસે સો બેઠકો મળતી હતી. પણ હવે તે બાબત ભૂતકાળની બની ગઈ છે. ૧૯૭૪થી ૨૦૧૧ દરમિયાનના પાંત્રીસ વરસોમાં માત્ર પાંચ જ વખત લોકસભાની સો કરતાં વધુ બેઠકો મળી હતી. ૨૦૦૮માં માત્ર ૪૬ અને ૨૦૨૦માં ૩૩ જ બેઠકો મળી હતી.

૨૦૧૯ની લોકસભા ચૂંટણી પછીનું આ લાગલગાટ છઠ્ઠું સંસદ સત્ર એના નિર્ધારિત સમય કરતાં વહેલું આટોપી લેવાયું છે. છતાં લોકતંત્ર મજબૂત અને પરિપકવ થઈ રહ્યાની દુહાઈ સાથે સંસદીય કાર્યવાહી ચાલતી રહે છે, અંદાજપત્રો પસાર થાય છે, કાયદા ઘડાય છે અને બંધારણમાં સુધારા પણ થાય છે.

જે સ્થિતિ સંસદની છે તે જ રાજ્યોની વિધાનસભાઓની પણ છે. હાલમાં ઘણા બધા રાજ્યોની વિધાનસભાઓના, ગુજરાતની જેમ એક-બે દિવસના, વર્ષાસત્રો જાણે કે છ મહિને મળવાની ઔપચારિકતા ખાતર મળી રહ્યા છે. ૨૦૧૭થી ૨૦૧૯ના વરસોમાં ઉત્તર પ્રદેશ વિધાનસભાની સરેરાશ ૨૪, પશ્ચિમ બંગાળની  ૪૦ અને કેરળની ૫૩ બેઠકો મળી હતી. પી.આર.એસ. લેજિસ્લેટિવનો એક અભ્યાસ જણાવે છે કે બારમી ગુજરાત વિધાનસભા(૨૦૦૮-૨૦૧૨)માં ૯૦ ટકા બિલો રજૂ થયા તે જ દિવસે પસાર થઈ ગયા હતા. ૨૦૧૨માં દિલ્હી વિધાનસભાએ એક બિલ દસ જ મિનિટમાં પસાર કર્યું હતું. ગોવા વિધાનસભામાં કોઈ પણ ચર્ચા વિના સરેરાશ ચાર જ મિનિટમાં બિલો પસાર થાય છે. ૨૦૦૯થી ૨૦૧૪ દરમિયાન હરિયાણા વિધાનસભાની સરેરાશ ૧૧ બેઠકો જ મળી હતી. તેમાં ૭૦ ટકા ચર્ચા બજેટ પર થઈ હતી. બાકીના ૩૦ ટકા સમયમાં ૧૨૯ વિધેયકો રજૂ થયા કે તરત મંજૂર થયા હતા.

સંસદમાં સમયના અભાવે ખરડાઓની ઝીણવટથી ચર્ચા કરી, સર્વસંમતિ ઊભી કરી શકાતી નથી. એટલે તેને સંસદીય સમિતિઓને સોંપવાની જોગવાઈ છે. કાઁગ્રેસના નેતૃત્વ હેઠળની યુ.પી.એ. સરકારોના કાર્યકાળની ચૌદમી લોકસભામાં ૬૦ ટકા અને પંદરમીમાં ૭૧ ટકા બિલો સંસદીય સમિતિઓને સોંપવામાં આવ્યા હતા. પરંતુ વર્તમાન સરકારના શાસનકાળમાં બિલોને સંસદીય સમિતિઓને સોંપવાનું વલણ ઘટી ગયું છે. સોળમી લોકસભામાં માત્ર ૨૭ ટકા બિલો જ સંસદીય સમિતિઓના હવાલે કરવામાં આવ્યા હતા. હાલની લોકસભાના સમયમાં બહુ જ થોડા બિલો સંસદીય સમિતિને સોંપવામાં આવ્યા છે.

પૂરતી ચર્ચા વિના ઉતાવળે પસાર થયેલા બિલો પરથી કાયદા બન્યા પછી તેની કાયદેસરતાને ચકાસવા બંધારણીય સમીક્ષા માટે અદાલતોનો આશરો લેવો પડે છે, તેનાથી અદાલતોનું ભારણ બિન જરૂરી વધતું હોવાની અને સાંસદો પોતાની ફરજો યોગ્ય રીતે નહીં બજાવતા  હોવાની ચિંતા સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમન્નાએ વ્યક્ત કરી છે. ઉતાવળે પસાર થયેલા ખરડાઓની કેવી દશા થાય છે તેના તાજા ઉદાહરણ ગુજરાતનો લવજેહાદનો કાયદો અને કેન્દ્રનું નાગરિકતા સંશોધન બિલ છે. ગુજરાતના લવ જેહાદના કાયદાની મહત્ત્વની મનાતી જોગવાઈઓ પર ગુજરાત હાઈકોર્ટે સ્ટે મૂક્યો છે. નાગરિકતા બિલને સંસદે દોઢેક વરસ પૂર્વે મંજૂર કર્યું હોવા છતાં હજુ તેના નિયમો ઘડાયા નથી કે તે કાયદો અમલી બન્યો નથી.

વિપક્ષને શત્રુ ગણતા સત્તા પક્ષ અને સંવાદહીન ધારાગૃહોનું વાતાવરણ દેશમાં પ્રવર્તે છે સંસદના છેલ્લા વર્ષાસત્રમાં તે જોવા મળ્યું છે. કોરોનાના બીજા ખતરનાક બનાવાયેલા તબક્કામાં સારવાર અને ઓક્સિજનના અભાવે થયેલાં અગણિત મોત, વેક્સિનની કિંમત તથા કિસાન આંદોલનની છાયામાં સંસદનું વર્ષાસત્ર મળ્યું હતું. આ બાબતે સરકારની નિષ્ફળતા ઉપરાંત વિપક્ષ પાસે ગરીબી, બેરોજગારી અને મોંઘવારી જેવા સનાતન મુદ્દાઓ તો હતા જ. પરંતુ સંસદના વર્ષા સત્રના ઉઘડતા દિવસે જ પેગાસસ જાસૂસીનો નવો મુદ્દો ઉઠ્યો.

સંસદમાં વિપક્ષની માંગ જાસૂસીની કોઈ તપાસની નહીં પણ યોગ્ય નિયમ હેઠળ ચર્ચાની હતી. પરંતુ લોકસભામાં જોરાવર બહુમતી ધરાવતા સત્તા પક્ષ ભા.જ.પે. સંવાદહીન લોકતંત્રની છાપ કાયમ રાખીને વિપક્ષની વાત ન માની. સરકારે સંસદમાં ફટાફટ બિલો પસાર કરાવ્યા અને વહેલું સત્ર આટોપી લીધું. કેન્દ્રના સત્તા અને વિપક્ષો શાસિત રાજ્યોમાં પણ વિપક્ષો વિરોધી માનસિકતા છે. કેન્દ્રના કાઁગ્રેસ સહિતના વિપક્ષોના સત્તાવાળા રાજ્યોની વિધાનસભાઓમાં કેન્દ્રના નાગરિકતા અને કૃષિ ખરડાઓની વિરુદ્ધમાં પ્રસ્તાવો પસાર થયા છે. ધારાગૃહોનો બહિષ્કાર અને હોબાળાથી કામગીરી અટકાવવાનું વલણ અપવાદને બદલે રાબેતો બની ગયો છે. સંસદ અને વિધાનસભાઓમાં સંવાદહીનતા અને સર્વસંમતિના અભાવને કારણે સરકારના લોકહિત વિરોધી  કાયદા કે પગલાં માટે લોકોને સડક પર આવવું પડે છે.

થોડા સમય પહેલાં પાકિસ્તાનની સંસદમાં ઈમરાનસરકારના માહિતી અને પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરીએ વિપક્ષ સમક્ષ એવો પ્રસ્તાવ મૂક્યો હતો કે જો વિપક્ષો સરકારની જ્યાં બહુમતી નથી એવા સંસદના બીજા ગૃહની કાર્યવાહીમાં કોઈ ખલેલ નહીં પહોંચાડવાની લેખિત બાંહેધરી આપે તો જ આ ગૃહમાં વિપક્ષના નેતાને બોલવા દેવામાં આવશે. ભારતમાં શું આપણે આવી સ્થિતિ નોતરવી છે?

વડા પ્રધાને ૨૦૧૯માં ‘મનકી બાત’માં કહ્યું હતું કે ‘કાયદા અને નિયમો સિવાય પણ લોકતંત્ર આપણા લોહીમાં વણાયેલ છે, તે આપણી સંસ્કૃતિ છે, આપણો વારસો છે.’ જો કે દેશની સંસદ અને રાજ્યોના ધારાગૃહોની કાર્યવાહીમાં આ વાતનો પડઘો જોવા મળતો નથી. લોકતંત્ર એટલે માત્ર ચૂંટણીઓ જ નહીં સ્વતંત્ર, ન્યાયી અને સતત સંવાદ સાધતી સંસદ અને ધારાગૃહો પણ.

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...1,8721,8731,8741,875...1,8801,8901,900...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved