Opinion Magazine
Number of visits: 10,225,748
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોરોના(હત્યા)કાંડ?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|6 December 2021

કોરોનાને દુનિયાએ ચીનથી આયાત કર્યો. આ વાયરસ કુદરતી નથી ને માનવસર્જિત છે, એ પણ હવે જગજાહેર છે. મહાસત્તા બનવા વિશ્વયુદ્ધ ન છેડતાં ચીને કોરોના(હત્યા)કાંડ કર્યો ને આખી દુનિયાને બાનમાં લીધી. જુદા જુદા દેશોમાં પ્રવાસીઓ કોરોના વાયરસના વાહક બન્યા. એ ઘણું બધું શક્ય છે કે ચીને જ વાયરસના વાહકો ફેલાવ્યા હોય. ચીન તેના ઈરાદાઓમાં સફળ થયું ને વગર યુદ્ધે તે દુનિયાની ઈકોનોમી પર પ્રભાવ પાડી શક્યું, એટલું જ નહીં, ચીન સૌથી વધુ ધનિક દેશ તરીકે ઉપર ઊઠયું છે ને અમેરિકાને તેણે પાછળ છોડ્યું છે. અમેરિકા, ચીનનો સૌથી મોટું ટાર્ગેટ હતું. કોરોનાને મામલે અમેરિકા, રશિયા કે અન્ય દેશોમાંથી કોઈ પણ ચીનની જવાબદારી નક્કી કરી શક્યું નથી કે જવાબદારી નક્કી જ ન કરવી હોય તેમ વર્તી રહ્યા છે તે અકળ છે. વિશ્વ આરોગ્ય સંસ્થા(W.H.O.-હૂ)ની ભૂમિકા આખા કોરોના કાળ દરમિયાન બહુ જ સંદિગ્ધ રહી છે. કેટલીય વાર તેનાં વિધાનો વિરોધાભાસી રહ્યાં છે. ક્યારેક કોરોનાથી જગતને તેણે ડરાવ્યું છે તો ક્યારેક સાદી ચેતવણીથી પણ ચલાવી લીધું છે. એ જાણે લીલાલહેર હોય તેમ બીજી, ત્રીજી, ચોથી લહેર સુધીનાં ભયસ્થાનો દુનિયાને વિશ્વ આરોગ્ય સંસ્થાએ બતાવ્યાં છે. દુનિયાએ એવું પણ અનુભવ્યું છે કે વૈશ્વિક કક્ષાએ કોઈ એવું છે જે ઇચ્છે છે કે કોરોના દુનિયામાંથી જાય જ નહીં ને તે ભયભીત જ રહે. થોડે થોડે અંતરે પ્રગટ થતા વેરિયન્ટ એ વાતની સાક્ષી પૂરે છે. ડેલ્ટાથી દુનિયા ઠરીઠામ થાય ન થાય ત્યાં ઓમિક્રોન વેરિયન્ટની વધામણી દક્ષિણ આફ્રિકાએ ખાધી છે. ડેલ્ટા કેટલો ખતરનાક છે એનું રટણ ચાલ્યું ને હવે ઓમિક્રોનના મણકા ફેરવાઈ રહ્યા છે.

રસીકરણથી ને ગાઈડલાઇનથી દુનિયા થોડી બેઠી થવા મથે છે કે નવો વેરિયન્ટ માથે પડે છે ને વળી દુનિયા કોકડું વળી જાય છે. સત્તાધીશોને કોરોનાનું બહાનું મળી ગયું છે ને તે થોડે થોડે વખતે દુનિયાને ભયભીત કર્યા કરે છે. એમાં વિશ્વ આરોગ્ય સંસ્થાની ભૂમિકા દુનિયાને નિર્ભય બનાવવાની રહી નથી તે દુ:ખદ છે. નથી ચીન સામે કોઈ પગલાં લેવાયાં કે નથી તો કોરોનાથી ભયમુક્ત થવાનો કોઈ માર્ગ બતાવાયો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનિઝેશન કેવળ ભયભીત કરે છે. અલબત્ત ! વેરિયન્ટ વધુ નુકસાન ન કરે એટલે દુનિયાને ડર્યા વિના છૂટકોય નથી. તે બેધ્યાન રહે તો તેણે જ વેઠવાનું આવે એટલે નાછૂટકે ડરીને દિવસો કાઢે છે. એ પણ સાચું કે વેરિયન્ટ એનો પ્રભાવ તો પાડે જ છે ને તે અનેક પ્રકારની આફત ઊભી કરે જ છે. એટલું નક્કી છે કે કોરોના ન જાય તેને માટે વૈશ્વિક રાજકારણ ઘણી મહેનત કરે છે. ચીન પછી દક્ષિણ આફ્રિકાથી વેરિયન્ટ મળ્યો છે તો બીજા દેશો પણ બાકી ન રહી જાય એમ બને. એટલે કોઈને કોઈ વેરિયન્ટ કોઈને કોઈ દેશ ફેલાવે એમ બને. કોઈ વાયરસ ન હોય એવે સ્થળેથી પણ વેરિયન્ટ આવે તો આઘાત ન લાગવો જોઈએ. કયા દેશે કયો વાયરસ ક્યારે ફેલાવવો એવું કોષ્ટક બહાર પડે તો પણ નવાઈ ન લાગવી જોઈએ.

ભારતની વાત કરીએ તો એ કોરોનાથી સારો એવો ટેવાઇ ગયો છે. બીજી લહેરે એટલી લાશો પાડી છે કે નથી તે નદીમાં સંઘરાઈ કે નથી સ્મશાનમાં ! આશ્ચર્યજનક રીતે ભારતમાં 100 કરોડને રસી લગાવવામાં આવી. આજે તો સવાસો કરોડને રસી લાગી હોવાનું ને 32 ટકાથી વધુને બંને ડોઝ મળ્યાનું પાકું થઈ ગયું છે. દેશે મોકળાશથી દિવાળી ઊજવી. સ્કૂલોની બીજી ટર્મ શરૂ થઈ. 1થી 5ના વિદ્યાર્થીઓ તો અઢી વર્ષે 22 નવેમ્બરથી સ્કૂલે આવતા થયા. યુનિવર્સિટીઓ પરીક્ષા લેતી થઈ. પેટાચૂંટણીઓ થઈ અને મોંઘું થતું જતું પેટ્રોલ ચૂંટણી પરિણામોએ સસ્તું કરી આપ્યું. શેરબજારમાં સહજતા આવવા લાગી ને બધું સામાન્ય થવા પર હતું ત્યાં નવેમ્બરના અંતમાં ઓમિક્રોનનો ધડાકો દક્ષિણ આફ્રિકાએ કર્યો અને આખી દુનિયા ફરી એલર્ટ પર મુકાઈ.

10 દિવસમાં જ ઓમિક્રોન અમેરિકા, ફ્રાંસ, મલેશિયા, ભારત જેવા 33 દેશોમાં ફેલાયો. શનિવાર સુધીમાં દુનિયામાં આશરે 400 જેટલા કેસ નોંધાયા. ભારતમાં 4 કેસ થયાના સમાચાર છે. તેમાં ગુજરાતમાં એક, મહારાષ્ટ્રમાં એક અને કર્ણાટકમાં બે કેસ થયા છે. ગુજરાતમાં એક કેસ સાઉથ આફ્રિકાથી ભારત આવેલ 72 વર્ષનાં વડીલનો મળ્યો છે જે 28 નવેમ્બરે દક્ષિણ આફ્રિકાથી ગુજરાત આવ્યા હતા. એ વખતે ને તે પછી આ લખાય છે ત્યાં સુધીમાં એરપોર્ટ પર ચેકિંગને નામે લાલિયાવાડી જ ચાલી છે. વિદેશથી અમદાવાદ આવેલા પ્રવાસીઓએ પણ એ રોકડું કરી દીધું છે કે ચેકિંગને નામે ‘ધતિંગ’ જ ચાલે છે. તબેલામાંથી ઘોડા છૂટી ગયા પછી ગુજરાત સરકાર તાળું મારતી હોય તેમ સાવધ થઈ ગઈ છે ને મંત્રીઓને મીટિંગમાં જોતરીને પગલાં ભરવા લાગી છે, પણ એ ખાતર પર દિવેલ જેવું જ છે. જે જામનગરમાં ઓમિક્રોનનો પહેલો કેસ પ્રગટ થયો છે તે શહેરના લોકો પણ પૂરતી બેદરકારીથી શહેરમાં મહાલતા જણાયા છે. ગુજરાતને તો એમ જ થઈ ગયું હતું કે કોરોના ગયો. મીડિયાએ પણ કોરોના વિદાયની વાતો કરી દીધી હતી, ત્યાં ઓમિક્રોને દેખા દીધી છે ને માંડ થાળે પડેલું જનજીવન ફરી ઘોંચમાં પડ્યું છે.

કોરોના ફરી માથું ઊંચકી રહ્યો છે. માત્ર ભાવનગરમાં 11 કેસનો વિસ્ફોટ થયો છે. આ બધું જનજીવન વધારે અઘરું કરે એમ બને. વિદેશથી આવતા યાત્રીઓનું સઘન ચેકિંગ થવું જોઈતું હતું, તેને બદલે એરપોર્ટ પર લાપરવાહી દાખવાઈ એટલે કોરોના કે ઓમિક્રોનથી સંક્રમિતો દેશભરમાં ફેલાઈ ગયા છે ને હવે તેમની શોધાશોધ ચાલે છે. એ લોકો મળે તે પહેલાં સંક્રમણ કાબૂમાં આવે તેમ ઇચ્છીએ. શુક્રવારનો આંકડો કહે છે કે દેશમાં 9,216 નવા કેસ કોરોનાના વધ્યા છે. એક્ટિવ કેસ આંશિક વધીને 99,976 થયા છે, તો 391નાં કોરોનાથી મોત થયા છે. રાજ્યની વાત કરીએ તો શુક્રવારે જ નવા 45 કેસો નોંધાયા છે ને સુરતની વાત કરીએ તો કોરોનાના નવા 5 કેસ નોંધાયા છે ને એક દરદીનું કોરોનાને લીધે મોત નીપજ્યું છે. પરિસ્થિતિને હજી કાબૂમાં લઈ શકાય એવું છે, પણ લોકો અને સરકાર વકરતી જતી સ્થિતિ તરફ બહુ ઘ્યાન આપતા હોય એવું લાગતું નથી. જો આમાં સુધાર ન થાય તો ફરી એક વાર માથે હાથ દેવાનો વારો આવે એમ બને.

વધારે સારું તો એ છે કે ભારતમાં કેન્દ્ર અને વિદેશોમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનિઝેશન તેમના વ્યવહારો એકદમ પારદર્શી રાખે. એવું બન્યું છે કે કેન્દ્રે નવા વેરિયન્ટ મામલે લોકોને ગભરાવ્યા છે, તો WHO-એ તેનો ફેલાવો ઝડપી હોય છતાં તે બહુ ઘાતક નથી તેમ પણ કહ્યું છે. આ બંને મંતવ્યો લોકોને ગેરમાર્ગે દોરનારા છે. આખું વિશ્વ છેતરી રહ્યું હોય તેમ સાચું ચિત્ર હાથ લાગતું નથી. વિશ્વની રાજરમત તો જે હોય તે, પણ લોકો માટે, બેદરકાર અને ભયભીત રહેવાને કારણે બે વાતો બને છે. જો બેદરકાર રહે છે તો લોકો કોરોનાના વાહક બને છે ને છેવટે વેઠવાનું તેમને જ આવે છે. વાયરસ તેનો પ્રભાવ તો બતાવે જ છે. એરપોર્ટ પર ટેસ્ટ કરવામાં બેદરકારી દાખવાઈ હોય ને લોકોએ તેને બહુ ગંભીરતાથી ન લીધી હોય કે વાર તહેવારે, લગ્નોમાં ગાઈડલાઇન્સનું પાલન ન થવાને કારણે વેરિયન્ટનો ફેલાવો વધ્યો હોય ને તેનું પરિણામ લોકોએ જ ભોગવ્યું હોય એના દાખલાઓ દૂર શોધવા જવું પડે એમ નથી. લોકો ભયભીત થવાને કારણે પણ ન કરવાનું કરી બેસે છે. આજના જ સમાચાર છે કે કાનપુરના એક ડોક્ટરને ઓમિક્રોનનો એવો ભય લાગ્યો કે તેણે પત્ની અને બે સંતાનોની હત્યા કરી નાખી. તેને એવો ભય વ્યાપી ગયો કે ઓમિક્રોન કોઈને છોડવાનો નથી. એ સ્થિતિમાં કુટુંબ મુકાય તેનાં કરતાં ઓછું પીડાય એવી ગણતરીથી ડોક્ટરે તેમની હત્યા કરી નાખી. એક ડૉક્ટર જો આટલો ભયભીત થઈ શકતો હોય તો સામાન્ય માણસની શી સ્થિતિ થતી હશે તેની કલ્પના જ કરવાની રહે છે. કોરોના કાળમાં અનેક લોકો નોકરીધંધામાં, શિક્ષણમાં, સમાજમાં, કુટુંબમાં અનેક રીતે હતાશાનો ભોગ બન્યા છે. ઘણાંએ કસમયનું મૃત્યુ વહોર્યું છે. હવે નવા નવા વેરિયન્ટ રાજરમતની નીપજ હોય તો જેઓ ડિપ્રેશનનો, મૃત્યુનો ભોગ બન્યા છે તે રમત કે નાટક નથી. તે તો ખરેખર જ મર્યાં છે. તેઓ રોગથી નહીં, ભયથી જોખમમાં મુકાયા છે. એમની દયા ખાઈને પણ, જો, આ રમત હોય તો અટકવી જોઈએ એટલું તીવ્રપણે કહેવાનું રહે જ છે.

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 06 ડિસેમ્બર 2021

Loading

માત્ર વિશ્વાસના આધારે પૈસો કેવી રીતે પરમેશ્વર બની ગયો

રાજ ગોસ્વામી|Opinion - Opinion|6 December 2021

માણસે તેના પૂરા ઇતિહાસમાં સૌથી મોટી બે કલ્પનાઓ કરી છે; ધર્મ અને પૈસો. બંનેના પાયામાં વિશ્વાસ છે. પૈસાનો જન્મ આપસી વિશ્વાસને નક્કર સ્વરૂપ આપવામાંથી થયો હતો. માણસો એકબીજા સાથે સહકાર અને વિનિમય સાધતા થયા, એટલે વિશ્વાસ કેળવવા માટે પરસ્પર સમજૂતીથી વસ્તુઓનું મૂલ્ય નિશ્ચિત કર્યું. આપણે એ વિશ્વાસના માધ્યમ તરીકે શરૂઆતમાં કોડીઓ વાપરતા હતા અને હવે ક્રિપ્ટો કરન્સી સુધી પહોંચી ગયા છીએ.

ક્રિપ્ટો કરન્સી પૈસાનું ભાવિ સ્વરૂપ છે. એક રીતે એ પૈસા વગરની દુનિયા કહેવાય. પૈસાને અંગ્રેજીમાં કરન્સી કહે છે. ક્રિપ્ટો વર્તમાન કરન્સીનું જ કોમ્પ્યુટરાઈઝડ સ્વરૂપ છે. તેમાં કરન્સી ડિજિટ એટલે કે કોડ સ્વરૂપે ઓનલાઈન રહે છે. તેની પર કોઈ દેશ કે સરકારની નિયંત્રણ નથી. ટૂંકમાં, ક્રિપ્ટો કરન્સી એક પ્રાઇવેટ કરન્સી છે અને તે પરંપરાગત કરન્સી સામે ચેલેન્જ છે. એટલા માટે બહુ બધા દેશો તેની વિરુદ્ધમાં છે અને અમુક દેશો ખુદની જ ક્રિપ્ટો કરન્સી બનાવવાના પક્ષમાં છે.

ભારત સરકાર તેની વધતા ચલણને જોતાં અમુક પ્રકારની છૂટછાટો સાથે ખાનગી ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ મુકવા જઈ રહી છે. એ સાથે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પોતાની ક્રિપ્ટો કરન્સી લાવવાનું ફ્રેમવર્ક તૈયાર કરી રહી છે. કોડીથી શરૂ થયલા પૈસા ક્રિપ્ટો સુધી કેવી રીતે આવ્યા તેનો ઇતિહાસ રસપ્રદ છે.

પૈસા માટે અંગ્રેજીમાં ‘મની’ શબ્દ લેટિન ‘મોનેટા’ પરથી આવે છે. પ્રાચીન રોમમાં રાજ્યની સંરક્ષક અને સલાહકાર મનાતી દેવી જૂનો મોનેટાના મંદિર પાસે રોમની ટંકશાળ આવેલી હતી, જેથી જૂનો મોનેટોને પૈસાની દેવી તરીકે ઓળખવામાં આવી. મોનેટો પરથી લેટિન (અને પછી અંગ્રેજીમાં) બે શબ્દો આવ્યા; મની અને મિન્ટ (ટંકશાળ).

પૈસા સંપૂર્ણપણે માનસિક ધારણા છે, કારણ કે વિશ્વાસ સંપૂર્ણપણે માનસિક ભાવ છે. વિચાર કરો કે એક માણસ દરિયા કાંઠે મફતમાં મળતી કોડીઓના બદલામાં, પરસેવો પાડીને ઊગાડેલાં સફરજનથી ભરેલો કોથળો શા માટે આપી દે? કારણ કે બંનેએ તેમની સહિયારી કલ્પનામાં કોડીનાં મૂલ્યમાં વિશ્વાસ મુક્યો હતો. કોડીના બદલામાં સફરજન લેનારા માણસને એ વિશ્વાસ હતો કે તે તેના કબીલામાં જઈને કોઈને સફરજન આપશે, તો તેને બદલામાં બે કોડી વધુ મળશે.

સંયુક્ત રાષ્ટ્રસંધે આપેલી માન્યતા અનુસાર વર્તમાનમાં દુનિયામાં ૧૮૦ ચલણો છે. ૪૦,૦૦૦ વર્ષોના ઇતિહાસમાં માણસે એટલા પ્રકારનાં ચલણોનો ઉપયોગ કર્યો છે, તેનો કોઈ હિસાબ રાખવાનું સંભવ રહ્યું નથી. આફ્રિકા, દક્ષિણ એશિયા, પૂર્વ એશિયા અને (ઓસ્ટ્રેલિયાને સમાવતા સેન્ટ્રલ અને સાઉથ પેસિફિક મહાસાગરના અનેક ટાપુઓના બનેલા) ઓશેનિયામાં ૪,૦૦૦ વર્ષ સુધી ચલણના રૂપમાં કોડીઓનો ઉપયોગ થતો હતો. ભારતમાં ૧૮૦૫ સુધી કોડીનું ચલણ હતું, પણ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ તેને નાબૂદ કરીને રૂપિયાનું ચલણ દાખલ કર્યું હતું.

ઇ.સ. પૂર્વે ૩૦૦૦માં, મેસોપોટેમિયાની પ્રાચીન સભ્યતા સુમેરમાં આર્થિક વ્યવહારો માટે જવના પૈસાનો ઉદ્દભવ થયો હતો. ત્યારે જવ ખાવા માટેનું અનાજ પણ હતા, અને પૈસા પણ. ચીજવસ્તુઓ અને સેવાઓની કિંમત આંકવા માટે એક લિટર સમાન કોઠીનું માપ વાપરવામાં આવતું હતું.

જવ જગ્યા બહુ રોકતા હતા અને તેની હેરફેર બહુ મહેનત માગી લેતી હતી. બે સમસ્યાઓના સમાધાન રૂપે જ સિક્કાનો જન્મ થયો. આ પ્રકારના પૈસા ઇ.સ. પૂર્વે ત્રીજી સહસ્ત્રાબ્દીના મધ્યમાં પ્રાચીન મેસોપોટેમિયામાં ઉદ્દભવ્યા. એ ચાંદીના શેકલ હતા, અને તેમાં ચાંદીના વજન પ્રમાણે સિક્કાનું મૂલ્ય નક્કી થતું હતું.

આજે આપણે જે સિક્કાઓ વાપરીએ છીએ તે કોપર, નિકલ અને ઝિંકના બનેલા હોય છે, અને તેની કિંમત રિઝર્વ બેંકના ગવર્નર જે ઠરાવે તે હોય છે, નહીં કે ધાતુનું વજન. એટલે આ સિક્કાઓને તોળવા પડતા નથી. આ પ્રકારના સિક્કાઓ પહેલીવાર ઇ.સ. પૂવે આશરે ૬૪૦માં, પશ્ચિમ એનાટોલિયા એટલે કે આજના તુર્કીમાં લીડિયાના રાજા અલિયાટીસે ગાળ્યા હતા.

સિક્કાના સ્થાને કાગળના પૈસા આવ્યા તેનું કારણ કિંમતી ધાતુઓની અછત હતી. રાજા-રજવાડાં પાસે તેના એક સમાન ભંડાર ન હતા. જે પ્રદેશમાં કિંમતી ધાતુનું ઉત્પાદન ઓછું હોય તેમણે તેની અછત સહન કરવી પડે અને જેની પાસે મબલખ ભંડાર હોય તે ખૂબ સિક્કા પાડે. આ પ્રાકૃતિક અસંતુલનના સમાધાન રૂપે કાગળના પૈસા આવ્યા.

પૂર્વ એશિયામાં મોંગોલિયામાં ચંગીશ ખાને ૧૨૨૭માં કાગળના પૈસા પ્રચલિત કર્યા હતા. તેનીની પ્રેરણા તેણે ચીનમાં સૌ પ્રથમ છપાવામાં આવેલી બેંકનોટમાંથી લીધી હતી. ૧૨૫૩માં, આ મોંગોલ સેનાપતિએ એક આગવો નાણાંકીય વિભાગ સ્થાપ્યો હતો, જેનું કામ, આજની રિઝર્વ બેંકની જેમ, પૈસાના ચલણનું સંચાલન કરવાનો હતો. ભારતમાં મુગલોના સમયમાં સોના-ચાંદીના સિક્કાઓ પ્રચલિત થયા હતા.

૧૭૬૦ના દાયકામાં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળમાં પગ જમાવ્યા, ત્યારે સોના-ચાંદીની અછતને લઈને તેમ જ ઉત્તર ભારતમાં આર્થિક અંધાધૂંધીમાંથી રસ્તો કાઢવા તેમણે કાગળના પૈસા જારી કરવાનો વિચાર કર્યો હતો. ટીપુ સુલતાન સામે જંગે ચઢવાની તૈયારી કરી રહેલી ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ ભંડોળ ઊભું કરવા માટે બેંક ઓફ કલકત્તા(જે પછીથી બેંક ઓફ બેંગાલ બની)ની સ્થાપના કરી. આ બેંકને કંપનીએ કાગળના પૈસા છાપવા માટે પરવાનગી આપી હતી.

તમને અમિતાભ બચ્ચનની ‘દીવાર’ ફિલ્મનું એ દૃશ્ય યાદ હશે, જેમાં તે ફાટેલી નોટનો ટુકડો આપીને દાણચોરીના સોનાની ડિલીવરી લે છે. બેંક ઓફ કલકત્તાએ શરૂઆતમાં જે નોટો છાપી હતી, તે આવી રીતે બે ટુકડાઓમાં વપરાતી હતી. એક ટુકડો પોસ્ટમાં મોકલવામાં આવતો અને તે મળી ગયાની ખાતરી મળે, પછી બીજો ટુકડો મોકલવામાં આવતો. બંને ટુકડા મળી જાય પછી તે નોટને જોડીને ચાંદીના સિક્કાના બદલામાં જમા કરવામાં આવતી. લેવડદેવડ થઇ જાય, પછી નોટને ‘કેન્સલ’ કરવા માટે તેનો હસ્તાક્ષરવાળો હિસ્સો ફાડી નાખવામાં આવતો, જેથી નોટ ફરીથી ઉપયોગમાં ન લેવાય.

તે પછી બેંક ઓફ બોમ્બે અને બેંક ઓફ મદ્રાસે ચલણી નોટો છાપવાનું શરૂ કર્યું હતું. ૧૮૬૨માં, ભારત સરકારે ત્રણે બેંકોને સરકારી બેન્કરનો દરજ્જો આપીને નોટો છાપવાની કામગીરી પોતાના હાથમાં લીધી. આ નવી વ્યવસ્થા હેઠળ સરકારે ૧૮૬૪માં રૂપિયા ૧૦, ૧૮૭૨માં રૂપિયા ૫, ૧૮૯૯માં રૂપિયા ૧૦,૦૦૦, ૧૯૦૦માં રૂપિયા ૧૦૦, ૧૯૦૫માં રૂપિયા ૫૦, ૧૯૦૭માં રૂપિયા ૫૦૦, અને ૧૯૦૯માં રૂપિયા ૧૦૦૦ની નોટ જારી કરી હતી.

હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ક્રિપ્ટો કરન્સી લાવવાની તૈયારી કરી રહી છે, જેમાં પૈસાનું ભૌતિક સ્વરૂપ ગાયબ થઇ જશે અને તે માત્ર અલગોરિધમનો કોડ બનીને રહી જશે.

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 05 ડિસેમ્બર 2021

સૌજન્ય : રાજ ગોસ્વામીની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

સૌંદર્યનું ગાણું

મકરન્દ દવે|Poetry|6 December 2021

સૌંદર્યનું ગાણું મુખે મારે હજો,
જ્યારે પડે ઘા આકરા
જ્યારે વિરૂપ બને સહુ
ને વેદનાની ઝાળમાં
સળગી ઉઠે વન સામટાં,
ત્યારે અગોચર કોઈ ખૂણે,
નીલવર્ણા, ડોલતાં, હસતાં, કૂણાં
તરણાં તણું ગાણું મુખે મારે હજો,
સૌન્દર્યનું ગાણું મુખે મારે હજો.

સ્વપ્નથી ભરપુર આ
મારા મિનારાઓ પરે
જ્યારે પ્રહારો વજ્રના આવી પડે,
નોબતો સંહારની આવી ગડે,
ને ધૂળભેગા કાટમાળો પીંખતી,
ઉપહાસની ડમરી કદી ઉંચી ચડે,
ત્યારે અરે!
પ્રેમે, પ્રફુલ્લિત કો સ્વરે,
આ વિશ્વના માંગલ્યનું ગાણું મુખે મારે હજો,
સૌંદર્યનું ગાણું મુખે મારે હજો.

એક દિ’ જેને, પ્રભુ!
અંકે પ્રથમ અણબોધ ખોલી લોચનો
પામી ગયો જ્યાં હૂંફ હું પહેલી ક્ષણે
ને પ્રેમનાં ધાવણ મહીં
પોષાઈ જીવ્યો છું અહીં
હેતાળ એ ભૂમિ તણે
હૈયે જીવનમાં શીખવજો સર્વસ્વ મારું સીંચતાં
ને કોઈ વેળા આખરે આ લોચનોને મીંચતા
એના પ્રકાશિત પ્રાણનું
એના હુલાસિત ગાનનું
એના હુલાસિત દાનનું ગાણું મુખે મારે હજો!

આવતાં જેવું હતું
જાતાંય એવું રાખજો,
ઉત્સવ તણું ટાણું સુખે ત્યારે હજો,
સૌંદર્યનું ગાણું મુખે મારે હજો.

Loading

...102030...1,8501,8511,8521,853...1,8601,8701,880...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved