Opinion Magazine
Number of visits: 10,225,750
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘જય ભીમ’ ફિલ્મના મૂળ પાત્ર જસ્ટિસ કે. ચંદ્રુના કાયદા સંદર્ભે વિચારો …

કિરણ કાપુરે|Opinion - Opinion|6 December 2021

જસ્ટિસ કે. ચંદ્રુનું નામ આજકાલ ચર્ચામાં છે; કારણ છે તેમના જીવનમાં આવેલાં એક કેસ સંદર્ભે બનેલી તમિલ ફિલ્મ જય ભીમ. મદ્રાસ હાઇકોર્ટના પૂર્વ જસ્ટિસ કે. ચંદ્રુએ ન્યાયાધિશના પદેથી ટૂંકા ગાળામાં નેવું હજારથી વધુ કેસોના ચૂકાદા આપ્યા છે. તેઓ જાતિગત ભેદભાવના વિરોધી ને વંચિતોના પડખે રહ્યા છે. આજીવન વંચિત વર્ગ માટે લડતા રહ્યા અને આ લડતની શરૂઆત વિદ્યાર્થીકાળથી થઈ ચૂકી હતી. તે વધુ સઘન બની મદ્રાસ હાઇકોર્ટમાં એડવોકેટની પ્રેક્ટિસ દરમિયાન. એડવોકેટ તરીકે પણ તેઓ તમિલનાડુના શોષિત-પીડિત વર્ગ માટે સતત લડતા રહ્યા. ન્યાયાધિશ બન્યા બાદ તેમની ભૂમિકા બદલાઈ, પણ તેમનું હૃદય તે વર્ગ સાથે જ રહ્યું. જય ભીમ ફિલ્મ સમાજની ક્રૂર વાસ્તવિકતા આપણી સમક્ષ મૂકી આપે છે અને તદ્દુપરાંત વ્યવસ્થામાં સામે લડવાનો જુસ્સો પણ પૂરો પાડે છે. આ ફિલ્મ, તેમાં દર્શાવેલા કેસ અને અન્ય કાયદા સંબંધિત બાબતો અંગે જસ્ટિસ કે. ચંદ્રુએ ‘લાઇવલૉ’ નામના એક લિગલ ન્યૂઝ પોર્ટલને ઇન્ટરવ્યૂ આપ્યો છે. આ ઇન્ટરવ્યૂના કેટલાંક અંશો જાગ્રત નાગરિક તરીકે જાણવા-સમજવા જેવા છે. ઓવર ટુ જસ્ટિસ કે. ચંદ્રુસ ઇન્ટરવ્યૂ ….

‘લાઇવલૉ’ના પ્રતિનિધિ જસ્ટિસ કે. ચંદ્રુને પૂછે છે કે, જય ભીમ ફિલ્મ તમારા દ્વારા લડવામાં આવેલાં રાજકન્નુ-પાર્વતીના કેસ પર આધારિત છે, જેમાં ઇરુલર આદિવાસીનું પોલીસ કસ્ટડીમાં મોત થાય છે. આ કેસ લડીને તમે ન્યાય ઝંખતી રાજકન્નુની પત્નીને ન્યાય અપાવ્યો, પરંતુ દેશમાં આજે પણ પોલીસ કસ્ટોડિયલ મોતનો સિલસિલો ચાલુ જ છે. ગત્ વર્ષે પણ તમિલનાડુમાં જયરાજ અને બેનીક્સ નામની બે વ્યક્તિઓના પોલીસ કસ્ટડીમાં મોત થયા. પોલીસ સામે આવી રીતે અસંખ્ય ચૂકાદાઓ આવ્યા છતાં પોલીસના અત્યાચાર કેમ થંભતા નથી? પોલીસ કેમ અમાનવીય રીતે વર્તે છે? પોલીસ વ્યવસ્થામાં કશુંક મૂળભૂત રીતે ખોટું થઈ રહ્યું છે?

આ વિશે જસ્ટિસ ચંદ્રુ કહે છે કે, “ફિલ્મમાં દર્શાવ્યા મુજબ રાજકન્નુનું પોલીસ કસ્ટડીમાં મોત થાય છે તે ઇરુલર આદિવાસી નથી; બલકે તે કુરવા જાતિનો હતો, જે જાતિને આજે પણ આદિજાતિ તરીકે જાહેર કરવામાં આવી નથી. ફિલ્મના ડિરેક્ટરે ક્રિએટિવ લિબર્ટીના અધિકાર તળે ઇરુલર આદિવાસી કથાવસ્તુમાં લીધા છે, જેઓ પણ આ પ્રકારના જ પોલીસ અત્યાચારના ભોગ બનતા આવ્યા છે. અને આ કારણે ફિલ્મમાં ઇરુલર લોકોની જીવનશૈલીને પણ દર્શાવવામાં આવી છે. પ્રિ-ટ્રાયલ આરોપી માટે સુપ્રિમ કોર્ટ દ્વારા 11 ગાઇડલાઇન નિર્દેશિત કરી આપવામાં આવી છે. ડિ. કે. બસુ વર્સીસ સ્ટેટ ઑફ વેસ્ટ બંગાળના એક કેસમાં પ્રિ-ટ્રાયલમાં આરોપીના અધિકાર દર્શાવવામાં આવ્યા છે. તે કેસ સંદર્ભે સુપ્રિમ કોર્ટે પોલીસ અધિકારી કે મેજિસ્ટ્રેટ સુદ્ધા આ ગાઇડલાઇનને ન અનુસરે તો કન્ટેમ્પ ઑફ કોર્ટ કાર્યવાહી કરવાનો હુકમ આપ્યો છે.

“પોલીસ આ રીતે વર્તે છે તેનું એક કારણ તેમાં રહેલાં અંગ્રેજ કાળનાં મૂળિયાં છે. તમિલનાડુમાં હાલમાં સુધ્ધા ‘મદ્રાસ પોલીસ એક્ટ 1888’ અમલમાં છે. કાયદો વ્યવસ્થા જાળવવામાં અને ગુનાની તપાસ અર્થે હજુ તેઓ સાયન્ટિફિક ઢબ અમલમાં લાવી શક્યા નથી. બ્રિટિશ કાળમાં જુદા જુદા વિસ્તારો મુજબ કાયદો વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેમ કે, આદિજાતિઓ અર્થે ‘ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ’ અમલમાં હતો. આ કાયદા મુજબ કોઈ તપાસ કરવાની જરૂર નહોતી. જો આદિજાતિ ક્ષેત્રમાં કોઈ ગુનો બને અને જે વ્યક્તિ શંકાસ્પદ હોય તે વ્યક્તિ જો ચોવીસ કલાકમાં પોલીસ સ્ટેશનમાં હાજર ન થાય તો તેને ગુનેગાર ગણી લેવામાં આવતો. આ કાયદાને દૂર કરવા લાંબી લડત થઈ, પરંતુ આઝાદી મળ્યા પછી તે કાયદો નાબૂદ થયો. જો કે ‘ક્રિમિનલ ટ્રાઇબલ એક્ટ’ નાબૂદ કરવા છતાં આદિજાતિઓને અત્યાચારથી મુક્તિ મળી નથી. આજે પણ ડિનોટિફાઈડ ટ્રાઈબ્સને તેમની આસપાસ થતાં ગુનાઓમાં શંકાની નજરથી જોવામાં આવે છે. જૂજ એવી આદિજાતિ છે જેઓએ ઉન્નતિ કરી અને તેઓ આમાંથી બાકાત થયા છે. બાકી મહદંશે આદિજાતિના લોકોને આજે પણ તે જ પીડાથી પસાર થવું પડે છે.

“આદિજાતિઓ પાસે ન જમીન છે, ન કોઈ નાગરિક હોવાનો પુરાવો કે ન તો તેઓ પબ્લિક ડિસ્ટ્રિબ્યૂશન સિસ્ટમની યાદીમાં તેમનું નામ છે. આ રીતે તેમની કોઈ ઓળખ ન હોવાના કારણે તેમનાં બાળકો શાળાએ પણ જતાં નથી. રોજગારી પણ તેમની પાસે નથી. આ બધું જ ફિલ્મમાં સમાવવામાં આવ્યું છે. ફિલ્મના પ્રથમ દૃશ્યમાં એ જ દર્શાવાયું છે કે કેવી રીતે આ જાતિના લોકોને જે કેસ સોલ્વ ન થયા હોય તેના માટે આરોપી બનાવીને લઈ જવામાં આવે છે. આ કારણે પોલીસે પોતાનું વલણ બદલવાની જરૂર છે અને સાથે સાથે ગુનાની તપાસ કરવાની ટેકનિક પણ અત્યાધુનિક બનાવવાની આવશ્યકતા છે.”

‘લાઇવલૉ’ના પ્રતિનિધિ બીજો પ્રશ્ન જસ્ટિસ ચંદ્રુને પૂછે છે કે, સામાન્ય રીતે ફિલ્મોમાં પોલીસની બહાદુરી દાખવવામાં આવે છે. હૈદરાબાદ એન્કાઉન્ટરમાં આપણે જોયું કે પોલીસે જે કર્યું તે વિશે લોકોએ આનંદ વ્યક્ત કર્યો. જય ભીમમાં પોલીસની ક્રૂરતા સાથે પીડિતની મજબૂરી પણ દર્શાવવામાં આવી છે. શું તમે માનો છો કે આ જય ભીમ ફિલ્મ સામાન્ય લોકોના માનસ પર પોલીસનું વાસ્તવિક ચિત્ર રજૂ કરે છે અને પોલીસનું હિરોઇઝ્મ ઉજવવા કરતાં તેમને વધુ જવાબદેહ બનાવે છે.

આ પ્રશ્નના સંદર્ભમાં જસ્ટિસ ચંદ્રુ ઉત્તર વાળતા કહે છે કે, “જય ભીમ જેવી ફિલ્મ સંભવત્ પોલીસ અને ન્યાયિક વ્યવસ્થા સમજણને સ્પષ્ટ કરવામાં ભાગ ભજવે છે. એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પોલીસ અધિકારીઓના કાર્યને બિરદાવવાનું કારણ મહદંશે ન્યાય મેળવવામાં થતો વિલંબ છે. જો ગુનેગારને સમયસર સજા થાય તો નિશ્ચિત ન્યાયિક વ્યવસ્થામાં લોકોનો ભરોસો વધશે.

તે પછીનો જસ્ટિસ ચંદ્રુને સવાલ છે કે, તમે ઘણા પોલિટિકલ એક્ટિવિઝમમાં રહ્યા અને લિગલ પ્રેક્ટિસ સાથે ડાબેરી વિચારધારા સાથે સંકળાયેલા રહ્યા. તો તમે શું એમ માનો છો કે પોલિટિકલ એક્ટિવિઝમમાં રહેવાના કારણે એડવોકેટ તરીકે અને પછી એક ન્યાયાધિશ તરીકે પ્રજા પ્રશ્નો વધુ સારી રીતે સમજી શક્યા? એડવોકેટ પોલિટિકલ હોવો જોઈએ? ન્યાયાધિશ માટે રાજકીય જાગ્રતતા અગત્યની છે?

જસ્ટિસ ચંદ્રુનો જવાબ : “ડાબેરી આંદોલન સાથે હું વીસ વર્ષ સુધી જોડાયેલો રહ્યો. વિદ્યાર્થીકાળમાં પણ હું એક્ટિવિઝમમાં હતો, અને તે પછી પણ મજદૂર યુનિયન એક્ટિવિઝમ અને પક્ષની કામગીરી સાથે રહ્યો. હા, આ કારણે જ વ્યવસ્થાને વધુ સારી રીતે સમજી શક્યો. લોકશાહી અર્થે રાજકીય સમજ વધુ સઘન હોવી જોઈએ. જો એક એડવોકેટ પોલિટિક્સને સારી રીતે સમજે તો તેને માટે કાયદા સાથે કામ પાર પાડવું વધુ સરળ બને છે. એવી જ રીતે ન્યાયાધિશ રાજકીય સ્થિતિને યોગ્ય રીતે ન જાણતા હોય તો ઘણાં કિસ્સામાં તેઓ ગેરમાર્ગે દોરવાઈ શકે છે.”

ફિલ્મમાં દર્શાવાયેલા એક દૃશ્યના સંદર્ભમાં કે. ચંદ્રુને સવાલ પૂછાયો છે કે, ફિલ્મના દૃશ્યમાં એક શાળાના કાર્યક્રમમાં તમારું પાત્ર એવી કોમેન્ટ કરે છે કે, અહીં ગાંધી અને નેહરુ છે પણ આંબેકર નથી. આપણી શાળાઓમાં અને લૉ કોલેજ સુધ્ધામાં આંબેડકરના વિચારોને જૂજ મહત્ત્વ આપવામાં આવે છે તેનો અફસોસ એ દૃશ્યમાં વ્યક્ત કરવામાં આવ્યો છે. શું તમે એવું માનો છો કે બાળકોને ડો. આંબેડકરનો પરિચય વહેલો કરાવવો જોઈએ જે તેઓને સારા નાગરિક બનાવે, સામાજિક નિસબત અને પ્રગતિવાદી વિચારધારા સાથે જોડી શકે?

જસ્ટિસ ચંદ્રુ આ વિશે ઉત્તર વાળતાં કહે છે : “હું એવું દૃઢપણે માનું છું કે લોકોને આંબેડકરનો પરિચય જેટલો થવો જોઈએ તેટલો થયો નથી, વિશેષ કરીને વિદ્યાર્થીઓને. આંબેડકરને મહદંશે પાઠ્યપુસ્તકોમાં એ રીતે રજૂ કરવામાં આવ્યા છે જેથી તેમની છબિ અનુસૂચિત જનજાતિના આગેવાન તરીકેની ઉપસે છે, નહીં કે બંધારણ ઘડનાર તરીકે. વિદ્યાર્થીઓને તટસ્થ રીતે તેમની ઓળખ કરાવવી જોઈએ. મારા કિસ્સામાં જ્યારે પણ ધર્મ કે જાતિ બાબતે કોઈ કેસ આવ્યા ત્યારે આંબેડકરનું લખાણ વાંચીને મને નવા વિચારો સ્ફૂર્યા છે. મારી નિવૃત્તિ પછી મેં આવા કેસોની વિગત એકઠી કરીને ‘માય જજમેન્ટ ઇન ધ લાઇટ ઑફ આંબેડકર’ નામનું પુસ્તક પણ લખ્યું છે. એ ખૂબ દુઃખદ બાબત છે કે લૉ કોલેજમાં સુધ્ધા આંબેડકરનાં લખાણો સંદર્ભ મટિરિયલ તરીકે અપાતા નથી.”

જસ્ટિસ કે. ચંદ્રુએ આ સિવાય પણ ન્યાય, સમાજ અને કાયદા સંદર્ભે અનેક વાતો કરી છે. તે માટે મૂળ ઇન્ટરવ્યૂ વાંચવો રહ્યો, જે WWW. LIVELAW. IN પર ઉપલબ્ધ છે.

e.mail : kirankapure@gmail.com

Loading

અસંમતિનો આટલો ભય શેને કારણે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|5 December 2021

અસંમતિ(The voice of dissent)નો આટલો મહિમા શેને કારણે? અસંમતિનો આટલો ભય શેને કારણે? અને અંતિમ વિજય અસંમતિનો જ થાય એવું શેને કારણે? આ ત્રણ પ્રશ્ન વિચારણીય છે. આના વિષે વિચારશો તો ખ્યાલ આવશે કે સંસારમાં અસંમતિ કેટલું મહત્ત્વનું સ્થાન ધરાવે છે. માનવઉત્થાનના પાયામાં અસંમતિ છે.

પ્રાચીન વૈદિક યુગમાં વેદોના ઋષિઓએ જ્યારે વેદોની રુચાઓ લખી ત્યારે તેઓ બ્રહ્માંડના અનંત સ્વરૂપને જોઇને અને સૃષ્ટિનાં બદલાતાં સ્વરૂપોને જોઇને એક જ સમયે વિસ્મય અને  ભયનો અનુભવ કરતા હતા. પ્રાચીન વૈદિક રુચાઓમાં આવો ભાવ જોવા મળે છે. અનેક રુચાઓ એવી છે જેમાં કુદરતની કૃપાનો મહિમા કરવામાં આવ્યો છે, આભાર માનવામાં આવ્યો છે અને અનેક રુચાઓ એવી પણ છે જેમાં અવારનવાર રૂઠતી કુદરતને રીઝવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. એમાંથી જે પ્રાચીન વૈદિક યુગ અસ્તિત્વમાં આવ્યો એનાં કેન્દ્રમાં અનુક્રમે કૃપા અને યાચના હતાં. સતત ઈશ્વરની કૃપાનો સ્વીકાર કરવામાં આવે અને સતત સુખ અને સલામતીની યાચના કરવામાં આવે. વેદોના પ્રાચીન મંત્રો આ પ્રકારનાં છે. એમાંથી ઈશ્વર સમક્ષ કૃપાની યાચના કરનારું કર્મકાંડ વિકસ્યું.

સતત અહોભાવ, સતત યાચનાઓ અને તેને માટે આખો દિવસ વિવિધ પ્રકારના કર્મકાંડ. આ જોઇને એક દિવસ કોઈના મનમાં પ્રશ્ન થયો હશે કે આવી રીતે આખી જિંદગી માગતા જ રહેવાનું? માનવીએ કોઈ પ્રકારનો પુરુષાર્થ કરવાનો જ નહીં? ઈશ્વર આપનાર, માનવી માગનાર તેમ જ લેનાર અને કર્મકાંડ કરાવનારા બ્રાહ્મણો અપાવનાર એવો જે જીવન વિશેનો અભિગમ છે એ બરાબર નથી. કોઈ એક માણસે શંકા કરી, પ્રશ્ન કર્યો, અસંમત થયો અને પરિણામે આજે જેને આપણે હિંદુ સમાજ કહીએ છીએ એ પ્રાચીન યુગમાં એક કદમ આગળ વધ્યો. આજે જો તમે મહાન હિંદુ પરંપરા અને તેના વારસા માટે ગૌરવ લેતા હો તો તેના પાયામાં કોઈ માણસની અસંમતિ છે. જો એ માણસે અસંમતિ દર્શાવી ન હોત તો આપણે આજે પણ પ્રાચીન અવસ્થામાં જ જીવતા હોત.

અસંમત થનારો એ પહેલો માણસ કોણ હતો એ આપણે જાણતા નથી, પરંતુ તેની અસંમતિ ધીરેધીરે સ્વીકૃત થવા લાગી, જેમાંથી પુરુષાર્થકેન્દ્રી દર્શન વિકસ્યું. માણસ પોતે સ્વપ્રયત્ને પોતાનાં જીવનને સાર્થક કરી શકે છે અને એ જ મોટો પુરુષાર્થ છે. કુદરત તો એનું કામ કરશે, પણ માનવીએ માનવ તરીકે જન્મ લીધો છે તો માનવીય પુરુષાર્થ દ્વારા પોતાનાં જીવનને ધન્ય બનાવવું જોઈએ. કર્મકાંડ અને ઈશ્વરને રીઝવવા માટે આપવામાં આવતા પશુબલિની પ્રથા યોગ્ય નથી. આ સિવાય કર્મકાંડની વાત આવે તો અધિકારની વાત આપોઆપ આવે. કોણ કર્મકાંડ કરી શકે અને કોણ નહીં. કોણ કર્મકાંડ કરાવી શકે અને કોણ નહીં. આમાંથી સામાજિક ભેદ અને અસમાનતા વિકસે. એની સામેની અસંમતી વધારે વ્યાખ્યાયિત થઈ અને વધારે વિકસિત થઈ. સમાજને હજુ વધુ ફાયદો થયો. સમાજને એક ડગલું ઉપર લઈ જનારું દર્શન વિકસ્યું.

જેમ યાચનાઓએ કર્મકાંડનું સ્વરૂપ લીધું અને તેનો અતિરેક થવા માંડ્યો તેમ પુરુષાર્થે તપશ્ચર્યાનું સ્વરૂપ લીધું અને તેનો પણ અતિરેક થવા લાગ્યો. શરીરને કષ્ટ આપવું અને શરીર કોઈ ભોગ ભોગવવા યોગ્ય જ ન રહે એટલી હદે કૃશ કરી નાખવું એને જ લોકો પુરુષાર્થ સમજવા લાગ્યા. આમાંથી ઢોંગ અને દેખાડા શરૂ થયા. ફરી વળી કોઈ એક માણસના મનમાં પ્રશ્ન થયો કે આવો અતિરેક પણ બરોબર નથી. માનવશરીર ભલે વૃત્તિગ્રસ્ત છે, પણ એ જ તો આખરે પુરુષાર્થનું માધ્યમ છે એટલે એને (શરીરને) પાપનું મૂળ અને દોષોની ખાણ સમજીને દંડવું એ બરોબર નથી. પુરુષાર્થના માધ્યમને કૃશ કરી નાખવામાં આવશે તો પુરુષાર્થ કોણ કરશે? કેવળ શરીરને દંડનારી તપશ્ચર્યા એ પુરુષાર્થ નથી.

કોઈ એક માણસે અસંમતિ દર્શાવી અને હિંદુ સમાજ બીજું એક ડગલું આગળ વધ્યો. એ માણસ કોણ હતો એ આપણે જાણતા નથી, પણ એની અસંમતિ સ્વીકૃત થવા લાગી અને એમાંથી મધ્યમમાર્ગી દર્શન વિકસ્યું. આ સંસારમાં જ્યાં સુધી તમે જીવો છો ત્યાં સુધી ડગલેને પગલે તમારે શું સાચું અને શું ખોટું, શું શ્રેયસ્કર અને શું અશ્રેયસ્કર, કેમાં સ્વાર્થ અને કેમાં પરમાર્થ વચ્ચે વિવેક કરવો પડશે. આનાથી કોઈ માણસ બચી ન શકે અને કોઈ એક મનગમતા ગૃહિતના વિકલ્પનું પૂછડું પકડીને વિવેક કરવામાંથી બચવું પણ ન જોઈએ. ગૃહિત નહીં વિવેક. વિવેક ગતિશીલ હોય છે, જ્યારે ગૃહિત સ્થિત્યંતરોને અવરોધે છે.

અહીં મેં અનુક્રમે ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધનો ઉલ્લેખ ટાળ્યો છે. એનું કારણ એ છે કે એ બન્ને પરિપક્વ અસંમતિના ઉદ્ગાતા છે; પહેલી, પ્રાથમિક અને કાચી અસંમતિના ઉદ્ગાતા કોઈ બીજા હતા, જેનું નામ પણ આપણે જાણતા નથી. એવું પણ બન્યું હશે કે પહેલી અસંમતિના ઉદ્ગાતાએ તેની કિંમત પણ ચૂકવી હશે. કદાચ જાન પણ ગુમાવ્યો હશે. સ્વીકૃતિ પહેલાંની અસંમતિ દઝાડનારી હોય છે.

આ દઝાડનારી અસંમતિની આગળ વાત કરતાં પહેલાં અહીં એક વિરામ લઈને એક સપ્તાહ દરમ્યાન એ વિચારો કે અસંમતિથી આપણને ફાયદો થયો છે કે નુકસાન? અસંમતિ નિંદવાયોગ્ય છે કે મહિમાયોગ્ય છે?

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 05 ડિસેમ્બર 2021

Loading

સંસ્થાનવાદનો ઇતિહાસઃ સત્તાઓનો પ્રભાવ ગુલામ દેશોની સંસ્કૃતિ જ નહીં પણ પૃથ્વીના પર્યાવરણ પર પડ્યો

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|5 December 2021

સવલતો આપીને પણ સંસ્થાનવાદી રાષ્ટ્રો દમન કરવાનું તો ચાલુ રાખતા જ, ભારતીય સ્વાતંત્ર સંગ્રામનો ઇતિહાસ આ તમામનું વાસ્તવિક ચિત્રણ છે

બાર્બાડોસ એક એવો દેશ જેનું નામ તમે સાંભળ્યું તો હશે જ પણ બહુ ધ્યાન નહીં આપ્યું હોય. અંગ્રેજોની ગુલામીમાંથી આપણને આઝાદી મળી એને હજી સો વર્ષ નથી થયા, પણ છતાં ય જાણે આપણને એ ઇતિહાસને ઉછાળીને વિવાદો ખડા કરવાની મજા આવે છે. આ બન્ને વાતો વચ્ચે શું સંબંધ એવો વિચાર તમે કરો તે પહેલાં એ સ્પષ્ટતા કરવાની કે બાર્બાડોસ જે કેરેબિયન દેશ છે તેને હમણાં, એટલે કે સાવ હમણાં ગયા અઠવાડિયે, અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ મળી છે. અંગ્રેજોના સંસ્થાનવાદનો શિકાર રહેલા બાર્બાડોસમાં પહેલું અંગ્રેજ જહાજ ૪૦૦ વર્ષ પહેલાં પ્રવેશ્યું હતું અને ત્યારથી જે તેઓ અંગ્રેજોને તાબે હતા. આમ તો બાર્બાડોસને ૧૯૬૬ના નવેમ્બરમાં યુનાઇટેડ કિંગડમથી સ્વતંત્રતા મળી હતી, પણ ત્યાં હજી સુધી અંગ્રેજોની સંપ્રભુતા યથાવત હતી. આઝાદી મેળવવાના રસ્તે તેમણે ધીમે પગલે અંગ્રેજોના પ્રભુત્વને ઘટાડવા તરફ આગળ વધવાનું શરૂ કર્યું હતું. જેમ કે બ્રિટિશ વહીવટી તંત્રની વ્યવસ્થાઓને બદલે તેમણે પોતાની વ્યવસ્થાઓ વાપરવાનું શરૂ કર્યું. ૨૦૦૫માં ન્યાય તંત્ર માટે લંડનની પ્રિવી કાઉન્સિલને બદલે ટ્રિનિદાદની કેરેબિયન કોર્ટ ઑફ જસ્ટિસમાં બાર્બાડોસની ન્યાયિક કામગીરી થવા માંડી. ૨૦૦૮માં પ્રજાસત્તાક દેશ બનવા માટેની હલચલ શરૂ કરાઇ પણ આખરે ગયા વર્ષે બંધારણિય રાજાશાહીનો અંત લાવવાની દેખતી હલચલ શરૂ થઇ જેમ કે નેશનલ હીરોઝ સ્ક્વેરમાંથી અંગ્રેજ વાઇસરોય એડમિરલ હોરેશિયો નેલ્સનની પ્રતિમા હટાવવાની જાહેરાત કરાઇ. હવે બાર્બાડોસમાં  રોયલ કે ક્રાઉન જેવા શબ્દો કોઇ સત્તાવાર જાહેરાતમાં નહીં વપરાય. રોયલ બાર્બાડોસ પોલીસ સર્વીસ અને ક્રાઉન લેન્ડ્ઝમાંથી રોયલ અને ક્રાઉન શબ્દો વાપરવાનું બંધ થશે. ગણતંત્ર દેશ બનેલા બાર્બાડોસને પ્રિન્સ ચાર્લ્સે પણ ભવ્ય સમારંભમાં શુભેચ્છાઓ પાઠવી અને બ્રિટનના રાજવી પરિવાર સાથેના સંબંધો ગાઢ રહેશે તેમ પણ કહ્યું.

સ્વતંત્રતા જેટલો મહત્ત્વનો શબ્દ છે તેટલો જ અગત્યનો શબ્દ છે સંસ્થાનવાદ, જેને અંગ્રેજીમાં કોલોનિયાલિઝમ કહેવાય છે. અંગ્રેજોના ઇતિહાસમાં સંસ્થાનવાદે સૌથી મોટો ફાળો આપ્યો છે. કોલોનિયાલિઝમના ઇતિહાસમાં આર્થિક ગણતરીઓ જ રહેલી હોય છે, રાજવી શાસન તો આર્થિક લેવડ-લેવડ(દેવડ – હોતી જ નથી કારણ કે જે દેશ બીજા દેશને પોતાની કૉલોની બનાવે તે ત્યાંથી માત્ર લે જ છે આપતો કંઇ નથી)ને સરળ બનાવવાનું કામ કરે છે. સંસ્થાનવાદની વ્યાખ્યા કંઇક આવી છે – કોઇ એક સત્તા દ્વારા અન્ય વિસ્તાર-પ્રદેશ કે લોકો જે તે સત્તા પર આધારિત છે તેનો કાબૂ હોવો. એક રાષ્ટ્ર બીજાને તાબે થાય ત્યારે સંસ્થાનવાદ કહેવાય અને આ માત્ર વહીવટી સ્તરે નહીં પણ સંસ્કૃતિ, રહેણીકરણી, ભાષા અને અન્ય તમામ રીતે થતું હોય છે જેમાં જે ગુલામ દેશ હોય તેનું મોટે ભાગે શોષણ જ થાય.  ૧૯૧૪ સુધીમાં વિશ્વના મોટાભાગના દેશો યુરોપિયન્સની કૉલોની હતા. કોલોનિયાલિઝમ એ ઇમ્પિરિયાલિઝમ એટલે કે સામ્રાજ્યવાદ પછીનું બીજું પગલું છે એમ કહી શકાય. સામ્રાજ્યવાદમાં સત્તાનો ઉપયોગ કરીને બીજા રાષ્ટ્ર કે લોકોને તાબામાં લઇ લેવા અને પછી તો સંસ્થાનવાદની જાળ ત્યાં સ્વાભાવિક રીતે પથરાય કારણ કે જે તે ગુલામ દેશમાંથી ફાયદા વ્યાપાર વગેરે મળે તે ઝડપીને પોતાની ગાદી મજબૂત કરવાની હોય.

પ્રાચીન કાળમાં ગ્રીસ, રોમ ઇજીપ્ત અને ફનિશ્યા જેવી સત્તા દ્વારા સંસ્થાનવાદ અનુસરાતો. આ સંસ્કૃતિઓએ ૧૫૦૦ બી.સી.થી પોતાની સરહદો વિસ્તારીને આસપાસના પ્રદેશોમાં ઘુસણખોરી કરી હતી. તેમણે એવી કૉલોનીઝ સ્થાપી જેને પગલે ગુલામ દેશના લોકો અને સ્થાવર સીમાઓને પગલે તેમની સત્તાકીય શક્તિ વધી. આધુનિક સંસ્થાનવાદની શરૂઆત ૧૫મી સદીની સાથે થઇ જ્યારે પોર્ટુગલે યુરોપની બહાર વ્યાપારના નવા માર્ગો અને નવી સંસ્કૃતિઓ શોધવાની પહેલ કરી. ૧૪૧૫માં પોર્ટુગિઝે નોર્થ આફ્રિકામાં સ્વેટા(Ceuta)ને કાબૂમાં લીધું અને ૧૯૯૯ સુધી ત્યાં રાજ ચલાવ્યું.  મેડેરિયા, કેપ વેર્ડે જેવા ટાપુઓ પર કાબૂ મેળવનારા પોર્ટુગીઝને જોઇને સ્પેઇનને પણ આવું કંઇ કરવાની ઇચ્છા થઇ અને ૧૪૯૨માં ક્રિસ્ટોફર કોલંબસે ભારત અને ચીન પહોંચવાના રસ્તા શોધવાનું શરૂ કર્યું. જો કે એમાં તે પહોંચ્યો બહામાઝ અને સ્પેનિશ સંસ્થાનવાદની શરૂઆત થઇ. સ્પેઇન અને પોર્ટુગલ વચ્ચે વધુ વધુ પ્રદેશોને તાબામાં લેવાની સ્પર્ધા ચાલી અને અમેરિકા, ભારત, આફ્રિકા અને એશિયામાં તેમણે અલગ અલગ પ્રદેશો – રાષ્ટ્રોમાં પગપેસારો કર્યો. ઇંગ્લેન્ડ, નેધરલેન્ડ્ઝ, ફ્રાંસ અને જર્મનીએ જલદી જ પોતાની સત્તાનો ફેલાવો કરવાનું શરૂ કર્યું. પોર્ટુગલ અને સ્પેઇને જે પ્રદેશો કાબૂમાં કરેલા હતા તેને જીતવા માટે આ યુરોપિયન દેશોએ તેમની સાથે લડાઇઓ આદરી. યુરોપિયનોનો સંસ્થાનવાદ વિસ્તરતો ચાલ્યો પણ ૧૭૭૬માં અમેરિકન ક્રાંતિની શરૂઆતની સમાંતર ૧૮મી-૧૯મી સદીની શરૂઆતમાં ઘણાં રાષ્ટ્રોએ આઝાદી મેળવી લીધી હતી. ૧૮૮૦ના દાયકામાં યુરોપિયન રાષ્ટ્રોએ આફ્રિકા તરફ નજર દોડાવી જ્યાં ભરપૂર કુદરતી સ્રોત હતા. યુરોપિયન રાષ્ટ્રોએ ૧૯૧૪ સુધી આફ્રિકી જમીનો પર સત્તા ભોગવી કારણ કે ત્યાર પછી ૧૯૭૫ સુધીમાં અલગ અલગ આફ્રીકી સંસ્થાનોએ યુરોપિય સત્તા સામે લડત શરૂ કરી દીધી.

ગુલામ રાષ્ટ્રોએ સંસ્થાનવાદી સત્તાઓની બર્બરતાની આકરી ટીકા કરી. સંસ્થાનવાદી સરકારોએ ગુલામ રાષ્ટ્રોની માળખાકીય સુવિધાઓ, વેપાર વાણિજ્ય, સ્વાસ્થ્યની સવલતો, તકનિકી આવડતો વગેરેને બહેતર બનાવ્યા. અમુક રાષ્ટ્રોમાં પોતાની શિક્ષણ પદ્ધતિઓ પણ લાગુ કરી. તેમનો દાવો હતો કે તેઓ પોતાના ગુલામ બનેલા રાષ્ટ્રોની સ્થિતિ સુધારે છે તો ગુલામ રાષ્ટ્રોની દલીલ હતી કે ફાયદો ભલે કરાવતા હોય પણ અંતે તે તેમના પોતાના સ્વાર્થ માટે છે જેથી તેમની તિજોરીઓ ભરેલી રહે. વળી સવલતો આપીને પણ દમન કરવાનું તો સંસ્થાનવાદી રાષ્ટ્રો નહોતા જ અટકાવતા. ભારતીય સ્વાતંત્ર સંગ્રામનો ઇતિહાસ આ તમામનું વાસ્તવિક ચિત્રણ છે.

બાય ધી વેઃ

સંસ્થાનવાદ અને સામ્રાજ્યવાદને આપણે એક રાષ્ટ્ર તરીકે સારી પેઠે સમજીએ છીએ. આ કારણે પણ સ્વતંત્રતાને લગતી બેફામ ટિપ્પણીઓ પર ખુશી કે રોષથી ઉગ્ર થઇ જવું આપણને શોભે નહીં. મજાની વાત એ છે કે સંસ્થાનવાદને પગલે માત્ર સંસ્કૃતિઓ જ નહીં પણ પૃથ્વીના પર્યાવરણમાં ય ફેરફાર આવ્યો છે. યુ.એસ.માં જોવા મળતા અળસિયાઓ યુરોપિયન મૂળનાં છે કારણ કે તેમને યુરોપિયન્સ ૧૬મી સદીમાં નોર્થ અમેરિકા લાવવામાં આવ્યા હતા. અમેરિકા શોધાયો તેના દાયકાઓમાં યુરોપિયન્સ ત્યાંના બટેટા અને ટમેટાં ખાતા હતા તો ચીન અને ભારત તેના બૅલ પૅપર્સ એટલે કે જેને આપણે લાલ લીલા પીળાં ભોલર મરચા કહીએ છીએ તે ખાવા માંડ્યા હતા. સંસ્થાનવાદ રાજકીય, સત્તાકીય, વહીવટી, પર્યાવરણીય, સંસ્કૃતિ, જીવ જંતુઓથી માંડીને પશુઓ સુધીની લેવડ-દેવડ છે. સંસ્થાનવાદી દેશોના જહાજોનાં ઉંદરડાઓ અને જીવાતો ગુલામ દેશોમાં વસતા શીખી ગયા. એન્થ્રોપ્રોસિન એટલે કે ભૌગોલિક વય પર માણસના વહેવારની સૌથી વધુ અસર પડે અને સંસ્થાનવાદને પગલે પૃથ્વીની ભૌગોલિક વય પર કેવી અસર પડી છે તે અંગે જાણવું હોય તો એક બીજા લેખની જરૂર પડશે એ ચોક્કસ.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  05 ડિસેમ્બર 2021

Loading

...102030...1,8511,8521,8531,854...1,8601,8701,880...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved