Opinion Magazine
Number of visits: 10,225,747
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ટ્રાઇકુ

રવીન્દ્ર પારેખ|Poetry|3 November 2021

પંખી ચાંચથી
પડ્યો સૂર્ય દરિયે
જળ સોનેરી

પર્વતે હસ્યો
સૂર્ય: પડધે અબ્ધિ
જળ સોનેરી

સાગરે ડૂબે
તોયે કરે સૂરજ
જળ સોનેરી
0

ટ્રાઇકુ વિશે થોડું –

0

આમ ટ્રાઇકુ ત્રણ હાઇકુનો સમૂહ માત્ર છે. જે હાઇકુ માટે અનિવાર્ય છે તે ટ્રાઇકુ માટે પણ છે જ, તે ઉપરાંત એની વિશેષ શરત એટલી છે કે ત્રણે હાઇકુ એક જ પરિવેશ પર રચાય છે. અહીં આકાશ, સાગર અને પર્વત જે રીતે દૃષ્ટિગોચર થાય છે તે હાઇકુમાં પ્રવેશ્યાં છે. એમાં બીજી મહત્ત્વની શરત એ છે કે એક પદાર્થ કે તત્ત્વ ત્રણે હાઇકુમાં સામાન્ય રહે છે. અહીં એ સૂર્ય છે. એક નજરમાં સમાતી પ્રકૃતિ ટ્રાઇકુનો વિષય થઈ શકે છે. એની ત્રીજી શરત એ છે કે ત્રણે હાઇકુ પરિણામ તો એક જ આપે, એટલે છેલ્લી પંક્તિ ત્રણેમાં એક જ રહે તે અનિવાર્ય છે.

આ એક પ્રયોગ છે. આશા છે ભાવકોને એ ગમશે.

0

આ પ્રયોગ આ વખતના 'કુમાર'ના દીપોત્સવી અંકમાં પ્રગટ થયો છે, તે જાણ માટે.

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

સાદગીની કોઈ સરખામણી નથી હોતી

પીયૂષ પારાશર્ય|Opinion - Opinion|2 November 2021

આ લખી રહ્યો છું, ત્યારે ૧૯૩૨ના સપ્ટેમ્બર, ૧૬થી લંડનમાં શરૂ થયેલી રાઉન્ડટેબલ કૉન્ફરન્સની યાદ તાજી થઈ આવે છે. ભારતને થોડા સમયમાં આઝાદી મળશે તેવી પ્રસ્તાવના અને આશા સાથે આ કૉન્ફરન્સમાં ભાગ લેવા માટે ગાંધીજી અને સર પ્રભાશંકર પટ્ટણી, મહાદેવભાઈ દેસાઈ તથા અનેક મહાનુભાવો અને રાજકીય નેતાઓ એસ.એસ. રાજપૂતાના નામની સ્ટીમરમાં મુંબઈથી લંડન જવા નીકળેલા.

આ સમયે તેમને વિદાય આપવા મારા દાદાજી સ્વ. વિજયશંકર કાનજી પટ્ટણી કે, જેઓ પ્રભાશંકરના કાકાના દીકરા ભાઈ થતા હતા, તેઓ પણ ગયેલા. સ્ટીમરમાં સામાન ચડી ગયેલો. ગાંધીજી અને તેમના સાથીઓનો પણ ખૂબ જ સામાન હતો. આટલો બધો સામાન જોઈને અકળાઈને ગાંધીજી બોલ્યા કે “મહાદેવ, આટલો બધો સામાન સપ્રુ અને જયકરને શોભે, આપણને ન શોભે”. સપ્રુ અને જયકર એ સરકાર તરફથી જનારા અધિકારીઓ પૈકીના નામાંકિત ધારાશાસ્ત્રીઓ હતા. ગાંધીજીનું આ વાક્ય સાંભળીને મારા દાદાજીથી નારાજગીભર્યું હસાઈ ગયું એ તરફ ગાંધીજીનું ધ્યાન ગયું અને તેમણે પ્રભાશંકરને પૂછ્યું કે, હું આમ બોલ્યો, ત્યારે આ ભાઈ કેમ હસ્યા? કોણ છે એ? પ્રભાશંકરે કહ્યું, “મારો નાનો ભાઈ છે અને એમને આપ જ પૂછોને ? “પૂ. ગાંધીજીએ વિજયશંકર પાસે આવીને પૂછ્યું કે હું આમ બોલ્યો, ત્યારે તમે કેમ નારાજગીભર્યું હસ્યા? વિજયશંકરે નમ્રતાથી જવાબ આપ્યો કે સાદગીની કોઈ સરખામણી ન હોઈ શકે. સહુ કોઈ પોતપોતાની રીતે સાદગી અપનાવતા જ હોય છે પણ આપ આ રીતે બોલ્યા અને મારાથી હસાઈ ગયું, મારી નારાજગી અભિવ્યક્ત થઈ ગઈ એ મારી અંગત મર્યાદા માટે માફી માગું છું.”

ગાંધીજીને બીજી ગોળમેજી પરિષદમાં જવા માટે તૈયાર કરનાર સર પ્રભાશંકર હતા, તેમણે ગાંધીજીને સમજાવેલું કે, ભારતમાં તમે જે કંઈ કહો છો તે સમાચાર ચળાઈને બ્રિટનના લોકો સુધી પહોંચે છે. આપ બ્રિટનની પ્રજા વચ્ચે જઈને કહો તો તેની ઘેરી અસર પડશે. ગાંધીજી સંમત થયા અને માન્ચેસ્ટર મિલના કામદારો વચ્ચે જઈ વાતો કરી. આંદોલનનું આ એક મોટું પગલું હતું. આ સમય દરમિયાન પ્રભાશંકરે એક મોટું પગલું ભર્યું, જે એક મોટા સંસ્મરણરૂપે આપણી સામે આજે ય છે. તેમણે પૂ. ગાંધીજીને કહ્યું કે, અમને ન ગમે તેવાં અનેક કામ કરવાનું તમે અમને કહો છો, તો તમને ન ગમે તેવું અમારું એક કામ આપશ્રી કરો. મારા અંગત સંગ્રહ માટે આપનું એક તૈલચિત્ર તૈયાર કરવું છે, તે માટે આપ અનુમતિ આપો. પૂ. ગાંધીજી સહમત થયા અને જે માણસ ફોટોગ્રાફ પડાવવા માટે પણ સહમત ન થાય તેણે એક તૈલચિત્ર બનાવવા માટે બે-બે કલાકના ચારેક સીટિંગ આપેલા. બ્રિટનના જગવિખ્યાત પોટ્ર્રેઇટ આર્ટિસ્ટ ઓસ્વાલ્ડ બિર્લી પાસે આ તૈલચિત્ર તૈયાર કરાવ્યું. ઓસ્વાલ્ડ બિર્લીને પછીથી ‘સર’નો ઇલ્કાબ મળેલો!

આ તૈલચિત્ર લઈને પ્રભાશંકર ભાવનગર આવ્યા અને એક પેટીમાં રાખી મૂક્યું. પોતાનો અંત નજીક આવતો જોઈને તેમના પુત્રરત્ન અનંતરાય પટ્ટણી, જેઓ ત્યારે જૂના ભાવનગર રાજ્યના દીવાન બની ગયા હતા, એમને બોલાવીને કહ્યું કે, દેશ સ્વતંત્ર થાય, ત્યારે હું નહીં હોઉં, પણ તું હોઈશ. હું ઇચ્છું છું કે, આ પેટીમાં આ એક એવી વ્યક્તિનું ચિત્ર છે કે, જેણે દેશની સ્વતંત્રતા મેળવવા માટે સહુથી મોટું કામ કર્યું છે. અને તે તૈલચિત્ર દેશના પાર્લમેન્ટ હાઉસમાં મુકાય. અનંતરાયને ખબર હતી કે, આમાં પૂ. ગાંધીજીનું તૈલચિત્ર છે. પ્રભાશંકરનું તા. ૧૬-૨-૧૯૩૮ના દિવસે અવસાન થયું કે, જ્યારે તેઓ ૧૭-૨-૧૯૩૮થી હરિપુરામાં યોજાયેલા કાઁગ્રેસ-અધિવેશનમાં હાજરી આપવા જવાના હતા. તેમની અનુપસ્થિતિમાં પછીથી ભાવનગર રાજ્ય તરફથી દુલાભાયા કાગ અને અંગત લોકો ગયેલા.

તા. ૧૫-૮-૧૯૪૭ના દિવસે દેશ આઝાદ થયો અને અનંતરાયે રાજેન્દ્રપ્રસાદને પોતાના સ્વર્ગસ્થ પિતાની ઇચ્છાની જાણ કરી. આ સમયે બંધારણસભાની કાર્યવાહી રોજ ચાલતી હતી. એ દરમિયાન તા. ૨૮-૮-૧૯૪૭ના દિવસે (જ્યારે પૂ. ગાંધીજી હજી આપણી વચ્ચે હતા) બંધારણીય સભાના પ્રમુખ ડૉ. રાજેન્દ્રપ્રસાદના વરદ્દ હસ્તે આ તૈલચિત્રનું અનાવરણ થયેલું. પ્રભાશંકરની જેમ તેના પુત્રરત્ન અનંતરાય પણ અંગ્રેજી અને સંસ્કૃત સાહિત્યના અભ્યાસી હતા અને તેમની પણ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્‌ સાથે સારી મૈત્રી હતી. આ પોર્ટેઇટની સાથે અનંતરાયે ડૉ. રાધાકૃષ્ણન્‌ સાથે પડાવેલી તસવીર અમારા પરિવારના સંગ્રહમાં છે. ગાંધીજીએ તૈલચિત્રમાં આપેલો પોઝ એક સિગ્નેચર પોઝ બની ગયેલો છે. એ ફોટોગ્રાફની એક કૉપી અનંતરાયે મારા પિતાશ્રી સ્વ. મુકુન્દ પારાશર્યને તા. ૩૦-૧-૧૯૪૮ના દિવસે સવારમાં આપેલી, જેમાં લખેલું છે. “ચિ. મુકુન્દને – અનંતરાય”. અને એ સાંજે પૂ. ગાંધીજીની હત્યા થઈ. બંધારણસભાની દૈનિક કાર્યવાહીના તા. ૧૫-૮-૧૯૪૭થી ૩૧-૮-૪૮નાં પાનાંઓ મારી પાસે છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2021; પૃ. 07

Loading

જીવન અને મૃત્યુની વિમાસણ

વાસુદેવ મ. વોરા|Opinion - Opinion|2 November 2021

ભાષાશાસ્ત્રના નિષ્ણાત તેવા નિવૃત્ત પ્રાધ્યાપક અને તેમનાં પત્નીએ, શારીરિક તકલીફોથી કંટાળીને ગયા મહિને અમદાવાદમાં પોતાના જીવનનો અંત આણ્યો. તેમને ‘નિરીક્ષક’ના તંત્રીશ્રીની અંજલિ સાથે દિવંગત પ્રાધ્યાપકની અંતિમ નોંધ ‘નિરીક્ષક’માં આપણે જોઈ છે.

આ દુઃખદ ઘટના અફસોસજનક હોવા ઉપરાંત કંઈક વિશેષ અર્થમાં અસર કરી જાય તેવી છે, જીવન, જિંદગી અને મૃત્યુ એ દરેક માટે અલગ ને અંગત અનુભવ, સમજ અને અર્થ ધરાવતી હકીકત હોય છે. સૌને માટે આ નિશ્ચિત ઘટના હોવા છતાં તે મહદંશે આકસ્મિક રીતે સતત બનતી રહે છે. દુનિયામાં જ્યારે સોએ માત્ર નવ વ્યક્તિ જ પાંસઠ વર્ષથી વધુ જીવે છે (ભારતમાં તો તે આંકડો ૬.૫૭ છે !) ત્યારે માનવમૃત્યુ કેવું આકસ્મિક છે તે સ્વયંસ્પષ્ટ છે. સંસ્કૃતિ અને શિક્ષણનો પ્રભાવ જો કે તેમાં હકારાત્મક અસર પાડી શકે, પરંતુ તે બીજી અનેક બાબતો પર આધારિત હોય છે. આપણા દેશના સ્વરાજ પછીના ફેરફારો અને અત્યારના, અનુઆધુનિક સમયની અસરોમાં મનુષ્ય વધુમાં વધુ માનસિક તણાવ તેમ જ અસંતોષમાં જીવન પસાર કરી રહ્યો છે. આજે હવે વધતી ઉંમરની સાથે શારીરિક બિમારીને તકલીફોમાં લંબાતું આયુષ્ય કેટલું કંટાળાજનક હોતું હશે, તે માત્ર સંવેદનાપૂર્વક સમજવાનું હોય છે. એક વિદ્વત્જન જ્યારે આ કોયડાના અનિચ્છનીય ઉકેલ માટે નિર્ણય કરે છે, ત્યારે પૂરા સમાજજીવન અને તેની ગતિવિધિઓ સામે શંકાસ્પદ સવાલ ખડો થાય છે. આ ઘટના એકલદોકલ નથી જ તે આપણે સૌ જાણીએ છીએ, પરંતુ તેને વ્યક્તિગત માની કે મનાવીને તેના વિશે ઉદાસીન રહેવાનું પસંદ કરવામાં આવે છે. શું આ રીતરસમ યોગ્ય, બૌદ્ધિક, સાંસ્કૃતિક, સામાજિક, વિકસિત ને માનવીય ગણી શકાય ?

સંથારો કે તેવા મતલબની સમજથી આવકારેલ પોતાનું મૃત્યુ તે સ્વૈચ્છિક, પોતાના આત્માના કલ્યાણ માટે કરેલું અનુષ્ઠાન છે, તેથી તેવી રીતના મૃત્યુ વિશે અહીં ચર્ચાની વાત નથી. પરંતુ કોઈ પ્રકારનાં માનસિક દબાણ કે વલણને લીધે વહોરી લીધેલ મરણ તે અનિચ્છનીય હોય છે, તેથી આવી માનસિક સ્થિતિનાં કારણો તે મુખ્ય સવાલ હોવો જોઈએ.

આ કારણો દેખીતી રીતે વ્યક્તિગત ગણી લેવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં તે પૂરી સામાજિક જીવનવ્યવસ્થા સાથે સંકળાયેલ હોય છે એ તો સહજ સમજાય તેવું છે કે, આધુનિક સમયમાં માનવીની મનોબળની આંતરિક ક્ષમતા ઝડપથી ઘટી રહી છે. સમાજમાં કુટુંબથી આગળ વધીને વ્યાપક સૌહાર્દના અનુભવના અભાવની અસર પણ સહજ બની રહી છે. સામાજિક માહોલમાં સદ્‌ભાવના ન હોય તો માનવીય વિકાસની કઈ દિશા સંભવિત બને છે – પ્રગતિ કે પરાગતિ ? સમાજમાં ઉકળાટ, અશાંતિ, અવિશ્વાસ અને ભયનો પ્રભાવ પ્રબળ બનતો રહે, તો માનવવસ્તી અને જંગલનાં પશુજીવનનાં વાતાવરણ વચ્ચે તફાવત નહિવત્‌ બની રહે છે. આથી, તેનાં મૂળમાં જવાથી આપણી વર્તમાન જીવન-વ્યવસ્થા અને દૃષ્ટિ અથવા અભિગમ વિશે સ્પષ્ટતા થઈ શકે. તે બાબત જ આધુનિકતાની સામે પડકારરૂપ બને છે. સુખ અને આનંદ વિશેની આધુનિક સમજ  માનવીય ગુણવિકાસ સાથે કેવી રીતે અનુબંધ સાધે તે વાતને અવગણવામાં આવે છે, તેથી વિદ્વાનો પણ તેને ઉજાગર કરતાં ખચકાટ અનુભવે છે, તેમ જણાય છે. જીવનની ઘરેડમાં ગોઠવાઈ જવાની હોડમાં 'ખરો સુધારો’ શું તે સત્યના આગ્રહની હામ ભરવાનું પણ હવે અનિચ્છનીય બની રહ્યું છે અને તે વલણને આધુનિક સત્ય માનવામાં ડહાપણ ગણાય છે.

આધુનિકતા તે માનવીની જીવનદૃષ્ટિના બદલાવનું મહત્ત્વનું પ્રબળ પરિબળ હોવાનું સમજવામાં આવે છે, ત્યારે સવાલ થાય કે ખરેખર જીવનદૃષ્ટિમાં તે બદલાવ આવે છે? વાસ્તવમાં શું કોઈ જીવનદૃષ્ટિ હોય છે ખરી? જીવન તો હોય છે, પણ તેને જીવવાની કોઈ ચોક્કસ રીત, સમજ, અભિગમ, વિચાર કે નિષ્ઠાની સ્પષ્ટતા હોય છે ખરી? જો તેવું કાંઈ છે જ નહીં, તો વાત સહેલી બની જાય છે, પણ એવું માનવામાં, ધારવામાં કે સમજવામાં આવે છે કે જેમની પોતાની સંસ્કૃતિની ધરોહર છે, તેઓનાં જીવન કોઈ મૂલ્યને ચરિતાર્થ કરવાની સમજથી કે પ્રેરણાથી દોરાયેલાં હોય છે. આ બાબતને સાધારણ રીતે જીવનદૃષ્ટિ તરીકે સમજી લેવામાં આવે છે.

એકવીસમી સદીમાં ભારતનો શહેરી સમાજ અને આધુનિકતાની હવાથી અસરગ્રસ્ત હરેક ભારતીય પોતાનાં સાંસ્કૃતિક મૂળિયાં સાથે કેટલો ને કેવી રીતે જોડાયેલો રહ્યો છે, તે હવે અજાણ્યું નથી. સાંસ્કૃતિક મૂલ્યો વિશે ઉપેક્ષા ઉપરાંત અજ્ઞાનતા એ ઘણી ગંભીર સ્થિતિ હોવાનો અનુભવ સામાન્ય બાબત બની ગઈ છે. તે એ સમજણ તરફ આપણને દોરી જાય છે, જેનો અર્થ છે જીવનમાં શરીર અને તેના પ્રકૃતિગુણો જ સર્વ કાંઈ છે, જે વાસ્તવમાં જડતાનો સ્વભાવ છે. તેને કોઈ ‘અધિક’ ચૈતન્ય તત્ત્વની કે તેનાં સાતત્યનો વિચાર કે સમજ હોવી જરૂરી નથી. જો માનવી તે પ્રકૃતિગત અસ્તિત્વ માત્ર છે, તો સુખી હોવા છતાં શાંતિ અને આનંદના ક્ષણિક નહીં પણ નિરંતર અનુભવથી વંચિત કેમ રહે છે ? વળી, એમ મનાવવામાં આવે છે કે, આધુનિક વિકાસ તે વિજ્ઞાન આધારિત છે. વાસ્તવમાં એમ કહી શકાય કે, વિકાસની વ્યાવસાયિક વ્યવસ્થા પોતાના હિતમાં વિજ્ઞાનનો મતલબી ઉપયોગ કરી રહી છે. તેનાં દુષ્પરિણામ જીવન અને મરણમાં સ્વાભાવિક રીતે પ્રતિબિંબિત થતાં રહે છે.

આ ટૂંકી ચર્ચામાં વધુ તો શું, પણ સમયના બદલાવની ભૂમિગત વાત ઘરના–ગામના–જ એક વડીલની એેમની જબાનમાં : “નાનાભાઈ(ભટ્ટ)ની ભાગવતકથા વખતનાં સંસ્મરણો પણ માલપરા ઉપરાંત આજુબાજુનાં બધાં ગામને એક કુટુંબભાવમાં જોડનારાં યાદ આવે છે … ઘઉંનો લોટ બધા ગામની બહેનોએ ઘેર ઘેર ઘંટીએ હાથે દળી આપેલો. ગાડાંઓમાં ઘઉં ને પછી લોટ લાવવામાં આવેલ … હું જાજરૂઓની ચર ખોદવાની ટુકડીમાં હતો .. !! ગયા એ દિવસો, ફરી ન મળે એ વાતાવરણ, એ માનસિક ભાવનાની શુદ્ધ વિશાળતા !! એ હતું વસુધૈવ કુટુમ્બકમ્‌!!!!”

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2021; પૃ. 13

Loading

...102030...1,8791,8801,8811,882...1,8901,9001,910...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved