Opinion Magazine
Number of visits: 9962464
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લોક-આંદોલનનો કોઈ વિકલ્પ નથી : મેધા પાટકર

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|15 January 2022

તા. ૩૦ સપ્ટેમ્બરથી ૨૦ ડિસેમ્બરના દિવસોમાં સ્વાસ્થ્યવશ મોટા ભાગનાં જાહેર રોકાણો છોડવાં પડ્યાં, એ પૈકી એક આ અવસર પણ હતો. ચુનીકાકાના સહયોગીને નાતે થોડી દિલી આપ-લે કરવાનું બેલાશક ગમ્યું હોત. મેધાબહેનને અભય આપવાની કામગીરીમાં હુંયે કંઈક સામેલ હતો એની વાત તો ઠીક, પણ સવિશેષ તો જાહેર જીવનની રીતે અમારી વચ્ચે સતત જે એક ‘કમ્પેરિંગ નોટ્‌સ’નો નાતો ૧૯૭૪થી જીવનભર રહ્યો, તે વિશે પણ મારે ક્યારેક વિગતે લખવું જોઈશે. થોડુંક એમના સ્મૃતિગ્રંથમાં પ્રાસ્તાવિકરૂપે જરૂર લખ્યું છે, પણ એથી મને ધરવ નથી તે નથી. ક્યારેક પરસ્પર ટીકાનોયે પ્રસંગ આવ્યો, જેમ કે નર્મદા બંધના વિરોધમાં હિંસા ને અસહિષ્ણુતા સંદર્ભે મારે થોડુંક લખવાનું થયું તે બંધવિરોધી સિદ્ધરાજ ઢઢ્ઢાએ હિંદીમાંથી ઉતાર્યું હતું. પણ લાંબી સહયાત્રાને છેડે ખાટું પણ કેરીના મરવા પેઠે મધુર થઈ જતું હોય છે એટલું જ આ ક્ષણે તો કહું.

— પ્ર.ન.શા.

[“નિરીક્ષક” તંત્રી]

°°°°°

ગુજરાત લોક સમિતિએ ચુનીભાઈ વૈદ્યને તેમના સ્મૃતિ દિન ૧૯ ડિસેમ્બરે કર્મશીલ મેધા પાટકરના વ્યાખ્યાન થકી ખૂબ બંધબેસતી અંજલિ આપી. ‘જમીની સંઘર્ષ ઔર ચુનૌતિયાં’ વિષય પર મેધાબહેને એમની લાક્ષણિક પ્રજ્ઞા અને ઊર્જા સાથે સવા કલાક એકધારું તેમ જ રાબેતા મુજબ અસ્વસ્થ કરનારું વ્યાખ્યાન આપ્યું. નર્મદા યોજના ઉપરાંત પણ અનેક સાંપ્રત લડતો અને પડકારોને તેમણે ઠીક સ્પષ્ટતા સાથે આવરી લીધાં. જો કે દરેક બાબતે એમ જ લાગ્યું કે વક્તા માત્ર એ લડતોને સ્પર્શી જ રહ્યા છે અને એના વિશે તેમણે હજુ ઘણું કહેવાનું છે.

પીઢ આંદોલનકારી, સેવાનિષ્ઠ તબીબ અને ભારતીય જનતા પક્ષ(ભા.જ.પ.)ના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કળસરિયાના અધ્યક્ષપદે યોજાયેલ ચુનીભાઈ વૈદ્ય સ્મૃતિ વ્યાખ્યાન એ મેધાબહેનનું અમદાવાદમાં સંભવતઃ પહેલું જાહેર વ્યાખ્યાન હતું. પૂર્ણપણે મેધાતાઈનું આ પ્રકારનું વ્યાખ્યાન  આ પહેલાં યોજાયું ન હોય તે તાજ્જુબની વાત છે. કેમ કે, અમદાવાદમાં વીતતાં વર્ષો સાથે ભલે ઘટતા દરે પણ જાહેર વ્યાખ્યાનો યોજાતાં રહ્યાં છે. મેધાબહેનનાં સમકાલીન અને તેમના પુરોગામી એવાં જાહેરજીવનના અનેક  અગ્રણીઓનાં પ્રવચનો આ શહેરમાં યોજાઈ  ચૂક્યાં છે.

સંઘર્ષરત મેધાબહેનનું અમદાવાદના નાગરિક સમાજના એક હિસ્સા સાથે ગયાં ચાળીસેક વર્ષથી લાગણીનું જોડાણ રહ્યું છે. ગુજરાતમાં તેમના માટે ઉપજાવી કાઢવામાં આવેલા તિરસ્કારના માહોલ વચ્ચે પણ અહીં તેમના અનેક ટેકેદારો, હિતચિંતકો અને ચાહકો છે. આમ છતાં, અમદાવાદમાં હજુ સુધી તેમનું વ્યાખ્યાન યોજાયું હોવાનું જાણમાં નથી. તેની પાછળનું સીધું કારણ તો એ છે કે નર્મદાબંધ મુદ્દે હંમેશના વિવાદ અને અસહિષ્ણુતાના માહોલમાં નર્મદા બચાઓ આંદોલનનાં નેત્રીનું અમદાવાદમાં આવવું હંમેશાં જોખમકારક રહ્યું છે. ગોધરા કાંડને પગલે ગુજરાતમાં થયેલાં રમખાણો દરમિયાન ૭ માર્ચ, ૨૦૦૨ના દિવસે શાંતિ, રાહત અને પુનર્વસન અંગે નાગરિકસમાજની સાબરમતી આશ્રમમાં મળેલી બેઠકમાં મેધાબહેન પર ભીષણ હુમલો થયો હતો. હિંસક ફાસીવાદી યુવાનોનાં ટોળાંની પકડમાંથી મેધાબહેનને ૮૫ વર્ષના નર્મદા તરફી ગાંધીવાદી ચુનીકાકાએ અપૂર્વ શૌર્ય અને ઔદાર્યથી બચાવ્યા હતા. તેનાં દસેક વર્ષ પહેલાં પણ શ્રેયસ ફાઉન્ડેશનના પરિસરમાં મેધાબહેન અને તેમના સાથીઓ પર હુમલો થયો હતો. ગુજરાતમાં આયોજકો મેધાબહેનને વ્યાખ્યાન માટે બોલાવવાનું જોખમ લેતા ન હતા. નજીકના ભૂતકાળમાં ઘણું કરીને બે કાર્યક્રમોમાં તેઓ જોડાયાં હતાં, પણ મુખ્ય વક્તા તરીકે નહીં જ. પણ આખરે ગુજરાત લોક સમિતિએ પહેલ કરી. ચુનીકાકાના કાર્યને આગળ ધપાવવા મથનાર નીતાબહેન, મુદિતા અને મહાદેવભાઈએ દહેશતને બાજુ પર મૂકીને ર્નિભયપણે મેધાબહેનને નિમંત્ર્યાં. અલબત્ત, જોખમની સંભાવના ઘટાડવા માટે સ્મૃતિ વ્યાખ્યાનની સોશ્યલ મીડિયા થકી કરવામાં આવેલી જાહેરાતના પહેલા બે તબક્કામાં મેધા પાટકરનું નામ મૂકવામાં આવ્યું ન હતું. એમનું નામ વ્યાખ્યાનના આગળના દિવસે સોશિયલ મીડિયામાં વહેતું કરવામાં આવ્યું. મેધાબહેનના આ સંભવતઃ પહેલા જાહેર વ્યાખ્યાન અંગે બીજી એક ધાસ્તીપૂર્ણ હકીકત એ હતી કે અમદાવાદમાં ભારતીય જનતા પક્ષ(ભા.જ.પ.)ના અત્યારના પ્રમુખ અને પૂર્વ મેયર અમિત શાહ છે. તેઓ મેધાબહેન પર સાબરમતી આશ્રમમાં થયેલા હુમલામાં એક આરોપી પણ હતા.

ચુનીકાકાના સાતમા સ્મૃતિદિને અમદાવાદ મેડિકલ ઍસોસિયેશનના સભાગૃહમાં યોજાયેલ વ્યાખ્યાનમાં શ્રોતાઓની સંખ્યા ઘણી ઓછી હતી. જાડી રીતે કહેવું હોય તો આશરે સવાસો મિનિટના કાર્યક્રમમાં લગભગ તેટલી જ સંખ્યામાં શ્રોતાઓ હતા. આ શહેરમાં મહામારી પૂર્વેના ભૂતકાળમાં જુદા જુદા કાર્યક્રમો/ઉપક્રમો હેઠળ જાહેર વ્યાખ્યાનો આપનાર વ્યક્તિઓમાં સહજ રીતે યાદ આવતાં નામોમાંથી કેટલાંક છે : કપિલ સિબ્બલ, રામચન્દ્ર ગુહા, પી. સાઇનાથ, ગણેશ દેવી, અશોક વાજપેયી, મૃણાલ પાંડે, આનંદ તેલતુંબડે, રવીશ કુમાર, હરીશ ખરે, અઝીમ પ્રેમજી, ડૉ. પ્રકાશ આમટે, સુનીતા નારાયણ, રાણી બંગ, વિનાયક સેન, કુમાર પ્રશાન્ત. આમાંથી ઘણાં વ્યાખ્યાનોમાં શ્રોતાઓની જે ઉપસ્થિતિ હતી, તેની સરખામણીમાં મેધાબહેન જેવાં વિરલ કર્મશીલનાં વ્યાખ્યાનમાં ઘણાં ઓછા શ્રોતાઓ હતા. આવું શા માટે બન્યું હશે, તે અંગે વિચારતાં નાગરિક સમાજ અંગે મંથન કરવાનું  થાય.

મેધાબહેનના વ્યાખ્યાનનું વૃત્તાન્ત-નિવેદન ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ સિવાય ભાગ્યે જ કોઈ છાપાએ કર્યું. ‘નવગુજરાત સમય’ અખબારે વ્યાખ્યાન પ્રસંગની તસવીર ચુનીકાકાને અંજલિ રૂપે  મૂકી. બી.બી.સી. પર તેજસ વૈદ્યે મેધાબહેનની વીસેક મિનિટની મુલાકાત લીધી, જે ૨૨  ડિસેમ્બરે પ્રસારિત થઈ. ‘ધ વાઇબ્સ ઑફ ઇન્ડિયા’ અને ‘ઇન્ડિયા ટુમૉરો’ નામનાં પૉર્ટલ્સ પર વરિષ્ઠ પત્રકાર અનુક્રમે દર્શન દેસાઈ અને નયીમ કાદરીએ કાર્યક્રમનું નોંધપાત્ર વૃત્તાન્ત-નિવેદન કર્યું હતું. તે વૃત્તાન્તોને આધારે મેધાબહેનના વ્યાખ્યાનના મહત્ત્વના મુદ્દા અહીં નોંધ્યા છે.

જનઆંદોલનોના આગેવાનોનો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘આંદોલનજીવી’ કહીને ઉપહાસ કર્યો હતો. તેને યાદ કરીને મેધાબહેને એ મતલબનું કહ્યું કે ‘હા, અમે આંદોલનજીવી છીએ.’ અત્યારની સરકારે તેની કેન્દ્રીકૃત નીતિઓથી હાંસિયાની વધુ ને વધુ બહાર ધકેલાઈ રહેલાં લોકો માટે શેરીમાં ઊતરવા સિવાય કોઈ વિકલ્પ જ રહેવા દીધો નથી. નર્મદાનાં પાણીની અસંતુલિત અને શહેર તરફી વહેંચણીને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારો હજુ પણ પાણીની તંગી અનુભવી રહ્યા છે. 

જે આંદોલનને કારણે ભા.જ.પ.ની સરકારને કૃષિકાયદા પાછા ખેંચવાની ફરજ પાડનાર ખેડૂત-આંદોલનનો ઉલ્લેખ કરીને મેધાબહેને કહ્યું કે જબરદસ્ત લોકસંઘર્ષને કારણે આ જીત શક્ય બની. શાહીન બાગ આંદોલનને પણ મેધાબહેને બહુ ભાવપૂર્વક યાદ કર્યું.

કેટલાક ન્યાયાધીશો એક હદ સુધી રાજકીય દબાણની સામે ટકી રહે છે, પણ ત્યાર બાદ બાંધછોડ સ્વીકારે છે. આપણે અયોધ્યાથી લઈને કાશ્મીર સુધીના ચુકાદાઓમાં આ જોયું છે. આપણે રાજ્ય સભામાં નિયુક્તિ સ્વીકારનાર ન્યાયાધીશો પણ જોયા છે.

આપણે જે પ્રશ્નો માટે લડીએ છીએ, કેટલાક માટે આપણે કોર્ટમાં જઈએ, આપણને ટેકો આપનાર જૂજ નોકરશાહો કે ન્યાયાધીશો પણ મળી જાય, પણ બદલાવ તો જમીની સંઘર્ષથી જ આવે.

અત્યારે આપણે રાજકીય પક્ષની બહાર રહીને રાજકીય લડત ઉપાડવાની જરૂર છે. આ લડત એ વર્ગો સૌથી વધુ જુસ્સાથી ચલાવી શકે કે જેઓ એમના નામે રાજકીય પક્ષોએ ઘડેલી કહેવાતી ક્લ્યાણનીતિઓનો ભોગ બન્યા હોય.

યુનાઇટેડ નેશન્સ, વર્લ્ડ બૅન્ક અને એશિયન ડેવલપમેન્ટ બૅન્ક જેવી નાણાં પૂરાં પાડનારી  આંતરાષ્ટ્રીય એજન્સીઓ સામે પણ આપણે અત્યારે જાગવાની જરૂર છે. આ એજન્સીઓ આદિવાસી અને દલિતવર્ગો માટે સંવેદન ધરાવે છે, પણ સાથે આ સમુદાયોના હિતની વિરુદ્ધની નીતિઓ અમલમાં મૂકનાર સરકારને પૈસો પૂરો પાડે છે.

વળી, સરકારો અમારા પર એવો આરોપ લગાવે છે કે અમે વિદેશી નાણાંથી આંદોલનો ચલાવીએ છીએ, પણ હકીકતમાં તો સરકાર ખુદ જ પી.પી.પી.(પ્રાઇવેટ પબ્લિક પાર્ટનરશિપ)ના નામે વિદેશી એજન્સીઓ પાસેથી પુષ્કળ પૈસો મેળવે છે. મેધાબહેને પોતે ઍવૉર્ડનાં રાશિનો અસ્વીકાર કર્યો હોવાની વાત જણાવી હતી. તેમણે એવો સવાલ પણ કર્યો કે ‘ પી.એમ. કૅઅર્સ ફન્ડ અને ડિઝાસ્ટર મૅનેજમેન્ટ માટે કેટલો વિદેશી પૈસો આવે છે? એ ક્યાં છે ?’ વળી, આદિવાસીઓ, ભૂમિહીનો, ગરીબો અને ખેડૂતો માટે પૈસો નથી એમ કહેતી સરકાર પાસે સેન્ટ્રલ વિસ્ટા, સરદાર પટેલની પ્રતિમા માટે પૈસો છે અને તેની પાસે કૉર્પોરેટ્‌સની હજ્જારો કરોડ રૂપિયાની એન.પી.એ.(નૉન-પરફૉર્મિન્ગ ઍસેટ્‌સ) માફ કરવા માટે પૈસો છે.

વિકાસની મૂળભૂત અવધારણાની સામે સવાલ ઉઠાવતા વિશાળ મૅક્રો-લેવલ આંદોલનના પાયામાં અનેક માઇક્રો-લેવલ ચળવળો હોય છે. ચુનીકાકાનો નારો હતો : ‘ગાઁવ કી જમીન ગાઁવ કી’ પણ એવું ક્યાં થઈ રહ્યું છે ? જળ-જંગલ-જમીન જેમની માલિકી ગામના લોકોની હોય તે હવે કૉર્પોરેટ સેક્ટર અને ખાણમાફિયાઓને સોંપાઈ રહ્યાં છે. કોઈ પણ પ્રશ્નના ઉકેલ માટે લોકઆંદોલન સિવાય વિકલ્પ નથી. જનઆંદોલન ભારતીય લોકશાહીના આધારસ્તંભોને લાગેલી ઊઘઈને દૂર કરી શકશે.

ખેડૂતોનાં જળ-જમીન માટે સૌરાષ્ટ્રમાં નિરમા અને અલ્ટ્રાટેક કંપનીઓની સામે આંદોલન ચલાવનાર કનુભાઈએ ટૂંકા અધ્યક્ષીય વક્તવ્યમાં કહ્યું કે અત્યારે ભલે ચુનીકાકા સદેહે આપણી સાથે નથી, પણ તેમનો વારસો આપણને શક્તિ આપી રહ્યો છે. કનુભાઈએ સપ્ટેમ્બર, ૨૦૧૦ની એ સાંજને યાદ કરી કે જ્યારે કાકાએ ધોધમાર વરસાદમાં ટ્રૅક્ટરમાં ઊભા રહીને ખેડૂતોની રેલીને સંબોધી હતી.

કાર્યક્રમનું સુચારુ સંચાલન મુદિતાએ કર્યું હતું. મહાદેવભાઈએ માનેલા આભારપૂર્વે એક રસપ્રદ ઉપક્રમ હતો. તેમાં સભાગૃહમાં ઉપસ્થિત બહેનોને મંચ પર બોલાવીને તેમને હસ્તે મેધાબહેનને એક સ્મૃતિચિહ્ન અર્પણ કરવામાં આવ્યું હતું. તેમાં તેમના વિશે તેમના જ એક સાથીએ લખેલી સુંદર હિન્દી કવિતા અંકિત કરવામાં આવી હતી, જે મુદિતાએ વાંચી હતી.

આયોજકોએ સૂઝપૂર્વક સભાગૃહની બહાર મૂલ્યવાન પુસ્તકો વેચાણ માટે મૂક્યાં હતાં. તેમાં ચુનીકાકાએ વર્ષો પહેલાં લખેલી અને ગાંધીવિચારખંડન તેમ જ ગોડસે વિચારમંડનના અત્યારના સમયમાં વિશેષ પ્રસ્તુત બે પુસ્તિકાઓ ‘સૂરજ સામે ધૂળ’ : ગાંધીનું બલિદાન અને સાચું શું ખોટું શું’ (તેમ જ તેનો અંગ્રેજી અનુવાદ ‘સ્પિટિન્ગ એટ ધ સન’) અને ‘જૂઠાણું જલદી પકડાય : ગોડસેની સફાઈ અંગે સાફ સાફ’ પણ ઉપલબ્ધ હતી. ચુનીકાકાને લગતી સામગ્રીમાં કેતન રૂપેરાએ મનોયોગપૂર્વક સંપાદકીય કાર્યબોજ ઉઠાવી તૈયાર કરેલ સ્મૃતિગ્રંથના ઉત્તમ નમૂના જેવો ગ્રંથ ‘અગ્નિપુષ્પ’ ઉપરાંત મુકુંદ પંડ્યા લિખિત, કાકાનું ટૂંકું મહત્ત્વનું ચરિત્ર ‘સંઘર્ષ અભી જારી હૈ…’, અને ‘લોકસ્વરાજ’ માસિકના કાકા પરના બે વિશેષાંકો હતા. વળી, ગુજરાત લોક સમિતિએ તાજેતરમાં બહાર પાડેલું હેમંતકુમાર શાહનું ખૂબ મહત્ત્વનું પુસ્તક ‘આમુખ’ પણ અહીં વેચાણ માટે હતું. ખુદ મેધાબહેને કેટલીક સૂતરાઉ સાડીઓ વેચાણ માટે મૂકી હતી. આ સાડીઓ મધ્ય પ્રદેશમાં એક મિલના માલિકોની સામે લાંબા સમયથી લડત આપી રહેલા કામદારોના પરિવારોએ બનાવી હતી.

કાર્યક્રમમાં ગીત રજૂ કરનાર ગાયક કલાકાર નરેન્દ્ર શાસ્ત્રીએ કાર્યક્રમ પૂરો થઈ ગયા પછી ચુનીકાકાના ગાંધી આશ્રમ સામેના ઘરના પરિસરમાં આમંત્રિતો માટે ગીતોનો એક આહ્લાદક કાર્યક્રમ રજૂ કર્યો. તેમને તબલા પર સંગત તેમના ભાઈ જિતેન્દ્રએ કરી હતી. નાની જગ્યા અને સાવ થોડાક શ્રોતાઓ વચ્ચે પણ કલાકારોએ દિલથી મહેફિલ જમાવી. તેમાં કાકાને ગમતાં કે.એલ. સહેગલનાં ગીતો ઉપરાંત ઝવેરચંદ મેઘાણીની કેટલીક રચનાઓ વૈવિધ્યપૂર્ણ રીતે રજૂ કરી. સર્વોદય કાર્યકર્તાઓ દ્વારા ગવાતાં ‘જીવન કા હર પલ મંગલ’ ગીતની ભૈરવીથી કાર્યક્રમ રાત્રે દસેક વાગ્યે પૂરો થયો. આખો દિવસ ચુનીકાકામય હતો. મનને સારું લાગ્યું. પણ કાકા અને મેધાબહેનના પરિચયમાં વાંચવામાં આવેલી મેધાબહેન વિશેની હેરમ્બ કુલકર્ણીએ લખેલી  મરાઠી કવિતાની પંક્તિઓ યાદ આવતી રહી :

‘કહેને મેધા
અમારા જેવા આત્મમગ્ન, સુરક્ષિત ટાપુઓ ડૂબમાં કેમ નથી જતા રહેતા ?’ 

૧૦ જાન્યુઆરી ૨૦૨૧

e.mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2022; પૃ. 10-11

Loading

ચલ મન મુંબઈ નગરી—128

દીપક મહેતા|Opinion - Opinion|15 January 2022

મોટરમાં બેઠેલા બે જણાએ એક રાહદારીને કહ્યું : મોટરમાં બેસી જાવ!

ચંદ્રવદન એક ચીજ ગુજરાતે ના જડવી સ્હેલ

ચંદ્રવદન મહેતાનું એકચક્રી રાજ રેડિયો નાટકમાં

ચંદ્રવદન એક ચીજ
ગુજરાતે ના જડવી સ્હેલ.
જ્યાં પેઠા, ત્યાં ઊઘડે મહેફિલ.
એક અલકમલકની ચીજ
ચંદ્રવદન તે ચંદ્રવદન તે ચંદ્રવદન …

આપણા અગ્રણી કવિ ઉમાશંકર જોશીના આ શબ્દો ચંદ્રવદન મહેતાનો ટૂંકમાં પણ સાચો પરિચય આપે છે. કોઈ સી.સી. કહે, કોઈ ચં.ચી.. કોઈના વળી ચાંદામામા. નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે. ઓલ ઇન્ડિયા રેડિયોના મુંબઈ સ્ટેશનના ઘડતર અને ચણતરમાં જનાબ બુખારી સાહેબનો જેવો ફળો, તેવો તેના ગુજરાતી કાર્યક્રમોના આયોજન અને રજૂઆતમાં ચંદ્રવદનભાઈનો ફાળો. પણ રેડિયોને ચંદ્રવદનભાઈ મળ્યા કેવી રીતે? અરજી કરેલી? ઇન્ટરવ્યૂ આપેલા? અવાજની પરીક્ષા આપેલી? ના. એ વખતે જેનું નામ લેમિંગ્ટન રોડ હતું તેના પર સી.સી. ચાલતા જતા હતા. બેકાર હતા એટલું જ નહિ, થોડીઘણી મૂડી હતી તે પણ શેર બજારના સટ્ટામાં ગુમાવેલી. એક મોટર હળવેકથી સી.સી.ની બાજુમાં ઊભી રહી. બારણું ખોલીને જનાબ બુખારી કહે : ‘બેસી જાવ.’ અગાઉ બે-ત્રણ વાર સી.સી. રેડિયો પર પ્રોગ્રામ માટે ગયેલા એટલે આંખની ઓળખાણ. સાથે હતા લિયોનાલ્ડ ફિલ્ડિંગ, દેશના પહેલા કંટ્રોલર ઓફ બ્રોડકાસ્ટિંગ. સીધી ને સટ વાત : ‘કાલથી રેડિયોની નોકરીમાં જોડાઈ જાવ.’ ખાદીની કફની અને ખાદીનું ધોતિયું. ૧૯૩૮ના ફેબ્રુઆરીની ૨૫મી તારીખે ચંદ્રવદન ચીમનલાલ મહેતા ઓલ ઇન્ડિયા રેડિયોના મુંબઈ સ્ટેશનની નોકરીમાં જોડાયા.

બુખારી અને ફિલ્ડન

આ રીતે સામે ચાલીને કોઈને રેડિયોમાં લઈ આવવા એ જનાબ બુખારીની લાક્ષણિકતા.  અગાઉ પ્રગટ થયેલા જનાબ બુખારી વિશેના લેખના અનુસંધાનમાં દિલ્હીથી દેવકુમાર ત્રિવેદીએ બુખારીનો એક પ્રસંગ લખી મોકલ્યો છે. દેવકુમારના પિતા પિનાકિન ત્રિવેદી (પિનુભાઈ) જાણીતા કવિ, સંગીતકાર, ગાયક. શાંતિનિકેતનમાં ગુરુદેવ ટાગોર પાસે ભણેલા. ટાગોરનાં ઘણાં ગીતોના સમગેય અનુવાદ કરેલા. તેમાંના થોડાક તેમના એક માત્ર કાવ્યસંગ્રહ ‘પ્રસાદ’માં સમાવ્યા છે. વર્ષો સુધી ન્યૂ ઇરા સ્કૂલમાં ગુજરાતી અને સંગીતના શિક્ષક રહ્યા. (આ લખનારને દસ વરસ સુધી તેમની પાસે ભણવાનો લાભ મળેલો.) એક દિવસ અચાનક બુખારી પહોંચી ગયા પિનુભાઈના તારદેવના ઘરે. કહે કે મને ખબર છે કે તમે બહુ સારા ગાયક છો. અમારા રેડિયો સ્ટેશન પર ગાવા આવો. ૧૯૩૪માં રેડિયો સાથેનો પિનુભાઈનો સંબંધ શરૂ થયો તે છેક ૧૯૮૮ સુધી ચાલુ રહ્યો. પછી તો સંગીત ઉપરાંત વાર્તાલાપ, મુલાકાત, કાવ્યપઠન, એમ જાતજાતના કાર્યક્રમો આપ્યા. ૧૯૭૨ના ઓક્ટોબરની બીજી તારીખે દૂરદર્શનના મુંબઈ કેન્દ્રનું ઉદ્ઘાટન થયું તે જ દિવસે પિનુભાઈએ ગુજરાતી ભજનો રજૂ કર્યાં હતાં. આમ, દૂરદર્શનના તેઓ પ્રથમ ગાયક બન્યા.

પિનાકિન ત્રિવેદી

પણ પાછા જઈએ ચં.ચી. પાસે. એ વખતે રેડિયો પર બે મુખ્ય વિભાગ તે સ્પોકન વર્ડ અને સંગીત. ત્રીજો વિભાગ તે સમાચારોનો, પણ એ તો દિલ્હીમાં. ચંદ્રવદન સ્પોકન વર્ડના ખેરખાં. વાર્તાલાપો, નાટકો વગેરે તો ખરાં જ. પણ નવા નવા અખતરા કરે, સફળતાથી. ચતુરનો ચોતરો, બુદ્ધિ ધાનશાક મંડળ. ક્રિકેટની રનિંગ કોમેન્ટરીની જેમ મકર સંક્રાંતની સવારે સુરતથી પતંગની કોમેન્ટ્રી. સાથે જોડાય આપણા અનન્ય હાસ્યકાર જ્યોતીન્દ્ર દવે. આ બંને અંગે સાચો બનેલો એક પ્રસંગ. સુરતની કોઈ સાહિત્યિક સંસ્થાનો કાર્યક્રમ. તેના એક હોદ્દેદારે અતિથિવિશેષ તરીકે ચંદ્રવદનભાઈને આમંત્રણ આપ્યું, તો બીજાએ જ્યોતીન્દ્રભાઈને. બંને કાર્યક્રમ માટે પહોંચ્યા ત્યારે ભૂલનો ખ્યાલ આવ્યો. હવે શું કરવું? બંને કહે : વાંધો નહિ. તમે બાજુ બાજુમાં બે માઈક મૂકો. અમે વારાફરતી બોલશું. એક વાક્ય સી.સી. બોલે, એક જ્યોતીન્દ્રભાઈ. બંને ખાસ્સું અડધો કલાક બોલ્યા!

ઓલ ઇન્ડિયા રેડિયોનું મુંબઈ સ્ટેશન જ્યાં હતું તે ક્વીન્સ રોડ પરનું મકાન

પણ સી.સી.નું એકચક્રી રાજ તે તો રેડિયો નાટકમાં. મૂળ રંગભૂમિનો જીવ. કેટલાંયે નાટકો લખ્યાં, ભજવ્યાં. ૯૦ વરસની જિન્દગીમાં ૧૦૧ પુસ્તકો લખ્યાં, જેમાંનાં સાત અંગ્રેજીમાં. પણ એ વખતે રંગભૂમિની પહોંચ મર્યાદિત. રેડિયો નાટકમાં ચં.ચી.ને મોકળું મેદાન મળ્યું. દરેક નાટકમાં કૈંક નવું નોખું. પણ લખ્યું તેટલું સાચવ્યું નહિ. રેડિયો પર એ વખતે ‘લાઈવ’ કાર્યક્રમોનો જમાનો. એટલે રેકોર્ડિંગ પણ નહિ. એક બાજુ ‘અત્ર લુપ્તા સરસ્વતી’ જેવું છંદોબદ્ધ નાટક તો બીજી બાજુ ‘આઈ.એન.એસ. બેન્ગાલ’ જેવું દસ્તાવેજી રૂપક. ગાંધીજી અને સરદાર પટેલ વિશેની બે નાટ્યશ્રેણીઓ, તો ‘અમરફળ’ જેવું પૌરાણિક નાટક. એક બાજુ ખૂન નામનું નાટક તો બીજી બાજુ ‘પ્રીત ભઈ’. ચં.ચી. મુઝફ્ફરશાહ વિષે પણ નાટક લખે અને શાંતિનિકેતન વિષે પણ લખે. વીર, શૃંગાર, હાસ્ય, વગેરે રસોના કુશળ કસબી, પણ છેવટે ઠરે તે તો શાંત રસમાં.

ચંદ્રવદન મહેતા

પણ આ લખનારને આજે પણ લગભગ આખેઆખું મોઢે છે તે તો સી.સી.નું ‘કન્યાવિદાય’. ‘અભિજ્ઞાન શાકુન્તલ’ પર આધારિત આ સંગીત રૂપક જેટલું કાલિદાસનું છે તેટલું જ ચંદ્રવદનભાઈનું છે. અનુવાદ નહિ, અનુસર્જન. આખેઆખું સંસ્કૃત છંદોમાં લખાયેલું. એ જમાનામાં એટલું પોપ્યુલર, કે દર બે-ચાર વરસે રેડિયો પર ફરી-ફરી ભજવાય. રેડિયોના સંગીત વિભાગમાં કામ કરતા અને આપણા જાણીતા કવિ, સંગીતકાર, ગાયક નિનુભાઈ મઝુમદારે સંગીતબદ્ધ કરેલું. અને કેવા કેવા કલાકારો : નિનુભાઈ પોતે, પિનુભાઈ, ગિજુભાઈ વ્યાસ, સુષમાબહેન દિવેટિયા, વીણા મહેતા, અંજની મહેતા, કૌમુદી મુનશી. સી.સી. પોતે શરૂઆતમાં ભૂમિકા બાંધે. રેડિયો પર તો સાંભળેલું જ, પણ આ લખનાર ભણતો તે ન્યૂ ઈરા સ્કૂલમાં પણ દર બે-ત્રણ વરસે આખા કાફલાને લઈને સી.સી. આવે. શનિવારની સવારે સ્કૂલના એસેમ્બલી હોલમાં કન્યાવિદાય રજૂ કરે. આ જ કન્યાવિદાય અમદાવાદમાં સંગીતરૂપક તરીકે સ્ટેજ પરથી રજૂ થયેલું ત્યારે તેને સંગીતબદ્ધ કરેલું આપણા અગ્રણી સંગીતકાર ક્ષેમુભાઈ દિવેટિયાએ. અને તેમાં શકુન્તાલાનું પાત્ર ભજવેલું આજનાં જાણીતાં અભિનેત્રી રૂપા દિવેટિયાએ.

આ લખનારને ચંદ્રવદનભાઈનો અંગત પરિચય થયો તે પહેલાં એમને જોયેલા, અને જોયા તે પહેલાં સાંભળેલા રેડિયો પર. જોયેલા ન્યૂ ઈરા સ્કૂલમાં. ક્લાસમાં બેઠો હોઉં. બહાર લોબીમાંથી પસાર થતા દેખાય. ખાદીનાં કફની ધોતિયું. વકીલો પહેરે છે તેવી બે સફેદ પટ્ટી કફનીની વચમાં લટકતી હોય. ત્યારે તો સમજાતું નહિ કે આવી પટ્ટી કેમ? પછી જાણવા મળ્યું કે સી.સી. એકલ જીવ. કફનીનાં બટન તૂટી જાય તો કોણ ટાંકી આપે? એટલે બટન તૂટેલાં હોય તો ય દેખાય નહિ માટે પેલી પટ્ટી. બેફીકર ચિત્તા જેવી ચાલ. મોઢા પર કુમાશ અને કરડાકીનું અજબ મિશ્રણ. જો છંછેડાય તો તેમનામાં ગૂંચળું વળીને બેઠેલ નાગ જે ફૂંફાડો મારે!

અંગત પરિચય થયો તે પહેલાં એમનો થોડો ડર લાગતો. પણ પછી તો કેટલીક વાર એમની આંખોમાં માતાની મમતા જોવા મળી. ૧૯૫૨માં રેડિયો પરથી નિવૃત્ત થયા પછી સી.સી. વડોદરાવાસી બન્યા. ત્યાંની યુનિવર્સિટીમાં નાટ્ય શિક્ષણનો વિભાગ શરૂ કર્યો અને વીસ વરસ નાટકનું શિક્ષણ આપ્યું. યુનિવર્સિટીની હોસ્ટેલના એક રૂમમાં રહેવાનું. સ્વયમપાકી. બીજા કોઈને તકલીફ ન પડે એટલા ખાતર પોતાના અંતિમ સંસ્કાર માટેનો બધો સામાન જાતે લાવીને એ રૂમના એક ખૂણામાં મૂકી રાખેલો. સરનામું ભલે યુનિવર્સિટીની હોસ્ટેલનું, પણ ફરતા હોય આખી દુનિયામાં. સી.સી.એ જેટલી દુનિયા જોઈ એટલી બીજા કોઈ ગુજરાતી લેખકે જોઈ નહિ હોય.

વડોદરાથી મુંબઈ આવવાના હોય તે પહેલાં પોસ્ટકાર્ડ આવે. સંબોધન વગેરેની કડાકૂટ નહિ. ‘ફલાણી તારીખે બપોરે બે. ફાર્બસ પર મળો.’ વર્ષો સુધી મુંબઈ આવે ત્યારે ફાર્બસ ગુજરાતી સભાના લેમિંગ્ટન રોડ પરના મકાનના એક રૂમમાં રહે. પાછલાં વર્ષોમાં ભાણેજ અરુણ શ્રોફના અંધેરીના ઘરમાં ઊતરે. ત્યારે પોસ્ટ કાર્ડમાં લખે : ‘ફલાણી તારીખથી ફલાણી સુધી અરુણને ઘરે છું.’ અગાઉથી ફોન કરીને જવાનું. સમયપાલનના ચુસ્ત આગ્રહી. જાતજાતની વાતોનો ખજાનો ખૂલતો જાય. છેલ્લી મુલાકાત કાયમ માટે યાદ રહી ગઈ છે. ૧૯૯૧ના એપ્રિલ મહિનાનો એક શનિવાર. અગાઉથી ફોન કરીને સવારે અગિયાર વાગે મળવા ગયો. તબિયત જરા નરમ લાગતી હતી, પણ વાતોનો ધોધ તો હંમેશ જેવો જ. બે-એક કલાક એ ધોધમાં સ્નાન કર્યા પછી જવા નીકળ્યો. વળાવવા માટે લિફ્ટ સુધી આવ્યા. મેં વિવેક કર્યો : ‘નાહક તકલીફ શા માટે લો છો?’ તરત બંદૂકમાંથી ગોળી છૂટી : ‘કેમ? મને બુઢ્ઢો માનો છો?’ બીજા શનિવારે ફરી મળવાનું નક્કી કરેલું, પણ બે-ત્રણ દિવસ પછી અરુણભાઈનો ફોન : ‘મામાની તબિયત સારી નથી. તમે ન આવો તો સારું. આ રીતે ના પાડું તે તેમને તો ગમશે નહિ. એટલે કહીશ કે તમારો ફોન હતો કે નહિ આવી શકું.’ બે પાંચ દિવસ પછી ફરી અરુણભાઈને ફોન કર્યો ત્યારે કહે કે મામા તો એકાએક વડોદરા પાછા ગયા!’ જે હોસ્ટેલની રૂમમાં વર્ષો સુધી રહ્યા એ જ રૂમમાં ૧૯૯૧ના મે મહિનાની ચોથી તારીખે ચંદ્રવદનભાઈના જીવનનાટકનો છેલ્લો અંક પૂરો થયો.

ચંદ્રવદનભાઈ નાના હતા ત્યારે વડોદરામાં સયાજીરાવ ગાયકવાડની બે દીકરીઓ મેનાંબાઈ અને ઇન્દિરા રાજે સાથે રમતા. એક વાર એ બંને બહેનોએ લાકડાના ખોખા પર બેસાડીને ચંદ્રવદનભાઈનો રાજ્યાભિષેક કરેલો. ઇન્દિરાબાઈએ પોતાની ફૂમતાવાળી ટોપી પહેરાવી. મેનાંબાઈએ રાજતિલક કર્યું. જાંબુડાની સૂકી ડાળખીની તલવાર બનાવીને હાથમાં આપી. પણ પછી તો ફૂમતાંવાળી ટોપીને બદલે ચંદ્રવદનભાઈને માથે મૂકાયો ઓલ ઇન્ડિયા રેડિયોમાંની કામગીરીનાં ૧૪ વર્ષોનાં ૧૪ રત્નોવાળો તાજ.

*

વિશેષ નોંધ : જનાબ જુલ્ફિકાર અલી બુખારી પરનું લખાણ વાંચ્યા પછી ઘણા વાચકોએ પૂછ્યું કે તેમનો અવાજ સાંભળવા મળે? હા. યુટ્યૂબ પર તેમના નામથી સર્ચ કરશો તો તેમના કાવ્યપઠનનાં ૧૯૪૭ પછીનાં પાંચેક રેકોર્ડિંગ જોવા-સાંભળવા મળશે.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 15 જાન્યુઆરી 2022

Loading

પતંગ ગમે એટલો ઊંચે ચગે, ચગાવનારે ચગી જવાનું નથી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|14 January 2022

આજે પતંગોત્સવ ! સરકારી ગાઈડલાઇન્સ વચ્ચે ગોગલ્સ પહેરેલાં માસ્ક્સ થોડા ઠુમકા મારશે, થોડા હાથિયા મારશે, થોડી સરતી છોડશે ને એમ પેચ લગાવશે ને પતંગો પણ કાપશે-કપાવશે. કેટલીક અગાશીઓ તલિયા લાડુ ખાશે તો કેટલાંક ધાબે, વગર પતંગે પણ પેચ લાગશે ને ઘણાં વગર મેચે ફિલ્ડિંગ ભરીને થોડા પાલવ જીતશે પણ ખરા. કોઈ આખો દિવસ ઠુમકા મારવા છતાં એક ફુદ્દી નહીં લપટાવી શકે, તો કેટલાક બીજાની લાલી પર જ લંગર નાખીને રાજી રહેશે, તો કેટલાકના વધારે વાળવા જતાં ઢડ્ઢા ભાંગી જાય એમ બને. કોઈ ઢાંઢો ચડાવીને ફુલાતો હશે ત્યાં કોઈ લેપડી આવીને કાતરી જાય ને હાથમાં ફિરકી જ રહી જાય એમ પણ બને. કોઈ લેપટોપ કે મોબાઇલમાં જ આકાશ ખોલે ને વર્ચ્યુઅલ ઉતરાણ ઊતરે તે પણ ઉજવણી જ ને ! કોઈ ગાયને ઘૂઘરી ખવડાવવા માંગે તો તેમાં પણ બે મત પડે ને એક કહે કે ગાયને ખવડાવવાથી પુણ્ય મળે, બીજો કહે કે એનાથી ગાયને નુકસાન થાય, એટલે ઘણાં ખવડાવવાનું બાજુએ મૂકીને જાતે જ ઊંધિયું, જલેબી ઝાપટે તેવું ય થાય. આ બધાંમાં પણ જોવાનું એ રહે કે ઊંચે ચગવાનું પતંગે છે, ચગાવનારે ઊંચે ચડી જવાનું નથી. ચગાવનાર ધરતી પર નહીં રહે તો પતંગ ઊંચે નહીં જાય તે નક્કી છે.

દેશ-દુનિયામાં પણ અત્યારે પતંગ ચગાવવાને બદલે જાતે ચગી જવાનો ટ્રેન્ડ જોર પર છે. મહારાષ્ટ્રની ઠાકરે સરકારે એક ઠુમકો એવો માર્યો છે કે હવે તમામ દુકાનોનાં બોર્ડ મરાઠીમાં, હા, મરાઠીમાં જ મૂકવાં પડે તેવી સ્થિતિ છે. એક તરફ મરાઠીની પ્રાદેશિક હઠ ને બીજી તરફ ગુજરાત સરકારની ગુજરાતી પ્રત્યેની પીછેહઠ, એ બેની વચ્ચે લોકો ગોથ માર્યા કરે તો નવાઈ નહીં ! એ તો ઠીક, પણ બેચાર દા’ડા પહેલાં લગ્નમાં 400 જણાંને બોલાવવાની સરકાર છૂટ આપે ને એ જ એવો ફતવો પણ બહાર પાડે કે હવેથી લગ્નમાં 150થી વધુને બોલાવી શકાશે નહીં, તો લગનવાળાને ત્યાં જે તાયફો થાય એની સરકારને ખબર છે? એક વાર વરરાજાને જાનમાં ન મોકલો તો ચાલે, પણ વરઘોડિયાંને બોલાવીને પછી ના પાડીએ તો સગાંઓ તોડી ખાય તેની જાણ સરકારને છે? એકવાર આમંત્રણ આપો કે આવવાનું જ છે ને પછી કહો કે યુ આર નોટ એલાઉડ તો એ લાઉડ ઝઘડો રોકવો કેમ કરીને તે કોઈ કહેશે?

એક તરફ પતંગમાં હવા ભરાય કે નહીં એની ચિંતા છે ને બીજી તરફ ફુગાવાનો ભારતને વાંધો નથી આવતો. ઓઇલ અને વીજળીમાં થયેલા ભાવવધારાને લીધે હવે રિટેલ ફુગાવો 5.59 થયો છે, પણ તેથી કૈં ગભરાવાની જરૂર નથી. અત્યારે તો અમેરિકાનો ય ફુગાવો ત્રણ દાયકાની ટોચે છે. એમ ત્યારે ! અમેરિકાએ પણ આપણી પાસેથી લેવા જેવું કૈંક તો છે જ ! મેરા ભારત …

બીજી તરફ વિશ્વ આરોગ્ય સંસ્થા અને દુનિયાના દેશો વચ્ચે હોડ બકાય છે કે કોણ દુનિયાને વધારે ડરાવે એમ છે? બધાં દેશો રેકોર્ડ તોડવાની હરીફાઈમાં છે. દુનિયામાં કોરોનાના કેસ 27 લાખથી ઉપરની સપાટી જોઈ ચૂક્યા છે, તો ભારત પણ કોરોનાને મામલે બે લાખનો આંકડો તો પાર કરી જ ગયું છે. મહારાષ્ટ્ર 46 હજાર કેસ સાથે પહેલે નંબરે અને દિલ્હી 27 હજાર કેસ સાથે બીજે નંબરે છે. સબ કા સાથ, સબ કા વિકાસ તે આનું નામ ! કેન્દ્ર આમ તો બધું સુસજ્જ રાખવાની ટહેલ નાખ્યા કરે છે. ઓક્સિજન, ઇન્જેકશન અને બેડની તંગી ન પડે એ માટે સૌ કાગળ પર મહેનત પણ કરે છે, પણ પ્રોબ્લેમ એ છે કે આપણું ઘોડું દશેરાએ જ નથી દોડતું ! આપણે બહુ મહેનત કરી છે, ત્રીજી લહેર લાવવા માટે, એને ખાલી હાથે તો કેમ જવા દેવાય? કોરોનામાં સુરત હવે હરણફાળ ભરીને આગળ નીકળ્યું છે ને આજે નામના એવી છે કે ગાંધીનગરથી કુરિયર સુરત મોકલવું હોય તો કુરિયર કંપનીઓ તે લાવવા તૈયાર નથી. ગુજરાત 10,000નો આંક પાર કરવા થનગની રહ્યું છે તો એકલાં સુરતે 2,500નો આંક વળોટી કાઢ્યો છે. પગાર વધવાનો હોય તેમ મહિનાના અંતમાં 30 હજાર કેસ થવાની વધામણી પણ તંત્રોએ ખાધી છે. જાણે રેસ ચાલે છે ! પણ જેને વીતે છે એનું તો લોહીનું પાણી થઈ જાય છે એનું ભાન કોઈને પડતું નથી. એ છે કે ગુજરાત કે કેન્દ્ર સરકાર કોરોનાને રોકવા મીટિંગ પર મીટિંગ કરે છે ને જેમ જેમ મીટિંગ વધે છે તેમ તેમ કોરોનાના આંકડાઓ વધે છે ને રાષ્ટ્રને ઉદ્દબોધતાં સૂત્રો ય વધે છે. બીજી તરફ મેટ્રોનું કામ ચાલે છે. પોસ્ટલ સર્વિસનાં ઠેકાણાં હોય કે ન હોય, કોસ્ટલ સર્વિસ સુધરવાની છે ને ઉભરાટ, તિથલ અને ચોરવાડને સાંકળતો કોસ્ટલ હાઇવે બનવાની વકી છે. શું છે કે 22ના અંત સુધીમાં ગુજરાતમાં ય ચૂંટણી આવે જ છે એટલે કોરોનાનું તો થવાનું હોય તે થાય, પણ  લોકોને વાયદા વગર તો ન રખાય ને ! સાચું તો એ છે કે સરકારે કોઈ કામ બાકી નથી રાખ્યું કે નથી તો લોકોએ ભીડ કરવામાં કોઈ કસર રાખી, એટલે હવે દાપું તો ચૂકવ્યે જ છૂટકો છે. પ્રાર્થના એટલી જ કરવાની રહે કે પતંગ ભાર દોરીએ ન કપાય …

હજી વડા પ્રધાનની સુરક્ષાનો પતંગ આકાશમાં ચગે જ છે. સુપ્રીમ કોર્ટે તપાસ સમિતિ નીમીને નિવૃત્ત જજ ને કામગીરી સોંપી છે. જોયું? નિવૃત્ત જજો હજી કામ આપે છે ને બીજી તરફ વોલન્ટરી રિટાયરમેન્ટ પકડાવીને આપણે લોકોને ઘરે બેસાડીએ છીએ. ઠીક છે, પણ વડા પ્રધાન નાટક કરી રહ્યા છે એવું પણ કહેવાય છે તો બીજી તરફ પંજાબના મુખ્ય મંત્રી ચન્નીને જવાબદાર ઠેરવવાનું પણ ચાલે છે. એમ પણ કહેવાય છે કે 700 ખેડૂતો ગુમાવ્યા હોય ત્યાં પંજાબના ખેડૂતો વડા પ્રધાન સામે વિરોધ કરે એની નવાઈ નથી. એ વિરોધ જ હતો ને તે રહે તે સમજી શકાય એમ છે. વાત એ નથી. વડા પ્રધાન કોઈ પણ હોય, કોઈ પણ પક્ષના હોય, તે ભા.જ.પ.ના રાજ્યમાં જાય કે કાઁગ્રેસના, તેની ગરિમા જળવાવી જોઈએ. અહીં માન, પક્ષ કરતાં ય પદનું જાળવવાનું છે. સરસ મજાનો ઢાંઢો આગળ વધતો હોય ને કોઈ ફુદ્દી કાપી જશે એ ડરે ચગેલો પતંગ ઉતારીને ઘરમાં ઘાલવો પડે એ તો બરાબર નથી ને !

પતંગ તો પાકિસ્તાનનો ય ભાર દોરીએ કપાય તેમ છે. તાલિબાને તેને હાથતાલી આપી છે ને તેને હાથના કર્યાં હૈયે વાગ્યા છે. ચીનની ચમચાગીરી પણ તેને ફળી નથી એટલે વેપારધંધા માટે તેણે ભારત તરફ નજર ફેરવી છે, પણ વિશ્વાસઘાત પાકનું બીજું નામ છે. તેનું પ્રોક્સીવોર ચાલુ જ છે ને સરહદે 400 આતંકીઓ ખડકીને તે ભારત સાથેના સંબંધો સુધારવા માંગે છે. તેની આતંકી પ્રવૃત્તિઓ તો તે ચાલુ જ રાખશે ને જરા પગભર થશે કે આપણાં ટાંટિયા આપણાં જ ગળામાં ભેરવશે. તે આપણી સરહદમાં આવીને પેચ નથી કાપતું, માથાં કાપી જાય છે. ગમે એટલું પડે તો પણ તે ટંગડી ઊંચી જ રાખશે. એવું જ ચીનનું છે. ઘડીકમાં તે સરહદી શાંતિની અપેક્ષા રાખે છે ને અંદરખાને યુદ્ધની તૈયારીઓ પણ કરતું રહે છે. આપણું સૈન્ય અત્યારે તો કહે છે કે યુદ્ધ થાય તો ભારત જીતશે. આમ તો યુદ્ધ કોઈએ ઈચ્છવા જેવું નથી, પણ ધારો કે થાય અને જીતે તો પણ વેઠવાનું ભારતને ન જ આવે એવું નથી. એ સાથે જ ચીન ભારતીય સરહદે ઘૂસીને કે તેની ધારે જે બાંધકામો કરે છે તેને ભારત અટકાવી નથી શકતું કે ઘૂસીને જે ભાગ કબજે કરે છે તેના પરથી મારી હઠાવીને તેને તગેડી નથી શકતું તો તે જીતશે કેવી રીતે તે પ્રશ્ન જ છે. ચીન અત્યારે સૌથી વધુ શેખી મારે છે. તેણે પોતીકો સૂર્ય બનાવ્યો છે ને હવે તેણે પોતાનો ચંદ્ર પણ બનાવ્યો છે, પણ તે સાચું નથી લાગતું. તેને  કહેવાયને કે ભાઈ, તું તારા સૂર્ય, ચંદ્ર બનાવી શકે છે તો તારું ભારત પણ બનાવી લેને જેથી અસલી ભારતમાં મોં મારવાનું મટે. એટલું તો સમજ કે એકલી દોરી ચગતી નથી, સાથે પતંગ પણ જોઈએ !

દેશમાં પાંચ રાજ્યોમાં ચૂંટણી છે. જાણે કોઈએ પંજો ચગાવ્યો છે ! ઉત્તર પ્રદેશમાં ઠંડી છે, પણ ત્યાં રાજકીય ગરમાટો વધુ છે. યોગી આદિત્યનાથનું મંત્રીપણું અહંકાર અને તુમાખીથી ભરેલું છે ને તેની અસર એવી પડી છે કે કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યે દલિતો, પછાતોની અવગણના થતી હોવાનું માનીને રાજીનામું આપી સમાજવાદી પાર્ટીના પૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવનું શરણું સ્વીકાર્યું છે. તેમણે ત્યાં સુધી કહ્યું છે કે ઉત્તર પ્રદેશમાંથી તે ભા.જ.પ.ને ખતમ કરશે. તેમને પગલે બીજા મંત્રી અને નેતા ને ધારાસભ્યોએ પણ ભા.જ.પ.ને રામ રામ કર્યા છે. એ જ રીતે સામી છાવણીમાંથી ભા.જ.પ. તરફ માથું ફેરવનારાનો લાભ પણ ભા.જ.પ.ને મળે જ છે છતાં, ભા.જ.પ.ની પ્રતિષ્ઠા અત્યારે તો દાવ પર લાગી જ છે તે સ્પષ્ટ છે. હજી ચૂંટણી નજીક આવવા દો. ખરી ઉતરાણ તો ફેબ્રુઆરીમાં છે. લોકો તો દિવસના પેચ કાપે, ચૂંટણીમાં ચગેલાં કંડીલ કપાય એવું પણ બને. વડા.પ્રધાન રોજ નવી યોજનાઓ જાહેર કરે છે, સ્ટાર્ટ અપથી નવા યુગમાં પ્રવેશવાની વાત પણ ચાલે છે ને એ બહાને યુવાનોને થાબડી પણ લેવાય છે, પણ મોટે ભાગની પ્રજાને જીવવાની તકલીફ છે. નોકરી નથી, કામ નથી ને વળી લોકડાઉનની બીકે લોકો વતન ભણી પાછા જઈ રહ્યા છે. એમને કૈં રાહત થાય તો આનંદ થાય. આ વખતે સંસદના 400 કર્મચારીઓ કોરોનામાં સપડાયા છે એટલે ઘણાંને બજેટની ચિંતા છે. એ મિત્રોને એટલું જ કહેવાનું કે ભાવ ઘટાડવા હોય તો બજેટની રાહ જોવાની થાય, જ્યાં મોંઘવારીમાં જ વધારો કરવાનો છે ત્યાં બજેટ હોય કે ન હોય, શું ફેર પડે છે? ને બજેટ સિવાય ભાવ વધે જ નહીં, એવું ક્યાં ય લખેલું નથી ! દોરી, પતંગ, પવન કે ગગન, કૈં પણ ન હોય તો ય આ દેશને ચગાવવાવાળા છે જ એટલે ખોટી ચિંતા ન કરો ને ઠુમકા મારો.

લાગે છે તો એવું કે આ વખતની ઉતરાણ સરકારી વિકાસ જેવી જ છે. આકાશમાં ઢગલો પતંગો ચગે છે એવી કોમેન્ટરી ચાલે છે ને ધાબે જઈને જોઈએ છીએ તો એક પણ પતંગ આકાશમાં દેખાતો નથી. લોકો સવારથી રાત સુધી રાહ જુએ છે કે એકાદ પતંગ તો દેખાય, પણ નથી દેખાતો. કમસેકમ આવી સરકારી ઉતરાણ તો નથી જોઈતી, કોઈને ! શું કહો છો?

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 14 જાન્યુઆરી 2022

Loading

...102030...1,7491,7501,7511,752...1,7601,7701,780...

Search by

Opinion

  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved