Opinion Magazine
Number of visits: 9962664
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મારી વિદ્યાયાત્રા == પુનશ્ચ == AGAIN ==

સુમન શાહ|Opinion - Opinion|16 January 2022

: ૯ : વ્યાખ્યાનકલા બાબતે કેટલીક ટિપ્સ

= = અધ્યાપકમિત્રો ! વર્ગને ઇન્ટર-ઍક્ટિવ બનાવો. આપણે ઇન્ટરેનેટ-યુગમાં છીએ. વિદ્યાર્થીને પ્રશ્નો કરતો કરો, બોલતો કરો. કોઈ વાર એને નાનું વ્યાખ્યાન કરવા કહો. = =

૧ :

ઉચિત સ્થાને ઉચિત આસને અધ્યાપક અને વિદ્યાર્થીઓ હોય એ પછીની જરૂરિયાત એ છે કે અધ્યાપકે સૅટ થવું. કેટલાક એવા કે એકદમ જ ચાલુ થઈ જાય. ભલા માણસ, તારી પાસે જો પૂરતું જ્ઞાન છે તો એને બીજે રવાના કરી દેવાની ઉતાવળ શું કામ?

૨ :

વ્યાખ્યાન શરૂ કરતાં પહેલાં અધ્યાપકે ઘડીભર શાન્ત થઈ જવું, પ્ર-શાન્ત, coool … મન બુદ્ધિ હૃદયને એક અનુભવવાં. અમુક વિદ્વાનો આંખો મીંચીને મન્ત્રોચ્ચાર કરે છે તે એવી જ શાન્ત-તા માટે. સૌને પ્રસન્નતાથી જોવાં.

૩ :

કવિ વાર્તાકાર ગાયક કે કોઇ પણ કલાકારે તેમ જ વ્યાખ્યાતાએ હમેશાં યાદ રાખવું કે પોતે આનન્દનો સર્જક છે. મૉં પર સ્મિત હોવું જોઇએ. અમારાં બધાંનાં માનીતાં અને લોકલાડીલાં ગાયક ભારતી વ્યાસનો કણ્ઠ તો અનોખો છે જ પણ એમનું ગાયન મને વધારે તો એ કારણે ગમે છે કે તેઓ હમેશાં સ્મિતવદને ગાય છે.

૪ :

અધ્યાપકનું સોગિયું મૉઢું ન ચાલે. સાહિત્યનું જ્ઞાન મૉજથી પ્રગટવું જોઈએ. વિદ્વાન સાહિત્યકારોની વાત જુદી છે. એમના દાખલામાં ગામ્ભીર્ય રસાયન છે. એમનાંમાં, એઓ ગમ્ભીર થાય પછી જ વિચારો દ્રવે.

૫ :

સૌને સમ્બોધન કરવું. હા, વિદ્યાર્થીઓને પણ. કેમ છો બધાં – કરીને શરૂ થવું. હું એક મોટા સાહિત્યકારને જાણું છું – મોટાઇ એવી કે કદી કોઈને સમ્બોધન જ ન કરે ! હવે સુધર્યા છે.

૬ :

અધ્યાપકે કોઇ વિદ્યાર્થીની કદી મશ્કરી ન કરવી. વર્ગમાં ધાક બેસાડવા એકાદ-બેને કારણ વગર ધમકાવી કાઢવા કે ઉતારી પાડવા, ઠીક નથી. સાહિત્યકાર, અધ્યાપક કે કોઇ પણ વક્તા આવુંતેવું કરે એટલે તોછડો લાગવાનો. સભાથી હાથે કરીને છેટો પડી જવાનો. વિદ્યાર્થીઓ કે સભાજનો બોલે નહીં, પણ મનમાં જરૂર બબડે કે – પોતાને આ શું સમજતો હશે !

૭ :

ભારતીય પરમ્પરા પ્રમાણે વ્યાખ્યાન પલાંઠીએ બેસીને કે પદ્માસન લગાવીને કરાય. ટેબલ-ખુરશી હોય તો પણ વ્યાખ્યાન ખુરશીમાં બેસીને કરી જ શકાય છે. તક હોય તો હું તો ખુરશી-ટેબલ છાંડીને વ્યાખ્યાન પલાંઠી વાળીને કરું છું. મૅકોલેના જમાનાથી શરૂ થયેલી સિસ્ટમે શીખવ્યું કે લૅક્ચરરે ઊભા ઊભા બોલવાનું હોય, તો જ પ્રભાવ પડે. રાજકારણીએ એમ કરવું જરૂરી છે કેમ કે ત્યાં ‘વ્યાખ્યાન’ નથી હોતું, તત્કાળ અસર કરે એવું ‘ભાષણ’ હોય છે.

૮ :

બન્યું છે એવું કે આપણે આસન-માંથી ઊભાં-ઊભાં અને ઊભાં-ઊંભાં-માંથી હરતાં-ફરતાં વ્યાખ્યાનો કરવાની નવતર રીતો નીપજાવી લીધી છે. સ્ટેજ ઊંચું હોય ને વક્તાશ્રી પણ ઊંચા હોય તો સભાએ ડોકાં ઊંચાં રાખવાં પડે છે. બધાં ‘જ્ઞાનાય (!) ઉત્કણ્ઠ’ દીસે ! આ છેડેથી પેલે છેડે લટારતા લટારતા બોલતા અધ્યાપક સામે વિદ્યાર્થીનાં ડોકાં ઘડિયાળના લોલક જેમ આમથી તેમ ફરતાં થઈ જાય છે. વર્ગ ‘સક્રિય’ લાગે !

૯ :

લૅક્ચર-મૅથડની જોડે, આપણે ત્યાં પોડિયમ આવ્યું. પોડિયમને હું વ્યાસપીઠ ન ગણું. દીવાલ ગણું – ઠૉડું ! પ્રાચીન ઍમ્ફિ-થીએટરમાં સંગીતના કન્ડક્ટર માટે એક નાની દીવાલ હોય – ટેકો; એને પોડિયમ કહેતા.

પોડિયમની વક્તાને સગવડ એ કે એના ધ્રૂજતા પગની સભાને ખબર ન પડે. સભાને અગવડ એ કે વક્તા પાસે કાગળિયાં કેટલાં છે એ દેખાય નહીં. રાહ કેટલી જોવી પડશે એનો અંદાજ ન આવે.

કેટલીક જગ્યાએ પોડિયમ અક્કલ વગરનાં એવાં કે સભાજનોને વ્યાખ્યાતાનું માત્ર મસ્તક દેખાય. સભાને થાય, કશા દેખીતા વાંક વગર બાપડાને અનાજ ભરવાની કોઠીમાં ખડો કીધો છે.

બૅકેટના ‘એન્ડ ગેમ’ નાટકમાં પાત્રોને એવી કોઠીઓમાં, urns-માં, રાખ્યાં છે, પણ એ તો, જીવનનાં મહા રહસ્યોનાં સંકેત રૂપે ! આમાં તો આયોજન, વ્યાખ્યાતાને હાથપગ સમેત ગળી ગયું લાગે છે.

પોડિયમ, પૂરતાં નીચાં હોવાં જોઇએ જેથી વ્યાખ્યાતા બન્ને હાથના સહજ સેલારા મારી શકે. ત્યાં ફ્લૅક્સિબલ માઇક, ફોકસ લાઇટ, પાણી-ભરેલો પણ ઢાંકેલો ગ્લાસ, બુક્સ અને પેપર્સ રાખી શકાય એવી ખાસ્સી બધી મૉકળાશ હોવી જોઇએ. ટૂંકમાં, આશય એ છે કે કોઇ પણ વક્તા સભાને એની તમામ બૉડિ-લૅન્ગ્વેજ સાથે દેખાવો જોઇએ. વક્તાએ પણ એ લૅન્ગ્વેજનો જરૂરી વિનિયોગ કરવાનો હોય છે.

Pic Courtesy : iStock

કેટલીક હમેશાં યાદ રાખવા જેવી ટિપ્સ :

૧૦ :

માઇક અને મૉં વચ્ચે એકાદ વૅંતનું અન્તર રાખવું – ન ઓછું, ન વત્તું. કેટલા ય વક્તાઓ ગૅલમાં આવી જઈને માઇકથી મૉં ફેરવી લે છે. બોલ્યે રાખે. માઇક નિર્જીવ છે. એની જોડેની દૃષ્ટોદૃષ્ટ, માણસે ટકાવી રાખવી જોઇશે. એ તમારો વ્યાખ્યાન-સાથી છે. સારા વક્તાને માઇક ને મસ્તકનો વિ-યોગ નથી પાલવતો.

૧૧ :

અધ્યાપકમિત્રો ! વર્ગને ઇન્ટર-ઍક્ટિવ બનાવો. આપણે ઇન્ટરનેટ-યુગમાં છીએ. સામે બેઠેલા વિદ્યાર્થીને જીવન્ત વ્યક્તિ સમજીને એને પ્રશ્નો કરતો કરો, બોલતો કરો. કોઇ વાર એને નાનું વ્યાખ્યાન કરવા કહો.

૧૨ :

કચવાઇને વેઠ વાળવા વ્યાખ્યાન કદ્દી ન કરવું. હમેશાં જીવ રેડીને વાત કરવી. મેં એકપણ વાર દિલચોરીથી નથી ભણાવ્યું.

૧૩ :

નોટ્સ રાખવી – પાનાં નમ્બર નાખેલી – પણ એમાં ને એમાં જોયા કરવું પડે તો તમને તો ઠીક પણ વર્ગને ત્રાસ થશે. જો કે હાથ નવરા રાખી મનફાવે બોલવું દુ:સાહસ ઠરશે. નોટ્સ હોય કે ન હોય, વક્તવ્ય આત્મસાત્ થયેલું હોવું જોઇએ.

૧૪ :

ખોટો શબ્દ વપરાઇ ગયો હોય, તો ‘સૉરિ’ કહી ખરો આપો.

૧૫ :

જરૂરી માહિતી ભરપૂર આપો. મસ્તકવગી ન હોય તો કહો કે – કાલે કહીશ.

૧૬ :

તબિયત સારી હોય છતાં, રજા ન લેવી; સ્વાધ્યાય માટે જરૂર લેવી. ‘સાહિત્યિક સંશોધન’ પુસ્તિકા લખવા યુનિવર્સિટીને મેં એ કારણ દર્શાવીને સી.ઍલ. રજાઓ માગેલી. રજિસ્ટ્રાર હસી પડેલા.

૧૭ :

ઠોઠ કે જડસુ વિદ્યાર્થીને ન-ગણ્ય ગણી કાઢવો ઠીક નથી. અધ્યાપક તો હમેશાં માતાની જેમ વિદ્યાર્થીને સમજાવે – પર્સ્યુસન, અનુનય.

૧૮ :

જો કે જોક્સ વગેરેથી વિદ્યાર્થીની ખુશામત પણ ન કરવી. વર્ગમાં ગામ્ભીર્યનું વહન હળવાશથી કરવું. વાતાવરણ હઁસી-મજાકભર્યું જોઈએ. મને યાદ છે, મારા વર્ગમાં એકાદ વાર તો હાસ્યનું મોજું ફરી વળતું.

૧૯ :

શિસ્તનો આગ્રહ રાખવો એમ કહેવા કરતાં હું એમ કહું કે અ-શિસ્તને ખમી ખાનારો અધ્યાપક વ્યર્થ સહિષ્ણુ છે. વાતો ન જ કરવા દેવાય. બગાસાં ન જ ચાલે.

૨૦ :

વર્ગમાં શારીરિક અને માનસિક એમ બે જાતના ગેરહાજરો હોય છે. શરીરથી ગેરહાજરને વીસરી જવા. મગજથી ગેરહાજરને જગાડવા. કોઈ બાળા ઊંઘી જાય તો વ્યાખ્યાનને પરમ સફળ ગણવું. જાગતાંઓને કહેવું કે જુઓ ને, ઊંઘ બાપડી કેવી નિર્દોષ પ્રવૃત્તિ છે …

૨૧ :

કેટલાક સાહિત્યકારો ઑડિયન્સને પટાવતા હોય છે – મારી પાસે કહેવાનું તો ઘણું છે પણ સમયનું બન્ધન છે, ત્રણ વક્તાઓ બાકી છે, હું સભાને સમયદાન કરું છું, એમ કહીને એ 'વિવેકી મહાપુરુષ' બેસી જાય છે ! આ છેતરામણ જાત-છેતરામણ પણ છે — આત્મપ્રતારણા. એવી ટેવ પોતાને ન પડે એ માટે અધ્યાપકે સાવધ રહેવું.

૨૨ :

વ્યાખ્યાનને પતાવવાની લ્હાય ન રાખવી. સાવધ બેફિકરાઇ રાખવી કે રહી જશે તો ભલે રહી જશે, કાલે વાત!

૨૩ :

આપણે ત્યાં સાહિત્યકાર-વક્તાઓને અધ્યાપકો રોલ-મૉડેલ ગણતા હોય છે. સારી વાત, પણ એમાં સિલૅક્ટિવ રહેવું.

સ્વીકારો કે સામ્પ્રતમાં મોટા ભાગનાં મૉડેલો રોલિન્ગ છે – ગગડતાં, ગબડતાં, આઇ મીન, અનનુસરણીય છે.

= = =

(January 16, 2022: Ahmedabad)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

શૂન્યાવકાશ ક્યારે ય ભરાયા વિના રહેતો નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|16 January 2022

ચૂંટણીઓ માટે રણનીતિ ઘડનારા પ્રશાંત કિશોર આજકાલ તેમની દરેક મુલાકાતમાં વારંવાર કહે છે કે રાષ્ટ્રીય સ્તરે ભારતીય જનતા પક્ષને પરાજીત કરવો હોય કે પછી બી.જે.પી.ને અન્ય પક્ષોનો ટેકો લઈને સરકાર રચવી પડે એ હદે લોકસભામાં લઘુમતીમાં ધકેલી દેવો હોય, તો વિપક્ષી એકતા કામમાં આવવાની નથી. વિપક્ષી એકતાનાં ગણિતની એક મર્યાદા હોય છે. જે તે પ્રદેશમાં જે તે પક્ષોના મતોનો સરવાળાઓ કરવાથી રાજકીય ચિત્ર નિર્ણાયક પ્રમાણમાં બદલી શકાતું નથી.

પ્રશાંત કિશોરની વાત સાચી છે અને એનાં મુખ્ય ત્રણ કારણ છે. એક તો એ કે જે તે રાજ્યમાં સૌથી પ્રભાવી વિરોધ પક્ષ હોય એની તરફેણમાં બીજા નાના પક્ષો પોતાનો રાજકીય સ્વાર્થ છોડીને કહેવાતા રાષ્ટ્રીય હિત માટે પોતાની દુકાન સંકેલી લે એમ બનવાનું નથી. આવી અપેક્ષા રાખવી એ ભોળપણ છે. બીજું કારણ એ છે કે સંસદીય લોકતંત્રમાં જે તે પક્ષના રાજકીય નેતાઓ પોતાના સંસદીય ક્ષેત્ર(કે વિધાનસભા ક્ષેત્ર)ને કેળવતા હોય છે, જે રીતે ખેડૂત પોતાના ભાગમાં આવેલી જમીનને કેળવતો હોય છે. વિપક્ષી એકતાના નામે પક્ષનો નેતા પોતે કેળવેલી જમીન કોઈ બીજા પક્ષના ઉમેદવારને ખેડવા માટે આપી દે તો એ સ્થાનિક દાવેદાર તેને દિલથી સ્વીકારવાનો નથી. પક્ષનું હિત અને દાવેદાર નેતાઓનું અંગત હિત ટકરાય છે. ત્રીજું કારણ એ છે કે જે તે પક્ષનો મતદાતા પોતાનાં ક્ષેત્રમાં આવેલા અન્ય પક્ષના આગંતુક ઉમેદવારને રાજકીય સમજૂતીના નામે સ્વીકારતો નથી અને તેને મત આપતો નથી. ઘણાં કિસ્સામાં એ મત એ પક્ષને જાય છે જેની વિરુદ્ધ રાજકીય સમજૂતી કરવામાં આવી હોય. આવું વખતોવખત જોવા મળ્યું છે.

પ્રશાંત કિશોર કહે છે કે રાષ્ટ્રીય સ્તરે જો નિર્ણાયક રાજકીય પરિવર્તન કરવું હોય તો એને માટે વિરોધ પક્ષોના મતદાતાઓ ઉપર ભરોસો રાખવાની જગ્યાએ બી.જે.પી.નો વિરોધ કરનારા મતદાતાઓ ઉપર સીધો ભરોસો રાખીને એને જેવું જોઈએ છે, એવું રાજકારણ કરવું જોઈએ. એવા મતદાતાની સંખ્યા ઓછી નથી, લગભગ ૫૦ ટકા છે. અડધોઅડધ. બી.જે.પી.નો વિરોધ કરનારા નાગરિકોના મત હિમાલય જેટલા અચલ છે અને એમાં એક મતનો પણ ઘટાડો થવાનો નથી, એમાં વધારો થઈ શકે છે. જે મતદાતા બી.જે.પી.નો વિરોધ કરે છે એ બી.જે.પી.ની વિરુદ્ધ મત આપતો રહે છે, જ્યારે કે તેને ખબર હોય છે કે તેનો મત નિર્ણાયક પરિવર્તન કરી શકવાનો નથી અને વેડફાવાનો છે.

વારંવાર ભારતના પચાસ ટકા મતદાતાઓ રૂઢ અર્થમાં પોતાનો મત વેડફે છે. તેને ખબર છે કે તે નિર્ણાયક પરિવર્તન કરી શકતો નથી અને તે વિરોધ પક્ષોથી નિરાશ અને અને નારાજ પણ છે; પણ એ છતાં ય તે બી.જે.પી.ને મત આપતો નથી, કારણ કે તેને બી.જે.પી.ની કલ્પનાનું ભારત સ્વીકાર્ય નથી. એ વારંવાર બી.જે.પી.ની કલ્પનાનું ભારત તેની વિરુદ્ધ મત આપીને નકારતો રહે છે, પછી ભલે એ વાંઝિયો પ્રયાસ હોય.

એને કંઈક જોઈએ છે. એવું કાંઈક જોઈએ છે જે બી.જે.પી. આપી શકે એમ નથી. ઊલટું તેને એમ લાગે છે કે બી.જે.પી.એ તેને જે જોઈએ છે એ ઝુંટવી લીધું છે. તેની પાસે અત્યાર સુધી જે હતું એ બી.જે.પી.એ ઝૂંટવી લીધું છે. એ એને પાછું જોઈએ છે. શું જોઈએ છે એને? સહિયારું ભારત. દરેક ધર્મોને સમાન આદર આપનારું સેક્યુલર ભારત. દરેક અવાજને વાચા આપનારું મુક્ત લોકતાંત્રિક ભારત. સ્ત્રીઓને અને શોષિત-વંચિતને ન્યાય તેમ જ માનવીય ગરિમા આપનારું સમાનતાયુક્ત ભારત. જ્યાં કાયદો અને વ્યવસ્થાનો લાભ દરેકને એક સરખો મળતો હોય એવું કાયદાના રાજવાળું બંધારણીય ભારત. સંખ્યાના જોરે કોઈ કોમવિશેષની દાદાગીરી ચલાવી લેવામાં ન આવતી હોય એવું સભ્ય ભારત. જ્યાં ખોટો ઇતિહાસ ભણાવવામાં ન આવતો હોય, જ્યાં ખોટા ગૃહિતો સ્થાપિત કરવામાં ન આવતા હોય, જેમાં લોકોને ભાવનાઓના પૂરમાં વહાવવામાં ન આવતા હોય, જ્યાં લોકોને ડર બતાવવામાં ન આવતો હોય, એવું બુદ્ધિપ્રધાન વિવેકી ભારત. જ્યાં વિજ્ઞાન અને વિકાસ કેન્દ્રમાં હોય એવું ઊર્ધ્વગામી ભારત. ભારતના ૫૦ મતદાતાઓને આવું ભારત જોઈએ છે. વિરોધ પક્ષોના મતદાતાઓને આવું ભારત અભિપ્રેત છે કે નહીં, એ ખાતરીપૂર્વક કહેવું મુશ્કેલ છે, પણ જેમને આવું ભારત જોઈએ છે એ બી.જે.પી.નો વિરોધ કરે છે. તેઓ બી.જે.પી.નો વિરોધ કરતા હતા, કરે છે અને કરવાના છે; કોઈ રાજકીય પક્ષ તેના મતને ઝીલવા સક્ષમ હોય કે ન હોય.

ભારતનો પ્રત્યેક બીજો નાગરિક બી.જે.પી.નો વિરોધી છે અને એમાં એક મતનો પણ ઘટાડો થવાનો નથી. આવનારાં વરસોમાં એમાં વધારો થવાની શક્યતા ખરી, પણ ઘટાડો થવાની કોઈ શક્યતા નથી. ટકોરાબંધ પ્રતિબદ્ધ મતદાતાઓ ઉપલબ્ધ છે, પણ તેના સુધી પહોંચવું કેમ અને પહોંચશે કોણ? આ લાખ રૂપિયાનો સવાલ છે. વિપક્ષી જોડાણની કસરત કરવા તૈયાર છે, તેમાં ઓછી બેઠકો મેળવીને અપમાનિત થવા તૈયાર છે, પણ સહેજે ઉપલબ્ધ પ્રતિબદ્ધ મતદાતા પાસે રાજકીય વિકલ્પ બનીને પહોંચવાની કોઈ કોશિશ કરતું નથી.

કારણ? ૧. ભારતમાં કાઁગ્રેસને છોડીને અખિલ ભારતીય સ્તરે કોઈ પક્ષ હાજરી ધરાવતો નથી અને કાઁગ્રેસ દિશાહિન તેમ જ પુરુષાર્થહિન છે. ૨. બે-ચાર પક્ષોને છોડીને બાકીના બધા જ પક્ષો પારિવારિક પક્ષો છે. ૩. આમ આદમી પાર્ટીનો એક ધૂમકેતુની માફક ઉદય થયો હતો, પણ અત્યારે તેમાં તેના નેતા અરવિંદ કેજરીવાલ પોતે તાનાશાહ છે અને બી.જે.પી.ના આકરા હિન્દુત્વ સામે સોફ્ટ હિન્દુત્વની નકલ કરે છે. જે હિંદુઓથી ડરીને હિંદુઓને રીઝવવાનું રાજકારણ કરશે તે ક્યારે ય ફાવવાના નથી.

આમ સ્થિતિ નિરાશાજનક છે, પણ આશાનું કિરણ એ છે કે શૂન્યાવકાશ ક્યારે ય ભરાયા વિના રહેતો નથી. જ્યારે જેની જરૂરિયાત હોય તેનો ઉદય થતો હોય છે. કુદરતનો આ નિયમ છે અને તે અટલ છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 16 જાન્યુઆરી 2022

Loading

લોક-આંદોલનનો કોઈ વિકલ્પ નથી : મેધા પાટકર

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|15 January 2022

તા. ૩૦ સપ્ટેમ્બરથી ૨૦ ડિસેમ્બરના દિવસોમાં સ્વાસ્થ્યવશ મોટા ભાગનાં જાહેર રોકાણો છોડવાં પડ્યાં, એ પૈકી એક આ અવસર પણ હતો. ચુનીકાકાના સહયોગીને નાતે થોડી દિલી આપ-લે કરવાનું બેલાશક ગમ્યું હોત. મેધાબહેનને અભય આપવાની કામગીરીમાં હુંયે કંઈક સામેલ હતો એની વાત તો ઠીક, પણ સવિશેષ તો જાહેર જીવનની રીતે અમારી વચ્ચે સતત જે એક ‘કમ્પેરિંગ નોટ્‌સ’નો નાતો ૧૯૭૪થી જીવનભર રહ્યો, તે વિશે પણ મારે ક્યારેક વિગતે લખવું જોઈશે. થોડુંક એમના સ્મૃતિગ્રંથમાં પ્રાસ્તાવિકરૂપે જરૂર લખ્યું છે, પણ એથી મને ધરવ નથી તે નથી. ક્યારેક પરસ્પર ટીકાનોયે પ્રસંગ આવ્યો, જેમ કે નર્મદા બંધના વિરોધમાં હિંસા ને અસહિષ્ણુતા સંદર્ભે મારે થોડુંક લખવાનું થયું તે બંધવિરોધી સિદ્ધરાજ ઢઢ્ઢાએ હિંદીમાંથી ઉતાર્યું હતું. પણ લાંબી સહયાત્રાને છેડે ખાટું પણ કેરીના મરવા પેઠે મધુર થઈ જતું હોય છે એટલું જ આ ક્ષણે તો કહું.

— પ્ર.ન.શા.

[“નિરીક્ષક” તંત્રી]

°°°°°

ગુજરાત લોક સમિતિએ ચુનીભાઈ વૈદ્યને તેમના સ્મૃતિ દિન ૧૯ ડિસેમ્બરે કર્મશીલ મેધા પાટકરના વ્યાખ્યાન થકી ખૂબ બંધબેસતી અંજલિ આપી. ‘જમીની સંઘર્ષ ઔર ચુનૌતિયાં’ વિષય પર મેધાબહેને એમની લાક્ષણિક પ્રજ્ઞા અને ઊર્જા સાથે સવા કલાક એકધારું તેમ જ રાબેતા મુજબ અસ્વસ્થ કરનારું વ્યાખ્યાન આપ્યું. નર્મદા યોજના ઉપરાંત પણ અનેક સાંપ્રત લડતો અને પડકારોને તેમણે ઠીક સ્પષ્ટતા સાથે આવરી લીધાં. જો કે દરેક બાબતે એમ જ લાગ્યું કે વક્તા માત્ર એ લડતોને સ્પર્શી જ રહ્યા છે અને એના વિશે તેમણે હજુ ઘણું કહેવાનું છે.

પીઢ આંદોલનકારી, સેવાનિષ્ઠ તબીબ અને ભારતીય જનતા પક્ષ(ભા.જ.પ.)ના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કળસરિયાના અધ્યક્ષપદે યોજાયેલ ચુનીભાઈ વૈદ્ય સ્મૃતિ વ્યાખ્યાન એ મેધાબહેનનું અમદાવાદમાં સંભવતઃ પહેલું જાહેર વ્યાખ્યાન હતું. પૂર્ણપણે મેધાતાઈનું આ પ્રકારનું વ્યાખ્યાન  આ પહેલાં યોજાયું ન હોય તે તાજ્જુબની વાત છે. કેમ કે, અમદાવાદમાં વીતતાં વર્ષો સાથે ભલે ઘટતા દરે પણ જાહેર વ્યાખ્યાનો યોજાતાં રહ્યાં છે. મેધાબહેનનાં સમકાલીન અને તેમના પુરોગામી એવાં જાહેરજીવનના અનેક  અગ્રણીઓનાં પ્રવચનો આ શહેરમાં યોજાઈ  ચૂક્યાં છે.

સંઘર્ષરત મેધાબહેનનું અમદાવાદના નાગરિક સમાજના એક હિસ્સા સાથે ગયાં ચાળીસેક વર્ષથી લાગણીનું જોડાણ રહ્યું છે. ગુજરાતમાં તેમના માટે ઉપજાવી કાઢવામાં આવેલા તિરસ્કારના માહોલ વચ્ચે પણ અહીં તેમના અનેક ટેકેદારો, હિતચિંતકો અને ચાહકો છે. આમ છતાં, અમદાવાદમાં હજુ સુધી તેમનું વ્યાખ્યાન યોજાયું હોવાનું જાણમાં નથી. તેની પાછળનું સીધું કારણ તો એ છે કે નર્મદાબંધ મુદ્દે હંમેશના વિવાદ અને અસહિષ્ણુતાના માહોલમાં નર્મદા બચાઓ આંદોલનનાં નેત્રીનું અમદાવાદમાં આવવું હંમેશાં જોખમકારક રહ્યું છે. ગોધરા કાંડને પગલે ગુજરાતમાં થયેલાં રમખાણો દરમિયાન ૭ માર્ચ, ૨૦૦૨ના દિવસે શાંતિ, રાહત અને પુનર્વસન અંગે નાગરિકસમાજની સાબરમતી આશ્રમમાં મળેલી બેઠકમાં મેધાબહેન પર ભીષણ હુમલો થયો હતો. હિંસક ફાસીવાદી યુવાનોનાં ટોળાંની પકડમાંથી મેધાબહેનને ૮૫ વર્ષના નર્મદા તરફી ગાંધીવાદી ચુનીકાકાએ અપૂર્વ શૌર્ય અને ઔદાર્યથી બચાવ્યા હતા. તેનાં દસેક વર્ષ પહેલાં પણ શ્રેયસ ફાઉન્ડેશનના પરિસરમાં મેધાબહેન અને તેમના સાથીઓ પર હુમલો થયો હતો. ગુજરાતમાં આયોજકો મેધાબહેનને વ્યાખ્યાન માટે બોલાવવાનું જોખમ લેતા ન હતા. નજીકના ભૂતકાળમાં ઘણું કરીને બે કાર્યક્રમોમાં તેઓ જોડાયાં હતાં, પણ મુખ્ય વક્તા તરીકે નહીં જ. પણ આખરે ગુજરાત લોક સમિતિએ પહેલ કરી. ચુનીકાકાના કાર્યને આગળ ધપાવવા મથનાર નીતાબહેન, મુદિતા અને મહાદેવભાઈએ દહેશતને બાજુ પર મૂકીને ર્નિભયપણે મેધાબહેનને નિમંત્ર્યાં. અલબત્ત, જોખમની સંભાવના ઘટાડવા માટે સ્મૃતિ વ્યાખ્યાનની સોશ્યલ મીડિયા થકી કરવામાં આવેલી જાહેરાતના પહેલા બે તબક્કામાં મેધા પાટકરનું નામ મૂકવામાં આવ્યું ન હતું. એમનું નામ વ્યાખ્યાનના આગળના દિવસે સોશિયલ મીડિયામાં વહેતું કરવામાં આવ્યું. મેધાબહેનના આ સંભવતઃ પહેલા જાહેર વ્યાખ્યાન અંગે બીજી એક ધાસ્તીપૂર્ણ હકીકત એ હતી કે અમદાવાદમાં ભારતીય જનતા પક્ષ(ભા.જ.પ.)ના અત્યારના પ્રમુખ અને પૂર્વ મેયર અમિત શાહ છે. તેઓ મેધાબહેન પર સાબરમતી આશ્રમમાં થયેલા હુમલામાં એક આરોપી પણ હતા.

ચુનીકાકાના સાતમા સ્મૃતિદિને અમદાવાદ મેડિકલ ઍસોસિયેશનના સભાગૃહમાં યોજાયેલ વ્યાખ્યાનમાં શ્રોતાઓની સંખ્યા ઘણી ઓછી હતી. જાડી રીતે કહેવું હોય તો આશરે સવાસો મિનિટના કાર્યક્રમમાં લગભગ તેટલી જ સંખ્યામાં શ્રોતાઓ હતા. આ શહેરમાં મહામારી પૂર્વેના ભૂતકાળમાં જુદા જુદા કાર્યક્રમો/ઉપક્રમો હેઠળ જાહેર વ્યાખ્યાનો આપનાર વ્યક્તિઓમાં સહજ રીતે યાદ આવતાં નામોમાંથી કેટલાંક છે : કપિલ સિબ્બલ, રામચન્દ્ર ગુહા, પી. સાઇનાથ, ગણેશ દેવી, અશોક વાજપેયી, મૃણાલ પાંડે, આનંદ તેલતુંબડે, રવીશ કુમાર, હરીશ ખરે, અઝીમ પ્રેમજી, ડૉ. પ્રકાશ આમટે, સુનીતા નારાયણ, રાણી બંગ, વિનાયક સેન, કુમાર પ્રશાન્ત. આમાંથી ઘણાં વ્યાખ્યાનોમાં શ્રોતાઓની જે ઉપસ્થિતિ હતી, તેની સરખામણીમાં મેધાબહેન જેવાં વિરલ કર્મશીલનાં વ્યાખ્યાનમાં ઘણાં ઓછા શ્રોતાઓ હતા. આવું શા માટે બન્યું હશે, તે અંગે વિચારતાં નાગરિક સમાજ અંગે મંથન કરવાનું  થાય.

મેધાબહેનના વ્યાખ્યાનનું વૃત્તાન્ત-નિવેદન ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ સિવાય ભાગ્યે જ કોઈ છાપાએ કર્યું. ‘નવગુજરાત સમય’ અખબારે વ્યાખ્યાન પ્રસંગની તસવીર ચુનીકાકાને અંજલિ રૂપે  મૂકી. બી.બી.સી. પર તેજસ વૈદ્યે મેધાબહેનની વીસેક મિનિટની મુલાકાત લીધી, જે ૨૨  ડિસેમ્બરે પ્રસારિત થઈ. ‘ધ વાઇબ્સ ઑફ ઇન્ડિયા’ અને ‘ઇન્ડિયા ટુમૉરો’ નામનાં પૉર્ટલ્સ પર વરિષ્ઠ પત્રકાર અનુક્રમે દર્શન દેસાઈ અને નયીમ કાદરીએ કાર્યક્રમનું નોંધપાત્ર વૃત્તાન્ત-નિવેદન કર્યું હતું. તે વૃત્તાન્તોને આધારે મેધાબહેનના વ્યાખ્યાનના મહત્ત્વના મુદ્દા અહીં નોંધ્યા છે.

જનઆંદોલનોના આગેવાનોનો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘આંદોલનજીવી’ કહીને ઉપહાસ કર્યો હતો. તેને યાદ કરીને મેધાબહેને એ મતલબનું કહ્યું કે ‘હા, અમે આંદોલનજીવી છીએ.’ અત્યારની સરકારે તેની કેન્દ્રીકૃત નીતિઓથી હાંસિયાની વધુ ને વધુ બહાર ધકેલાઈ રહેલાં લોકો માટે શેરીમાં ઊતરવા સિવાય કોઈ વિકલ્પ જ રહેવા દીધો નથી. નર્મદાનાં પાણીની અસંતુલિત અને શહેર તરફી વહેંચણીને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારો હજુ પણ પાણીની તંગી અનુભવી રહ્યા છે. 

જે આંદોલનને કારણે ભા.જ.પ.ની સરકારને કૃષિકાયદા પાછા ખેંચવાની ફરજ પાડનાર ખેડૂત-આંદોલનનો ઉલ્લેખ કરીને મેધાબહેને કહ્યું કે જબરદસ્ત લોકસંઘર્ષને કારણે આ જીત શક્ય બની. શાહીન બાગ આંદોલનને પણ મેધાબહેને બહુ ભાવપૂર્વક યાદ કર્યું.

કેટલાક ન્યાયાધીશો એક હદ સુધી રાજકીય દબાણની સામે ટકી રહે છે, પણ ત્યાર બાદ બાંધછોડ સ્વીકારે છે. આપણે અયોધ્યાથી લઈને કાશ્મીર સુધીના ચુકાદાઓમાં આ જોયું છે. આપણે રાજ્ય સભામાં નિયુક્તિ સ્વીકારનાર ન્યાયાધીશો પણ જોયા છે.

આપણે જે પ્રશ્નો માટે લડીએ છીએ, કેટલાક માટે આપણે કોર્ટમાં જઈએ, આપણને ટેકો આપનાર જૂજ નોકરશાહો કે ન્યાયાધીશો પણ મળી જાય, પણ બદલાવ તો જમીની સંઘર્ષથી જ આવે.

અત્યારે આપણે રાજકીય પક્ષની બહાર રહીને રાજકીય લડત ઉપાડવાની જરૂર છે. આ લડત એ વર્ગો સૌથી વધુ જુસ્સાથી ચલાવી શકે કે જેઓ એમના નામે રાજકીય પક્ષોએ ઘડેલી કહેવાતી ક્લ્યાણનીતિઓનો ભોગ બન્યા હોય.

યુનાઇટેડ નેશન્સ, વર્લ્ડ બૅન્ક અને એશિયન ડેવલપમેન્ટ બૅન્ક જેવી નાણાં પૂરાં પાડનારી  આંતરાષ્ટ્રીય એજન્સીઓ સામે પણ આપણે અત્યારે જાગવાની જરૂર છે. આ એજન્સીઓ આદિવાસી અને દલિતવર્ગો માટે સંવેદન ધરાવે છે, પણ સાથે આ સમુદાયોના હિતની વિરુદ્ધની નીતિઓ અમલમાં મૂકનાર સરકારને પૈસો પૂરો પાડે છે.

વળી, સરકારો અમારા પર એવો આરોપ લગાવે છે કે અમે વિદેશી નાણાંથી આંદોલનો ચલાવીએ છીએ, પણ હકીકતમાં તો સરકાર ખુદ જ પી.પી.પી.(પ્રાઇવેટ પબ્લિક પાર્ટનરશિપ)ના નામે વિદેશી એજન્સીઓ પાસેથી પુષ્કળ પૈસો મેળવે છે. મેધાબહેને પોતે ઍવૉર્ડનાં રાશિનો અસ્વીકાર કર્યો હોવાની વાત જણાવી હતી. તેમણે એવો સવાલ પણ કર્યો કે ‘ પી.એમ. કૅઅર્સ ફન્ડ અને ડિઝાસ્ટર મૅનેજમેન્ટ માટે કેટલો વિદેશી પૈસો આવે છે? એ ક્યાં છે ?’ વળી, આદિવાસીઓ, ભૂમિહીનો, ગરીબો અને ખેડૂતો માટે પૈસો નથી એમ કહેતી સરકાર પાસે સેન્ટ્રલ વિસ્ટા, સરદાર પટેલની પ્રતિમા માટે પૈસો છે અને તેની પાસે કૉર્પોરેટ્‌સની હજ્જારો કરોડ રૂપિયાની એન.પી.એ.(નૉન-પરફૉર્મિન્ગ ઍસેટ્‌સ) માફ કરવા માટે પૈસો છે.

વિકાસની મૂળભૂત અવધારણાની સામે સવાલ ઉઠાવતા વિશાળ મૅક્રો-લેવલ આંદોલનના પાયામાં અનેક માઇક્રો-લેવલ ચળવળો હોય છે. ચુનીકાકાનો નારો હતો : ‘ગાઁવ કી જમીન ગાઁવ કી’ પણ એવું ક્યાં થઈ રહ્યું છે ? જળ-જંગલ-જમીન જેમની માલિકી ગામના લોકોની હોય તે હવે કૉર્પોરેટ સેક્ટર અને ખાણમાફિયાઓને સોંપાઈ રહ્યાં છે. કોઈ પણ પ્રશ્નના ઉકેલ માટે લોકઆંદોલન સિવાય વિકલ્પ નથી. જનઆંદોલન ભારતીય લોકશાહીના આધારસ્તંભોને લાગેલી ઊઘઈને દૂર કરી શકશે.

ખેડૂતોનાં જળ-જમીન માટે સૌરાષ્ટ્રમાં નિરમા અને અલ્ટ્રાટેક કંપનીઓની સામે આંદોલન ચલાવનાર કનુભાઈએ ટૂંકા અધ્યક્ષીય વક્તવ્યમાં કહ્યું કે અત્યારે ભલે ચુનીકાકા સદેહે આપણી સાથે નથી, પણ તેમનો વારસો આપણને શક્તિ આપી રહ્યો છે. કનુભાઈએ સપ્ટેમ્બર, ૨૦૧૦ની એ સાંજને યાદ કરી કે જ્યારે કાકાએ ધોધમાર વરસાદમાં ટ્રૅક્ટરમાં ઊભા રહીને ખેડૂતોની રેલીને સંબોધી હતી.

કાર્યક્રમનું સુચારુ સંચાલન મુદિતાએ કર્યું હતું. મહાદેવભાઈએ માનેલા આભારપૂર્વે એક રસપ્રદ ઉપક્રમ હતો. તેમાં સભાગૃહમાં ઉપસ્થિત બહેનોને મંચ પર બોલાવીને તેમને હસ્તે મેધાબહેનને એક સ્મૃતિચિહ્ન અર્પણ કરવામાં આવ્યું હતું. તેમાં તેમના વિશે તેમના જ એક સાથીએ લખેલી સુંદર હિન્દી કવિતા અંકિત કરવામાં આવી હતી, જે મુદિતાએ વાંચી હતી.

આયોજકોએ સૂઝપૂર્વક સભાગૃહની બહાર મૂલ્યવાન પુસ્તકો વેચાણ માટે મૂક્યાં હતાં. તેમાં ચુનીકાકાએ વર્ષો પહેલાં લખેલી અને ગાંધીવિચારખંડન તેમ જ ગોડસે વિચારમંડનના અત્યારના સમયમાં વિશેષ પ્રસ્તુત બે પુસ્તિકાઓ ‘સૂરજ સામે ધૂળ’ : ગાંધીનું બલિદાન અને સાચું શું ખોટું શું’ (તેમ જ તેનો અંગ્રેજી અનુવાદ ‘સ્પિટિન્ગ એટ ધ સન’) અને ‘જૂઠાણું જલદી પકડાય : ગોડસેની સફાઈ અંગે સાફ સાફ’ પણ ઉપલબ્ધ હતી. ચુનીકાકાને લગતી સામગ્રીમાં કેતન રૂપેરાએ મનોયોગપૂર્વક સંપાદકીય કાર્યબોજ ઉઠાવી તૈયાર કરેલ સ્મૃતિગ્રંથના ઉત્તમ નમૂના જેવો ગ્રંથ ‘અગ્નિપુષ્પ’ ઉપરાંત મુકુંદ પંડ્યા લિખિત, કાકાનું ટૂંકું મહત્ત્વનું ચરિત્ર ‘સંઘર્ષ અભી જારી હૈ…’, અને ‘લોકસ્વરાજ’ માસિકના કાકા પરના બે વિશેષાંકો હતા. વળી, ગુજરાત લોક સમિતિએ તાજેતરમાં બહાર પાડેલું હેમંતકુમાર શાહનું ખૂબ મહત્ત્વનું પુસ્તક ‘આમુખ’ પણ અહીં વેચાણ માટે હતું. ખુદ મેધાબહેને કેટલીક સૂતરાઉ સાડીઓ વેચાણ માટે મૂકી હતી. આ સાડીઓ મધ્ય પ્રદેશમાં એક મિલના માલિકોની સામે લાંબા સમયથી લડત આપી રહેલા કામદારોના પરિવારોએ બનાવી હતી.

કાર્યક્રમમાં ગીત રજૂ કરનાર ગાયક કલાકાર નરેન્દ્ર શાસ્ત્રીએ કાર્યક્રમ પૂરો થઈ ગયા પછી ચુનીકાકાના ગાંધી આશ્રમ સામેના ઘરના પરિસરમાં આમંત્રિતો માટે ગીતોનો એક આહ્લાદક કાર્યક્રમ રજૂ કર્યો. તેમને તબલા પર સંગત તેમના ભાઈ જિતેન્દ્રએ કરી હતી. નાની જગ્યા અને સાવ થોડાક શ્રોતાઓ વચ્ચે પણ કલાકારોએ દિલથી મહેફિલ જમાવી. તેમાં કાકાને ગમતાં કે.એલ. સહેગલનાં ગીતો ઉપરાંત ઝવેરચંદ મેઘાણીની કેટલીક રચનાઓ વૈવિધ્યપૂર્ણ રીતે રજૂ કરી. સર્વોદય કાર્યકર્તાઓ દ્વારા ગવાતાં ‘જીવન કા હર પલ મંગલ’ ગીતની ભૈરવીથી કાર્યક્રમ રાત્રે દસેક વાગ્યે પૂરો થયો. આખો દિવસ ચુનીકાકામય હતો. મનને સારું લાગ્યું. પણ કાકા અને મેધાબહેનના પરિચયમાં વાંચવામાં આવેલી મેધાબહેન વિશેની હેરમ્બ કુલકર્ણીએ લખેલી  મરાઠી કવિતાની પંક્તિઓ યાદ આવતી રહી :

‘કહેને મેધા
અમારા જેવા આત્મમગ્ન, સુરક્ષિત ટાપુઓ ડૂબમાં કેમ નથી જતા રહેતા ?’ 

૧૦ જાન્યુઆરી ૨૦૨૧

e.mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2022; પૃ. 10-11

Loading

...102030...1,7481,7491,7501,751...1,7601,7701,780...

Search by

Opinion

  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved