Opinion Magazine
Number of visits: 10,225,546
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ધૂળેટીમાં ધૂળ ઊડે કે રંગ …?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|18 March 2022

આજે ધૂળેટી. કાલે બધાંએ ઘરની બહાર પણ હોળી કરી, ખરું? આમ તો કેટલાંક કુટુંબોમાં હોળી બારમાસી તહેવાર છે. એમાં મોટે ભાગે પતિ, હોળીનું નાળિયેર બનતો હોય છે. પતી જાય તે પતિ – એ આ સમયની નવી વ્યાખ્યા છે. આજે હસવું છે. બધું ભૂલીને ગમ્મત કરવી છે. હું સ્કૂલમાં હતો ત્યારે સાહેબ પૂછતા – હોળી રંગોનો તહેવાર છે તો બીજા દિવસને રંગોત્સવ કહેવાને બદલે લોકો ધૂળેટી કેમ કહે છે? ત્યારે તો અક્કલ ન ચાલેલી, જો કે, આજે ય ચાલે જ છે એવું નથી, પણ એટલું સમજાય છે કે ધૂળ ઊડવાને કારણે તહેવારનું નામ ધૂળેટી પડ્યું હશે, પણ આપણે તો રંગ ઉડાડીએ છીએ, તો ધૂળેટી કેમ? ધૂળેટીએ કોઈ ધૂળ ઉડાડતું હોય એવું સંભળાયું તો નથી. બરસાનાની હોળી વખણાય છે. વખણાય છે એટલે કે એને લઠમાર હોળી પણ કહે છે. નંદગાંવથી રાધાના ગામ બરસાના યુવકો આવે છે ને અહીંની યુવતીઓ રંગની સાથે યુવકો પર લાઠીઓ પણ વરસાવે છે. કદાચ ત્યારથી જ પુરુષો વગર લાઠીએ જ જિંદગીભર કોઈને કોઈ કારણે ટીપાતા રહે છે. અહીં પણ ધૂળ સાથે ધૂળેટીનો અર્થ સમજાતો નથી.

એને માટે કદાચ પ્રહલાદની સ્ટોરી જાણવી – સમજવી પડે. વાત એમ છે કે નવરાશના વખતમાં અસુરોનો નાશ કરવા ભગવાન અવતાર લેતા હતા. નાશ થઈ શકે એટલે અસુરોને જન્માવતા પણ હતા ને જન્મે પછી તેને પાપ કરવાનો પૂરતો સ્કોપ પણ આપતા હતા. અસુર પાસે પાપનો પૂરતો સ્ટોક થઈ જતો, મતલબ કે પાપનો ઘડો ભરાઈ જતો, તો ભગવાન અવતાર લેતા ને અસુરની બત્તી ગુલ કરી દેતા હતા. હવે અસુર તો ખાસ રહ્યાં નથી, પણ સસુર તો છે જ ને તે એટલા થઈ છે કે બધાને ભગવાન પહોંચી વળે એમ નથી એટલે તેમણે અવતાર લેવાનું હાલ તુરત મોકૂફ રાખ્યું છે. પ્રહલાદની સ્ટોરી એવી છે કે તે ભગવાનનો ભક્ત હતો ને તેના એકના એક ફાધર હિરણ્યકશ્યપુને તે બહુ ગમતું ન હતું. સ્વાભાવિક છે કે ન જ ગમે. દાખલા તરીકે હું ભૂસું વેચતો હોઉં ને મારો દીકરો બાજુવાળાને ત્યાંથી પેટીસ લાવીને ખાય તો ભેજું ફટકે કે નહીં? ફાધર હિરણ્યકશ્યપુ(ટૂંકમાં, એચકે)નું પણ ફટક્યું. તેણે ચોખ્ખું કહી દીધું – નામ દેવું જ હોય તો મારું દે. અહીંનો રાજા કે મંત્રી જે ગણે તે હું જ છું. પ્રજાની રાજા મંતરે તે તો સમજી શકાય, આ તો દીકરો થઈને બાપની જ મેથી મારે છે. કોઈ ભારતીય કાશ્મીરમાં રહીને પાકિસ્તાનની આરતી ઉતારે તો ચાલે? ના ચાલે. ખાય મારું ને ખોદે પણ મારું? ધીસ ઈઝ નોટ ફેર. હવે પછી ભગવાન બગવાનનું નામ દીધું તો તારાં સ્પેરપાર્ટ્સ ઢીલાં કરી નાખીશ. સ્કૂલમાં તો ભણાવેલું કે માતાપિતાનું કહેલું કરવું, પણ પ્રહલાદ જરા અડિયલ હતો. મનફાવે તેમ જ કરતો. તેને ભગવાન દેખાતો ન હતો, પણ તેનું નામ તે દેતો હતો ને એચકે, છાતી પર બેઠેલો હતો, તો તેને ઇગ્નોર કરતો હતો ! એચકે, આઈ મીન હિરણ્યકશ્યપુને તો એમ જ હતું કે મારી ટેરિટરીનો તો હું જ ભગવાન, ત્યાં પોતાનો જ સન પ્રહલાદ આમ ડિસ્કાર્ડ કરે તે તો સાલું ટોલરેટ જ કેમ થાય? આમે ય એચકે પિત્તળ ખોપરીનો તો હતો જ, તેણે ભાડૂતી ગુંડાઓ બોલાવીને હુકમ કર્યો કે ફેંકો સાલાને પહાડ પરથી ! ગુંડાઓ ‘ફેંકું’ હતા, પણ ફેંકે એમ ન હતા, કારણ એ બધા ફિલ્મી હતા એ સાદા દાદરા પણ ચડી શકતા નહતા. આ લલ્લુઓ ગ્રાઉન્ડ ફ્લોર પર હોય ને ગ્રાઉન્ડ ફ્લોર પર જ જવું હોય તો પણ લિફ્ટ વાપરે એવા હતા, તે પહાડ પર ચડે ને પ્રહલાદને ફેંકે એ વાતમાં માલ ન હતો. એ ઉપર ચડે, તો પ્રહલાદને નીચે ફેંકે ને ! એટલે નાદાન છોકરું છે એમ માનીને પ્રહલાદને લીફ્ટમાં નીચે ઉતાર્યો ને ડિકલેર કરી દીધું કે પ્રહલાદને ફેંકી દીધો છે. રાજાએ પણ માની લીધું કે પ્રહલાદ ગયો. પણ એ તો હસતો રમતો બર્ગર ઝાપટતો મહેલમાં આવ્યો. એચકે હર્ટ તો બહુ થયો, પણ સગો દીકરો હતો એટલે ચુમાઈને બેસી રહેવા સિવાય કોઈ રસ્તો ન હતો.

બીજી તરફ પ્રહલાદ જાણતો હતો કે ફાધર આજે નહીં તો કાલે, પોતાની (પાન-કાર્ડ) સોપારી આપીને જ રહેશે એટલે ભગવાન વિષ્ણુને વીડિયો કોલ કર્યો, ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. બોલ્યા – કેમ ડિસ્ટર્બ કર્યો? પ્રહલાદ બોલ્યો – પ્રભુ, તમે તો ફાધરનો નેચર જાણો છો. તમારો પ્રોપેગેન્ડા કરું છું તો એ દાંતિયા કરે છે. હા, એનું નામ દઉં તો રાજપાટ મળે એમ છે.’

– ખબરદાર ! – ભગવાને ત્રાડ નાખી – એવું કૈં કર્યું છે તો જાનથી જશે.

ફાધર પણ એ જ કહે છે – જાનથી જશે, પછી ભગવાને સુધારો કર્યો – જાનથી જશે એટલે કે તારી જાન નહીં નીકળે. એક વાત સમજી લે કે કૈં પણ થઈ જાય, તારે પાર્ટી બદલવાની નથી. લે, આ પદ્મ ઉર્ફે કમળ ! લઈ જા ને તેની ભારતમાં સ્થાપના કર. ચારે બાજુ ‘કમલમ .. કમલ મ…’ થઈ રહેવું જોઈએ. પ્રહલાદ પ્રસન્ન થઈને બોલ્યો – તમે આપેલા ‘પદ્મ’ પુરસ્કારથી હું પ્રસન્ન થયો છું. ભગવાને એનું માથું પરાણે ઝુકાવીને આશિષ આપતા કહ્યું – ચિંતા ન કર. તારા ફાધરનો ઘડો લાડવો હું જ કરીશ. શું છે કે એ, માણસથી કે પશુથી મરે એમ નથી. એટલે મારે નર અને સિંહનો સરવાળો કરીને નરસિંહ અવતાર ધારણ કરવો પડશે ને તારા ફાધરનો ખેલ ખતમ કરવો પડશે.

પ્રહલાદ નાનો હતો તો ય તેને એટલી સમજ તો પડતી જ હતી કે એક ફાધરને મારવા નર અને સિંહનો ટોટલ મારવાની જરૂર નથી, એ કામ તો એકાદ મિસાઈલથી પણ થઈ શકે, પણ સિંહને કોણ કહે કે તારું મોઢું ગંધાય. એટલે રિડાયરેક્ટ થયેલી ટપાલ જેવો પ્રહલાદ મહેલ તરફ ફર્યો ને તેણે જોરશોરથી ભગવાનનું નામ દેવા માંડ્યું.

આ બાજુ એચકે જીવ પર આવી ગયો હતો – કમલમ કમલમ – સાંભળીને. તેણે નક્કી કર્યું કે સિસ્ટર આલ્કોહોલિક, સોરી, વર્કોહોલિક, અગેન સોરી, હોલિકાને આમંત્રણ આપવું ને તેણે ટેકટફૂલી એક ફંક્શન એરેન્જ કર્યું, જેમાં હોલિકાના ખોળામાં પ્રહલાદ બેસે ને ફરતે આગ પ્રગટે તેવું પ્લાનિંગ કરવું. ઇન્ટેન્શન એ હ કે એમાં પ્રહલાદનો ધુમાડો થઈ જાય ને હોલિકા બચી જાય. બચી કેમ જાય? તો કે, તેને વર હોય કે ન હોય, પણ વરદાન હતું કે અગ્નિ તેની રાખ નહીં પાડી શકે. જો કે, પ્રહલાદ નાનો હતો, પણ અક્કલનો બુઠ્ઠો ન હતો કે ફોઇ કહે ને એ હોળીનું નાળિયેર બને. એટલે તેની ફોઈએ તેને ઊંઘની ગોળીઓ આપી દીધી ને એવા ઊંઘતા પ્રહલાદને લઈને તે ચકલે બેઠી. ધારો કે એ જાગી જાય તો પણ એટલો ઘોંઘાટ ઢોલનગારા વગાડીને થવાનો હતો કે તેની ચીસાચીસ કોઈને સંભળાય જ નહીં ! આવું પ્લાન કર્યું એચકેએ.

જે ‘કમળ’પૂજામાં માનતા હતા તે ભક્તો નારાજ હતા. પ્રહલાદ જેવો પદ્મપ્રિય, ભડકો થઈ જાય તે તો ચાલે જ કેમ? પણ ‘પંજો’ એચકેનો હતો ને બચવાનો ચાન્સ ન હતો એટલે પદ્મપ્રિય ભક્તોએ તે દિવસે ધાણીચણા ફાકીને દિવસ કાઢ્યો. રાત્રે હોળી પ્રગટી. હોલિકાનું વરદાન, ઘોડું દશેરાએ જ ન દોડે તેમ, છેલ્લી ઘડીએ જ ફેલ ગયું ને દાઝ બળી તે બરાડવા લાગી, પણ ઢોલનગારાના ઘોંઘાટમાં કૈં સંભળાયું નહીં ને સવારે પ્રહલાદને હેમખેમ જોતાં ભક્તોએ આનંદથી ગુલાલ ઉડાડ્યો ને હોલિકા બળી મરી. એથી દુ:ખી થઈને અસુરોએ ધૂળ ઉડાડી. બસ ! ત્યારથી ધૂળેટી ઉજવાય છે. અસુરો રહ્યા નથી એટલે ધૂળ ઊડતી નથી, પણ ભક્તો રહ્યા છે એટલે રંગો ઊડે છે, એ ખરું કે આસુરી વૃત્તિવાળા હજી ધૂળ ખંખેરતા જ રહે છે. ઘણાંની ધૂળ ખંખેરાતી હોવાને કારણે પણ ધૂળેટી ઉજવાતી હોય તો નવાઈ નહીં. ખરેખર તો આ રંગનો ઉત્સવ છે. કુદરત પણ કેસૂડાં, ગુલમહોર, કરેણનાં રંગો ખિલવીને રંગો ઉછાળે છે તો માણસો રંગ ઉછાળે તેમાં નવાઈ નથી. રંગો પણ એવા કે કેમિકલ ચોપડાય, કલર પણ એટલો પાકો કે ચામડી નીકળે, પણ રંગ ના જાય. રંગ જાય તો પૈસા પાછા – એવી જાહેરાત પણ થાય છે તો રંગ છાંટતાં પહેલાં જ પાણી બચાવવાનો ઉપદેશ પણ અપાવા લાગે છે.

આ વખતે તો કોરોના ફ્રી રંગો છંટાશે. ઘણાના ચહેરા ડામર જેવા થશે. એમાં ઘણાં ઓળખાય જ નહીં એવા પાકા કલરવાળા થઈ જાય તો પણ નવાઈ નહીં ! મમ્મી એની દીકરીને ઘરે ખેંચી જાય ને ડાચું ધુએ પછી ખબર પડે કે દીકરી તો બાજુવાળાની ધોવાઈ ગઈ છે, તો સામેવાળી દીકરો બદલાવવા આવે એવું પણ બને. આ પાછું દીકરા-દીકરી પૂરતું સીમિત નથી રહેતું. દિયરને રંગ્યો છે એવા વહેમમાં ભાભી દિયરને ઘરમાં ખેંચી લાવે છે તો ખબર પડે છે કે દિયરને બદલે ઘરવાળો જ ખોટા સિક્કા જેવો પાછો આવ્યો છે. એવું જ ઘરવાળીને ખેંચી લાવ્યો છે એવા વહેમમાં ધણી બાજુવાળી ભાભીને જ લઈ આવે એમ પણ બને. પછી પસ્તાતો હોય તેમ કહે કે સોરી, ભાભી, મને એમ કે વાઈફને લાવ્યો છું, પણ આ તો બફાટ થઈ ગયો. અને ભાભી ગુલાલ ચોપડતાં કહે કે મને નથી લાગતું કે મેં કોઈ ભૂલ કરી છે, મને તો ખબર છે કે હું કયાં ખેંચાઈ  રહી છું, તો?

– તો જે રંગો ઊડે તે બહાર દેખાય, એવું  લાગે છે?

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 18 માર્ચ 2022

Loading

‘અમે તો પંખી પારાવારનાં’ : વિશ્વનાગરિકતાનું ઘોષણાપત્ર

'અદમ' ટંકારવી|Diaspora - Reviews|18 March 2022

પુસ્તક-પરિચય

‘અમે તો પંખી પારાવારનાં’; લેખક – દાઉદભાઈ ઘાંચી; સંપાદક – કેતન રુપેરા; પરામર્શક – વિપુલ કલ્યાણી; પ્રકાશક – 3S Publication; પ્રાપ્તિસ્થાન – ગ્રંથવિહાર, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ-380 009; પ્રથમ આવૃત્તિ જાન્યુઆરી 2022; પાકું પૂઠું; સાઈઝ : 5.75” x 8.75”; પૃ. 256; રૂ. 400 • £ 5 • $ 7.5

‘અમે તો પંખી પારાવારનાં’ દાઉદભાઈ ઘાંચીના ‘ઓપિનિયન’માં પ્રકાશિત થયેલા લેખોનો સંચય છે. પુસ્તકનું પરામર્શન વિપુલ કલ્યાણીએ અને સંપાદન કેતન રુપેરાએ કર્યું છે. પુસ્તક હાથમાં લેતાં એનું સોહામણું રૂપ આપણને આકર્ષે છે, અને એમાંથી પસાર થતાં લેખોની ઊંચાઈ અને ઊંડાણ હૃદયને સ્પર્શે છે. ગુજરાત અને ગુજરાતી ડાયસ્પોરા દાઉદભાઈને આજીવન શિક્ષક તરીકે, મૂલ્યનિષ્ઠ ચિંતક તરીકે, ભાવિ નાગરિકોના ઘડવૈયા તરીકે સુપેરે ઓળખે છે, અને એમની આ મુદ્રા પુસ્તકના પાનેપાને પ્રતિબિંબિત થાય છે. વિપુલભાઈ ઉચિત રીતે દાઉદભાઈને મૂલ્યોના મશાલચી કહે છે, અને ગુજરાતના વૈચારિક ઘડતરમાં તથા બ્રિટિશ ગુજરાતી સમાજની અસ્મિતાના જતનમાં એમના યોગદાનને સરાહે છે.

કેતનભાઈ આ લેખોમાંથી ‘અવિરત ફોરતા’ દાઉદભાઈના વ્યક્તિત્વ અને અભિવ્યક્તિના મૂળગામી તત્ત્વને ચીંધતાં કહે છે કે, એનો ગર (pith) હર્યોભર્યો છે ‘નાગરિકતા’થી.

પુસ્તકમાં સમાવિષ્ટ બાવીસ લેખોને સંપાદકે અભિવ્યક્તિ-આલેખન અનુસાર વર્ગીકૃત કર્યા છે : પત્ર, નિબંધ, વિચાર-વિમર્શ, ચિંતન-મનન-સંશોધન, વ્યક્તિચિત્ર, અને રસાસ્વાદ-વિવેચન. આ વિષયવૈવિધ્યથી ચિંતક તરીકે દાઉદભાઈના ક્ષેત્રવિસ્તાર (range) અને બહુશ્રુતતા(versatility)નો ખ્યાલ આવે છે.

૨૦૦૫માં લંડન પર આત્મઘાતી હુમલો થયો તેના પ્રતિભાવરૂપે દાઉદભાઈએ ‘ઓપિનિયન’ને લાંબો પત્ર લખ્યો. આ કટોકટીના પ્રસંગે લંડનના નાગરિકોએ વિચાર, વાણી અને વર્તનનું જે ‘સંતુલન’ જાળવ્યું તેને પત્રલેખક ‘હેરતંગેજ’ કહે છે. આ ‘પ્રમાણભાન’ના મૂળમાં બ્રિટિશ પ્રજાની ‘આંતરિક તાકાત’, જે એની મૂલ્યનિષ્ઠામાંથી જન્મે છે. આ છે લંડનની ચેતના, લંડનની આગવી ઓળખ. દાઉદભાઈના શબ્દોમાં આ મહાનગરની ‘લંડનિયત’(Londonness). વિલાયતની આ આન, બાન, શાનને સલામ કર્યા પછી પત્રનું સમાપન આ વાક્યથી થાય છે, ‘તારી એ વિલાયતનો એકાદ અંશ મારા હૃદયમાં સંઘરી હવે હું ભારત પાછો જઈશ.’ આ પત્રમાં દાઉદભાઈના વ્યક્તિત્વનાં બે પાસાં બરોબર ઊપસે છે : ગુણદર્શન અને ગુણગ્રહણ. એ આ મૂલ્યોને આત્મસાત્‌ કરવા ચાહે છે, એનો અર્થ એ કે દાઉદભાઈ આજીવન શિક્ષક જ નહીં, આજીવન વિદ્યાર્થી પણ ખરા. આમાં બ્રિટનના ગુજરાતી સમાજ માટે પણ સંદેશ છે. દાઉદભાઈએ જે મૂલ્યોની કદર બૂઝી તે આ સમાજનાં કેટલાંકને દેખાતાં નથી. કારણ એ કે, દાઉદભાઈને બ્રિટન સાથે, તેની મૂલ્યનિષ્ઠા સાથે ‘દિલનો નાતો’ છે, જ્યારે આમને માત્ર ‘પાઉન્ડનો નાતો’ છે. જે લોકો આ મૂલ્યનિષ્ઠ સમાજરચનાને લીધે અહીં તાગડધિન્ના કરે છે તે જ લોકો ભારતમાં આ મૂલ્યોનું રોજેરોજ હનન કરતાં તત્ત્વોનો અહીં બેઠાં જયજયકાર કરે છે, આરતી ઉતારે છે. અહીં એમને જોઈએ સમાનતા, અને ત્યાં ઊંચનીચ ચાલે. સાચી દેશદાજ એ કે, આ માનવતાવાદી મૂલ્યોની એન.આર.આઈ. સમાજ ભારત ખાતે નિકાસ કરે જેથી ત્યાં મૂલ્યનિષ્ઠ સમાજના નિર્માણની પ્રક્રિયા વેગવંતી બને, તેને બદલે ત્યાંનાં અનિષ્ટોની અહીં આયાત કરનારા ય પડ્યા છે.

દાઉદભાઈ એવો સમાજ ચાહે છે જે લોકશાહી અને માનવતાવાદી મૂલ્યોને વરેલો હોય, સમાવેશી (inclusive) હોય, જ્યાં કાયદાનું શાસન હોય, જ્યાં માનવગરિમા સચવાતી હોય. આવા સુસંસ્કૃત (civilised) સમાજના નિર્માણની પ્રક્રિયાની વિશદ ચર્ચા આ લેખોમાં મળે છે. આની પ્રથમ શરત છે ‘જાત સાથેની પ્રામાણિકતા’.

દાઉદભાઈ ‘ખમ્મા, વિલાયતને!’ કહી એના ઉપર ઓળઘોળ થાય છે ત્યારે એ કોઈ મુગ્ધ Anglophile-બ્રિટનઘેલાનો ઉદ્‌ગાર નથી. એ મહિમા કરે છે બ્રિટિશ મૂલ્યોનો. કાયમી વસવાટ ભારતમાં, પણ બ્રિટનના એકાધિક પ્રવાસો દરમિયાન એમણે આ મૂલ્યો પર આધારિત સમાજજીવનનો જાતઅનુભવ કર્યો, અને વિપુલ કલ્યાણીને એક પત્રમાં જણાવ્યું કે, ‘હું બ્રિટનમાં હોઉં તો વૈચારિક નવજન્મ પામું.’

મૂલ્યનિષ્ઠ સમાજના નિર્માણની પ્રક્રિયા વિશે દાઉદભાઈ પાસેથી જે સૂચનો મળે છે તે સૂક્ષ્મ સૂઝવાળાં – Insightful છે. રાષ્ટ્રીય ઉત્થાનના આ ભગીરથ કાર્યમાં સમાજના દરેક વર્ગના ઉત્તરદાયિત્વને એ અધોરેખિત કરે છે.

દાઉદભાઈમાંનો શિક્ષક આ પરિબળોમાં અગ્રક્રમે મૂકે છે શિક્ષણને. કહે છે, ‘શિક્ષણને માનવ પુનરુત્થાનનું સાધન બનાવવું આવશ્યક છે.’ બ્રિટનની શિક્ષણપ્રથામાં બ્રિટિશ મૂલ્યો અભ્યાસક્રમનું અભિન્ન અંગ છે, અને પ્રત્યેક શાળા વિદ્યાર્થીઓમાં એની સભાનતા કેળવે છે. વર્તમાન ભારતની શિક્ષણપ્રથા આ માનવતાવાદી, ઉદાર મૂલ્યોને કોરે મૂકી ‘સંકીર્ણ વિચારધારા વડે દૂષિત’ થઈ છે તે સુવિદિત છે. જે દેશની શિક્ષણપ્રથા દૂષિત થાય તેની શી વલે થાય તે સમજવા સાઉથ આફ્રિકાની યુનિવર્સિટીના પ્રવેશદ્વારે કોતરેલ નેલ્સન મંડેલાના શબ્દો પ્રસ્તુત છે : Destroying any nation does not require the use of atomic bombs or the use of long-range missiles. It only requires lowering the quality of education and allowing cheating in the examinations by the students. (કોઈ પણ રાષ્ટ્રનો વિનાશ કરવા અણુબોમ્બ કે દીર્ઘ અંતર સુધી ફેંકાતા અસ્ત્રોની જરૂર નથી. જરૂર છે ફક્ત એના શિક્ષણની ગુણવત્તાને નિમ્ન કરવાની અને પરીક્ષામાં વિદ્યાર્થીઓને છૂટથી ચોરી કરવા દેવાની.)

‘સર્જકનો ધર્મ’, ‘બજાર, માણસ અને કવિ’, તથા ‘કવિ લૂંટાયા’ નિબંધોમાં લેખક સાહિત્યસર્જકનું કર્તવ્ય ચીંધતાં કહે છે, ‘એનું સર્જનકર્મ માનવીના ગૌરવનું પ્રતિનિધિત્વ કરે, પુરસ્કાર કરે એ અનિવાર્ય છે.’ ગુજરાતી ડાયસ્પોરાના ચિંતકો, કવિઓ, લેખકોને હાકલ કરતાં દાઉદભાઈ કહે છે કે, તેઓ ફક્ત એમના વસવાટી મુલકોને જ નહીં, બલકે ‘તળ ગુજરાત અને ભારતને, અને હિંસા તથા નફરતથી ખદબદતા અનેક દેશોને તેમનો પ્રેમપંથનો સંદેશ હરકોઈ શક્ય રીતે, વણથંભ્યા આપતા રહેશે.’

ભારતમાં સભ્ય સમાજના નિર્માણમાં બ્રિટનમાં વસતા એન.આર.આઈ. સમાજના ઉત્તરદાયિત્વની ચર્ચા કરતાં દાઉદભાઈ પ્રોફેસર ભીખુ પારેખે આ બાબતે આ સમાજની નૈતિક નબળાઈનો નિર્દેશ કરતાં જે કહેલું તેની યાદ અપાવે છે : ‘હાલના શાસન હેઠળ ભારતને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના અતિસંકીર્ણ મનોવૈજ્ઞાનિક રોગનો ભોગ બનાવવામાં આવી રહેલું છે. ભારતનું એક ગૌરવશાળી રાષ્ટ્ર તરીકેનું હિત તો એ સંકીર્ણ વિચારધારામાં નહીં, પણ ઉદાર અને સહિષ્ણુ એવા કલ્ચરલ યુનિવર્સાલિઝમમાં રહેલું છે. શું એન.આર.આઈ. સમાજ આ સંદેશનો પ્રહરી બનશે?’

આ લેખો ગુજરાતી ભાષામાં ચિંતનાત્મક નિબંધો(reflective essays)ના ઉત્કૃષ્ટ નમૂના છે. લેખક સભ્ય સમાજની અનિવાર્યતા – the why, વિભાવના – the what, અને નિર્માણરીતિ – the howનું સુરેખ આલેખન કરે છે. દાઉદભાઈએ સ્વપ્નેલ ‘સમાનતાનું, સ્વતંત્રતાનું, સૌહાર્દનું આવું કૉમનવેલ્થ’ રચાય તો આપણાંમાંનો પ્રત્યેક જણ એનો વિશ્વ-નાગરિક હશે. તેથી જ સંપાદક કેતન રુપેરા આ પુસ્તક ‘વિશ્વ-નાગરિક બનવાની આપણા સૌની મથામણમાં ઉપયોગી નીવડશે’, એવો વિશ્વાસ પ્રકટ કરે છે ત્યારે આપણે ‘અસ્તુ’ જ કહેવાનું હોય.

બૉલ્ટન, યુનાઇટેડ કિંગ્ડમ,16 February 2022

e.mail : ghodiwalaa@yahoo.co.uk

પ્રગટ : “કુમાર” 1129; માર્ચ 2022; પૃ. 44-46

Loading

યુદ્ધ – નફાનો અવસર?!

ભરત મહેતા|Opinion - Opinion|17 March 2022

પુતિનના રશિયા પરના આક્રમણનો વિરોધ થઈ રહ્યો છે એ વિશ્વની એક સ્વાભાવિક પ્રક્રિયા છે. એમાં ય પુતિનનો એવો હુંકાર કે જો યુક્રેન ‘નાટો’નું સભ્યપદ રદ્દ ન કરે, વિસૈનિકીકરણ ન કરે તો હું એનું અસ્તિત્વ મિટાવી દઇશ. આવી ધમકીમાં આપણને નવી સામ્રાજ્યવાદી સત્તાનાં સમીકરણ દેખાય એ પણ સ્વાભાવિક છે. જાણે ચીન, રશિયા અને બીજા થોડા દેશો મળી, વળી પાછા, અમેરિકાની જેમ યુદ્ધખોર બની વિશ્વની તબાહી સર્જશે. સામા પક્ષે આવી આકરી તાવણી છતાં અમેરિકા પણ ઘરડો વાંદરો ગુંલાટી ન ભૂલે એમ જ વર્તી રહ્યું છે. આ યુદ્ધના બધે જ સમાચાર ચાલતા હતા ત્યારે જ અમેરિકાએ સોમાલિયા પર અને અમેરિકાપ્રેરિત સાઉદીએ યમન પર આક્રમણ કર્યું એ ઘટના મીડિયા દેખાડતું જ નથી! તદુપરાંત, કેટલીક ઘટનાઓ એવી છે કે બેઉ સત્તાના ગજગ્રાહને બતાવે છે. જે હિટલરે પણ નથી કર્યું એવું કેટલુંક અત્યારે અમેરિકા અને અન્ય રાષ્ટ્રો કરી રહ્યાં છે. સત્તા જવાના ભયે અથવા યુદ્ધ દ્વારા પૈસા કમાવા હોય જે હોય તે પણ, પુતિનના અહમ્‌ સામે એમણે પણ વિવેક ગુમાવ્યો છે.

જેમ કે, આગામી દિવસોમાં યોજાનાર દિવ્યાંગ ઑલિમ્પિકમાં રશિયન ખેલાડીઓને ભાગ લેવા દેવામાં નહીં આવે, બીજી તરફ, મિત્ર રાષ્ટ્રના ધ્યાનચંદને હૉકી રમતાં હિટલર પણ જોઈ શકતો હતો! આંતરરાષ્ટ્રીય સ્તરે બિલાડીઓનું પ્રદર્શન છે, એમાંથી રશિયન બિલાડીઓ પણ બાકાત! યુક્રેન સરકારે જાહેર કર્યું કે યુક્રેનમાં વસતા તમામ રશિયનોની સંપત્તિ જપ્ત થશે! રશિયાની જેમ ભારત પર પણ અમેરિકા CAASTA (Countering America’s Adversaries Through Sanctions Act) ઍક્ટ હેઠળ આર્થિક નાકાબંધી લાદી શકે એવાં અણસાર અમેરિકાએ આપ્યાં છે, એની વાત દક્ષિણ રશિયાના અમેરિકન અધિકારી ડોનાલ્ડ લૂએ કરી છે. તાકીદે ભારતે રશિયાને આપેલ બે યુદ્ધાસ્ત્રોનો ઑર્ડર રદ્દ કરેલ છે જે સીધો અમેરિકન દબાવ છે. અમેરિકા-યુક્રેનની આવી પ્રતિક્રિયાઓ આર્થિક આતંકવાદ છે. વોશિંગ્ટન પોસ્ટે જણાવ્યુ કે નાટો દ્વારા પોલૅન્ડમાં યુક્રેનની સરકાર બનાવવામાં આવશે. જે ગોરીલા યુદ્ધ ચલાવશે. અમેરિકા પોતાના ૧૯ ધનિકોની સંપત્તિ જપ્ત કરશે આ ધનિકો રશિયન છે. ૪૬ વિઝા પર પાબંદી લગાવવામાં આવી છે જે રશિયન છે. રશિયન પ્રજાને પણ Master Card, Visa Cardમાંથી મુક્ત કરી દેવામાં આવી છે. તેથી Union-pay વ્યવસ્થા (ચીન) સમજૂતી કરી જેથી નાગરિકોને તકલીફ ન પડે. આમ, વેપારીઓ અને સામાન્ય નાગરિકોને પૂરી રીતે કનડવા અમેરિકાએ કમર કસી છે. જુદા જુદા દેશોમાં વોડ્‌કાના વેપારીઓની દુકાનો પર હુમલા થઈ રહ્યા છે અમેરિકન લેખક હેન્રી કિસિંજરે એટલું જ કહ્યું છે કે નાટોનો વધતો જતો વ્યાપ વિશ્વ માટે ખતરનાક સાબિત થશે.

ઉપરાંત, કલાકારો પર પણ હુમલા વધ્યા છે. જાણીતી ઑપેરા અભિનેત્રી અન્નાનેત્રી વોકોવે રશિયાના યુક્રેન પરના આક્રમણની ટીકા કરી, પરંતુ પુતિનનો સીધો વિરોધ કરવાની ના પાડી તેથી તેને અમેરિકન કંપનીએ હાંકી કાઢી. આ અભિનેત્રીએ ૨૦૦થી વધુ શૉ કર્યા છે. ૨૦૧૪માં યુક્રેનમાં ઓપેરા હાઉસના નિર્માણમાં ખૂબ મોટું દાન આપ્યું હતું. એણે જાહેર કર્યું હતું કે રાજનીતિથી મારે કોઈ લેવા દેવા નથી. જર્મનીમાં રશિયન સંગીતકાર બ્લેરી ગલેરીફે પુતિન વિરોધની સહી ઝુંબેશમાં ન જોડાતાં એને પણ હાંકી કાઢ્યો. શું આ ફાસીવાદ નથી? ફ્રાંસ સરકારે તૉલ્સ્તૉય, ચેખોવ, દોસ્તોયવ્સ્કી વગેરે અભ્યાસક્રમમાં ભણાવાશે નહીં તેમ નક્કી કર્યું છે.

આ ઉપરાંત, જાણે કે આ યુદ્ધ નફાનો અવસર હોય એમ અમેરિકાના પેટ્રોલિયમ ઉદ્યોગે અમેરિકન સરકાર સામે ચાર માંગણી મૂકી છે. પર્યાવરણનો પ્રશ્ન વચ્ચે લાવ્યા વિના અમને જુદાં જુદાં ફેડરલ રાજ્યોમાંથી તેલ કાઢવા દેવામાં આવે. એમના પર લદાયેલા નિયમો હળવા કરવામાં આવે. પ્રદૂષણની સજા કરવામાં ન આવે. આમ, અમેરિકન બજાર યુદ્ધને કમાવાનો સ્વર્ણિમ અવસર માને છે. સામા પક્ષે આ આર્થિક નાકાબંધી કે આર્થિક આતંકવાદ વિશ્વમાં મોંઘવારી સર્જશે. યુરોપને ૪૦% ગૅસ રશિયા આપે છે જે મોંઘો થશે. માત્ર ભારતની વાત કરીએ તો લગભગ ૨૫ લાખ ટન સૂરજમુખી તેલ આયાત કરે છે, જેમાંથી ૭૦% યુક્રેન, ૨૦% રશિયાથી આવે છે એ પણ મોંઘું થશે.

બીજા વિશ્વયુદ્ધનું એક પરિણામ ૬૦ લાખ યહૂદીઓ માર્યા હતા. ઝેલેંસ્કી યહૂદી છે છતાં નાઝીઓનું સમર્થન કરી રહ્યા છે. યુક્રેનમાં છદ્મ રાષ્ટ્રવાદની ગતિવિધિનો એક ઇતિહાસ છે. સ્ટેપન બંડેરા 'યુક્રેન રાષ્ટ્રવાદના પિતા ગણાય છે, જેણે યહૂદીઓનો નરસંહાર કરેલો. ઈ.સ. ૨૦૦૭માં યુક્રેનમાં એની ભવ્ય મૂર્તિ લગાવવામાં આવી. આ સ્ટેપન બંડેરાએ હિટલરના મિત્ર તરીકે લાખો રશિયનની કત્લેઆમ જેની પરાકાષ્ઠા આજે રશિયન નફરતમાં આવી છે. જેના કારણે યુક્રેનમાં છેલ્લાં આઠ વર્ષમાં ચૌદ હજાર રશિયનોની હત્યા થઈ છે. નાટોનો નાતો આવા ઉગ્ર રાષ્ટ્રવાદની ટીકા કરતું નથી. રશિયાની સંસદમાં ૪૫૦ બેઠકો છે, જેમાં ૫૭ સામ્યવાદીઓ છે. પુતિનનો નિર્ણય પોતાનો નથી, સર્વાનુમતે લેવાયો છે. રશિયામાં ૬૨% વૃદ્ધો છે. જે યુદ્ધની તરફેણમાં છે. યુવાનો યુદ્ધની વિરુદ્ધ છે. પુતિન ૭૦ વર્ષના છે, જે જૂની પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે.

યુદ્ધના પ્રારંભે રશિયાએ આખા દેશમાં સડક, વાહનવ્યવહાર, રેલવે, વીજળી, પાણી, મોબાઇલ, ઇન્ટરનેટ, ચિકિત્સા સેવાને નુકસાન નથી કર્યું. આરામથી બધા વીડિયો કૉલથી વાતો કરી શકતા હતા. સ્પષ્ટ છે કે યુદ્ધ જનતા સાથે નથી, જુમલેબાજ નેતાઓ સાથે છે. કેટલીક જગ્યાએ ખાવાની તંગી પડે છે પણ યુક્રેન સરકારે જ દુકાનો અને એ.ટી.એમ. બંધ રખાવ્યા છે! યુક્રેન સૈન્યને આત્મસમર્પણની તક આપી છે. રશિયન રક્ષા મંત્રાલયે જણાવેલ કે કીવના નિવાસીઓને/નાગરિકોને બહાર નીકળવું હોય તો ડર્યા વિના કીવ-વાસિલકોવનાઓ માર્ગે નીકળે. એ ખુલ્લો અને સુરક્ષિત છે. જ્યારે નાઝીવાદીઓ રહેઠાણ વિસ્તારમાંથી હુમલો કરી પ્રજાને ઢાલ બનાવે છે. પુતિને કહ્યું કે યુક્રેન સ્પ્રિંગબૉર્ડ છે. રશિયા પર આર્થિક નાકાબંધી જાહેર કરાઈ છે. જર્મનીએ રશિયા જતી બે પાઇપલાઇનની યોજના પર પ્રતિબંધ લગાવી દીધો છે અને યુક્રેનની મદદમાં સામગ્રી મોકલી છે. સ્નેકટાપુ પરના ૮૨ સૈનિકોને રશિયાએ મારી નાંખ્યા એમ ઝેલેંસ્કી કહે છે ત્યારે જ નિરાંતે ખાતા-પીતા યુદ્ધકેદીઓ તરીકે બતાવતો વીડિયો રશિયાએ જાહેર કર્યો છે. આમ, યુક્રેન-અમેરિકા આ મામલે જૂઠું બોલતા વારંવાર પકડાય છે. ઝેલેંસ્કીનો સૈનિક ગણવેશવાળો ફોટો પણ ૬ ડિસેમ્બર ૨૦૨૧નો છે! ઈ.સ. ૨૦૧૯માં વિધિવત અમેરિકન સંસદમાં પુતિનની વ્યક્તિગત સંપત્તિની જાણકારી લાવવાનું કામ ગુપ્તચરને સોંપેલું બિલ પાસ થયેલું! વિદ્યાર્થીઓ અને નાગરિકોની બાબતમાં મોદી સરકારનું કશું ય ઊપજ્યું નથી એ બાબત છે કે એમની વિશ્વમાં આબરૂ કેટલી છે. ઇરાક-ઈરાને ફાઇટર પ્લેન મોકલી પોતાના નાગરિકોને સલામત ઉપાડી લીધા. આ છપ્પનની છાતી ગણાય. કોરોનાના કારણે વિદેશ ભણવા ગયેલા જે વિદ્યાર્થીઓ રશિયા પાછા આવ્યા છે એમને રશિયાના પાંચ શ્રેષ્ઠ વિદ્યાલયોમાં મફત શિક્ષણની રશિયાએ જાહેરાત કરી છે.

યુક્રેનમાં ૧૫થી વધુ પરમાણુકેન્દ્રો છે. ચર્નોબિલ, થયેલી જાનહાનિ આપણને યાદ છે, એ ત્યાં જ આવેલું. પુતિને દેશમાં ન્યુક્લિર એલર્ટ જાહેર કર્યું છે. બીજી તરફ યુ.એસ. અને નાટોએ ૪૦,૦૦૦ સૈન્ય યુરોપમાં ફરતું કરીને યુદ્ધનો ભય ઊભો કર્યો છે. સાડા ચાર લાખ પોતાનો દેશ છોડી દીધો છે. જે આંકડો આજે ૧૧ લાખે પહોંચ્યો છે. રશિયા પશ્ચિમના પ્રચારને જાણતું હોઈ ૨૫મી ફેબ્રુઆરીએ નક્કી કરાયું કે ચર્નોબિલ પરમાણુકેન્દ્ર રક્ષા રશિયા અને યુક્રેનનું સૈન્ય મળીને કરશે! જેનો વીડિયો પણ રશિયાએ જાહેર કર્યો છે. બીજી તરફ જુઓ, ભારત સરકારના દૂતાવાસમાં કોઈ ફોન ઉઠાવતું નથી! ભારત સરકારના રક્ષા મંત્રાલયે ભારતીય નાગરિકોને જણાવી દીધું કે ઉપલબ્ધ સાધનોથી તાત્કાલિક યુક્રેન છોડી દો! આનો અર્થ એ થાય કે અમે લાચાર છીએ! જ્યારે યુક્રેનને નાટોમાં સામેલ કરાયું હતું ત્યારે બધે ઉત્સાહ ફરી વળ્યો હતો, પરંતુ આ યુદ્ધ થતાં યુક્રેને બૉમ્બવર્ષક વિમાનો અને ઍરક્રાફ્ટની માંગણી કરી ત્યારે સાફ મનાઈ ફરમાવી દીધી. આ જ યુરોપીય સંઘનું પાખંડ છે. તુર્કી નાટોનું સભ્ય હોવા છતાં એને પરેશાન કરવામાં આવેલું. આમ, નાટો અને યુરોપીય સંઘ વચ્ચે પણ ભેદભાવ રાખવામાં આવે છે. આઠ દિવસથી વધુ થયાં છતાં યુનોએ જાહેર કર્યું કે ૨૫૦ યુક્રેન નાગરિકો મર્યા છે. હ્યુમન કૉરિડૉર બનાવી રશિયાએ જ લાખો યુક્રેનવાસીઓને યુદ્ધક્ષેત્રથી સલામત બહાર કાઢ્યા છે. હકીકતમાં આ યુદ્ધ નવનાઝી વિરુદ્ધ રશિયાનું છે.     

E-mail : bharatmehta864@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2022; પૃ. 10 તેમ જ 09

Loading

...102030...1,7371,7381,7391,740...1,7501,7601,770...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved