Opinion Magazine
Number of visits: 10,225,617
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—137

દીપક મહેતા|Opinion - Opinion|19 March 2022

પૈસા તો મળ્યા પણ રાજાબાઈ ટાવર બાંધવો ક્યા?

સરકારે યુનિવર્સિટીને આપેલી જગ્યા પર બંધાયું હાઈ કોર્ટનું મકાન!

બે પારસી બાનુઓના મોતનો વણઉકલ્યો ભેદ

આપણામાં એક કહેવત છે : ભેંશ ભાગોળે, છાશ છાગોળે, ને ઘરમાં ઘમાઘમ. સર કાવસજી જહાંગીર અને શેઠ પ્રેમચંદ રાયચંદે યુનિવર્સિટીને ઇમારતો બાંધવા માટે દાન આપ્યાં, ત્યારે કૈંક આવી જ સ્થિતિ ઊભી થઈ. કારણ એ ઇમારતો બાંધવી ક્યાં? યુનિવર્સિટી પાસે તો તસુભાર જમીન નહોતી. એટલે યુનિવર્સિટીએ વિનંતી કરી મુંબઈ સરકારને કે જમીન આપો. પણ એમ કાંઈ માગો એટલે જમીન મળે નહિ. બીજી બાજુ સરસાહેબ અકળાયા. કહે મકાન ન બાંધવું હોય તો પાછા આપો મારા પૈસા. છેવટે જમીન મળી. રામપાર્ટ રો (આજનો મહાત્મા ગાંધી રોડ) પર મોકાની જગ્યા. ૧૮૬૮ના ડિસેમ્બરની ૨૯મી તારીખે યુનિવર્સિટીના ચાન્સેલર સર સેમોર ફિટઝિરાલ્ડે વાજતેગાજતે શિલાન્યાસ વિધિ કર્યો. સમારંભના મુખ્ય મહેમાન હતા અર્લ ઓફ મેયો. એ વખતે તેમની નિમણૂક હિન્દુસ્તાનના વાઈસરોય અને ગવર્નર જનરલ તરીકે થઈ ચૂકી હતી, પણ હજી તેમણે હોદ્દો સંભાળ્યો નહોતો.

રાજાબાઈ ટાવર બંધાતો હતો ત્યારે

પણ કહ્યું છે ને કે કરમન કી ગત ન્યારી. આજના યુનિવર્સિટીના ફોર્ટ કેમ્પસનો ખૂણે ખૂણો જોઈ વળો. ક્યાં ય મળશે નહિ એ શિલાન્યાસનો પથ્થર. હોય તો મળે ને? કારણ જે જગ્યાએ એ દિવસે શિલાન્યાસનો સમારંભ થયો એ જગ્યાએ યુનિવર્સિટીની ઇમારતો બંધાઈ જ નહિ! એ જગ્યાએ બંધાયું બોમ્બે હાઈકોર્ટનું મકાન! યુનિવર્સિટીએ વાંધો-વિરોધ નોંધાવ્યા. ફરી લખાપટ્ટી, ફરી રેડ રિબન, ફરી સરસાહેબનું અકળાવું. છેવટે સરકારે અગાઉ કરતાં વધુ મોટો પ્લોટ ૯૯૯ વરસના લીઝ પર આપ્યો. એ અંગેના દસ્તાવેજો પર ૧૮૭૭ના સપ્ટેમ્બરની ૨૬મી તારીખે સહીસિક્કા થયા. એ જ જગ્યા પર આજે ઊભાં છે સર કાવસજી જહાંગીર કોન્વોકેશન હોલ, રાજાબાઈ ટાવર, અને બીજી ઇમારતો.

ઘડિયાળ મૂકાયા પહેલાંનો ટાવર

જમીન મળી એટલે બંને ઈમારતની ડિઝાઈન તૈયાર કરાવવાનું કામ શરૂ થયું. બ્રિટનમાં બેસીને સર જ્યોર્જ ગિલ્બર્ટ સ્કોટે બંનેની ડિઝાઈન તૈયાર કરીને મોકલી. આ માટે જગ્યા જોવા તેઓ મુંબઈ આવ્યા જ નહોતા. પણ જમીનના પ્લોટ વિશેની ખૂબ જ વિગતવાર માહિતી યુનિવર્સિટીએ મોકલી હતી. સાધારણ રીતે એમ મનાય છે કે લંડનના બિગ બેન ટાવરને નજર સમક્ષ રાખીને રાજાબાઈ ટાવરની ડિઝાઈન તૈયાર થઈ છે. પણ હકીકતમાં ફ્લોરેન્સ કથીડ્રલના મિનારાને નજર સામે રાખીને આ ડિઝાઈન તૈયાર થયેલી. મુંબઈની ગરમ ભેજવાળી આબોહવાનો તેમને ખ્યાલ આપવામાં આવેલો એટલે બંને ઈમારતોની પૂર્વ-પશ્ચિમ બાજુને તેમણે ખુલ્લી રાખી અને મોટી, લાંબી-પહોળી બારીઓની જોગવાઈ કરી. તેના પર સ્ટેન્ડ ગ્લાસ (કપચી) જડેલી છે તેવી મુબઈમાં તો બીજે ક્યાં ય જોવા નહિ મળે. પશ્ચિમ-પૂર્વ દિશામાં સામસામી મોટી મોટી બારીઓ હોવાને કારણે હવાની અવરજવર તો રહે જ છે, પણ કુદરતી અજવાળું પણ અંદર સતત આવતું રહે છે. અને હા, એ વખતે દરિયો આ જગ્યાની ઘણી નજીક હતો એટલે ટાવર પરથી રમણીય, શાંત દરિયા કિનારો જોઈ શકાતો. આ મકાનો બંધાયાં ત્યારે હજી મુંબઈમાં વીજળીના દીવા આવ્યા નહોતા. એટલે બારીઓને કારણે બંને ઈમારતમાં કુદરતી અજવાળું પણ ઘણું આવતું.

સમયની સફાઈ

રાજાબાઈ ટાવરનું ભોંયતળિયું લાઈબ્રેરીના મકાન સાથે જોડાયેલું છે. ચાર ઘોડા જોડેલી ગાડી ઊભી રહી શકે એટલો મોટો પોર્ચ છે. જ્યારે ટાવરનો પહેલો માળ લાઈબ્રેરીના મકાનના પહેલા માળ સાથે જોડાયેલો છે. તે પછી ટાવરના છ માળ છે. પહેલાં તેનો ઉપયોગ ૧૬ મોટા ઘંટ મૂકવા માટે કર્યો હતો. આ બધા ઘંટ જૂદા જૂદા સૂરમાં વાગતા, અને દર પંદર મિનિટે ગ્રેટ બ્રિટનનું રાષ્ટ્રગીત ‘ગોડ સેવ ધ ક્વીન’ વગાડતા! પણ હવે માત્ર આઠ ઘંટ જ વપરાય છે. અને એ રાષ્ટ્રગીત ક્યારે ય વાગતું નથી. ટાવરની ચારે બાજુ પર એક-એક વિશાળકાય ઘડિયાળ છે. દરેક ઘડિયાળની નીચે નાની બાલ્કની છે જે ટાવરની શોભા તો વધારે જ છે, પણ ચારે ઘડિયાળનાં ડાયલને બહારથી સાફ કે સમાંનમાં કરવા માટે ખૂબ ઉપયોગી બને છે. ટાવરનો ઘણો મોટો ભાગ ચતુષ્કોણ છે પણ છેક ઉપરનો ભાગ અષ્ટકોણ છે. આ ટાવર પર જે મૂર્તિઓ જોવા મળે છે તે કોઈ દેવ-દેવી કે બ્રિટનનાં રાજા-રાણીની નથી, પણ મુંબઈ ઇલાકામાં વસતા જુદી જુદી જમાતના લોકોનું પ્રતિનિધિત્વ કરતી મૂર્તિઓ છે. ટાવરની ટોચ અત્યંત સુંદર નકશીકામ ભરેલી છે.

બંને ઈમારતોનું બાંધકામ ૧૮૬૯માં શરૂ થયું, અને ૧૮૭૮માં પૂરું થયું. જો કે કોન્વોકેશન હોલનું બાંધકામ વહેલું પૂરું થયેલું. ૧૮૭૪ના ડિસેમ્બરની ૩૧મી તારીખે તેનો કબજો યુનિવર્સિટીને મળ્યો. તેના બાંધકામ પાછળ રૂપિયા ૪,૧૫,૮૦૪નો ખર્ચ થવાનો અંદાજ હતો. પણ હકીકતમાં એ ખર્ચ તેના કરતાં ઓછો, રૂપિયા ૩,૭૯,૦૯૩ જેટલો આવ્યો હતો. જ્યારે રાજાબાઈ ટાવર અને લાઈબ્રેરીનું મકાન બાંધવા પાછળ ધાર્યા કરતાં વધુ ખરચ થયો. રૂપિયા ૫,૪૭,,૭૦૩ના અંદાજ કરતાં ખરચ ૧૯,૬૧૦ રૂપિયા વધુ થયો. પ્રેમચંદ શેઠે આપેલી ચાર લાખની રકમનું જે વ્યાજ આવેલું તેમાંથી વધારાનો ખરચ ભરપાઈ થઈ શક્યો. આ ટાવર કુલ ૨૮૦ ફૂટ (૮૫ મિટર) ઊંચો છે. બંધાયા પછી ઘણાં વર્ષો સુધી મુંબઈની સૌથી ઊંચી ઈમારતનું માન તે ધરાવતો હતો.

૧૮૮૦ના ફેબ્રુઆરીની ૨૭મી તારીખ. બંને ઇમારતોનો ઉદ્ઘાટન સમારંભ. મુંબઈના બધી કોમના આગેવાનો હાજર. મુંબઈના ગવર્નર અને યુનિવર્સિટીના ચાન્સેલર સર રિચર્ડ ટેમ્પલ. કોન્વોકેશન હોલ, લાઈબ્રેરીનું મકાન, અને બધી ખુલ્લી જગ્યા મહેમાનોથી ખીચોખીચ. મહેમાનોની આગતાસ્વાગતા કરી રહી હતી મુંબઈની કેટલીક સ્કૂલોની પારસી અને હિંદુ છોકરીઓ. પણ મરાઠીભાષીઓ કહે તેમ આ સમારંભ વખતે એક ગમ્મત થઈ. બન્ને નવી ઇમારતો પર રોશની કરવાનો કોઈને તુક્કો આવ્યો. એ વખતે વીજળીના દીવા તો હતા નહિ. એટલે ઠેકઠેકાણે તેલના દીવા ચાર હજાર રૂપિયાના ખર્ચે ગોઠવ્યા હતા. પણ બરાબર ઉદ્ઘાટન વખતે જ જોરદાર પવન ફૂંકાયો અને ઘણાખરા દીવા ગુલ! એ વખતે વિજ્ઞાન શાખામાં ગ્રેજ્યુએટની ડિગ્રી આપનાર યુનિવર્સિટી આખા હિન્દુસ્તાનમાં આ એક જ હતી. એટલે ઉદ્ઘાટન સમારંભ વખતે વિજ્ઞાનના કેટલાક નિયમો પ્રયોગો દ્વારા સમજાવતું પ્રદર્શન પણ યોજાયું હતો. આ બે ઈમારતોના ઉદ્ઘાટન સાથે જ શરૂ થયો યુનિવર્સિટી ઓફ બોમ્બેનો સુવર્ણયુગ.

***

પચીસ એપ્રિલ, ૧૮૯૧, બપોરના સાડા ત્રણ. રાજાબાઈ ટાવર નીચેની ભોંય પર એક પછી એક બે ધુબાકા થાય છે. બે પારસી બાનુઓના લોહી નીગળતા દેહ પડ્યા છે. બચુબાઈ તે અરદેશર બરજોરજી ગોદરેજનાં ધણિયાણી અને પિરોજાબાઈ તે સોરાબજી ધનજીશાહ દસ્તૂર કામદીનનાં ધણિયાણી. સગપણમાં નણંદ-ભોજાઈ. ઉંમર વર્ષ વીસ અને સોળ. બંને બાનુઓ રાજાબાઈ ટાવર પરથી મુંબઈનો નજારો જોવા ગયાં હતાં. એ વખતે ટાવર મુલાકાતીઓ માટે ખુલ્લો હતો એટલે ઘણા એ રીતે ટાવર પર ચડી મોહમયી મુંબઈનાં દર્શન કરતા. પણ તે દિવસે આ બે બાનુઓ ઉપરાંત ત્રીજું પણ કોઈ હતું ટાવરના છેક ઉપલા માળ પર હાજર. તેણે બંને બાનુઓની લાજ લૂંટવાનો પ્રયત્ન કર્યો. પછી શું થયું એ ક્યારે ય નક્કી ન થયું. બંને બાનુઓએ આબરૂ બચાવવા નીચે પડીને આપઘાત કર્યો? કે પેલા ત્રીજા કોઈએ બંનેને ધક્કો મારી ટાવર પરથી નીચે ફેંક્યાં, કે જાતને બચાવવા જતાં બંને બાનુઓ અકસ્માત નીચે પડી?

પટકી નિજનો પ્રાણ પછાડી, બાળા મૂઈ બિચારી

પારસી કોમમાં તો ખરો જ, પણ આખા મુંબઈ શહેરમાં હાહાકાર મચી ગયો. આ કેસ અંગે એક કમિટી નીમવામાં આવી. જેમાં જમશેદજી જીજીભાઈ બેરોનેટ, દિનશાહ માણેકજી પિતીત, સોરાબજી ફરામજી પટેલ, ફરામજી દિનશાહજી પિતીત, ડો. કેખુશરો નસરવાનજી બહાદુરજી, અને ફરદુનજી મેરવાનજી બનાજીનો સમાવેશ થતો હતો. એ વખતે ટાવર પર હાજર હતો તે માણેકજી અસલાજીની ધરપકડ થઈ. કોરોનરની કોર્ટે આ ઇસમને ખૂન અને સદોષ મનુષ્ય વધના ગુના સબબ જવાબદાર ગણાવી યોગ્ય સજા કરવાની ભલામણ કરી. ૪૫ હજાર નાગરિકોની સહી સાથે સરકારને અરજી મોકલવામાં આવી અને ગુનેગારને આકરી સજા કરવા ખાસ કમિશન નીમવામાં આવે એવી માગણી કરવામાં આવી. પણ મુંબઈ સરકારે એ માગણી સ્વીકારી નહિ. એટલે ૬૬ હજાર સહીવાળી બીજી અરજી ગ્રેટ બ્રિટન મોકલવામાં આવી. તેના પર સહી કરનારાઓમાં ૨૯,૬૦૪ પારસી, ૨૮,૦૦૮ હિંદુ, ૬,૩૮૫ મુસ્લિમ, ૧,૮૦૪ ખ્રિસ્તી, અને ૩૩ યહૂદીઓનો સમાવેશ થતો હતો. સહી કરનારાઓમાં ૬,૫૩૧ સ્ત્રીઓ પણ હતી. પણ એ અરજી સ્વીકારાઈ નહિ. છેવટે આ ખટલો બોમ્બે હાઈકોર્ટમાં ગયો. જસ્ટિસ ફેરન અને ખાસ જૂરીની હજૂરમાં છ દિવસ ખટલો ચાલ્યો જેને અંતે ૧૮૯૧ના જુલાઈની ૧૩મી તારીખે આરોપીને નક્કર પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યો. આ ઘટના વખતે કેટલાક પારસી અને હિન્દુઓએ ખાસ ચોપાનિયાં અને પદ્યકૃતિઓ છપાવી પ્રગટ કરેલાં. તેમાંથી કેટલાંકનાં નામ : રાજાબાઈ ટાવરની કહાણી લે. અરદેસર ખાનસાહેબ, રાજાબાઈ ટાવર વિરહ, લે. ‘સત્યવક્તા, એક હિંદુ’, ટાવર ગરબા, લે. ખરશેદજી ફરામરોજ, સરોદે પાક દામની અને સિતમે મિનાર, લે. ફિરોજશાહ બાટલીવાલા, રાજાબાઈ ટાવરવાળી માહેતમનાં ગાયનો, લે. દા.એ. તારાપોરવાલા. આ છેલ્લી કૃતિની થોડીક પંક્તિ :

ઓ ઈશ્વર! શી અવધિ આજે, આકરો કેર જ કીધો,
મુંબઈમાં શી માહતમ વરસી? લ્હાવો શો આ લીધો?
પટકી નિજનો પ્રાણ પછાડી, બાળા મૂઈ બિચારી;
‘ટાવર’ તેં તો ટેક જ લીધો, ભોગ થયા બે ભારી!
પત્ની પતિવ્રત પારસી, જોવા મિનાર જાહેર,
ગઈ હોંશે પણ આફત, વળી ન પાછી બાહેર!
મહા ભૂંડી ચાંડાળ નજરનો, ભોગ થઈ તે ભોળી.
મહિપતિ! તું ઇન્સાફ ખરાથી, ખરો ખૂની દે ખોળી.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 19 માર્ચ 2022

Loading

કપરી કિમ્મત

આનંદરાવ|Opinion - Short Stories|19 March 2022

અશોક અને આશાનાં લગ્નને અઢાર વર્ષ થઈ ગયાં હતાં, બધી રીતે સુખી સંસાર. તેર વર્ષનો દીકરો ને અગિયાર વર્ષની દીકરી પણ છે. બન્ને છોકરાં તંદુરસ્ત અને ભણવામાં હોશિયાર છે.

અશોક કૉલેજ ગ્રેજ્યુએટ છે. બાપાની ફેકટરી સંભાળી લીધી છે. રાજકોટના વેપારી વર્ગમાં જાણીતું, પ્રતિષ્ઠિત નામ ગણાય. કંપનીની બે ગાડીઓ ને ડૃાયવર છે. નોકર ચાકર અને રસોઈયો પણ છે. જાહોજલાલી છે. આશા પાસે માસ્ટર્સ ડિગ્રી છે, પરંતુ ઘર અને કુટુંબ સંભાળે છે. નજર લાગી જાય એવું એમનું લગ્ન જીવન અને સંસાર છે.

આશાના મોટાભાઈએ મુકેલી ‘ઇમિગ્રેશન’ ફાઈલ હમણાં ખૂલી અને આશાને, અશોકને તથા બે છોકરાંને ‘ગ્રિનકાર્ડ’ મળી ગયું. સ્વર્ગનું બારણું ખોલવાની ચાવી જાણે મોટાભાઈએ આખા કુટુંબના હાથમાં મૂકી દીધી હોય એટલો આનંદ અને થનગનાટ બધાંને થયો.

બહુ ઉત્સાહથી નક્કી થયું કે હવે હમણાં તો એક મહિના માટે આખા કુટુંબે અમેરિકા જઈને બને એટલું બધે ફરીને જોઈ-જાણી લેવું. પાછા આવીને કાયમ માટે જાવની તૈયારી કરવી. આખું કુટુંબ એક મહિના માટે અમેરિકાની ધરતી ઉપર મોટાભાઈને ઘરે આવી ગયું.

એક એકર જમીન ઉપર બંધાયેલા મોટાભાઈના મકાનની અદ્યતન સગવડો, આગળનો પાછળનો બગીચો, ફળઝાડોની લીલોતરી, સ્વીમીંગ પુલ, બે સુંદર રમતિયાળ કૂતરા … આ બધી ભવ્યતા જોઈને આશા અને છોકરાં અંજાઈ ગયાં. પૈસા ખર્ચતાં પણ દેશમાં ના મળે એવાં ફળફળાદિ અને ખાદ્ય પદાર્થો તરફ આશાનું ધ્યાન ગયું. રસ્તાઓ ઉપર કે ક્યાં ય ગંદકીનું નામ નિશાન નહીં. સ્વચ્છતા અને આરોગ્યનું આ ધોરણ પણ દેશમાં કદી મળી શકે નહીં. આશાના મનમાં અમેરિકન જીવન ધોરણ અને દેશના જીવન ધોરણની − quality of lifeની − સરખામણી સતત થવા લાગી.

બહેન-બનેવી આવ્યાંના માનમાં મોટાભાઈએ એક રવિવારે સાંજે પોતાના મિત્રમંડળને બોલાવી મોટી પાર્ટી આપી. જેટલા પણ મહેમાનો આવેલા એ બધા અમેરિકામાં આવીને શ્રીમંત થયેલા આસામી હતા. મોટાભાઈ અશોકને બધાને ઓળખાણ કરાવતા હતા.

અશોકને બધા પાસેથી એક જ મંત્ર સાંભળવા મળતો હતો … ‘Welcome to America નરી opportunitiesના દેશમાં આવ્યા છો. હજુ જુવાન છો. બે પાંચ વર્ષ સખત મહેનત કરશો એટલે બરાબર જામી જશો. કોઈ પણ કામ કરવામાં શરમ સંકોચ રાખશો નહીં.’

•••

મહિનો પૂરો થતાં આખું ફેમિલી રાજકોટ પાછું પહોંચી ગયું. એક સવારે ચાનાસ્તો કરતાં આશાએ અશોકને યાદ આપી.

‘અશોક, ફેકટરીએ જતાં રસ્તામાં સ્કૂલના પ્રિન્સિપાલને મળીને એમનાં સર્ટિફિકેટ અને બીજા જરૂરી કાગળિયાંની નકલ લેતા આવજો. મોટાભાઈ ત્યાં પ્રતિષ્ઠિત સ્કૂલમાં અગાઉથી એમના એડમિશનની વ્યવસ્થા કરવા માગે છે. આપણી પણ હવે તૈયારી કરવી પડશે ને ?’ 

અશોકે કોઈ જવાબ ના આપ્યો. ચૂપચાપ ચા પીતો રહ્યો.

‘અશોક, મેં કહ્યું તે તમે સાંભળ્યું ?’

‘સાંભળ્યું, આશા. અહીંનો બધો કારોબાર અને વૈભવ છોડીને કાયમને માટે અમેરિકા જવાની મારી ઈચ્છા નથી. બૉસ મટીને હું ત્યાં કોઈની નોકરી નહીં કરી શકું. અને અહીં આપણે શું ઓછું છે ? એટલે કાયમ માટે અમેરિકા જવાની ધૂન તું તારા મગજમાંથી કાઢી નાખ … પ્લીઝ.’ અશોકે બ્રિફકેસ ઉપાડી અને ડૃાઈવરને ગાડી લાવવા બૂમ પાડી.

‘અશોક, તમે અચાનક આ…’

‘આશા, મેં અચાનક નિર્ણય નથી લીધો. બાપુજી અને મોટાભાઈ સાથે વિચારણા કરીને નિર્ણય લીધો છે. જોઈએ તું છોકરાંને લઈને જા. એમની સ્કૂલની અને રહેવાની વ્યવસ્થા કરવા ચારછ મહિના રહેવું પડે તો ત્યાં રહેજે. ખર્ચની ચિંતા ના કરીશ. બધું ગોઠવાઈ જાય પછી નિરાંતે પાછી આવજે.’ ડૃાઈવર ગાડી લઈને આવી ગયો. અશોક ચાલ્યો ગયો.

અશોકના શબ્દો સાંભળીને આશાને જાણે ચક્કર આવી ગયા. પોતે બેભાન થઈને પડી જશે એવું લાગ્યું. જીવનમાં આગળ વધીને પોતાનો વિકાસ કરવાની સોનેરી તકને આ માણસ ઠુકરાવી દે છે !! આશાને જાણે પોતાના શ્વાસ રુંધાતો લાગ્યો. બાળકોનાં ઉજ્વળ ભાવિ માટે અશોકને કેવી રીતે સમજાવવા ? મારાં બાળકોનું ભાવિ, મારાં સપનાં, મારી ઈચ્છાઓ … આ બધાંનું કંઈ જ નહીં ! ‘Wisdom of Marriage’ ક્યાં ગયું ? હવે હું શું કરું ? ગુસ્સે થઈને કકળાટ કરું કે ચૂપચાપ મારાં સપનાંને સળગાવીને અશોકની ઈચ્છા સ્વીકારી લઉં ?

બે મહિના વીતી ગયા. બાળકોને લઈને આશા મોટાભાઈને ત્યાં અમેરિકા આવી. અવારનવાર અશોક સાથે ફોન ઉપર વાત થતી. અમેરિકા આવવા માટે અશોકની સ્પષ્ટ ના હતી. આશાની વિનવણીઓ, કાલાવાલા બહેરા કાને અથડાતાં હતાં. આશાની હાલત કફોડી થઈ ગઈ હતી. અશોકના નિર્ણયથી જીવનનો આનંદ અને ઉત્સાહ જાણે સુકાઈ ગયાં હતાં. અનેક જાતના વિચારોનાં વાવાઝોડાંથી એનું મગજ ફાટફાટ થયા કરતું. અશોક સાથે અમેરિકામાં રહેવાનાં બધાં સપનાં ધૂળમાં મળી ગયાં હતાં !

ડામાડોળ હાલતમાં આમે ને આમ બે વર્ષ વીતી ગયાં. અંતે આશાએ નિર્ણય લીધો. રજીસ્ટર્ડ પોસ્ટથી અશોકને પોતાનો નિર્ણય જણાવવા એ ઑફિસની લાઈનમાં ઊભી રહી. હાથમાં મોટું કવર હતું. હૈયું ધડક ધડક થતું હતું. આંખો વારંવાર ભીની થઈ જતી હતી. કવરમાં વકીલ દ્વારા તૈયાર કરેલા ડિવોર્સનાં કાગળિયાં હતાં. અશોક ગુસ્સે થઈને કાગળિયાં ફાડી નાંખશે કે ‘બલા છૂટી’, એમ કરીને તરત સહી કરીને પાછાં મોકલી આપશે ! ડિવોર્સમાં પોતાને અશોક પાસેથી એક પૈસો પણ જોઈતો નથી, એ સ્પષ્ટતા તો લખી જ દીધી હતી. લાઈનમાં એનો નંબર આવ્યો. રજીસ્ટર લેટરની રિસીટ લઈને પાર્ક કરેલી ગાડીમાં આવીને બેઠી. ધ્રૂસકે ધ્રૂસકે ક્યાં ય સુધી રડી. આ બધું શું થઈ ગયું ?! એને કંઈ સમજાતું નહોતું. ગ્રિનકાર્ડની આ કિંમત ?

e.mail : gunjan_gujarati@yahoo.com

Loading

મંડળી મળવાથી થતા લાભ

નર્મદાશંકર લાલશંકર દવે|Opinion - Literature|19 March 2022

સભાસદ ગૃહસ્થો, આપણા લોકમાં આવી રીતે મંડળી મળવાનો ચાલ પ્રાચીનથી ચાલતો આવેલો સાંભળવામાં તથા જોવામાં આવ્યો નથી; પણ હાલ થોડાં વર્ષ થયાં એ ચાલ નીકળ્યો છે તેથી સૌએ પ્રસન્ન થવાનું છે ને હું થાઉં છઉં. તેમાં વિશેષ કરીને આ મંડળીનો સમારંભ ચાલવો જોઈ બહુ જ આનંદ માણું છઉં. માટે આ પ્રસંગે તમારી આગળ એ જ વિષય ઉપર થોડુંક ભાષણ કરું છઉં તે સાંભળશો.

આ ભાષણથી મુખ્યત્વે કરીને ત્રણ વાત મારે તમને જણાવવી જરૂર છે —

પહેલી આ કે આ દેશમાં મંડળી મળવાનો ચાલ નહીં તેથી શાં શાં નુકસાન થયાં; બીજી વાત આ કે મંડળી મળવાના ચાલથી શા લાભ છે અને ત્રીજી આ કે આપણા લોકે કેવે પ્રકારે મંડળીઓ કહાડવી અને તેમાં કેવી રીતે ભાષણો કરવાં.

એ ત્રણ વાત જણાવતાં પહેલાં મંડળી અથવા સભા શબ્દનો અર્થ શો છે તે જાણવું જોઈએ. ચાર અથવા વધારે માણસો ઇશ્કના ખ્યાલ ટપ્પા ગાવા બેસે, કૅફ કરવા બેસે. કોઈ તરેહનું ટાહેલું કરવા બેસે અને તે માણસોમાં પછી થોડાક વિદ્વાન હોય તોપણ તે મંડળી અથવા સભા મળી છે એમ કહેવાશે નહીં. પણ ચાર અથવા વધારે માણસો એકઠાં મળી કોઈ વિદ્યાજ્ઞાનનાં અથવા લાભ થાય ને જશ મળે તેવાં કામના વિચાર સભ્યતાથી કરે તો તે મંડળી અથવા સભા મળી છે એમ કહેવાશે. — રાજકારભારીઓની, વિદ્વાનોની, વેપારીઓની, વિદ્યાર્થીઓની વગેરેની મંડળી. જ્યાં થોડાઘણા જણ એકસંપ થઈ એકાદાં કાર્ય વિશે રૂડી રીતે ચર્ચા ચલાવતા હોય તે પ્રસંગે મંડળી — સભા શબ્દ પ્રવર્તે છે.

૧. આપણો હિન્દુસ્થાન દેશ ઘણા પ્રાચીન કાળથી જગતમાં પ્રસિદ્ધ છે પણ એની કીર્તિનો પ્રકાશ જે પૂર્વે હતો તે હાલ નથી. કારણ શું? આપણા લોક કહેશે કે એમ થવાનો ઈશ્વરેચ્છા છે. ઉદય અસ્ત, ભરતી ઓટ, ચડતી પડતી જગતમાં થયાં જ કરે છે. હું પણ કહું છઉં કે ઈશ્વરેચ્છાથી સઘળું થયાં કરે છે પણ આ રીતે કે ઈશ્વરના ઠેરવેલા નિયમ પ્રમાણે કારણ ઉપરતી કાર્ય બને છે. કોઈ પણ કાર્યને કારણ અવશ્ય જોઈએ; તો હિન્દુસ્થાનની પડતી દશા આવવાનાં પણ કારણો હોવાં જોઈએ ને એ કારણો ઘણાં છે પણ તેમાં મુખ્ય આ છે કે આપણા દેશમાં રાજવર્ગમાંના ભણેલા ને પ્રજાવર્ગમાંના ભણેલા એઓએ એકઠા મળી રાજનીતિ સંબંધી વિચારો ચર્ચા વડે નક્કી કરવાનો ચાલ રાખેલો નહીં. જુદા જુદા પુરુષો પોતપોતાના સમયમાં પોતપોતાના યશ બતાવતા પણ એક સંપે થતાં કાર્યના જે જશ તેના લાભ લોકને નહોતા મળતા. એકનાં અને છૂટક છૂટક કેટલાંકનાં બળ કરતાં જુદા જુદા સંપનાં ને પછી એકત્ર સંપનાં બળ વિશેષ હોય છે. એ સંપબળ આપણામાં નહીં ને એ સંપબળ વધારવાને ઘણા જણે એકઠાં મળી વિચાર કરવો એ ચાલ આપણામાં નહીં તેથી આપણી દુર્દશા થઈ છે. કોઈ કહેશે કે આપણી દુર્દશા શી થઈ છે? તો જુઓ — આપણાં રાજ્ય ગયાં, આપણી સત્તા ગઈ, આપણાં શૌર્ય ગયાં, આપણાં માન ગયાં, ધન ગયાં ને સુખ ગયાં; આપણે મૂર્ખ, કાયર, નિરુદ્યમી, વ્યસની ને દરિદ્રી થઈ રહ્યાં છીએ. આપણે એવા તો આળસુ ને વિચારશૂન્ય થઈ ગયા છીએ કે આપણને ઉદ્યમ કરવાનું ગમતું નથી, બજારે બજારે મોલ્લે મોલ્લે ને ચકલે ચકલે ભટકી જેનીતેની નિંદા કર્યાં કરવાનું ને જમવા જમાડવાની વાતો કરવાનું ગમે છે. એવી આજકાલ આપણી દશા છે અને મંડળી મળી સંપે વિચાર કરી ઉદ્યમ કરવાનો અભ્યાસ નહીં જારી રાખીએ તો આપણી દશા? જે પ્રમાણે ઢોર પોતાનું પેટ ભરે છે, જે પ્રમાણે આફ્રિકાના સીદી ને ઉત્તર અમેરિકાના ઇંડિયનો પોતાનું ગુજરાન ચલાવે છે તે પ્રમાણે દહાડા પૂરા કરીશું.

૨. આપણે વિદ્યાર્થીઓએ જે આ મંડળી કહાડી છે તેવી મંડળીઓથી બહુ લાભ છે તો મોટા વિદ્વાનોની સભાઓમાં રાજનીતિ ને ધર્મનીતિની ચર્ચા ચાલી રહેતી હોય અને વેપારીઓ કારીગરો પોતપોતાની મંડળીઓમાં પોતાના વિષયની વાતો કરતા હોય તો તે મંડળીઓથી કેટલા બધા મોટા લાભ અવશ્ય થવા જોઈએ. આપણા જેવી મંડળીઓમાં ભાષણો કરવાથી તથા નિબંધો વાંચવાથી ને પછી ચર્ચા ચલાવેથી ભાષા સુધરે છે. મનમાંની વાત સહેલથી બહાર આવી શકે છે, ચારમાં નિર્ભયપણે ને વિવેકે બોલતાં આવડે છે. ઘણી ઘણી વાતોથી જાણ થાય છે, સમજશક્તિ વધે છે ને નવી નવી જુક્તિઓ જડે છે, દુરાચરણ ત્યાગ કરવાનું અને સદાચરણ ગ્રહણ કરવાનું મન થાય છે ને આપણે સદાચારી ઉદ્યમી ને પ્રતિષ્ઠિત થઈએ છીએ.

નિબંધો લખવા ને ભાષણો કરવાં એ કંઈ જેવીતેવી વાત નથી. પોતાનાં મનના વિચાર એક પછી એક એમ સંબંધમાં તકરાર ને દાખલા સાથે અસર કરે તેવી રીતે બહાર પાડવા પડે છે અને એને સારુ વિદ્વાનોનાં મત ને તેઓની લખવાની ઢબ એ પણ જાણી લેવાની જરૂર પડે છે, એ કામનો અભ્યાસ કરવાના પ્રસંગ મંડળીઓ છે.

આપણા દેશમાં ચાલ નહીં તેથી આપણા લોક તરત તો સારી પેઠે સમજી શકશે નહીં પણ જે લોકોમાં મંડળી મળવાનો ચાલ ચાલ્યો આવ્યો છે તે લોકોના વિચાર ઉદ્યમ ને વૈભવ ઉપર જ્યારે આપણા લોક નીઘા રાખતા થશે ત્યારે જેઓને ખાતરીથી સમજાશે કે મંડળીઓ મળવાના ચાલથી મોટા લાભ છે.

પ્રાચીન કાળમાં ઇંગ્લાંડ દેશના લોક કેવળ જંગલી અવસ્થામાં હતા: કેટલાક જાનવરોના શિકાર કરી, કેટલાએક માછલાં મારી, અને કેટલાંએક વૃક્ષોનાં ફળ ખાઈ જેમતેમ ઉદરપોષણ કરતા અને તેઓ એકબીજાથી દૂર ઝૂંપડી બાંધી રહેતા. એવું છતાં તેઓ આજ પુષ્કળ દ્રવ્યસંપત્તિને પામ્યા છે, મોટા વેપારી કહેવાય છે અને ઘણાક દેશમાં રાજ્યસત્તા ચલાવે છે. એ ફેરફાર થવાનાં કારણો જોકે ઘણાં છે. તોપણ તે સંધામાં આ તો ભળેલું જોવામાં આવવાનું જ કે તેઓએ સર્વપ્રસંગે મંડળીમાં વિચાર કર્યા છે ને સંપા કામ કર્યાં છે. જે જે સાચું સુંદર લાભકારી ને જશાળું તે તેનો તેઓએ શોધ કરી સ્વીકાર કરવા માંડ્યો ને એમ તેઓ દહાડે દહાડે જૂની ગેરફાયદાની વાત મૂકતા ગયા ને ફાયદાની વાત લેતા થયા. કોણ નથી જાણતું કે અંગ્રેજ લોક પ્રથમ વેપારીની કંપની રૂપે આ દેશમાં આવ્યા ને દ્રવ્યવાન થયા ને પછી તેઓએ ધીમે ધીમે રાજ્યસત્તા પ્રાપ્ત કરી લીધી! સભાસદ ગૃહસ્થો, ઇંગ્લાંડ, ફ્રાન્સ ને યુનૈટેડ સ્ટેટ્સ એ દેશના લોક પૃથ્વી ઉપરના બીજા દેશો કરતાં હાલ સર્વ પ્રકારે ઉત્તમ સ્થિતિમાં છે તેનું મૂળ કારણ આ છે કે ત્યાં, શહેરે શહેરે, ગામે ગામ, મોલ્લે મોલ્લે ને ચકલે ચકલે મંડળી મળવાનો ચાલ છે. અજ્ઞાન, દુઃખ ને દુરાચરણનો નાશ થઈ સર્વ પ્રકારનાં સુજ્ઞાન, સુખ ને સદાચારની પ્રાપ્તિ થાય છે તે. મંડળી મળી કામ કરવાનો — સંગતિથી, વિદ્યાથી ને સંપથી કામ કરવાનો ચાલ ચલાવેથી થાય છે. લોક ગાંડાના ડાહ્યા, મૂર્ખના વિદ્વાન, દરિદ્રીના ધનવાન અને અરાજ્યના રાજ્યવાન થાય છે તે સૌ મંડળીને જ યોગે.

યુરોપના લોક આફ્રિકાના સીદી લોકને પકડી તેઓને વેચવા લેવાનો ધંધો કરતા. એ ગુલામો બૈરાં બાળક સુધ્ધાં એક ઠેકાણેથી બીજે ઠેકાણે કોઈ ક્યાં ને કોઈ ક્યાં એમ વેચાતાં. એઓને પૂરું ખાવાનું પણ મળતું નહીં. એઓની પાસે ચાબૂકના મારથી કામ લેવામાં આવતું. એ ગુલામીનો ધંધો અને ગુલામ ઉપર સખતી માનવધર્મની ને ક્રિશ્ચિયન ધર્મની વિરુદ્ધ છે એવું કેટલાક વિદ્વાનોની બુદ્ધિમાં આવ્યું ને ઉપરથી તેઓએ સને ૧૭૬૦ પછી મંડળીઓ કહાડી ને તેમાં એ વિશે નિબંધો વાંચી સારી પેઠે ચર્ચા કરી – આવી રીતે કે માણસના કુદરતી સૌના હક સરખા છે, માણસને માણસ વેચવાનો અને તેની શક્તિ ઉપરાંત કામ કરાવવાનો હક નથી, એ કામ ઘણું નિર્દય છે, માટે, એ હીણો ધંધો બંધ થવો જોઈએ. પછી એ ચર્ચા લોકમાં ચાલી ને ઇંગ્લાંડના સત્તાધારીએ એ ધંધો ન કરવા વિશે કાયદો કર્યો. એ કામમાં ટામસ ક્લાર્કસન નામના પુરુષે પોતાની જિંદગી ગુજારી હતી ને જોકે તેને પ્રથમ અણસમજુ ને સ્વારથીઆ લોકની તરફથી બહુ વેઠવું પડ્યું હતું તોપણ તેણે પોતાની અથાક મહેનતનો બદલો જોયો, ને તે આજ એક મોટો પરમાર્થી પુરુષ થઈ ગયો એમ સંધે કહેવાય છે.

સને ૧૮૦૩માં જ્યારે બોનાપાર્ટ યુરોપના દેશોને પાયમાલ કરી ઇંગ્લાંડ ઉપર ચડાઈ કરવાની તૈયારીમાં હતો તે વખત રાબર્ટહાલ વગેરે ઘણાએક દેશહિતેચ્છુ પુરુષોએ પોતાના સ્વદેશીઓને પોતાની પાસે એકઠા કરી ભાષણોથી હિંમત આપી હતી અને સ્વતંત્રતા શી વસ્તુ છે એ સારી પેઠે સમજાવ્યું હતું કે જેથી તેઓ બોનાપાર્ટની તરફથી જે આફતનું વાદળ ચડી આવતું હતું તેને વીખેરી નાખવાને પહાડની પેઠે ઊભા રહેવાને તૈયાર થઈ રહ્યા હતા.

૩. હવે ત્રીજી વાત વિશે: કોઈ પણ રીતનો ફાયદો થાય ને કોઈ પણ રીતનો જશ મળે (નિંદા ન થાય) તેવાં કામના ઉદ્દેશથી મંડળી-સભા કહાડવી. સંપમાં રહી કામ કરાવાને સારુ મંડળી છે તો જે પ્રકારે સંપ વધે. બળ વધે તેવે પ્રકારે તે સ્થાપવી જોઈએ. અદેખાપણું, એકલપેટાપણું, હું ડાહ્યાપણું, અપ્રમાણકપણું, અણવિશ્વાસીપણું, અવ્યવસ્થિતપણું, નિરાશાપણું, કાયરપણું, અવિવેકીપણું ઇત્યાદિ અનીતિ થકી મંડળી ટકતી નથી ને શોભતી નથી. માટે જેમ બને તેમ એ દુર્ગુણો મંડળીના જનોમાં ન જોઈએ. એ દુર્ગુણોથી દૂર રહેવાય અને સદ્ગુણની તથા સંપની વૃદ્ધિ થાય તેવે પ્રકારે મંડળીઓ કહાડવી જોઈએ. મંડળીઓમાં ભાષણ વાદ કરવાની રીત પ્રમાણે હોવી જોઈએ કે જેઓ જે વિષય વિશે વિચાર કરવાને એકઠા થયા હોય તેઓમાંના શક્તિમાન પુરુષોએ વારાફરતી ભાષણો કરી પોતપોતાના વિચારો જણાવવા અથવા એકનું ભાષણ થઈ રહ્યા પછી બીજાઓએ પણ અનુક્રમે ને વિવેકની વાણીમાં પોતપોતાના વિચારો જણાવવા. ઘણી વખત આપણા શાસ્ત્રીઓ સભામાં વાદ કરતાં ક્રોધના આવેશમાં એકબીજાને તુચ્છકારના શબ્દો કહે છે ને વેળાએ મારામારી કરવાને પણ ઊભા થાય છે તે બહુ જ ખોટું છે. તેઓનામાં સભ્યતાનું કર્મ જોવામાં આવતું નથી તેથી તેઓનાં એકઠાં મળવાને સભા મળી છે એમ કહેવું ઘટતું નથી; પછી ઉદ્દેશ ગમે તેટલો સારો હોય તો શું થયું? સભામાં બોલવાના વિવેક પણ અભ્યાસથી પ્રાપ્ત થાય છે માટે અભ્યાસ વધારવાને છોકરાઓએ નાનપણથી જ મંડળીઓ કહાડવાનો ને તેમાં ભાષણો કરવાનો ચાલ પાડવો જોઈએ ને વિદ્વાનોની મંડળીની રીત જોવી જોઈએ.

મંડળી મળવાનો ચાલ આપણા દેશમાં નીકળવા માંડ્યો છે તે આપણા ઉપર રાજ કરનારા અંગ્રેજ લોકનું જોઈને તેઓનાં ઉત્તેજનથી. એઓનો આપણે ઉપકાર માનવાનો છે કે એઓ આપણને ભૂંડી હાલતમાંથી સારી હાલતમાં આણવાને પ્રયત્ન કરે છે પણ તેઓ આપણને જે શીખવે છે તે પ્રમાણે જો આપણે ચાલીશું નહીં તો હાલ જે આપણી હાલત છે તેના કરતાં વધારે નઠારી હાલતમાં આપણે આવી પડીશું. માટે, આપણે પણ મહેનત કરવા માંડવી કે જેથી આપણું નામ જેવું પ્રાચીનકાળમાં પ્રસિદ્ધ હતું તેવું, રે વધારે હાલના જમાનામાં પણ થાય. ઉદ્યમ ને ધન, વિદ્યા ને જ્ઞાન, શૂરાતન ને જય, સદાચાર ને કુલીનતા એ સર્વ મંડળીઓ કહાડ્યાથી જ વધશે — કેમ કે સુધારાનો મૂળ પાયો મંડળી — સપ છે. કહેવત છે કે ‘જીવ જાય તો સારું પણ જીવનગાળો જાય તે માઠું’ — અજ્ઞાન ને નિર્ધન એવી હાલતમાં રહેવું તેના કરતાં મરી જવું બહેતર છે. માટે આપણે સંપ રાખવાનો અભ્યાસ જારી રાખવો કે જેથી આપણો તથા આપણા પરિવારનો જીવ પણ જાય નહીં ને જીવનગાળો પણ જાય નહીં.

સૌજન્ય : https://ekatra.pressbooks.pub/gujaratinibandhsampada/chapter/મંડળી-મળવાથી-થતા-લાભ/

Loading

...102030...1,7361,7371,7381,739...1,7501,7601,770...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved