Opinion Magazine
Number of visits: 10,225,829
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—122

દીપક મહેતા|Opinion - Opinion|4 December 2021

મેરે પિયા ગયે રંગૂન, કિયા હૈ વહાં સે ટેલિફૂન

જ્યારે ટેલિફોનમાં નંબર જોડવા માટે ડાયલ જ નહોતું!

ટેલિફોન કંપનીની જાહેર ખબરોમાં અભિનેત્રીઓ ચમકતી

મેરે પિયા ગયે રંગૂન,
કિયા હૈ વહાં સે ટેલિફૂન,
તુમ્હારી યાદ સતાતી હૈ,
જિયા મેં આગ લગાતી હૈ.

૧૯૪૯માં આવેલી ‘પતંગા’ ફિલ્મમાં શમશાદ બેગમ અને સી. રામચંદ્રે ગાયેલું આ ગીત એક જમાનામાં ખૂબ જ પોપ્યુલર થયેલું. આ ટેલિફૂન તે હવે સ્વર્ગસ્થ થયેલ ટેલિગ્રાફનો નાનો ભાઈ. હિન્દુસ્તાનમાં ટેલિગ્રાફનો જન્મ ૧૮૫૧માં. ૧૮૮૦માં ધ ઓરિયેન્ટલ ટેલિફોન કંપની અને ધ એન્ગલો ઇન્ડિયન ટેલિફોન કંપની નામની બે બ્રિટિશ કંપનીએ હિન્દુસ્તાનમાં ટેલિફોન સેવા શરૂ કરવા માટે બ્રિટિશ સરકાર પાસે પરવાનગી માગી. પણ સરકારશ્રીએ કહ્યું કે આવી સગવડ આપવાનું કામ ખાનગી સરકારનું છે, કંપનીઓનું નથી. પણ એક વરસ પછી સરકારે ફેરવી તોળ્યું (હા જી. અંગ્રેજ સરકાર પણ ફેરવી તોળવા માટે એકાદ વરસનો સમય લેતી.) અને ઓરિયેન્ટલ ટેલિફોન કંપનીને કલકત્તા, મુંબઈ, મદ્રાસ અને અમદાવાદમાં ટેલિફોન સેવા શરૂ કરવાનો પરવાનો આપી દીધો! ૧૮૮૨ના જાન્યુઆરીની ૨૮મી તારીખે મુંબઈમાં પહેલવહેલું ટેલિફોન એક્સચેન્જ શરૂ થયું. સરકાર દ્વારા નહિ, પણ આજે જેને ‘ખાનગી ક્ષેત્ર’ કહેવાય છે તેની બોમ્બે ટેલિફોન્સ નામની કંપની દ્વારા. છેક ૧૯૮૬ સુધી આ કંપની કામ કરતી રહી. એ વરસની પહેલી એપ્રિલથી સરકારે ટેલિફોન સેવા પોતાના હાથમાં લઈ લીધી અને મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ અસ્તિત્વમાં આવ્યું.

મુંબઈનો સૌથી જૂનો ટેલિફોન

માનશો? શરૂઆતનાં ટેલિફોન મશીનમાં નંબર જોડવા માટે ડાયલ જ નહોતું! મુંબઈનો જે સૌથી જૂનો ટેલિફોન આજે જોવા મળે છે તે લાકડા અને ધાતુનો બનેલો હતો. ૧૮૮૯માં બોમ્બે ટેલિફોન કંપનીએ એ બનાવ્યો હતો. એ આપણો પહેલો ‘સ્વદેશી’ ફોન. એ ફોનને ડાયલ નહોતું એનું કારણ એ કે ફોન જોડવા માટે એ વખતે ઓપરેટરની મદદ લેવી પડતી! ફોનનું ભૂંગળું ઉપાડો એટલે સામે છેડેથી ઓપરેટરનો અવાજ સંભળાય. તમારે જેની સાથે વાત કરવી હોય તેનો નંબર ઓપરેટરને કહેવાનો અને પછી ભૂંગળું પકડી રાખીને રાહ જોવાની. તમે માગેલો નંબર જોડાય એટલે ટિંગ ટિંગ એવી ઘંટડી વાગે. પછી તમારું બોલવા-સાંભળવાનું શરૂ. એ ફોનમાં બોલવા-સાંભળવા માટે બે અલગ ભૂંગળાં હતાં. પણ જેની સાથે વાત કરવી હોય તેનો નંબર જાણવો કઈ રીતે? એ માટે કંપની ટેલિફોન ડિરેક્ટરી બહાર પાડતી જે દરેક ગ્રાહકને મળતી. શરૂઆતમાં તો એટલા ઓછા ટેલિફોન નંબર હતા કે મુંબઈ, કરાચી, અને અમદાવાદ માટે એક જ ડિરેક્ટરી બહાર પડતી. આ ત્રણે શહેરોની ટેલિફોન સેવા બોમ્બે ટેલિફોન કંપની હસ્તક હતી. નવી ડિરેક્ટરી બહાર પડે ત્યારે જૂનીની નકલ નજીકના ટેલિફોન એક્સચેન્જમાં આપીને તેના બદલામાં નવી લઈ આવવાની!

અભિનેત્રી પ્રમિલા

લોકો ટેલિફોન લે એ માટે કંપની જાહેર ખબરો આપતી. મહીને ૧૨ રૂપિયા આપવાથી ટેલિફોન મળતો! જાહેર ખબરોમાં એ વખતની ફિલ્મ અભિનેત્રીઓને ચમકાવવામાં આવતી. અહીં મૂકેલી જાહેર ખબરમાં અભિનેત્રી પ્રમિલા જોવા મળે છે. એ વખતની પ્રખ્યાત વાડિયા મુવિટોન કંપનીની એ લોકપ્રિય અભિનેત્રી હતી. ઈમ્પિરિયલ સ્ટુડિયો છોડીને તે વાડિયામાં જોડાઈ હતી. આ જાહેર ખબર વખતે તે વાડિયાની ‘જંગલ ક્વીન’ ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. તેની સાથેના એકટરો હતા જોન કેવાસ અને મહેરુ નામનો વાંદરો! આ પ્રમિલાનું મૂળ નામ એસ્થર વિક્ટોરિયા અબ્રહામ. એક બગદાદી-જ્યૂ કુટુંબમાં ૧૯૧૬ના ડિસેમ્બરની ૩૦મીએ કલકત્તામાં જન્મ. એક્ટર સૈયદ હસન અલી ઝયદી સાથે બીજાં લગ્ન. તેઓ એક્ટર તરીકે ‘કુમાર’ના નામે જાણીતા થયા હતા. ૧૯૬૩માં તેઓ કાયમ માટે પાકિસ્તાન ગયા, પણ પ્રમિલા અહીં જ રહ્યાં, અને એક્ટિંગ ઉપરાંત ૧૬ જેટલી ફિલ્મોનું નિર્માણ પણ કર્યું. ૨૦૦૬ના ઓગસ્ટની છઠ્ઠી તારીખે મુંબઈમાં તેમનું અવસાન થયું. ૧૯૪૭માં પહેલી વાર યોજાયેલી ‘મિસ ઇન્ડિયા’ની સ્પર્ધા જીતીને તેઓ મિસ ઇન્ડિયા બન્યાં હતાં.

વરસો સુધી વપરાયેલું કાળું ડબલું

આજે તો ઘડીના છઠ્ઠા ભાગમાં દેશ કે પરદેશની વ્યક્તિ સાથે મોબાઈલ પર વાત કરી શકાય છે, અને ગમે તેટલો વખત થાય, કોઈ રોકતું-ટોકતું નથી. પણ પહેલાં તો ટેલિફોનના કાળા ડબલા પરથી ટ્રંક કોલ બુક કરવો પડતો. ટ્રંક કોલમાં પાછી ત્રણ જાત : ઓર્ડિનરી, અરજન્ટ, અને લાઈટનિંગ. પહેલાં જે નંબર સાથે વાત કરવી હોય તે નંબર ઓપરેટરને આપવાનો. પછી હાથ જોડીને ટેલિફોનના ડબલા પાસે બે-ત્રણ કલાક બેસી રહેવાનું. તમારો વારો આવે ત્યારે તમારો માગેલો નંબર જોડીને ઓપરેટર તમને વાત કરવા કહે. ત્રણ મિનિટની ટાઈમ લિમિટ. ૩૦ સેકંડ બાકી રહે ત્યારે ઓપરેટર તમને ચેતવે. ત્યારે તમે કોલ બીજી ત્રણ મિનિટ લંબાવવા કહી શકો. ન કહો તો ત્રણ મિનિટ પછી લાઈન કપાઈ જાય! અને એક કોલ છ મિનિટ કરતાં વધુ લાંબો ચાલી શકે જ નહિ. અરજન્ટ કોલનો ચાર્જ ઓર્ડિનરી કરતાં ડબ્બલ, પણ રાહ ઓછી જોવી પડે. લાઈટનિંગ કોલ લગભગ તરત મળે, પણ ત્રણ મિનિટ કરતાં વધુ લંબાવાય નહિ અને ચાર્જ અરજન્ટ કરતાં બમણો. પણ તમારે ઘરે કે જેની સાથે વાત કરવી હોય તેને ઘરે ફોન હોય જ નહિ તો? તો પણ ટ્રંક કોલ થઈ શકે. પણ એ માટે તમારે ટ્રંક કોલની સગવડ ધરાવતી પોસ્ટ ઓફિસનો આશરો લેવો પડે. જેની સાથે વાત કરવી હોય તેનું નામ-સરનામું લખાવવું પડે. ઓપરેટર એ સામે છેડે પહોંચાડે એટલે ટપાલી બોલાવી આવે એ માણસને. અને પછી પોસ્ટ ઓફિસના બૂથમાંથી વાત કરી શકે. એ વખતે ટ્રંક કોલમાં બીજી પણ એક સગવડ હતી – pp, એટલે કે પરટિક્યુલર પરસન. કોલ બુક કરતી વખતે તમારે એ વ્યક્તિનું નામ આપવાનું. એ કોલ લઈ શકે એમ હોય તો જ ઓપરેટર કોલ જોડે. કેટલાક ચતુર-સુજાણ આ સગવડનો પૂરો કસ કાઢતા. કઈ રીતે? ધારો કે મુંબઈથી મનહરભાઈ અમદાવાદ ગયા છે. તેઓ સુખરૂપ પહોંચી ગયા છે એ તેમના ઘરે જણાવવું છે. તો અમદાવાદી કરે તેમના મુંબઈના ઘરે ટ્રંક કોલ pp મનહરભાઈને નામે. ઓપરેટર પીપી અંગે પૂછે ત્યારે કહી દેવાનું કે તેઓ તો બહારગામ ગયા છે. પણ મનહરભાઈના કુટુંબીઓ સમજી જાય કે તેઓ સુખરૂપ અમદાવાદ પહોંચી ગયા છે. આજે જેમ મિસ્ડ કોલની કળા વિકસી છે તેમ જ એ વખતે આ ppની કળા વિકસી હતી.

દરેક જમાનાને તેના સ્ટેટસ સિમ્બલ હોય છે. ઘણા દાયકા સુધી ટેલિફોનનું કાળું ડબલું આવું સ્ટેટસ સિમ્બલ હતું. ચાર-પાંચ માળના મકાનમાં માંડ બે-ત્રણ ઘરે ફોન હોય તો હોય. મોટે ભાગે કાં સરકારી અમલદારને ઘરે, વેપારી, ડોક્ટર, વકીલ જેવા વ્યવસાયીને ઘરે હોય. પણ એ ફોન હોય ભલે કોઈ એક ઘરમાં, પણ હકીકતમાં એ સાર્વજનિક ફોન જ બની જાય. દિવસ દરમ્યાન અડોશી-પડોશી બેધડક ફોન કરવા આવી શકે એવો વણલખ્યો નિયમ. ખાસ તો પુરુષો કામે જાય પછી ‘બૈરાં’ તો ફોન પર લાંબી લાંબી વાતો પણ કરે. એવી જ રીતે અડોશી-પડોશી માટે ફોન આવે તો તેને બોલાવી આવવાની પણ ફરજ મનાય. કાં ઘરનું કોઈ છોકરું દોડે, કે પછી આખું મકાન સાંભળે તેમ બારીમાંથી બૂમ પાડવાની : અરે મંજુડી, તારે માટે મધુકરનો ફોન છે. અને પછી આખા માળામાં ચર્ચા ચાલે કે મંજુલા અને મધુકર વચ્ચે ઇલુ-ઇલુ ચાલતું લાગે છે.

ટેલિફોન લ્યો કોઈ ટેલિફોન લ્યો

પહેલાં ટેલિફોન કંપની જાહેર ખબરો આપતી : ‘ટેલિફોન લ્યો, કોઈ ટેલિફોન લ્યો.’ પણ બીજા વિશ્વયુદ્ધ પછી બીજી અનેક વસ્તુઓની જેમ ટેલિફોનની પણ કારમી અછત. અરજી કર્યા પછી બે-પાંચ વરસ રાહ જોવી પડે. પછી એક સોનેરી સવારે કંપનીના લાઈન મેન આવીને ઘર સુધી વાયરિંગ કરી જાય, નંબર આપી જાય, અને બક્ષિસ લઈ જાય. પણ પેલું કાળું ડબલું ક્યાં? પૂછો તો એક જ જવાબ : સ્ટોકમાં નથી. હવે, જો તમે ‘સમજુ’ હો તો ટેલિફોન એક્સચેન્જમાં જઈને ‘ચા-પાણી’ની વિઘ્નહર્તા વિધિ કરી આવો તો બે-ચાર દિવસમાં તમારા ઘરમાં ઘંટડી રણકતી થાય. આજે બજારમાં જાતભાતનાં રંગબેરંગી ડબલાં મળે છે, પણ તે વખતે એવાં ડબલાં મળતાં નહિ, અને ક્યાંકથી મેળવો તો ય એ વાપરવાનું ગેરકાયદે! કંપનીનું કાળું ડબલું જ વાપરવું પડે. અને હા, એ વખતે લેન્ડ લાઈન જેવા શબ્દો કોઈએ સાંભળ્યા નહોતા. ટેલિફોન એટલે ટેલિફોન.

પણ છેક ૧૯૨૪માં ‘માલવપતિ મુંજ’ નાટકમાં પ્રભુલાલ દ્વિવેદીએ ભવિષ્ય ભાખ્યું હતું :

એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી.
ખીલે તે કરમાય છે, સરજાય તે લોપાય છે
જે ચઢે, તે તે પડે એ નિયમ પલટાતા નથી.

મોબાઈલ ફોન નામનો સર્વગુણસંપન્ન શત્રુ આવ્યો અને ‘લેન્ડ લાઈન’ના સુખના દિવસો પૂરા થયા, કરમાવાના માઠા દિવસો આવ્યા. પડતીની પનોતી બેઠી. ઘરમાંથી જાડીપાડી ટેલિફોન ડિરેક્ટરીઓ અલોપ થઈ ગઈ. ‘તમારો ફોન છે’ કહીને કોઈને બોલાવવાની જરૂર રહી નહિ. બહારવટિયા કાદુ મકરાણી એક નહિ પણ બબ્બે બંદૂક રાખતો તેમ હવે ઘણા ફોનના વ્યસનીઓ બે કે બેથી વધારે મોબાઈલ સાથે રાખે છે. હા, હજી ઘણા ઘરોમાં લેન્ડ લાઈનનું ડબલું કોઈક ખૂણામાં પડ્યું હોય છે ખરું, પણ ઓશિયાળા, અનાથ કુરકુરિયા જેવું. એને જોઈને બહેરામજી મલબારીની પંક્તિઓ યાદ આવે :

ચક્રવર્તી મહારાજ ચાલિયા કાળચક્રની ફેરીએ,
સગાં દીઠાં મેં શાહ આલમનાં ભીખ માગતાં શેરીએ.

ટેલિગ્રામ જેમ પ્રભુને પ્યારો થઈ ગયો તેમ કાળ સવારે ટેલિફોન પણ?

‘ન જાણ્યું જાનકી નાથે, સવારે શું થશે કાલે.’ 

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 04 ડિસેમ્બર 2021

Loading

સ્ત્રીની સંખ્યા વધી, પણ શોષણ ઘટ્યું નથી –

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|3 December 2021

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5 કહે છે કે દર હજાર પુરુષે સ્ત્રીઓની સંખ્યા વીસ વધીને 1,020 થઈ છે. આઝાદીના 75માં વર્ષે જ પહેલી વાર પુરુષોની સરખામણીએ મહિલાઓની સંખ્યામાં વધારો થયો છે તે આવકાર્ય બાબત છે. 2015-16માં 1,000 પુરુષોએ મહિલાઓની સંખ્યા 991ની નોંધાઈ હતી તેમાં સીધો 29નો વધારો સુખદ જ ગણાય. એમ તો આ સર્વે મુજબ જન્મ સમયના જાતિ દરમાં પણ વધારો થયો છે. 2015-16માં 1,000 દીકરાએ, દીકરીઓ 919 જ હતી, તે 2021માં 10 વધીને 929 થઈ છે. એનો અર્થ એ થયો કે દીકરીઓ 2015-16ને હિસાબે 2021માં 10 વધી છે, તો પણ 1,000 પુત્રના જન્મની તુલનામાં પુત્રી 79 ઓછી જ એ ભૂલવા જેવુ નથી. એ એમ પણ સૂચવે છે કે દીકરીઓને હજી જન્મની પૂરતી મોકળાશ નથી. ભ્રૂણ પરીક્ષણ પર પ્રતિબંધ હોય તો પણ, દીકરીનો કોઈક રીતે હજી ક્યાંક નિકાલ થતો હોય એવું લાગે છે. કારણો બીજા હશે જ, પણ દીકરીનો જન્મ દર હજી ક્યાંક ટાંચો પડે છે તે ખરું. એ પણ ખરું કે આ સુધારો શહેરની તુલનાએ ગામડાઓમાં વધુ જોવાયો છે. ગામડાઓમાં 1,000 પુરુષે સ્ત્રીઓ 1,037 છે. જ્યારે શહેરોમાં 985 છે. એનો અર્થ એવો થાય કે ગામડાઓમાં બાળકીના જન્મને અવરોધ ઓછા છે, જ્યારે શહેરમાં વધારે છે. એ પણ છે કે આ આંકડા વસતિ ગણતરીના નથી. આ સેમ્પલ સર્વે છે એટલે અંદાજ તો મળે, પણ ચોક્કસ આંકડા જુદા હોય એમ બને. સર્વે વખતે ઘરમાં મહિલાઓ જ હોય ને પુરુષો કામધંધે બહાર ગયા હોય ને એ સંખ્યા ધ્યાનમાં ન લેવાઈ હોય એ શક્ય છે, છતાં મહિલાઓની સંખ્યા વધે એવી શક્યતાઓ સાવ નકારી શકાય એમ નથી. એવું બન્યું છે કે નોકરીમાં, શિક્ષણમાં, રાજકીય પ્રવૃત્તિઓમાં મહિલાઓની ભાગીદારી વધી છે, મહિલાઓની અનામતમાં ટકાવારી વધી છે, એ ઉપરાંત બાળકીના જન્મને ઉત્તેજન અપાઈ રહ્યું છે, આ બધાંની હકારાત્મક અસર સ્ત્રીઓની સંખ્યા વધારવા પર પડી હોય એમ બને.

એક સમય હતો જ્યારે બાળકી જન્મતી તો તેને દૂધ પીતી કરાતી. પછી એવું થયું કે માતા દીકરીને જન્મ આપતી તો દીકરો ન જન્મે ત્યાં સુધી બાળકને જન્મ આપવામાંથી તેને મુક્તિ ન મળતી. તે એટલા માટે કે દીકરી તો પારકી થાપણ છે અને તે તો પરણીને સાસરે જશે, જ્યારે દીકરો તો વંશ આગળ વધારશે ને માબાપની ટેકણલાકડી બનશે. એમાં કેટલાક દીકરાઓ ખરેખર ટેકો બન્યા, પણ પછી વાત બે રીતે ફંટાઈ. એકમાં માબાપનો જ લોભ કામ કરી ગયો ને તેમણે વધુ પૈસા આવે એ લોભે દીકરાઓને વિદેશ મોકલ્યા અને જે દેશમાં હતા એ દીકરાઓ નોકરીધંધા નિમિત્તે માબાપથી દૂર ગયા. દીકરી પરણીને સાસરે ગઈ અને માબાપ છતે સંતાને એવાં એકલાં પડ્યાં કે કોઈને દત્તક લેવાની નોબત આવી. તે શક્ય ના બન્યું તો ઘરડાઘરમાં આયુષ્ય ખુટાડતાં રહ્યાં. વંશ છતાં નિર્વંશ જેવી સ્થિતિ થઈ. આવામાં મદદે આવી તે દીકરી. પરણેલી હતી ને નજીક હતી. તેણે માબાપનું ઘડપણ સાચવી લીધું. એવું પણ થયું કે ભાઈ વિદેશમાં પરણીને ત્યાં જ ગોઠવાઈ ગયો ને દીકરી માબાપને ઉછેરવા અપરિણીત રહી. આ સ્થિતિએ સમાજને સમજાવી દીધું કે વંશબંશ તો ઠીક છે, અણીને વખતે દીકરી જ પડખે ઊભી રહે છે. આ બધી બાબતોએ પણ દીકરી જન્મનો મહિમા વધાર્યો હોય એમ બને.

એ જગજાહેર છે કે રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક કે રમતગમતને ક્ષેત્રે મહિલાઓએ હરણફાળ ભરી છે ને રમતમાં તો તે વૈશ્વિક સ્પર્ધાઓમાં ચંદ્રકો મેળવતી પણ થઈ છે, એ સાથે જ ગુનાખોરી કે વ્યસનમાં પણ મહિલાઓની ટકાવારી વધી છે. ગુજરાતની જ વાત કરીએ તો તમાકુ ખાવામાં મહિલાઓની સંખ્યામાં 1.3 ટકાનો વધારો થયો છે, તો દારૂની પરમીટમાં પણ મહિલાઓની સંખ્યા વધી છે. ડ્રગ્સની, દારૂ, ગાંજાની હેરાફેરીમાં પણ તે પાછળ નથી. લગ્નેતર સંબંધોમાં પણ મહિલાઓ એટલી આગળ નીકળી છે કે કેટલાક કિસ્સાઓમાં પતિની હત્યા સુધી જવામાં પણ તેને સંકોચ થતો નથી. વ્યાવસાયિક ક્ષેત્રોમાં પણ તે મોખરે રહી છે ને હાથ નીચેના પુરુષો પાસેથી પૂરી ક્ષમતાથી કામ કઢાવતી પણ થઈ છે. આ બધું છતાં તેનું શોષણ પણ એટલું જ થાય છે તે નોંધવું ઘટે. તેની સાથે થતું દુષ્કર્મ શરમજનક રીતે વધ્યું છે. પરાપૂર્વથી તેનું અનેક રીતે શોષણ થતું રહ્યું છે. તેનાં પર શારીરિક આક્રમણ તો થાય જ છે, પણ ઘણી વાર તો તેને લાચાર જ એટલી કરવામાં આવે છે કે તેણે સામેથી જાત સોંપવી પડે. આવું થાય ત્યારે તે શોષિત હોય તો પણ, ફરિયાદ કરી શકતી નથી. કેટલા ય ઘરેલુ કિસ્સાઓ એવા બને છે કે આબરૂ જવાની બીકે ફરિયાદ જ નથી થતી. સગો બાપ દીકરીને છોડતો ન હોય ત્યાં બીજાની તો વાત જ શી કરવી?

હાલના સંજોગોમાં શારીરિક શોષણની સૌથી વધુ તકો મોબાઈલે પૂરી પાડી છે. મહિલાના છૂપી કે અંગત રીતે મોબાઇલમાં ફોટા પાડીને બ્લેક મેલ કરવાનું હવે સામાન્ય બની ગયું છે. મૈત્રી કેળવીને અંગત ક્ષણોના ફોટા પાડવામાં આવે છે ને પછી મોટી રકમની ઉઘરાણી કરવામાં આવે છે કે દુષ્કર્મની ફરજ પાડવામાં આવે છે. તેમાં જો સ્ત્રીમિત્ર પરિણીત હોય તો ફોટા તેનાં પતિ કે પરિવારને વાયરલ કરી દેવાની ધમકી અપાય છે. આજના જ સમાચાર છે કે એક શિક્ષકાને, એક બેકાર ઈજનેરે પુત્રને રમાડવાને બહાને પ્રેમમાં ફસાવી અને તેને જુદે જુદે સ્થળે લઈ જઈને તેનાં ફોટા પાડયા. પછી કોઈક વાતે વાંકું પડતાં શિક્ષિકાએ વાત કરવાનું બંધ કર્યું તો તેનાં ફોટા સ્કૂલમાં ને કુટુંબમાં વાયરલ કરવાની ધમકી તેનાં કહેવાતા ઇજનેર મિત્રે આપી ને તેની સાથે બળજબરી કરી. ફોટા વાયરલ કરી દેવાને મુદ્દે મહિલાઓ સાથે બળજબરીના કદાચ સૌથી વધારે બનાવો આજકાલ બનતા હોય તો નવાઈ નહીં.

ગમે એટલો સુધારો ને પ્રગતિ સમાજમાં થાય કે શિક્ષણ વધે, પણ સ્ત્રી અંગેની માનસિકતા બહુ ધીમી બદલાય છે. સ્ત્રી વ્યક્તિ નથી, પણ વસ્તુ છે એ માનસિકતા હજી છે. તેની સાથે થતા અત્યાચારમાં અધમ અને ક્રૂર વર્તણૂક ચરમસીમાએ હોય છે. સગાસંબંધી કે અજાણ્યા સુધીના કોઈ પણ ઉંમરના માણસો દુષ્કર્મ કરી શકે છે ને તેમાંથી કોઈ પણ ઉંમરની સ્ત્રી કે બાળકી મુક્ત નથી. આજના જ સમાચાર છે કે ગાંધીનગર જિલ્લાની 3 વર્ષની એક બાળકીનું અપહરણ કરી તેનાં પર અત્યાચાર કરી મોત નિપજાવવાની ઘટનામાં ગુનેગારને છેલ્લા શ્વાસ સુધીનો જેલવાસ કોર્ટે ફટકાર્યો છે. આ ચુકાદો ફાસ્ટ ટ્રેક કોર્ટે નવેક દિવસમાં જ આપ્યો છે. એક સમયે દુષ્કૃત્યની ફરિયાદ જ ન થતી ને થતી તો કેસ રફેદફે કરી દેવાતો. કેસનો નિકાલ આવતા વર્ષો વીતી જતાં અને પીડિતા સાથેનો વ્યવહાર ગુનેગાર જેવો થતો રહેતો. એમાં ઘણો સુધારો થયોં છે. કોર્ટમાં પીડિતાને મૂંઝવવાનું ઘટયું છે. કેસનો નિકાલ ઝડપી થયો છે ને ગુનેગારોને આકરી સજા ફટકારવામાં આવે છે, છતાં દુષ્કર્મની ઘટનાઓ ઘટતી નથી તે હકીકત છે. ફાંસીની સજાનો ખોફ પણ ગુનેગારોને લાગતો નહીં હોય, નહિતર દુષ્કર્મની ઘટનાઓમાં ઓટ તો આવે ને !

ક્યારેક વિધર્મીઓ પોતાનો ધર્મ છુપાવીને મહિલાઓને પ્રેમમાં પાડે છે ને લગ્ન કરે છે. લગ્ન પછી પત્નીને પોતાનો ધર્મ અપનાવવાની ફરજ પડાય છે ને સ્ત્રી અસહ્ય યાતનાનો શિકાર બને છે. તે પતિને એટલે છોડી નથી શકતી, કારણ તેનાં પિયરે તો તેનું નાહી નાખેલું હોય છે. બીજી તરફ કેટલાંક કુટુંબો પણ પ્રતિષ્ઠા કે આબરૂ જવાની બીકે, પ્રેમ કે લગ્ન કરી બેઠેલી દીકરી કે બહેનને જાતે જ મારી નાખે છે. એવું નથી કે સ્ત્રી પર જુલમ બીજાઓ જ કરે છે, ઘણીવાર તો સ્ત્રી પોતે જ પોતાને ખતમ કરી નાખે છે. બે દિવસ પર જ એક પરિણીતાએ પોતે તો આત્મહત્યા કરી જ, પણ તે પહેલાં પોતાનાં વહાલસોયા દીકરાનું પણ ગળું દબાવીને હત્યા કરી. એમાં વાંકમાં ન તો સ્ત્રી હતી કે ન તો દીકરો ! વાત એમ હતી કે પતિ પોતાની ભાભી સાથે પ્રેમમાં હતો ને તે તેને છોડવા તૈયાર ન હતો, એટલે ત્રાસીને તેણે દીકરાને અને પોતાને મૃત્યુ આપ્યું.

એવું નથી કે કેવળ સ્ત્રી જ શોષણનો ભોગ બને છે. હવે કાયદાઓ સ્ત્રી તરફી થયા છે એટલે સ્ત્રીઓ તેનો લાભ લેતી પણ થઈ છે. પિતાની મિલકતમાં તેનો હક થયો છે તો તે મેળવવાનું પણ તે ચૂકતી નથી. સાસુ, સસરા, પતિ કે દિયરને દહેજ માંગ્યું – એવું જાહેર કરીને તે પોલીસ સુધી વાત પહોંચાડી શકે છે. પતિ નરમ હોય તો તેનાં પર આધિપત્ય જમાવવાનું પણ તેને ફાવે છે ને જ્યાં સત્તા પર છે ત્યાં પોતાની આણ વર્તાવવાનું તેને નવું નથી લાગતું, આ બધું છતાં સ્ત્રીનું શોષણ થાય જ છે ને અનેક રીતે થાય છે એ વાત સ્વીકાર્યા વિના ચાલે એમ નથી. અસ્તુ !

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 03 ડિસેમ્બર 2021

Loading

પ્રામાણિક પત્રકારત્વની ઝંખના સાકાર થયાને પાંચ વર્ષ પૂર્ણ

પ્રશાંત દયાળ|Opinion - Opinion|3 December 2021

આ સમાચાર છાપો અથવા આ સમાચાર રોકો, તેવી કોઈ પણ સૂચના વગર પત્રકારત્વ કરવા મળે તો મને લાગે છે કે એક પત્રકારના જીવનમાં તે જીવનનો સુવર્ણકાળ હોય છે, અનેકો  હકારાત્મક સ્ટોરી પણ કરી, પણ અનેકો સ્ટોરી સરકારનો કાન પકડનારી હતી, કારણ અમને રોકનાર અને ટોકનાર કોઈ નહોતું, કોઈ પણ શાસન માટે સત્ય લખનાર પત્રકાર તેનો વિરોધી છે, તેવું માની લેવામાં આવે છે. અમે પક્ષના વાડાથી દૂર રહ્યા, પરંતુ શાસકપક્ષે અમને વિરોધી માની લીધા હતા, એટલે સરકારની તપાસનો દોર શરૂ થયો, સરકાર અમારી આર્થિક હેસિયત જાણતી હતી, સરકારને ખબર હતી કે આ પ્રકારનું પોર્ટલ ચલાવવા માટે જે આર્થિક વ્યવસ્થા જોઈએ તે અમારી પાસે નહોતી, સરકાર તો આખરે સરકાર હોય છે, meranewsના માલિકોની વિગતો અને વ્યવસાયની માહિતી પહોંચી ગઈ.

એક તબક્કો એવો આવ્યો કે meranewsના માલિકો સામે તેમના વ્યક્તિગત વ્યવસાય સંબંધી એક પછી એક કેસ થવા લાગ્યો, અનેક માનસિક અને શારીરિક યાતનાઓમાંથી તેઓ પસાર થયા, વાંક તેમનો એટલો જ કે તેમણે એક ડર વગરના પત્રકારત્વનો અવકાશ ઊભો કર્યો! આપણી રાજકીય વિટંબણા એવી છે કે જે પક્ષ વિરોધપક્ષમાં હોય, ત્યારે પ્રામાણિક પત્રકારત્વની અપેક્ષા રાખે છે અને તે જ પક્ષ જ્યારે શાસક બને છે, ત્યારે પ્રામાણિક પત્રકારત્વ કઠે છે. આખરે થાકી meranewsના માલિકોએ ડિસેમ્બર, ૨૦૧૮માં બંધ કરવાનો ર્નિણય કર્યો. અમારી માટે આઘાતજનક બાબત હતી, વાત માત્ર અમારી રોજગારીની નહોતી, પણ લાંબા સમય પછી ગુજરાતી પત્રકારત્વને ખુલ્લા આકાશ જેવી મોકળાશ મળી હતી. તે છીનવાઈ જવાની હતી.

હું પણ વ્યક્તિગત રીતે દુઃખી હતો, ટૂંકા સમયગાળામાં અમે લાંખો વાચકો અહેસાસ અપાવી શક્ય હતા કે અમે તમારા અને તમે અમારા છો, મારા સાથીઓને પણ ઘરપરિવાર હતો, હવે અમારે બધાએ એક નવી સફર શરૂ કરવાની હતી, પણ કુદરત પણ ક્યારેક કમાલ કરે છે. હું વ્યથિતહૃદયે મારા સાથીઓ પાસે પહોંચ્યો, મેં માલિકોની વ્યથા અને તેમના ર્નિણયની જાણ કરી ત્યારે જવાબ મળ્યો આપણે વગરપગારે કામ કરીશું. હું તેમની સામે જોઈ રહ્યો. કારણ, બોલવું સહેલું હોય છે, જીવવું અઘરું હોય છે, એકાદબે મહિનાની વાત નહોતી, સફર લાંબી હતી, ક્યારે અને ક્યાંથી મદદ આવશે, તેની ખબર નહોતી, મારી આંખો વાંચી તેમણે જવાબ આપ્યો, આપણે meranewsને જિવાડવા બીજી નોકરી કરીશું અને અહીંયાં વગરપગારે કામ કરીશું, બહુ મોટો નિર્ણય હતો. પણ વગરપગારે નોકરીની શરૂઆત થઈ. અમારી પાસે પૈસા નથી તેવી ખબર પડી, ત્યારે સામાન્ય રીતે સાથે ઊભા રહેલા માણસો ભાગી જાય પણ તેના કરતાં વિપરીત થયું. ગુજરાતના પત્રકારસાથીઓએ અમને કહ્યું અમે meranews માટે કોઈ પણ પ્રકારના માનધનની અપેક્ષા વગર લખીશું, આ ઈશ્વરની મોટી મદદ અને આશીર્વાદ હતો, છેલ્લાં ત્રણ વર્ષથી meranews આ પ્રકારે જ ચાલે છે. આજે સફર પાંચ વર્ષ પૂરા કરે છે. માર્ગમાં અવરોધ છે, પણ અવરોધ દૂર કરનાર સાથીઓની મદદ કદરને પાત્ર છે. આ સફર દરમિયાન અનેક સાથીઓ આવ્યા અને ગયા પણ તેઓ આજે પણ અમારી સાથે છે. હું પાંચ વર્ષ પૂરા કરવા માટે માલિકો, મારા સાથીઓ અને અમને પ્રેમ કરનાર અને ઘૃણા કરનાર તમામનો આભારી છું, અમને પસંદ નહીં કરનારનો એટલે વિશેષ આભાર. કારણ તેમણે અમને સતત અમારી જાતતપાસની તક આપી છે, કોઈને વ્યક્તિગત નુકસાન પહોંચાડવાનો અને દુ:ખી કરવાનો અમારો ઇરાદો નહોતો, છતાં સંભવ છે તેવું બન્યું જ હશે. તે તેમની પણ ક્ષમાયાચના છે. આખી સફર તો ત્યારે જ મઝાની બની, જ્યારે લાખો વાંચકો અમારી સાથે જોડાયા, અમે રોજ પ્રયત્ન કરીએ છીએ કે વાંચકોની અપેક્ષામાં ખરા ઊતરીએ.

ખબર નથી આ વિકટ પરિસ્થિતિમાં હું અને મારા સાથીઓ ક્યાં સુધી કામ કરીશું, પણ ઈશ્વરમાં ભરોસો છે ક્યારેક કોઈ દરવાજો ખૂલશે, અમારી હિંમત અને જુસ્સો આમ જ જળવાઈ રહે તે માટે તમે ઈશ્વરને અમારી માટે પ્રાર્થના કરશો, ક્યારેક થાક પણ લાગે અને નિરાશા પણ આવે, પણ થાક અને નિરાશા અમને પરવડે તેમ નથી, કારણ અમારી સમસ્યા કરતાં લોકોની સમસ્યા વધારે મોટી છે, જેઓ પણ એક આદર્શ પત્રકારત્વ કરવા માગે છે, તેમને મન જતાં પહેલાં એક એક માણસના જીવનમાં સારું થાય તેવું કંઈક કરવાની છે, તેવો જ એક નાનકડો પ્રયાસ અમે પણ કરી રહ્યા છીએ બસ આજે આટલું જ.

+

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2021; પૃ. 07

Loading

...102030...1,8531,8541,8551,856...1,8601,8701,880...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved