Opinion Magazine
Number of visits: 10,225,828
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિનોદ દુઆ – ખાધું, પીધું, ગાયું અને પેટ તાણીને પત્રકારત્વ પણ કર્યું

કેતન રુપેરા|Opinion - Opinion|5 December 2021

હૃદયાંજલિ …

એમના કામના પ્રેમમાં પડી જવાય એવું નામ. પત્રકારત્વને જોવા-સમજવાની આંખ ખૂલું ખૂલું થવાના વર્ષોમાં કોઈ પત્રકારને પહેલવહેલું નામથી ઓળખવાનું થયું એ નામ જ હતું વિનોદ દુઆ. ઝી ટી.વી.થી લઈને પછી લંગાર લાગતી ગઈ એવી ન્યૂઝ ચેનલો આવવાનાં વર્ષો ને દૂરદર્શનના આથમતા કાળનો એ આરંભ હતો. દૂરદર્શન અને સહારા ચેનલ પર છાપાંની ‘સૂર્ખિયાં’નું એ જે પઠન કરતાં તે અક્ષરસ: પઠન હોવા છતાં પઠનથી વિશેષ લાગતું. પઠનમાં પ્રાણ પૂરાઈને આવતો એવી અનુભૂતિ થતી એવી એમની શૈલી. અહીં ‘શૈલી’ લખાઈ તો ગયું, પણ એને શૈલી કહેવું એ હવે જરા છીછરું લાગે છે. એમની સહજતાને થોડો અન્યાય થયા બરાબર લાગે છે. આપણે એને ‘સહજતા’ જ કહીએ. તો, દેશનાં અગ્રણી અખબારની સૂર્ખિયાંના પઠનમાં પણ પ્રાણ પૂરાઈને આવતો એવી સહજતા એમને સાંભળીને અનુભવાતી.

એ સહજતા ક્યાં સુધી રહી? છેલ્લે, ‘જન ગણ મન કી બાત’ કરતાં, છેક ત્યાં સુધી. દૂરદર્શન કે એન.ડી.ટી.વી. પરનાં એમનાં પ્રારંભનાં કે શિખરનાં વર્ષોથી આ વર્ષો ખાસ્સાં અલગ હતાં. પોતાની સામે જ પોતાને મોટી સ્ક્રીનમાં નિહાળતા રહીને, આંખો સહેજ પણ પટપટાવ્યા વગર કે વાક્યરચનાનાં વિશેષ વળાંકે આંખો વિશેષ રીતે મીચકારી તરત ખોલીને અસ્ખલિત વાણીપ્રવાહ ચાલુ રાખવાના આ વર્ષોમાં ય એમણે પોતાની પહેલાવાળી – અસલના જમાનાની સહજતા જારી રાખી હતી. એ જ રીતે પ્રધાનસેવકની જુમલાબાજી કે ગૌણસેવકો અને ભક્તોની ખોટી દલીલબાજીની ખબર લેતાં ત્યારે હાથમાં કાગળિયાં ચોક્કસ રાખતાં. પત્રકારને બધું મોઢે હોવું જ જોઈએ, પત્રકાર બધું જાણતો હોવો જોઈએ કે કમ સે કમ એવું દેખાવું જોઈએ એવા કોઈ જ પ્રકારના ભ્રમ-ભારણ વગરની એમની અભિવ્યક્તિ એટલે જ સહજ હતી.

વચ્ચેનાં થોડાં વર્ષોમાં ‘ઝાયકા ઇન્ડિયા કા’ કરી આવ્યા, લગભગ દેશ આખો ફરી આવ્યા, રોડસાઇડ ખાણીપીણીથી લઈને હાઇવે પરનાં ઢાબામાં લટાર મારી આવ્યા, ત્યારે વ્યક્તિગત રીતે પત્રકારત્વમાં એમની ખોટ વર્તાતી લાગી (આપણામાંથી ઘણાંને લાગી હશે), પણ પછી પાછા ફરીને જે વરસ્યા, એ લાંબો કૂદકો મારતાં પહેલાંનાં પાછાં ભરેલાં પગલાં જ લાગ્યાં. જો કે  ઝાયકાના કેટલાક એપિસોડ્સમાં દુઆને જીવનનો એ લુત્ફ ઉઠાવતાં જોઈને જ કદાચ વિચાર સળવળ્યો હશે કે પત્રકાર છીએ તો શું થયું, મુખ્ય તો જીવન છે. અને જીવનનાં અનેક રંગો છે. કોઈ પત્રકાર રાજકારણ-સમાજકારણથી થોડો બ્રેક લઈને લોકજીવનનાં એ રંગને પણ પોતાની પૂરી શક્તિ અને અભિવ્યક્તિથી આટલી રસિક ને રોમાંચક રીતે વ્યક્ત કરી જાણે છે, તો શું વાંધો છે? તીખી-તમતમતી, મીઠી-મધમીઠી, સ્વાદિષ્ટ, રસસભર, ચટાકેદાર વાનગીઓનો સ્વાદ માણીને જે બે-ચાર શબ્દો કે વાક્યો બોલતાં એમાં ય એ, પેલી સહજતા તો અનુભવાતી જ. ક્યારેક તો જાણે આપણે પોતે જ એ આરોગી હોય એવા આનંદ કે સંતોષની કક્ષાએ પહોંચી જતી.

મુખ્ય પ્રવાહનું પત્રકારત્વ હોય કે એની કરોડરજ્જુ જેના પર ટકી છે એવા આમ આદમીની એક મુખ્ય જરૂરિયાત એવા ખોરાક(અહીં ખાણીપીણી)ની પેશગી હોય, દુઆ જે સ્ટાન્ડર્ડ સેટ કરતા ગયા છે એ આજે ય ઘણી ચેનલો ને એનાથી ય ઘણી મોટી સંખ્યાના એન્કર્સ, એને ચોક્કસ એક લિગસી રૂપે જોતાં હશે.

વિનોદ દુઆએ પત્રકારત્વમાં ઘણું બધું કર્યું છે. અલ્ટ્રા નેટના આ જમાનામાં સેકન્ડોમાં જ સેંકડોની સંખ્યામાં સર્ચ લાગી ચૂકી હશે ને એક ક્લિકે કે બે થમ્બે એટલું બધું ઉપલબ્ધ પણ થઈ રહ્યું હશે કે ભાગ્યે જ કોઈના માટે કશું ક એક્સક્લુઝિવ બચશે. પણ દુઆ જે મુકીને ગયા, જે હંમેશાં મારા-તમારા-આપણા જેવા પત્રકારો-લેખકો ને દર્શકો-વાચકોની સાથે રહેશે એ એમની સહજ ને વિનોદ ભરી હાજરીની અનુભૂતિ.

સલામ વિનોદ દુઆ.

ઓપિનિયન, ૫–૧૨-’૨૧માંથી સાભાર

***

સમાચાર મળ્યાની સાંજે જ લાગેલા આંચકા અને આવેલા ઉછાળામાં આ લખાઈ ગયા પછીના દિવસોમાં દુઆ વિશે વધુ વાંચવા–સાંભળવાનું થાય છે ત્યારે બૂમબરાડા, બિન–જરૂરી આક્રોશ, બાલિશ હરકતો, આક્ષેપબાજી અને પોતે જ બોલતા રહીને સામેનાને સાંભળવા સુદ્ધાં નહીં–ની પાછલાં વર્ષોમાં વકરેલી સ્ટાઇલ જોતાં, દુઆ ‘ન્યૂ ઇન્ડિયા’નું મીડિયા કઈ દિશામાં જશે, એને પહેલેથી પારખી ગયા હશે એમ લાગે. દુઆની એક નવા આવેલા પત્રકારને આપેલી શિખામણ એ અણસાર આપે.

અંતિમસંસ્કાર વખતે એન.ડી.ટી.વી.એ ઘણા પત્રકારો અને રાજકારણીઓને દુઆ અંગે પૂછ્યું. મનોરંજન ભારતીએ પત્રકારત્વની શરૂઆત જ દુઆ સાથે કામ કરીને કરી હતી. એની મીઠી શીખ સંભારતા કહે છે, “ઉન્હોં ને કહા થા, બેટા, ઐસા હૈ કિ યદી એક બાર કૅમેરા ઑન હો જાયે ઔર લાઇટ ઑન હો જાયે, તો  કઠિન સે કઠિન સવાલ પૂછતે મત ગભરાના, લેકિન સવાલ મુસ્કુરાતે હુએ પૂછના, ચિલ્લાકે નહિ પૂછના.” મનોરંજન ભારતી ઉમેરે છે, “યે સિખ જો હૈ વો આજ કે સભી પત્રકારો કે લિયે, સભી એન્કર્સ કે લિયે હૈ. … કઠિન સે કઠિન સવાલ પૂછતા રહુંગા ઔર દુઆ સા’બ આપકો યાદ કરતા રહુંગા.”

તો, 'કઠિન’ સવાલ કેવો હોય? – એનો માપદંડ ક્યારેક સવાલ શું છે એના કરતાં કોને પુછાય છે, એના પર વધારે હોય. ખરું ને? ભારતીય ચૂંટણી, લોકતાંત્રિક પરંપરા અને એ સંબંધિત આચારસંહિતાનું પાલન કરાવવામાં ટી.એન. શેષાનથી આગળ ઉપર નામ જડવું મુશ્કેલ છે! ભારત નામના સૌથી મોટા લોકશાહી દેશમાં મુખ્ય ચૂંટણી અધિકારીની સત્તા કેટલી બધી છે, એનો તેના માળખામાં રહીને જ આ દેશના ઉમેદવારથી લઈને અન્ય દેશના વડાઓને પરિચય કરાવનાર અને ખાસ કરીને, દેશની આમ જનતાની પણ જીભે ચઢનાર બાહોશ, કડક અને ઉમદા અધિકારી શેષાનને પણ આવો પ્રશ્ન પુછાઈ શકે? “શેષાન સા’બ, ચુનાવ કે જો કાનૂન હૈ, ઉસકે મુતાબિક જિતના ખર્ચ કરના ચાહિયે એક પ્રત્યાશી કો, આપકે મુખ્ય ચુનાવ આયુક્ત હોને કે બાવજૂદ, ઉસસે અધિક ખર્ચ હુઆ હૈ. ઐસા ક્યોં?” ભારત સરકાર સ્થાપિત પ્રસાર ભારતીના દૂરદર્શનમાં બેસીને ભારત સરકાર સ્થાપિત ચૂંટણીપંચના મુખ્ય ચૂંટણી અધિકારીને પુછાયેલો આ પ્રશ્ન હતો. કહેવાની જરૂર નથી કે ભાષાના નિયમો મુજબ અહીં ‘બાવજૂદ’નો ઉચ્ચાર પહોળો થાય છે, અને પૂછવામાં પણ તેમ જ આવ્યું હતું.

આવા અનેક પ્રશ્નો અનેક નેતાઓને અનેક વાર પૂછ્યા હતા અને જવાબ ન આપી શકવાની સ્થિતિમાં  ભલભલા નેતાઓનાં મુખકમળ ‘દિવેલ પીધાં’ જેવાં થઈ જતાં હતાં. આ તાકાત હતી સહેજ સ્મિત, શાંત ચિત્ત, શાલિનતા અને સચ્ચાઈની.

E-mail : ketanrupera@gmail.com 

Consulting Editor-Researcher-Publisher, Ahmedabad – 380 009 Gujarat, India

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2021; પૃ. 04

Loading

હોમાય વ્યારાવાલા સાથેનાં સંભારણાંની ‘શબ્દછબિ’

બકુલા ઘાસવાલા|Opinion - Opinion|4 December 2021

વાચક તરીકે કોઈ પુસ્તક વાંચવાનું શરૂ કર્યા પછીનો મારો પ્રથમ અનુભવ છે કે વાંચતી વખતે ઝણઝણાટીનો અને આંખોમાં આંસુ આવી ગયાં એવો અનુભવ થયો હોય! આંસુ તો કદાચ બીજાં પુસ્તકોમાંથી પસાર થતાં પણ આવ્યાં હશે, પરંતુ અહીં તો અનુભૂતિ જ અનોખી. પુસ્તક વાંચતાં વાંચતાં નજર સમક્ષ સતત બીજી વ્યક્તિ તરવરતી હતી તે હિમાંશી શેલત. ક્યારેક તો એવું પણ લાગે કે કોની વાત વાંચું છું, હોમાયબહેનની કે હિમાંશીબહેનની! અલબત્ત, બન્નેનાં કાર્યક્ષેત્ર અલગ, પરંતુ સ્વર્નિભરતાનો અને હિસાબમાં ચોખ્ખા રહેવાનો બન્નેનો આગ્રહ બરકરાર! બીરેન કોઠારીની લેખિની તો સાદી, સરળ અને સહજ. કોશિયાને સમજાય તેવી. વર્ણનમાં અતિશયોક્તિ તો હોય જ નહીં. પૂરી પ્રામાણિકતા અને નિષ્ઠાથી ઘટનાનું ચિત્રણ એ ખાસિયત આંખે ઊડીને વળગે. પુસ્તકનું શીર્ષક સૂચક છે, જેમાં ‘શબ્દછબી’ શબ્દપ્રયોગ થયો છે, કારણ કે હોમાયબહેન છબીકાર હતાં. પુસ્તકમાં અનેક તસવીરો છે, હોમાયબહેનના હસ્તાક્ષર છે. વૃદ્ધ વ્યક્તિ પુસ્તક સરળતાથી વાંચી શકે તે રીતે ફોન્ટ્‌સ રખાયા છે, એટલે જ હું પુસ્તક સરળતાથી વાંચી શકી, બાકી વાંચવાનો મોહ જતો કરવો પડે, કારણ કે હાલ હું પણ મોતિયો અને ઝામરથી ગ્રસ્ત છું. બીરેને પુસ્તક જીવનસંગિની કામિનીને અર્પણ કર્યું છે, તો એમ કરવું જ જોઈએ, કારણ કે માઈજીને સાચવવાનો ભેખ લેનાર વરની વહુ થવું કાંઈ ખાવાના ખેલ નથી ! આ બાબત તો પરેશભાઈનાં જીવનસંગિની પ્રતીક્ષા માટે પણ એટલી જ સાચી. મને પરેશ પ્રજાપતિના લેખમાં તો ખાસ્સો રસ પડ્યો. તે જ રીતે હોમાયબહેનની મુલાકાતમાં એમણે આપેલા જવાબોમાં પણ.

બીરેન કોઠારી અને પરેશ પ્રજાપતિ-પરિવારોને એમનો પરિચય થયો, ત્યારે હોમાયબહેન વડોદરા સ્થાયી થઈ ગયાં હતાં. જીવનનો એ છેલ્લો સમયખંડ હતો. ભારતનાં પ્રથમ સ્ત્રી-ફોટોગ્રાફર, પદ્મવિભૂષણ હોમાય વ્યારાવાલાને બધાં જ ઓળખે, એ રીતે તો એમના વિશે ખાસ્સી માહિતી મળે છે. આ સંભારણાં વાંચવાં ગમે છે, કારણ કે એ અલગ અનુભવોના કારણે લખાયાં છે. ફોટોગ્રાફર – છબીકાર  તરીકે નિવૃત્તિ લીધા પછી પણ તેઓ સતત પ્રવૃત્તિશીલ રહ્યાં છે. પુસ્તકમાં સતત એમનાં શિસ્તબદ્ધ, સ્વમાની, ખુદ્દાર, જીવંત વ્યક્તિત્વનો પરિચય થતો રહે છે. બાગબાની, ઇકેબાના, આયુર્વેદ, મિસ્ત્રીકામ, રસોઈ, ભરતગૂંથણ અને પોતાનાં અંગત કામમાં સ્વર્નિભરતા એ હોમાયબહેનના નિવૃત્તિકાળની પ્રવૃત્તિ હતી, જેનું વિષદ વર્ણન અહીં મળે છે. વસ્તુનો પુનઃ ઉપયોગ હોમાયબહેનની લાક્ષણિકતા છે, એટલે પોતાને મળેલાં પત્રોનાં પરબીડિયાંને ફરીથી ઉપયોગમાં લેવાં જેવી ચીવટાઈ દાખવવી એમને સહજ છે. ખર્ચનો હિસાબ કરી લેવો અને બીરેનભાઈ કે પરેશભાઈને તે રકમ ચૂકવી દેવાનો આગ્રહ તો ક્યારેક હઠાગ્રહ લાગે. પરંતુ હોમાયબહેનને વાંચીએ-સમજીએ એટલે આ લક્ષણ પણ સહજ લાગે.

પહેલી મુલાકાતથી જ અરસપરસ પ્રેમ પાંગર્યો એવું નથી બન્યું. પછી તે બીરેનભાઈ હોય કે પરેશભાઈ, બીરેનભાઈ અને કામિની વહેલું સમજ્યાં અને અનુકૂળ થતાં ગયાં તે સાચું. પરેશભાઈને સમય લાગ્યો, પરંતુ પછી એમનો સંબંધ માતા-પુત્રની કક્ષાએ પણ પહોંચ્યો. પરેશ-પ્રતીક્ષા એમને માટે અનિવાર્ય બની રહ્યાં. બન્ને પરિવારોનાં સંતાનોને પણ હોમાયબહેનનો પ્રેમ મળ્યો. હોમાયબહેન ન રહ્યાં, તો પરેશભાઈએ એમનું ઘર ખરીદી લીધું અને એમની સ્મૃતિ જાળવી રાખી. એમના અંતિમ સમયે પણ તે હાજર અને અસ્થિવિસર્જન માટે પણ ગંગાતટ સુધી ગયા. તે જ રીતે બીરેનભાઈએ પણ પોતાના ઘરની મિટ્ટીમાં હોમાયબહેનનાં અસ્થિફૂલ વેર્યાં. વડોદરાનાં એક જાહેર બગીચાને હોમાયબહેનનું નામ અપાયું તેમાં મેયર જ્યોતિબહેન પંડ્યાનો ફાળો સવિશેષ, ઉપરાંત એ બાગમાં હોમાયબહેનનાં અસ્થિફૂલ પણ વેરાયાં, તે ભાવાંજલિ પણ ધ્યાનાકર્ષક. પરેશભાઈને તો પોતાના ઘરનાં અસ્થિફૂલમાંથી અંતે હોમાયબહેનની લગ્નની વીંટી પણ પ્રસાદ રૂપે મળી એ તો અદ્‌ભુત ઘટના!

પુસ્તકની શરૂઆતમાં એમના પૂર્વજીવનની ઝાંખી મળે છે. તે મૂળ નવસારીનાં. એમનું બાળપણ, જીવનસાથી માણેકશા, પુત્ર ફારુક, પુત્રવધૂ ધન, એમનાં જીવનચરિત્રકાર સબીના અને અન્ય મિત્રોનો ઉલ્લેખ પણ છે. તેઓ ફોટોગ્રાફર તરીકે જે ઐતિહાસિક તારીખ અને તવારીખનો હિસ્સો બન્યાં છે, તેનો સહેજ પણ ભાર રાખતાં નથી. ગાંધીજી, વલ્લભભાઈ, જવાહરલાલ નહેરુ, ઇન્દિરાજી, શાસ્ત્રીજી અને અનેક મહાનુભાવોની તસવીર એમણે લીધી છે. મહમદઅલી ઝીણાની યાદગાર તસવીર લેતી વખતે તે ખોખા પરથી ગબડી પડ્યાં અને બરાબર એમની સામે પડ્યાં, તે સમયે એમણે સામે એક સ્ત્રીને જોઈને દાખવેલું સૌજન્ય તે ઘટના, વલ્લભભાઈએ પ્રથમ સ્ત્રી-ફોટોગ્રાફર હોમાયબહેન માટે એ અમારી ગુજરાતણ છે એનું દર્શાવેલું ગૌરવ, ઇન્દિરાજી હોમાયબહેનના દીકરાને પોતાના દીકરાઓના જન્મદિનની ઉજવણીમાં નિમંત્રિત કરતાં એ આત્મીયતા, આ બધાં સંભારણાં તે સમયખંડ જીવંત કરી દે છે. એ સમય એવો હતો જ્યારે ફોટોગ્રાફી સરળ ન હતી. માણેકશાજી અને હોમાયબહેન બન્ને ખાસ્સી મહેનત કરતાં. માણેકશાની વિદાય પછી એમણે પણ વરસેકમાં ફોટોગ્રાફી છોડી, બાકી પતિ-પત્ની બન્નેએ ફોટોગ્રાફીનું ખાસ્સું કામ સાથે મળીને કર્યું. એમની દાંપત્યયાત્રા વિશે ઓછી માહિતી આ પુસ્તકમાં છે, પરંતુ જેટલી પણ છે, તે રસપ્રદ અને મનોહર છે. મુખ્ય બાબત તો એ છે કે ચોરાણું વર્ષે પણ કોઈ સ્ત્રી કહે કે હું ક્યાં વૃદ્ધ છું, હું તો જવાન છું. તો એનો મિજાજ સમજવો અનિવાર્ય બને છે. કોઈ પણ સલાહ કે શિખામણ વગર કોઈ પોતાની શરતે જીવન જીવી બતાવે એ  બાબત અનુકરણીય છે. પોતાની નેમપ્લેટથી લઈ ઘરને બારણે ઘંટડીનો રણકાર સાંભળવાનો આગ્રહ જુઓ કે ઘરની ચાવી ક્યાં, કેવી રીતે મૂકવી, ટી.વી.નું રિમોટ હાથવગું રાખવું, મોબાઇલનો ઉપયોગ શીખવો કે ડિજિટલ ફોટોગ્રાફી સમજવી. જેવી અનેક બાબતો પર ઉદ્દભવતી ઘટનાઓ રોચક છે.

પારસીઓ પર અંગ્રેજિયતની અસર વધારે ખાસ કરીને પોતાની ‘પ્રાઇવસી અને પ્રાઇવેટ સ્પેસ’ બાબતે તો એ લક્ષણ આંખે ઊડીને વળગે પણ પ્રેમસંબંધ બંધાયા પછી બીરેન-પરેશ પરિવાર સાથે એમનો સંબંધ અનૌપચારિક થતો રહેલો. અમારો આભાર ન માનવો એવા બીરેન-પરેશના આગ્રહ સામે તેઓ એમને આશીર્વાદ આપતાં અને એમને માટે પ્રાર્થના કરતાં. બીરેનના મતે એમનો જીવંત રહેવાનો ગુણ ધ્યાનાકર્ષક. પોતાના જીવનસાથી માણેકશા અને  દીકરા ફારુકની વિદાય પછી એકલાં રહેવાનું આવ્યું, પરંતુ તેઓ એકલાં હતાં – એકલવાયાં કે એકલતાથી પીડાતાં ન હતાં. વિયોગનું દુઃખ હોય, પણ એને પચાવવાનું એમણે ભાગ્યના લેખ તરીકે સ્વીકાર્યું હતું. ફારુકનાં લગ્નમાં મા-દીકરો જાનૈયા તરીકે બે જ ગયેલાં અને નવવધૂ ધન સાથે પાછા ફર્યાં, ત્યારે ત્રણ એ સાદાઈ પણ ધ્યાન ખેંચે. પોતે આટલાં પ્રતિષ્ઠિત તેનો કોઈ ભાર નહીં તેમ ફારુક આઈ.આઈ.ટી.માં ભણેલો તેનું પણ અભિમાન નહીં. ફારુકની જીવનસંગિની ધન સાથે પણ એમણે હૂંફાળો સંબંધ જાળવી રાખેલો.

મુંબઈ, દિલ્હી, પિલાની અને વડોદરા આ ચાર શહેરોમાં તેઓ રહ્યાં. નવમા દાયકામાં અમેરિકાની મુલાકાતે પણ ગયાં. મુંબઈ અને દિલ્હીમાં તેઓ ફોટોગ્રાફીમાં સતત કાર્યરત હતાં, પરંતુ પિલાની અને વડોદરામાં પ્રમાણમાં નિરાંત હતી, છતાં તેઓ સતત કામ તો કરતાં જ રહેતાં. પોતાની ફિયાટ ગાડી ડાલ ડા-૧૩ માટે આખું પ્રકરણ છે. આ વાંચતી વખતે મને અમૂલકાકાનો એમની ગાડી મોરિસ માટેનો પ્રેમ, મારા પિતાનો અને અમારું સ્ટૂથબેકર કમાંડર માટેનું વળગણ યાદ આવતાં હતાં. એકસો પચીસ પાનાંમાં સમાવિષ્ટ આ સંભારણાં વર્ધન-વર્ધનાઓને સમજવાં અને એમની સાથે કેવી રીતે અનુકૂલન સાધી શકાય, તેની ઝાંખી કરાવે છે. પુસ્તકમાં નિમિષા-ઓળખ, રજનીકુમાર પંડ્યા, બિનીત મોદી, ઉર્વીશ કોઠારી જેવાં જાણીતાં નામોનો ઉલ્લેખ ગમે છે. બીરેનભાઈએ આ સંભારણાં લખીને એક અનોખા સંબંધની પીમળનો અહેસાસ કરાવ્યો, તે બદલ એમનો આભાર.

હોમાય વ્યારાવાલા : તેમની સાથેનાં સંભારણાંની શબ્દછબિ – લેખક : બીરેન કોઠારી – પૃષ્ઠસંખ્યા : ૬  + ૧૩૦ = ૧૩૬, – કિંમતઃ રૂ.૧૨૫/- – વળતર સાથેની કિંમતઃ રૂ. ૧૧૦/- (ભારતભરમાં શિપિંગ ફ્રી – ) દસ નકલ કે તેથી વધુ નકલ મંગાવનાર માટે વિશેષ કિંમતઃ રૂ. ૯૦/- – પુસ્તક મંગાવવા માટે સંપર્કઃ કાર્તિક શાહ – ફોન/વૉટ્‌સેપ : ૯૮૨૫૨ ૯૦૭૯૬

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2021; પૃ. 13 તેમ જ 06

Loading

ગાંધીજીએ ખરેખર સાવરકરને માફી માટે અરજી લખવા કહ્યું હતું?

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|4 December 2021

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે મંગળવારે, ઑક્ટોબર ૧૨, ૨૦૨૧ના રોજ સાવરકર વિશેના જાહેર પ્રવચનમાં દાવો કર્યો કે 'સાવરકર વિશે વારંવાર જૂઠાણાં ફેલાવવામાં આવ્યાં હતાં. એવો પ્રચાર કરવામાં આવ્યો હતો કે સાવરકરે જેલમાંથી છૂટવા માટે સરકારને અરજીઓ કરી હતી … (હકીકતમાં) ગાંધીજીએ તેમને દયાની અરજીઓ કરવા માટે કહ્યું હતું …’ વર્ષો સુધી તો સાવરકરે અંગ્રેજ સરકાર સમક્ષ છુટકારા માટે કોઈ અરજી કરી છે, એ હકીકત જ છુપાવવામાં આવતી હતી, તે હકીકતના પૂરા દસ્તાવેજી પુરાવા હોવા છતાં.

દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના દાવામાં ઇતિહાસ અને ઐતિહાસિક તથ્યોની સદંતર ઉપેક્ષા કરવામાં આવી છે અને હિંદુત્વની વિચારધારાના આદ્ય ગણાતા સાવરકરના બચાવ માટે ગાંધીજીને ખરાબ ચીતરવાની કોશિશ કરવામાં આવી છે.

વિનાયક સાવરકરના નામ આગળ લગાડાતા 'વીર’ના વિશેષણની સાથે, તેમણે અંગ્રેજ સરકારને કરેલી છુટકારા માટેની અરજીઓનો મેળ શી રીતે બેસાડવો, તે હિંદુત્વની વિચારધારાના લોકો માટે મૂંઝવનારો સવાલ રહ્યો છે. અત્યાર લગી તેની સાથે જુદી-જુદી રીતે પનારો પાડવાની કોશિશો થઈ છે.

ધનંજય કીરે ૧૯૫૦માં સાવરકરની હયાતીમાં તેમના વિશે ભક્તિભાવથી લખેલા ચરિત્રમાં આ અરજીઓનો કશો ઉલ્લેખ નહોતો.

જાણીતા ઇતિહાસકાર આરસી મઝુમદારે 'પિનલ સેટલમેન્ટ્‌સ ઇન આંદામાન્સ’(શિક્ષણ અને સમાજકલ્યાણ મંત્રાલય, ભારત સરકાર, ૧૯૭૫)માં સાવરકરની અરજીઓ વિશે આધારભૂત દસ્તાવેજો ટાંકીને લખ્યું હતું. (પૃ. ૨૧૧-૨૧૩)

અન્ય વિદ્વાનોએ પણ સાવરકરની છુટકારા માટેની અરજીઓ વિશે ઐતિહાસિક પ્રમાણો આપ્યાં.

છતાં, ગુજરાતી સામયિક 'સાધના’એ પ્રગટ કરેલા વીર સાવરકર વિશેષાંક (ઑગસ્ટ ૧૫, ૧૯૮૩)માં સ્વાભાવિક રીતે જ ક્યાં ય સાવરકરની અરજીઓનો કશો ઉલ્લેખ ન હતો.

સાવરકરની અરજીઓ બાબતે ઘણા સમય સુધી બચાવમુદ્રામાં રહ્યા પછી છેલ્લાં થોડાં વર્ષમાં, 'એ અરજીઓનું અવળું અર્થઘટન કરવામાં આવે છે. હકીકતમાં સાવરકરનો એ અરજીઓ પાછળનો આશય જુદો હતો.’ એવો પ્રચાર શરૂ થયો, પરંતુ સાવરકરે કરેલી ત્રણ-ત્રણ અરજીઓની સામગ્રી ઉપલબ્ધ હોય ત્યારે, ગમે તેટલી તોડમરોડ કર્યા પછી પણ, અરજીઓને વાજબી કે વીરત્વને અનુરૂપ ઠરાવવી અઘરી પડે.

હિંદુત્વની વિચારધારામાં રંગાયેલા તો આ બધું માની લેવા તૈયાર હોય, પણ એ સિવાયના લોકોનું શું ? કદાચ આવી મૂંઝવણના નિવારણ માટે કે પછી ચર્ચાની દિશા ફંટાઈ જાય એવા આશયથી રાજનાથસિંહે નવો ફણગો ફોડ્યો લાગે છે, જે સદંતર જૂઠાણું છે.

રાજનાથસિંહે દાવો કર્યો છે કે (માફીની) અરજીઓ કરવાનું ગાંધીજીએ સાવરકરને કહ્યું હતું.

સાવરકરના સંરક્ષણના ઉત્સાહમાં સંરક્ષણ મંત્રી એટલી સાદી હકીકત ચૂકી ગયા કે સાવરકરે અંગ્રેજ સરકારને પહેલી બે અરજીઓ અનુક્રમે વર્ષ ૧૯૧૧માં અને વર્ષ ૧૯૧૩માં કરી હતી. તે સમયે ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા. ત્યારે તેમની અને સાવરકરની વચ્ચે કોઈ પત્રવ્યવહાર થયો હોવાનું ગાંધીજીનાં કે સાવરકરનાં ચરિત્રોમાં નોંધાયું નથી.

ગાંધીજીનો વિનાયક સાવરકર સાથે પરિચય ૧૯૦૯માં થઈ ચૂક્યો હતો અને ગાંધીજીને સાવરકરબંધુઓ ગણેશ તેમ જ વિનાયકના ક્રાંતિકારી ભૂતકાળ માટે આદર હતો. પણ જેલમાંથી છુટકારો મેળવવા માટે સરકારને અરજીઓ કરવાની નીતિ કદી દક્ષિણ આફ્રિકામાં કે ભારતમાં ક્યાં ય ગાંધીજીની પદ્ધતિ નહોતી.

ગાંધીજી સાવરકરભાઈઓની મુક્તિ ચોક્કસ ઇચ્છતા હતા.

૧૯૪૫માં વિનાયક સાવરકરના ભાઈ ગણેશ સાવરકરનું અવસાન થયું, ત્યારે આશ્વાસનપત્રમાં ગાંધીજીએ વિનાયક સાવરકરને લખ્યું હતું, 'આપના ભાઈના કૈલાસવાસના સમાચાર જોઈ આ લખું છું. એમના છુટકારાને અંગે મેં કંઈક કર્યું હતું, ત્યારથી એમને વિશે હું રસ લેતો જ ગયો. મૃત્યુનો શોક તમારી આગળ શો કરવો ? આપણે તો મૃત્યુના મુખમાં પડ્યા છીએ ને …’ (ગાંધીજીનો અક્ષરદેહ-૭૯, પૃ.૨૯૫)

સાવરકરે શું ખરેખર અંગ્રેજોની માફી માગી હતી?

જ્યારે ગાંધીજીએ સાવરકરને જેલમાંથી છોડવાની હિમાયત કરી ત્યારે વિનાયક સાવરકર જેલમાંથી છૂટે, તેની હિમાયત પણ ગાંધીજીએ કરી હતી. પરંતુ માફીની અરજીની સલાહ આપીને નહીં.

ગાંધીજીના પ્રયાસો બદલ સાવરકરપ્રેમીઓએ તેમનો આભાર માનવો જોઈએ.

અંગ્રેજી 'યંગઇન્ડિયા’ના મે ૨૬, ૧૯૨૦ના અંકમાં 'સાવરકરબ્રધર્સ’ એવા મથાળા હેઠળ એક લેખમાં ગાંધીજીએ બ્રિટનના શાહી ઢંઢેરાનો એ હિસ્સો ટાંક્યો હતો, જેમાં રાજકીય ગુનેગારોને માફી બક્ષવાની વાત કરવામાં આવી હતી.

ગાંધીજીએ લખ્યું હતું કે ડિસેમ્બર, ૧૯૧૯માં પ્રસિદ્ધ થયેલા આ ઢંઢેરાનો લાભ સાવરકરભાઈઓને મળ્યો નથી.

ગાંધીજીએ નોંધ્યું હતું : 'આ બંને ભાઈઓએ પોતાના રાજદ્વારી વિચારો જાહેર કરી દીધા છે અને બંનેએ કહ્યું છે કે અમે કોઈ પણ પ્રકારના ક્રાંતિકારી વિચારો ધરાવતા નથી. અને જો અમને છોડી મૂકવામાં આવશે, તો અમે રિફૉર્મ્સ ઍક્ટ (સુધારાધારા) નીચે કામ કરવાનું પસંદ કરીશું … આ બંને સ્પષ્ટ ભાષામાં જણાવે છે કે હિંદુસ્તાન બ્રિટિશ સંબંધ છોડી દે એમ તે પોતે ઇચ્છતા નથી. ઊલટું તેમને એમ લાગે છે કે બ્રિટિશ લોકો સાથેની મિત્રાચારી દ્વારા જ હિંદુસ્તાનનું ભાવિ સૌથી સારી રીતે ખીલવી શકાય એમ છે …’ (ગાંધીજીનો અક્ષરદેહ-૧૭, પૃ.૪૪૭)

ત્યાર પહેલાં જાન્યુઆરી ૧૮, ૧૯૨૦ના રોજ વિનાયક સાવરકર અને ગણેશ સાવરકરના બહાર રહેલા ભાઈ નારાયણ સાવરકરે ગાંધીજીને પત્ર લખીને જણાવ્યું હતું કે તાજ દ્વારા રાજકીય કેદીઓને આપવામાં આવેલી માફીનો લાભ સાવરકરબંધુઓને મળ્યો નથી, તો મારે શું કરવું ?

આ પત્રમાં નારાયણ સાવરકરે પોતાના બંને ભાઈઓ વિનાયક અને ગણેશની કફોડી સ્થિતિનું વર્ણન કરીને તેમને છોડાવવા માટે શું કરવું એ અંગે ગાંધીજીની સલાહ માગી હતી. એ પત્રનો ગાંધીજીએ લખેલો જવાબ તો ઉપલબ્ધ નથી, પણ જવાબ આપવા માટે ગાંધીજીએ જે ડ્રાફ્‌ટ (મુસદ્દો) તૈયાર કર્યો હતો, તેમાં તેમણે લખ્યું હતું, 'તમને સલાહ આપવાનું મુશ્કેલ છે, તેમ છતાં હું સૂચવું છું કે તમે એક ટૂંકી અરજી તૈયાર કરો. એમાં કેસની હકીકતો એવી રીતે રજૂ કરો કે જે ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે કે તમારા ભાઈએ કરેલો ગુનો કેવળ રાજકીય હતો. આવી સૂચના હું એટલા માટે કરું છું કે એ પ્રમાણે લખાશે તો જનતાનું ધ્યાન એના ઉપર કેન્દ્રિત કરવાનું શક્ય બનશે. દરમિયાન … આ બાબતમાં હું મારી રીતે પગલાં લઈ રહ્યો છું.’ (ગાંધીજીનો અક્ષરદેહ-૧૬, પૃ.૪૮૦-૪૮૧)

આ પત્રમાં ક્યાં ય અંગ્રેજ સરકાર સમક્ષ નાકલીટી તાણવાની કે બીજી કશી બાંહેધરી આપવાની સલાહ આપી નથી (જે સાવરકરે તેમની અરજીઓમાં કર્યું હતું.) સાવરકર રાજકીય કેદી છે એ વિગત પર જ ભાર મૂકવાનું તેમણે જણાવ્યું છે, કેમ કે બ્રિટિશ તાજ તરફથી રાજકીય કેદીઓને માફી જાહેર કરવામાં આવી હતી.

આ પત્ર આગળ કરીને ગાંધીજીએ સાવરકરને માફી માગવા કહ્યું હતું એમ કહેવું એ સચ્ચાઈનું શીર્ષાસન છે અને કુટિલતાની પરાકાષ્ઠા છે.

ગાંધીજીએ કેમ અપીલ પર સહી કરવાની ના પાડી ?

આ બનાવના દોઢેક દાયકા પછી, વર્ષ ૧૯૩૭માં એવો પણ પ્રસંગ આવ્યો, જ્યારે ગાંધીજીએ સાવરકરની મુક્તિની અપીલ પર સહી કરવાની ના પાડી હતી. તેની પાછળનું કારણ જુદું હતું, પરંતુ કેટલાક સાવરકરપ્રેમીઓએ તે બાબતે ગાંધીજીની ટીકા કરી.

ત્યારે મહારાષ્ટ્રની પ્રાંતિક કાઁગ્રેસ સમિતિની પ્રમુખ શંકરરાવ દેવને ગાંધીજીએ લખ્યું હતું : 'સાવરકરની બાબતમાં અરજી ઉપર સહી કરવાની મેં જરૂર ના પાડી હતી. કારણ, મારી પાસે જેઓ આવ્યા હતા તેમને મેં કહ્યું હતું તેમ, એ બિનજરૂરી હતું. કારણ નવો કાયદો અમલમાં આવ્યા પછી ગમે તે પ્રધાન હોય તોયે તેમનો છુટકારો થવાનો જ હતો અને બન્યું પણ એમ જ.’

'કંઈ નહીં તોયે સાવરકરભાઈઓ જાણે છે કે અમારી વચ્ચે ગમે તેવા પાયાના મતભેદો હોય તેમ છતાં તેમનો બંદીવાસ હું સ્વસ્થ ચિત્તે કદી સહી ન શકું.’

'કદાચ, ડૉ. સાવરકર એ વાતની સાક્ષી પૂરશે કે તેમની મુક્તિ માટે મેં મારાથી જે કંઈ થઈ શકે તે કર્યું હતું, અને બૅરિસ્ટરને (વિનાયક સાવરકરને) પણ કદાચ અમે પહેલવહેલાં મળ્યા અને જ્યારે કોઈ તૈયાર થતું ન હતું ત્યારે તેમના માનમાં ભરવામાં આવેલી સભાનું પ્રમુખસ્થાન મેં લીધું હતું, એની સુખદ સ્મૃતિ હશે.’ (ગાંધીજીનો અક્ષરદેહ-૬૫, પૃ.૪૩૪)

ગાંધી સાવરકરને મળવા ગયા

૧૯૪૮માં મહાત્મા ગાંધીની હત્યાના છઠ્ઠા દિવસે વિનાયક દામોદર સાવરકરની પણ ધરપકડ કરાઈ હતી. ગાંધીજી સાવરકરને તેમના રત્નાગિરિના નિવાસસ્થાને મળવા ગયા હતા અને બધા મતભેદો સહિત તેમની સાથે ચર્ચા કે પત્રચર્ચાનો ઉમળકો દેખાડ્યો હતો, પરંતુ તે શક્ય બન્યું નહીં.

ગાંધીહત્યાના કેસમાં સાવરકરની સંડોવણી હોવાનું બહાર આવ્યું, પરંતુ પુરાવાના અભાવે તે નિર્દોષ છૂટી ગયા. ત્યારે કેટલાક સાક્ષીઓની જુબાની ન લેવાથી માંડીને કેટલીક પ્રક્રિયાગત બાબતો અંગે ગંભીર શંકાઓ ઊભી થઈ હતી, પરંતુ તક્‌નિકી રીતે સાવરકર નિર્દોષ છૂટ્યા હોવાથી તેમની વિચારધારાના સમર્થકોને એટલી નિરાંત થઈ, પરંતુ અરજીઓના મામલે સાવરકરની પ્રતિષ્ઠાનું પુનઃસ્થાપન પ્રમાણમાં ઘણું કઠણ છે.

કદાચ એટલે જ, વખતોવખત તેમની અરજીઓને લઈને અવનવી સફાઈઓ પેશ કરવામાં આવે છે. રાજનાથસિંહનું નિવેદન એ જ દિશામાં લેટેસ્ટ પ્રયાસ જણાય છે.

જૂઠાણાંની બોલબાલાએ રાજકીય ચર્ચાની જગ્યા લીધી છે અને ગાંધીજયંતીએ ટિ્‌વટર પર ગોડસે ટ્રેન્ડિંગ થાય તેનાથી સરકારનું રુંવાડું પણ ફરકતું નથી, તેવા સંજોગોમાં રાજનાથસિંહનું નિવેદન પણ ચાલુ નાટકનો વધુ એક, પણ છેલ્લો નહીં એવો અંક બની રહેશે, એવું માની શકાય.

E-mail : uakothari@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2021; પૃ. 05-06

Loading

...102030...1,8521,8531,8541,855...1,8601,8701,880...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved